કથા સપ્તાહ - દિયા ઔર બાતી ( મેરે જીવનસાથી - 3)

24 April, 2019 03:44 PM IST  |  મુંબઈ

કથા સપ્તાહ - દિયા ઔર બાતી ( મેરે જીવનસાથી - 3)

દિયા ઔર બાતી

‘રિયલી!’ અજાતશત્રુ ઊછળ્યો, ‘તું ફિલ્મો માટે કામ કરવાની? એ પણ બચ્ચનસાહેબ સાથે! કારકિર્દીનું આથી વધુ શિખર શું હોય?’

એકાએક અજાતના ધ્યાનમાં આવ્યું કે ખબરની ખુશીનું જોમ શર્વરીમાં અનુભવાતું નથી. વિડિયો કૉલમાં એ થાકેલી, ડલ પણ જણાય છે.

‘સમથિંગ રૉન્ગ શર્વરી?’

પતિની પૃચ્છાએ શર્વરી સચેત થઈ, હસી લીધું, ‘વિચારું છું તું અહીં હોત તો તારામાં ગૂંથાઈને મેં મારી જિંદગીના શ્રેષ્ઠ ખબરને માણ્યા હોત.’

‘વન કરેક્શન મૅડમ. શ્રેષ્ઠ ખબર કરીઅરના, જિંદગીના બેસ્ટ ન્યુઝ તો બીજા જ હોવાનાને,’

એનો ઇશારો શર્વરી માટે તો સ્પષ્ટ હતો. પોતે જોકે મા બનવાના સંદર્ભમાં જ કહ્યું એવો બોલાયું નહીં...

ના, અજાતે બાળકની ઝંખના હજી પ્રગટ નથી કરી. મમ્મીજી ક્યારેક કહી જાય ખરાં કે તમારે હવે વસ્તારી થવું જોઈએ! તેમને જો જાણ થાય...

‘હેય’

અજાતના સાદે તે ઝબકી. અંહ, મારી ગડમથલ અજાતને પરખાય એ ઠીક નથી.

‘સૉરી ડિયર, પણ બહુ થાકી ગઈ છું..’ એણે એકબે બગાસાં ખાઈ લીધાં, એટલે ગુડનાઇટ કિસ ફેંકી અજાતે ચૅટ બંધ કરી.

ફોન બાજુએ મૂકી શર્વરી રૂમના અંધકારમાં ખોવાઈ ગઈ.

આ કેવો દિવસ ઊગ્યા આજે!

ત્રણેક દિવસથી જાણે પેટમાં કશુંક ફરફરી જતું. ઊલટીના ઊબકા આવી જતા. મે બી, હમણાં હમણાં વર્કલોડ સખત રહે છે, એટલે તો અજાત પણ બે વીકથી આવ્યા નથી. શૂટમાં રોજ મોડું થતું હોવાથી કદાચ ઊંઘ પૂરી નહીં થતી હોય એટલે અજીબસી બેચેની વર્તાતી હશે. મન મનાવી લેતી શર્વરીની નજર આજે સવારે કૅલેન્ડર પર જતાં ફાળ પડી - ટાઇમની તારીખને પંદર દહાડા ચડવા છતાં દૂર બેસવાનું નથી થયું એના ઝબકારાએ એ સીધી ડૉ. વિદ્યાબહેન પાસે પહોંચી.

પિસ્તાલીસીમાં પ્રવેશેલાં વિદ્યાબહેન વરલી વિસ્તારનાં જાણીતાં ગાયનેકૉલાંજજિસ્ટ હતા. અગાઉ એકાદબે વાર શર્વરીએ તેમને કન્સલ્ટ કરેલાં એટલે ભરોસો બેસી ગયેલો.

તેમણે શર્વરી ચકાસી પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવા સૂચવ્યું ત્યારે તો મનમાં ગુદગુદી પ્રસરી ગયેલી. અજાત સાથે હોત તો!

રિપોર્ટ સાંજે આવવાનો હતો. સંભવિત ખુશખબરીના ખુશમિજાજમાં તે સ્ટુડિયો પહોંચી તો મેસેજ મળ્યો કે આજે તમારે સુહાનીને મળીને જવું... સદ્ભાગ્યે શૂટમાં કસ્તૂરી-મોહિનીનું ખાસ કામ નહોતું એટલે જલદી છૂટી થઈ અંધેરીની ઑફિસ પહોંચી. સુહાનીનો જ કૉલ હતો એટલે ખાસ વેઇટ ન કરવું પડ્યું.

