મન મોહી ગયું (પ્રકરણ - ૨)

26 July, 2022 08:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘નો વે, હું અબૉર્શન નહીં કરાવું અવનિશ. આ કંઈ પાપની નિશાની નથી કે પડાવી દેવી પડે. તમારો અંશ છે અવનિશ, આપણા પ્રણયનો પુરાવો.’ સોનલે સાદ મક્કમ કર્યો, ‘તમે તમારા ઘરે વાત કરો, હું મારી માને કહી દઉં છું, કાલ-પરમમાં સગાઈ પતાવી લઈએ’

મન મોહી ગયું

‘વરલી લે લો...’
કહેતી સોનલ ટૅક્સીમાં ગોઠવાઈ ગઈ. અંદરની બેઠક આરામદાયક હતી, ઍમ્બિયન્સ નિરાળું લાગ્યું, પણ એ બધું માણવા જેટલી સ્વસ્થતા ક્યાં હતી?
ટૅક્સીએ ગતિ પકડી એટલે હોઠ કરડી તેણે પર્સ ઉઘાડી, હજી હમણાં જ્યાંથી ટૅક્સી પકડી એ વિદ્યા પૅથોલૉજિકલ લૅબોરેટરીના રિપોર્ટનું કાગળ કાઢતાં આંગળાં કાંપ્યાં. ગડી ખોલતાં જ શબ્દો આંખમાં વાગ્યા : ‘પ્રેગ્નન્સી ટેસ્ટ - કન્ફર્મ!’
‘આમ તો માતા બનવાના ખબર કોઈ પણ સ્ત્રી માટે સૌથી પાવનકારી ગણાય, પરંતુ એ માતૃત્વ કુંવારું હોય તો સમાજ સ્ત્રીને પીંખી નાખે એ પણ હકીકત છેને!’
સોનલના કપાળે પસીનો બાઝ્‍યો.
‘આમાં આટલી પ્રસ્વેદભીની કેમ થાય છે!’
સમયનું આવરણ ચીંધી મનગમતા પુરુષનો સ્વર પડઘાયો. બેએક વર્ષ અગાઉ તેણે પહેલી વાર ફિઝિકલ થવાની પહેલ કરી ત્યારે કંપી જવાયેલું, પોતે પસીનાભેર થતાં તેણે ટકોર કરેલી, ‘પુખ્ત વયનાં સ્ત્રી-પુરુષ પરસ્પરનું ઐક્ય સાધે એ બહુ સાહજિક ઘટના છે. તમારી બાયોલૉજિકલ નીડને સૅટિસ્ફાય કરવી, ઇટ ઇઝ નૉટ ક્રાઇમ, રાઇટ!’
તેના શબ્દોમાં જાદુ હતો. તેની દરેક હરકત આહ્‍લાદક હતી. દિલ્હીના સ્વીટમાં આવેગનાં ઘોડાપૂર ઊમટ્યાં હતાં, નદી સાગરને સમર્પિત થઈ એથી સાગરમાં જન્મેલા ઉન્માદે કાંઠાની પાળ તોડી કણકણમાં તબાહી સર્જી દેતું તોફાન મચાવ્યું હતું.
‘અ...વ...નિ...શ!’ ત્યારે માદકતાભર્યો ચિત્કાર અત્યારે સિસકારારૂપ થઈ ગયો.
સોનલ સચેત થઈ. પોતે ટૅક્સીમાં બેઠી છે એ સાંભર્યું હોય એમ નજર ઊંચકાઈ. રિયર-વ્યુ મિરરમાં ડ્રાઇવર પોતાને જ જોઈ રહ્યો હતો. નજર મળતાં તે મલક્યો, ‘ઑલ ઓકે, દીદી?’
તેણે મને દીદી કહી. મારી પરેશાની પામી ગયો. પૃચ્છા પણ પાછી અંગ્રેજીમાં! બીજા સંજોગોમાં સોનલે તેની સાથે ગોઠડી માંડી હોત, પણ આજે બીજી કોઈ વાતનો મૂડ રહે એવું ક્યાં હતું?
