કથા-સપ્તાહ: વહુરાણી (સંબંધોની દોર - 3)

Published: May 08, 2019, 14:13 IST | મુંબઈ

‘અમે તમારી ના સાંભળવાના નથી મહેતાસાહેબ.’

વહુરાણી
વહુરાણી

‘અમે તમારી ના સાંભળવાના નથી મહેતાસાહેબ.’

સાંજનો સમય છે. મુંબઈની ગુજરાતી જ્ઞાતિઓનાં વિવિધ મંડળના પ્રતિનિધિઓ ભેગા થઈ અદાને મળવા ઘરે આવ્યા છે.

આમ તો લગભગ દરેક જ્ઞાતિ એમનાં રત્નોને બિરદાવતી થઈ છે, પણ આ વર્ષથી ગુજરાતના સ્થાપના દિને તમામ મંડળ એક થઈ મુંબઈના શ્રેષ્ઠ ગુજરાતીને ‘ગુર્જરરત્ન’ પુરસ્કાર એનાયત કરે એવું આયોજન થઈ રહ્યું હતું. ખાસ્સા આઠ-નવ મહિનાથી આ વિશે ચર્ચાઓ-મંત્રણાઓ ચાલતી હતી, છેવટે પ્રોગ્રામની રૂપરેખા ફાઇનલ થઈ હતી. ફર્સ્ટ મેએ મુંબઈમાં મહારાષ્ટ્ર દિવસની જાહેર રજા હોવાથી તારીખ બધાને અનુકૂળ આવે એમ છે. ષણ્મુખાનંદ હૉલમાં સાંજે છથી નવનું ફંક્શન છે. ગીત-સંગીત, મુશાયરો અને એકાંકીના ત્રિવેણી સંગમના મધ્યાંતરમાં સંતશિરોમ‌‌‌ણિ વિદ્યાનંદજીના શુભ હસ્તે ‘ગુર્જરરત્ન’ એનાયત થશે, જેમાં અગિયાર લાખનો ચેક, શાલ અને પ્રશસ્તિપત્ર સામેલ રહેશે. ઘણાં નામોના વિચાર બાદ અવૉર્ડ કમિટી સર્વાનુમતે એવા નિર્ણય પર પહોંચી કે આ સન્માનના અધિકારી અ‌જિતરાય મહેતા જ હોય! પખવાડિયા પછીના કાર્યક્રમ માટે સુવેનિયર-કાર્ડ્સ છપાવા જાય એ પહેલા જેને અવૉર્ડ મળવાનો એની સંમતિ આગોતરી મેળવી લેવી ઘટે. આજે એની જાણ કરવા મોવડીઓ અ‌જિતરાયના ઘરે પધાર્યા છે.

અદા જોકે આવા સન્માનમાં માનતા જ નથી. ઘણી વાર એવું જોવા મળ્યું કે આખું ફંકશન સ્પૉન્સર કરી, ઉપરથી મસમોટા દાનની જાહેરાત કરી શ્રીમંતો સામેથી આવા અવૉર્ડ્ઝ મેળવતા હોય છે. એટલે અદા તો આવા કાર્યક્રમોથી અંતર જ રાખતા. ‘હું કંઈ એવો મહાન નથી કે તમે આટલો પ્રતિષ્ઠિત પુરસ્કાર મને આપો.’ અદાએ ઠાવકાઈથી કહ્યું.

‘મહેતાસાહેબ, પુરસ્કાર તો બહાનું છે.’ વૈષ્ણવ જ્ઞાતિના કિશોરભાઈએ મુત્સદ્દીપણું દાખવ્યું, ‘એ નિમિત્તે આપણી આટલી જ્ઞાતિઓ એક છત્ર નીચે આવે છે એ ઓછું છે? તમે તો પ્રેરણારૂપ છો, આંગણે આવેલાને તમે પાછા કાઢશો?’

ત્યારે અદા ધર્મસંકટમાં મુકાયા.

‘એક શરતે હું આવીશ.’ છેવટે તેમણે શરતી સંમતિ આપી, ‘આ પુરસ્કાર ક્યારેય પણ વેચવામાં નહીં આવે. મને એની જાણ થઈ તો એ જ ઘડીએ હું અવૉર્ડ સાભાર પરત કરી દઈશ.’

‘કબૂલ.’ કિશોરભાઈએ બધા વતી કહી દીધું, ‘નેક્સ્ટ યરથી તમે જ અવૉર્ડ પસંદ સમિતિના કાયમી અધ્યક્ષ હશો, એટલે ક્યાંય ઘાલમેલ થવાની નહીં.’

