Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કથા સપ્તાહ - દિયા ઔર બાતી ( મેરે જીવનસાથી - 2)

કથા સપ્તાહ - દિયા ઔર બાતી ( મેરે જીવનસાથી - 2)

24 April, 2019 03:50 PM IST | મુંબઈ
સમિત પૂર્વેશ શ્રોફ

કથા સપ્તાહ - દિયા ઔર બાતી ( મેરે જીવનસાથી - 2)

દિયા ઔર બાતી

દિયા ઔર બાતી


લવ યુ અજાત!

પતિની ફોટોફ્રેમને ચૂમી શર્વરીએ છાતીસરસી ચાંપી. આમ જુઓ તો આપણી વચ્ચે મુંબઈ-બૅન્ગલોરનું અંતર પડી ગયું, અજાત, પણ એથી પતિ તરીકે તમે મૂઠીઊંચેરા સાબિત થયા! શર્વરીએ સંભાર્યું.



હજુ ૬ મહિના અગાઉ, શર્વરીને અણધારી ઑફર મળી, એ પણ સુહાની કપૂર તરફથી!


ટીવીજગતમાં સુહાનીના સિક્કા પડતા. આર્થિક ઉદારીકરણની નીતિના પગલે ભારતમાં વિદેશી ચૅનલોએ પગપેસારો કર્યો, બજાર ખૂલવાનો સાચા અર્થમાં જેને લાભ લેતાં આવડ્યો એમાં સુહાનીનું નામ મોખરે મૂકવું પડે.

આમ તો એ સેવન્ટીઝના વીસરાઈ ગયેલા ઍક્ટરની દીકરી. ધાર્યું હોત તો ઇન્ડસ્ટ્રીના રિવાજ પ્રમાણે ‌હિરોઇન બની શકત, એવી રૂપાળીયે ખરી, પણ ઊગતી જવાનીમાં તેણે પિતા નવીન કપૂરનાં વળતાં પાણી જોયાં, કેવળ એક દાયકાની ઝાકઝમાળમાં તેને રસ નહોતો.


ના, બચતને કારણે આર્થિક સંકડામણ નહોતી, ખાર ખાતે ભવ્ય બંગલોય ખરો. સુહાની કૉલેજમાં હતી ત્યારે માનો દેહાંત થઈ ગયેલો, પરિવારમાં બાપ-દીકરી બે જ. માની પ્રાર્થનાસભામાં કોઈ મોટી સેલિબ્રિટી આવી નહોતી, નવીન હવે આઉટડેટેડ હતો; એ બેહાલી સુહાનીને પજવતી, પડકારતી. તેણે તો પોતાનું સામ્રાજ્ય જમાવવું હતું. ક્યારેક પપ્પાને હતો એવો રુત્બો માણવો હતો.

સિનેમાના પડદેથી વિમુખ થઈ ગયેલા નવીને એકની એક નમાયી દીકરીના સમણાને આવકાર્યું. લાઇમલાઇટનું અજવાળું હટતાં કેવો ઘોર અંધકાર છવાય એની તેમને તો અનુભવ હતો. સમયની રૂખ પારખવામાં હવે માહેર થઈ ગયેલા નવીને જ ટીવી-સિરિયલ બનાવવાનું સુઝાવ્યું. એ માટે ફ‌ન્ડિંગ પણ કર્યું. દસેક વર્ષ અગાઉ સુહાનીની પ્રથમ કૉમેડી સિરિયલ પ્રસારિત થઈ, પછી રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. એક તબક્કો તો એવોય આવ્યો કે દેશની તમામ મુખ્ય ચૅનલ્સના પ્રાઇમ સ્લૉટમાં સુહાનીની જ સિરિયલ એકમેક સાથે કૉ‌‌‌મ્પિટ કરતી હોય! દીકરીના અચીવમેન્ટનો લાભ નવીન કપૂરને પણ મળ્યો. સુહાનીને ઑબ્લાઇઝ કરવા નવીનને ફિલ્મોમાં ચરિત્ર-અભિનેતાના રોલ્સ મળવા લાગ્યા.

