મજબૂર (પ્રકરણ 3)

18 May, 2022 07:06 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘મોહિની આટલાં વર્ષે શું કામ વેર ઉખેળે! આપણે તેના માટે ક્લુલેસ છીએ.’ સીમાની દલીલમાં આમ જુઓ તો વજન હતું. મોહિનીને અમારી સાથે હવે શું લેવાદેવા! તે પણ પરણી ગઈ હશે અને અમને ભૂલી પણ ગઈ હશે...’

મજબૂર (પ્રકરણ 3)

‘સીમા!’ શાવર લેતો અનાહત સાંભરી રહ્યો. વેદાંગીએ ફિલ્મથી મજબૂર કરી જીવનપ્રવાહ પલટી નાખ્યો. સીમા નામનું શમણું પોતીકું બને એ પહેલાં સરકી ગયું એ આમ જુઓ તો સારું જ થયું. મારી જિંદગીમાં કોઈ એકના થઈ રહેવાનો અવકાશ જ ક્યાં રહ્યો હતો? 
કૉલેજ પૂરી થઈ એ સાથે પિતાજીએ પણ પિછોડી તાણી. પછી મા પણ ઝાઝું જીવી નહીં. એસ્કોર્ટ એવો હું લગ્નને લાયક ગણાઉં નહીં તો પછી આ જ ધંધો શું ખોટો! પોતાની રાહ બદલાવનાર વેદાંગી પરણીને અમેરિકા જતી રહેલી, તેના પ્રત્યેની કડવાશ પણ સમતી ગયેલી. કદાચ જીવનપલટો પોતે સ્વીકારી ચૂકેલો. હવે ઘરે કોઈ રાહ જોનારું નહોતું, પૂછનારું નહોતું એટલે અનાહતના કૉલ વધી ગયા. આર્થિક સધ્ધરતા વધતી ગઈ, ખોલી છોડીને વરલીમાં આલીશાન ફ્લૅટ લીધો. શરીરની જાળવણીમાં તે ચુસ્ત રહેતો. પોતાને તેડનાર સાથે પર્સનલ થવાનું ટાળતો અને વિનાછોછ કલ્પનાતીત સુખ આપતો.
આ ઘરેડમાં આગળ શું થવાનું છે એની અનાહતને ક્યાં ખબર હતી? 
lll
‘આઇ હૉપ, આ વખતે બધું સમુંસૂતરું પાર પડે!’
અનુરાગે ખોબો ધરતાં કહ્યું એમાં પ્રસાદનો લાડુ મૂકતી સીમાએ હિંમત બંધાવી : ‘સુખ નથી રહ્યું અનુરાગ, તો આપણું દુ:ખ પણ કાયમ નહીં રહે. મનમાં વિશ્વાસ રાખીને ડગ માંડો, હવે ફતેહ જ છે!
અનુરાગ નેહસભર નેત્રોથી પત્નીને તાકી રહ્યો. ‘જાણે કઈ માટીની બની છે સીમા! દુઃખનો તાપ તેને સ્પર્શતો જ નથી?’
‘કેમ કે મારું સુખ તમે છો અનુરાગ, ને એ અકબંધ છે.’
અનુરાગની છાતી ફૂલી. ‘સારું થયું મોહિની બાબત હું વેળાસર જાગ્યો ને અમે પરણ્યાં નહીં. બેશક, તેના પિતાએ અમને બરબાદ કરવામાં કસર નહોતી રાખી. મોહિની સાથેનું વેવિશાળ તૂટ્યાનાં બે વર્ષમાં અમે બંગલામાંથી ભાડાની ખોલીમાં આવી ગયાં, પછી જોકે પ્લેનક્રૅશમાં ધીરજભાઈનું અવસાન થતાં મોહિનીનું ફોકસ પણ હટ્યું હોય એમ જીવનમાં સ્થિરતા તો આવી. મને નોકરી મળી, ખોલીમાં રહીને પણ અમે ત્રણે સુખી હતાં. સુખની અવધિ પણ ચાલીમાં જ સાંપડી - સીમા!’