સાંભળીને અદાને સંતોષ થયો.

અવૉર્ડના ખબરે મહેતા પરિવારમાં સ્વાભાવિકપણે આનંદ છવાઈ ગયો. અરેને અદા પર નાનકડી સ્પીચ દેવાનું વિચારી લીધું. ઘરની સ્ત્રીઓ નક્કી કરવા લાગી કે ફંક્શનમાં શું પહેરીને જવું. જેન્ટ્સ કુર્તા-પાયજામા પહેરે ને

વહુઓ બાંધણી પહેરીશું તો ગરવાઈભર્યું પણ લાગશે....

જોકે ફંકશનમાં શું બનવાનું એની તેમને ક્યાં જાણ હતી?

‘અદાનું સન્માન!’ અદિતિએ પાંપણ પટપટાવી.

ગયા અઠવા‌ડિયે ઋચા પાસેથી અરેન-નીમા વચ્ચેની મડાગાંઠ વિશે જાણી ફરી અરેનને પામી શકવાની શક્યતા ઝડપી લેવી હતી. ઘરે જઈ પપ્પા-મમ્મીને પણ તેણે કન્વીન્સ કરી દીધેલાં. લાડલી દીકરીની આરજૂ માવતરને મન તો સર્વોપરી જ હોવાની.

નીરજાબહેને પણ નીમાની ભાળ મેળવી: સાયકિયાટ્રીનું ભણેલી એ મુંબઈ ખાતે સુધરાઈની હૉસ્પિટલમાં કાઉન્સેલિંગનું કામ કરે છે... બહુ ટૂંકા ગાળામાં તેણે પેશન્ટ્સનો વિશ્વાસ જીતી લીધો છે. રૂપાળી છોકરી મૂલ્યોમાં માનનારી છે એ તો સાચું.

‘તેના સિદ્ધાંત જ તેને ભારે પડવાના’ અદિતિએ ગમતો સાર તારવી લીધેલો. ‘અદાની મુદતનો સમજોને અડધો ટાઇમ તો વીત્યો, નીમા વળવાની હોત તો વળી ચૂકી હોત... મહોલતના અંતે અદાની નજરે ચડનારી પ્રથમ કન્યા હું હોઉં એવું કંઈક ગોઠવી કાઢવું રહ્યું. ’

‘અ‌જિતરાય સુનંદાબહેન સાથે વહેલી સવારે હવેલીએ અચૂક આવતા હોય છે...’

માએ આપેલી હિન્ટ પૂરતી હતી. બાજી ગોઠવ્યા પછી હવેલીના પ્રાંગણમાં મા-દીકરી અચાનક જ જાણે અ‌જિતરાય-સુનંદાબહેનને ભટકાઈ ગયાં. શ્વેત ચૂડીદારમાં અત્યંત ગ‌ર્વિલી લાગતી અદિતિએ તેમને પાયલાગણ પણ કર્યા.

‘સુનંદાબહેન, આ મારી અદિ‌તિ.’ નીરજાબહેન જોકે અગાઉના કહેણનો ફોડ પાડ્યા વિના જ કહ્યું. ‘ગ્રૅજ્યુએટ થઈ ગઈ. તેની તો ઇચ્છા ખરી કે કંઈ કામધંધામાં જોડાઈ જાઉં, પણ દિવાકર ના પાડે - આપણે શું ખોટ છે કે તારે છોકરીની જાત થઈ નોકરી કરવી પડે!’

સાંભળીને અદા-સુનંદાની નજરો મળી, છૂટી પડી.

‘જોકે ઘરે બેસવાનોય કંટાળો આવે એટલે આજથી સેવા આપવા અડધી વેળ વૃદ્ધાશ્રમમાં જવાની. એ માટેના આશિષ લેવા જ આવ્યાં છીએ.’

વેલ, અરેન મળતો હોય તો બે-ત્રણ માસ પૂરતો દેખાડો કરવામાં અદિ‌તિને ક્યાં વાંધો હતો? અદા-સુનંદાબહેન પ્રભાવિત થયેલાં - આજના પેઢીમાં આવું વિચારનાર પણ છે!  ધન્ય બેટી.

હવે, ઍટ લીસ્ટ, તેમના ધ્યાનમાં તો હું રહેવાની!

‘ઋચા મારી ફ્રેન્ડ છે, અમે હમણાંનાં ક્લબ પર રોજ મળીએ.’

આટલું કહેવું પૂરતું હતું. સુનંદાબહેનને ભૂતકાળના અમારા પ્રસ્તાવનો ખ્યાલ હોય જ, હવે જો તેમને ખરેખર રસ પડ્યો હશે તો જરૂર તે ઋચાને પૂછવાનાં.

