જ્યોત-જ્વાળા (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 3)

12 January, 2022 09:21 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘જુહુની ફાઇવસ્ટાર હોટેલમાં ફંક્શન છે, મા. મારે અને શેખુએ જવાનું છે. સો વૉટ આઇ થિન્ક, હું તમારો ચોકીવાળો સેટ પહેરી જઈશ’

જ્યોત-જ્વાળા (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 3)

હિંમત ગયા!
મંગળની બપોરે નંદિતાબહેનને ખાલીપો ઘેરી વળ્યો. સંબંધ વિના પોતાને રીઝવતા પુરુષ પ્રત્યે કાળજી વળ  ખાવા લાગે એ સ્વાભાવિક હતું, ભલે તેનું પ્રાગટ્ય શક્ય ન હોય. વાસનાપૂર્તિનો સંબંધ જ્વાળા બનીને સંસાર ફૂંકવાને બદલે લાગણીની જ્યોતમાં પલટાઈ શક્યો હોય તો એનો યશ હિંમતને જ મળે.
‘તું થોડી હિંમત દાખવે તો આપણે એક થઈ શકીએ, નંદિતા... મારા કરણ-કાર્તિક અમેરિકા રહ્યા પછી મને પૂછે પણ છે કે ડૅડી, વાય યુ લીવ અલોન! કોઈ કમ્પેન્યન શોધી લોને...’
રવિની બપોરે અલપઝલપ મળેલા એકાંતમાં તેમની વિદાયના ભારથી પોતે રડી પડેલાં ત્યારે તેમણે ફરી એક થ‍વાની વાત ઉચ્ચારેલી. 
 ‘તું કહેતી હો તો હું શેખરને વાત કરું?’
આ કલ્પના જ ધ્રુજાવનારી હતી. વિધ‍વા માને પરણવા માગતા પુરુષની દીકરો ફેંટ જ પકડે કે બીજું કંઈ! શેખર માટે હું આદર્શ રૂપ છું. માએ એકલા હાથે મારો ઉછેર કર્યાનું બહુ ગર્વપૂર્વક આજે પણ તે કહેતો હોય છે. હવે જો તે જાણે કે તેની માને પરણ-વા ઊપડ્યો છે તો તેની નજરમાં મારું માન શું રહે! મારું આદર્શ રૂપ ધ્વંસ થયાની વેદના તે જીરવી શકશે?
નંદિતાબહેનથી અત્યારે પણ નિ:શ્વાસ નખાઈ ગયો. ‘ક્યારેક થાય છે કે એક વાર મન મક્કમ કરીને દીકરાને સચ કહી જ દેવું. શેખુ નારાજ થશે તો હું મનાવી લઈશ, વહુ તેને સમજાવી જાણશે...’
‘વહુ.’
નંદિતાબહેન હળવું કંપી ઊઠ્યાં. આજે સવારની જ વાત. શેખર તેની રૂમમાં તૈયાર થતો હતો, પોતે કિચનમાં ચા-નાસ્તાની તૈયારી કરતાં હતાં, ત્યાં વહુ દવાનો ડબ્બો લઈને આવી હતી. બે દિવસ પહેલાં શેખુનું માથું દુખતાં અડધી રાતે દવા માટે ડબ્બો લીધાનું કહી તેણે ધડાકો કરેલો, ‘બીજી દવા સાથે બૉક્સમાંથી આ પત્તું પણ નીકળ્યું.’
તેણે ધરેલું કૉન્ટ્રાસેપ્ટિવ પિલનું પત્તું જોતાં જ સાણસી વચકી પડી, ગરમ ચા પગ પર પડી એના સિસકારા સાથે છણકો થઈ ગયો,
‘ઓ મા. તેં મને દઝાડી, વહુ જાણે કઈ દવાનું પત્તું ક્યાંથી લઈ આવી!’
‘જરૂર કરતાં વધારે બૂમાબૂમ કરીને મેં જાણે ખૂબ દાઝ્‍યાં હોય એવું દાખવ્યું. અવાજ સાંભળીને શેખુ દોડી આવ્યો, સમયવર્તી વહુએ પણ મામલો દબાવી દીધો, પણ તેના મગજમાં તો વહેમ બેસી જ ગયોને! હુંય વળી ક્યાં એ પિલ્સ દવાના ડબ્બામાં મૂકવાની થઈ!’
‘વહુ ગુણિયલ છે. શેખુ અમારા બન્નેનો શ્વાસ-પ્રાણ એટલે પણ સાસુ-વહુ વચ્ચે કદી કોઈ ખટરાગ, મનમોટાવ થયો નહીં, પણ વહુ શંકિત બની સાસુ પર નજર રાખતી થઈ ગઈ તો...’
- અને તેમની ધ્રુજારીમા મોબાઇલની રિંગ ભળી.
‘ના, અત્યારે હિંમતનો ફોન ન જ હોય. નંબર પાછો અજાણ્યો છે... બપોરે કોણ નવરું થયું!’
‘નવરી તો તું પણ હોઈશ... તેરા યાર જો ચલા ગયા!’
અજાણ્યા પુરુષસ્વરની બરછટ બોલી ધ્રુજાવી ગઈ, ‘કોણ છો ભાઈ તમે? આ શું બોલો છો!’
‘જ્યાદા ફુટેજ મત ખા. ઇસી નંબર સે એક વિડિયો વૉટ્સઍપ કિયા હૈ. દેખ લે ફિર બાત કરતે હૈં...’
-અને અજાણ્યા નંબર પરથી આવેલી વિડિયો-ક્લિપ જોતાં જ નંદિતાબહેનને આંખે અંધારાં આવવી ગયાં. 
lll
‘બ્લૅકમેઇલ...’
નંદિતાબહેન પસીને રેબઝેબ હતાં, ‘ખુલ્લી રહેલી બારીમાંથી કોઈક અમારી ફિલ્મ ઉતારી ગયું ને અમે સાવ અંધારામાં રહ્યાં!’
‘આ ફુટેજ ફરતું ન કરવું હોય તો હું માગું એ આપવું પડશે...’ થોડી વાર પહેલાં ફરી ફોન કરનારે ધમકીભર્યા સ્વરે કહ્યું હતું, ‘આમ તો આ સોદો તારા યાર સાથે કરવાનો હોય, પણ તે ફોરેન ઊપડી ગયો. હવે તે આવે ત્યારે વાત. હાલ પૂરતા તું મને પાંચ લાખ આપી દે.’
‘પાં...ચ લાખ!’
‘ઇતના ચિલ્લાતી કાયકો હૈ! તારાં દીકરા-વહુ બન્ને કમાય છે. આ કંઈ મોટી રકમ નથી. બે-ચાર ઘરેણાં વેચીશ એમાંથી આટલું મળી રહેશે. બાકીનું તારો યાર આવે પછી!’
‘ઓહ. બદમાશ જેકોઈ હોય, અમારા વિશે ઘણું જાણી ચૂક્યો છે. કાલ સાંજ સુધીમાં પૈસા ન ચૂકવું તો અમારો વિડિયો ફરતો કરી દેશે એવી તેની ધમકીને અવગણી શકાય નહીં...’
‘હિંમત હોત તો મામલો તેમણે સંભાળી લીધો હોત. દીકરાના ફંક્શન માટે ગયેલા હિંમતને બ્લૅકમેઇલર વિશે કહીને ચિંતામાં નથી મૂકવા. હિંમત આવે ત્યાં સુધી મારે કોઈ પણ ભોગે બ્લૅકમેઇલરને ચૂપ રાખવાનો છે...’
અને એનો એક જ ઉપાય છે - ‘તેને પાંચ લાખ રૂપિયા ધરી દેવા!’
‘પણ કઈ રીતે? બેશક, બૅન્કમાં મારા નામે સિલક, એફડી બધું છે જ, પણ એમાંથી ઉપાડનો સીધો મેસેજ શેખર પર જાય એવી વ્યવસ્થા છે. પછી એ તો કરાય જ કેમ!’
‘કૅશનો ઉપાડ શક્ય ન હોય તો બ્લૅકમેઇલરે કહ્યું એમ એક જ વિકલ્પ રહે છે - ઘરેણાં!’
ઘરમાં પોતે હીરાના લવિંગિયા,  સોનાની ચેઇન, બંગડી પહેરે છે એ દાગીનો કઢાય નહીં. વહુના ધ્યાનમાં તરત આવી જાય... પણ હજી ગયા મહિને, વહુના પિયરમાં ફંક્શન નિમિત્તે તેને પહેરવા આપેલો મારો ચોકીનો સેટ પાછો બૅન્કના લૉકરમાં મુકાયો નથી, મારા કબાટના ચોરખાનામાં જ છે! સહેજે સાત-આઠ લાખની કિંમતનો સેટ ગીરવી મૂકીને હું રૂપિયાનો બંદોબસ્ત પાર પાડું, પછી હિંમત આવે એટલે તેમની મદદથી છોડાવી લઈશ!’
નંદિતાબહેનને આ વિકલ્પ સૌથી સુરક્ષિત લાગ્યો.
બીજી સવારે દીકરો-વહુ કામે જવા નીકળ્યાં એની થોડી વારમાં તેઓ પણ પર્સમાં ઘરેણાંનું બૉક્સ લઈને બોરીવલીની શરાફી પેઢીએ પહોંચ્યાં. અહીં સારામાં સારો ભાવ મળે છે એવું અગાઉ ક્યારેક કોઈક પાસેથી સાંભળેલું.
સેટની સામે સાડાછ લાખ રૂપિયા મળ્યા. હવે બ્લૅકમેઇલરના કૉલની રાહ જોવાની હતી.
અને બપોરે બે વાગ્યાના સુમારે બ્લૅકમેઇલરે ફોન રણકાવ્યો: ‘ધ્યાન સે સુન. કાંદિવલી રેલવે-સ્ટેશન પાસે મૅક્‍ડોનલ્ડ્સનું આઉટલેટ છે ત્યાંના જોકરની લેફ્ટ સાઇડના ડસ્ટબિનમાં રૂપિયાની થેલી નાખીને આજુબાજુ જોયા વિના ફટાફટ નીકળી જા... ખબરદાર, જો પોલીસ કે બીજા કોઈને વચ્ચે નાખ‍વાની ભૂલ કરી તો તારી ફિલ્મ ફરતી કરતાં મને વાર નહીં લાગે!’
‘નહીં, નહીં ભાઈ, તું કહેશે એમ જ હું કરીશ!’
- અને ખરેખર, બ્લૅકમેઇલરે કહ્યા મુજબ પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળેલી પાંચ લાખની કૅશ ડસ્ટબિનમાં નાખી નંદિતાબહેન આસપાસ જોયા વિના રિક્ષામાં બેસી રવાના થઈ ગયાં, ને તરત જ એ થેલી કબજે કરતાં રાજનો ચહેરો ઝળહળી ઊઠ્યો. ‘ક્લિપના આધેડ કપલ વિશે માહિતી એકઠી કરી એમાં ધૅટ હિંમત ફૉરેન જવાનો છે એની જરા વહેલી ખબર પડત તો તેમની પાસે તગડું ઇન્સ્ટૉલમેન્ટ વસૂલત, પણ ખેર, બાકીનો સોદો હિંમત આવે એટલે! બાઈમાણસ પાસેથી જે મળ્યું એ પણ ઓછું નથી.’
આ બાજુ એક આખું અઠવાડિયું હેમખેમ વીત્યા પછી નંદિતાબહેનના હૈયે હવે ધરપત છે. ‘બ્લૅકમેઇલર પૈસા લઈને પણ ફિલ્મ ફરતી કરે એ સંભવ હતું જ, પણ તેનેય હજી હિંમતને ખંખેરવાની લાલસા હશે... હિંમત જોકે તેને પહોંચી વળશે. ત્યાં સુધી તે મૂંગો મરે એ ઘણું!’
- પણ ના, મામલો એમ શાંત પડવાનો નહોતો!
lll
‘મા, પરમ દિવસે મારી કલીગ રુચિતાની સગાઈનું ફંક્શન છે...’
બીજા અઠવાડિયે, શુક્રની સાંજે ડિનર દરમ્યાન મેઘનાએ વાત મૂકી. પિલ્સના મામલે પોતે ‘દાઝ્‍યા’ પછી વહુએ એ મુદ્દો ઊખેળ્યો નહીં, ને સાસુએ પિલ્સના પત્તાને કચરાપેટીમાં કાઢી પુરાવો રહેવા ન દીધેલો, પછી બધું સમથળ હતું. આમાં વહુની વાતે નંદિતાબહેન પહેલાં તો હરખાયાં. શેખર-મેઘનાનું મિત્રવર્તુળ વિશાળ અને ઘરમાં તેમનો આવરોજાવરો પણ ખરો એટલે નંદિતાબહેન બધાંને જાણતાં. બલકે જુવાનિયા પાર્ટીમાં ક્યારેક ડ્રિન્ક લે એની સૂગ ન દાખવનારાં નંદિતાબહેન સૌને લાઇવ લાગતાં.
 ‘જુહુની ફાઇવસ્ટાર હોટેલમાં ફંક્શન છે, મા. મારે અને શેખુએ જવાનું છે. સો વૉટ આઇ થિન્ક, હું તમારો ચોકીવાળો સેટ પહેરી જઈશ.’
‘હેં...’ નંદિતાબહેનની જીભ કચરાઈ. ‘વહુને ઘરેણાં આપવાનો વાંધો હોય જ નહીં, પણ સેટ ઘરમાં હોવો જોઈએને! હવે?’
લમણાં ફાટફાટ થવા માંડ્યાં ત્યારે સાંત્વના શોધી કાઢી. ‘ઘરેણું અત્યારે ને અત્યારે થોડું આપવાનું છે! રવિની બપોર સુધીમાં હજી ઘણો સમય છે, ત્યાં સુધીમાં કંઈ વિચારી લઈશ!’
‘અચ્છા, મા...’ મેઘનાને યાદ આવ્યું, ‘કાલે શેખુના ત્રણેક મિત્રો ડિનર પર આવે છે. મેં નીમાને કહી દીધું છે, તે ઘૂઘરા-ફ્રૂટ સલાડ આપી જશે...’
‘ભલે...’ કહેતાં નંદિતાબહેનના દિમાગમાં ટિકટિક થવા લાગી : ‘નીમા!’
‘હજી બે શનિવાર અગાઉ તે સમોસાં આપવા આવી ત્યારે સેટ ઘરે, કબાટના ચોરખાનામાં જ હતો... એ જ શનિવારે કોઈ મારો-હિંમતનો વિડિયો પણ ઉતારી ગયું એ નીમા કેમ ન હોય! બ્લૅકમેઇલર તેનો બૉયફ્રેન્ડ હોઈ શકે...’
ના, ના, તેમણે માથું ખંખેર્યું : ‘છએક મહિનાથી ઘરે ઑર્ડર ડિલિવર કરવા આવતી નીમાને હું એટલી તો જાણું છે કે તે આવું હલકું કામ ન કરે.’
- ‘પણ હાલમાં તો આ નીમા જ મારી સમસ્યાનું નિવારણ બની શકે એમ છે!’
ધીરે-ધીરે નંદિતાબહેનના દિમાગમાં કશુંક ગોઠવાતું ગયું.
lll
‘આવ, આવ, નીમા.’
શનિની સાંજે પાંચ વાગ્યે ઑર્ડર પહોંચાડવા મેઘનાભાભીના ઘરે પહોંચેલી નીમા નંદિતાબહેનના આવકારે જરાતરા અચરજ પણ પામી. ગઈ મુલાકાતનો સીન ઝબકી ગયો, ‘આજે કદાચ આન્ટી સાથે તેમનાં કમ્પેન્યન નહીં હોય!’
‘મેં જાણેલો ભેદ કોઈને કહેવાયો નહોતો. રાધર, જેને કહી શકાય એ અતુલ્યથી હું જાણીને દૂરી બનાવી રહી છું. બે દિવસ અગાઉ નાસ્તો આપવા ગઈ ત્યારે પહેલી વાર વિદ્યાઆન્ટી પણ બહુ મૂડમાં ન લાગ્યાં. કશુંક અઘટિત બનવાની સ્ફુરણા થાય છે, ઓહ, અતુલ્ય મારા માટે મા સામે જીદ ન કરે તો સારું!’
‘લે બેટા...’ ચા ધરતાં નંદિતાબહેનના સાદે નીમાને ઝબકાવી દીધી.
‘અરે, આન્ટી તમે ક્યાં તકલીફ લીધી!’ 
નીમાના ધ્યાન બહાર રહ્યું કે ચા પિવડાવવાના બહાને તેને રોકીને, વાતોમાં મશગૂલ કરી નંદિતાબહેને પોતાનું કામ સિફતથી કરી નાખ્યું છે!
lll
‘અરે, નીમા! ઊભી રહે.’
નંદિતાબહેનને ત્યાંથી નીકળી, ચાર માળ ઊતરી નીમા કમ્પાઉન્ડમાં પહોંચી કે ચોથા માળના પેસેજમાંથી નંદિતાબહેનનો ઊંચો સાદ સંભળાયો. નીમાએ ડોક ઘુમાવીને ઉપર જોયું તો તે હાંફળાફાંફળાં જણાયાં, આવેશથી ધ્રૂજતા વૉચમૅનને કહ્યું, ‘રામસિંગ, ઇસ બાઇકો પકડ કે રખ્ખો. જાને મત દેના...’
કહેતાં તે ધડધડ દાદર ઊતરવા લાગ્યાં. રસ્તામાં જે મળ્યું તેને સાથે લેતાં ગયા, ‘જરા મારી મદદમાં આવોને. એક ચોરટીને પકડવાની છે!’
નીમાને આખો હોકારોદેકારો સમજાયો નહીં.
‘ચોરટી!’ નજીક આવી નંદિતાબહેને તેને ઝંઝોડી, ‘મીઠી થઈ મારા ઘરમાં ખાતર પાડી ગઈ! હાથ ધોતી વેળા વૉશ-બૅશિન પર મેં મૂકેલી મારી બે બંગડી તેં જ ચોરી! એ તો સારું થયું તરત મારી નજર ગઈ...’
‘હેં....’ બેહૂદા આક્ષેપે નીમાને તમતમાવી દીધી.
નંદિતાબહેન આટલું કહે છે ત્યાં નસીબજોગ શેખર-મેઘના આવી ચડતાં તેમને જોમ ચડ્યું, ‘વહુ, તારી આ ઑર્ડરવાળી તો ચોર નીકળી!’ પછી જે ખાસ કહેવાનું હતું એય કહી દીધું, ‘આજે મારી બંગડી પર હાથ સાફ કરનારીએ જ મારો ચોકીનો દાગીનો પણ ચોર્યો હોય!’
‘ચોકીનો દાગીનો.’ શેખર-મેઘના હેબતાયાં.
 ‘હા, શેખુ, વહુ, આજે બપોરે જ મેં દાગીનો કાઢવા ચોરખાનું ખોલ્યું ત્યારે એમાં બૉક્સ નહીં ભાળી ફાળ પડી...’ કહેતાં તેમણે આંસુ સારતાં નીમાને કોસી, ‘પણ હવે ખાતરી થઈ ગઈ, છેલ્લે આવેલી ત્યારે આણે જ આપણા ઘરે ધાડ પાડી!’
 ‘ઇનફ...’ નીમાનો ધીરજબંધ તૂટ્યો. તમાશાને તેડું ન હોય એમ હવે જોણું થતું હતું.
 ‘મેં કોઈ ચોરી નથી કરી. જોઈએ તો મારી તલાશી લઈ લો...’
બસ, નંદિતાબહેનને તો આટલું જ જોઈતું હતું. નીમાને વાતોમાં નાખીને પોતે જ તેના થેલામાં બંગડીઓ સરકાવેલી એટલે આત્મવિશ્વાસભેર તેમણે વહુને જ આજ્ઞા કરી, ‘મેઘના, તું જ તેનો સામાન ચેક કર!’
- અને ખરેખર, બીજી મિનિટે પોતાના થેલામાંથી સોનાની બે બંગડી મળી આવી એ જોઈને નીમાની આંખો ફાટી ગઈ.
‘ચોર... ચોર... ચોર!’ ખૂણેખૂણેથી જાણે પોકાર ઊઠ્યો. શેખરે પોલીસ તેડાવતાં નીમા ફસડાઈ પડી.

આવતી કાલે સમાપ્ત

columnists Sameet Purvesh Shroff