કથા સપ્તાહ : હું શીલા જિતેન્દ્ર દવે (શૉર્ટકટની સજા લાંબી હોય છે... - 5)

28 June, 2019 01:59 PM IST  |  મુંબઈ | રશ્મિન શાહ - કથા સપ્તાહ

કથા સપ્તાહ : હું શીલા જિતેન્દ્ર દવે (શૉર્ટકટની સજા લાંબી હોય છે... - 5)

પ્રતીકાત્મક તસવીર

હું જે સમયે મારી બહાદુરી પર ગર્વ કરી રહી હતી એ સમયે મુંબઈના જ કોઈ એક ખૂણામાં મારી હત્યાનો પ્‍લાન બનાવાઈ રહ્યો હતો. જોકે એ સમયે તો મને કંઈ જ ખબર પડી નહોતી. મારી હત્યાના પ્લાન વિશે મને મોડે-મોડે ખબર પડી હતી. અલબત્ત, એ સમયે ઘણું મોડું થઈ ગયું હતું અને મારી નારાયણ સાથેની દુશ્મની એક એવા મોડ પર આવીને ઊભી રહી ગઈ હતી કે જ્યાંથી અમે કોઈ પાછાં ફરી શકીએ એમ નહોતાં.

લગભગ ચારેક દિવસ સુધી નારાયણનો મને કોઈ ફોન ન આવ્યો, મેસેજ પણ એકાદ-બે જ આવ્યા. એ પણ કારણ વિનાના અને વ્યવહારુ કહેવાય એવા. મને લાગ્યું કે નારાયણ પર છવાયેલો મારો ડર ઓસરી જશે એટલે મેં વધુ એક અવળચંડાઈ કરી. મેં સ્વાતિને મળવા બોલાવી અને સ્વાતિને મળીને મારા અને નારાયણના સંબંધો વિશે વાત કરી દીધી. આમ પણ આ હું કરવાની જ હતી. મારા સ્વાર્થ માટે નહીં, પણ સ્વાતિના હિત માટે પણ હું તેને બધી વાત કહેવાની હતી. જોકે આટલી ઝડપથી વાત કરવા વિશે મેં નહોતું વિચાર્યું. દિલ્હી ચાલ્યા જવા વિશે મનમાં વિચારતી હતી અને આ વિચારને અમલમાં મૂકતી વખતે સ્વાતિને સત્ય હકીકત કહેવાનું મેં વિચાર્યું હતું, પણ કોણ જાણે એ દિવસે મને શું થયું હતું કે મેં સ્વાતિને મળવા બોલાવીને બધી વાત કહી દીધી. સ્વાતિને મેં રીઍક્શન આપવાની ના પાડી હતી, પણ બાવીસ વર્ષની એ બુદ્ધિથી ગરીબ એવી છોકરીએ બીજા જ દિવસે નારાયણને મળીને રીઍક્શન આપી દીધું.

‘તું સ્વાતિને શું કામ મળી હતી?’

‘અરે, હવે મારે કોઈને મળતાં પહેલાં તમારી આજ્ઞા લેવી પડશે, મિસ્ટર નારાયણ?’ સ્વાતિનું નામ આવ્યું હતું એટલે હું સહેજ ગભરાઈ હતી, પણ મેં મારો ડર અવાજમાં આવવા નહોતો દીધો, ‘જો તમે એવું માનતા હો તો એ તમારી ભૂલ છે. હું સ્વાતિને મળતી વખતે પણ તમારી પરમિશન લેવાની નથી અને નેહા નારાયણ મેહરાને એટલે કે તમારી પત્નીને મળતી વખતે પણ તમારી પરવાનગી માગવાની નથી...’

મને હતું કે મારી વાત સાંભળીને નારાયણ ભડકી ઊઠશે, પણ સામેથી કશું જ બોલ્યા વિના તેણે ફોન કટ કરી નાખ્યો.

માણસ જ્યારે પ્રત્યાઘાત નથી આપતો ત્યારે તેના અપેક્ષિત પ્રત્યાઘાત કરતાં સાવ જુદા જ પરિણામ માટે તૈયાર રહેવું જોઈએ. મારે પણ આ વાત સમજી જવી જોઈતી હતી પણ હું ન સમજી શકી અને આજે મારી આ જ ભૂલની સજા હું ભોગવી રહી છું.

અનુરાગે ઘડિયાળમાં જોયું. ઘડિયાળનો કાંટો રાતના ચાર વાગી ને પંદર મિનિટનો સમય દેખાડી રહ્યો હતો. સવારે સાત વાગ્યે પત્નીને લેવા માટે અંધેરી સ્ટેશન પર જવાનું હતું અને ડાયરીનાં કેટલાંક પાનાંઓ હજુ પણ વાંચવાનાં બાકી હતાં.

એ દિવસે હું સ્ટુડિયો પરથી થોડી વહેલી ઘરે આવી ગઈ હતી. લગભગ આઠેક વાગ્યાની આસપાસ. ઘરે આવીને હું સોફા પર પટકાઈ. એવો કોઈ થાક નહોતો લાગ્યો, પણ હવે પેટ પર ભાર વર્તાઈ રહ્યો હતો. સામાન્ય રીતે પાંચમા મહિના પછી ડૉક્ટર કામ કરવાની મનાઈ કરી દેતા હોય છે, પણ મારા કેસની મને નહોતી ખબર. ચોથા મહિના પછી મારે ઍબોર્શન કરાવવાનું આવશે કે પછી આ બાળકને હું કન્ટિન્યુ કરીને જન્મ આપીશ. દુનિયા શું કહેશે, મોટું થયા પછી બાળક મને શું કહેશે એ કોઈ જ બાબત વિશે મેં વિચાર્યું નહોતું. મને એ પણ નહોતી ખબર કે આ બાળક મારે જોઈએ છે કે નહીં. બસ, મને એક જ વાતની ખબર હતી કે મારે નારાયણને સીધોદોર કરી નાખવો છે. નારાયણે જો કશું કહ્યા વિના મારી સાથેના સંબંધો ઓછા કરી નાખ્યા હોત તો મને વાંધો નહોતો, પણ તેણે એવું નહોતું કર્યું. તે મારી પાસે પણ પ્રેમની કાલીઘેલી વાતો કર્યા કરતો હતો અને એવી જ રીતે બીજીઓ પાસે પણ વર્તતો હતો. મેં મનોરંજનાને મોબાઇલ લગાવ્યો.

‘મનુ... ડુ વન થિંગ... આજ ઇધર હી આ જાઓ. કુછ પરેશાનીઓ કે બારે મેં બાતે ભી કરની હૈ.’

‘ક્યોં... હુઆ ક્યા... ફોન પે બતા.’

‘ના, મનુ... તું આવને અહીંયાં. મારે ખરેખર તારી ઍડવાઇઝની જરૂર છે. હું ઘણી બધી બાબતોમાં અવઢવમાં છું.’

‘લૂક... ઇટ્સ અરાઉન્ડ ટ્વેન્ટી અવર્સ... મને આવતાં-આવતાં સાડા દસ વાગી જશે. ચાલશે?’

‘નો પ્રૉબ્સ બચ્ચા... ઍમ હિયર ઍન અલોન...’

મેં હળવા થઈને જવાબ દીધો, પણ મનોરંજનાએ સામી ગંદી મજાક કરી.

‘હેય સ્ટુપિડ... આવી સેક્સી રીતે નહીં કહે. મને તારામાં રહેલી લૅસ્બિયન જાગતી દેખાઈ રહી છે...’

મનોરંજનાની મજાક સાંભળીને હું હસી પડી હતી. આખા દિવસના તનાવ પછી પહેલી વાર હું હસી હતી. મોબાઇલ કટ કર્યા પછી મેં નક્કી કરી લીધું કે આજે મનોરંજના સાથે બધી બાબતની ચર્ચા કરી લેવી. મનમાં ચાલતી ભાવિ યોજનાઓ વિશે પણ મનોરંજનાને ખુલ્લા દિલે કહેવું.

શૂઝ સાથે જ મેં સોફા પર લંબાવ્યું અને મારી આંખો સામે મારા જ વિચારો આવવા લાગ્યા.