‘યા-યા...’ ડોક ધુણાવી તેણે ફરી ગતખડનું અનુસંધાન મેળવી લીધું :
‘ત્રણેક વર્ષ અગાઉ સત્તાવીસની ઉંમરે પોતે ‘શેઠ ગ્રુપ ઑફ કંપનીઝ’ની નરીમાન પૉઇન્ટ ખાતેની કૉર્પોરેટ ઑફિસમાં સેક્રેટરી ટુ જુનિયર શેઠ તરીકે અપૉઇન્ટ થઈ ત્યારે આ કામનો પાંચ વર્ષનો અનુભવ જમા પક્ષે હતો. ફૅમિલીમાં પિતા રહ્યા નહોતા, પણ નોકરીના તગડા પૅકેજ થકી વિધવા મા, નાના ભાઈની જવાબદારી લહેરથી નિભાવી શકાતી. માને જોકે દીકરીનાં લગ્નની ચિંતા વધુ હતી. 
‘મા, તું લગ્ન માટે એવો મુરતિયો ખોળી કાઢ જે મૅરેજ પછી પણ મને મારા મહિયરની ઓથ બની રહેવા દે, તો મને મૅરેજનો પણ ક્યાં વાંધો છે?’
ત્યારે નલિનીબહેને દીકરી માટે પાત્ર ખોળવા માંડ્યું, ને બીજી બાજુ અવનિશ સોનલની જિંદગીમાં પ્રવેશ્યો.
નિરંજનભાઈ શેઠની સિદ્ધાંતવાદી, પ્રતિષ્ઠિત વેપારી તરીકેની શાખ છે. પગરખાંથી લઈને વિવિધ બ્રૅન્ડ્સનાં વસ્ત્રોની બનાવટનો તેમનો વિશાળ બિઝનેસ છે. મલબાર હિલ ખાતે તેમની વિશાળ વિલા છે. પરિવારમાં પત્ની અને દીકરો બે જ. ફૉરેન ભણીને છએક મહિનાથી બિઝનેસમાં વિધિવત્ જોડાયેલા અવનિશ શેઠ પોતાના પહેલા ઇન્ટરવ્યુમાં જ સોનલને ડૅશિંગ, ડાયનૅમિક લાગ્યા હતા.
અને નોકરીએ લાગ્યા પછી કામના બહાને સહવાસ વધતો ગયો એમ અવનિશનો જાદુ ફેલાતો ગયો. અત્યંત દેખાવડા અવનિશનો ચાર્મ નિરાળો હતો. તેની સાથે બુદ્ધિગમ્ય ચર્ચામાં મજા આવતી. પોતે તેનાથી ઉંમરમાં બે વર્ષ મોટી હતી, ‘યુ લુક ઓસમ ટુડે...’ કહીને તે ડેસ્ક પરના ફ્લાવરવાઝમાંથી રાતું ગુલાબ ચૂંટીને આપે એમાં તેનું ફ્લર્ટિંગ અનુભવી શકાતું, છતાં હૈયે પાળ બાંધી શકાતી નહીં.
‘તું સિંગલ છે એ તો માલૂમ છે...’ કંપનીમાં જોડાયાના નવમા મહિને સોનલની અઠ્ઠાવીસમા બર્થ-ડેએ સ્ટાફમાં કેક-કટિંગ પછી એકાંતમાં પરફ્યુમની બૉટલ ગિફ્ટ કરતાં અવનિશે હળવેકથી કહ્યું, ‘બટ સ્ટીલ વર્જિન?’
સોનલ રાતીચોળ. ના, લગ્ન પહેલાં વર્જિનિટી ગુમાવવામાં હવે તો ભારતની કન્યાઓ પણ પશ્ચિમી દેશોથી પાછળ નથી અને મારી પાસે તો ભલભલાને મોહાંધ બનાવે એવું રૂપ છે, હિલોળા લેતું જોબન છે... કદાચ એટલે પણ હકાર ભણતાં સોનલ ગર્વ અનુભવવાને બદલે સંકોચાઈ હતી. 
‘તો-તો આનો ઇલાજ કરવો પડશે!’
અવનિશની દિલફેંક લઢણ પર સોનલ ઓવારી ગયેલી અને ખરેખર ત્રીજા મહિને દિલ્હીની બિઝનેસ-ટ્રિપમાં સેક્રેટરીને સાથે લઈ જઈને અવનિશે કળીને ફૂલ બનાવી જ દીધી! સોનલ અબુધ નહોતી. પથારીમાં જે થયું એ પૂરા હોંશમાં, પરસ્પરની સંમતિથી થયું. અવનિશ માટે આજનું કામસુખ પ્રથમ વારનું નહોતું અને ફરી કોઈ સાથે તે નહીં સૂએ એની બાંયધરી પણ નહોતી, છતાં હૈયું એ પુરુષને ઝંખવા માંડે ત્યારે એટલું જ કહેવું બસ થઈ પડે, ‘દિલ તો પાગલ હૈ!’ 
