કથા સપ્તાહ : હમારી અધૂરી કહાની (1)

10 June, 2019 12:41 PM IST  |  | રશ્મિન શાહ - કથા સપ્તાહ

કથા સપ્તાહ : હમારી અધૂરી કહાની (1)

પ્રતીકાત્મક તસવીર

કથા સપ્તાહ

‘પ્રિય ડાયરી,

આજે હું ફરીથી તારી પાસે આવી છું, લાઆઆઆંબા સમય પછી. ખબર નહીં પણ હું તને કમિટમેન્ટ કરું છું અને એ પછી પણ હું એ કમિટમેન્ટ તોડું છું. મારે એવું ન કરવું જોઈએ પણ મારાથી એ થઈ જાય છે. આઇ ઍમ સૉરી, સો સૉરી. તને કરેલા વાયદાને તો ઍટલિસ્ટ મારે પાળવો જોઈએ, પણ હું નથી પાળી રહી. ઍનીવે, આજનો દિવસ બહુ ખરાબ હતો. ખબર નહીં, પણ ક્યાંય મન નહોતું લાગતું. સવારે જાગ્યા પછી બહુ ભાગદોડ રહી. બધાને એમ લાગે છે કે મારું જાગવાનું કારણ સક્સેસ માટેની શોધ છે, પણ તું તો જાણે છે કે એ વાત ખોટી છે. મારી જાગવાની જિજ્ઞાસા કામ નહીં, પણ બીજું કોઈ છે અને તેને મન મારી કોઈ કિંમત નથી. હું જેટલી તેની નજીક જવાની અને તેને ખુશ રાખવાની કોશિશ કરું છું એટલી જ હું તેનાથી દૂર થઈ રહી હોઉં એવું મને લાગે છે. અંતર વધી રહ્યું હોવાની ફીલ મને આવે છે. આઇ ઍમ સૉરી. વાંક મારો જ હશે. હું જ ભૂલ કરતી હોઈશ પણ સાચું કહું, મને એવું લાગે છે કે હું કોઈની કામવાળી હોઉં, એટીએમ હોઉં અને ઇચ્છા પડે ત્યારે મજા કરવા માટેનું મશીન હોઉં. હું શું કરું એ મને સમજમાં નથી આવતું. અંદરથી એકલી પડી ગઈ છું. પ્લીઝ, મને એકલી નહીં પાડતો, મારી સાથે રહેજે. મને સાથે રાખજે. આજે જૂની વાતો પણ બહુ યાદ આવે છે.

એક વાત કહું?

મને કેમ હંમેશાં એવું લાગ્યું છે કે મારા પર સૌકોઈને આધિપત્ય જતાવવું હોય છે, MS હોય કે પછી AS હોય.

***

‘ગાયતોંડે...’ ઇન્સ્પેક્ટર અતુલ દેશમુખે પાણીનો ગ્લાસ હાથમાં લઈને હોઠ ભીના કર્યા, ‘અંદર આવ...’

વરસોવા પોલીસ-સ્ટેશનની બહારના ભાગમાં ખૈની ચોળી રહેલા ગાયતોંડેએ ઝડપથી ખૈની પેઢાની વચ્ચે ભરાવી. ઍક્ટ્રેસ ઝીનત ખાનની સુસાઇડ પછી ઝીનતના ઘરમાં ચેકિંગ ચાલતું હતું એ દરમ્યાન ઝીનતની ડાયરી મળી હતી. એ ડાયરી વાંચવામાં ઇન્સ્પેક્ટર સવારથી મચી પડ્યા હતા. ડાયરી વાંચતા જાય, પૉઇન્ટ ટપકાવતા જાય અને જરૂર પડે ત્યારે ગાયતોંડેને હાકલ પણ કરતા જાય.

‘જી સર...’

‘ઝીનતનો મોબાઇલ ચેક કર, એમાં તું જો આ MS અને AS કોણ છે?’

‘જી સર...’

ગાયતોંડેએ ટેબલ પર પડેલો આઇફોનનો લેટેસ્ટ વર્ઝનનો મોબાઇલ હાથમાં લઈને અતુલ દેશમુખે કહેલાં ઉપનામ શોધવાનું શરૂ કર્યું. ઉપનામથી કોઈ નંબર સેવ નહોતો એટલે ગાયતોંડેએ પહેલા અને છેલ્લા લેટરના આધારે એ નામ શોધવાનું શરૂ કર્યું, જેનું નામ A અક્ષરથી શરૂ થતાં હતાં. ગાયતોંડેની એ પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અતુલ દેશમુખની આંખ સામે રાતે સાડાનવ વાગ્યાથી બની રહેલી તમામ ઘટનાઓ રિવાઇન્ડ થવા માંડી હતી. ગઈ કાલે તેની નાઇટ-શિફ્ટ હતી. રાતના સમયે વરસોવામાં જો કોઈ ધ્યાન રાખવાનું હોય તો એ માત્ર કારચોરનું રાખવાનું હોય. બૉલીવુડના

ધુરંધરો જ્યાં વસતા હોય ત્યાં બીજો તો શું પ્રૉબ્લેમ થવાનો.

અઢી વર્ષની ડ્યુટીમાં અતુલ દેશમુખને કારચોર શોધવા સિવાયનો કોઈ કેસ સૉલ્વ કરવાનો આવ્યો નહોતો. જો કોઈ પણ પ્રકારે દિમાગનો ઉપયોગ કરવાનું ન બને એવી પરિસ્થિતિ સર્જાઈ જાય તો આઇન્સ્ટાઇનની બુદ્ધિની તીક્ષ્ણતાને પણ કાટ લાગી જાય. આ તો અતુલ દેશમુખ હતો.

ટણણણ...

રાતે જ્યારે લૅન્ડલાઇન ફોનની ઘંટડી વાગી ત્યારે અતુલ દેશમુખ માટે વ્હિસ્કીનો ગ્લાસ તૈયાર થઈ રહ્યો હતો. ગ્લાસ મોઢે માંડતાં પહેલાં અતુલે ફોન રિસીવ કર્યો.

‘હેલો... વરસોવા પોલીસ સ્ટેશન.’

‘સા’બ, સુસાઇડ...’ ફોન કરનારના અવાજમાં સહેજ ડર હતો, ‘હમારી સોસાયટી મેં સુસાઇડ હુઆ હૈ.’

‘સોસાયટી કા નામ બોલો?’

અતુલ દેશમુખને સુસાઇડમાં કોઈ રસ નહોતો. અત્યારે તેની નજર વેટ-69 નામની વ્હિસ્કી ભરેલા દારૂના ગ્લાસ પર હતી. તેના મોઢામાં પાણી આવી રહ્યું હતું. જોકે એ પાણી એક જ સેકન્ડમાં બાષ્પીભવન થઈ ગયું, જ્યારે તેણે સુસાઇડ કરનારી વ્યક્તિનું નામ સાંભળ્યું.

‘સા’બ, ગગનવિહાર... મૅક્ડોનલ્ડ્સ કે સામને... ઍક્ટ્રેસ ઝીનત ખાનને સુસાઇડ કિયા હૈ...’

ગ્લૅમર-વર્લ્ડમાં રહેવું અને અપસેટ, ડિપ્રેસ થઈને જિંદગી છોડી દેવી એ કંઈ નવી વાત નહોતી, ન તો મીડિયા માટે કે ન તો પોલીસ માટે. કામ માટે ખોટા રસ્તે ચડી જવું, કામના બહાને ખોટી આદત પાળી લેવી અને કામને લીધે ખોટી આદત ધરાવતા લોકોને સાચવી લેવા એ ગ્લૅમર-વર્લ્ડની ખાસિયત હતી. આ ખાસિયતને પાળવાની તૈયારી હોય એ જ ગ્લૅમર-વર્લ્ડમાં ટકી શકે છે. ચાહે એ ઍક્ટર હોય, રાઇટર હોય કે પછી ડિરેક્ટર હોય. અલબત્ત, આ બધી વાત ખાસ તો એવા લોકોને લાગુ પડતી જેને સક્સેસ માટે દોડધામ કરવી પડતી. ઝીનત ખાન આ પ્રકારના લોકોમાં નહોતી. પહેલી ફિલ્મ ૧૭ વર્ષની ઉંમરે, બૉલીવુડના મહાનાયક સાથે. તમારી કરીઅર જો સીધી ટોચથી શરૂ થાય તો એ એન્ટ્રીને લોકો ગંભીરતાથી લેતા હોય છે. બૉલીવુડમાં અઢળક લોકોને ઈર્ષ્યા કરાવતી એન્ટ્રી ઝીનતની હતી. મહાનાયક સાથે એન્ટર થયા પછી ઝીનતે અમુક ફિલ્મો કરી, પણ એ ફિલ્મ ખાસ ચાલી નહીં. જોકે એનાથી ઝીનતને કોઈ ફરક નહોતો પડ્યો. ૧૭ વર્ષની એ છોકરીની કરીઅર બૉલીવુડમાં સ્ટેબલ થઈ ગઈ હતી. મોટાં પ્રોડક્શન હાઉસ તેને પ્રેમપૂર્વક બોલાવતાં અને તેની શરતે કામ આપવા પણ તૈયાર રહેતાં. ફ્લૉપ અને ઍવરેજ રહેલી ફિલ્મો પછી ઝીનત એકાએક ઓછી દેખાવા લાગી, પણ એ પછી એક જ વર્ષમાં તેણે ફરી ફિલ્મ કરી, બૉલીવુડના ટોચના ત્રણ સુપરસ્ટાર પૈકીના એક સ્ટાર સાથે.

