મન મોહી ગયું (પ્રકરણ - ૧)

27 July, 2022 01:08 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘યા, રીડિંગ ઇઝ માય હૉબી.’ ડ્રાઇવરનું સફાઈદાર અંગ્રેજી તેને અચંબિત કરી ગયું. પોતે એમબીએ કર્યું છે જાણી તે પ્રભવિત થઈ : ‘આટલું ભણીને પણ તમે બિઝનેસને પ્રાધાન્ય આપો એ ગુજરાતીપણાની નિશાની છે!’

મન મોહી ગયું

‘શ્રી ગજાનન, જય ગજાનન...’
લતા મંગેશકરના કંઠમાં ગુંજતી ગણેશધૂનથી સાવિત્રીમાની આંખ ખૂલી ગઈ, હોઠ મલકી પડ્યા : ‘મારા દીકરાની સવાર પડી ગઈ!’
‘તમારો આકાર તો શ્રવણ છે શ્રવણ.’
‘ચર્ની રોડની અમારી અંબરવાડી ચાલના આડોશીપાડોશીઓ એકના એક દીકરાને વખાણે એમાં અતિશયોક્તિ બિલકુલ નહોતી...’ સાવિત્રીમાએ વાગોળ્યું. 
ચાલીના નાનકડા રૂમ-રસોડામાં ત્રણ જણ - મા-બાપ અને દીકરાનો નાનકડો પરિવાર ખુશહાલ હતો. કલૈયાકુંવર જેવો આકાર વલ્લભભાઈ-સાવિત્રીબહેનના જિગરનો ટુકડો. સ્કૂલનો અભ્યાસ હોય કે શેરીરમત, આકુ હંમેશાં અગ્રીમ હોય. ચાલીમાં સૌએ ધારી લીધેલું કે આકુ ભણીગણીને ડૉક્ટર-એન્જિનિયર થશે અને વલ્લભ-સાવિત્રીના દી બદલાશે!
પણ જિંદગીનો પ્રવાહ ક્યારે પલટાય એ કોઈ જાણી શક્યું છે? આકાર ટેન્થમાં આવ્યો ત્યારે દાદરની મિલ બંધ થતાં વલ્લભભાઈની નોકરી છૂટી ગઈ. બીએ થઈ ક્લર્કશિપ કરનાર આદમીએ છૂટક રોજગારીમાં પણ નાનમ ન જોઈ. પત્ની પતિની પૂરક બની. 
મા-પિતાનું આ લક્ષણ દીકરાએ બરાબર પચાવ્યું. રોટલો મહેનતથી રળવો, સમાજમાં સ્વમાનભેર રહેવું ને વિષમ પરિસ્થિતિમાં પણ હામ હારવી નહીં આ ગુણો આકારમાં આત્મસાત થતા ગયા. કુદરત જોકે આકરા પાણીએ હોય એમ વલ્લભભાઈને આંખનો વ્યાધિ વળગ્યો, દૃષ્ટિની ઝાંખપ વધતાં અઢારના થયેલા આકારે ફેંસલો સંભળાવી દીધો – ‘હવે ઘરની જવાબદારી મારી!’ 
કૉલેજ છોડીને ફુલટાઇમ કામમાં જોતરાવાની તેની જીદ માવતરે માનવી પડી અને પપ્પાના પરમમિત્ર એવા રઘુવીરકાકાએ પોતાની જેમ ટૅક્સી ચલાવવાની રાહ ચીંધી. 
‘હું તો અલબત્ત, ડ્રાઇવરનો ડ્રાઇવર રહ્યો બેટા, પણ તું અક્કલવાળો છે, મહેનતુ છે, તને જતે દહાડે ટ્રાન્સપોર્ટનો મોટો બિઝનેસ જમાવતાં વાર નહીં લાગે.’
અને બસ, આ ધ્યેય સાથે આકુએ કાર શીખવા માંડી, ડ્રાઇવિંગમાં હાથ બેસતાં ત્રણ-ચાર અઠવાડિયાં રઘુવીરકાકા સાથે તેમની ટૅક્સી ફેરવી. ટૅક્સી-ડ્રાઇવર્સનું પણ યુનિયન હોય છે અને તેમના એરિયા પણ વહેંચાયેલા હોય છે એવી બધી સમજ ત્યારે પડી. રઘુવીરકાકાએ ભાડાની ટૅક્સીનો બંદોબસ્ત કરી આપ્યો.  