છતાં આવેગ ઓસરતાં સોનલની ચિંતા તરવરેલી, ‘ક્યાંક ગર્ભ રહી ગયો તો લોકોને વગોવણીનું બહાનું મળે કે બૉસે સેક્રેટરીને ફસાવી!’ 
સાંભળીને અવનિશ બેફિક્કું હસેલો. એ જ તેની કાતિલ અદા! હૈયું કેમ ઘાયલ ન થાય? મનડું કેમ ન મોહે? 
‘બૉસે સેક્રેટરીને ફસાવી એવું શું કામ? સેક્રેટરી બૉસને ન ફસાવી શકે?’ અવનિશે આંખ મીંચકારી દલીલ કરી હતી. 
‘તમે મને આવી ધારી!’ ક્ષણ પૂરતું સોનલનું આત્મસન્માન જાગી ઊઠ્યું,
‘મારે કોઈને ફસાવવો જ હોત અવનિશ તો જીવનમાં એવા ઘણા અવસર આવીને ગયા... હું તો પ્રેમના બદલામાં પ્રેમ ઝંખું છું. કેવળ વાસનાપૂર્તિનું સાધન બની રહેવામાં મને રસ નથી.’
સહેજ રોષભેર તે અળગી થવા ગઈ એમાં ઉઘાડા બદન પર ઢાંકેલી ચાદર સરકી ગઈ અને અવનિશના બદનમાંથી જાણે કરન્ટ પસાર થઈ ગયો.
‘કોણે કહ્યું હું તને નથી ચાહતો?’ તે વળી સોનલ પર છવાઈ ગયો, ‘આઇ લવ યુ હની...’
‘અવનિશ મને ચાહે છે!’ સોનલને સમર્પિત થવા આટલું પૂરતું હતું. 
‘હું માને કહી દઈશ, હવે મારા માટે મુરતિયો ન ખોળે.’
મુંબઈની વળતી ફ્લાઇટમાં સોનલે અવનિશના ખભે માથું ઢાળી કહેલું, ‘લેટ્સ ગેટ મૅરિડ.’ 
‘આની ઉતાવળ શું છે હની?’
અવનિશે ગંભીરપણે કહેતાં સોનલ છંછેડાઈ હતી, ‘અરે, તમે જ કહ્યુંને કે તમે મને પ્રેમ કરો છો... પછી લગ્નમાં શું વાધો છે?’
‘મેં ક્યાં કહ્યું મને વાંધો છે?’ અવનિશે મલકીને સોનલના ગાલે ટપલી મારી, ‘તું તારા ઘરે વાત કરે એ પહેલાં મને મારા પેરન્ટ્સને તો કન્વિન્સ કરવા દે. તું એક તો કંપનીની નોકરદાર, ને પાછી ઉંમરમાં બે વર્ષ મોટી - મારે મોકો જોઈને વાત મૂકવી પડશે, હની.’
‘વાત તો સાચી. નયના શેઠાણીનો ખાસ પરિચય નથી, પણ મોટા શેઠનો કડપ ભારે છે. અવનિશ પર તો આજેય પિતાનો ધાક છે. તેમને જીતવા આસાન નહીં જ હોય!’ 
‘આમાં વર્ષ બે વર્ષનો સમય પણ લાગી શકે હની... યુ ટ્રસ્ટ મી, ના?’
‘ઓહ, અવનિશ, ફરી આવું પૂછીને મારા પ્રેમનું અપમાન ન કરતા.’
‘અને બસ, અમારું રિલેશન ઑફિસમાં પણ કોઈને ગંધાય નહીં એની તકેદારી સાથે પ્રણય મહોરતો રહ્યો. રવિની રજાની દરેક બપોર અમે મુંબઈની જુદી-જુદી હોટેલ્સમાં ગાળીએ, બિઝનેસ-ટૂરમાં તો સાથે જ હોઈએ. મા હમણાંની બબડી લે છે કે હવે તો ચેતન પણ બૅન્કની નોકરીમાં કાયમી થઈ ગયો, વરણાગી મૂકી સારું પાત્ર ખોળી પરણી જા...’
- ‘હવે તો ખરેખર પરણવું જ પડશે.’
વિચારમેળો સમેટતી સોનલે પેટ પર હાથ મૂક્યો. ‘ગર્ભ ન રહેવાની પૂરતી તકેદારી રાખવા છતાં પ્રેગ્નન્સી રહી જ ગઈ છે ત્યારે અમારે પરણી જવું ઘટે!’