કામ કરવું હોય તો કામનો ગંજ પડ્યો છે, ઍશ કરવી હોય તો ઍશ કરાવનારાઓનો તોટો નથી અને શાંતિથી જિંદગી જીવવી હોય તો એટલી કમાણી તો પોતે જ કરી લીધી છે.

- એમ છતાં... સુસાઇડ.

ઇન્સ્પેક્ટર અતુલ દેશપાંડે પોતાની ટીમ સાથે જ્યારે ગગનવિહાર પહોંચ્યા ત્યારે ગગનવિહારમાં રહેતા મોટા ભાગના લોકો બહાર નીકળી ગયા હતા. સોસાયટીના સેક્રેટરી હસમુખ પંડિત ઇન્સ્પેક્ટરને લઈને ઉપર ગયા. ઝીનત પહેલા ફ્લોર પર જ રહેતી હતી. ફ્લૅટના દરવાજા ખુલ્લા હતા. ડ્રૉઇંગ રૂમમાં આધેડ વયની મહિલા ધ્રુસકે-ધ્રુસકે રડતી હતી. કાળી, હા કાળી જ કહેવાય એવી તેની ત્વચાનો રંગ હતો. રંગ, ઊંચાઈ, શરીરનો બાંધો અને નાક-નકશાથી કોઈ પણ કહી શકે કે તે ઝીનતની મા હશે.

પાડોશીઓ ઝીનતની માને ધરપત આપવાનું કામ કરતા હતા, પણ એ ધરપતમાં કોઈ શબ્દોનો ઉપયોગ થઈ નહોતો રહ્યો.

ફ્લૅટના એ ભારેખમ વાતાવરણને ચીરીને એક શખ્સ આગળ આવ્યો અને ઇન્સ્પેક્ટરને દોરીને બેડરૂમ તરફ લઈ ગયો.

બેડરૂમનું દૃશ્ય રૂંવાડાં ઊભાં કરી દે એવું હતું.

ઉત્તરની દીવાલ પર બાલ્કની હતી, જેને વેલ્વેટના કર્ટન આપવામાં આવ્યા હતા. ધીમા પવન વચ્ચે કર્ટનમાં સળવળાટ થઈ રહ્યો હતો. દક્ષિણની દિશામાં બેડ ગોઠવવામાં આવ્યો હતો. બેડની બરાબર ઉપર અને દીવાલની એકદમ વચ્ચે ઝીનતનો આદમકદ ફોટોગ્રાફ જડેલો હતો. થોડી રમતિયાળ, થોડી મસ્તીખોર અને અલ્લડ કહી શકાય એવી મુદ્રામાં ઝીન કોઈને ચીડવી રહી હોય એ રીતે જીભ સહેજ અમસ્તી બહાર હતી, પણ આ સમયે જીભ બહાર નહોતી. પંખા પર લટકી રહેલી ઝીનતની જીભ મોઢામાં હતી. આંખો પણ ખુલ્લી નહોતી. હાથ-પગ ઝૂલી રહ્યા હતા. બેડની બરાબર વચ્ચે એક ખુરશી પડી હતી, જેને તેણે લાત મારીને હટાવી હશે એવું અનુમાન કોઈ પણ લઈ શકે એવું એ દૃશ્ય હતું. ઇન્સ્પેક્ટર અતુલ દેશમુખે લાશને નીચે ઉતારી પોસ્ટમૉર્ટમમાં મોકલવાની સૂચના આપી રૂમની બહાર નીકળી ગયા.

‘ક્યા હુઆ થા?’

સાવ જ અધ્યાર સ્તર પર પૂછેલા સવાલનો જવાબ કોઈ આપી શકે એમ નહોતું. જે જવાબ આપી શકે એમ હતી એ ઝીનતની માની આંખો બંધ હતી અને ઘરમાં બીજું કોઈ રહેતું નહોતું. આમ પણ ઘટના ઘટી ત્યારે ન તો ઝીનતની મા ઘરમાં હતી કે ન તો મેઇડ ઘરે હતી. ઝીનત ઘરમાં એકલી હતી.