અને આજે પચીસની ઉંમરે આકારે લોનના હપ્તા ચૂકવીને ટૅક્સી પોતાની કરી લીધી છે. ‘અમારે ચાલી છોડવી નહોતી એટલે બાજુની જ રૂમ ખરીદીને જગ્યાની મોકળાશ સર્જી દીધી છે. એસી સહિતની તમામ સુખ-સગવડ છે. મોંઘા ઇલાજથી પિતાની દૃષ્ટિ પણ સુધરી છે.’
 ‘આ બધાની સાથે તેણે એમબીએની ડિગ્રી પણ મેળવી છે! ધારે તો સારા પગારની નોકરી મળી શકે, પણ આપમહેનતનો સ્વાદ ચાખ્યા પછી એ બીજાની ગુલામી જેવી  લાગે. બલકે કોઈ સારો ડ્રાઇવર મળે તો નવી ટૅક્સી ખરીદવાનું પણ વિચારે છે આકુ... વહેલી સવારથી મોડી રાત સુધી ટૅક્સી ફેરવે પણ થાકતો નથી. ન બીડી-તમાકુનું વ્યસન કે ન દારૂની લત. અરે, પોતાની સોબતમાં તેણે કેટલાય ટૅક્સી-ડ્રાઇવરને બૂરી આદતમાંથી છોડાવ્યા છે. અમને તો એનો આનંદ! અમારા સુખમાં એક જ કમી છે - વહુની!’ 
સાવિત્રીમા મરકમરક થઈ ગયાં. 
‘આકારમાં રૂપ-ગુણ ભલે હોય, પણ છે તો આખરે ટૅક્સી-ડ્રાઇવરને!’
સાવિત્રીમા જરાતરા ઝંખવાયાં. ગયા અઠવાડિયે આકુનાં લગ્ન માટે સગામાં દાણો ચાંપતાં એકાદે તો મોં પર સંભળાવેલું, ‘આપણી ન્યાતમાં ટૅક્સી-ડ્રાઇવરને તો છોકરી કોણ આપે!’  
સાંભળીને સમસમી જવાયેલું. ‘કોઈ કામ નાનું નથી એ લોકોને કેમ સમજાવવું! હશે, આ મંદિરમાં બેઠો મારો ઈશ્વર મારા લાલનું સર્વ કંઈ સારું જ કરશે.’
માતાની શ્રદ્ધામાં સાદ પુરાવતો હોય એમ એ જ ક્ષણે આકુએ ઘંટડીનો રણકાર કર્યો અને વાતાવરણમાં મધુરતા પ્રસરી ગઈ.
lll
‘મા-પપ્પા, હું નીકળું છું.’ 
રાતે મા-બાપના પગ દબાવ્યા વિના સૂવાનું નહીં, ને સવારે તેમના ચરણસ્પર્શ વિના ઘરની બહાર ડગ મૂકવાનો નહીં. આકારની આ ક્રિયામાં દંભ નહોતો, મા-બાપના વાત્સલ્યનો પડઘો માત્ર હતો.
ડ્રાઇવરની ખાખી વર્દીમાં આકાર શોભી ઊઠતો. પરિશ્રમની આદતને કારણે તેનો કસાયેલો દેહ પુરુષોમાંય ઈર્ષા જન્માવે એવો ફૂટડો છે. કપાળે કંકુનું તિલક, ગળામાં નજરનું માદળિયું ને જમણા કાંડે રક્ષાસૂત્ર ઓછાં હોય એમ સાવિત્રીમાએ દીકરાનાં ઓવરણાં લીધાં. પિતાએ રાબેતા મુજબની સૂચના દોહરાવી - ‘ગાડી સંભાળીને ચલાવજે, હાઇવે પર સાચવજે...’
 ‘જી...’ કહી માએ આપેલું ટિફિન લઈને આકાર નીકળ્યો.
ચાલીના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ટૅક્સીને જોતાં જ તે ખીલી ઊઠ્યો. પાછલાં ૭ વર્ષથી પોતાની સાથી જેવી બની ગયેલી ફીઆટ ટૅક્સીને તે જતનથી જાળવતો. વિન્ડસ્ક્રીનના મથાળે રંગબેરંગી ઝુમ્મર લટકાવેલું. ડેસ્કની મધ્યમાં ગણપતિબાપાની મૂર્તિ. મોગરાનું સુગંધીદાર પરફ્યુમ. આગલી-પાછલી બેઠક જ નહીં, ડિકી સુધ્ધાં ચોખ્ખીચણક રાખવાની ચીવટાઈ.
