કથા સપ્તાહ : હમારી અધૂરી કહાની (4)

14 June, 2019 01:33 PM IST  |  મુંબઈ | રશ્મિન શાહ - કથા સપ્તાહ

કથા સપ્તાહ : હમારી અધૂરી કહાની (4)

હમારી અધૂરી કહાની

‘સર, બધું ચેક કરી લીધું પણ R અને S લેટરથી કોઈ નામ નથી. મોબાઇલની મેમરીમાંથી ડિલીટ પણ નથી કરવામાં આવ્યું.’

‘દેખ ઢંગ સે દેખ, યે બંદા ઝરૂરી હૈ, બહોત ઝરૂરી હૈ.’ ઇન્સ્પેક્ટરે બંધ આંખોથી જ ગાયતોંડેને કહ્યું, ‘યે મિલ ગયા તો માન યે કેસ સૉલ્વ હો ગયા ગાયતોંડે.’

‘દેખા સા’બ, સચ મેં નહીં હૈ... આપ દેખ લો, દેખો...’

ગાયતોંડેએ ફોન લંબાવ્યો, પણ એ લેવા માટે અતુલ દેશમુખે જરા પણ તસ્દી લીધી નહીં. તેણે આંખોથી જ ઑર્ડર કરી દીધો એટલે ગાયતોંડેએ હાથ પાછો ખેંચી લીધો.

RS

કોણ છે હવે આ, અને શું કામ ‌ઝીનત ખાન આ બધાં નામ કોડવર્ડમાં લખતી હોય એ રીતે લખે છે, શું કામ? કારણ શું? શું ‌ઝીનતને ખબર હતી કે તે ક્યારેય આવું સ્ટેપ લઈ લેશે કે પછી ઝીનતને એવું લાગતું હતું કે તેની આજુબાજુમાં રહેલી વ્યક્તિ આ રીતનું તેનું બીજા સાથે સંપર્કમાં રહેવું સ્વીકારી નહીં શકે?

RS.

આ એક નામ એવું છે જેના માટે ડાયરીમાં હજી સુધી કંઈ ખરાબ કે ખોટી વાત નથી આવી. આ માણસ માટે ઝીનતને માન હતું, સન્માનનીય નજર સાથે એ જોતી હતી એવું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. માન હોય ત્યાં સદ્ભાવ હોય, આ સદ્ભાવ પણ ઝીનતના શબ્દોમાં સ્પષ્ટપણે નીતરતો હતો અને એ પછી પણ, એ પછી પણ ઝીનતે તેના સાચા નામનો કોઈ ઉલ્લેખ નથી કર્યો.

ગાયતોંડેએ ના પાડી એટલે અતુલ દેશમુખ માટે આ RS હવે પઝલ બની ગયું.

- RS નામનું કોઈ માણસ મોબાઇલમાં દેખાતું નથી અને એ પછી પણ ઝીનત તેના કૉન્ટૅક્ટમાં હતી. તેને રૂબરૂ મળતી અને તેના નામથી કેટલાક લોકોને ઈર્ષ્યા પણ થઈ રહી હતી. ઈર્ષ્યા કરનારાઓમાંથી બીજા કોઈની તો ઝીનતને પરવા નહોતી એવું ધારી લઈએ તો વાત રહી બે વ્યક્તિની, આદિત્ય સૂરજ અને મૌલિક શિંદે.

આદિત્ય અને મૌલિક પાસેથી આ RSની ઓળખ તો મેળવી શકાશે, પણ એ મેળવતાં પહેલાં બહેતર છે કે ડાયરી પૂરી કરી લેવી જોઈએ. શક્ય છે, ડાયરીનાં આગળનાં પાનાંઓ પરથી આ નામની સાચી ઓળખ પણ મળી જાય.

અતુલ દેશમુખના મનમાં જ્યારે વિચારોનો આ વંટોળ ચાલી રહ્યો હતો ત્યારે બૉલીવુડના ધુરંધરો વચ્ચે સાત વર્ષે એક ફાઇવસ્ટાર હોટેલમાં મીટિંગ શરૂ થઈ ચૂકી હતી. મૌલિક શિંદેને કારણે ગોઠવાયેલી એ મીટિંગમાં ૭૦-૮૦ના દસકાના સુપરસ્ટાર અને ખાન હાજર હતા. મીટિંગ વિશે આદિત્યના પપ્પા સૂરજને પણ ખબર હતી.

‘સૂનો સર, ઔર કોઈ હેલ્પ નહીં ચાહિએ, બસ આપકો સિર્ફ ઇસ કેસ કો લડકે, ક્યા નામ હૈ ઉસકા... હા, આદિત્ય ઉસકે તક હી સીમિત રખો, બાદ મેં આદિત્ય કો ભી ‍નિકાલ લેંગે.’

‘કામ તો હો શકતા હૈ પર એક શર્ત પે...’

‘શર્ત કોઈ ભી હો, મંઝૂર હૈ...’

જવાબ મૌલિક શિંદેએ આપી દીધો એટલે ખાને મૌલિક સામે જોયું.

‘બોલને સે પહલે આપ અપને ઍક્ટર કો ભી યે બાત પૂછ લો મૌલિકજી...’

ખાનના ચહેરા પર આમ તો અટ્ટહાસ્ય હતું, પણ એને દબાવી રાખવાનું હતું એટલે તેણે સિનેમાસ્કોપ સાઇઝનું સ્મિત કરી લીધું અને પછી ૭૦ના દસકાના સુપરસ્ટાર સામે જોયું. વાત જ્યારે નાકની આવી જતી હોય છે ત્યારે માણસ સૌથી પહેલાં જબાન આપી

દેતો હોય છે.

‘સર કો ભી કોઈ પ્રૉબ્લેમ નહીં હૈ, આપ શર્ત બતાઓ.’

‘શર્ત સિર્ફ ઇતની કિ આપકે યે મહાનાયક હાથ જોડ કર બિનતી કરે કિ યે કામ હો

જાના ચાહિયે.’

જોરથી તાલી પડવાનો અવાજ આવ્યો અને સુપરસ્ટારે હાથ જોડ્યા.

‘બિનતી કરતે હૈં આપ કો કિ આપ હમારા યે સંકટ હલ કર દો.’

‘જરા પ્યાર સે તો કહો સર... અભી તો મોબાઇલ કા કૅમેરા ભી શુરૂ નહીં હુઆ...’

ખાને મોબાઇલમાં વિડિયો રેકૉર્ડિંગ શરૂ કર્યું અને સ્ક્રીન પર પાંચ ગુંડાઓને ક્ષણભરમાં ધરાશાયી કરતાં સુપરસ્ટારે ઇજ્જત, શૌહરત અને આબરૂ બચાવવા એ જ શબ્દો રિપીટ કર્યા જે ૧૦ સેકન્ડ પહેલાં બોલ્યા હતા.

૧૦ સેકન્ડ અને ૧૩ શબ્દો.

ઝીનતના આત્માને કાયમ માટે અશાંત કરવા આટલું કાફી હતું.

‘સર, ફોનકૉલ્સ મેં ભી કોઈ ઐસા ફોન નહીં હૈ જીસકા નંબર ઝીનતને સેવ ના કિયા હો... બે-ચાર નંબર એવા છે, પણ એ નંબર પરથી વધારે ફોન નથી આવ્યા, માંડ એક કે બે વાર ફોન આવ્યા છે...’

ઓહ...

ડાયરીનાં પાનાંઓમાં ભલે લખ્યું કે ઝીનત નિયમિત રીતે RS સાથે વાત કરે છે, પણ એનો નંબર મોબાઇલમાં નથી.

નથી ઇનકમિંગ કૉલમાં કે ન તો એનો નંબર ડાયલ-લિસ્ટમાં પણ.

RS.

આ માણસ છે કોણ? અરે, માણસ છે કે ભૂત, કઈ રીતે એની આખી આઇડેન્ટિટી બધી જ જગ્યાએથી ભૂંસાઈ ગઈ છે, કઈ રીતે?

જવાબ આપવા માટે ઝીનત હાજર નથી, પણ તેની ડાયરી છે, જેમાંથી જવાબ મળે એવી શક્યતા છે. કોર્ટમાં કેસની શરૂઆત થઈ ત્યારે અતુલ દેશપાંડેને ઝીનતની ડાયરીનાં બે જ પેજ વાંચવાનાં બાકી રહ્યાં હતાં.