દેખીતી રીતે કોઈની હાજરીમાં તો કંઈ થયું ન હોય. હા, ફોન પર ઝઘડો થયો હોઈ શકે. ઝીનતનો મોબાઇલ ઇન્સ્પેક્ટરે કબજામાં લઈ લીધો, પણ એ ફોન જ્યારે અતુલે હાથમાં લીધો ત્યારે જ તેનું ધ્યાન ફોનની બાજુમાં પડેલી ચાવી પર ગયું. મોટા ભાગના લોકો પોસ્ટમૉર્ટમ પર ગયા હતા અને પોલીસ-સ્ટાફ પણ હવે ઘરની તલાશી લેવામાં લાગી ગયો હતો. મળેલી ચાવી વિશે કોને પૂછવું એની અવઢવ અતુલ દેશપાંડેના મનમાં હતી, જે અવઢવનું નિરાકરણ સોસાયટીના સેક્રેટરીએ આપી દીધું,

‘ઘર કી ચાબી નહીં હૈ યે... કદાચ તેના વૉર્ડરોબની હશે.’

અતુલે પહેલાં ચાવી સામે અને પછી વૉર્ડરોબ સામે જોયું. વૉર્ડરોબ પર અઢળક ફોટોગ્રાફ લગાડવામાં આવ્યા હતા, નાની ઝીનતથી લઈને ઝીનતની ગણના હૉટ અને સેક્સી તરીકે થવા માંડી ત્યાં સુધીના. કેટલાંક ગ્રીટિંગ્સ પણ વૉર્ડરોબના દરવાજા પર લાગ્યાં હતાં તો આ જ વૉર્ડરોબ પર ઝીનતે નેઇલ-પેઇન્ટથી લખેલા કેટલાક ક્વોટ્સ પણ હતા.

અતુલે વૉર્ડરોબ ખોલ્યો. વૉર્ડરોબ અંદરથી અસ્તવ્યસ્ત હતો. એવો અને એટલો જ અસ્તવ્યસ્તત જેવો અને જેટલો આજના યંગસ્ટર્સ રાખતા હોય છે. વૉર્ડરોબના બન્ને દરવાજા ખૂલ્યા પછી તો એક ટીશર્ટ અને એક પર્સ બહાર પણ ધસી આવ્યાં હતાં. અતુલે એ પર્સ કે ટીશર્ટ ઊંચકવાની તસ્દી લીધા વિના જ વૉર્ડરોબ પર એ રીતે નજર ફેલાવી જાણે આંખમાં સ્કૅનર સેટ કરવામાં આવ્યું હોય. અનુભવી આંખ અને પારખુ નજર વૉર્ડરોબ પર ફરી રહી હતી. મનમાં અનેક વિચાર ચાલી રહ્યા હતા. ઘરમાં ઘૂસીને ચોરી કરવામાં આવી હોય એવી ધારણા સાથે પણ આંખથી ચકાસણી થઈ રહી હતી. અતુલ દેશપાંડેએ વૉર્ડરોબનાં બંધ ખાનાંઓ ખોલ્યાં. એક ડ્રૉઅરમાં જ્વેલરી બૉક્સ પડ્યાં હતાં.

વ્યવસ્થિત રીતે ગોઠવાયેલાં.

- ના, કોઈ ચોરી થઈ હોય એવી શક્યતા તો લાગતી નથી.

મનમાં કંઈક આવા જ વિચાર સાથે અતુલ દેશપાંડેએ ડ્રૉઅરમાં રહેલા જ્વેલરી બૉક્સના ઢગલામાંથી એક બૉક્સ ઊંચકીને એ ખોલ્યું. બૉક્સ ખાલી હતું. અતુલે બીજું બૉક્સ ખોલ્યું. એ પણ ખાલી હતું.

- આવું કઈ રીતે બને, જ્વેલરી ન હોય તો કોઈ બૉક્સ ન સાચવી રાખે અને ધારો કે જ્વેલરી લૉકરમાં મૂકી હોય તો બૉક્સ કોઈ ઘરમાં ન રાખે. ખાલી બૉક્સ કેવી રીતે કોઈ ઘરમાં સાચવી રાખે અને એ પણ તિજોરીના ખાનામાં.

આ પણ વાંચો : કથા સપ્તાહ : ડેવિલ્સ ઍડ્વોકેટ (5)

અતુલને શંકા તો નહોતી ગઈ, પણ તેને અજુગતું ચોક્કસ લાગ્યું હતું. અતુલે વૉર્ડરોબનાં ખાનાં ફંફોસવાનું શરૂ કર્યું. એ ખાનાંઓ જોતી વખતે અતુલના હાથમાં અનાયાસ જ એક પ્લાસ્ટિકની બૅગ આવી. અતુલે એ બૅગમાં હાથ નાખ્યો તો એમાંથી એક પૅકેટનો સ્પર્શ થયો. અતુલે પૅકેટ હાથમાં લીધું.

સ્ટેફ્રી સૅનેટરી પેડ. (વધુ આવતી કાલે)

columnists