તેણે અભિનંદન દઈ ફિલ્મમાં જોડાવાના ખબર સંભળાવ્યા, ત્યારે પળવાર તો વિશ્વાસ નહોતો બેઠો. પોતે તો એવું સાંભળેલું કે બિગ સ્ટાર્સની પોતાની ટીમ હોય છે, અમિતાભ કંઈ મારા જેવી નવીસવી પાસે ઓછો મેકઅપ કરાવે!

‘આપણી ‘ધુંદ’ માટે કરાવશે... તેમને જાણ છે કે આપણી ફિલ્મ લો બજેટ છે. એક જ સેટ પર આખી ફિલ્મ પતાવવાની છે. સ્ક્રિપ્ટ એટલી દમદાર છે કે પોતાની માર્કેટ પ્રાઇસમાં પણ તેમણે જતું કર્યું છે.’

શર્વરી અભિભૂત થયેલી. દસ-દસ વરસથી ટીવી કંપની ચલાવતી સુહાની પાસે નિષ્ણાતોની કમી નહીં જ હોવા છતાં તે મને કામ આપવા માગે છે એ કમસે કમ મારી ઍબિલિટી તો સૂચવે જ છે.

‘બેટર યુ બી પ્રિપેર. તારે સિરિયલ-ફિલ્મ એમ બે ઘોડે દોડવું પડશે.’

‘આઇ વિલ’ મક્કમતાથી કહેતી વેળા પ્રેગ્નન્સીવાળી વાત ભુલાઈ ગયેલી. પિયર કે સાસરે ખબર દેતાં પહેલાં અજાતને ટેક્સ્ટ મેસેજ કરી દીધેલો – સમથિંગ મિરૅકલ હેપન્ડ. ફ્રી થાય એટલે કૉલ  કરજે.

પછી સ્ટુડિયો જઈ, બાકીનું કામ પતાવી નીકળતી વેળા સાંભર્યું - રિપોર્ટ!

એ ફટાફટ વિદ્યાબહેનના ક્લિનિકે પહોંચી. હે ભગવાન, હમણાં મને પ્રેગ્નન્સીનું વરદાન ન આપતો!

પણ એ જ નીકળ્યું.

ત્યારનું અંતરમનમાં ઘમસાણ મચ્યું છે.

એક જ દિવસમાં મળેલી બબ્બે ખુશી એકમેકની દુશ્મન જેવી નીકળી. મા બનવાની હોંશ કેમ ન હોય, પણ ગર્ભવતી સ્ત્રી સુહાનીના વર્ક શેડ્યુલમાં કામ કરી જ ન શકે. નેવર. કુદરતે તો બે વરદાન ધરી દીધાં, પણ એકને પામવું હોય તો બીજાને છોડવું જ પડે.

પ્રેગ્નન્ટ રહી હું સુહાનીની ઑફર સ્વીકારી ન શકું તો શું માતૃત્વને રાખી કરીઅરની ઉમદા તકને ઠોકર મારું? કે પછી સુહાનીની ઑફર સ્વીકારી માતૃત્વને હાલ પૂરતું ટાળી દઉં?

હાય હાય. ન જન્મેલા સંતાનને મારતાં જીવ કેમ ચાલે? એ પણ બળી મૂઈ કારકિર્દી ખાતર? આ જ તારા સંસ્કાર? તું ક્યારથી હાડોહાડ મટીરિયલિસ્ટિક થઈ ગઈ?

હૃદયના ચિત્કાર સામે મન ફેણ ફુત્કારતું ઊભું થઈ જતું - આમાં ખોટું શું છે? મા તો તું કાલેય બની શકીશ, પણ ફરી આવી તક તને મળશે? અરે, માંડ ૬ મહિનામાં તને આવડો મોટો જમ્પ દેનારી સુહાનીને તું ઇનકાર ફરમાવીશ તો એ ચીટ કર્યા જેવું ન ગણાય? અને આમેય તમારે અત્યારે બાળક ક્યાં કરવું હતું? એ માટે તું ગોળી લેતી હતી. ગયા મહિને અજાત આવેલો ત્યારે તું ગોળી લેવાનું ચૂકી હોઈશ એમાં વણઇચ્છ્યો ગર્ભ રહી ગયો. હજુ ગર્ભમાં પ્રાણ ઓછા પડ્યા છે કે જીવહત્યાનું પાપ લાગે? એને પડાવવામાં શી આવી કશમકશ! અને ધારો કે તું ગર્ભપાત ન કરાવે તો પણ ખોટા સમયે આવેલા સંતાન પ્રત્યે તને વન્સ ઇન આ લાઇફટાઇમ જેવી તક ઝૂંટવાયાની અણખટ ન રહે? બી પ્રૅક્ટિકલ, શર્વરી! દુનિયામાં રોજ લાખોના હિસાબે ગર્ભપાત થતા હશે, એમાંની ઘણી પછીથીયે મા બનતી જ હોય છે. તું કંઈ આવું કરનારી પહેલી યા છેલ્લી નહીં હોય!

મનની દલીલો અનુકૂળ લાગી. થયું, એક વાર અજાતને પૂછી જોઉં.

એવો જ ભીતરથી ચાબુક વાગ્યો -

આમાં અજાતને શું પૂછવાનું? તારી ખુશીમાં તેની ખુશી. તને જોઈતાં આકાશ આપનારો પતિ કંઈ ઓછી ના કહેવાનો, પણ આ તો તું પૂછશે તો પુછામણી થશે. અજાત તને ના કહી ન શકે ને પછી છોકરું પડ્યાનો ગમ એ મને કોરી ખાતો રહે એવું કરવું જ શું કામ?

એટલે તો સોમની આજની રાતે વિડિયો ચૅટમાં અજાતશત્રુને કેવળ એ જ ખુશખબરી આપી જે આવનારા સમયમાં કૅરી ફૉવર઼્ર્ડ થવાની. બાકી જે ખરી જ પડવાની એનું ગામગજવણું શું! અજાતે પણ એટલું તો કહ્યું ને કે કારકિર્દીનું આનાથી ઊંચું શિખર ન હોય...

અંધારામાં જ શર્વરીનો હાથ પેટ પર ફર્યો: તેં થોડી ઉતાવળ કરી. મમ્મીના એવરેસ્ટ સર કરવાની અધવચાળમાં તું ક્યાં આવ્યો! યુ હૅવ ટુ ગો બૅક. તારી મમ્મી હજી તારા માટે તૈયાર નથી. મે બી, સમ અધર ટાઇમ...

***

‘ધેર વિલ બી નો અધર ટાઇમ.’ વિદ્યાબહેનને નાદાન પેશન્ટ પર એટલો ગુસ્સો આવતો હતો કે ડૉક્ટરની વાણીમાં તેમની નારાજગી પડઘાઈ - ‘તારે અબૉર્શન જ કરાવવું હતું શર્વરી તો ક્લિનિક આવી જાત, ઇટ્સ લીગલ નાવ. એને બદલે લેભાગુ ગાયનેક પાસે તેં ગર્ભ તો પડાવી નાખ્યો, પણ તારા ગર્ભાશયને એટલું નુકસાન પહોંચ્યું છે કે-’

તે અટકી ગયાં. શર્વરીની કીકીમાં ભય સળવળ્યો.

અબૉર્શનના નિર્ણય પછી વિદ્યાબહેનને જ કન્સલ્ટ કરવાનાં હોય, પણ એક તો અજાત અગાઉ મારી સાથે આવેલો એટલે તેમને ઓળખ. ભવિષ્યમાં ક્યારેક અજાત સમક્ષ આ વિશે બોલી જાય તો અજાતને કેવું લાગે! ગર્ભપાત લીગલ છે કે નહીં એનીયે અવઢવ હતી. કોઈને પુછાય એમ નહોતું ને પ્રેગ્નન્સીનાં લક્ષણ ઊઘડવા માંડે એ પહેલાં ભાર હળવો કરી દેવા મંગળની સવારે જ સ્ટુડિયોના રસ્તામાં આવતા સ્ત્રીરોગોનાં નિષ્ણાત ડૉ. મિતાલીના વિશ્વાસ ક્લિનિકમાં પહોંચી ગઈ.

ડૉક્ટરની કૅબિન બહાર ચહેરા પર દુપટ્ટો ઓઢી બેઠેલી બેત્રણ કન્યાઓને જોઈ લાગ્યું કે ડૉક્ટરનો ધંધો જ અબૉર્શનનો હોવો જોઈએ. ત્યારે તો તે એક્સપર્ટ પણ કહેવાય.

‘ડોન્ટ વરી, અડધો કલાકમાં તમારો ભાર હળવો થઈ જશે.’ ડૉક્ટરને કે તેની મદદનીશ નર્સને દર્દીનાં નામ-ઠામ-ઓળખની દરકાર નહોતી. ગર્ભ કેમ પડાવો છે એની પૃચ્છા પણ નહીં. પોતાને આવું ઠેકાણું તો જોઈતું હતું. એક ઇન્જેક્શન મૂક્યું, ચાર ગોળી આપી, પંદર હજારની ફી લીધા પછી કદાચ પોતે સામે મળે તો ઓળખે પણ નહીં!

