કથા-સપ્તાહ: વહુરાણી (સંબંધોની દોર - 4)

09 May, 2019 03:08 PM IST  |  મુંબઈ | સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ: વહુરાણી (સંબંધોની દોર - 4)

વહુરાણી

‘હવે હું મહેતાસાહેબ અને સુનંદાભાભીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે. સૌ પહેલાં તેમના ચિરંજીવી અરેન પિતાજી વિશે કંઈક કહેવા માગે છે. તેમને સાંભળીએ.’

છેવટે સન્માન વેળા આવી પહોંચી હતી. સ્ટેજ પર ટેબલ-ખુરશી ગોઠવાઈ ગયાં. આયોજક કમિટીના ચૅરમૅન અદબભેર અદા-સુનંદાબહેનને દોરી ગયા. પાછળ અરેન સ્ટેજનાં પગથિયાં ચડ્યો. તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લેવાયાં.

‘નમસ્કાર. હું અરેન મહેતા.’

અરેને પોડિયમ આગળ જઈ ઘૂંટાયેલા સ્વરે શરૂઆત કરી એટલામાં નીમાની પાંપણ છલકાઈ ઊઠી. મરૂન કુર્તામાં અરેન ગજબનો સોહામણો દેખાતો હતો.

‘હું અ‌જિતરાય-સુનંદાબહેનનો દીકરો - એમનો અંશ.’

અરેન લેખકજીવ નહોતો, પણ પોતાના જનક વિશે બોલતી વેળા શબ્દોની ખોટ કોને વર્તાય!

‘સંતાન માબાપનો અંશ કહેવાય; કેમ કે એ કેવળ તેમના એક અંશ જેટલો જ થઈ શકે, કોઈ સંતાન ક્યારેય માબાપના કદને પૂર્ણત: આવરી ન શકે. માબાપના વહાલનું કૅન્વાસ હોય જ એટલું વિશાળ.’

નીમાએ સૌથી વધુ તાળીઓ પાડી.

‘આ જન્મનું મારું સૌથી વધુ સદ્ભાગ્ય હોય તો આવાં માબાપના અંશ બનવાનું.’

અરેનની વાણીમાં સચ્ચાઈ નીતરતી હતી. પિતાના સિદ્ધાંત પ્રણયમાર્ગમાં અડચણ બન્યાનો ખટકો તેણે રાખ્યો ન હોય તો જ પડઘાતો નથી.

‘હું જોકે તેમને પપ્પા નથી કહેતો... અમારા ઘરમાં સૌના તે અદા છે...’

અરેનનો શબ્દેશબ્દ ઝીલવા તત્પર બનેલી નીમાને બાજુમાં બેઠેલી માએ કોણી મારી - નીમા, આ જો તો.

માએ ધરેલું પૅમ્ફલેટ લેતી નીમાએ નોંધ્યું કે આગળપાછળ આવાં જ લાલપીળા રંગનાં ફરફ‌‌‌રિયાં પાસઑન થઈ રહ્યાં છે.

ખરા છે લોકો, જાહેરાત માટેય કેવા નુસખા શોધી કાઢે છે!

‘આ જાહેરાત નથી, નીમા ટાઇમબૉમ્બ છે.’ માની બાજુમાં બેઠેલા પિતાએ કહેતાં નીમાએ સિલ્કી કાગળ પર નજર ફેંકી.

‘ગુર્જરરત્ન’ કે આપખુદ બાપ?

ટાઇટલ વાંચી જ તે સમસમી ગઈ. કાગળની આગળપાછળ મોટા અક્ષરોમાં લખેલું લખાણ વાંચતી ગઈ એમ આંખો પહોળી થતી ગઈ:

આજના રોજ ષણ્મુખાનંદ હૉલમાં જે મહાનુભાવનું આપણે સન્માન કરવાના છીએ એની અસલિયત આપના સમક્ષ રજૂ કરવાની મારી ફરજ સમજું છું.

અ‌જિતરાય મહેતા ઉર્ફે અદા અત્યંત સફળ પુરુષ છે, સમાજસેવાનાં પુષ્કળ કાર્યો કરેલાં છે તેમણે, બધું સાચું, પણ દરેક સિક્કાની બીજી બાજુ હોય છે. સૂરજ પણ પૃથ્વીની એક બાજુ હોય ત્યારે બીજા ભાગમાં તો અંધારું જ હોય છે!