બીજે દહાડે ક્લબમાં આની પૂર્તિય થઈ ગઈ.

‘તું કાલે અદા-આન્ટીને મળેલી? તારા માટે પૂછતાં હતાં... રિયલી, તું કોઈ આશ્રમમાં જવાની?’

‘હં. મને ચૅરિટીનાં કામ ગમે, પણ એનું શું ગામગજવણું કરવું!’

ઋચાને એ ગમ્યુ. હવે જરૂર તે તેની આંટીને કહેતી રહેવાની! પછી તો અચૂક તે અનાથાશ્રમની કામગીરીનો હેવાલ આપી, એકાદ કિસ્સો સંભળાવી દેતી.

ઋચાને અંદાજ સુધ્ધાં નહોતો કે તેના દ્વારા અદિતિ મહેતા ફૅમિલીમાં પોતાનું ઇમેજ બિલ્ડિંગ કરી રહી છે!

આમાં હવે અદાના સન્માનના ન્યુઝ:

‘કાશ, નીમા પણ એ પહેલાં માની જાય તો અદાના ફંક્શનની ખુશીને ચાર ચાંદ લાગી જાય.’

અત્યારે, ભાવથી બોલતી ઋચાના શબ્દોએ અદિતિમાં ખળભળાટ જેવો સરજી દીધો. આ લોકોને હજુય નીમાના પુનરાગમનની આશા છે!

પણ આવું થઈ તો શકે. ચોથા મહિને નહીં ને પાંચમા મહિને, અરે, અરેનનાં લગ્નનું સાંભળી તે જાન નીકળવાના ટાણેય દોડી આવે તો અરેન અને તેના કઝિન્સ મળીને અદાને અદિતિને બદલે નીમાને જ સ્વીકારવા મનાવી લે ખરા!

નહીં નહીં, અદા મને સ્વીકારે એ પહેલાં નીમાનો કદી સ્વીકાર ન થાય એટલું કન્ફર્મ કરી લેવું ઘટે!

બટ હાઉ? અદિતિનો વિચારઘોડો દોડવા લાગ્યો.

અજિતરાયના સન્માન સમારંભના ખબર પ્રસરતા ગયા એમ વધાઈ સાંપડતી ગઈ. અજિતરાયને જોકે એની ખુશીથી વિશેષ દીકરાની ફિકર વધુ રહેતી. 

‘મારી ચાર માસની મુદતને દોઢ મહિનો થવા છતાં નીમા હજુ માની નથી. છોકરી મારા જેવી છે, નહીં જ માને.’ અજિતરાય સુનંદાબહેનને કહેતા.

પતિના શબ્દોમાં નીમા માટે માન હતું, પતિ ભાગ્યે જ કોઈથી આવા પ્રભાવિત થતા.

‘પણ એથી અરેનને ક્યાં સુધી કુંવારો રાખવો? તે પરણશે તો નીમા આપોઆપ તેની લાઇફમાં આગળ વધશે.’

સુનંદાબહેનને સમજાયું કે અરેનનાં લગ્ન પાછળ ખરેખર તો નીમા પણ થાળે પડે એવી અજિતની ધારણા છે. પોતાને જ પડકારનારી યુવતી માટે આટલું તો કોણ વિચારે!

‘અવૉર્ડ તો ઠીક છે, સુનંદા, પણ સર્વજ્ઞાતિના જંગી મેળાવડામાં ઘણી કન્યાઓ પધારશે, એમાંથી આપણા ઘરને શોભે એવી છોકરીઓની મનોમન યાદી બનાવતાં રહેજો, પછીથી તેના પેરન્ટ્સને પુછાવી આગળ વધી શકાય.’

અજિત સાચે જ કેટલું આગળનું વિચારતા હોય છે!

‘ભલે હું ધ્યાનમાં રાખીશ.’ સુનંદાબહેનથી ઉમેર્યા વિના ન રહેવાયું, ‘જોકે મને એક છોકરી ગમી છે ખરી. અગાઉ તેનું માંગું આપણે પાછું ઠેલવેલું. દિવાકરભાઈ જરીવાલાની પુત્રી અદિતિ.’

‘ઓહ’ અદાની કીકીમાં ચમક ઊપસી. થોડા દહાડા પહેલાં મંદિરમાં મળેલી છોકરી યાદ હતી. કોઈ આશ્રમમાં સેવાવ્રત કરવાય જવાની હતી.

‘જવાની હતી શું, રોજ જાય છે. ઋચાને પૂછ્યુંને.’