અલબત્ત, અંતહીન, ઘરની સાસુ-બહુ વચ્ચેના અતિશયોક્તિભર્યા કાવાદાવાનાં કથાનકો પીરસવા બદલ એની ટીકા પણ બહુ થઈ. સુહાની જોકે તેને ગણકારતી નહીં. પછી તો તેણે રિયલિટી શોઝ આપ્યા, સ્ટૅન્ડઅપ કૉમેડી શો બનાવ્યા. બધું જ હિટ યા સુપર‌હિટ! ટીઆરપી જેવા, જેટલા ગગડે એટલે લાગતાવળગતાની લેફટરાઇટ લઈ લે. સુહાની પાસે ક્વીનનું બિરુદ હતું, આ લાઇમલાઇટ હટવા દે એ બીજા. અપડેટ રહેવામાં માનતી સુહાનીએ વેબસિરીઝમાં પણ ઝંપલાવ્યું. ફિલ્મો માટેના સબ્જેક્ટસ વિચારણા હેઠળ છે…

આવી આ સુહાનીએ મને ઑફર મોકલી!

શર્વરીથી મનાયું નહોતું. શર્વરીને ખુદને ટીવી જોવાનો સમય ન મળતો, પણ સુહાની કપૂર બ્રાન્ડ સિરિયલો મા-સાસુ બહુ હોંશથી જોતી. તેમને ગમતી સાસુ-વહુનો મેકઅપ હવે હું કરીશ એ જાણી બેઉ કેવી હરખપડદૂડી થઈ જશે! જૉબ કરવાનું કદી વિચાર્યું નહોતું, પણ પગારપેટે કહેવાયેલી રકમ પણ એવી કે બેત્રણ વરસ પોતે ટકી ગઈ તો પાર્લર પોતીકું થઈ શકે. અરે, ત્યાંથી ફિલ્મોમાં જવાનો ચાન્સ પણ રહે. હું પ્રાઉડલી કહી શકું કે ફલાણી ‌હિરોઇનને તો મેં સજાવેલી! નૅચરલી, ફિલ્મી કળકારોને સજાવવા-શણગારવાનું તો કોઈ પણ બ્યુટિશિયનનું ડ્રીમ હોવાનું.

ઑફર મળતાંની વારમાં આવા તો કંઈકેટલા હવાઈ કિલ્લા ઘડી કાઢેલા શર્વરીએ. ધ‌‌રબાઈ રહેલી આકાંક્ષાઓ ઊભરાવા લાગી.

‘ઇનફૅક્ટ, સુહાની સાથે કામ કરવું ઇઝી નહીં હોય... ટીવીની મહારાણીની પર્સનલ લાઇફ જેવું કંઈ નથી અને આપણે પણ ચોવીસ કલાક તેની શ્રીજી ટેલિફિલ્મ્સ માટે ફાળવવાના એટલી ડિમા‌‌‌‌ન્ડિંગ છે એ. થોડી શૉર્ટ ટેમ્પર્ડ પણ ખરી. જોકે ઇન્ક્રીમેન્ટ આપવામાં ઉદાર. કહે પણ ખરી, મારા સ્ટાફને દામ પણ મારા નામ પ્રમાણેના મળવા જોઈએને!’

ઑફર લાવનારી કસ્ટમર સુચિત્રાએ આડકતરો ઇશારો આપી દીધેલો કે ઇટ ‌વિલ બી અ સ્ટ્રેસફુલ ઇવેન્ટ ઍઝવેલ.

એથી ગભરાઈને પારોઠનાં પગલાં લેવામાં શર્વરી માનતી નહીં. સામે આવેલી તક જતી કેમ કરાય? હા, જૉબ સાથે હું મારું ખુદનું પાર્લર નહીં ચલાવી શકું, ભલે, પણ બેત્રણ વર્ષમાં એને ભાડાપેટેથી પોતાનું કહી શકીશ એ કમ છે!