શેઠ અ‌જિતરાયમાં પણ એક પાસું કાળું છે, બિહામણું છે, અને એ છે તેમનું આપખુદપણું! પોતાના કહેવાતા સિદ્ધાંતોને ખાતર આ માણસ પોતાના જ દીકરાના પ્રેમનું ગળું ઘોંટી શકે છે. એક નિર્દોષ યુવતીનાં અરમાનોનો બલિ ચઢાવવામાં તેમને પાશવી આનંદ મળતો હશે?

આપ સૌને વિદિત થાય કે અરેનને એક યુવતી સાથે પ્રેમ થયો, ગોળધાણા પણ ખવાયા, પણ સંકુચિત માનસ ધરાવતા અદાથી એ સહ્યું ન ગયું કે તેમની વહુ નોકરી કરે.

વિશ્વાસ ન આવતો હોય તો તેમની હિસ્ટ્રી જુઓ. ડૉક્ટર વહુ સ્મૃતિ પ્રૅક્ટિસ નથી કરતી, ઇન્ટીરિયર ડિઝાઇનર ઘરે બેઠી છે - શું કામ? તો કહે, હમારે ખાનદાનકી યહીં પરંપરા હૈ.

બોલો, પરંપરાના નામે સ્ત્રીઓનું સ્વાતંત્ર્ય છીનવનાર અવૉર્ડને કાબિલ ગણાય ખરો?

તમારો અંતરાત્મા હજુય અ‌જિત દામોદર મહેતાને રત્ન માનતો હોય તો જ તેના સન્માનમાં તાળીઓ પાડજો.

એકશ્વાસે આટલું લખાણ વાંચતી નીમા હાંફી ગઈ.

પેપરમાં ક્યાંય લખનારનું નામ નહોતું. જરૂર આ અદાને બદનામ કરવાનું કાવતરું છે. મારા-અરેનના સંબંધની મડાગાંઠને અદાના વાંક તરીકે રજૂ કરવામાં નાસમજી છે. આવું કરનારો મારી સામે આવે તો મોં તોડી લઉં!

નીમા આવેશમાં આવી.

‘વિશાળ વડલા જેવા મારા અદા...’ બોલતાં અરેનને શ્રોતાસમૂહમાંથી પડકાર મળ્યો - ચૂપ કર છોકરા!

એકાદે ઊભા થઈ પૅમ્ફલેટ ઉછાળ્યું. ‘તારા બાપની આરતી ઉતારવાનું બંધ કર, તારી લવસ્ટોરીમાં તેણે મારેલી ફાચર વિશે હિંમત હોય તો બોલ.’

સ્ટેજ પર બેઠેલાં અદા-સુનંદાબહેન ડઘાયાં. હૉલમાં ફરતાં કાગળિયાં દેખાયાં હતાં, એમાં આવો દારૂગોળો ભર્યો છે? જોકે સીધા આક્ષેપે અરેન ખળભળી ઊઠ્યો.

‘હાઉ ડૅર યુ.’

સ્ટેજ પરથી ધસી આવતા અરેનને વિક્રાંત-સત્યેને ઝાલી લેવો પડ્યો. નચિકેતે ઉપર જઈ અદાને પરિસ્થિતિ સમજાવી ત્યાં સુધીમાં જોકે હૉલમાં ચણભણાટ શરૂ થઈ ગયેલો: અદા ખરેખર સંકુચિત માનસ ધરાવતા હોય તો સન્માન પાછું ખેંચાવું જોઈએ. તેમણે આ બાબતનો ખુલાસો કરવો જોઈએ.

‘જે માણસ સ્ત્રીને કામ કરવાની રજા ન આપે તેના સન્માનનો અમે વિરોધ કરીએ છીએ.’ મહિલા મુક્તિવાળાં દેવયાનીબહેન ઊભાં થઈ ગયાં, ‘અ‌જિતરાય હાય હાય.’

જીવનભર મૂલ્યોના માર્ગે ચાલનાર માટે ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવી એ ક્ષણ હતી.

આખી મહેતાફૅમિલી બઘવાઈ હતા. ઋચા રડવા જેવી થઈ. ‘હિંમત રાખ બહેન.’ તેને સાંત્વના પાઠવતી અદિ‌‌‌તિના મનમાં ખુશીનાં ફૂલ ખીલી ચૂક્યાં હતાં.

બધું એકદમ ધાર્યા પ્રમાણે પાર પડ્યું. અદાની બદનામીમાં નીમાને ફિક્સ કરવાનું કાવતરું રંગ લાવતું દેખાય છે. ‌જિતુભાઈ પાસે છપાવેલાં પૅમ્ફલેટસની ડિલિવરી સવારની લઈ રાખેલી, પપ્પાના ડ્રાઇવરે ભાડૂતી આદમી દ્વારા એને સમયસર હૉલમાં ફેલાવી દીધાં. હવે ધનસુખભાઈ, દેવયાનીબહેન જેમ ઊભાં થયાં એમ બધું સ્વયંભૂ બનવાનું... વિરોધનો સૂર જેટલો પ્રબળ થશે નીમા એટલી જ દૂર અરેનના અંતરથી થવાની!