******

‘મી. લૉર્ડ, આ કેસમાં પોલીસ ડિપાર્ટમેન્ટે પોતાની શાખ વધારવા માટે કેટલાંક બિનજરૂરી સ્ટેપ લીધાં છે. મારા અસીલ આદિત્ય સૂરજ અને ઝીનત વચ્ચે દોસ્તી હતી, બન્નેનાં રિલેશન સિરિયસ હતાં અને બન્ને વચ્ચે ફિઝિકલ રિલેશન‌શિપ પણ હતી, પરંતુ ફૉર યૉર કાઇન્ડ ઇન્ફર્મેશન મી. લૉર્ડ, આદિત્યએ ક્યારેય ઝીનત પર રેપ નથી કર્યો. બન્નેની ઇચ્છાથી રિલેશન બંધાયાં છે અને બીજી વાત, ફિઝિકલ રિલેશનનો અર્થ એવો નથી થતો કે આદિત્ય જિંદગીમાં ક્યારેય ઝીનતને કે ઝીનત ક્યારેય આદિત્ય સાથેના સંબંધોને અટકાવી ન શકે. લોકો મૅરેજ પછી ડિવૉર્સ લે તો આ તો વાત જ બૉય અને ગર્લફ્રેન્ડની છે. બ્રેકઅપ પૉસિબલ છે... બમ્બઈ મેં તો

હર દૂસરે દિન તિસરે બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ કા બ્રેકઅપ હોતા હૈ...’

ઍડ્વોકેટ વિજય મહંતે કોર્ટમાં હાજર રહેલા સૌ સામે હાથ કરીને આર્ગ્યુમેન્ટ કરી. વિજય મહંતના ચહેરા પર ગજબનાક કૉન્ફિડન્સ હતો.

‘અહીં જેને પૂછવું હોય તેને પૂછી લો, બધાનાં બે અને ચાર બ્રેકઅપ થઈ ચૂક્યાં હશે અને એ પછી પણ બધા પોતાની જિંદગી જીવી રહ્યા છે. ઝીનતને મેન્ટલ પ્રૉબ્લેમ હતો, સાયકોલૉજિસ્ટની તેને જરૂર હતી. મારા અસીલ ઇચ્છતા પણ હતા કે એની ટ્રીટમેન્ટ થાય પણ ઝીનત એ કરવા માટે તૈયાર નહોતી જેનું પરિણામ ખરાબ આવ્યું, જે આપણે સૌ જાણીએ છીએ...’

કેટલાક પુરાવા પણ મૂકવામાં આવ્યા જે પુરાવાઓનો કોઈ ઉલ્લેખ ડાયરીમાં નહોતો. મેડિકલ સ્ટોર્સનાં બિલ, ડૉક્ટરે કરેલા એસએમએસ અને ઝીનતે મોબાઇલ-મેસેજમાં કરેલી કાકલૂદીની પ્રિન્ટઆઉટ પણ કોર્ટમાં મૂકવામાં આવી. સંબંધો જળવાઈ રહે એ માટે કરવામાં આવેલી કાકલૂદીને તેના ગાંડપણ સાથે જોડવામાં આવી રહી હતી.

‘ઑબ્જેક્શન મિ. લૉર્ડ...’ અતુલ દેશપાંડેએ મૂકવામાં આવેલા એ પુરાવાઓને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો, ‘જેકોઈ પુરાવાઓ દેખાડવામાં આવ્યા છે એ પુરાવાઓની કોઈ કિંમત નથી. મારી પાસે એક એવું પ્રૂફ છે જે પ્રૂફ બૉલીવુડના આ કહેવાતા ચમકતા ચહેરાઓને શરમાવી દેશે.’

‘ક્યાં છે એ પ્રૂફ...’ મૅજિસ્ટ્રેટ અકળાઈ ગયા, ‘સ્પષ્ટતા સાથે વાત કરો. કોર્ટ પાસે પઝલ ઉકેલવાનો સમય નથી.’