‘માન્યું, ઉબર-ઓલા આવ્યા પછી હરીફાઈ ઘણી છે...’ ટૅક્સી-સ્ટૅન્ડના ડ્રાઇવર્સ સાથે ગપાટા મારતાં તે કહેતો પણ ખરો, ‘પણ કસ્ટમર બીજી ટૅક્સી છોડીને તમારી સવારી પસંદ કરે એ ચોકક્સપણે તમારા હાથમાં છે... હું તો મારી ગાડીમાં તાજાં છાપાં, મૅગેઝિન રાખું છું, ફ્રી વાઇફાઇ છે.’
આકારને આનો મોટો ફાયદો એ થયો કે અમુક કસ્ટમર્સ કાયમના થઈ ગયા. કોઈએ લોનાવલા-ખંડાલા ફરવા જવું હોય તો તેને તેડાવી દે, કોઈ વળી છોકરાઓની એક્ઝામ ટાણે તેમને લેવા મૂકવા માટે ટૅક્સી બંધાવી લે. પરિણામે ટૅક્સી-સ્ટૅન્ડ પર ખાલી પડી હોય એવું બહુ ઓછું બનતું. અલબત્ત, બીજાને આની જલન પણ થતી હશે, આકાર તો એવાને પણ ફાયદાની જ સલાહ આપતો.
આમ જુઓ તો દિવસ દરમ્યાન કેવા-કેવા પૅસેન્જર્સનો ભેટો થતો! તેમની વાતો વિના આયાસ કાને પડતી, એની કૂથલી કરવાથી જોકે આકાર દૂર જ રહેતો. પૅસેન્જર્સના ચહેરા સહજપણે યાદ રહી જતા. ક્યારેક કોઈક મુસાફર કીમતી સામાન ડિકીમાં ભૂલી ગયું હોય તો આકુ તેમના ઘર સુધી લાંબો થતો. કોઈ પૅસેન્જર વાતોડિયો હોય તો ગપસપ કરી લે ખરો. કોઈ વળી બહારગામથી ફરવા આવેલું જણાય તો ઉત્સાહભેર મુંબઈનગરી દેખાડતો. ‘ડ્રાઇવર આપણો ગુજરાતી છે, ટૅક્સી ચલાવતાં એમબીએ ભણ્યો છે’ જાણી અભિભૂત થનારા ગુજરાતી બક્ષિસ આપે એ પછીથી સ્ટૅન્ડ પરના ગરીબ છોકરાઓમાં વહેંચી દે.
‘તારી ટૅક્સીમાં જુવાન, રૂપાળી છોકરીઓ પણ બેસતી હશે... એમાં કોઈ એવી નથી જેને વહુ બનાવી ઘરે લવાય?’
‘હમણાંથી માને મારાં લગ્નની ઘૂમરી ચડી છે એટલે ઘણી વાર આ પ્રકારની ચર્ચા ઉખેળે છે.’
ટૅક્સીને મુખ્ય રસ્તા પર લેતાં આકારે વાગોળ્યું : ‘મા પૂછે ને હું શરમાઈને ટાળી જાઉં... તેને કેમ કહેવું કે આવી એક છોકરી મારી નજરમાં છે ખરી!’
‘ટૅક્સી...’
હજી માંડ ત્રણેક મહિના અગાઉની વાત. પોતે વરલીના મૉલ આગળથી પસાર થતો હતો ત્યાં તેણે હાથના ઇશારે ટૅક્સી રોકેલી.
૨૨-૨૩ની વય, ગોરો વાન, માફકસરની હાઇટ, પ્રમાણસરનો મેકઅપ. જાંબુડિયા રંગના ચૂડીદારમાં પૂરબહાર યૌવન. સૌંદર્યવાન સાક્ષાત્ મુરત જેવી યુવતી મૉલમાંથી ખાસ્સું શૉપિંગ કરીને નીકળી હોય એમ બન્ને હાથમાં શૉપિંગ બૅગ્સ હતી.
‘વાલકેશ્વર જાના હૈ...’