બાજુની ખોલીમાં રહેતી સીમા મા-બાપની એકની એક દીકરી. સમજુ, સંસ્કારી. સાદગીમાં પણ તેનું રૂપ કેવું નીખરી આવતું! અમે ચાલીમાં ગયાં ત્યારે તો કૉલેજ પતાવીનેતે નજીકની બાલવાડીમાં નોકરીએ જતી થયેલી. વાટકીવહેવારે બન્ને ઘર વચ્ચે હેતાવળો સંબંધ બંધાઈ ગયેલો. બે જુવાન હૈયાં પણ ધીરે-ધીરે નિકટતા મહેસૂસ કરતાં થયાં. મોહિનીનો કિસ્સો પણ તેનાથી છૂપો નહોતો. 
‘તમને જોઉં છું ને મને કૉલેજનો યુવક સાંભરી જાય છે...’ સીમા કહેતી, ‘તેનેય તમારી જેમ મા-બાપની જવાબદારી, પણ એને નિભાવવા માટે તેણે રસ્તો ખોટો પકડ્યો. તે એસ્કોર્ટ બની ગયો!’
‘ઓહ’ અનુરાગે સીમાની આંખોમાં જોયું, ‘તને તેને માટે કૂણી લાગણી લાગે છે.’ 
‘તેને માટે હવે અફસોસ જ રહી ગયો છે...’ સીમાએ નિઃશ્વાસ નાખેલો, ‘બાકી સંભવ છે, તે રાહ ન ભૂલ્યો હોત તો અનાહતને હું ચાહતી થઈ ગઈ હોત. અમે પરણીય ચૂક્યાં હોત. મારા માટે કૂણી લાગણી તો તેનેય હતી, મને પરખાતી.’
‘યા સીમા, પણ તેણે જે કર્યું પોતાનાં મા-બાપ ખાતર.’
‘નહીં, અનુરાગ? માણસનાં મૂલ્યોની, સંસ્કારની કસોટી જ તો આપત્તિમાં થતી હોય છે. રાહ ભૂલેલાનું હૃદયમાં સ્થાન ન હોય.’
‘હું તો રાહ નથી ભૂલ્યોને, સીમા? તારા હૃદયમાં મને સ્થાન મળશે?’
‘હજી પૂછો છો, અનુરાગ! મારું હૈયું તો ક્યારનું તમારું થયું.’
વડીલોમાં તો આ સંબંધમાં રાજીપો હોય જ. સાદાઈથી લગ્ન લેવાયાં. અનુરાગ માટે જોઈતી સંસ્કારી લક્ષ્મી સાંપડ્યાનો ઝવેરભાઈ-મીનાબહેનને સંતોષ હતો. 
વહુનાં પગલાં શુકનિયાળ નીવડ્યાં. અનુરાગને અંકલેશ્વરમાં વધુ પગારવાળી નોકરીનો ચાન્સ મળ્યો. ભરૂચમાં સરસમજાનું ઘર ભાડે મળ્યું. પાછળ વાડાનો ટેકરો ઊતરો કે સામે જ નર્મદામૈયા! હા, મા-પિતાજીને અવસ્થાવશ વ્યાધિએ ઘેર્યાં, પણ ચાકરીમાં ઊણી ઊતરે તો સીમા શાની!
‘કોણ જાણે અમારા સુખને ફરી કોની નજર લાગી...’ પોતે તાંબાની ચોરીમાં કઈ રીતે સપડાયો એ તો અનુરાગને આજેય નથી સમજાતું. ‘જરૂર કોઈ વિઘ્નસંતોષીએ જ મારી જાણ બહાર ડિકીમાં તાંબાનું ગૂંચળું મૂક્યું, પણ કાર્યસ્થળે તો મારો કોઈ હિતશત્રુ જ નહોતો. ક્યાંક આમાં મોહિનીનો હાથ તો નહીં હોય!’
‘મોહિની આટલાં વર્ષે શું કામ વેર ઉખેળે! આપણે તેને માટે ક્લુલેસ છીએ.’ સીમાની દલીલમાં આમ જુઓ તો વજન હતું. મોહિનીને અમારી સાથે હવે શું લેવાદેવા! તે પણ પરણી ગઈ હશે અને અમને ભૂલી પણ ગઈ હશે...’
‘માની લેવું ગમ્યું. તેને ભૂલી આવકની ગાડી પાટે ચડાવવા મથતો ગયો, પણ ધરાર જો કામ બનતું હોય! અરે, સીમાનો ટિફિન-સર્વિસનો કાર્યક્રમ પણ ફેલ ગયો ત્યારે ફરી મોહિની ટિકટિક થવા લાગેલી.