ત્યારે તો છોકરી સાચે જ ગુણી હોવી જોઈએ. કુટુંબ મોભાદાર. 

‘અદિતિ ન ગમવાનું કોઈ કારણ જ નથી. છોકરી રૂપાળી છે. ડાહી-સંસ્કારી છે, અને સૌથી વિશેષ, લગ્ન પછી નોકરી-ધંધો કરવામાં નથી માનતી!’

‘વાત તો સાચી’ અજિતરાયે ડોક ધુણાવી, ‘જોકે અરેનને તે ગમવી જોઈએને.’

‘હું ઋચાને કહી રાખીશ કે ફંક્શનમાં અદિતિને તારી જોડે જ રાખજે, તો આપોઆપ અરેન તેના સહેવાસમાં આવવાનો. ઓળખની ધરી રચાશે... આગળ તેમનું નસીબ.’

અદિતિએ સાંભળ્યું હોત તો જરૂર હરખાઈ જાત!

‘તમારો આભાર કયા શબ્દોમાં માનું, બહેન!’ જિતુભાઈ ગદ્ગદ થયા.

‘તમે વડીલ છો કાકા, તમારે કેવળ આશીર્વાદ આપવાના હોય.’

સુધરાઈની હૉસ્પિટલમાં નીમાને ફાવી ગયું હતું. અહીં પગારધોરણ ઓછું, આમ જુઓ તો કૉન્ટ્રૅક્ટની પોસ્ટ, પણ પેશન્ટ્સનો ફલો વધુ રહેતો, મોટા ભાગના નીચલા મધ્યમ વર્ગના. નીમાએ તેમને સાંભળવાના, સમજાવવાના. અનુભવે નીમા ઘડાતી ગઈ. તેની કાબેલિયત જોઈ હૉસ્પિટલના સાઇકિયાટ્રિસ્ટ ડૉક્ટર તેના થ્રુ પેશન્ટ જોતા થયા. દર્દીની હાલત, રોગનાં લક્ષણોની નીમાએ કરેલી છણાવટ તેમના માટે ટાઇમ સેવિંગ રહેતી. નીમાના ગુણ પેશન્ટ્સનું, તેમના રિલેટિવ્ઝનું હૈયું હરી લેતા.

જેમ કે જિતુભાઈની દીકરી રાજવીનો જ દાખલો લો.

ટ્વેલ્થમાં ભણતી રાજવીની બોર્ડ એક્ઝામ સારી નહોતી ગઈ, છોકરી એટલી ટેન્શનમાં કે આપઘાત કરી મરી જવાનું વિચારી લીધેલું. એ તો તેના નાનાભાઈએ ‘દીદી કબાટના ખાનામાં કશું છુપાવતી’ હોવાની ચાડી ખાધી એમાં માના હાથમાં વેળાસર એ ચિઠ્ઠી આવી ગઈ - હું બોર્ડની પરીક્ષામાં પાસ થઈ શકું એમ નથી, માટે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરું છું. પપ્પા-મમ્મી, આઇ ઍમ સૉરી. ચિન્ટુને વહાલ.

ગભરાયેલી માએ ધણીને ઘરે તેડાવ્યો. ત્યાં સુધી દીકરીને પકડમાંથી ચસવા નહોતી દીધી.

વર્ષો સુધી પ્રેસમાં કામ કરનારા જિતુભાઈએ બેએક વરસથી પોતોના પ્રેસ કર્યો હતો, ખરેખર તો જાહેરાતનાં પૅમ્ફલેટ્સ, બૅનર્સ છાપતા ‘નવજીવન પ્રેસ’ને સેકન્ડમાં બેચાર ઓળખીતાઓ પાસેથી લોન લઈ ખરીદેલો. મહેનતુ આદમી એટલે ધંધો જમાવતાં વાર ન લાગી, પણ આવકનો મોટો હિસ્સો લોનની ચુકવણીમાં જતો એટલે દીકરીને એટલું કહેતા કે સારા માર્ક્સ આવશે તો જ આગળ ભણવાનું. મારી પાસે પ્રાઇવેટ કૉલેજની ફી ભરવાના રૂપિયા નથી.

પરિણામે રાજવી બિચારી તાણમાં આવી ગયેલી... અલબત્ત, દીકરી વહાલી હતી ને તેની આ દશા માટે પોતાને જવાબદાર ગણતા જિતુભાઈમાં તેને કોઈ ડૉક્ટરને દેખાડવું જોઈએ એટલી સમજ પણ હતી.

એ રીતે કેસ નીમા પાસે આવ્યો. તેણે કેવળ રાજવીનું જ નહીં, માબાપનું પણ કાઉન્સેલિંગ કર્યું. દાખલા-દલીલ સાથે રાજવીમાં આત્મવિશ્વાસ જાગ્રત કર્યો.

આજે તેની છેલ્લી શેસન હતી. પહેલાંની અને અત્યારની રાજવીમાં દેખીતો ફર્ક હતો. માબાપ માટે તો નીમા તારણહાર જેવી હતી. અને તોય છે જરા તેને અભિમાન!

‘દીકરીના બાપના આશીર્વાદ છે, બેટી, ખૂબ સુખી થજે.’

નીમાને થયું આવી દુવા જ કદાચ મને-અરેનને એક થવામાં નિમિત્ત બને!

પત્ની-પુત્રીને ઘરે મૂકી જિતુભાઈ પ્રેસ પર પહોંચ્યા કે ફોન રણક્યો - આ તો મને પ્રેસ લેવામાં મદદરૂપ થનારા દિવાકરભાઈ!

તેમની કંપનીમાંથી જૂના પ્રેસમાં રજિસ્ટરની છપાઈના બહોળા ઑર્ડર જતા. તેમનું કામ હું જ કરતો. મારું હીર પારખી તેમણે જ પ્રેરિત કર્યો - તું તારું પ્રેસ કરે તો મારો ઑર્ડર તને! ખરું પૂછો તો તેમની પ્રેરણાએ જ પોતે પ્રેસ કરી શક્યા, પ્રેસ લીધા પછી મહત્તમ કામ તેમનું જ મળે છે મને

આજે જોકે તેમનો ફોન નહોતો.

‘અંકલ, હું દિવાકરભાઈની ડૉટર બોલું છું. મારે આપને મળવું છે.’

એ અદિતિ હતી.

અદાનું સન્માન!

ત્રણ દિવસ પછી થનારા ફંક્શન વિશે નીમાએ પણ જાણ્યું. જાહેર કાર્યક્રમમાં જવાનું જ હોય. કેટલા વખતે અરેનને રૂબરૂ થવાનું બનશે! નીમાની પાંપણ છલકાઈ ઊઠી.

અને એ ઘડી આવી પહોંચી.

ખીચોખીચ ભરાયેલા ષણ્મુખાનંદ હૉલમાં રંગારંગ કાર્યક્રમથી શરૂઆત થઈ. મંગેશકર સિસ્ટર્સનાં ગુજરાતી ગીતોની રજૂઆતે રંગ ભરી દીધો.

પોતાના પિતરાઈ ભાઈઓ સાથે અજિતરાય સ્ટેજની સામેના વીઆઇપી સોફા પર બિરાજમાન હતા. બાજુના એવા જ સોફા પર સુનંદાબહેન તેમની દેરાણીઓ સાથે બેઠાં હતાં. પાછલી હરોળમાં અરેન ઍન્ડ કઝિન્સ ગોઠવાયા હતા. એમાં ઋચા સાથે અદિતિ પણ ભળી ગયેલી. ગેટ પર મળ્યાં ત્યારે સુનંદાબહેને જ કહેલું, ‘અદિતિ, તું અમારી ઋચા જોડે જ રહેજે.’ તેની પાછળ પોતે અરેન જોડે ભળી શકે એ જ મકસદ હોવી જોઈએ. પપ્પા-મમ્મીનેય આન્ટી કેવા ભાવથી મળ્યાં.

ત્યાં જોકે ધૅટ નીમા ટપકી પડેલી. જાણે મહેતા ફૅમિલીની જ હોય એમ તેણેય બાંધણીનો ડ્રેસ પહેર્યો હતો. અદાને પગે લાગી, માને ગળે મળી, અરેન પણ તેને ભાળી કેવો સ્થિર થઈ ગયેલો!

બાદમાં જોકે તે સમજીને પાછળ જતી રહેલી... આમેય તારે પાછળ જ રહેવાનું છે, નીમા. મહેતા પરિવારમાં તારો એકડો નીકળી જાય એવું હમણાં બનવાનું!

આ પણ વાંચો : કથા-સપ્તાહ: વહુરાણી (સંબંધોની દોર - 2)

અદિતિએ ખુમાર અનુભવ્યો. એક તરફ સન્માન માટે અજિતરાયને સ્ટેજ પર બોલાવવાનું અનાઉન્સમેન્ટ થતું હતું ને પાછળથી હૉલમાં છપાયેલું પૅમ્ફલેટ ફરી રહ્યું હતું, જેમાં ‘ગુર્જરરત્ન’ અજિતરાયને આરોપી બનાવી દેવાયા હતા!

(ક્રમશ:)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK