કથા સપ્તાહ : બાઝી (જાને ક્યા બાત હૈ – 4)

22 April, 2019 03:21 PM IST  | 

કથા સપ્તાહ : બાઝી (જાને ક્યા બાત હૈ – 4)

બાઝી

‘મેં તને આવી નહોતી ધારી, લજ્જા... મારી માને મારી તને સંતોષ ન મળ્યો કે મારા પિતાને હત્યારા ઠેરવવા માંડી? આટલી ક્રૂરતા, આટલી ગિરાવટ!’

થાક્યો હોય એમ અર્ણવ ફર્શ પર બેસી પડ્યો. તેની વેદનાનો લજ્જાને અણસાર ન હોય?

પણ આ લાગણીશીલ થવાનો અવસર નથી. ને બીજી પળે એ કોરીધાકોર થઈ ગઈ. જોકે ભીતર ઘણું કંઈ ઘૂમરાઈ રહ્યું.

અર્ણવને આશ્રમમાં પહેલી વાર જોયા અને પછી તેમના ઘર એમનું સાંનિધ્ય સાંપડ્યું એમાં હૈયું એવી ગવાહી તો પૂરતું કે પ્રથમ મેળાપમાં મારાથી તેમના ગળામાં ફૂલોનો હાર પડ્યો એમાં કુદરતનો સંકેત હતો. પ્રીતનાં પડઘમ ન હોત તો સુભદ્રામાની ચાકરીમાં નિષ્ઠા ભલે એટલી જ હોત, પણ એમાં આત્મીયતાની ભાવના તો ન જ હોત...

જોકે એ લકવામાંથી ક્યારેય સાજા નહીં થાય એવું જાણી મૃત્યુમાં મોક્ષ જોયો એ દૃ‌ષ્ટિકોણ અર્ણવથી ખમાયો નહોતો, પણ જેને ચાહતા હોઈએ તેની સમક્ષ પડદો હોય?

અલબત્ત, અર્ણવને પોતે મોટા ઘરની વહુ બનવાની અબળખારૂપે નહોતો ચાહ્યો, મારી મયાર્દાથી સભાન હતી હું. વિશાળ હૃદયનો પરિવાર ભલે ઊંચનીચમાં ન માને, અનાથાશ્રમમાં ઊછરેલી મહેતા ખાનદાનની વહુ ન બની શકે એવી સમજ મને તો હતી.

અને અર્ણવના હૈયે હું હોવાની ખાતરી પણ. ભાગ્યે જ કોઈ સમક્ષ ઊઘડતો અર્ણવ ટેરેસના એના એકાંતમાં મને જ સહભાગી બનાવે એનો અર્થ મોટી મોટી કિતાબોમાં શોધવાની જરૂર નહોતી...

મા પણ મારાથી ખુશ હોવાનું અનુભવાતું. તેમની મૂક લૅન્ગ્વેજ સમજાતી. ક્યારેક એવું લાગતું સુભદ્રામાએ કશુંક કહેવું છે, પણ શું એ સમજાતું નહીં. પોતાની જેમ અર્ણવને પણ આટલું પરખાતું; મતલબ કંઈક તો છે.

બની શકે તેઓ મારાં-અર્ણવનાં લગ્નની વાત કહેવા માગતાં હોય... મનગમતું વિચારી લજ્જા ખુશ થતી. નૅચરલી, સુખીસંપન્ન, પ્રેમાળ પતિ, પુત્ર ધરાવતી સ્ત્રીને બીજું તો શું કહેવું હોય?

જોકે એથી મારે મારી લક્ષ્મણરેખા ઓળંગવાની નથી... લજ્જા ઊંડા ઊતરવાનું ટાળતી.

ધારો કે મા સાથે અઘટિત ન બન્યું હોત તો અર્ણવે હૃદયબંધ ખોલ્યો હોત ખરો, એમના પ્રણય-સ્વીકારને હું ઠુકરાવી શકી હોત ખરી!

પણ એ તબક્કો આવે એ પહેલાં અર્ણવે લંડન જવાનું થયું ને પાછળ ગોઝારી રાત આવી ચઢી... લજ્જા સમક્ષ દૃશ્ય ઊપસ્યું.

* * *

‘સર, મા હવે થોડી વારમાં સૂઈ જવાનાં.’

વિલામાં આજે સૂનકારો હતો. સ્ટાફમાં લગ્નને કારણે નોકરવર્ગ છુટ્ટી પર હતો, પણ લજ્જાએ ક્યાંય ઊણપ વર્તાવા ન દીધી. માની કીકીમાં ઊંઘ વર્તાવા માંડતાં તેણે બહાર જઈ અમૃતભાઈને સંદેશ પાઠવ્યો. પત્નીનાં સૂતાં પહેલાં ગુડ

નાઇટ કહેવાની સરની ટેવમાં લજ્જાને પ્રણય વર્તાતો.

‘ગુડ નાઇટ, સુભદ્રા’ પત્નીના માથે હાથ ફેરવી અમૃતભાઈએ રૂમમાંથી નીકળતાં લજ્જાને કહ્યું- રાતના અગિયાર થયા, તું પણ સૂઈ જા દીકરી.’

‘જી સર-’ લજ્જાએ અદબથી કહ્યું. ના, માની એક ઊંઘે સવાર પડતી હોય. તેમના ભેળા સૂવાની જરૂર નહોતી. અમૃતભાઈ ઉપલા માળની તેમની રૂમ પર ગયા. માના રૂમનો દરવાજો બંધ કરી લજ્જા બાજુની પોતાની રૂમમાં ગઈ.

‘આખા દિવસની થાકેલી હું પલંગ પર પડી એવી પોઢવા મંડી... ’ લજ્જા કહેતી રહી, ‘સવારે ઉઠાયું પણ મોડું. યાદ આવ્યું કે કોઈ મેઇડ હજુ આવ્યું નહીં હોય એટલે ફટાફટ નાહીધોઈ રસોડામાં ગઈ - સરનો ચા-નાસ્તો તૈયાર કરી હું માના સ્પંજ માટેનું ગરમ પાણી તૈયાર કરું છું, ટ્રૉલી લઈ રૂમમાં પ્રવેશું છું કે માના બેડ સામે સરને ઊભા જોઉં છું ને મા...’ લજ્જા થથરી. અર્ણવે આગળનું કથાનક પિતા પાસેથી જાણ્યું હતું.

‘માને મૃત ભાળી મને તમ્મર આવી ગયાં. અર્ણવ, કહો કે હું બેસૂધ થઈ ગઈ. છેલ્લે એટલું જ ધ્યાન રહ્યું કે સર ડૉક્ટરને તેડાવી રહ્યા હતા. આંખો ખૂલી ત્યારે કંઈકેટલા સગાંસંબંધીઓનાં ટોળામાં પોલીસ પણ ભાળી.. ’

લજ્જા સમક્ષ દૃશ્ય ઊપસ્યું.

‘આ તેં શું કર્યું લજ્જા!’ નિહારિકાબહેને ચીસ જેવા અવાજે કહ્યું, ‘શેઠાણીને મારી નાખ્યાં?’

‘બેન, આ શું બોલો છો?’

લજ્જા ડઘાઈ.

‘આ હું નથી બોલતી, લજ્જા. સુભદ્રાબહેનની લાશ અને તારા રૂમમાં, તારી પતરાની પેટીમાંથી મળેલી ઝેરની શીશી, સિરિંજનો પુરાવો બોલે છે!’

હેં!

‘ત્યારેય મને ન સમજાયું કે મારી વીસપચીસ મિનિટ બેશુદ્ધિમાં મને ગુનેગાર ઠેરવવાની બાજી રમાઈ ગઈ છે!’

નિ:શ્વાસ નાખી લજાએ કડી સાંધી, ‘ખુલ્લી રહેતી પતરાની પેટીમાં ઇન્જેક્શન સરકાવવું રમતવાત હતી ખૂની માટે, પણ કમનસીબે ઘરમાં કોઈ નોકરચાકર મોજૂદ નહોતું અને કતલ ખુદ અમૃતભાઈએ કરી હોય એવું તો મારાથી મનાય જ કેમ! જરૂર કોઈ ધાડુપાડુની જેમ આવી, માની કતલ કરી મને ફસાવી ચુપકેથી નીકળી ગયું.’

અર્ણવે સાંભળ્યા કર્યું.

‘મર્સી કિલિંગની મારી માન્યતા ક્રાઇમનું મો‌‌‌ટિવ બની ગયું. નિહારિકાબહેને કોર્ટરૂમમાં એનું સચોટ વિશ્‍લેષણ કર્યું. તમે પણ એમાં શાહેદી પુરાવી.’

લજ્જા અટકી, કહેવાનું ટાળ્યું કે એ ક્ષણે હૃદય બંધ થઈ જવા જેવી ચોટ અનુભવી હતી. 

‘હું રડી-કરગરી. રોષમાં, આવેશમાં કહેતી રહી કે હું નિર્દોષ છું, પણ વ્યર્થ! કોઈને એ ન સૂઝ્યું કે મારે માને મારવા જ હોય તો શરીરમાં વર્તાઈ આવે એવું ઝેર શું કામ ઇન્જેક્ટ કરું? ખાલી એરનું ઇન્જેક્શન આપ્યું હોત તો મારા સિવાય કોઈને જાણ ન થાત! એને બદલે હું ઝેરના અંશવાળી સિરિંજ પણ જાળવી રાખું છું!’ લજ્જાએ ખિન્નતાપૂર્વક ડોક ધુણાવી, ‘કોઈએ આવા પ્રશ્નોમાં રસ ન લીધો. મને જેલ થઈ. બાર બાર મહિના સુધી મારા ચિત્તમાં એકસરખા વિચારો- આ બધું કેમ થયું, કોણે કર્યું!’ લજ્જા સહેજ હાંફી ગઈ.

‘અને એક દિવસ ખબર મળ્યા કે નિહારિકાબહેન અમૃતભાઈને પરણી રહ્યાં છે!’

અર્ણવ ટટ્ટાર થયો.

જેલ થયા પછી નિહારિકાબહેનની સાથે આશ્રમવાસીઓએ મોં ફેરવી લીધેલું. જોકે સુભદ્રાબહેન ખૂનકેસની ગુનેગાર પુરવાર થયેલી યુવતીની દાસ્તાન કિસ્સો યાદ રાખવા પ્રેરતી હોય એમ અમૃતભાઈનાં બીજાં લગ્નના ખબર જેલસ્ટાફમાંથી જ કોઈએ દીધા.

અમૃતસર ફરી પરણ્યા? સુભદ્રામાને ગયાને વરસદહાડામાં અમૃતસરનું મન પીગળી ગયું! પાછા પરણવાના કોને - નિહારિકાબહેનને?

‘એમાં ખોટું શું હતું લજ્જા? માના ગયા બાદ નિહારિકાબહેને જે રીતે ઘરને, અમને સંભાળ્યા પછી તો પપ્પાનાં સગાંસંબંધીઓએ જ પુનર્લગ્નની વાત મૂકી, પપ્પાએ એને વધાવી એનો મને વસવસો આજે પણ નથી.’

‘પણ મને છે’ લજ્જા મક્કમ રહી, ‘મને અમૃતસરનાં બીજાં લગ્નનો વાંધો નથી, તેમને કોઈ હૂંફ-ટેકાની જરૂર હોય પણ ખરી; પણ નિહારિકાબહેનને?’ લજ્જાએ ડોક ધુણાવી, ‘તમે કદાચ જાણતા પણ નહીં હોવ અર્ણવ, તેમનું એક વાર વેવિશાળ થયેલું, પણ મંગેતર લગ્ન પહેલાં કોઈ બીજી જ કન્યા સાથે ભાગી ગયો પછી તેમણે કદી લગ્ન બાબત વિચાર્યું જ નહોતું. પુરુષજાતિ પ્રત્યે નફરત સેવતા એવું નહીં, પણ આખી જુવાની એકલા ગુજાર્યા પછી પ્રૌઢાવસ્થામાં કેવળ ઘરભંગ થયેલા પુરુષ પ્રત્યેની હમદર્દીથી તો પરણવાનું મન કેમ થાય?’

અર્ણવની આંખ ઝીણી થઈ - મતલબ?

‘મતલબ એ જ અર્ણવ કે આ કેવળ માના મૃત્યુ પછી બંધાયેલી સહાનુભૂતિનો સંબંધ નહોતો.... એનાં મૂળિયાં ઊંડાં હોવાં જોઈએ. મા હયાત હતાં એ વખતનો તેમની વચ્ચે સુંવાળો સંબંધ હોવો જોઈએ!’

અર્ણવ સમસમી ગયો, પણ લજ્જાને દ્વિધા નહોતી, લગ્નના ખબર મળ્યા ત્યારથી એના દિમાગમાં ટિક ‌‌ટિક થવા લાગેલી. મગજ કસતી ગઈ તો સંદર્ભ સાંપડતા ગયા.

જેમ કે ગુલાબ!

અર્ણવ પહેલી વાર આશ્રમ આવ્યા ત્યારે નિહારિકાની સજાવટ જુઓ. તેમણે ગુલાબ મગાવ્યું. હું સમજી આશ્રમની પ્રથા મુજબ મહેમાનો માટે હાર બનાવવાનો હશે... પણ ના, ઊલટું હાર જોઈ તે એવું કંઈક બબડેલાં કે તું તો માળા બનાવી લાવી!

મતલબ, ગુલાબ તેમણે તેમની કેશસજ્જા માટે મગાવેલાં. કોઈ પણ કારણ વિના સ્ત્રી રૂપ શું કામ સજાવે?

તેનો માણીગર જોવાનો હોય તો, અને ત્યારે! અને તે અમૃત જ હોય. તેમની માનીતી મીઠાઈ સુધ્ધાં નિહારિકા યાદ રાખે એવું તો બીજા કોઈ ટ્રસ્ટી સાથે ક્યારેય નથી થયું...

આ જ નિહારિકાનો પ્રેમ, સુભદ્રામાની હયાતીમાં થયેલો પ્રેમ, અને અમૃતસર તેમને પરણ્યા એ તેમના તરફની પ્રેમપૂર્તિ!

કાશ, મા આ જાણતાં હોત! કે પછી મા જાણી ગયેલાં?

આ વિચારે ઝણઝણાટી ફેલાયેલી. સાવ સંભવ છે કે મા સમક્ષ પતિનો આડો સંબંધ ઊઘડતાં એ તનાવમાં આવી ગયા, શુગર અચાનક ડાઉન થઈ ને એમને લકવો લાગી ગયો! મેડિકલી આવું બનવું સંભવ છે. તાત્પૂરતી તો અમૃત-નિહારિકાને આમાં રાહત જણાઈ હશે, પણ પછી પથારીમાં પડેલી સુભદ્રા આજે નહીં એ કાલે સાજી થઈ તો આપણે ક્યાંયના ન રહીએ એમ વિચારી એને પતાવી દેવામાં શાણપણ જોયું. તેમણે યોજના ઘડી કાઢી ને પ્યાદું બની હું!

‘મર્સી કિલિંગ’માં માનનારી યુવતીને પૅરૅલાઇઝ્ડ પેશન્ટની સારવારમાં મૂક્યા પછી દર્દીને ઝેર દેવાનો આરોપ સિદ્ધ કરવામાં કોઈ ધાડ મારવાની હતી! માને ઝેર અડધી રાત્રે દેવાયાનું પોર્સ્ટમૉર્ટમમાં સિદ્ધ થયું. સવારે હું કિચનમાં હતી ત્યારે મારા સામાનમાં હત્યાનાં હથિયાર મૂકવાનું અમૃતભાઈ માટે જરાય મુશ્કેલ ન હોય; તે હજુય તમને સમજાતું નથી?’

પપ્પા માને ઝેર દે એ કલ્પના જ અર્ણવ માટે અસહ્ય હતી. તેમનો નિહારિકા જોડે આડો સંબંધ? 

‘સિરિંજ કે પૉઇઝનની બૉટલ પર મારા ફિંગરપ્રિન્ટ નહોતા, રાધર કોઈના પ્રિન્ટ નહોતા. કોર્ટમાં એવું કહેવાયું કે મેં ગ્લવ્ઝ પહેરવાની તકેદારી રાખી. માના સ્પંજ વગેરે માટે દિવસમાં ડઝનના હિસાબે વપરાતા ગ્લવ્ઝ ડસ્ટ‌‌બિનમાંથી મળી આવેલાં પણ આટલી સાવધાની રાખનારી હું સિરિંજ-ઝેર મારા જ સામાનમાં શું કામ છુપાવું, એય લૉક વગરની પેટીમાં?’

વેલ, કોર્ટમાં વકીલે આના જવાબમાં કહ્યું જ હતું કે આ કાયદાને ગુમરાહ કરવાની ચાલ છે.

‘કોર્ટ-વકીલ ગમે તે કહે, અર્ણવ, મેં ખૂન નથી કર્યાનું સચ હું તો જાણુંને.

પછી મને મારાં તથ્યોમાં કેમ શંકા રહે? એ રાત્રે ઘરમાં અમે ત્રણ હતા, ખૂન મેં નથી કર્યું એટલે અમૃતભાઈએ જ કર્યું

અને એનો મોટિવ આડા સંબંધને સીધો કરવાનો જ હોય!’

લજ્જાનું વિશ્‍લેષણ સચોટ હતું. અર્ણવ સ્તબ્ધ. ખરેખર આવું હશે? લજ્જાના એન્ગલથી જુઓ તો આ બધું સાવ સાચું લાગે. માની બીમારી પછી, એની વિદાય પછી પપ્પા ધારવા કરતાં વધુ સરળપણે મુવ ઑન થયેલા. મા પણ તેમની હાજરીથી ભાવુક ન થતી, એ ન પરખાયેલું સત્ય હવે કળાય છે.

‘મા, અર્ણવ! મા અવૈદ્ય સંબંધનું સત્ય જાણતાં હતાં. તમને-મને શું કહેવા માગતાં હતા એ જેલની કોટડીમાં આ વરસોમાં મને સમજાયું.’

હેં. અર્ણવના રૂંવાડે ઝણઝણાટી ફેલાઈ ગઈ. તેનાથી બોલાઈ ગયું,

‘મા આજેય સમણામાં આવી મદદના પોકાર પાડે છે, આ વરસોમાં એક રાત હું ચેનથી સૂતો નથી.’

અનાયાસે કહેવાયેલી અર્ણવની વીતક સાંભળી લજ્જા તરફડી ઊઠી, ‘હું માની ગુનેગાર હોઉં અર્ણવ, તો મને તો સજા મળી ચૂકી, માના આત્માને એ સંતૃપ્તિ હોવી જોઈએ... પણ એ આજેય તમને ટકોરતાં હોય એ મને વસમી સજા દેવા નહીં, તેમના અસલી ગુનેગારોને ઝડપાવવા! મેં વરસો આ દિવસની રાહ જોઈ છે અર્ણવ. મને બસ, સચ્ચાઈ જાહેર કરવાની એક તક આપો, નહીં તો માની જેમ મારો આત્મા પણ તડપતો રહેશે!’

લજ્જા કરગરી. મા ખરેખર મને આના માટે પ્રેરતી હશે? કે પછી લજ્જા મને માના નામે ફોસલાવી રહી છે? તેના કહેવાથી મારે મારા દેવ જેવા પપ્પા પર શક કરવાનો? તેમની પરીક્ષા લેવાની?

અર્ણવે ઊંડો શ્વાસ લીધો. વેલ, અગ્નિમાં તપવાથી સોનાને આંચ નથી આવતી. ભલે થતી અગ્નિપરીક્ષા. લજ્જા ગમે એવી બાજી રમવા માગે, મારી પહોંચમાંથી તો છટકવા નહીં દઉં હું. ભલે લજ્જાને એક ચાન્સ મળતો. તેને મારતી વેળા મને એવું તો ન થાય કે મેં તેને નિર્દોષ પુરવાર થવાની તક ન આપી!

‘ઠીક છે’ અર્ણવે એનાં બંધન ખોલ્યાં, ‘તને ચોવીસ કલાક આપ્યા. પ્રુવ ઇટ.’

લજ્જામાં રાહત પ્રસરી. હાથપગના જકડાઈ ગયેલા પંજા મરોડાતી તે ઊભી થઈ, શરીર સ્ફૂર્તિમાં આવ્યું.

‘ચોવીસ કલાક તો બહુ થયા.’ લજ્જાએ હાથ ખંખેર્યા. ચહેરા પર પહેલી વાર સ્મિત આવ્યું. તેની આંગળી અર્ણવની પીઠ પર ફરવા માંડી.

‘તમે જાણો છો ખરા, અર્ણવ, આપણા શરીરની કોઈ એક નસ એવી છે જે દબાવાથી માણસ પેરેલાઇઝ્ડ થઈ જાય?’

અર્ણવે ટેરવાનું દબાણ અનુભવ્યું.

‘વૉટ!’ અમૃતભાઈના કાનમાં ધાક પડી.

આ પણ વાંચો : કથા સપ્તાહ : બાઝી (જાને ક્યા બાત હૈ – 3)

‘તમે સાચું સાંભળ્યું શેઠ. સુભદ્રાના ખૂનમાં તમે મને ફસાવી. તમારા દીકરાને લક્વા લગાડી એનો બદલો લઈ લીધો. ખાતરી કરવી હોય તો પહોંચો ‌‌સિટી હૉસ્પિટલ!’

સામેથી લજ્જાનું ખડખડાટ હાસ્ય અમૃતભાઈના પિતૃહૃદયને વીંધતું રહ્યું!

(આવતી કાલે સમાપ્ત)

Sameet Purvesh Shroff columnists