જ્યોત-જ્વાળા (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૧)

10 January, 2022 09:00 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘તમારા કમ્પાઉન્ડમાં ઊભી છું. આ દોઢ કિલો કાચાં સમોસાં છે, ચટણી અલગથી પૅક કરી છે... ઠીક છે, હું તમારાં સાસુમાને પાર્સલ સુપરત કરી દઉં છું... ના, ના, હું તેમની પાસે પૈસા નહીં માગું. તમે ફુરસતે જી-પે કરી દેજો’

જ્યોત-જ્વાળા (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૧)

લતા મંગશેકરના કંઠે મઢી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગલમય થઈ ગયું. મલાડના ઘરમાં સવાર આમ જ ઊગતી, વર્ષોથી. કેટલું સુખ હતું ક્યારેક આ વન-બીએચકેના ફ્લૅટમાં! આર્થિક સ્થિતિ ખાસ નહીં, પણ સ્નેહ છલોછલ. એકની એક દીકરી તરીકે હું માતા-પિતાની કેટલી લાડકી હતી.
ઘરમંદિરનાં દ્વાર ખોલતી નીમા વાગોળી રહી... 
પિતાજી કારખાનામાં કામ કરે, તેમને ટેકણરૂપ થવા મા ઑર્ડર મુજબ ઘરે નાસ્તા-ફરસાણ બનાવીને ડિલિવર કરવાનો ગૃહઉદ્યોગ ચલાવે. માબાપનો સંઘર્ષ સમજ્યા પછી નીમા પરાણે માને તેના કામકાજમાં મદદરૂપ થતી ગઈ. પછી તો પાકકલા તેને નૈસર્ગિકપણે ગમવા લાગી, જાણ્યે-અજાણ્યે તેનામાં સ્વાદસોડમનો પિંડ બંધાતો ગયો. મા સાથે તે થેલા ઊંચકીને ઘરે-ઘરે ઑર્ડર આપવા પણ જતી. કેવા-કેવા ગ્રાહકો સાથે પનારો પડતો! કોઈ કાયમ ઑર્ડર આપતું હોય તોય ભાવ-વજનની કચકચ કરે ને કોઈ પહેલી વાર કશું લેતા હોય તો પણ ચા વિના જવા ન દે! મા જોકે બધા સાથે પ્રેમથી બોલે. ગ્રાહક સાચવવાની તેને કુનેહ. દીકરીની ઓળખાણ ગર્વથી આપે - ‘મારી નીમા ભણવામાં બહુ હોશિયાર છે. ખૂબ ભણીને મોટી ઑફિસર બનશે, જોજોને!’
ધાર્યું તો નીમાએ પણ એવું જ હતું કે ભણીગણીને એટલું કમાઈશ કે પપ્પા-મમ્મીને પછી લહેર જ કરવાની રહેશે! પરંતુ માનવીના મનસૂબા પર સંજોગોની સુનામી ફરી વળે ત્યારે કોઈ કારી ચાલતી નથી.
પાંચ વર્ષ અગાઉ હૃદયરોગનો અણધાર્યો હુમલો પિતાજીને ભરખી ગયો ત્યારે નીમા કૉલેજના પહેલા વર્ષમાં. પતિની વિદાયના આઘાતે તનમનથી ભાંગી પડેલી માને ધબકતી રાખવાની જવાબદારીએ કૉલેજ છોડાવી, નિર્વાહમાં માનું ઑર્ડરનું કામકાજ ઉપાડી લેવું પડ્યું એનો નીમાને જોકે વસવસો નહોતો. માની કાળજીથી વિશેષ કંઈ હોઈ ન શકે!
નીમાની કટિબદ્ધતા તેનામાં આત્મવિશ્વાસરૂપે પાંગરતી ગઈ. પોતે બુદ્ધિમંત તો હતી જ, નફાને ધંધામાં જ ઇન્વેસ્ટ કરવાથી વ્યાપારનો વ્યાપ વધે જ છે એ ગણતરીએ તેણે ચાર ચૂલાનો ગૅસ, અવન જેવાં હોમ-અપ્લાયન્સિસ વસાવ્યાં. એનાથી સમયની બચત થઈ એમ નાસ્તા-ફરસાણ ઉપરાંત નીમા કેક-બિસ્કિટ બનાવતી થઈ, પરિણામે કામ વિસ્તરતું ગયું, નામ જામતું ગયું.
‘તમે તમારું સ્ટાર્ટઅપ કેમ શરૂ નથી કરતાં!’ અતુલ્યએ પૂછ્યું હતું.
અતુલ્યની યાદે, અત્યારે ઘરમંદિરમાં દીવો પ્રગટાવતી નીમાના મૂખ પર લાલિમા પ્રસરી ગઈ. 
દોઢેક વર્ષ અગાઉની વાત. નીમાની ઑર્ડરબુક ફુલ રહેતી. ડિલિવરી માટે પોતે ગોરેગામ-બોરીવલી સુધી જવું પડે એ દરમ્યાન માની સંભાળ રાખે અને પોતાને ઑર્ડરના કામકાજમાં મદદરૂપ પણ થાય એ હેતુથી નીમાએ આખા દિવસની આયા રાખી હતી. એ કાંતાબહેન હાથનાં ચોખ્ખાં, ગોદાવરીમાને તેમની સાથે ભળી ગયેલું એટલે પણ ઑર્ડર ડિલિવર કરવા જતી નીમાને નિરાંત રહેતી. બલકે ઑર્ડર આપવા જવાનું હોય ત્યાંના આડોશપાડોશમાં પણ થેલો લઈ ફરી વળે : ‘નાસ્તા-ફરસાણમાં તમારે કંઈ જોઈતું હોય તો કહેજો!’ કસ્ટમરનું માન જાળવવામાં ચૂકવું નહીં ને પોતાનું માન ગુમાવવું નહીં એ મર્યાદારેખા તેના સ્વભાવમાં અંકાઈ ગયેલી. રૂપાળી એવી કે સાદગીમાં પણ દીપી ઊઠે. મેકઅપનો ઠઠારો નીમાને ગમતો નહીં, છતાં બીજાના ઘરે જતા હોઈએ ત્યારે સુઘડ, વ્યવસ્થિત દેખાવું જોઈએ. નીમા એનું ધ્યાન રાખતી. હા, ક્યાંક કોઈ જુવાન થેલો ઊંચકવાની ‘તત્પરતા’ દાખવે તો સલૂકાઈથી ‘થૅન્ક્સ’ કહી ઇનકાર જતાવી દે. કોઈ-કોઈ ઘરમાં વિધુર પુરુષ એકલો હોય તો દરવાજેથી વહેવાર પતાવી દે. બાઇમાણસમાં આટલી સૂઝ તો હોવી જ જોઈએને!  
‘બેસ જરા. આવડો મોટો થેલો ઊંચકીને ભરતડકામાં આવી છે. બેસ, તારા માટે શરબત લાઉં છું.’
ઉનાળાની એ બપોરે પોતે પહેલી વાર બોરીવલીમાં ‘શાંતિકુંજ’  અપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતાં વિદ્યાગૌરીને ત્યાં ગઈ હતી. કોઈક સંબંધીના રેફરન્સથી તેમણે ખાખરા, ચેવડો, ચકરી જેવા સૂકા નાસ્તાનો મોટો ઑર્ડર આપેલો. 
નાસ્તાનું પૅકિંગ, ક્વૉલિટી જોઈને તેઓ ખુશ થઈ ગયાં. પરાણે બેસાડીને શરબત પણ પાયું. ત્રણ બેડરૂમનું ઘર સુંદર-સુઘડ હતું. માજી વિધવા છે, દીવાનખંડમાં લટકતી હારવાળી છબિ તેમના સદ્ગત પતિ શશિકાંતભાઈની જ હોય અને માજી વાતેવાતે ‘મારો અત્તુ’ ‘મારો અતુલ્ય’ કહે છે એ તેમનો દીકરો જ હોવો જોઈએ... નીમાના અનુમાનની વિદ્યાગૌરીએ તરત પૂર્તિ પણ કરી,
‘શશી ગયા પછી અત્તુ જ મારી જિંદગીનો આધાર છે... ખાવાનો શોખીન. આમ તો પત્રકાર, અંગ્રેજી સાપ્તાહિક ‘હુ એવર’નો ચીફ એડિટર છે. ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ એનું ગમતું ક્ષેત્ર, પણ ફૂડી એવો કે મુંબઈમાં ક્યાં શું સારું ખાવાનું મળે છે એના પર અઠવાડિક કૉલમ પણ લખે છે, બોલ!’
‘અચ્છા!’ નીમા પ્રભાવિત થયેલી.
‘આમ તો અત્તુને મારા હાથની જ રસોઈ ભાવે, તેને નાસ્તા પણ ઘરના જ જોઈએ... પણ થોડા મહિનાથી વાના દુખાવાને કારણે બધું નથી થતું, બહેન. ઘરે બાઈ બોલાવી, તારી જેમ બે-ચાર ઠેકાણેથી તૈયાર નાસ્તા મગાવી જોયા, પણ મારા અત્તુના ટેસ્ટમાં કોઈ પાસ ન થયું. હવે જોઈએ તારા હાથનું બનાવેલું તેને કેવુંક ભાવે છે!’ 
અતુલ્યને ભાવ્યું, એવું ભાવ્યું કે પછી તો દર અઠવાડિયે વિદ્યાગૌરી નાસ્તાનું લિસ્ટ મોકલી આપે ને નીમા વેળાસર પહોંચાડી પણ દે. વિદ્યાગૌરી તેને ચા-નાસ્તા વિના જવા ન દે, ગોદાવરીમાના ખબર-અંતર પણ પૂછે. સામે નીમા પણ કાળજીમાં ચૂકી નહીં - ‘આન્ટી, આ આયુર્વેદિક તેલ છે, એના માલિશથી વાના દુખાવામાં રાહત રહેશે. મારી મમ્મીને ફાયદો થયો છે એટલે તમારા માટે લઈ આવી છું.’
વિદ્યાગૌરી તેના પૈસાનું પૂછે તો હસીને કહી દે - ‘તમે ચા-નાસ્તો કરાવો છો એમાં બધું આવી ગયું! ‘મા તમારાં બહુ વખાણ કરતી હોય છે.’
પહેલી વિઝિટના ત્રણેક મહિના પછીની ડિલિવરી દરમ્યાન પ્રથમ વાર વિદ્યાગૌરીના ઘરે અતુલ્યનો ભેટો થયો. અતુલ્યને જોતાં અમસ્તું જ હૈયું ધડકી ગયેલું : કોઈ જુવાન આટલો સોહામણો હોઈ શકે! ૨૮-૩૦ની વયનો જુવાન પાછો વાતવહેવારમાં ઠરેલ-ઠાવકો લાગ્યો. મા તમને વખાણતી હોવાનું કહીને તેણે નાસ્તાની બનાવટ વિશેની ચર્ચા છેડી એમાં તેની સ્વાદનિપુણતા પણ ઊઘડતી ગઈ. 
‘ખરું કહું તો મમ્મી પછી મને કોઈના હાથમાં જાદુ લાગ્યો હોય તો એ તમે છો.’
નીમાને નિહાળી મુગ્ધપણે કહેવાયેલા વાક્યમાં કેવળ પોકળ પ્રશસ્તિ નહોતી. આનો આનંદ જ હોયને!
પછી તો અતુલ્યને ઘણી વાર મળવાનું બન્યું. તે હંમેશાં ઇન્સિસ્ટ કરે - ‘તમે તમારું સ્ટાર્ટઅપ કેમ શરૂ નથી કરતાં!‘ ‘અરે, તેમણે તો મારા હોમમેડ નાસ્તા પર તેમની વીકલી કૉલમમાં આર્ટિકલ પણ કર્યો. ધીરે-ધીરે એવું પણ બનવા માંડ્યું કે અંધેરીની તેમની ઑફિસથી રિટર્ન થતી વેળા અતુલ્ય મારા ઘરે ડ્રૉપ થઈ ઑર્ડરનો નાસ્તો લેતા જાય. બે મિનિટના કામ માટેની મુલાકાત પચીસ-પચાસ મિનિટની બેઠકમાં ફેરવાઈ જાય એમાં અલકમલકની વાતો માંડી તેઓ માને હસાવી દે, વટાણા-તુવેર ફોલવા જેવાં કામ પણ કરી લે! લતાનાં ગીતોથી સ્વાદ સુધીની અમારી પસંદ કેટલી મેળ ખાય છે!’ 
નીમાએ ઊંડો શ્વાસ લીધો.
બે હૈયાં વચ્ચે રચાતી જતી ધરીથી બેમાંથી કોઈ અજાણ નથી. ‘પ્રણયનો સ્પષ્ટ એકરાર ભલે અમે કર્યો નથી, પણ એના અસ્તિત્વમાં શંકા પણ નથી! એટલે પણ નાસ્તા સામે પૈસા લેવાનો વહેવાર હવે કઠે છે.’ થોડા સમયથી પોતે નાસ્તાના પૈસા લેવામાં આનાકાની કરે છે એથી છેલ્લે બે દિવસ અગાઉ, અતુલ્યના ઘરે ગઈ ત્યારે વિદ્યાઆન્ટી વઢેલાં પણ - ‘કેમ, તેં ધર્માદો શરૂ કર્યો છે, બેન!’ 
પછી હરખભેર કહેલું, ‘આવતા મહિનાનો બીજો રવિવાર તું ખાલી રાખજે. મારા અત્તુની વર્ષગાંઠ છે. ઘરે આઠ-દસ મહેમાનો હશે, રસોઈ તારે જ પહોંચાડવાની, અહીં આવીને બનાવે તો તો ઉત્તમ!’
‘જરૂર આવીશ આન્ટી’ પોતે ઉત્સાહભેર કહેલું. ‘એક તો અતુલ્યની વર્ષગાંઠ ને પિયુને ત્યાં રાંધવું તો હક ગણાય!’
 ‘અત્તુ ત્રીસનો થવાનો... હવે તેને પરણાવી દેવો છે. એ દહાડે છોકરીવાળા જ આવવાના છે.’  
‘હેં.’ આભમાંથી પાતાળમાં પટકાવા જેવો ધક્કો નીમાએ અનુભવેલો.
‘બહુ ગુણવાન કન્યા છે. રૂપાળી તો એવી કે અત્તુ જોતાં જ લટ્ટુ થઈ જવાનો!’’
પોરસભેર કહેતાં માને દીકરાના હૈયાનો હજી અણસાર નથી... નીમા હાંફી ગઈ : ‘ધારો કે વિદ્યાઆન્ટી અમારા પ્રેમ વિશે જાણે તો તેમનો પહેલો પ્રત્યાઘાત કદાચ એવો જ હોય કે, મેં તો તારા માટે ખાનદાન ઘરની, ભણેલી-ગણેલી કન્યા ગોતી હતી, પણ તને ઘર-ઘર જઈ નાસ્તો વેચતી છોકરી જ ગમી!’
‘નહીં, નહીં, મારે મા-દીકરા વચ્ચે અંટશનું કારણ નથી બનવું. હજી અમે પ્રણયનો એકરાર ક્યાં કર્યો છે! પોતાના આવનારા બર્થ-ડે પર માના પ્લાન્સ જાણી અતુલ્ય પ્રણયની કબૂલાત કરે તો ઇનકાર જતાવી દેવાનો : ‘મારા માથે માની જવાબદારી છે એટલે લગ્નનો મારો કોઈ ઇરાદો નથી!’
‘અતુલ્ય દરેક જવાબદારીમાં સાથ નિભાવવાનો કૉલ આપશે જ, તો પણ હું માનીશ નહીંને! એવુંય કહી દઈશ કે તમે ભલે મને ચાહતા હો, હું તમને નથી ચાહતી!’
નીમાએ ઘરમંદિરમાં બિરાજેલા બાપા સમક્ષ હાથ જોડ્યા : ‘મને પ્રણય કસોટીમાં પાર ઉતારવાની શક્તિ આપજો અને વિદ્યાઆન્ટીને ગમતી કન્યા અતુલ્યની પત્ની બને એટલું કરજો!
lll
‘નમસ્તે મેઘનાભાભી’
શનિની બપોરે સવાત્રણના સુમારે કાંદિવલીની ગીતા સદન સોસાયટીના પ્રાંગણમાં સ્કૂટી પાર્ક કરી નીમાએ ફોન જોડ્યો, ‘તમારા કમ્પાઉન્ડમાં ઊભી છું. આ દોઢ કિલો કાચાં સમોસાં છે, ચટણી અલગથી પૅક કરી છે... ઠીક છે, હું તમારાં સાસુમાને પાર્સલ સુપરત કરી દઉં છું... ના, ના, હું તેમની પાસે પૈસા નહીં માગું. તમે ફુરસતે જી-પે કરી દેજો.’
વાત પતાવી નીમાએ કૉલ કટ કર્યો. 
છએક મહિના અગાઉ મલ્ટિનૅશનલમાં કામ કરતાં મેઘનાભાભીએ તેમની કિટી પાર્ટી માટે  નીમા પાસે પહેલી વાર સૅન્ડવિચ-સૂપ બનાવડાવેલાં. એનો સ્વાદ એવો દાઢે વળગ્યો કે દર પંદર-વીસ દિવસે તેમની ફરસાણની ફરમાઈશ હોય જ. મેઘનાભાભી કહેતાં પણ, ‘આમ તો ઘરમાં હું, મારા પતિ શેખર અને વિધવા સાસુ એમ ઇન, મીન ને તીન જ છીએ... અને મારાં સાસુ પાછાં કામગરાં પણ ખરાં. પણ શું છે કે મારું-શેખરનું મિત્રવૃંદ વિશાળ એટલે વીક-એન્ડમાં સાંજે ક્યાં અમે બહાર હોઈએ ક્યાં મહેમાનો હોય ને હોય. ઑફિસમાં કામ કરીને થાક્યાં હોઈએ એટલે મને રસોડામાં પગ મૂકવો ન ગમે અને મમ્મીજી પણ પંચાવનનાં થતાં, તેમના માથે કેટલું નાખવું! એટલે પીત્ઝાને એવું હોમ ડિલિવરીથી મગાવી લઈએ, યા તારી પાસેથી ફરસાણ લઉં તો મમ્મીજીને એટલું ઓછું.’ 
‍ચાર માળની ચાર વિન્ગ ધરાવતી સોસાયટીમાં એક માળ પર ટૂ-બીએચકેના બે ફ્લૅટ હતા. મેઘનાભાભીનો ફ્લૅટ ‘સી’ વિન્ગના ચોથા માળે હતો. તેમનાં લગ્નને ત્રણેક વર્ષ થયાં હશે. પતિ-પત્ની બન્ને જુવાન, બન્નેની મલ્ટિનૅશનલમાં ખમતીધર નોકરી એટલે રહેણીકહેણીમાં એનો પડઘો વર્તાતો. ફ્લૅટનું ઇન્ટીરિયર પણ કેટલું સુંદર.
મેઘનાભાભીનો સ્વભાવ પણ સારો. ભાવતાલની કોઈ રકઝક નહીં. શેખરભાઈ સાથે તેમની જોડી જામે. તેમનાં સાસુ નંદિતાબહેન પણ સાલસ. પ્રેમથી આવકારે, પાણી ધરે, ફરસાણની રેસિપી પણ પૂછે! 
આજે સાંજે તેમના ફ્રેન્ડ્સ અહીં ભેગા થવાના છે એટલે મેઘનાભાભીએ સમોસાંનો ઑર્ડર આપેલો. આમ તો પોતે સાંજે આવશે એવું કહી રાખેલું, પણ પછી આ તરફનો બીજો ઑર્ડર ડિલિવર કરવાનો થતાં એક જ ફેરામાં કામ પતાવવાનું હોયને... ચાર માળના બિલ્ડિંગમાં લિફ્ટ નહોતી. સમોસાંની થેલી સાથે પોતાનો થેલો લઈ નીમાએ પગથિયાં ચડવા માંડ્યા ઃ ‘આવી છું તો બીજા ઘરમાં પણ નાસ્તો જોઈતો હોય તો પૂછી લઉં!’  
lll
‘આ...હ! ધીરે, તમે તો ભારે ભૂખાવળા.’
સ્ત્રીના સિસકારામાં જોકે આનંદ હતો ને વાક્યમાં પોતાના પર છવાયેલા પુરુષને વધુ ઉશ્કેરવાની નિયત.
આનું ધાર્યું પરિણામ આવ્યું. પુરુષનો આવેગ બેફામ બનતો ગયો અને સ્ત્રી નદીની જેમ સમંદરમાં સમેટાતી ગઈ.
કામસુખની આહલાદક પરાકાષ્ઠા પછી બે બદન સુસ્ત બન્યાં ત્યારે જાણ નહોતી કે ક્યારનું કોઈ દરવાજે આવીને ઊભું છે અને દરવાજાની બાજુમાં પડતી હૉલની બારી ખુલ્લી રહી જતાં પડદાની આડશ છતાં એની ફાટમાંથી અંદરનું ન જોવા જેવું દૃશ્ય તેની આંખે ચડી ચૂક્યું છે! 

(વધુ આવતી કાલે)

columnists Sameet Purvesh Shroff