અને તેણે અવનિશને કૉલ જોડ્યો...
‘સોનલ હિયર. લૅબનો રિપોર્ટ આવી ગયો, અવનિશ. ઇટ્સ કન્ફર્મ. આયૅમ પ્રેગ્નન્ટ.’
‘ઓહ...!’ ટૅક્સી હંકારતા આકુએ જોકે સ્ટિયરિંગ ચસકવા ન દીધું.
‘ચૂપ કેમ થઈ ગયા, અવનિશ? હવે આપણી પાસે ટાઇમ નથી.’
‘ચૉઇસ તો છેને હની?’ છેવટે અવનિશના હોઠ ઊઘડ્યા, ‘યુ કૅન અબૉર્ટ-’
‘નો વે, હું અબૉર્શન નહીં કરાવું અવનિશ. આ કંઈ પાપની નિશાની નથી કે પડાવી દેવી પડે. તમારો અંશ છે અવનિશ, આપણા પ્રણયનો પુરાવો.’ સોનલે સાદ મક્કમ કર્યો, ‘તમે તમારા ઘરે વાત કરો, હું મારી માને કહી દઉં છું, કાલ-પરમમાં સગાઈ પતાવી લઈએ.’
‘આમ ઉતાવળી ન થા સોનલ, બચ્ચું કંઈ રાતોરાત જન્મવાનું નથી, થોડી ધીરજ ધર.’
‘બટ વાય? તમારે શાનો સમય જોઈએ છે?’
‘આપણી સગાઈની જાહેરાતનો!’ હવે અવનિશે મીઠાશ ઘોળી, ‘આવતા મહિને મારો બર્થ-ડે છે. એ દિવસે સગાંસંબંધી-સ્ટાફની હાજરીમાં હું ઘૂંટણિયે પડીને તને પ્રપોઝ કરી રિંગ પહેરાવું તો ગમશે?’
સોનલનો ઉચાટ ઓસરી ગયો - ‘સાચ્ચે!’
‘આપણા આવનારા બાળકના સમ.’
‘ઓહ, અવનિશ. આઇ લવ યુ! તમારો આ બર્થ-ડે આપણા માટે યાદગાર બની રહેવાનો!’
- અને ટૅક્સીને બ્રેક લાગી.
કૉલ કટ કરી નિરાંતના જીવે સીટને અંઢેલવા જતી સોનલ ચમકી, ‘ક્યા હુઆ ભૈયા?’
‘ટ્રાફિક જૅમ.’
બે-ચાર મિનિટ છતાં ચક્કાજામમાં ફેર ન પડ્યો ત્યારે આકાર નીચે ઊતરી તપાસ કરી આવ્યો ઃ ‘મોટી બસ આડી થઈ ભૂવામાં ફસાઈ છે. ટ્રાફિક ક્લિયર થતાં વાર લાગવાની... દીદી, તમે ચા-કૉફી લેશો? સામે જ રેંકડી છે. ટ્રાફિક જૅમનો તેને પણ ફાયદો થવો જોઈએને!’
‘અરે, કમાલનો ડ્રાઇવર છે! આજુબાજુવાળા ટ્રાફિક જૅમનો કકળાટ કરીને હૉર્ન પર હૉર્ન બજાવે છે ત્યારે આ બંદો અકળાવાને બદલે આ પરિસ્થિતિમાં પણ લુત્ફ માણે છે! મને દીદી કહેવામાં તેના સંસ્કાર છે. મુસાફરની મહેમાનનવાજી કરનારા ટૅક્સીવાળા કેટલા?’
‘મજા આવી ગઈ.’ ચાનો ઘૂંટ લેતાં સોનલ બોલી પડી, ‘તમે પણ તમારી ટૅક્સી જેવા જ નિરાળા છો, મિસ્ટર...’
‘આકાર...’
‘સરસ નામ છે, પણ તમે તમારી કમાણી આમ પૅસેન્જર્સ પર ઉડાડો છો તો ઘરવાળી કંઈ કહેતી નથી?’
‘હજી ઘરવાળી લાવ્યો નથી.’ 
તે સહેજ શરમાયો, ‘કેવો મોહક લાગ્યો.’
‘નસીબવાળી હશે તમને વરનારી.’ સોનલે કહ્યું ને આકુના ચિત્તમાં આરોહી ઝબકી ગઈ.
આપણી વચ્ચેથી ‘મારી અમીરી ને તમારી વર્દી’નું આવરણ ક્યારે સરકશે? એ પ્રશ્ન સાંભરી ગયો ને આકુ હળવો નિ:શ્વાસ નાખે છે એ જ ક્ષણે વરસાદ તૂટી પડ્યો.
lll
સવારથી વરસતો મેહુલો થોભવાનું નામ નથી લેતો. બાલ્કનીમાંથી વર્ષાનો નજારો માણતી આરોહીને ગઈ સીઝન સુધી વર્ષાઋતુ નહોતી ગમતી. આજે મુગ્ધપણે એ વર્ષા માણી રહી છે એ જોઈ મા થોડી વાર પહેલાં જ ટકોરી ગઈ -‘ તું વળી ક્યારથી બદલાઈ ગઈ, દીકરી?’
‘જ્યારથી મારું મન કોઈના પર મોહ્યું છે ત્યારથી!’ માને નહીં અપાયેલો જવાબ અત્યારે પણ હૈયે તોફાન મચાવી ગયો.
આરોહી ઉછાંછળી નહોતી. કેવળ કોઈના દેખાવે મોહી પડવાનું તેનું લક્ષણ નહોતું. આકારના ગુણ-સંસ્કાર તરાશી તેણે હૈયાદ્વાર ખોલ્યું હતું. આકારનું મારા તરફનું ખેંચાણ હું અનુભવી શકું છું. પણ પોતાની મર્યાદા જાણનારો પ્રણય સ્વીકારવાની પહેલ નહીં જ કરે. ‘આપણી વચ્ચે મારી અમીરી ને તમારી વર્દી’નું આવરણ ક્યાં સુધી રહેશે?’ એવું પૂછી મેં મારા હૈયાનો ઇશારો આપ્યો તો છે, આકુને એ સમજાયું તો હશેને?’
‘અરે, આરોહી!’
માના સાદે તે ઝબકી. રૂમમાં જવું પડ્યું.
‘જો, કેવી ભીંજાઈ ગઈ...’ ટકોરી વનલતાબહેન મુદ્દે આવ્યાં, ‘નયનાબહેનનો હમણાં ત્રીજી વાર ફોન આવી ગયો. તેમના દીકરા માટે તું તેમને ગમી ગઈ છે... તું તો જાણે છે કે પાછલા ૬ મહિનામાં તેઓ ઘણી વાર સીધી-આડકતરી રીતે માગું નાખી ચૂક્યાં છે. આપણે પણ વળી આવું પાત્ર છોડવા જેવું ન ગણાય એટલે ગોળ-ગોળ જવાબ દીધે રાખીએ છીએ, પણ હવે હા પાડી દેવી જોઈએ. આજે તારા પપ્પા દિલ્હીથી આવે કે ફેંસલો કરી લઈએ. હાસ્તો, અવનિશને નકારવાનું કોઈ કારણ જ ક્યાં છે?’
‘છે મા છે... એક જ કારણ છે અને એ પૂરતું છે - આકાર!’
હોઠે આવેલો જવાબ ગળી જવો પડ્યો આરોહીએ. ‘મમ્મી-પપ્પા આકારને જાણે છે, તેના વિશે ઊંચો અભિપ્રાય પણ ધરાવે છે, પણ દીકરી તેના પર મોહી છે એ જાણીને તેઓ પહેલાં તો હેબતાવાનાં જ, ત્યારે આકારનું ટૅક્સી-ડ્રાઇવર હોવું જ સૌથી વધુ ખટકવાનું. તેમને મનાવવાનો સંઘર્ષ જેવોતેવો નહીં હોય.’ 
‘પણ એથી પ્રીતની લાગણીને હું ગર્ભમાં જ તો મરવા નહીં દઉં. મા-પિતાજી શેઠ-ફૅમિલીને જવાબ વાળે એ પહેલાં તો આકાર સાથે ચોખવટ થઈ જવી ઘટે.’ 
અને તેને તેડવાનો મોકો પણ મળી ગયો. ગૅરેજમાં સર્વિસ માટે ગયેલી કાર આવી નહીં એટલે પિતાને ઍરપોર્ટ લેવા જવાની જરૂર ઊભી થઈ. આકુને તેડાવતી આરોહીએ નક્કી કરી લીધું - ‘મોસમના પહેલા વરસાદની સાક્ષીમાં આકુને પૂછી જ લેવું છે - તમને હું ગમું છું? હા કે ના?’ 
 
વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff