પરફ્યુમ (પ્રકરણ ૩)

11 January, 2023 11:50 AM IST  |  Mumbai | Rashmin Shah

સુનયના ચેમ્બરની બહાર નીકળી ત્યાં સુધી ઇન્સ્પેક્ટર દીવાનના મોબાઇલની રિંગ પૂરી પણ થઈ ગઈ અને દીવાને કૉલ-બૅકની તસ્દી સુધ્ધાં લીધી નહીં. લે પણ ક્યાંથી, તેનું મન ઑલરેડી દુબઈ, પરફ્યુમ અને ફ્રૅગ્રન્સની દિશામાં કામે લાગી ગયું હતું

પરફ્યુમ (પ્રકરણ ૩)

ચેમ્બરની બહાર નીકળવા માટે સુનયનાએ વિરુદ્ધ દિશામાં પગ ઉપાડ્યા કે તરત તેની પીઠ પાછળ અવાજ સંભળાયો, ‘તમે આ જે પરફ્યુમ કર્યું છે એ બહુ જાણીતી ફ્રૅગ્રન્સ છે...’
‘તમને પણ ગમી?!’ પુછાયેલા સવાલની સામે સુનયનાએ પહેલાં પ્રતિપ્રશ્ન કર્યો અને પછી તરત જ જવાબ પણ આપ્યો, ‘અરેબિક ફ્રૅગ્રન્સ છે. દુબઈથી લાવી છું. ઍક્ચ્યુઅલી આ ફ્રૅગ્રન્સ પહેલી વાર મેં લતા આન્ટી પાસે જોઈ અને એ પછી હું પણ...’ ‘લતા આન્ટી કોણ?’

‘પપ્પાના ફ્રેન્ડ છેને મહાજન અંકલ...’ સુનયનાએ જવાબ આપ્યો, ‘તેમનાં વાઇફ. સુનયના આન્ટીના ઘણા ફૅમિલી મેમ્બર્સ રહે છે એટલે તે સહેલાઈથી આ અરેબિક ફ્રૅગ્રન્સ મગાવી લે અને હું જ્યારે જાઉં ત્યારે એકસાથે ચાર-પાંચ બૉટલ લઈ આવું.’
જવાબની સાથે ઇન્સ્પેક્ટર દીવાનના મનમાંથી ફ્રૅગ્રન્સનું બાષ્પીભવન થઈ ગયું અને મન બીજી દિશામાં વળી ગયું. જોકે સુનયના તો હજી પણ ફ્રૅગ્રન્સ સાથે જ આગળ વધતી હતી.
‘નિયમિત દુબઈ જાઓ છો?’
‘હા, ઑલમોસ્ટ...’ સુનયનાએ જવાબ આપ્યો, ‘આમ પણ દુબઈ દૂર પણ ક્યાં છે. કન્યાકુમારીથી કાશ્મીર જાઓ એનાથી ઓછી વારમાં તમે દુબઈ પહોંચી જાઓ.’
‘તમારા જેવા મોટા માણસોને એ બધું...’ દીવાનને થોડું ઇન્ફિરિયર ફીલ થતું હતું. પોતે પહેલી વાર દુબઈ ગયો અને તેને માટે પણ તેણે ફાઇનૅન્શિયલ પ્લાનિંગ કરવું પડ્યું હતું, જ્યારે આ છોકરી પૈસાને બદલે સમયની ગણતરી કરાવે છે.

‘ના સર, એવું નથી...’ સુનયના પાછી ફરી, ‘દુબઈ જવામાં હવે બહુ એક્સપેન્સ પણ નથી થતો. તમે માનશો, અમારું આ જે ધી હોમ અપાર્ટમેન્ટ છે એમાં એક વૉચમૅન છે એ પણ હમણાં દુબઈ ફરી આવ્યો. નાઉ દુબઇ ઇઝ નૉટ અ બિગ ડીલ.’
‘હંઅઅઅ...’ દીવાને વાત ફરી ફ્રૅગ્રન્સ પર લીધી, ‘આ ખરેખર સરસ ફ્રૅગ્રન્સ છે. ટિપિકલ આરબોના ઘરમાં જોવા મળે એવી ફ્રૅગ્રન્સ.’
‘ઍક્ચ્યુઅલી.’ સુનયના ઉત્સાહથી જવાબ આપતી હતી, ‘દખૂન ફ્રૅગ્રન્સ કહે આને. બૂખર અને દખૂન બન્ને ઑલમોસ્ટ સેમ હોય, પણ આરબી એ પણ ઓળખી લે.’
આ વાત લંબાઈ હોત જો દીવાનના મોબાઇલની રિંગ ન વાગી હોત.
મોબાઇલની રિંગ વાગી એટલે દીવાને સ્ક્રીન પર જોયું અને પછી તરત જ સુનયના સામે જોઈને તેને જવાબ આપ્યો,
‘હેડ ઑફિસ કૉલ... નીડ સમ પ્રાઇવસી...’ ‘શ્યૉર. હું નીકળું...’

સુનયના ચેમ્બરની બહાર નીકળી ત્યાં સુધી ઇન્સ્પેક્ટર દીવાનના મોબાઇલની રિંગ પૂરી પણ થઈ ગઈ અને દીવાને કૉલ-બૅકની તસ્દી સુધ્ધાં લીધી નહીં. લે પણ ક્યાંથી, તેનું મન ઑલરેડી દુબઈ, પરફ્યુમ અને ફ્રૅગ્રન્સની દિશામાં કામે લાગી ગયું હતું.

 

- સિમ્પલ વાત છે, એ ફ્રૅગ્રન્સ દુબઈનાં ટિપિકલ જે પરફ્યુમ હોય છે એ અરેબિક ફ્લેવર્ડની હતી. આ જ ફ્રૅગ્રન્સ તેને પંડિતના ફ્લૅટમાંથી આવી હતી. સુનયનાનું કહેવું છે કે એ તેની ફેવરિટ ફ્રૅગ્રન્સ છે અને પોતે એ જ ફ્રૅગ્રન્સનાં પરફ્યુમ વાપરે છે તો સુનયનાએ જ કહ્યું છે કે લતા આન્ટી પણ આ ફ્રૅગ્રન્સ વાપરે છે. મતલબ કે આ પરફ્યુમ કરેલી આ બેમાંથી એક વ્યક્તિ અંતિમ ક્ષણોમાં પંડિતને મળી છે અને કાં તો પંડિતનું મોત થયું એ સમયે એ વ્યક્તિ ફ્લૅટમાં હાજર હતી. એનો સીધો અર્થ એવો થાય કે એ વ્યક્તિનું પંડિતના મોત સાથે કનેક્શન છે.
ઇન્સ્પેક્ટર દીવાનનું દિમાગ સતત ભાગતું હતું. સૂસવાટા મારતા વિચારો તેના મનમાં ફરી રહ્યા હતા.

- બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ છે સુનયના. ફ્રૅગ્રન્સની દૃષ્ટિએ પણ આ વાત લાગુ પડે છે તો સાથોસાથ લાગણીની દૃષ્ટિએ પણ આ જ વાત લાગુ પડે. સગો બાપ મરી ગયાને ચોવીસ કલાક હજી માંડ પૂરા થયા છે ત્યાં આ છોકરી ઘરેથી નીકળતી વખતે પરફ્યુમ કરે છે અને એ પણ પોલીસ-સ્ટેશન આવે છે ત્યારે. મોઢા પર એવું કહે છે કે પપ્પાના મોતનું દુઃખ મારી મા કરતાં પણ મને વધારે થયું છે. માણસ જ્યારે ઇમોશનલી હર્ટ થયો હોય ત્યારે તેને નાહવા-ધોવાનું પણ સૂઝે નહીં, પણ આ છોકરીને પરફ્યુમ યાદ રહે છે.
દીવાને બીજી દિશામાં તેનું દિમાગ લગાવ્યું.

- લતા આન્ટી પણ આ જ પરફ્યુમ વાપરે છે એનો અર્થ એવો પણ થઈ શકે કે લતા આન્ટી અને પંડિતને પણ રિલેશન હોઈ શકે. પૉસિબલ છે. લતા આન્ટીને સુનયના પહેલેથી ઓળખે છે અને એ સતત એ લેડીનાં વખાણ પણ કરતી રહે છે જેને તેના પપ્પા સાથે રિલેશન છે. વખાણ પણ કરે છે અને એનો આભાર પણ માને છે. બની શકે કે દીકરી પહેલેથી જ જાણતી હોય કે લતા આન્ટી અને પપ્પા વચ્ચે રિલેશન છે અને તેઓ બન્ને સુનયનાને સૌથી સારી રીતે સાચવી પણ રહ્યાં હોય.
- પૉસિબલ, ક્વાઇટ પૉસિબલ અને એ પણ પૉસિબલ કે શંકરે જે લેડીને જોઈ હોય એ લેડી બીજી કોઈ નહીં, આ લતા આન્ટી જ હોય.
દીવાન બેડ પરથી ઊભો થઈ ગયો.

- પૉસિબલ છે, શંકર જે એજ-ગ્રુપ કહે છે એ જ એજ-ગ્રુપમાં લતા આવે. લતાની એજ અને શંકરનું વર્ણન બન્ને ઑલમોસ્ટ એકબીજા સાથે મૅચ થાય છે.
દીવાન સીધો પોતાનની સ્ટડીરૂમમાં ગયો અને તેણે ટેબલ પર પડેલું પૅડ હાથમાં લઈને પૅઇન્ટ્સ લખવાનું શરૂ કર્યું. અત્યાર સુધીમાં તેની સામે બે શકમંદ આવ્યા હતા, પણ જેવા એ બન્નેનાં નામ તેણે પેપર પર લખ્યાં ત્યાં જ તેના દિમાગમાં પોખરણમાં થયો હતો એવો ન્યુક્લિયર બૉમ્બનો બ્લાસ્ટ થયો. શંકર.

આ પણ વાંચો : પરફ્યુમ (પ્રકરણ ૧)

‘નાઉટ દુબઈ ઇઝ નૉટ અ બિગ ડીલ. ધ હોમ અપાર્ટમેન્ટનો એક વૉચમૅન પણ હમણાં દુબઈ ફરી આવ્યો.’
એ શંકર હોય તો? દીવાનના મગજની નશો ફાટવા માંડી.

- હા, શંકર હોઈ શકે છે. શંકર જ એ વ્યક્તિ હતી જેણે સૌથી પહેલાં પોલીસને એટલે કે પોતાને ફોન કરીને ઘટનાની જાણ કરી અને એ સ્તરે બધી ઇન્ફર્મેશન આપી જાણે આ આખી ઘટના કોઈ સામાન્ય ઘટના હોય જ નહીં. નાનામાં નાની અને ટૂંકામાં ટૂંકી ઇન્ફર્મેશન પણ શંકરે પૂરી ડિટેઇલ સાથે આપી. શંકર હોઈ શકે.
- પણ કારણ શું અને ધારો કે શંકર હોય તો શું કામ સુનયના તેને બચાવવાની કોશિશ કરે? સુનયના જેકંઈ બોલતી હતી કે કહેતી હતી એનાથી પેલી લેડી પરની શંકા ઓછી થાય છે અને તે એ લેડીને બચાવવાની કોશિશ કરે તો સમજી શકાય, પણ ધારો કે એ લેડી આ આખા કેસમાં ક્યાંય હોય જ નહીં તો?
ઇન્સ્પેક્ટર દીવાનના મસ્તકમાં હવે હથોડા પડતા હતા. સાવ સીધોસાદો અને સરળ લાગતો કેસ અચાનક જ એટલો ગૂંચવાયો હતો કે કલ્પના પણ ન થઈ શકે. 
ફ્રેન્ડની વાઇફ, દીકરી અને વૉચમૅન.

શંકાના વર્તુળમાં આ ત્રણ શખ્સ હતા. 
- માત્ર શંકા ન ચાલે, મર્ડર માટેનો મોટિવ પણ હોવો જોઈએ. શકમંદ એક કરતાં વધારે હોય ત્યારે મોટિવના આધારે એક પછી એકને શકના દાયરામાંથી દૂર કરતા જવાના.
પોલીસ ટ્રેઇનિંગ દરમ્યાન એક લેક્ચરમાં કહેવાયેલા શબ્દો યાદ કરતો દીવાન ફરી બેડ પાસે આવ્યો. હવે તેને ઊંઘ નહોતી આવવાની એ નક્કી હતું, પણ શરીરને આરામ આપવા સિવાય તેની પાસે બીજો કોઈ છૂટકો પણ નહોતો.
બેડ પર લંબાવ્યા પછી પણ દીવાનનું દિમાગ તો એ જ દિશામાં દોડતું રહ્યું. દોડતા મનને રોકવાના પ્રયાસ વિના જ દીવાને આંખો બંધ કરી અને સવાર પડવાની રાહ જોવાનું શરૂ કર્યું, તો સાથોસાથ સવારની સ્ટ્રૅટેજી પણ મનમાં ક્લિયર કરવાની શરૂઆત કરી.
lll

‘મારે એક વાત જાણવી છે...’ પંડિતની વાઇફ માધવી સામે જોઈને દીવાને પૂછ્યું, ‘લાંબા સમયથી હાર્ટનો પ્રૉબ્લેમ હતો તો તમારા હસબન્ડ નિયમિત મેડિસિન તો સાથે રાખતા હશેને...’
‘રાખતા જ, પણ હું એ બધામાં બહુ ચંચુપાત નહોતી કરતી.’ કડવાશ સાથે માધવીએ કહ્યું, ‘તેઓ પોતાનું ધાર્યું જ કરતા. ડૉક્ટરે તો સેલ્ફ-ડ્રાઇવની પણ ના પાડી દીધી હતી, પણ તેઓ માન્યા જ નહીં. ખોટું કરવું હોય તે થોડા પોતાની સાથે કોઈને રાખે.’
છેલ્લા વાક્ય પર ધ્યાન આપ્યા વિના જ દીવાન માધવી સામેથી ઊભો થઈ ગયો. તે નહોતો ઈઇચ્છતો કે મહાજન કે સુનયનાને તેના આગમનની જાણ થાય. આ જ રીતે હજી તેણે ત્રણ-ચાર જગ્યાએ જવાનું હતું. એકબીજાને ખબર ન પડે એની સાવચેતી સાથે.
દીવાનનું નેક્સ્ટ સ્ટૉપ હતું ધ હોમ અપાર્ટમેન્ટની સિક્યૉરિટી ચેમ્બર.

lll આ પણ વાંચો : પરફ્યુમ (પ્રકરણ ૨)

‘શું છે શંકર...’ જીપમાંથી દીવાન બહાર આવ્યો કે શંકર સામેથી મળવા આવી ગયો, ‘ઑલ વેલ?’
‘અરે સર, આપ કી દુઆ રહેગી તો સબ કુલવેલ હી રહેગાના...’
‘કોઈ ઔર ખબર?’ દીવાને અપાર્ટમેન્ટ તરફ જોયું, ‘દો દિન સે તૂને કુછ બતાયા નહીં હૈ...’
‘અરે સા’બ, જો થા વો તો બતા દિયા...’ શંકર દીવાનની નજીક આવ્યો, ‘પતા ચલા પંડિતસા’બ કે કેસ મેં?’
‘ઇન્ક્વાયરી ચલ રહી હૈ, દેખતે હૈં ક્યા નિકલતા હૈ...’ દીવાનને સપાટ અવાજમાં જ કહ્યું, ‘લગતા તો નૅચરલ ડેથ હી હૈ... શાયદ ફાઇલ બંધ કરની પડે.’
શંકર ચૂપ રહ્યો એટલે દીવાને વાતનો ટૉપિક બદલાવ્યો.

‘અરે સાલે હરામી, તૂ દુબઈ જા કર આયા ઔર બતાતા ભી નહીં હૈ...’ દીવાનની જીભ પર ગાળ હતી, પણ ચહેરા પર સ્માઇલ હતું, ‘ખજૂર લાયા કિ નહીં?’
‘અરે સા’બ... લાયા ના, પર મુઝે લગા કિ આપ કો કૈસે દૂં મૈં?’ શંકરે લાગણી સાથે કહ્યું, ‘અપન છોટા આદમી ઔર આપ...’
કન્ફર્મ, અહીંથી જે સિક્યૉરિટી ગાર્ડ દુબઈ ગયો હતો એ શંકર જ છે.
‘ખજૂર કે અલાવા ક્યા લાયા વો બોલ?’ શંકર જાણે ભાઈબંધ હોય એમ દીવાને તેના ખભા પર હાથ મૂક્યો, ‘પરફ્યુમ મેં ઇન્ટરેસ્ટ હૈ... હૈ તો બોલ?’
‘અરે છેને સાહેબ...’ શંકરે ઉત્સાહ સાથે કહ્યું, ‘ત્યાંનું ફેમસ કહેવાય એ પરફ્યુમ લાવ્યો છું. લગાડો એટલે આખો દિવસ મઘમઘાટ અકબંધ રહે.’
અચાનક યાદ આવ્યું હોય એમ શંકરે ખિસ્સામાં હાથ નાખ્યો.
‘એ લોકો છેને, મોટી બાટલી સાથે આ નાની બાટલી એમનેમ આપે...’ શંકરે ટેસ્ટર દીવાન સામે ધર્યું, ‘મને એમ કે બીજા કોઈને આપીશ, પણ તમે લઈ લ્યો. ગમે તો કહેજો મોટી બાટલી પણ તમને પહોંચાડી દઈશ.’

પરફ્યુમનું નોબ ખોલી દીવાને એક સ્પ્રે હથેળીની પાછળના ભાગ પર કર્યો અને પછી એ નાક પાસે ધર્યો.
એ જ ખુશ્બૂ, ઓળખાઈ જાય એવી અરેબિક ફ્રૅગ્રન્સ.
શંકા સાચી ઠરતી હોય એમ દીવાનના મનમાં હવે શંકાસ્પદની યાદીમાં ત્રીજું નામ પણ ઉમેરાઈ ગયું હતું, શંકર શ્રીવાસ્તવ. બસ, હવે મોટિવ માત્રની તપાસ હતી, જે ગણતરીના કલાકોમાં દીવાનની સામે અચાનક પ્રકટ થવાનો હતો.

વધુ આવતી કાલે

columnists Rashmin Shah