તેણે ઋચાને દોરી, ‘રોવાને બદલે તારે ભાઈના પડખે ઊભાં રહેવાનું હોય.’ 

વિક્રાંત-સત્યેન પગથિયાંની બીજી બાજુ અરેનને શાંત પાડવા મથતા હતા, ત્યાં જઈ તેણે હળવેથી મુદ્દો મૂકી દીધો, ‘ધીરજથી કામ લો, અરેન. અદાને બદનામ કરવાનું કાવતરું કોણે ઘડ્યું એ જાણવું જોઈએ.’

અરેને પળ પૂરતી અદિ‌તિને નિહાળી, પાછળ હરોળમાં બેઠેલી નીમાને ભાળી ઉમેર્યું, ‘નીમા આવું ન કરે.’

અદિ‌તિએ દલીલ ન કરી, બલકે જુદું જ કહ્યું, ‘એ જે હોય એની ભાળ તો કાઢવી રહી. અદાને બદનામ કરનારને એમ ઓછો છોડાય?’

‘હું તેને પાતાળમાંથી ખોળી કાઢીશ.’ અરેનના કપાળની નસ ફૂલી ગઈ. આ ગુસ્સો મૂળત: પોતાના માટે છે એના ઝબકારાએ અદિ‌તિ ભીતરથી થથરી ગઈ, પણ દેખાવા ન દીધું.

‘કંટ્રોલ યૉરસેલ્ફ અરેન. મામલો બીચકી રહ્યો છે.’ વિક્રાંતે સત્યેનના કાનમાં ફૂંક મારી, ‘નચિકેતને કહે કે અદાને લઈને નીકળો.’

એમ તે જવાતું હશે! હજુ નાટકનો છેલ્લો અંક તો બાકી છે. અદિ‌તિના હોઠ વંકાયા. હમણાં જ ધ્યાનમાં આવ્યું હોય એમ બોલી - ‘વન મિનિટ, વિક્રાંતભાઈ, આ જુઓ. પૅમ્ફલેટમાં લખાણની બોર્ડર નીચે ઝીણા અક્ષરે રાજવી પ્રિન્ટિંગ પ્રેસ લખી પ્રકાશકનો મોબાઇલ નંબર પણ લખ્યો છે-’ અદિ‌તિએ મોબાઇલ કાઢ્યો, ‘તેને જ અહીં તેડાવી જાણી લઈએ કે સભામાં કોની મગદૂર થઈ અદાને બદનામ કરવાની.’

વધતા ઘોંઘાટને કારણે તે થોડી

દૂર સરકી.

ત્યાં સુધીમાં જોકે નીમાનો ધૈર્યબંધ તૂટી ચૂકેલો. દોડતી તે સ્ટેજ પર ધસી ગઈ.

‘સબૂર!’ માઇક પર પડેલી ત્રાડે પળવારમાં હૉલમાં પિનડ્રૉપ સાયલન્સ છવાઈ ગઈ.

‘હમણાં અહીં જે કાગળિયાં ફરતાં થયાં એ બાબતમાં મારે કંઈક કહેવું છે, પ્લીઝ મને થોડી મિનિટ આપો. શાંતિથી જગ્યા પર બેસી જાવ.’

એના આદેશના પગલે જેને જે જગ્યા મળી એ લઈ લીધી.

‌જિતુભાઈને ફોન કરીને આવેલી અદિતિ નીમાને સ્ટેજ પર પહોંચેલી જોઈ ગેલમાં આવી - વાહ, તું જ સામે આવી એટલે ‌જિતુભાઈ આવતાં તારું વસ્ત્રહરણ કરવાના. મોજ પડવાની!

અદા-સુનંદાબહેન-નચિકેત માટે પણ નીમાનું આવવું અચરજરૂપ હતું. કેવળ અરેન તેને અમીભર્યાં નેત્રે નિહાળી રહ્યો.

‘મારું નામ નીમા છે, અને આ પૅમ્ફલેટમાં જે છોકરી સાથે અરેનના ગોળધાણા ખવાયાનો ઉલ્લેખ છે એ હું પોતે.’

સાંભળીને હૉલમાં ફરી ગણગણાટ પ્રસરી ગયો.