જો મનોરંજના ‘હા’ કહે તો નારાયણને એક વખત મળીને કહી દેવું કે જે થયું એ બધું તું પણ ભૂલી જા અને મને દિલ્હીમાં એકાદ ઘરની વ્યવસ્થા કરી આપ. મારી ચૅનલ મને દિલ્હી ટ્રાન્સફર આપવા તૈયાર છે. તું હવે અહીં નવો માલ ન શોધે એવી અપેક્ષા રાખું છું અને જો એમ છતાં પણ કોઈ તારા ખોળામાં આવીને પડે તો તેના અને તારા નસીબ. મારા પેટમાં રહેલા બાળકનું હું જે કંઈ કરું એ તારે નથી જોવાનું. અલબત, હું જન્મ આપવાનું વિચારી રહી છું, પણ એટલી માનસિક તૈયારી રાખજે કે એ બાળક તને ભવિષ્યમાં ક્યારેય સામે નહીં મળે. મુંબઈનું આ ઘર, જે તેં મારા નામે ખરીદ્યું છે એ તને પાછું આપી દેવામાં મને કોઈ વાંધો નથી.

મનોરંજના જો પૉઝિટિવ હશે તો અત્યારે જ નારાયણને ફોન કરીને કહી દઈશ કે આવતી કાલે આપણે છેલ્લી વાર મળીએ છીએ.

મનોરંજના આવે ત્યાં સુધી થોડી વાર સૂઈ જવા માટે મેં આંખ પર નૅપ્કિન મૂક્યો કે ડોરબેલ વાગી.

ડિંગ ડોંગ...

ડ્રાઇક્લીનિંગનાં કપડાં ઘણી વખત પાડોશમાં મૂકવામાં આવતાં હોવાથી ગુપ્તાઆન્ટી ઘર ખૂલે કે તરત જ કપડાં આવવા માટે આવતાં. મને કપડાં લેવા માટે ઊભા થવાનું મન ન થયું એટલે હું એમને એમ પડી રહી. ત્યાં જ ફરી વખત ડોરબેલ વાગી.

ડિંગ ડોંગ...

ગુપ્તાઆન્ટીને પણ કપડાં આપવાની આજે જ ઉતાવળ ફાટી પડી છે કે શું?

મેં આંખો પર રાખેલો નૅપ્કિનના બન્ને ખૂણા કાન પાસે દબાવ્યા.

પાંચ સેકન્ડ, દસ સેકન્ડ અને પંદર સેકન્ડ...

ફરીથી હું મારા પોતાનો વિચાર કરવા લાગી.

મારી આંખો સામેથી નારાયણ સાથેની પહેલી મુલાકાત પસાર થઈ રહી હતી. રાતના જમવાના પૈસા બચે અને નફામાં નવા-નવા કૉન્ટૅક્ટસ મળે એવા હેતુથી પાર્ટીમાં જવું અને એવી જ એક પાર્ટીમાં નારાયણ કૃષ્ણ મેહરાનું મળવું. એન.કે.ના શૉર્ટનેમથી વધુ જાણીતા થયેલા મહારાષ્ટ્ર ગવર્નમેન્ટના આ ચીફ સેક્રેટરીનું અમને લિફ્ટ આપવું અને પછી કરીઅરને લિફ્ટ કરી આપવું. નારાયણ...

ડિંગડોંગ...

અચાનક ફરીથી ડોરબેલ રણકી.

મેં નૅપ્કિનનો ઘા કર્યો અને મનમાં ભરાયેલા આક્રોશ સાથે હું ઊભી થઈ.

આજે તો આન્ટીને કહી જ દઉં કે જો તમને કપડાં ઘરમાં રાખવાં ન ગમતાં હોય તો મહેરબાની કરીને કાલથી ડ્રાઇક્લીનિંગવાળાની પાસેથી લેતાં જ નહીં અને જો એવું ન હોય તો પ્લીઝ આવતી કાલથી આ રીતે પત્તર ફાડવા આવતાં નહીં.

ધડામ...

સામે આન્ટી નહીં... આન્ટો ઊભો હતો.

ઍક્ચ્યુઅલી આન્ટો પણ નહોતો એ. માંડ બાવીસથી ચોવીસ વર્ષ વચ્ચેની તેની ઉંમર હશે.

‘શીલામૅમ...’

‘યેસ...’

‘ઍમ કમિંગ ફ્રૉમ એચઆરએન પીઆર એજન્સી. સૉરી ટુ ડિસ્ટર્બ યુ રાઇટ નાઓ...’

મારો ગુસ્સો થોડો ઓસરી ગયો હતો.

‘ડોન્ટ બોધર, ટેલ મી વૉટ કૅન આઇ ડુ ફૉર યુ...’

‘મૅમ... કંપનીમાંથી ન્યુ યર કૉમ્પ્લિમેન્ટ્સ અને વિશિસ આવી છે...’