‘સર, ડાયરી... ઝીનત મોઇનુદ્દીન ખાને પોતે લખેલી ડાયરી, જેમાં તેણે એ બધી વાત લખી છે જે વાંચીને કોઈ પણ કહી શકે કે તેણે સુસાઇડ કરવું પડે એવી સિચુએશન જનરેટ થઈ રહી હતી અને એ પછી પણ આદિત્ય સૂરજ અને બીજા કોઈએ એ બાબતને ધ્યાનથી જોવાની દરકાર નહોતી કરી. એ છોકરી ડિપ્રેશનમાં હતી અને એ પછી પણ તેણે ક્યારેય પોતાનો વિચાર કર્યો નહીં... મિ. લૉર્ડ, એ છોકરીના સુસાઇડ માટે માત્ર ગ્લૅમર વર્લ્ડના આ લોકો જ નહીં, ખુદ તેની મમ્મીથી લઈને તેની સાથે રહેનારાઓ પણ એટલા જ જવાબદાર છે...’

ઇન્સ્પેક્ટર અતુલ દેશપાંડેના શબ્દોમાં વજન હતું અને અવાજમાં પીડા પણ.

‘મિ. લૉર્ડ, મને એ ડાયરી કોર્ટમાં રજૂ કરવાની પરમિશન આપવામાં આવે...’

મૅજિસ્ટ્રેટ માટે પણ આ સિચુએશન અવઢવની હતી.

બે દિવસ પહેલાં સિંગાપોરમાં થયેલી સુપરસ્ટાર, ખાન અને પ્રોડ્યુસર મૌલિક શિંદે સાથે થયેલી મીટિંગમાં બધી વાતો થઈ હતી, પણ ત્રણમાંથી કોઈએ ડાયરીનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો.

હવે શું કરવું?

વિચારવા માટે જેટલી જરૂરિયાત દિમાગની હોય છે એટલી જ જરૂરિયાત એ દિમાગને સમયની પણ હોય છે.

મૅજિસ્ટ્રેટે બીજી જરૂરિયાતને અમલમાં

મૂકી દીધી.

‘ઇટ્સ નૉટ પૉસિબલ એટ ધિઝ મોમેન્ટ, કોર્ટ પાસે લિમિટેડ સમય છે, આગળના સમયને પણ ધ્યાનમાં રાખીને કોર્ટ બે દિવસ પછી એ ડાયરી રજૂ કરવાની પરમિશન

આપે છે. કોર્ટમાં એ ડાયરી શુક્રવારે રજૂ કરવામાં આવે.’

હથોડાના અવાજ સાથે કોર્ટમાં શોરબકોર શરૂ થઈ ગયો અને ૧૦ મિનિટમાં ઝીનત ખાનની ડાયરીના બ્રેકિંગ ન્યુઝ ચૅનલ પર ઓનઍર થઈ ગયા.

‘ઇસ વક્ત કી સબ સે બડી ખબર... ફિલ્મસ્ટાર ઝીનત ખાન કી પર્સનલ ડાયરી ખોલ શકતે હૈં કંઈ સારે રાઝ. પુલીસને અબ તક ડાયરી કે બારે મેં કોઈ ઝીક્ર નહીં કિયા થા... પુલીસને અબ કિયા હૈ પલટવાર. આદિત્ય સૂરજ ઔર દુસરે કંઈ લોગ પે કસ સકતા હૈ શિકંજા.’

આ પણ વાંચો : કથા સપ્તાહ : હમારી અધૂરી કહાની (3)

બ્રેકિંગ ન્યુઝ સાથે ન્યુઝ-ચૅનલથી ફોનનો મારો ઇન્સ્પેક્ટર અતુલ દેશમુખ પર શરૂ થયો. જોકે અતુલ દેશમુખને ખબર હતી કે આવું બનવાનું છે એટલે તેમણે મોબાઇલ સ્વિચ્ડ-ઑફ કરી દીધો હતો. અત્યારે તેમનું ધ્યાન માત્ર એ ડાયરી અને એ ડાયરીનાં બાકી રહેલાં બે પાનાં પર હતું.

(ક્રમશઃ)

Rashmin Shah columnists