‘અમારી અંગત, કૌટુંબિક વાતો જાહેરમાં આણવાની ગુસ્તાખી કોણે કરી એ તો હું નથી જાણતી, પણ એ બેઅદબી હળાહળ વિકૃતિભરી છે.’

આદર્શવાદી નીમા ખુલ્લેઆમ અદાના સપોર્ટમાં ઊભી રહેશે એવું અદિ‌તિએ ધાર્યું નહોતું - પણ એથી તો તેને ફિક્સ કરવી આસાન રહેશે.

‘અદા જેવી હસ્તી સ્ત્રીસ્વતંત્રતાની વિરોધી હોય એ માનવું ભૂલભરેલું છે.’

તેના શબ્દો મહેતાફૅમિલીના ઘા પર અમૃત જેવા રહ્યા.

‘તેમની દરેક કંપનીમાં ઘરની વહુઓ, દીકરી ડિરેક્ટરપદે છે, એ માણસ સ્ત્રીને આર્થિક સ્વતંત્રતા આપવામાં ઊણો ઊતર્યો ગણાય? બીજાની હાય હાય બોલાવતાં પહેલાં સત્ય શું એ તો જાણો.’

દેવયાનીબહેન જેવાં ઝંખવાયાં, નીમાનો રણકો જ એવો હતો કે હરફ ન ઉચ્ચારાય.

‘હા, તેઓ વહુને બહાર કામ કરવાની પરવાનગી નથી આપતા, પણ તેની પાછળ નોકરી કરતી એક વહુનો તેમને થયેલો કડવો અનુભવ છે.‘ કુસુમફોઈનો કિસ્સો કહી નીમાએ ઉમેર્યું, ‘દૂધનો દાઝેલો છાશ ફૂંકીને પીએ એ આખી દુનિયામાં બને છે, પોતાના કુટુંબની રક્ષા ખાતર દરેક વડીલને અમુકતમુક નિયમ બનાવવાનો હક છે.’

અદાના જે સિદ્ધાંતનો નીમાએ વિરોધ કર્યો, આજે એના જ બચાવમાં તેને બોલતી નિહાળવાની ક્ષણ અરેનને દુર્લભ લાગી.

શ્રોતાસમૂહ નીમાના વાક્પ્રવાહમાં તણાયો એ અરસામાં ‌જિતુભાઈ આવી પહોંચ્યા. તેમણે હાથ હલાવતાં ‘જુઓ પ્રેસવાળા ભાઈ આવી ગયા’ બબડી અદિ‌તિ તેમને રિસીવ કરવા ગઈ. પગથિયાં સુધી પાછી વળતાં જાણે કશું પૂછતી મૂકતી હોય એવો દેખાવ પણ આચર્યો. હુકમનો એક્કો ઊતરવાની વેળા આવી ગઈ હતી.

‘અલબત્ત, અદાના નિર્ણયનો મેં વિરોધ કર્યો, કારણ કે-’ નીમા આટલું બોલી કે-

‘બસ, નીમા!’

નીચેથી અદિ‌તિએ હાથ ઊંચો કર્યો. નીમા ચમકી. ફંક્શનમાં ઋચા સાથે દેખાયેલી યુવતી કોણ છે એની પઝલ હતી, ત્યાં તે મને અટકાવે કેમ છે?

‘કહેવું પડે તારી ડ્રામાબાજીનું.’ અદિ‌તિએ તાળી પાડી. નીમાએ જમાવેલું વાતાવરણ ડહોળવા થોડા લાઉડ થવું જરૂરી લાગ્યું.

‘અત્યારે સ્ટેજ પર ઊભી જેમની તું આરતી ઉતારી રહી છે, જેમના નિયમને યથાર્થ ઠેરવી રહી છે, તેમને બદનામ કરવાનો તારો કારસો ખુલ્લો થઈ ગયો છે!’

હેં. નીમા ગૂંચવાઈ. નીમાના પેરન્ટ્સ ખળભળી ઊઠ્યા. બાકીના ડઘાયા - આ શું નવો ફણગો ફૂટ્યો!

‘અરેન, આ રહ્યા પૅમ્ફલેટના પબ્લિશર. તેમણે જ મને આવીને કહ્યું કે આ કાગળિયું સ્ટેજ પર ઊભી આ નીમા નામની છોકરીએ છપાવવા આપેલું.’

ન હોય!

નીમાએ નજર ફેંકી - કોણ, ‌જિતુભાઈ, તમે!

નીમાએ ‌જિતુભાઈને કઈ રીતે ઓળખી કાઢ્યા એ અદિ‌તિને ન સમજાયું, પણ દરેક ટ્‌વિસ્ટને પોતાની ફેવરમાં ટર્ન કરવાનું ફાવતું હોય એમ તેણે ચપટી વગાડી.

‘લો, મૅડમે જાતે જ પબ્લિશરને ઓળખી કાઢ્યા! બોલો, ‌જિતુભાઈ, આ જ છોકરીએ તમને પૅમ્ફલેટ છપાવા આપેલાંને?’

‌જિતુભાઈ-નીમાની નજરો મળી. ‌જિતુભાઈએ નજર ફેરવી લીધી, ‘જી, આ મૅડમે મને ફરફ‌રિયું છપાવા આપેલું-’

હેં. મનાતું ન હોય એમ અરેન ધબ દઈને બેસી પડ્યો. નીમાએ હૃદયકંપ અનુભવ્યો.

‘જિતુભાઈ, આ તમે શું બોલો છો!’ નીમાને માંડ અવાજ ફૂટ્યો.

‘મેં સાચું જ કહ્યું બેહન, મારી પાસે આના પુરાવા છે.’

‘અસંભવ!’ નચિકેતથી ન રહેવાયું, ‘જે છોકરી સિદ્ધાંતને ખાતર મારા અદા સાથે અડી જાય એ કદાપિ આવું કરે નહીં.’

પોતે અરેનનો વિડિયો બતાવવા છતાં તેણે આદર્શમાં સમાધાન નહોતું સ્વીકાર્યું એ ઘટના અરેન અને ઘરના વડીલોએ તો પહેલી જ વાર સાંભળી. અરેન માટે આ બધું અસહ્ય બનતું જતું હતું. 

‘જેનામાં આટલી ખુમારી હોય એ વ્યક્તિ આવી હીન કક્ષાએ જાય નહીં. ’

આટલું થયા પછી પણ મહેતા પરિવારમાંથી જ કોઈ નીમાના સપોર્ટમાં ઊભું રહેશે એવી અદિ‌તિને ધારણા નહોતી.

‘પોતાની આ જ ઇમેજનો તો નીમા ફાયદો ઉઠાવવા માગે છે, નચિકેતભાઈ.’ અદિ‌તિએ આવેશમાં દલીલ કરી, ‘પહેલાં અદા વિરુદ્ધ ઝેર ઓક્યું, પછી તે જ તેમના સપોર્ટમાં ઊભી રહી. એ રીતે તમને સૌને ઑબ્લાઇઝ કરી તમારા ઘરમાં પગપેસારો કરવાની એની ચાલ હજુય તમને સમજાતી નથી?’

તેણે ‌જિતુભાઈ તરફ આંગળી ચીંધી, ‘આ માણસ ગાઈવગાડીને કહે છે કે નીમાએ જ પૅમ્ફલેટ છપાવવાં આપ્યાં - પછી પણ તમે તેને કેમ ગુનેગાર માનતા નથી!’

‘કેમ કે અદાએ અમને માણસની પરખ કરતાં શીખવ્યું છે, અદિ‌તિ, મેં નીમાની આંખોમાં મારા ભાઈ માટેની મહોબત નિહાળી છે, મારા અદા માટેનું માન અનુભવ્યું છે. જિતુભાઈની ભૂલ થતી હોય એ સંભવ છે, બાકી આ કાવતરું નીમાનું હોય એ વાત જ હમ્બગ છે.’ નચિકેતે અદાને નિહાળ્યા, ‘અદા, મેં ઠીક કહ્યુંને?’

નીમા આંખો મીંચી ગઈ. તેને સમજ હતી કે અરેનની છેવટની પ્રતિક્રિયાનો આધાર કેવળ અદાના પ્રત્યાઘાત પર હોવાનો!

લાગતાવળગતા કશમકશમાં હતા. શ્રોતાસમૂહને હવે શું બનશે એની ઉત્કંઠતા હતી.

આ પણ વાંચો : કથા-સપ્તાહ: વહુરાણી (સંબંધોની દોર - 3)

અદિતિને થોડી હાશ થઈ. નચિકેતે અરેનને ન પૂછી ડહાપણનુ કામ કર્યું; એ આશિક નીમાના પક્ષમાં રહેત તો તકલીફ થાત, જ્યારે આટલા બેઆબરૂ થયા પછી અદા નીમાને શંકાનો લાભ નહીં જ આપે!

બસ, આટલી એક હર્ડલ પાર કરી કે પોતે મહેતાકુટુંબની વહુરાણી બની જ ગઈ!

(આવતી કાલે સમાપ્ત)

Sameet Purvesh Shroff columnists