કહાની કિસ્મત કી (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૧)

12 April, 2021 07:55 AM IST  |  Mumbai | Rashmin Shah

હું સહેજ થોથવાયો. તાર્કિક રીતે તેની વાત સાચી હતી, પણ વ્યવહારુ નહોતી

કહાની કિસ્મત કી

ડિંગ ડોંગ...

ફ્લૅટની ડોરબેલ વાગી ત્યારે હું બાથરૂમમાં પીપી કરતો હતો. પીપી પૂરી કરું એ પહેલાં તો ત્રીજી ડોરબેલ વાગી. આટલી ઉતાવળ સાથે તો કોઈ દિવસ કોઈ ઘરે નથી આવ્યું અને આજે આમ અચાનક, ધડાધડ કોણ આવ્યું?

ડિંગ ડોંગ...

ચોથી બેલ.

મેં ઉતાવળે કુદરતી દબાણ પૂરું કર્યું. જોકે ઉતાવળને લીધે પીપીનાં થોડાં ડ્રૉપ્સ નાઇટ ડ્રેસ પર ઢોળાયાં એનું મને ભાન ન રહ્યું.

‘હા, બોલો..’

દરવાજો ખોલ્યો ત્યારે સામે એક યુવતી, ના, એક ઔરત ઊભી હતી. ઉંમર લગભગ ૩૫ની એવું ધારી શકાય. ચોખ્ખો વાન અને રંગ ઘઉંવર્ણો. હાઇટ લગભગ મારા જેટલી. ક્લૉથ્સ, નેક્લેસ અને હાથમાં રહેલી ઑમેગા વૉચ કહેતી હતી કે છે કોઈ શ્રીમંત પરિવારની.

 ‘અંદર આવું?’

અનઅપેક્ષિત પ્રશ્ન.

એક તો આખું ગામ જાણે, હું એકલો અને પાછો બૅચલર. ઓળખનારાઓને એ પણ ખબર કે મારું કોઈ સગું મુંબઈમાં રહેતું નથી. સગું પણ નહીં અને વહાલું પણ નહીં. તો પછી એમાં આ ઘરે આવેલી કન્યા કોણ હશે?

જવાબ આપ્યા વિના મેં ઘરમાં આવવા માટે દરવાજેથી હટીને તેને જગ્યા કરી આપી. ઘરમાં દાખલ થતાવેંત તે ઘરના દિદાર જોવા માંડી. એવી રીતે જાણે આ ઘરમાં તે રહેવા આવવાની હોય. ફ્લૅટની જાળી બંધ કરીને હું ઘરમાં આવ્યો અને જાણે એફએમ રેડિયો મારી એન્ટ્રીની જ રાહ જોતો હોય એમ તેણે ફિલ્મ ‘રેસ’નું ગીત વગાડવાનું શરૂ કર્યું,

‘પહેલી નઝર ને ઐસા જાદુ કર દિયા, તેરા બન બૈઠા હૈ મેરા જિયા...

જાને ક્યા હોગા, ક્યા હોગા,

ક્યા પતા

ઇસ પલ કો મિલ કે આ

જી લે ઝરા....

મૈં હૂં યહાં, તૂ હૈ યહાં, મેરી બાહોં મેં આ, આ ભી જા...’

એક અજાણી, આંખોને ગમે એવી છોકરી ઘરમાં હતી અને આવું ગીત ઘરમાં વાગતું હતું. મને એકસાથે કેટલાય લોકો પર ગુસ્સો આવી ગયો. મારા પર, રેડિયો સિટી અને એના આરજે કરણ પર. આ ગીતની ફરમાઈશ કરનાર છોકરી પર અને ગીતકાર સમીર પર તથા ગંધારા-ગોબરા અર્થવાળું ગીત ફિલ્મમાં લેનારા અબ્બાસભાઈ અને મશ્તાનભાઈ પર.

ગીત ચાલુ જ હતું.

મને ખબર નહોતી પડતી કે મારે શું કરવું, રેડિયો બંધ કરવો કે ફ્લૅટની બંધ જાળી ખોલી નાખવી કે પછી જાણે કંઈ સંભળાતું નથી એવો ડોળ કરવો. હું ગડમથલમાં હતો ત્યાં જ મારું ધ્યાન પૅન્ટની ચેઇન પાસે ગયું. ત્યાં એક

નાનું ધાબું પડી ગયું હતું. ધાબું જોઈને પીપી સમયે કરેલી ઉતાવળ મને યાદ આવી ગઈ.

સાલું, પીપી કરતાં પણ નથી આવડતું.

મનમાં જાતને ભાંડી ત્યાં જ પેલી યુવતીનો અવાજ આવ્યો,

‘હું તમારી બહુ મોટી ફૅન છું. મેં તમારી બધી નૉવેલ વાંચી છે...’

યુવતીના શબ્દો એવા નશીલા કે ન પૂછો વાત. ખલ્લાસ...

તમારા આ લેખકમહાશય છોકરીની વાત કરવાની કાતિલ અદા પર મરી પડ્યા, ફિદા થઈ ગયા અને એવા તે ફિદા હુસેન થયા કે પેલીએ તેને મોતના મુખમાં ધકેલી દીધા તો પણ હસતાં-હસતાં સ્વીકારી લીધું.

lll

‘પણ એવું ન થાય. હું લેખક છું, રાઇટર... ને રાઇટર...’

‘ખબર છે મને કે તમે રાઇટર છો, પણ મને એ પણ ખબર છે કે તમે લેખક છો એટલે જ આ કામ તમે બેસ્ટ રીતે કરી શકશો. માણસ રાઇટર ત્યારે જ બને જ્યારે તેની અંદર અનેક કૅરૅક્ટર રહેતાં હોય.’

થોડી વાર પહેલાં ઘરમાં આવેલી એ યુવતીએ જે વાત કરી હતી એ અજીબ હતી. તેને મારા વિશે બધી ખબર હતી. બધી એટલે બધી જ. અરે, ત્યાં સુધી કે હું નવલકથાકાર નહીં, પણ પત્રકાર બનવા માગતો હતો, પણ મારા એડિટર મારી પાસે ફીલ્ડ-રિપોર્ટિંગને બદલે પરાણે ડિટેક્ટિવ નવલકથાઓ લખાવ્યા કરે છે.

‘મારું આ એક કામ કરી દો તો મારી અને તમારી બન્નેની બાકીની લાઇફ સરળતા અને શાંતિથી પૂરી થશે. સાચું કહું છું...’

‘અરે, તમે સમજતાં કેમ નથી...’ હું ગુસ્સે થઈ ગયો, ‘લેખક તરીકે ડિટેક્ટિવ નવલકથાઓ લખવી એ જુદી વાત છે અને રિયલ લાઇફમાં ડિટેક્ટિવ બનીને કોઈની જાસૂસી કરવી એ જુદી વાત છે. હું ડિટેક્ટિવ સોમચંદ નથી. એ મારું એક કૅરૅક્ટર છે...’

‘જો માણસ ધારે તો બધું કરી

શકે છે.’

‘મીન્સ?’

‘એ જ કે તમારા એ કૅરૅક્ટરે પણ ડિટેક્ટિવ બનવાનું નક્કી કર્યું એટલે જ તો તે ડિટેક્ટિવ બન્યોને. તે ક્યાં રિયલમાં ડિટેક્ટિવ હતો? અને બીજી વાત, તમે નક્કી કર્યું કે તમે રાઇટર બનશો તો બન્યાને?’

હું સહેજ થોથવાયો. તાર્કિક

રીતે તેની વાત સાચી હતી, પણ વ્યવહારુ નહોતી.

‘એ બધું ઠીક, પણ હું જેકંઈ કરું એ બધું કાગળ પર હોય. મારો ડિટેક્ટિવ કોઈની લાશનું માંસ ચૂંથતો હોય છે ત્યારે એ લખતી વખતે હું અહીં બેઠો બનાના વેફર્સ ખાતો હોઉં છું. મારો ડિટેક્ટિવ જ્યારે કોઈનો પીછો કરે ત્યારે હું, હું અહીં, આ સોફા પર આરામથી પલાંઠી મારીને બેઠો હોઉં છું અને, તમે મને કહો છો કે હું અહીં બેસીને લખવાને બદલે કોઈનો પીછો કરવા જાઉં.’

‘તમે વધુ પડતા રીઍક્ટ થાઓ છો. હું તો એટલું કહું છું કે તમે મારા હસબન્ડ વિરુદ્ધના ફોટોગ્રાફ્સ લાવી આપો... ઘણું થઈ ગયું.’

વાત થોડી સાચી, હું વધુ પડતો રીઍક્ટ થતો હતો, પણ જરૂરી હતું.

‘જુઓ...’

પેલી મને કંઈ કહેવા જાય એ પહેલાં મેં તેને તતડાવી નાખી,

‘મને તમારા કામમાં કોઈ દિલચસ્પી નથી, સૉરી...’

lll

નામ તેનું કિસ્મત. નજીકના ફ્રેન્ડ્સ તેને કિસ્સી કહીને બોલાવે. સહેજ પણ શરમ વિના તેણે મને પણ છૂટ આપી હતી કિસ્સી કહેવાની, પણ મેં એ છૂટ ક્યારેય લીધી નહોતી. કિસ્સી કહેવાનો નહીં, કરવાનો આનંદ લેવાનો હોય! ઍનીવેઝ, કિસ્મતનાં મૅરેજ થઈ ગયાં હતાં, પ્રભાત નેણસી સાથે. પ્રભાત બિલ્ડર હતો. કિસ્મત તેને ત્યાં જૉબ કરતી, બન્ને પ્રેમમાં પડ્યાં અને પછી શારીરિક સંબંધ બંધાયા. કિસ્મતના કહેવા મુજબ, પ્રભાતની ઇચ્છા મૅરેજની નહોતી, પણ કિસ્મત પ્રેગ્નન્ટ થઈ એટલે પ્રભાતે લગ્ન કરવાં પડ્યાં અને કિસ્મતનું નસીબ ખૂલી ગયું. જેને ત્યાં ૭૦૦૦ રૂપિયાની નોકરી કરતી એ જ માણસની વાઇફ બનીને હવે કિસ્મત ૧૦૦૦ કરોડ રૂપિયાની માલિક બની ગઈ હતી. બધું સરખું ચાલતું હતું, પણ એકાએક કિસ્મતને એવું લાગવા માંડ્યું કે પ્રભાતને કોઈ સાથે અફેર છે. કિસ્મતે પોતાની રીતે જાણવાની કોશિશ કરી, પણ છોકરીની જાત, થોડી કંઈ પુરુષની જેમ ખાંખાખોળા કરી શકે. બહુ વિચાર્યા પછી કિસ્મતે નક્કી કર્યું કે હવે ઊંડા ઊતરીને તપાસ કરવી.

lll

‘તમે ડિટેક્ટિવ એજન્સીમાં જઈને તમારો કેસ આપી દો, એ તમારું કામ...’

‘નહીં કરે.’ મારી વાત પૂરી સાંભળ્યા વિના જ કિસ્મતે વાતનો છેદ ઉડાડી દીધો, ‘તમને ખબર નથી કે પ્રભાત નેણસી કઈ હસ્તી છે. સિટીનો એકેએક સારો અને ખરાબ માણસ તેને ઓળખે છે.’

સારો અને ખરાબ, મતલબ શું સમજવો આ વાતનો?

મને ગુસ્સો આવ્યો, પણ મેં એ દબાવી રાખ્યો. મારું ધ્યેય એક જ હતું, આ બાઈને અહીંથી પાછી કાઢવી. જોકે તેને તો પોતાનો કક્કો ઘૂંટવામાં જ રસ હતો.

‘જો હું પ્રભાતની જાસૂસી માટે કોઈનો કૉન્ટૅક્ટ પણ કરું તો અડધા કલાકમાં પ્રભાતને ખબર પડી જાય અને મારું આવી બને.’

‘તમે એવું કેમ ધાર્યું કે હું પ્રભાતને વાત નહીં કરું?’

પ્રામાણિકતા આંખોમાં હોય છે...’

‘એ તો તમે હમણાં જોઈ...’

‘રૂબરૂ આજે જોઈ, બાકી નૉવેલની સાથે તમારો ફોટો હોય, એ ફોટો ધ્યાનથી જોયો છે... મને ખાતરી છે કે તમે ક્યારેય પ્રામાણિકતા નહીં છોડો.’

મેં કિસ્મત સામે જોયું. મારા માટે તેની આંખોમાં આત્મવિશ્વાસ હતો, શ્રદ્ધા હતી. તેની આંખોમાં રહેલી શ્રદ્ધા અને મારા પ્રત્યેના વિશ્વાસને લીધે હું તૈયાર થઈ ગયો. જોકે મને ખબર નહોતી કે આ જ શ્રદ્ધા હવે મને દુખી કરવાની છે.

‘મારે કરવાનું છે શું...’

સવાલના પ્રશ્નની સાથે જ કિસ્મતના ચહેરા પર કળી ન શકાય એવા ભાવ આવી ગયા. તેના આ ભાવ જોઈને જ હું ફરી એક વાર મારા નિર્ણય પર ડગી ગયો.

કિસ્મતના ચહેરા પર ખુશી આવે

એ પહેલાં જ મેં મારા શબ્દોમાં સંભાવના ઉમેરી.

‘ધારો કે હું કામ કરવા તૈયાર થાઉં તો મારે કરવાનું છે શું?’

‘ખાસ કંઈ નહીં, હું તમને પ્રભાતનું શેડ્યુલ આપી દઈશ. તમારે એ શેડ્યુલ પ્રમાણે તેના પર નજર રાખવાની અને પ્રભાત જેને મળે એમાંથી જેકોઈ તમને શંકાસ્પદ લાગે તેનો ફોટો તમારે લઈ લેવાનો. તમને બધો ખર્ચ મળશે, એની ચિંતા તમે ન કરતા.’

‘ફોટોગ્રાફ્સ મોબાઇલમાં...’

‘નો ઇશ્યુ અને તમારે આ કામ માટે બીજું કાંઈ ખરીદવાનું હોય તો પણ મને વાંધો નથી. તમને બધો ખર્ચ...’

અચાનક કિસ્મતને કંઈક યાદ આવ્યું અને તેણે તરત હાથમાં રહેલા પર્સની ઝિપ ખોલીને અંદર હાથ નાખીને ૨૦૦૦ રૂપિયાની નોટનું બંડલ કાઢ્યું.

‘આ બે લાખ છે, અત્યારે આટલા રાખો, કાલે બીજા આપી જઈશ.’

કિસ્મત ઊભી થઈ, હું પણ

ઊભો થયો.

કિસ્મતે મારી સામે જોયું.

‘સૉરી, પણ મને એમ છે કે આ કામ પૂરું થાય એટલે હું તમને એક્સપેન્શ ઉપરાંત તમારા મહેનતાણાના ૫૦ લાખ રૂપિયા આપીશ. ઓછા હોય તો...’

કિસ્મતના એ પછીના કોઈ શબ્દો મને સંભળાયા નથી.

૫૦ લાખ રૂપિયા...

મને ચક્કર આવી ગયાં. મારી આંખ સામે કિસ્મત ગરબા લેવા માંડી.

મહિને માંડ ૨૦,૦૦૦ રૂપિયાની આવક અને એ પણ કોવિડ પછી ૧૫ ટકા કપાઈને આવે. એ ૨૦,૦૦૦ની કમાણીમાં બૉસની થોકબંધ ગાળો ખાતાં. માનસિક રીતે નાસીપાસ થયેલાને જઈને એક વાર પૂછજો કે કોઈ તને એકસાથે ૫૦ લાખ રૂપિયા આપવાની વાત કરે તો તારી હાલત શું થાય?

મને કિસ્સીને ખરેખર કિસ આપવાનું મન થઈ ગયું.

‘તમને કાલે હું બીજી ઇન્ફર્મેશન આપી દઈશ, આજે છે બધું મારી પાસે, પણ બહુ મોડું થયું છે એટલે...’

મેં સમય જોવાની દરકાર વિના જ અફસોસ વ્યક્ત કરી દીધો.

‘ઓહ...’ સ્પષ્ટતા પણ કરી દીધી, ‘વાંધો નહીં.’

મારી એ હા પછી જીવનમાં કેવી ઊથલપાથલ મચવાની છે એની તો મને ત્યારે લગીરેય ખબર નહોતી.

કિસ્મત ગયા પછી આખી રાત મને ઊંઘ નહોતી આવી. સવારે નવી નૉવેલની સિનોપ્સિસ સાથે મારે એડિટર સાથે બેસવાનું હતું, પ્લૉટ મગજમાં ક્લિયર હતો અને છતાં એ લખી શકાયો નહોતો, મન પર હવે કિસ્મતે કબજો લઈ લીધો હતો.

સવારે જાગીને પહેલું કામ મારે એડિટરને ફોન કરવાનું કરવું પડ્યું, નાછૂટકે.

‘બૉસ, એક પ્રૉબ્લેમ છે.’ હું આગળ બોલું એ પહેલાં તો એડિટરસાહેબે મારી તકલીફો વિશે કલ્પના પણ કરી લીધી,

‘શું છે, હરસ-મસા કે પછી ભગંદર...’

‘ના, એવું નથી, પણ આજે, કદાચ, આજે નહીં મળી શકાય... તો કાલ...’

ઠપ...

જવાબને બદલે સામેથી રિસીવર જોરથી ક્રેડલ પર અથડાવાનો અવાજ સંભળાયો, જાણે બૉસે મારા મોઢા પર મુક્કો મારીને ખીજ ઉતારી હોય.

 

વધુ આવતી કાલે

columnists Rashmin Shah