‘ધારો કે આ બધાં કરતૂત મોહિનીનાં જ હોય તો પણ શું? અનીતિ તેના પક્ષે છે, હારવાની તો તે જ. આપણે પ્રયત્નો ચાલુ રાખવાના.’
સીમાએ કેટલી ધીરજથી બધું સંભાળ્યું છે! પણ હું જાણું છું કે ઘરે ખાવાના સાંસા છે. મા-પિતાજીની દવાના પૈસા નથી... બધી આશા હવે દિનકરભાઈએ આપવા ધારેલી સેલ્સમૅનની નોકરી પર છે, ચોરીનો કેસ પેન્ડિંગ છે એ જાણ્યા છતાં મસીહાની જેમ તેમણે મારો હાથ થામ્યો છે. આજે બપોરે જુહુમાં કંપનીના ગેસ્ટહાઉસમાં તેમનાં મૅડમને મળ‍વાનું છે... એ મુલાકાત સુખરૂપ પાર પડે અને નોકરી પાકી થાય, એ જ કામના!’ 
મા-પિતાના આશિષ લઈ, પત્નીને આલિંગી અનુરાગ મુંબઈ જવા નીકળ્યો. 
lll
‘સો હી ઇઝ ધેર!’
મરી-મસાલાની કંપનીના ગેસ્ટહાઉસની આલીશાન રૂમમાં કામચલાઉ ગોઠવાયેલી મોહિની ટીવી સ્ક્રીનમાં રિસેપ્શન પર આવી પહોંચેલા અનુરાગને નિહાળી રહી. સીસીટીવીમાં વાતચીત સંભળાવાની નહોતી, પણ તે મારા માટે જ પૂછી રહ્યો હશે. 
અને તેને કૅબિન તરફ વળતો જોઈને મોહિની ટટ્ટાર થઈ : ‘તારે નોકરી જોઈતી હશે અનુરાગ, તો મારી એક શરત માનવી પડશે... જસ્ટ ડૂ એઝ આઇ સે ફૉર વન્સ, અને પછી તારી જિંદગીમાં મોહિની ક્યારેય ડોકિયું નહીં કરે, રાધર એની જરૂર જ નહીં રહે!’ 
ત્યાં દરવાજો નૉક થયો. મોહિનીના ‘કમ ઇન’ના સાદે નોબ ઘુમાવી દરવાજો સહેજ ખોલી ડોકિયું કરતો અનુરાગ હેબતાયો - ‘મો....હિ...ની, તું!’
lll
‘શરત? કેવી શરત?’
અનુરાગના ગળે શોષ પડતો હતો. ‘અંકલેશ્વરની ફૅક્ટરીની ચોરીથી માંડીને અત્યારની સેલ્સમૅનની નોકરી સુધીનાં તમામ પગલાં પોતાના કહેવાથી લેવાયેલાં એવું તો મોહિની ખુદ બોલી ગઈ... અને પાછી કહે છે તું હવે મારી એક શરત માની લે, તો આઇ વીલ ક્વિટ, ઍન્ડ યુ વિલ બી ફ્રી ફૉર લાઇફટાઇમ. ચોરીનો કેસ પણ ખેંચાઈ જશે, કંપની પોતાનું માફીનામું પણ છાપામાં છપાવશે, બોલ!
મોહિની આજેય એવી જ છે. ડંખીલી, તોરીલી. પરણી હોય એમ લાગતું નથી. જાણે તેની શરત શું હશે?
‘મરીન ડ્રાઇવની લક્ઝુરિયસ હોટેલમાં મેં કાલની રાત પૂરતો સ્વીટ બુક કર્યો છે.’
સાંભળતાં જ અનુરાગે ધ્રુજારી અનુભવી, ‘આ પુરુષભૂખી સ્ત્રી મને રાત પૂરતો માણવા માગે છે?’
‘એસ્કોર્ટની વ્યવસ્થા મેં કરી દીધી છે, તારે તારી વાઇફને ત્યાં મોકલી દેવાની.’
‘વૉટ.’ અનુરાગ કાળઝાળ થયો. ‘મોહિની’ - તેની ત્રાડે ગેસ્ટહાઉસના રૂમની દીવાલ ધ્રૂજાવી દીધી, ‘હું મારી વાઇફને મોકલીશ એવું તેં ધાર્યું પણ કેમ.’
‘કેમ કે તારી હદ મને ખબર છે... સેલ્સમૅનની આ નોકરી તારી એકમાત્ર અને આખરી ઉમ્મીદ છે. એ ગુમાવ્યા પછી તારે નર્મદામૈયામાં ડૂબકી મારવા સિવાય કોઈ વિકલ્પ નથી. તારી પાછળ તારા પરિવારનું શું થશે, વિચાર્યું છે? તેમને તો હું આમ પણ છોડીશ નહીં...’
‘મોહિની... મોહિની!’ અનુરાગનાં અશ્રુ સર્યાં, ‘મજબૂરની હાય શું કામ લે છે! તારું વેર હોય તો મારી સાથે છે, એમાં સીમાને શું કામ... તેના પરપુરુષ સાથે રાત્રિ ગાળવાથી તને શું મળવાનું?’
‘સંતોષ!’ મોહિની પાસે જવાબ હાજર હતો, ‘તારી મા આપણી સગાઈ તોડતી વેળા મને ચરિત્રહીન કહી બહુ વટથી બોલેલી કે મારા અનુરાગ માટે હું સંસ્કારલક્ષ્મી લાવીશ... મારે સીમાનું એ સર્ટિફિકેટ છીનવીને માજીને દેખાડવું છે કે જુઓ, તમારી સંસ્કારલક્ષ્મી વહુ એસ્કોર્ટ સાથે રાત ગાળી આવી! ધૅટ વિલ બી માય પ્લેઝર મોમેન્ટ.’
‘કેટલું ઝેર, કેટલી કુટિલતા ભરી છે મોહિનીના મનમાં!’
‘ક્યાં તો સીમાને કાલે મોકલ, યા તો તું કે પછી તમે બધાં સુસાઇડ કરી લો. આ સિવાયનો કોઈ માર્ગ મને દેખાતો નથી.’
‘મોહિની નહીં માને. કોઈ કાળે કઈ વાતે નહીં માને. એમ સીમાને હોટેલ મોકલું એ તો સંભવ જ નથી.’
અને ભગ્ન હૃદયે મુંબઈથી પાછા ફરેલા અનુરાગે સ્ટેશનથી ઘરે જતાં રસ્તામાંથી ઝેરની શીશી ખરીદી.
‘યા, હવે કેવળ આ એક જ રસ્તો છે...આત્મહત્યા!’ 
lll
‘અનુરાગ!’ 
સોમની અડધી રાતે પતિની પાછળ રસોડામાં આવી ચડેલી સીમાએ શીશી ખોલતા અનુરાગને ચમકાવી દીધો, હાથની થાપટથી શીશી ફગાવી દીધી. એના પર લખેલો ‘પોઇઝન’ શબ્દ આંખમાં ભોંકાયો. 
મુંબઈથી આવેલો અનુરાગ બેહદ હતાશ લાગ્યો હતો. સરખી વાત ન કરી, પણ ‘મૅડમ મોહિની હતી’ એવું બોલી ગયા ત્યારે તો નોકરી પાકી નહીં જ થઈ હોય એ સમજાય એવું હતું. સારું થયું, અનુરાગનો મનોવિહાર પોતે કલ્પી શકતી એટલે સાવધ હતી, નહીંતર તો...
‘તમારે મરવું છે, અનુરાગ, ભલે, પણ એકલા કેમ? તમારા પહેલાં અમને ઝેર દેવું હતુંને? તમારા વિના અમે શું!’
પતિ-પત્ની એકમેકને વળગીને રડ્યાં. મન હળવું થયું.
‘ધૅટ વિકેડ વુમન...’ અનુરાગે મોહિનીની શરત સાથે પોતાનો રોષ ઠાલવી દીધો, ‘હું એટલો નમાલો છું કે તને પરપુરુષ પાસે મોકલું?’
સીમાએ અનુરાગને ચૂમી લીધો : ‘આજે તમારું પડખું સેવ્યાનો મને ગર્વ થાય છે!’
‘મોહિની જોકે નહીં માને... જીવવાનો કોઈ રસ્તો જ નથી રહ્યો!’
‘એક રસ્તો છે, અનુરાગ!’ 
થોડું વિચારીને ખરેખર કશોક માર્ગ મળ્યો હોય એમ સીમા ઝળહળી ઊઠી,‘નર્મદામૈયાના કાંઠે આવેલા શિવમંદિરનો મહિમા ન્યારો છે. આપણે રોજ સવારથી રાત મહાદેવના ચરણમાં બેસી નિર્જળા વ્રત રાખીશું. કાલે તમે જજો, બીજા દિવસે હું જઈશ, શંભુ ક્યારેક તો રીઝશે, એ તપ ક્યારેક તો ફળશે!’
અનુરાગે ડોક ધુણાવી. ‘ઈશ્વરને ભજવાનું તો બહાનું, ઘરમાં અન્નના સાંસા છે ત્યારે નિર્જળા ઉપવાસનું ગૃહિણીને જ સૂઝે! સીમાએ હાર નથી માની, પછી હું કેમ તેને નાસીપાસ કરી શકું?’  
‘ભલે’ અનુરાગે કહ્યું ને તેને વળગતી સીમાના ચિત્તમાં પડઘો પડ્યો : ‘માફ કરજો અનુરાગ, પણ તમે કાલે મંદિરથી આવશો ત્યારે હું ઘરમાં નહીં હોઉં. મોહિનીની શરત મને સ્વીકાર્ય છે!
બિકોઝ ધેર ઇઝ નો અધર વે!
lll
સોમની એ રાતે મુંબઈમાં અનાહતને મોહિનીનું તેડું આવ્યું હતું.  
‘આમ તો હું એસ્કોર્ટને વીક-એન્ડમાં, મારા ફાર્મહાઉસ પર જ માણતી હોઉં છું, વિથ નો ડિસ્ટર્બન્સ! વિલામાં પહેલી વાર તને નિમંત્ર્યો છે.’
મોહિનીના વાક્યે અનાહતે જોકે પોરસ અનુભવ્યો નહોતો... ‘રાતે દસ વાગ્યે પોતાના આગમન પહેલાં મોહિનીએ સ્ટાફને આઘોપાછો કરી રાખ્યો હશે એટલે આમ જુઓ તો અહીં પણ ડિસ્ટર્બન્સ કોઈ નથી. મોહિનીને પોતાની પ્રાઇવેટ લાઇફની પ્રાઇવસીની કેટલી દરકાર છે એ પણ આમાં વર્તાઈ આવે છે. જોકે ફાર્મહાઉસ હોય કે બંગલો મને શું ફેર પડે છે!’ 
મોહિની માટે પણ આમ જુઓ તો અનાહતને તેડવાનું કારણ નહોતું. અનુરાગની પત્નીને એસ્કોર્ટ સાથે રાત ગુજારવા મજબૂર કરવી એ પ્લાન તો હતો જ. ખરેખર તો એ મુખ્ય પ્લાનનો પૂર્વાર્ધ હતો... વાસ્તવમાં તો તેની રતિક્રીડાની ફિલ્મ ઉતરાવી એને નેટવર્લ્ડમાં ફરતી કરવાનો મુખ્ય આશય હતો – ઝવેરચંદ શાહની વહુની વગોવણી તો જ થયેલી ગણાયને! આવું અનુરાગને ઑબ્વિયસલી કહેવાનું ન હોય, પણ એસ્કોર્ટને તો વિડિયો ઉતારવા માહિતગાર કરવો જ પડે એમ હતું અને શનિ-રવિ અનાહતને માણ્યા પછી બીજો કોઈ એસ્કોર્ટ મોહિનીને સ્ફુરે એમ પણ નહોતો! અને તેને કામ સમજાવવા મળવાનું જ છે તો ઘરે જ તેડાવીને કામ માણી પણ કેમ ન લેવો! એવી લાલચે તેણે પહેલી વાર અપવાદ સર્જીને એસ્કોર્ટને તેડાવ્યો હતો. 
‘પહેલાં કામની વાત.’ અનાહતને રૂમમાં દોરી મોહિની મૂળ મુદ્દે આવી, ‘કાલે તારા માટે ‘ગ્રેટ મોગલ’માં સ્વીટ બુક કર્યો છે... ત્યાં સીમા નામની એક સ્ત્રી આવશે.’
‘સીમા...’ અનાહતમાં ઝણઝણાટી ફેલાઈ ગઈ. 
મોહિનીને એ કંપન પરખાયું હોત તો?
તો કદાચ એ ન બનત જે હવે બનવાનું હતું! 

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff