મર્યાદા (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૧)

02 August, 2021 11:42 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘દોસ્તોને જાણવા માટે ઉંમર પડી છે, મૅડમ. અત્યારે તો આપણા માટે ટુ ઇઝ કંપની ઍન્ડ થ્રી ઇઝ ન્યુસન્સનો દોર છે, એને તો માણીએ!’

મર્યાદા (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૧)

‘કિતને અજીબ રિશ્તે હૈં...’
લૉન્ગ ડ્રાઇવ, લતાનાં ગીતો, મસ્ત મોસમ અને મનચાહ્યા સાથીનો સંગાથ... જિંદગી ખુશનુમા છે એવું માનવા માટે બીજું શું જોઈએ!
લાવણ્યાએ ખુમાર અનુભવ્યો.
ઍન્ડ આઇ થિન્ક આઇ ડિઝર્વ ઇટ. રૂઠેલી કિસ્મત લાંબા સમયે પલટી છે... લાવણ્યા વાગોળી રહી - ‘નાનપણમાં પિતા ગુમાવ્યા અને ભણવાનું પૂરું થાય ત્યાં માએ પિછોડી તાણી. સંસારમાં સાવ એકલી પડ્યા પછી બોરીવલીનું બે બેડરૂમનું ઘર ખાવા ધાતું.’ 
જોકે કેવળ આંસુ સારવાથી ચાલવાનું નહોતું એ થોડા દહાડામાં સમજાઈ ગયું. માની બચતમૂડી યથાવત્ રાખવી હોય તો ગુજરબસર માટે હવે કમાવું પણ પડશે. માએ કદી આ જવાબદારીનો ભાર દીકરી પર આવવા નહોતો દીધો. લાવણ્યાને સમજ હતી કે આજીવિકા માટે મારે કંઈક એવું કરવું પડે જેમાં મારી માસ્ટરી હોય, મને ઇન્ટરેસ્ટ હોય.
આવી તો એક જ ચીજ 
હતી - મૉડલિંગ!
નાનપણથી લાવણ્યા મૉડલની સ્ટાઇલમાં ફોટો પડાવતી, નવાં કપડાં આવે એટલે ઘરે મમ્મીને રૅમ્પવૉક દેખાડતી. ત્યારે કંઈ મોડલિંગને કરીઅર બનાવવાનો અભિગમ નહીં કે એવી સભાનતા પણ નહીં. બસ, કેવળ આવું કરવાનું ગમતું. હવે ગમતાંનો ગુલાલ કરી આર્થિક ઉપાર્જન કરવાનો સમય આવી ગયો! રૂપાળી તો હતી જ, આત્મવિશ્વાસુ પણ ખરી. પોર્ટફોલિયો તૈયાર કરાવી મૉડલિંગ એજન્સીનાં ચક્કર કાપવા માંડી. નાનું-મોટું કામ મળતું ગયું એથી આત્મશ્રદ્ધા વધી - ‘આયૅમ ઑન ટ્રૅક!’
બિગ બ્રેક જોકે દૂર જ રહ્યો. એને માટે મૉડલે કરવાં પડતાં સમાધાન લાવણ્યાથી છૂપાં નહોતાં, ને પોતે એવું કંઈ કરવા માગતી નહોતી, ‘મારે ટૅલન્ટના જોરે આગળ આવવું છે, એક્સવાયઝેડને રીઝવીને નહીં.’
‘તારો આ જ ઍટિટ્યુડ તને કિલર ઇન્ટટિક્ટ આપે છે.’
અભિમન્યુના શબ્દો પડઘાતાં અત્યારે પણ લાવણ્યાના બદન પર સુરખી પ્રસરી ગઈ,
‘હજી માંડ ત્રણ મહિના અગાઉ એકાદ મૅગેઝિનના સ્પેશ્યલ અંકના કવરપેજ-શૂટ માટે અમે મળ્યાં અને આજે એવું લાગે છે જાણે અમે જનમ-જનમનાં સાથી છીએ...’
શૂટિંગનો પ્રોગ્રામ ઉદયપુરમાં હતો. મૉડલિંગ ફીલ્ડમાં દોઢેક વર્ષના અનુભવ પછી લાવણ્યામાં ફોટો ટેક્નિકની સમજ વિકસી હતી અને મૅગેઝિન માટે શૂટ કરવા આવેલા અભિમન્યુમાં તેને કુછ હટકે લાગ્યું. તેના કૅમેરાના ઍન્ગલ્સ, ધૂપછાંવની સૂઝ, કલર કૉમ્બિનેશનની સ્કિલ સાચે જ અદ્ભુત હતી. ‘પોતાનાથી ચારેક વર્ષ મોટો, અઠ્ઠાવીસેક વર્ષનો જુવાન હતોય કેટલો સોહામણો! એવો જ મળતાવડો અને હસમુખો. તે પોતે એસ્ટૅબ્લિશ્ડ ગણાય, તોય ચાર દિવસના આઉટડોર લોકેશન્સમાં લાગવા જ ન દીધું કે અમે પહેલી વાર મળ્યાં છીએ.’
‘તમે મૉડલિંગ કેમ નથી કરતાં?’ પહેલા દિવસના બ્રેકમાં લાવણ્યાએ પૂછી લીધું.
‘મને આવું ઘણાએ પૂછ્યું છે...’ તે મલકેલો. તેના ગાલમાં પડતા ખંજનને લાવણ્યા તાકી રહેલી.
‘પણ મને મૉડલિંગ કરતાં મૉડલને નિખારવાનું વધુ ચૅલેન્જરૂપ લાગે છે.’
અભિમન્યુના બોલમાં સચ્ચાઈ વર્તાઈ. લાવણ્યા અભિભૂત થઈ. પોતે સમાધાન નથી સ્વીકાર્યાં જાણીને અભિમન્યુએ પણ સલામી ઠોકી.
‘ચાર વર્ષની કારકિર્દીમાં મોટાં-મોટાં નામ મને ફેક લાગ્યાં છે, તારા જેવી ફ્રેશ ટૅલન્ટ સામે હોય ત્યારે મારા કૅમેરામાં માનો જીવ આવી જાય છે.’
આવા જુવાન સાથે મિત્રતાની ધરી રચવા ચાર દિવસનો સંગાથ પૂરતો હતો. મુંબઈમાં પણ બન્ને મળતાં રહ્યાં. 
પોતાની જેમ અભિમન્યુ પણ સંસારમાં એકલો હોવાનું જાણી લાવણ્યાએ અનોખાં સ્પંદન અનુભવ્યાં. મલાડની તેની રૂમ પર જતી ત્યારે હકથી કિચનમાં ડિનર બનાવતી અને અભિમન્યુ તેને મુગ્ધપણે તાકી રહેતો એ ગમતું.
‘લાવણ્યા, મારે કંઈક કન્ફેસ કરવું છે.’
ગયા મહિને તેના ફ્લૅટની બાલ્કનીના હીંચકે બેઠાં હતાં ત્યાં અચાનક જ અભિએ ઊભા થઈ એટલું ગંભીરપણે કહ્યું કે લાવણ્યાની છાતી ધડકી ગયેલી, ‘જાણે શું વાત હશે?’
ત્યાં તો અભિ ઘૂંટણિયે ગોઠવાયો, ‘આઇ લવ યુ!’
‘હેં!’ લાવણ્યા માટે એ સુખનો સાક્ષાત્કાર હતો.
પ્રણયના એકરાર-સ્વીકાર પછી અભિને ત્યાં તેનો આવરોજાવરો વધી ગયો.
‘બહેન, તું સારા ઘરની લાગે છે.’
હજી પંદરેક દહાડા અગાઉ, પોતે અભિની ડોરબેલ રણકાવી કે બાજુના ફ્લૅટમાંથી પાડોશણ આન્ટીએ ડોકિયું કર્યું. પોતાને સારા ઘરની ગણાવી તેમણે નિઃશ્વાસ નાખ્યો, ‘અહીં આવનારીઓ સારા ઘરની જ હોય છે, પણ અહીંથી ગયા પછી સારા ઘરની રહેતી નહીં હોય તો જ તો તારો બંદો હજી પરણ્યો નથી!’
વૉટ ધ હેલ. આ બાઈ મારા અભિ વિશે ઘસાતું બોલે છે! કંઈનું કંઈ સંભળાવી દેવું હતું લાવણ્યાએ, પણ ત્યાં દરવાજો ખૂલ્યો ને બાજુવાળાં આન્ટીને તેમના ઉંબરે ભાળીને અભિએ લાવણ્યાને તરત અંદર ખેંચી લીધી. જોકે તેનો દરવાજો બંધ થાય એ પહેલાં આન્ટીનો અવાજ જરૂર સરકી આવ્યો - ‘વળી આની રાસલીલા શરૂ!’
‘હાઉ ડેર શી.’ લાવણ્યા સમસમી ગઈ, ‘અભિ, નેબર્સ સાથે તમારે મનમેળ નથી?’
‘ક્યાંથી હોય, લાવણ્યા?’ અભિએ ખભા ઉલાળેલા, ‘આ ઉર્વશી આન્ટીની જુવાન દીકરી છે. આન્ટીની ઇચ્છા તેને મારી સાથે પરણાવવાની છે, પણ મને પાત્ર ગમવું પણ જોઈએને! મેં વિનમ્રતાથી ઇનકાર જતાવ્યો, બસ ત્યારથી હું તેમને માટે અળખામણો ઠરી ગયો! જે આવે તેને મારી વિરુદ્ધ ભડકાવતાં રહે છે...’
ઓહ, પુઅર અભિ! બાકી તેમના મર્યાદાપાલનની હું સાક્ષી છું. તેમણે કદી એકાંતનો ગેરલાભ નથી લીધો. એટલે તો અભિ મારું અભિમાન છે!
‘શું થાય, લગ્નનું મુરત પણ ઢૂંકડું નથી, બાકી તને વરીને બાઈની બોલતી બંધ કરી દેત!’
આવું કહેનારા પિયુ પર કઈ પ્રિયતમા ન ઓવારે?
‘ચલ, એના કરતાં બેચાર દિવસ ક્યાંક દૂર ફરી આવીએ. કામમાં બ્રેક, પાડોશણની પંચાતમાં બ્રેક.’ અભિએ ચપટી વગાડી, ‘બહુ દૂર ન જવું હોય તો દમણ જઈ આવીએ. તું દમણ નથી ગઈને? હું ત્રણેક વાર ગયો છું. ઓહ, બહુ એક્ઝૉટિક પ્લેસ છે. ત્યાંનો દરિયો ગોવા જેટલો ચોખ્ખો નહીં, પણ પોર્ટુગીઝ શૈલીનાં મકાનો અને ફોર્ટ જોઈ દિલ 
ખુશ થઈ જશે. હું મારા ફ્રેન્ડની મોટી કાર લઈ લઈશ.’
‘ફ્રેન્ડ.’ લાવણ્યાને થયું મારે તો કોઈ અંગત સખી જ નથી, પણ લાગે છે અભિનું મિત્રવર્તુળ વિશાળ હોવું જોઈએ. તોય તેમના વિશે પોતે જાણતી જ નથી!
‘દોસ્તોને જાણવા માટે ઉંમર પડી છે, મૅડમ. અત્યારે તો આપણા માટે ટુ ઇઝ કંપની ઍન્ડ થ્રી ઇઝ ન્યુસન્સનો દોર છે, એને તો માણીએ!’
લાવણ્યાથી ઇનકાર ન થયો.
-‘અને જુઓ, શુક્રની આજની બપોરે અમે હવે દમણ પહોંચી પણ જવાનાં.’
વિચારમેળો સમેટતી લાવણ્યાએ કેફ ઘૂંટ્યો - ‘અમારા આ પ્રથમ હૉલિડેને યાદગાર બનાવી દેવો છે, બસ!’
દમણમાં શું થવાનું હતું એની લાવણ્યાને ક્યાં ખબર હતી?
lll
‘અદ્ભુત!’
સામે ઘૂઘવતા દરિયાને જોઈને લાવણ્યાએ પ્રસન્નતા અનુભવી.
આપણને આઝાદી ભલે ૧૯૪૭માં મળી, હાલમાં યુનિયન ટેરેટરી ગણાતું દમણ તો જોકે દીવ-ગોવા જોડે પોર્ટુગીઝ શાસનમાંથી ઠેઠ ૧૯૬૧માં આઝાદ થઈ ભારતમાં ભળ્યું. દમણના પાછા બે ભાગ છે - નાની દમણ, મોટી દમણ. દમણગંગા નદી પરના પુલ દ્વારા બે હિસ્સા જોડાયેલા છે. દેવકા બીચ, જમ્પોર બીચ, લાઇટહાઉસ, ફોર્ટ, જેટી ફરવા ઉપરાંત ટૂરિસ્ટોને અહીંની મુખ્ય માર્કેટના શૉપિંગનું પણ ઘેલું હોય છે. જોકે દક્ષિણ ગુજરાતના લહેરીલા ગુજરાતીઓ માટે દમણ એટલે પીવાનું સ્થાન! લિકરનો વ્યાપાર દમણની બૅકબૉન છે...
બપોરે કાર દમણની હદમાં પ્રવેશી એટલે પ્રદેશની માહિતી આપીને 
અભિએ ઉમેરેલું, ‘આમ તો દમણમાં હોટેલ-ગેસ્ટહાઉસની કમી નથી, પણ મેં આપણા બજેટને અનુરૂપ ફાર્મહાઉસ ભાડે રાખ્યું છે.’
જમ્પોર બીચને સમાંતર, વસ્તીથી અંતરિયાળ આવેલી ફાર્મહાઉસની એક માળની વિલા જોઈ લાવણ્યા ઝૂમી 
ઊઠેલી. આસપાસ ગાઢ વનરાજી ને સામે ઘૂઘવતો દરિયો!
‘ઓપન ટેરેસવાળી ઉપરની રૂમ તારી, હું નીચેની રૂમમાં સૂઈ જઈશ.’
અભિની આ ઠાવકાઈને કારણે જ તો પોતાને તેની સાથે નીકળવામાં સંકોચ નહોતો થયો... ફ્રેશ થઈ પોતે ક્યારની ટેરેસમાં ઊભી છે, તોય મન ધરાતું નથી!
‘તૈયાર થઈ ગયાં હો મૅડમ તો ફરવા જઈએ?’ નીચેથી અભિનો સાદ સંભળાયો.
‘કમિંગ, ડાર્લિંગ.’
lll
 ‘તમારા કસ્ટમ ઑફિસર હોવાનો શું ફાયદો, અમર? આપણે તો લારી પરની સૅન્ડવિચ જ ખાવાની.’
બહુ ઝીણા સાદે બોલી હતી ધારિણી, 
તોય ઑર્ડર આપવા તેમની નજીક ઊભેલી લાવણ્યાના કાને શબ્દો પડ્યા.
ઓહ, દેવકા બીચની ફેમસ સૅન્ડવિચની લારી આગળ મારા પડખે ઊભા નવજુવાન દંપતીમાં પતિ કસ્ટમ ખાતાનો ઑફિસર છે, પોતાનો રૂબાબ જતાવ્યા વિના સામાન્ય આદમીની જેમ લારી પર ઊભો છે એ કદાચ તેની પત્નીને નથી ગમ્યું. દેખાવમાં તો બન્નેની જોડી જામે છે. જીન્સ-ટી-શર્ટના સિવિલિયન પોશાકમાં કસ્ટમ ઑફિસરનું સ્નાયુબદ્ધ શરીર શોભે છે. તેની મુખરેખામાં ભારોભાર આકર્ષણ છે. એમ તો બ્લુ ગાઉનમાં તેની વાઇફ પણ કમ આકર્ષક નથી.