મેં પહેલી વખત દરવાજાની બહાર નજર કરી. દરવાજાની ડાબી તરફ ઑફિસબૉય જેવો માણસ હાથમાં ગિફ્ટ રૅપ કરેલું એક મોટું બૉક્સ લઈને ઊભો હતો.

મેં દરવાજાથી ખસીને તેમને આવવાની જગ્યા આપી.

પ્લીઝ... કમ ઇનસાઇડ.’

‘મૅમ, અમે ત્રણેક વખત આવી ગયા, પણ મોટા ભાગે આપનું ઘર બંધ જ હોય છે એટલે અમારે આજે, આ ટાઇમે તમને હેરાન કરવા પડ્યાં.’

‘મૅમ, કૅન આ ગેટ સમ વૉટર પ્લીઝ...’

‘ઓહ શ્યૉર...’

હું કિચનમાં પાણી લેવા ગઈ. હજુ તો હું માંડ ત્રણેક ડગલાં ચાલી હોઈશ ત્યાં જ મારા ગળામાં એક ફાંસો આવ્યો. વાયર જેવો બિલકુલ પાતળો. આ વાયરથી મારો શ્વાસ રૂંધાવા લાગ્યો. મેં છૂટવા માટે ધમપછાડા કર્યા, પણ મારા ધમપછાડાના કારણે મારા જ શરીરનું બૅલૅન્સ મેં ગુમાવ્યું અને હું ઊંધા માથે નીચે ફસડાઈ. હું જેના પર ફસડાઈ હતી એ પેલો ઑફિસ બૉય જેવો દેખાતો માણસ હતો. હું તેના પર પડી, પણ તેના હાથનું જોર સહેજ પણ ઘટ્યુ નહોતું.

‘સાલ્લી... (ગાળ)... કો આગે સે સંભાલ લે...’

આ અવાજ કોઈ ત્રીજાનો જ હતો.

અવાજ આવ્યો એટલે પીઆર એજન્સીનો માણસ બનીને આવેલો શખસ મારી સામે આવ્યો અને તેણે મારા બન્ને પગ જોરથી દબાવી દીધા. મારો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. મારી આંખો સામે અંધકાર છવાઈ રહ્યો હતો. છવાતા જતા આ અંધકાર વચ્ચે મેં રાઘવનો ચહેરો જોયો.

ઓહ... તો આ નારાયણના કહેવાથી થયું છે.

હવે મારી બન્ને છાતી ભરાઈ ગઈ હતી. આ છાતીઓ ગમે ત્યારે ફૂટી જાય એવી થઈ ગઈ હતી.

મેં છેલ્લો શ્વાસ લીધો ત્યારે રાઘવ પેલા એજન્સીના માણસની સાથે વાત કરી રહ્યો હતો.

‘તુમ એક કામ કરો... તુમ યહીં સે
નિકલ જાઓ...’

‘મગર દો-ચાર દિન...’

‘અરે... (ગાળ) હિન્દી તેરી સમજ મેં નહીં આતી ક્યા...’

અનુરાગે આગળનું પાનું ફેરવ્યું. આગળનું પાનું કોરું હતું. અનુરાગે ડાયરીનાં બાકીનાં પાનાંઓ ચેક કર્યા, પણ બધાં પાનાંઓ કોરાં હતાં.

શિટ્... યાર.

અનુરાગને શીલા પર ગુસ્સો આવ્યો. આટલું ઇન્ન્ટરેસ્ટિંગ લખીને કેમ આ છોકરીએ વાત અધૂરી છોડી દીધી હશે.

અનુરાગે ડાયરી બાજુ પર મૂકી અને ચશ્માં ઉતારીને આંખો ચોળી.

એક વાત તો છે કે સાલ્લું ખૂબ જ અસરકાર લખ્યું હતું. આત્મકથા માટે પેલું કયું વાક્ય લખ્યું હતું. હા... યાદ આવ્યું. એક આત્મકથા લખવા માટે સાલ્લી આખી જિંદગી જીવવી પડે છે. હકીકત છે આ. એક આત્મકથા લખવા માટે આખી જિંદગી જીવવી પડે છે એ પછી પણ મોતની તવારીખ આંકવાની તો...

મોત.

અનુરાગ ચોંકયો. તે એકઝાટકે પથારીમાં બેઠો થઈ ગયો અને ડાયરીનાં પાનાંઓ ઉથલાવવા લાગ્યો. પહેલાં તેણે આગળનાં પાનાંઓ તપાસ્યાં. ધ્યાનથી અક્ષરો જોયા અને પછી તેણે ફટાફટ ડાયરીનાં આખરી પાનાંઓ જોયાં. આ પાનાંના અક્ષરો, અક્ષરોની મરોડ અને લખાણની ઢબ-છબ બધું આગળનાં પાનાંઓને મેળ ખાતાં હતાં. જો આ શક્ય હોય તો તો શીલા પોતાના જ મોતની, પોતાની હત્યાની વાત પોતે જ કેવી રીતે લખી શકે. તો શું આ ડાયરીના નામે એક નવલકથા કે વાર્તા હતી. અનુરાગે તરત જ ડાયરીનાં આગળનાં પાનાંઓ ચકાસ્યાં. શીલાએ શરૂઆતમાં જ લખ્યું હતું, ‘મહાત્મા ગાંધીએ તેમની આત્મકથાને ‘મારા સત્યના પ્રયોગો’ નામ આપ્યું છે. ચાર ભાગમાં વહેંચાયેલી હરિવંશરાય બચ્ચનની આત્મકથાનું નામ ‘ક્યા ભૂલું, ક્યા યાદ કરું’ છે. સુનીલ ગાવસકરની આત્મકથા ‘સન્ની ડેઇઝ’ છે અને મારી આત્મકથાનું ટાઇટલ તમે વાંચ્યું એ એટલે કે ‘હું શીલા જિતેન્દ્ર દવે...’ છે.’

સાચું શું છે?

આત્મકથા કે પછી એક સામાન્ય આત્મકથાત્મક લઘુકથા?

અનુરાગને શિયાળાની ઠંડીમાં પણ પરસેવો વળવા લાગ્યો. બરાબર એ જ સમયે તેનું ધ્યાન ફ્લૅટનાં કિચન અને બેડરૂમને જોડતા પૅસેજ તરફ ગયું. પૅસેજમાં અંધકાર હતો અને આ અંધકાર વચ્ચે એક આકૃતિ ઊભી હતી.

જીન્સ, ટી-શર્ટ અને શૂઝ પહેરેલી આ આકૃતિ ધીમે-ધીમે નજીક આવી.

‘આઇ ઍમ શીલા જિતેન્દ્ર દવે...’

અનુરાગ મહેતાના આખા શરીરમાંથી ત્સુનામી દોડી ગઈ.

‘મારે તમારી એક મદદ જોઈએ છે. તમે આ ડાયરી મારા ડૅડી કે મારી દોસ્ત મનોરંજના સુધી પહોંચાડી દેશો, પ્લીઝ...’

‘પણ હું શું કામ... તમ-તમે...’

‘તમે નિમિત્ત છો...’

‘ના, હું અનુરાગ છું...’

શીલા સહેજ હસી અને પછી બોલી, ‘દરેક કાર્ય કોઈ વ્યક્તિના હાથે લખાયેલું હોય છે. ડાયરી પહોંચાડવાના કામમાં તમારે નિમિત્ત બનવાનું છે...’

‘...પણ તમેય તો આ કામ કરી શકો છો. તમે તો હવે...’

અનુરાગના મોઢામાંથી શબ્દો મહામુશ્કેલીએ બહાર આવતા હતા.

‘હા, સાચી વાત. હું હવે અહીં નથી, તમારી વચ્ચે નથી, પણ મારે હવે કોઈ કામ શૉર્ટ કટથી નથી કરવું. શૉર્ટ કટની સજા બહુ લાંબી હોય છે... હું આજેય એ સજા ભોગવી રહી છું.’

અનુરાગ કશું બોલી ન શક્યો. ડાયરી વાંચ્યા પછી તો તેની પાસે પણ કોઈ જવાબ બાકી રહ્યો નહોતો.

આ પણ વાંચો : કથા સપ્તાહ : હું શીલા જિતેન્દ્ર દવે (શૉર્ટકટની સજા લાંબી હોય છે... - 4)

પ્લીઝ... ડાયરી પહોંચાડવાનું ભૂલતા નહીં...’ શીલા ધીમે-ધીમે પાછળ ચાલવા લાગી, ‘અત્યારે મારું આટલું કામ કરજો. જરૂર પડશે તો બીજી વાર મદદ માટે વિનંતી કરીશ.’

શીલાના અંતિમ શબ્દો સમયે તે અંધકારમાં ઓગળી ગઈ હતી.

(સંપૂર્ણ)

columnists