બૅગ્સ લઈને તે પાછળ ગોઠવાઈ. ટૅક્સીમાં સેટ થતાં જ તેનું ધ્યાન ગયું - ‘અરે વાહ, ફ્રન્ટ સીટના બૅક કવરમાં છાપાં-મૅગેઝિન્સ છે! અને આ શું, જૉન ગ્રાસિરની નૉવેલ પણ છે!’
વાંચનરસિયણ હોય એમ તે નવલકથાનાં પાનાં ફેરવવા લાગી, પૂછ્યા વિના ન રહેવાયું, ‘આ બુક તમે વાંચો છો?’ ઇંગ્લિશમાં પૂછતી એનું ભાષાંતર કરવા જતી હતી ત્યાં...
‘યા, રીડિંગ ઇઝ માય હૉબી.’ ડ્રાઇવરનું સફાઈદાર અંગ્રેજી તેને અચંબિત કરી ગયું. પોતે એમબીએ કર્યું છે જાણી તે પ્રભવિત થઈ ઃ ‘આટલું ભણીને પણ તમે બિઝનેસને પ્રાધાન્ય આપો એ ગુજરાતીપણાની નિશાની છે!’
‘ના, તેના બોલમાં બનાવટ નહોતી...’ રિયર વ્યુ મિરરમાં અછડતી નજરે તેને નિહાળતા આકારના હૈયે પહેલી વાર ઝણઝણાટી થતી હતી.
‘ઘરે કાર હોઈ મારે ટૅક્સીમાં બેસવાનું ઓછું થાય, બટ આયૅમ સ્યૉર, મુંબઈમાં આવી ટૅક્સી બીજી નહીં હોય. ઇટ્સ સો ક્લીન, કમ્ફર્ટેબલ ઍન્ડ યુનિક, આઇ વુડ સે.’
‘થૅન્ક્સ.’ આકાર મલકેલો. મિરરમાં તેમની નજરો ટકરાઈ હતી.
ત્યારે જ કારટેપમાં લતાનું ગીત ગુંજ્યું : ‘અખિયોં કો રહને દે અખિયોં કે આસપાસ...’
અને બન્નેએ નજર વાળી, ‘તમારું સૉન્ગ-સિલેક્શન પણ સારું છે. આઇ લવ ઓલ્ડ સૉન્ગ્સ.’
ત્યાં તેનો ફોન રણક્યો. સામા છેડે તેની મમ્મી હતી એ તો વાત પરથી સમજાઈ ગયું.
‘રામ જાણે, રણમલ (ડ્રાઇવર) ટ્રાફિકમાં ક્યાં અટવાણો, તે મૉલ પર પહોંચ્યો નહીં એટલે હું તો ટૅક્સીમાં આવી રહી છું, મૉમ...’
‘અરે રણમલને ઉપાધિ આવી ચડી. તેના ફાધર બીમાર થતાં બિચારો તાબડતોડ ગામ જવા નીકળ્યો છે.’
માનો અવાજ આકારને સ્પષ્ટ સંભળાયો, ‘મને તો ચિંતા છે આરોહી, તારા મામાને ત્યાં ફંક્શનમાં જઈશું કેમ?’
‘આરોહી!’ આકુને ગલીપચી થયેલીઃ ‘કેવું સુરીલું નામ!’ 
અને આકારને જોતાં ઝબકારો થયો હોય એમ દીકરીએ કહી દીધું, ‘આનું સૉલ્યુશન મારી પાસે છે, મા.’
અને એ સૉલ્યુશન એટલે વડોદરા જવા આકારની ટૅક્સી કરવી એ! પોતાનો નંબર લેનારી આરોહીએ ઘરે ચર્ચા કરી બીજી રાતે વરદી પાકી કરી ત્યારે આકુએ કંઈક અનોખો જ રોમાંચ અનુભવ્યો હતો! 
‘રણમલ કાલે રાતે અહીં પહોંચી જશે એટલે પપ્પા પરમ દિવસે સવારે નીકળશે... મામાને ત્યાં ફૅમિલી  ગેધરિંગ પણ પરમ દિવસે જ છે, પણ સાવ એ જ દહાડે પહોંચીને સારું ન લાગે માટે તમારે અમને મા-દીકરીને એક દહાડો વહેલાં લઈ જવાં પડશે.’
વડોદરાની એ સફર આકાર માટે તો યાદગાર રહી... આરોહીનાં મમ્મી વનલતાબહેન પણ ટૅક્સીમાં બેઠા પછી ખુશ હતાં. ભાડાની ગાડી યા ડ્રાઇવર ન કરવાનો ખટકો ઓગળી ગયો. ચા-જૂસ-નાસ્તો બધું લઈને નીકળ્યાં હતાં મા-દીકરી. લાંબી સફરમાં વનલતાબહેન ઊંઘતાં હતતાં ત્યારે પણ આકુ-આરોહીની વાતો ચાલુ રહેલી.
આરોહીના પિતા ધીરજલાલની ફાઇનૅન્સ કંપની છે. આરોહી પણ ફાઇનૅન્સનું ભણી છએક મહિનાથી પિતાની ઑફિસ જાય છે. એકની એક દીકરી તરીકે તે મા-બાપની લાડલી ખરી, પણ તેના ઘડતરનું સમતોલપણું કળાયા વિના ન રહે. અમીરીનો આડંબર નહીં, વાણીમાં તુચ્છકાર નહીં ને વર્તનમાં ભારોભાર નિખાલસતા.
‘તમે તો ફાઇનૅન્સના પણ એક્સપર્ટ છો.’ એક તબક્કે તેણે કહેલું, ‘સાચું કહું આકાર, તો તમારી જોડે વાત કરતી વેળા કૉલેજના કોઈ સિનિયર સ્ટુડન્ટ જોડે ચર્ચા થતી હોય એવું લાગે છે.’
આ શબ્દો શિરપાવ જેવા લાગેલા. વડોદરા પહોંચીને તેણે જમ્યા વિના પાછો વળવા ન દીધો એ કંઈ ડ્રાઇવર માટે લેવાતી કાળજી નહોતી, એમાં હમઉમ્ર મિત્ર માટે હોય એવો સત્કારભાવ હતો, ચોક્કસ.
મુંબઈ પરત થયા પછીથી દર ત્રીજે-ચોથે દહાડે એનો કૉલ આવી જાય. મોટા ભાગે તેણે ચોપાટીની તેમની ઑફિસથી માટુંગાનાં દિવ્યાંગ બાળકો માટેના આશ્રમે જવાનું હોય : ‘વરસેકથી દર અઠવાડિયે એક વાર હું બે-ત્રણ કલાક માટે બાળકોની સંભાળ લેવા જાઉં છું. હવે તો તેમનેય મારો ઇન્તેજાર હોય છે!’
આ લેવાદેવાનો પાછો ઢંઢેરો નહીં. મનને મોહતી કન્યાને હૈયે ઉતારવા આટલા ગુણ, આટલી મુલાકાત પૂરતાં ન કહેવાય?
અને એવું પણ નથી કે આ લાગણી એકતરફી છે... હજી ચાર દિવસ પહેલાં, પોતે તેના કૉલે તેને રિસીવ કરવા પહોંચ્યો. એ ટૅક્સીમાં ગોઠવાઈ એટલે ક્યાં જવું છે એમ પૂછતાં જ તે મલકી હતી - ‘તમારી મરજી, જ્યાં લઈ જવી હોય ત્યાં લઈ જાઓ!’
ના, આ મજાક નહોતી. પડકાર હતો. રૂપગર્વિતા માનુની તેના પ્રિય પુરુષને જ આપી શકે એવો પડકાર. આકાર થોડો ડઘાયેલો. બોલી જવાયું, ‘મારી એટલી હેસિયત ક્યાં?’
‘હેસિયત!’ હળવો નિ:શ્વાસ નાખી તે બેઠકને અંઢેલી, ‘આકાર, આપણી વચ્ચે ક્યાં સુધી મારી અમીરી ને તમારી વર્દીનું આવરણ રહેશે?’
- ‘આનો જવાબ ત્યારે પણ અપાયો નહોતો ને અત્યારે પણ મારી પાસે નથી!’
નિ:શ્વાસ દબાવી આકારે વિચારમેળો સમેટી રસ્તા પર ધ્યાન પરોવ્યું. દૂર એક યુવતી ટૅક્સી માટે હાથ કરતી દેખાઈ. આકારે ટૅક્સી તેની નજીક રોકી. યુવતી ટૅક્સીમાં ગોઠવાઈ, ‘વરલી લે લો’.
આકારે મીટર પાડ્યું. આજની આ સવારી ભવિષ્યમાં કેવો વળાંક સર્જવાની હતી એની આકારને ક્યાં ખબર હતી?
 
વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff