કહાની કિસ્મત કી (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૨)

13 April, 2021 07:53 AM IST  |  Mumbai | Rashmin Shah

મેં પાણીનો ગ્લાસ કિસ્મતના હાથમાં મૂક્યો અને કિસ્મતની ઠંડીગાર આંગળીઓ મને સ્પર્શી ગઈ. કિસ્મતના આ સ્પર્શથી બે ક્ષણ માટે હું બધું ભૂલી ગયો.

કહાની કિસ્મત કી

મેં મારી બધી નૉવેલ પર ઉપરછલ્લી નજર ફેરવી લીધી. બહુ જરૂરી હતું એ.

અત્યાર સુધી આ જ નવલકથામાં ડિટેક્ટિવ બનીને જેકંઈ કર્યું હતું એ બધું અમુક અંશે અણધાર્યું અને વાર્તાના ભાગરૂપે થયું હતું, પણ હવે મારે એ બધું કરવાનું હતું. જ્યાં-જ્યાં અને જે-જે મુદ્દાઓ મને જરૂરી લાગ્યા એ પૉઇન્ટ્સ મેં ટપકાવી લીધા. એ પૉઇન્ટ્સની સાથે મેં એવા જરૂરી સામાનની પણ નોંધ કરી લીધી જે એક ડિટેક્ટિવ માટે

જરૂરી હોય.

ચહેરો ન દેખાય અથવા ચહેરો સરખી રીતે કોઈ જોઈ ન લે એ માટે રાઉન્ડ હૅટ અને સનગ્લાસ. આંખમાં પોણાબે નંબર એટલે નૅચરલી સનગ્લાસ પહેરવામાં મને તકલીફ પડવાની હતી, પણ આ પ્રૉબ્લેમનું સૉલ્યુશન શોધીને મેં થોડો સમય લેન્સથી ચલાવી લેવાનું મનોમન નક્કી કર્યું. મારે પ્રભાત નેણસીના ફોટોગ્રાફ લેવાના હતા, જેને માટે મોબાઇલ કરતાં નાની સાઇઝનો પણ હાઇએસ્ટ મેગાપિક્સેલ ધરાવતો કૅમેરા જરૂરી હતો. કૅમેરાની સાથે એક એક્સ્ટ્રા મેમરી કાર્ડ પણ મેં મારા લિસ્ટમાં ટપકાવી લીધું. દૂરનું જોઈ શકાય એ માટે બાયનોક્યુલર અને ચાલતી વખતે દેકારો ન કરે એ માટે રબ્બરના સૉલવાળાં શૂઝ. ફિંગરપ્રિન્ટ્સ ન આવે એ માટે હૅન્ડ-ગ્લવ્ઝ પણ મારે ડિટેક્ટિવ તરીકે સાથે રાખવાનાં હતાં તો આ બધી ચીજવસ્તુઓ સિવાય બે ચીજ ઇમર્જન્સી માટે ખરીદી રાખવાની હતી. એક, ફોરશેપ એટલે કે ઑપરેશન દરમ્યાન વાપરવામાં આવે છે એવી લાંબી બ્લૅડ અને બીજું હતું ક્લોરોર્મ, જેને સૂંઘાડતાં જ સામેની વ્યક્તિ બેહોશ થઈ જાય.

આ બધી ચીજવસ્તુઓનો ઉપયોગની મને ખબર હતી, પણ ફરક માત્ર એટલો હતો કે આ બધાનો ઉપયોગ અત્યાર સુધીમાં મેં માત્ર મારી વાર્તાઓમાં કર્યો હતો, પણ હવે મારે એ હકીકતમાં વાપરવાની હતી.

ઘરેથી નીકળતી વખતે મેં નક્કી કરી લીધું કે કિસ્મત રૂબરૂ આવે કે પછી તેનો ફોન આવે ત્યારે તેની પાસેથી બધી ઇન્ફર્મેશન લઈને આ કામ બને એટલી ઝડપથી પૂરું કરી નાખવું.

કિસ્મત સાથે એક વાતનો ખુલાસો પણ કરી લેવાનો હતો કે હું જેકોઈ ડૉક્યુમેન્ટ્સ કે ફોટોગ્રાફ તને આપું એનો ઉપયોગ કરતી વખતે ક્યાંય મારા નામનો ઉલ્લેખ ન થવો જોઈએ. આ ખુલાસો જરૂરી હતો. કાલ સવારે જો એ બાઈ કોર્ટમાં મારું નામ કહી દે તો આપણે કારણ વિનાના કોર્ટનાં ચક્કર શરૂ થઈ જાય. એવી કોઈ લપમાં આપણને રસ છે નહીં, આપણે તો આ પૈસા માટે કરીએ છીએ.

lll

‘જુઓ...’

મેં પાણીનો ગ્લાસ કિસ્મતના હાથમાં મૂક્યો અને કિસ્મતની

ઠંડીગાર આંગળીઓ મને સ્પર્શી ગઈ. કિસ્મતના આ સ્પર્શથી બે ક્ષણ માટે હું બધું ભૂલી ગયો.

 ‘હં, શું... આગળ બોલો.’

કિસ્મત કંઈક આવું જ બોલી એટલે હું મારી તંદ્રામાંથી જાગ્યો.

‘તમે હવેથી રૂબરૂ નહીં મળતાં. ફોન પર કૉન્ટૅક્ટ કરજો. બન્ને માટે એ જરૂરી છે.’ મેં હિંમત કરીને કહી પણ દીધું, ‘જુઓ, મારે કોઈ લફરામાં નથી ફસાવું. હું તમને ફોટોગ્રાફ લાવી આપું એટલે મારું કામ પૂરું થઈ ગયું. તમે મારા નામનો...’

‘કોણ તમે ને કોણ હું... કામ પૂરું થાય એટલે તમને પેમેન્ટ આપી દઈશ. પછી હું તમને ક્યારેય મળવા નહીં આવું અને તમારા નામનો ઉલ્લેખ પણ નહીં કરું... પ્રૉમિસ.’

કિસ્મતે જમણા હાથની પહેલી બે આંગળીથી ગળાની ચામડી ખેંચીને

સમ ખાધા.

એ દિવસે છૂટાં પડતાં પહેલાં કિસ્મતે મને પ્રભાતની ત્રણ ઑફિસ, બે બંગલા અને એક ફાર્મહાઉસનું ઍડ્રેસ આપ્યું. અમે નક્કી કર્યું કે હવેથી અમે એકબીજાનો ફોન પર જ કૉન્ટૅક્ટ કરીશું. કિસ્મતનો નંબર મેં મોબાઇલમાં સ્ટોર કરી લીધો. જોકે તેણે મારો

નંબર સેવ કરવાને બદલે મોઢે જ યાદ રાખી લીધો.

કિસ્મત ગઈ એટલે મેં પ્રભાત નેણસીની તસવીરો હાથમાં લીધી.

નેણસી ૪૫ વર્ષનો લાગતો હતો. કિસ્મત તો તેની સામે ઘણી નાની દેખાતી. એક રાઇટર તરીકે નહીં, પણ એક ડિટેક્ટિવ તરીકે મને પહેલી સરપ્રાઇઝ એ થઈ કે પ્રભાતની તમામ તસવીરો જાહેર ફંક્શનની હતી. એક પણ ફોટો એવો નહોતો જે ઘરમાં પાડ્યો હોય. કિસ્મતે શું કામ આ ફોટોગ્રાફ આપ્યા હશે એ મને સમજાયું નહીં. જોકે મને એનાથી નિસબત નહોતી. મારે તો પ્રભાતનું થોબડું જોવાનું હતું.

પ્રભાતનું શેડ્યુલ્ડ એકદમ પર્ફેક્ટ હતું. સવારે સાડાનવે તે પાર્લાના પેન્ટહાઉસથી નીકળીને લોઅર પરેલની ઑફિસ જાય. ઑફિસથી તે બે વાગ્યે નીકળીને સાઇટ પર જાય, ત્યાં તે સાડાસાત વાગ્યા સુધી રહીને પછી તેની અંધેરીની ઑફિસ આવે. કિસ્મતના કહેવા મુજબ અંધેરીની ઑફિસમાં જે સેક્રેટરી હતી તેની સાથે જ પ્રભાતને અફેર હતું. જોકે પ્રભાત તેની ઑફિસમાં કોઈ આછકલાઈ કરતો નહીં. કિસ્મતને મળેલી ઇન્ફર્મેશન મુજબ પ્રભાત તેની આ સેક્રેટરી સાથે વીકમાં એક દિવસ બહાર જતો અને રંગરેલિયાં મનાવતો. કિસ્મતને એ સમયની તસવીરો જોઈતી હતી. એવી કોઈ શરત નહીં કે પ્રભાત અને તેની સેક્રેટરી બન્ને બેડ પર હોય એવી જ તસવીરો મળે. તસવીરોમાં દેખાવું જોઈએ કે બન્નેને એકબીજા માટે કંઈક ખાસ પ્રકારની આત્મીયતા છે. બસ, આ ફોટોગ્રાફ મળે એટલે મારું કામ પૂરું.

કામ પૂરું એટલે?

હજી તો આગળ વિચારું એ

પહેલાં તો ફ્લૅટની ખુલ્લી બારીમાંથી અવાજ આવ્યો,

‘રામ બોલો ભાઈ રામ...’

મારા આખા શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ.

ઠાઠડીને પણ આ જ સમયે અહીંથી પસાર થવાનું હતું.

lll

બહુ વિચાર્યા પછી મને લાગ્યું કે હું જેટલો ગભરાઉં છું એટલું કામ અઘરું નથી. આ હું તમને જ કહું છું. તમારી સાથે જોડાયેલી પ્રામાણિકતાને આંખ સામે રાખીને. કામ અને કામની પ્રોફાઇલ જોયા પછી મને લાગ્યું કે કોઈ પણ બુદ્ધિશાળી માણસ પ્રભાતના છોકરી સાથેના ફોટોગ્રાફ્સ લાવી શકે.

આ કામ માટે કંઈ લાખો રૂપિયા ખર્ચવાની જરૂર હોય એવું મને નહોતું લાગતું. મુંબઈમાં અઢળક એવા લોકો છે જેઓ અમુક હજાર રૂપિયા ચાર્જ લઈને કામ કરી આપે. હા, એ વાત જુદી કે તે મારા જેટલી નિષ્ઠાથી કામ કરે નહીં.

ખાલી ફોટોગ્રાફ્સ લાવવાના ૫૦ લાખ રૂપિયા અને આ દાવ પણ એક એવી વ્યક્તિ પર જે આ ફીલ્ડમાં બચ્ચું પણ નથી. અરે બચ્ચું તો દૂરની વાત કહેવાય, હજી તોતે  ઈંડું છે.

મને કિસ્મત થોડી પાગલ લાગી હતી. આ કામ કરવા માટે કોઈ પણ ડિટેક્ટિવ એજન્સી થોડી સેકન્ડમાં તૈયાર થઈ જાય. મેં આ વાતનો ફરી એક વાર ખુલાસો કર્યો ત્યારે કિસ્મતે તેના મનનો સાચો ડર મને કહી દીધો,

‘ધારો કે કોઈ ડિટેક્ટિવ એજન્સી આ બાબતમાં ડબલ ક્રૉસ ન કરે

અને પ્રભાત પાસે ન જાય, પણ ભવિષ્યમાં મને બ્લૅકમેઇલ ન કરે

એની શું ખાતરી.’

દલીલ પડતી મૂકી દીધી હતી. એવું ધારીને કે ઈશ્વર જેકંઈ કરતો હોય છે એ સારા માટે જ કરતો હોય છે. જો કિસ્મતે આને માટે ખરેખર કોઈ સાચા ડિટેક્ટિવનો સંપર્ક કર્યો હોત તો મારા નસીબના ૫૦ લાખ રૂપિયા બીજાના ખાતામાં જમા થઈ ગયા હોત. જોકે મારી આ ધારણા ખોટી હતી.

હકીકત એ હતી કે જો કિસ્મતે બીજા કોઈ ડિટેક્ટિવનો સંપર્ક કર્યો હોત તો મારા રૂપિયાની સાથોસાથ મારા નસીબની ઘાત પણ બીજાના ખાતામાં ઉધારાઈ ગઈ હોત.

lll

આજે સતત ત્રીજો દિવસ

હતો મારો.

પ્રભાત નેણસી અંધેરીની ઑફિસ આવતો અને નિયમિત રીતે રાતે સીધો તેના ઘરે જતો. વચ્ચે એકાદ વાર જેડબ્લ્યુ મૅરિયેટની ક્લબમાં ગયો હતો, પણ મારા માટે તો મહત્ત્વનું એ હતું કે તે પેલી લંપટને લઈને નીકળે અને એવો કોઈ દિવસ કે રાત નહોતી આવી કે તે પેલી લંપટ સાથે ક્યાંક બહાર ગયો હોય. પ્રભાત અંધેરી પહોંચે કે અડધાથી પોણો કલાકમાં તેની સેક્રેટરી રવાના થઈ જતી. સેક્રેટરી રવાના થયાના એકાદ કલાક પછી પ્રભાત ઑફિસથી નીકળતો.

સલામત અંતર સાથે હું પ્રભાતની પાછળ જતો, એવી આશાએ કે કદાચ તે પેલી લંપટને પોતાની સાથે લઈ લે, પણ ના, એવું કંઈ થતું નહીં અને પ્રભાત સીધો પોતાના પાર્લાના ફ્લૅટ પર પહોંચી જતો. કારમાં પણ તે લૅપટૉપમાં કામ કર્યા કરતો. જેમ-જેમ દિવસો આગળ વધવા લાગ્યા એમ-એમ મને લાગવા માંડ્યું કે કિસ્મતના મનનો ભ્રમ હશે કે પ્રભાતને સેક્રેટરી કે પછી કોઈ બીજી સાથે અફેર છે. આવું બની શકે. એક સમયે પોતે પ્રભાતની સેક્રેટરી હતી એટલે નૅચરલી તેના મનમાં એવા જ વિચારો ચાલતા હોય. મેં મનોમન નક્કી કર્યું કે એકાદ વીક ચક્કર લગાવી લઉં, એ પછી પ્રભાતમાં કોઈ અપલક્ષણ નહીં દેખાય તો કિસ્મત સાથે સ્પષ્ટતા કરી લઈશ. જોકે એવો સમય આવ્યો જ નહીં.

પ્રભાતની હલકટાઈની એવી સાબિતી મળી કે શરીરની એકેક નસમાં કંપારી છૂટી ગઈ.

lll

‘સા’બ, અપને લિએ કભી જીતે હૈં કી બસ યું હી મઝદૂરી કિયા કરતે હૈં...’

વાર્તાઓ લખતાં-લખતાં અને ડિટેક્ટિવ ફિલ્મ જોતાં-જોતાં એ

વાતની મને ખબર પડી ગઈ હતી કે ડિટેક્ટિવ હંમેશાં એવી વ્યક્તિને

ફોડી લેતો હોય છે જે જેની જાસૂસી ચાલતી હોય તેની નજીક રહેતો હોય. મેં પણ એવું જ કર્યું હતું. મેં પ્રભાતના ડ્રાઇવરને ફોડ્યો હતો. ડ્રાઇવરને મેં એવું દેખાડ્યું હતું કે શેઠના એક અપાર્ટમેન્ટમાં મેં ફ્લૅટ બુક કરાવ્યો

છે એટલે હું તારા શેઠને નજીકથી ઓળખું છું.

‘સા’બ અપને લિએ કભી જીતે હૈં કી બસ યું હી મઝદૂરી કિયા કરતે હૈં.’

કહે છેને કે નાનો માણસ વિચારોથી પણ નાનો જ હોય છે. ડ્રાઇવર સુખરામે એ સાબિત કરી દીધું.

‘આપ કી બાત સહી હૈ, સાબ પૂરા દિન કામ-કામ ઔર કામ હી કરતે હૈં... અરે, ઇતના કામ કરતે હૈં કી ‘વો’ વાલા ‘કામ’ ભી ભૂલ જાતે હૈં...’

જવાબ આપીને તે વેખલાની જેમ હસવા લાગ્યો. તે હસતો ત્યારે તેના મોઢાની અંદર રહેલી જીભ અને દાંત ચોખ્ખાં દેખાતાં. સુખરામના દાંત તો ઠીક, જીભ પણ તમાકુને કારણે પીળી પડી ગઈ હતી. તેની જીભ જોઈને

મને ઊબકા આવવા લાગ્યા હતા,

પણ હું ઊલટી કરું એ પહેલાં તો બિલ્ડિંગનો દરવાજો ખૂલ્યો અને

નેણસી બહાર આવ્યો. પ્રભાતને

બહાર આવતો જોઈને હું ધીમેકથી દૂર ખસી ગયો અને સુખરામ કૅપ સરખી કરવા લાગ્યો.

સુખરામને વ્યવસ્થિત થતો જોઈને હું ત્યાંથી સરકીને બિલ્ડિંગના ગેટ પર આવીને ગાડીમાં ગોઠવાઈ ગયો.

હું જેવો કારમાં બેઠો કે તરત જ એન-આર્કેડ સેન્ટરના ગેટમાંથી પ્રભાતની ઇનોવા બહાર આવી. બન્ને કાર વચ્ચે સલામત અંતર થયું એટલે મેં ગાડી ઇનોવાની પાછળ લીધી. પ્રભાતની કાર આગળ વધીને હાઇવે તરફ જવા માંડી. આ તેનો રૂટીન રૂટ હતો, જે હવે મને કંઠસ્થ થઈ ગયો હતો. જોકે આજે હું ખોટો પડવાનો હતો, જેની મને મોડેથી ખબર પડી.

 

 

વધુ આવતી કાલે

columnists Rashmin Shah