‘આજે બ્લીડિંગ વધારે આવશે. બે દિવસ આરામ લઈ લેજો’ ડૉક્ટરે બેલ મારી, ‘નેક્સ્ટ.’

પોતે બહાર નીકળી ત્યારે સુધીમાં બ્લીડિંગ શરૂ થઈ ચૂકેલું. આનો અંદાજો હતો એટલે સવારે જ બે દિવસની છુટ્ટી અપ્રૂવ કરાવી લીધેલી. હાલ પૂરતું મિલિંદ બીજી સિરિયલની મેકઅપ આર્ટિસ્ટથી ચલાવી લેશે.

પહેલા બે દિવસ હાલત બહુ ખરાબ રહી. રજા એક્સટેન્ડ થતાં મિલિંદ ચિલ્લાય છે, પણ કામ થાય એવી હાલત જ ક્યાં છે? આજે ગુરુવારે પણ બ્લીડિંગ-દુખાવામાં ફેર ન પડતાં વિદ્યાબહેનને મળી લેવું હિતાવહ લાગ્યું.

હજુ સુધી અજાતને જાણ નથી કરી, અરે અંધેરી રહેતી માને પણ અસ્વસ્થ હાલતની ગંધ આવવા દીધી નથી, પણ પોતે અબૉર્ટ કરાવ્યાનું વિદ્યાબહેનને તો કહેવું પડ્યું, ચકાસ્યા પછી ડૉક્ટર ગુસ્સામાં છે, મતલબ કેસ બગડી ગયો?

એ જ ભયથી તેણે અત્યારે ડૉક્ટરને નિહાળ્યામ, ‘ડૉક્ટર, આમાં જી...વનું જોખમ તો નથીને?’

ડૉક્ટરે નકારમાં ડોક ધુણાવી, હાશકારો અનુભવતી શર્વરીને કહ્યા વિના જોકે છૂટકો નહોતો.

‘મામલો એથી પણ ગંભીર છે, શર્વરી. હિંમત રાખજે. ઊંટવૈદ્ય જેવી ડૉક્ટરની ટ્રીટમેન્ટે અબૉર્ટ તો થઈ ગયું, પણ તારા ગર્ભાશયને એટલું નુકસાન પહોંચ્યું છે કે તું ક્યારેય મા નહીં બની શકે.’

હેં!

***

‘વૉટ્સ યૉર પ્રોગ્રામ?’ વેદે પૂછ્યું.

બૅન્ગલોર ઑફિસના કલીગ જોડે અજાતશત્રુને ગોઠી ગયેલું. વીકએન્ડમાં અજાત મુંબઈ ન જાય ત્યારે બેઉ સાથે મૂવી યા ક્લબમાં જતા. અજાત ટ્રાન્સફર પછી પહેલી વાર બૅન્ગલોર ગયો ત્યારે ઑફિસ તરફથી મળેલું ઘર સેટ કરવા શર્વરી બે દિવસ રોકાયેલી. ત્યારે વેદ જોડે પરિચય નહોતો, પછી તેણે આવવાનું બન્યું નહીં. જોકે વેદને એ અજાતની વાતો થકી જાણતી ખરી.

અજાતની વાઇફ સુહાની કપૂરની ક્રૂ ટીમમાં છે એ જાણતા વેદને માલૂમ હતું કે ફરી મુંબઈ ટ્રાન્સફરની અજાતની અરજી ગમે ત્યારે મંજૂર થઈ શકે એમ છે.

અત્યારે જોકે વેદના સવાલે તેણે ખભા ઉલાળ્યા, ‘શુક્રની રાત્રે શું પ્રોગ્રામ હોય? આ વીકએન્ડ મુંબઈ જવાનું નથી, શર્વરીને શૂટ છે.’

(શર્વરીનું ટાઇટ શેડ્યુલ જોતાં અજાત આ વીકએન્ડ પણ મુંબઈ જવાનો નહોતો. છેવટે તો અબૉર્શન પછીની હાલત જોતાં એ શર્વરીના ફાયદામાં જ રહ્યું ગણાય.)

‘તો ચલ, આજે મૂવીનો પ્રોગ્રામ-’

અજાતશત્રુથી ઇનકાર ન થયો, ‘શરત એટલી કે બાઇક હું ચલાવીશ...’

અજાતને વેદની મોંઘેરી બાઈક ભગાવવી ગમતી.

પણ રાતના શોમાંથી પાછા વળતાં નાનકડી ઘટના ઘટી.

ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવ કરતા કારચાલકની અણધારી ટક્કર લાગતાં બાઇક હંકારતા અજાતે સમતોલન ગૂમાવ્યું. બાઇક સ્લીપ થતાં બેઉ પડ્યા એમાં વેદને મામૂલી ઈજા થઈ, પણ અજાતશત્રુને ગુપ્ત ભાગમાં બહુ કઢંગી રીતે મૂઢમાર લાગ્યો.

વેદને પાટાપિંડી કરી રજા આપી દેવાઈ, પણ અજાતે ત્રણ દિવસ હૉસ્પિટલમાં રહેવું પડ્યું. નાની સર્જરી થઈ. આમ કશું સિરિયસ નહોતું અને તે દોઢેક દિવસમાં તો હરતોફરતો થઈ ગયેલો એટલે શર્વરીને યા ઘરે પણ જાણ ન કરી. નાહક સૌ ગભરાઈ જાય!

‘તમે બહાદુર છો, અજાત, મને સમજાતું નથી તમને કેમ કહેવું-’ 

છેવટે ડિસ્ચાર્જ સમયે પેશન્ટને કૅબિનમાં તેડાવી સિનિયર ડૉક્ટર નિર્મલભાઈએ સહાનુભૂતિ દાખવી, ‘લાખોમાં એકાદ કિસ્સો થાય એવું તમારી સાથે બન્યું.’

અજાતશત્રુના કપાળે કરચલી ઊપસી. ડૉક્ટરે વેદની ગેરહાજરીમાં મને તેડાવ્યો એ સૂચક છે. મામૂલી ઍ્િક્સડન્ટને કારણે એવું તે શું થયું?

‘તમે તમારું પુરુષત્વ ગુમાવી બેઠા છો, અજાત.’

‘વૉટ!’ અજાત ઊભો થઈ ગયો, ‘તમે હોશમાં તો છો, ડૉક્ટર.’

‘હું પૂરી ચકાસણી પછી જ કહું છું અજાત-’ તેમણે ટેક્નિકલ ટર્મમાં સમજાવી સાદી ભાષામાં ઉમેર્યું, ‘મતલબ, તમે શરીરસુખ પહેલાંની જેમ જ માણી શકશો, પણ શુક્રાણુ ઉત્પન્ન કરતી અંગિકા જ ડૅમેજ થતાં પિતૃત્વ પામી નહીં શકો. ’

હેં!

***

લગભગ એક સમયે શવરીએ માતૃત્વ અને અજાતશત્રુએ પુરુષત્વ ગુમાવ્યું એના વરસ પછીની એક રાત્રે –

‘અજાત’ બેડરૂમના એકાંતમાં પતિની સોડમાં ભરાતી શર્વરી કાનોમાં કહેવાની જેમ ગણગણી, ‘તમને કંઈ કહેવું છે... હું મા બનવાની છું!’

હેં. અજાતશત્રુ ફાટી આંખે શર્વરીને તાકી રહ્યો. તેના ચહેરા પર છલકતી ખુશી ખમાતી ન હોય એમ હાથ લંબાવી નાઇટલૅમ્પ બુઝાવી દીધો. કેમ જાણે પત્નીની બેવફાઈને અંધારામાં ડુબાડી દેવી હોય!

બીજે દહાડે શર્વરીએ જાહેર કરેલા ખુશખબરે બેઉના ઘરમાં હરખ છલકાવી દીધો.

- આના પંદર દિવસ પછી શર્વરીનો ફોન રણક્યો. અજાત ત્યારે તેની સાથે જ હતો. શર્વરીએ કૉલ રિસીવ કરતાં સામેથી સંભળાયું - નમસ્કાર, શર્વરીદેવી, બહુ સિફતથી તમે પતિ સમક્ષ સત્ય છુપાવ્યું, પણ તમારો ભેદ હું જાણું છું. એની કિંમત ચૂકવવા તૈયાર રહેજો!’

આ પણ વાંચો : કથા સપ્તાહ - દિયા ઔર બાતી ( મેરે જીવનસાથી - 2)

એકશ્વાસમાં અપાયેલી ધમકીએ શર્વરીને થીજવી દીધી.

(ક્રમશ:)

Sameet Purvesh Shroff columnists