શર્વરીને ખાતરી હતી, આ ખુશખબરે અજાતશત્રુ પણ ઊછળી ઊઠવાનો. બહુ હોંશભેર પોતે તેને ખબર આપ્યા... પણ ત્યાં તો તેણે પણ ધડાકો કર્યો - મારી ટ્રાન્સફર બૅન્ગલોર થઈ છે!

શર્વરીને લાગ્યું જાણે ખુશીના ગુબ્બારામાં કોઈએ ટાંચણી ભોંકી. અજાત બૅન્ગલોર જાય, મતલબ, પોતેય સાથે જવાનું જ હોય… પણ અજાત તો અજાત!

‘તને નવી ક્ષિતિજ સર કરવાની તક મળી છે, એને વેડફવા ન દેવાય. અને બૅન્ગલોર ક્યાં પરદેશમાં છે! શનિ-રવિ હું આવતો રહીશ, અરે, છ મહિનામાં તો મુંબઈ ટ્રાન્ફસર લઈ લઈશ..’

અજાતના નિર્ણયનો જોકે બેઉ ઘરેથી વિરોધ થયેલો.

‘ધણીને આમ એકલો ન છોડાય, શર્વરી, એવી શું કામની લાલસા! ફિલ્મ-ટીવીના મોહમાં પતિથી જુદા રહેવાના સંસ્કાર મેં તને નથી અપ્યા-’ માલ્વિકાબહેને દીકરીને ઠપકારેલી તો શકુંતલાબહેને દીકરાને સમજાવી જોયો - આમ વહુને છોડીને જવાતું હશે? વહુ તેનું ગમતું કામ કરે એનો વાંધો નહીં, પણ એ માટે પતિ-પત્નીએ જુદાઈ વેઠવી પડે એ જરા વધુપડતું છે, અજાત, આપણને એવી કોઈ જરૂરે નથી. વહુ આવવા તૈયાર હોય તો તું શું કામ આડો ફાટે છે?

પતિ-પત્નીએ તેમનાં વેણ ખમી લીધાં, પણ અજાતનો નિર્ણય જોકે ન બદલાયો. જૉબના એક કહેણથી પત્નીએ અનુભવેલી ખુશી, એમાં પાર ઊતરવાની ધગશ અજાતે ક્ષણમાત્રમાં અનુભવી હતી, એનું બાળમરણ થવા દઉં તો હું જીવનસાથી શાનો? દામ્પત્યનો આદર્શ કેવળ સાથે રહેવામાં જ નથી, એકબીજાને જોઈતી ઉડાન આપવામાં પણ છે…

છેવટે વડીલોએ પણ મન મનાવવું પડ્યું. અજાત ટ્રાન્સફર પછી પહેલી વાર બૅન્ગલોર ગયો ત્યારે ઑ‌ફિસ તરફથી મળેલું ઘર સેટ કરવા શર્વરી બે દિવસ રોકાયેલી.

મુંબઈ આવ્યા પછી શર્વરીની સ્ટુડિયો સફર શરૂ થઈ.

પહેલે દિવસે અંધેરીમાં આવેલા સુહાનીના વૈભવી ઑફિસ બિલ્ડિંગમાં જવાનું હતું. અડધો દિવસ એચઆરમાં ગયો. નોકરીનાં ટર્મ્સ ક‌ન્ડિશન્સ, પગારધોરણની વાતો ચાલી. એ બધું ફાઇનલ થતાં લંચટાઇમ થઈ ગયો. અહીંના ‌સ્ક્રિપ્ટ સેક્શનમાં કામ કરતી સુચિત્રા બાદમાં તેને સુહાની પાસે લઈ ગઈ.

અત્યંત વ્યસ્ત સુહાની મિનિટ પૂરતીયે ન મળી હોય, પણ ગજબની એનર્જી એનામાં અનુભવાઈ.