‘મને તો હતું કે તમે કસ્ટમમાં છો એટલે બહુ જલદી આપણે ગાડી-બંગલાવાળાં થઈ જઈશું, પણ લગ્નનાં બે વર્ષથી આપણું તો એ જ સરકારી ક્વૉર્ટર! તમે સ્મગલર ટુકડી પર ધાક બેસાડી હોય તો એમાં આપણું શું દળદર ફીટ્યું? ન બઢતી મળી, ન પગારવધારો!’
પતિની આર્થિક પહોંચ બાબતે પત્નીને વધતેઓછે અંશે કચવાટ રહેતો જ હોય છે અને વેળાકવેળા ઊભરાઈ પણ આવતો હોય છે, પણ તેને દરેક કિસ્સામાં યોગ્ય ઠેરવી શકાય નહીં. આ બાનુના શબ્દો પરથી જ સ્પષ્ટ છે કે તેમનો હસબન્ડ અમર જાંબાઝ અધિકારી છે, પોતાની ફરજમાં અગ્રેસર છે અને પ્રામાણિક પણ છે. બાકી લાંચરુશત લેતો હોત તો ગાડી-બંગલો વસાવવામાં વાર ન લાગત! પતિના ગુણોને પોંખવાને બદલે અમીરી ન હોવાનો અફસોસ વાગોળતી પત્નીને શું કહેવું?
‘ધારિણી, પ્લીઝ’
બાજુમાં ઊભેલી યુવતી (લાવણ્યા) સાંભળી રહી છે એ અમરના ધ્યાન બહાર નહોતું, ‘આ બધી ચર્ચા ઘરે ન થાય?’
‘ઘર નહીં, અઢી રૂમનું ક્વૉર્ટર 
કહો ક્વૉર્ટર!’
 બબડીને ધારિણી ચૂપ થઈ ગઈ. પોતાનો ઑર્ડર સર્વ થયો એટલે લાવણ્યા પણ પ્લેટ લઈને સામી બાજુએ પાર્ક થયેલી કાર તરફ નીકળી ગઈ.
તેની દિશામાં જોતા અમરના ચિત્તમાં ધીરે-ધીરે સળવળાટ થયો - ‘આ છોકરી સાથેનો જુવાન... તેને ક્યાંક જોયો હોય એમ કેમ લાગે છે?’
અમરની મેમરી શાર્પ હતી. કસ્ટમ ઑફિસરના અનુભવે એક વાર જોયેલો ચહેરો તે ભૂલતો નહીં.
‘લ્યો, પાછા તમે ક્યાંક ખોવાઈ ગયા!’
ધારિણીની ટકોર છતાં અમરે પ્રતિભાવ ન આપ્યો. તેનું ચિત્ત અભિમાં ચોંટ્યું હતું - ‘ક્યાંક તો હું મળ્યો છું આને... ગોરો વાન, સોહામણું મુખ, હસે ત્યારે ગાલમાં પડતાં ખંજન...’
ખંજન! અમરની ધૂંધળી સ્મૃતિ 
સ્પષ્ટ થઈ.
‘સર, અમારી કાર પંક્ચર થઈ છે. મધરાતે બીજું કોઈ વેહિકલ પણ મળે એમ નથી. તમે અમને અમારા ઉતારે પહોંચાડશો, પ્લીઝ? મારી વાઇફ 
જનથી એટલું ચલાશે નહીં, શી ઇઝ ટુ મન્થ્સ પ્રેગ્નન્ટ.’
- ‘હજી છએક મહિના અગાઉ પોતે મધરાતે રાઉન્ડ પર નીકળેલો ત્યારે આ જ જુવાનને જીપમાં લિફ્ટ આપીને ફાર્મહાઉસના ઉતારે પહોંચાડ્યો હતો. ત્યારે કોઈ જુદી જ યુવતી તેની સાથે હતી! બની શકે, લિફ્ટ મેળવવા તેણે ખંજન તેની પત્ની હોવાનું, તે પ્રેગ્નન્ટ હોવાનું જૂઠ ઉચ્ચાર્યું હોય, પણ એ છોકરી તેની ‘કંઈક’ તો ખરી જ - જેવી અત્યારે આ યુવતી લાગે છે!’
‘તો શું ખંજન સાથે આનું બ્રેકઅપ થઈ ગયું હશે? આ યુવતી ખંજન વિશે જાણતી હશે?’
‘જુવાનની ગાડી પર મુંબઈની નંબરપ્લેટ છે, એટલે બન્ને બહારથી જ આવ્યાં છે, પાછો જુવાનના ગળામાં મોંઘો કૅમેરા લટકે છે!’ 
બેશક, આજના જમાનામાં બ્રેકઅપ્સની કે મૂવ ઑનના નામે પાર્ટનર બદલવાની નવાઈ જ ન હોય, અમરની કન્સર્નનું કારણ જુદું હતું. પાછલા થોડા સમયથી દમણમાં વિલા ભાડે રાખી 
વેબ-સિરીઝના શૂટિંગની આડમાં ખરેખર તો ન્યૂડ મૂવીઝ ઉતારવાનું રૅકેટ ચાલી રહ્યાની આધારભૂત બાતમી હતી. અલબત્ત, એ પોતાના કાર્યક્ષેત્રનો વિષય નહોતો છતાં એકાંતમાં ઊતરતો, હાઇફાઇ કૅમેરા ધરાવતો અને નવી-નવી છોકરીઓ સાથે દેખાતો જુવાન ક્યાંક આવા જ કોઈ રૅકેટમાં સામેલ નથીને એવું વિચારવું લૉજિકલ તો હતું જ.
‘ધારો કે એવું હોય તો આ છોકરીને તેની જાણ હશે ખરી? લાગતું તો નથી. બલકે છોકરી જુવાનના પ્રેમમાં ગળાડૂબ જરૂર જણાય છે.’
અમરે માથું ખંખેર્યું - ‘શક્ય છે બન્ને જેન્યુઇનલી પ્રેમમાં હોય પણ ખરાં! એવું હોય તો કોઈના સુખમાં મારે શું કામ કાંકરીચાળો કરવો?’
ત્યારે તેના પડખે ઊભેલી ધારિણીમાં જુદી જ ગણતરી ચાલતી હતી - ‘બહુ થયું અમર. તમારા સાહસ અને સિદ્ધાંતોથી વાહવાહી જ મળશે અને એ મારા ખપની નથી! તમને સમજાવવું પથ્થર પર પાણી જેવું છે એનોય અનુભવ કરી લીધો. હવે બસ. મેં સુખી થવાનો મારો મારગ મેળવી લીધો છે, એમાં હવે જે થવાનું એમાંય મીનમેખ નહીં થાય!
lll
‘કસ્ટમ ઑફિસર!’
સૅન્ડવિચનું ડિનર લઈ અમર-ધારિણી બાઇક પર નીકળી ગયાં એટલે લાવણ્યાએ અભિને કહ્યું - ‘હમણાં બાઇક પર નીકળ્યો એ જુવાન કસ્ટમ ઑફિસર હતો. તેની વાઇફને પતિનો સિદ્ધાંતવાદી સ્વભાવ ગમતો નથી, બોલો!’
એના બયાને અભિના કપાળમાં બે કરચલી ઊપસીને અદૃશ્ય થઈ ગઈ. પછી ખભા ઉલાળ્યા, ‘તું કદાચ જાણતી નહીં હો લાવણ્યા, પણ દમણ સોનાની દાણચોરી માટે કુખ્યાત પણ છે. ફિશિંગ માટે જતા ખારવા મધદરિયેથી સોનાની પાટો પોતાના જહાજમાં લાવીને ખાડીમાં ઉતારતા હોય છે. ગોલ્ડની જગ્યાએ ક્યારેક ચરસ-ગાંજો પણ હોય. જૂની હિન્દી ફિલ્મોમાં આવાં દૃશ્ય જોયાં હશે, સરકારની બદલાયેલી નીતિ છતાં સોનાની તસ્કરી થાય છે એ હકીકત છે.’
લાવણ્યા અમરની બાઇક ગઈ એ દિશામાં જોઈ રહી - ‘ત્યારે તો આ જાંબાઝ ઑફિસરે દાણચોરોના નાકમાં દમ લાવી દીધો હશે!’

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff