કહાની કિસ્મત કી (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૩)

14 April, 2021 08:03 AM IST  |  Mumbai | Rashmin Shah

બંગલાનો દરવાજો બંધ થઈ ગયો અને હું બસ, એમ જ ઇનોવાની ટેઇલ લાઇટ જોતો રહ્યો

કહાની કિસ્મત કી

નેણસીની કાર હાઇવે પર આવીને પાર્લા તરફ જવાને બદલે અવળી દિશામાં વળી. ઇનોવાને ઊલટી દિશામાં આગળ વધતી જોઈને મેં પણ ગાડીની સ્પીડ વધારી. જોકે એ સમયે મને સહેજ પણ ખબર નહોતી કે આજે હું મારા મિશન તરફ આગળ વધી રહ્યો છું. 
પ્રભાતની કાર એક સિગ્નલ પર ઊભી રહી એટલે મેં તકનો લાભ લઈ બાયનોક્યુલર આંખે લગાડીને પ્રભાતને જોયો. પ્રભાત રાબેતા મુજબ પાછલી સીટ પર બેઠો હતો, તેની નજર નીચી હતી. કદાચ, લૅપટૉપ પર તેનું કામ ચાલતું હતું.
જોગેશ્વરી, ગોરેગામ, મલાડ ગયાં. કાંદિવલી આવ્યું અને નેણસીની ગાડી કાંદિવલીમાં દાખલ થઈને આગળ વધવા માંડી. વીસેક મિનિટ પછી ઇનોવા કાંદિવલી લોખંડવાલામાં આવેલા એક મોટા ફાર્મહાઉસ જેવા બંગલાના ગેટ પાસે જઈને અટકી. મેં મારી ગાડી ધીમી પાડી, પણ ઇનોવા માટે બંગલાના ગેટને ખૂલવામાં વાર લાગતાં મારે કમને ઇનોવાને ક્રૉસ કરવી પડી. ઇનોવાને ક્રૉસ કરતી વખતે મારા હૃદયના ધબકારા વધી ગયા હતા. કદાચ, નેણસીને ખબર પડી ગઈ હોય કે હું ક્યારનો તેનો પીછો કરું છું.
ઇનોવાથી ૧૫૦ મીટર આગળ ગયા પછી મિરરમાંથી પાછળ જોવાની હિંમત કરી. 
આ શું? પાછળ ઇનોવા નહોતી. 
મેં ઝાટકા સાથે મારી નાનકડી મારુતિને યુટર્ન કરી ગાડીની સ્પીડ વધારી ૫૦૦ મીટર આગળ ચેક કરતો આવ્યો, પણ ક્યાંય કાળા રંગની પ્રભાતની ગાડી દેખાઈ નહીં. નક્કી, ઇનોવા બંગલાની અંદર ગઈ છે. 
હવે બંગલા પાસે ફરી પાછી ગાડી લઈને જવું હિતાવહ નહોતું અને ઇનોવા શોધવી પણ જરૂરી હતી. મેં ગાડીમાં બેઠાં-બેઠાં જ આજુબાજુમાં સેફ જગ્યા શોધીને ત્યાં ગાડી પાર્ક કરી દીધી. એ જગ્યા બંગલાથી ૨૫૦ ફુટ દૂર હતી. ગાડીમાંથી ઊતરતી વખતે મેં કારનો દરવાજો લૉક કર્યો નહીં. કદાચ, અચાનક ભાગવું પડે તો વાંધો ન આવે એવા હેતુથી. 
ગાડીમાંથી બહાર આવીને હું ધીમી ચાલે બંગલાની નજીક પહોંચ્યો, ત્યાં બંગલાનો ગેટ ખૂલવાનો અવાજ આવ્યો. હું શ્વાસ રોકીને ભીંતસરસો થઈ ગયો. માંડ બે-ચાર ક્ષણ થઈ હશે ત્યાં બંગલામાંથી તેજ ગતિએ પ્રભાતની ગાડી બહાર આવી અને અમે જે રસ્તા પરથી આવ્યા હતા એ જ રસ્તા પર આગળ વધી ગઈ. 
બંગલાનો દરવાજો બંધ થઈ ગયો અને હું બસ, એમ જ ઇનોવાની ટેઇલ લાઇટ જોતો રહ્યો. 
શું પ્રભાત નેણસી નીકળી ગયો? રોકડી સાડાચાર-પાંચ મિનિટમાં નેણસીએ કોને મળી લીધું કે પછી તે જેને મળવા આવ્યો હશે તે અંદર નહીં હોય? એવું બને ખરું કે પ્રભાત જેવો કરોડોપતિ માણસ ફોન કર્યા વિના છેક અંધેરીથી અહીં આમ ધક્કો ખાય? કે પછી પ્રભાતે અહીંથી મોટું પેમેન્ટ લેવાનું હોય અને પેલો તેનો ફોન ઉપાડતો ન હોય? અરે તો, તો પ્રભાત કોઈને પણ કહીને પૈસા કઢાવી લે, તેણે પોતે રૂબરૂ ધક્કો ખાવો પડે એ વાતમાં માલ નથી. 
મારા મનમાં અનેક સવાલોનાં ઘોડાપૂર ઊમટ્યાં હતાં. એ ઘોડાપૂર સાથે હું રસ્તાની બરાબર વચ્ચે ઊભો હતો અને દૂર થતી જતી ઇનોવાની ટેઇલ લાઇટને જોતો હતો. ટેઇલ લાઇટની ઝડપ કહેતી હતી કે આજે પ્રભાતને ઘરે પહોંચવાની ઉતાવળ બહુ છે. 
વિચારો સાથે હું મારી ગાડી તરફ ફર્યો અને ત્યાં જ મારામાં જન્મેલા તરોતાજા ડિટેક્ટિવના દિમાગમાં ઝબકારો થયો, 
‘સા’બ વક્ત કે ઇતને પાબંદ હૈ કિ આપ સોચ ભી નહીં શકતે... ઉન્હેં જહાં જાના હોતા હૈ વહાં વો ૧૦ મિનટ પહલે પહોંચતે હૈં... ઘરેથી અને ઑફિસથી તે વહેલા નીકળે એટલે ક્યારેય મને ફાસ્ટ ચલાવવાનું કહે નહીં.’
સુખરામની વાત સાચી હતી. નેણસીની કારને મેં ક્યારેય ૫૦થી વધુની સ્પીડમાં જતી જોઈ નહોતી અને એટલે તો મારી નાની ગાડીમાં પીછો કરવામાં તકલીફ નહોતી પડી. 
તો, તો પછી આજે કેમ આ ઇનોવા આટલી ફાસ્ટ ભાગી. કાં તો ખરેખર કોઈ બબાલ થઈ છે અને કાં, કાં પ્રભાત કારમાં છે જ નહીં. જો પ્રભાત કારમાં ન હોય તો એ છે ક્યાં? 
મેં બંગલા તરફ નજર કરી. 
મારી અંદરનો ડિટેક્ટિવ કહેતો હતો કે પ્રભાત બંગલામાં જ છે અને પ્રભાતને મૂકીને સુખરામ એકલો બહાર ગયો છે. અર્થ એનો એ કે... 
હું દોડીને બંગલાની દીવાલ પાસે પહોંચી ગયો. બંગલામાં દાખલ થવું મારે માટે હવે અનિવાર્ય હતું. 
lll
ધબ્બ... 
રબ્બરના સૉલવાળાં બૂટ હોવા છતાં બંગલાના શાંત વાતાવરણને બૂટના અવાજે ખળભળાવી નાખ્યું. એ અવાજથી હું પણ હેબતાયો. આવું બધું મારી નૉવેલમાં પુષ્કળ આવે, પણ હકીકતની જિંદગીમાં તો ભાઈ, પહેલી વાર બનતું હતું.
બંગલાની દીવાલ લગભગ પાંચેક ફુટ ઊંચી હતી. દીવાલ પર ચડીને પહેલાં તો મેં અંદર નજર કરી. બંગલાના આગળના ભાગના ગાર્ડનમાં કોઈ ચહલપહલ જોવા મળી નહીં એટલે હું દીવાલ ચડીને અંદર ગયો. 
ધબ્બ... 
મેં શ્વાસ રોકી લીધો. બધા ડિટેક્ટિવ આવું કરતા હશે એવું ધારીને નહીં, ડરના માર્યા. 
બે-ચાર મિનિટ પસાર થઈ ગઈ, પણ આજુબાજુમાં કોઈ ચહલપહલ ન થઈ એટલે મારા હૈયે હાશકારો થયો. મારું કામ હજી બાકી હતું, મારે આગળ વધવાનું હતું. દબાતા-લપાતા પગલે હું બંગલામાં આગળ વધ્યો. 
બંગલો ખાસ્સો મોટો હતો. આગળના ભાગમાં ગાર્ડન અને ગાર્ડન પછી રાજા-મહારાજાના મહેલમાં હોય એવી કમાન અને કમાનની નીચે બંગલામાં દાખલ થવાનો મુખ્ય દરવાજો. હું હતો ત્યાંથી આ કમાન સુધીના રસ્તામાં કોઈ ઓથ આવતી નહોતી એટલે મારે ત્યાં સુધી પહોંચવા માટે ઓછામાં ઓછાં ૧૦૦ ડગલાં કોઈ પણ ઓથ વિના ચાલવાનું હતું. બંગલામાં ખાસ કોઈ લાઇટ ચાલુ નહોતી, પણ વાતાવરણમાં અજવાશ હતો અને આ જ અજવાશનો મને ડર હતો. જોકે હવે હિંમત કર્યા સિવાય મારી પાસે બીજો કોઈ છૂટકો પણ નહોતો.
હિંમત કરતાં પહેલાં મેં બાયનોક્યુલરથી બંગલાના મુખ્ય દરવાજાને નજીક લાવીને જોઈ લીધો. દરવાજો ખુલ્લો હતો, પણ કોઈ ચહલપહલ નહોતી. મેં બાયનોક્યુલર બંગલાની ચારે તરફ ફેરવી લીધું. 
મારા અનુમાન મુજબ બંગલામાં 
પાંચથી છ રૂમ હશે. જોકે બેઠકખંડ 
અને ઉપરની બે રૂમ સિવાય બીજે 
ક્યાંય લાઇટ ચાલુ નહોતી. 
હું હિંમતભેર આગળ વધ્યો. 
સાવ સાચું કહું, એ ક્ષણે હું ભૂલી ગયો હતો કે હું ડિટેક્ટિવ નહીં, પણ મીડિયોકર એવી ડિટેક્ટિવ વાર્તા લખતો લેખકમાત્ર છું. એ સમયે કોણ જાણે કેમ પણ મારામાં શેરલોક હોમ્સના આત્માએ પરકાયાપ્રવેશ કર્યો હતો. 
lll
ઓત્તેરી કી.... 
ક્ષેમકુશળ રીતે બંગલાની કમાન સુધી તો પહોંચી ગયો, પણ બંગલાની અંદર દાખલ થવા જતો હતો ત્યાં મને બંગલાના બેઠકખંડમાં ટીવી સામે એક વ્હીલચૅર પર બેઠેલી ઔરત દેખાઈ. ઔરતનો ચહેરો તો ચોખ્ખો નહોતો દેખાતો, પણ બાંધા અને સાઇડ-ફેસ પરથી તે ૪૦-૪૫ વર્ષની હશે 
એવું મને લાગ્યું. 
ઔરત ટીવી જોવામાં મશગૂલ હતી, પણ એનો અર્થ એવો નહોતો કે બંગલામાં સહેલાઈથી ઘૂસી શકાય. 
અંદર નજર કરી મેં ફરીથી આજુબાજુમાં જોયું. મારે બંગલામાં દાખલ થઈ ગમે ત્યાંથી નેણસીને શોધવાનો હતો અને જો નેણસી અસભ્ય કહેવાય એવી અવસ્થામાં મળે તો મારે તેના ફોટશે લેવાના હતા, પણ જો પ્રભાત કંઈ ન કરતો હોય તો મારે શું કરવાનું એની મને એ સમયે ખબર નહોતી પડતી. એ સમયે તો મને બસ એટલી ખબર હતી કે મારે નેણસી સુધી પહોંચવાનું છે. 
બસ, વાત પૂરી. 
મેં બંગલાને ફરી એક વાર બરાબર જોયો. મને શંકા હતી કે નેણસી ઉપરની રૂમમાં છે, પણ બહારની બાજુએથી બંગલાની ઉપર જવા માટે કોઈ રસ્તો નહોતો. સિવાય કે હિન્દી ફિલ્મોના ડિટેક્ટિવની જેમ બંગલાની છત પર દોરડું નાખીને એના પર ચડીને અંદર જાઉં, પણ મને એવું કરવાનું અજુગતું લાગતું હતું અને એટલે જ મેં ક્યારેય મારી વાર્તાના ડિટેક્ટિવને પણ એવો બજાણિયાનો ખેલ નહોતો કરાવ્યો.
બંગલામાં કેમ દાખલ થવું એની ગડમથલ ચાલતી હતી ત્યાં મેં જોયું કે પેલી વ્હીલચૅરવાળી ઔરત ટીવી પાસેથી ખસીને બેઠકખંડની ડાબી બાજુએ રવાના થઈ. તેને ટીવી પાસેથી હટતી જોઈને હું દીવાલસરસો થઈ ગયો. એકાદ મિનિટ એમ જ રહ્યા પછી મેં, સહેજ ઊંચા થઈને મારા માથા પાસે રહેલી બારીમાંથી બંગલાની અંદર નજર કરી. બેઠકખંડ ખાલી જોઈને હું સાવચેતીથી પણ લગભગ દોડતો સીધો બંગલામાં ઘૂસી ગયો. સાવ પાગલની જેમ જ કોઈ પણ જાતનો લાંબો વિચાર કર્યા વિના. બંગલામાં દાખલ થઈને સામે જે સીડી હતી એ સીડી હું ચડી ગયો. 
આવું દુઃસાહસ હું શું કામ કરું છું એવું જો કોઈએ મને ત્યારે પૂછ્યું હોત તો ચોક્કસ મેં મને જ ગાળ આપતાં કહ્યું હોત કે મારા જેવો મૂરખ કોઈ નથી. મેં મને જ મારા સમ આપીને આ બધું ન કરવા માટે અટકાવ્યો હોત, પણ ખબર નહીં શું કામ મને આવું શૂરાતન ચડ્યું.
બંગલામાં દાખલ થઈને હું સડસડાટ સીડી ચડી ગયો. મને હતું કે પેલી ઔરતની ગેરહાજરીનો લાભ લઈને હું ઉપર ચડ્યો છું, પણ એ મારી ભૂલ હતી. હું જ્યારે ઉપર ચડતો હતો ત્યારે પેલી ઔરતે મને જોઈ લીધો હતો. 
lll
ઉપરના માળે કુલ ચાર રૂમ હતી, નેણસી કઈ રૂમમાં છે એ મારે શોધવાનું હતું અને જો તે અહીં ન મળે તો મારે તેને શોધવા માટે ઉપર જવાનું હતું. 
ધીમા પગલે એક પછી એક રૂમમાં મેં પ્રભાતની શોધખોળ શરૂ કરી. પહેલી રૂમ ખુલ્લી જ હતી. સહેજ ધક્કો માર્યો કે રૂમ ખૂલી ગઈ. રૂમમાં અંધારું હતું, પણ બારીમાંથી આવતા ચંદ્રના પ્રકાશમાં દેખાતું હતું કે રૂમ ખાલી છે. હું બીજી રૂમ તરફ આગળ વધ્યો. એ રૂમ પણ ખુલ્લી અને ખાલી હતી. ડાબી બાજુની બન્ને રૂમ પછી હવે જમણી બાજુએ આવેલી રૂમ ચેક કરવાની હતી, જેને માટે પહેલાં મારે સીડીનો પૉર્ચ પસાર કરવાનો હતો. દાદરા પાસેથી પસાર થતી વખતે મેં ઝૂકીને નીચે જોયું. નીચે કોઈ આવ્યું છે કે નહીં એ સરખી રીતે જોઉં એ પહેલાં તો સામેની રૂમમાંથી ડૂસકું ભરવાનો અવાજ આવ્યો. 
અવાજ આવ્યો કે એ મારા કાનનો ભ્રમ હતો? 
મેં જીન્સના ખિસ્સામાં રાખેલો પેન કૅમેરા ચેક કરીને ફરી કાન સરવા કર્યા.
ઊંહ...ઊંહ...ઊંહ... 
હા, અવાજ બંગલાની છેડાની રૂમમાંથી આવતો હતો. 
હું આગળ વધ્યો. મારું આખું શરીર ગરમ થઈ ગયું હતું. આવી હિંમત મારાથી કેવી રીતે થઈ શકે એ વિશે હું સહેજ પણ કલ્પના નથી કરી શકતો. અરે, વાર્તા લખતી વખતે પણ જ્યારે આવા વળાંક આવે છે ત્યારે મને ડર લાગે અને હું ઘરની બધી લાઇટ ચાલુ કરી દઉં છું, બધી એટલે બધી જ. ટૉઇલેટની પણ અને ગૅલરીની પણ 
અને અત્યારે... 
હું બંગલાની છેલ્લી રૂમ પાસે આવી ઊભો રહ્યો. રૂમના દરવાજાની નીચેની તિરાડમાંથી આછો પ્રકાશ બહાર આવતો હતો. બને કે નેણસી રૂમમાં હોય, પણ હવે ફોટોનું શું? મારે અંદર જઈને એમ તો નથી કહેવાતું કે હું એક અહિંસક વાણિયો છું, મને તારા ફોટો પાડવા દે... 

વધુ આવતી કાલે

columnists Rashmin Shah