‘વેલકમ ટુ શ્રીજી. આઇ ઍમ શ્યૉર તું તારું બેસ્ટ આપશે જ, બટ રિમેમ્બર વન ‌થિંગ. મને મારા લેવલનું બેસ્ટ જોઈએ. ગૉટ ઇટ? ઑલ ધ બેસ્ટ.’

બસ, આટલા જ વાક્યની આપ-લે થઈ, બદલામાં ‌શિશ હલાવી નીકળી જવું પડ્યું. અબજોના સામ્રાજ્ય પર સત્તા ટકાવી રાખવાની જીદ સાથે સિદ્ધિનું થોડુંઘણું ગુમાન પણ એના વ્યક્તિત્વમાં વણાઈ ગયેલું લાગ્યું. બાકી સુચિત્રાની સજાવટ જોઈ પળમાં મને ઑફર મોકલવામાં તેની પારખુ નજર, તેની નિર્ણયશક્તિ ઝળકે જ છે.

‘હવે તું મિલિંદ દવેને મળી લે, અત્યારે ટૉપમાં ચાલતી ‘બહુબેટી’નો તે ડિરેક્ટર છે.’ સુચિત્રા તેને બ્રીફ કરતી ગયેલી.

‘બાપ રે. દિવસ પતતાં સુધીમાં તો હું એવી થાકી ગઈ-’

રાત્રે, અજાતને વિડિયોચૅટ પર ઉત્સાહભેર રિપોર્ટ આપતી શર્વરીએ ઉમેરેલું, ‘એક એપિસોડની પાછળ કેટકેટલા લોકો કામ કરતા હોય છે. અખબારજગતની જેમ અહીં પણ ડેડલાઇનની મારામારી છે. ટીવીના પડદે ચમકી ઘરેઘરે પૉપ્યુલર થઈ ગયેલાં હીરો-‌હિરોઇનને રિયલ લાઇફમાં મિલિંદ જેવા દિગ્દર્શક સુધ્ધાંની બટ‌રિંગ કરતાં જોઈ ગ્લૅમરસ લાઇફના ઘણા ભ્રમ ભાંગી જાય. કાવાદાવા પણ એટલા જ ચાલે. મારે જેમાં કામ કરવાનું છે એ ‘બહુબેટી’નો જ દાખલો લો. શોની બે ‌હિરોઇન છે. બેટી બનતી કસ્તૂરી અને બહુનો કિરદાર નિભાવતી મોહિની. બેઉને ઊભું નથી બનતું. બન્ને સુહાનીની ગુડબકમાં રહેવા માંગે ને એકબીજાની ઝીણી ઝીણી બાતમી શેઠાણીને પહોંચાડતી રહે એમાં સુહાનીને તો મઝા પડી જાય. સેટ પર બીજાને નીચે દેખાડવાની તેમની હરકતોથી કંટાળીને જૂનો મેકઅપ મૅન સિરિયલ જ છાડી ગયો. હવે મારે એ બલાઓને સંભાળવાની - સજાવવાની-ઝેલવાની છે! કેમ થશે?’

‘થશે, શર્વરી, હું કહું છું ને.’

અજાતના શબ્દો નવું જ જોમ ભરી ગયા. તે પડખે હોત તો હું તેમનામાં સમાઈ ગઈ હોત!

દૂરી બેઉને કનડતી, પણ દેખાવા ન દેતાં. અજાતશત્રુ બૅન્ગલોરમાં થાળે પડતો ગયો. ઑફિસના કલીગ વેદ જોડે અજાતશત્રુને ગોઠી ગયેલું. વયમાં લગભગ સરખો વેદ અપ‌રિણીત હતો. બૅન્ગલોરનો જ રહેવાસી એટલે તેના બંગલે જવામાં, તેના પેરન્ટ્સનને મળી, ફૅમિલીની ફીલિંગ આવતી.

અહીં શર્વરી પણ નવી જ દુનિયામાં હળીમળી ગઈ.

હવે ગોરેગામમાં લાગેલા સેટ પર પહોંચવામાં ન વૉચમૅન પાસે અટકવું પડતું, ન દિશા પૂછવી પડતી. શૂ‌ટિંગમાં કેવી લાઇટ્સ વપરાશે, એનું રિફલેક્શન કેવું આવશે એની જાણકારી મેળવી લેતી, થોડું રિસર્ચ કરીને જતી એટલે બહુ જલદી તેણે કામકાજમાં સ્પીડ પકડી લીધી. હેરસ્ટાઇ‌લિસ્ટ, ડ્રેસ ડિઝાઇનરની ક્રૂ ટીમ સાથે ટ્યુનિંગ જામી ગયેલું. હા, કસ્તૂરી-મોહિની ચણભણ કરતી રહેતી.

શર્વરીને એનું મૂળ પકડાયું. બેઉને એકમેકની ઇનસિક્યૉરિટી હતી. એક એપિસોડમાં મોહિનીના ભાગે અચ્છા સીન આવે તો કસ્તૂરી રૂસણું લે ને એને રાજી રાખો તો મોહિની એટિટ્યુડ દાખવે - સિરિયલની ખરી ‌હિરોઇન તો હું છું, સેકન્ડ લીડની એવી શી દાદાગીરી!

જોકે ડેઇલી સોપમાં શૂટિંગ ખોરંભે ચડાવવું પોસાય નહીં, એટલે રીસ-રોષ ઉતારી કામ તો કરવું પડે ને સુહાનીની અપેક્ષા મુજબનું જ કરવું પડે. છેવટે પૅક-અપ થાય ત્યારે આખા યુનિટને હાશકારો થાય. શૂટ પછી બંને જણી સુહાનીને જણાવવાનું ચૂકે નહીં કે સામી પાર્ટીએ આજે ખરો તમાશો માંડ્યો, એ તો મેં બાજી સાચવી લીધી!        

‘સો નાઇસ ઑફ યુ’ કહી સુહાની બન્નેને રમાડી લે.

સ્વાભાવિક રીતે બેઉ જણી શર્વરીથી પણ ઊખડેલી રહેતી, તેમને એવું જ લાગતું કે તું મારા કરતાં ‘પેલી’નો મેકઅપ જ વધુ સારો કરે છે!

થોડા દહાડા તો શર્વરીએ ખમી લીધું, પણ પછી તેનો ધૈર્યબંધ તૂટ્યો.

‘લિસન ફૉર વન્સ ઍન્ડ ફૉર ઑલ. હું છું તો તમારી ખૂબસૂરતી છે. બાકી તમારા ઓ‌રિ‌જિનલ ફેશમાં એ દમ નથી કે લોકોની નજરને બે પળ પૂરતીયે જકડી શકે.’ 

સેટ પર, બધાની હાજરીમાં કહેવાયેલા શબ્દોએ સોપો સર્જી દીધો. કસ્તૂરી-મોહિની એવી તો છટપટી. પહેલી વાર બેઉએ એક થઈ સુહાનીને રાવ કરી, પણ આ શું? સુહાનીએ ‘ન્યુટ્રલી’ ફેંસલો સુણાવી દીધો - શર્વરી ખોટું કહેતી હોય એવું મને લાગતું નથી. નાઉ આઇ ઓલ્સો વંડર કે મેં ઓછા લુકવાળી છોકરીઓને મેજર બ્રેક ક્યાં આપી દીધો! 

પત્યું. બંને જણી સમજી ગઈ કે હવે મૂંગાં રહેવામાં જ સાર છે! નહીંતર સુહાનીનું ભેજું ગયું તો કોને ખબર, વાર્તામાં આપણો ઍક્સિડન્ટ બતાવી, ચહેરો બદલાયાનો ટ્‌વિસ્ટ આણી આર્ટિસ્ટ જ બદલી કાઢે! સિરિયલમાં તો ધારો એ થાય.

એ ઘડી ને આજનો દી. ફરી ક્યારેય મેકઅપ માટે તેમણે હરફ કાઢ્યો નહીં. ને આ કિસ્સાએ શર્વરીને શ્રીજી કૅમ્પમાં એસ્ટાબ્લીશ કરી દીધી.

વીકએન્ડમાં અજાત મુંબઈ આવે, શર્વરી મોટા ભાગે શૂટમાં વ્યસ્ત હોય. કદી શેડ્યુલ ન હોય ને ઇમર્જન્સી કૉલ આવી પડે. ઘરથી દૂર રાતવરત જવાનું કાર લઈને જતી શર્વરીને જોકે ફાવી ગયેલું.

‘અજાત, આઇ ઍમ સોરી. હું તમને સમય નથી આપી શકતી.’ તેને ગિલ્ટ થતી. પતિ ખાસ બૅન્ગલોરથી આવ્યો હોય ને હું કલાક પાસે બેસી પણ ન શકું?

‘ડઝન્ટ મૅટર શર્વરી. તું ફ્રી હો ત્યારે આપણે એન્જૉય પણ એટલું જ કરીએ છીએને. તારી સામે તારી મંઝિલ છે, તારા હર કદમમાં હું તારી સાથે છું એટલું સ્મરણ રહે’ અજાત કહેતો.

વીકએન્ડમાં શર્વરીનું શેડ્યુલ હોય તો આવવાનું ટાળતો, જેથી શર્વરીને ગિલ્ટ ન રહે.

શર્વરીને સ્વાભાવિકપણે એનો ગર્વ રહેતો. એ કામમાં ડૂબી જતી, જેમાં દિનબદિન નિખાર આવતો જતો હતો.

અરે, હજુ બે દિવસ અગાઉ સુહાનીને ઑફિસમાં મળવાનું થયું ત્યારે તે બોલી ગયેલી - તારું કામ અને ઍટિટ્યુડ બેઉ મને ગમ્યા... આઇ હૅવ સમ બિગર પ્લાન્સ ફૉર યુ!

સુહાનીના દિમાગમાં એકસાથે અનેક પ્રોજેક્ટસ ચાલતા હોય. એ નવું શું આપશે એ તો ખબર નહીં, પણ પ્રોગ્રેસિવ હશે એટલું ચોક્કસ!

અત્યારે પણ તેની ખુશી અનુભવતી શર્વરીએ અજાતની છબીને જરા વધુ દબાણથી છાતીસરસી ચાંપી - ૬ માસમાં મેળવેલી આટલી સિદ્ધિનો યશ તમને, અજાત!

આ શબ્દો સાથે ફોટામાં અજાતનું મુખડું ચૂમતાં તેણે પેટમાં આછેરું કંપન અનુભવ્યું.

***

ત્રીજા દિવસે-

‘કૉન્ગ્રેચ્યુલેશન’ ડૉ. વિદ્યાબહેને મલકતા મુખે વધાઈ દીધી. ‘મિસિસ શર્વરી મહેતા, તમે મા બનવાનાં છો.‘

સાંભળીને ઊછળી પડવાનું હોય, શર્વરીને ધ્રાસકો પડ્યો. ઓહ નો! હજુ ગઈ કાલે જ સુહાનીએ તેને તેનો ‘બિગ પ્લાન’ જણાવ્યો હતો - વી આર ગોઇંગ ટુ સ્ટાર્ટ અ મૂવી સૂન. તેની મુખ્ય મેકઅપ આર્ટિસ્ટ તું. ફિલ્મની સ્ટારકાસ્ટને મેકઅપ તારે કરવાનો, ઇન્ક્લુડિંગ લેજન્ડરી બચ્ચનસાહેબ!‘

આ પણ વાંચો : કથા સપ્તાહ - દિયા ઔર બાતી ( મેરે જીવનસાથી - 1)

એક બાજુ કારકિર્દીની પ્રગતિ, બીજી બાજુ માતૃત્વનું સુખ.. હે ઈશ્વર, હું કયા પલ્લે નમું?

Whatsapp-channel Whatsapp-channel

24 April, 2019 03:50 PM IST | મુંબઈ | સમિત પૂર્વેશ શ્રોફ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK