જંગ (પ્રકરણ - ૪)

05 January, 2023 02:39 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘વીફરેલી વાઘણ થઈ ડાંગના ચાર ફટકાએ દીપડાને ઊભી પૂંછડીએ ભગાવનારી આમ કાંપે છે! ચિંતા ન કર રેવા, અંશુને જાળવવા, સમજાવવા હું બેઠો છુંને.’

જંગ (પ્રકરણ - ૪)

‘કાગળ હજી પહોંચ્યો નથી!’ 
સ્ટાફ સાથે દરરોજ કન્ફર્મ કરી નિરાશ થતી નેહાલી માટે હવે ભેદ ભીતર છાવરી રાખવો મુશ્કેલ બનતો જતો હતો. તમને કોહિનૂર જડ્યો હોય અને દુનિયામાં એનો ઢંઢેરો ન પીટી શકો તો લાખેણો હીરો કામનો શું?
‘આશ્રય બાબતે દીદીએ ફોડ ન પાડ્યો, સરપંચ માટે નામ રજૂ કરવાના પ્રસ્તાવને દીદીએ ઉડાડ્યો. તોય કઝિન દ્વારા ઠાકોરકાકાની કોણીએ ૧૦ લાખનો ગોળ ચોંટાડી સરપંચપદનો પાસો મેં ફેંક્યો જ... આના પરિણામની રાહ જોવામાં અચાનક જ દીદી-આશ્રયનું લફરું ઝડપાયા પછી અંશુની નજરમાં દીદીનું પતન નક્કી છે. બસ હવે એ ઝટ થવું જોઈએ!’
‘નહીં ઠાકોરકાકા, હું નથી માનતી કે આપણે દાતાની કોઈ પણ શરતથી બંધાવું જોઈએ.’
મેડીનાં પગથિયાં ઊતરતી નેહાલી રેવાના વાક્યથી ચમકી. જોયું તો ત્રણેક કાર્યકરો મિતાલી, ઠાકોરકાકા અને દીદી હૉલમાં ગોઠવાયાં છે. ‘અફકોર્સ દીદી સમજતાં જ હશે કે અજાણ દાતાના પ્રસ્તાવ પાછળ મારું જ ભેજું હોવું જોઈએ, છતાં સિદ્ધાંતમાં ન ઝૂકવાની તેમની મગરૂરી તો જુઓ.’
નેહાલી માટે હવે સંયમ રાખવો અઘરો બન્યો.
‘હું નથી માનતી.’

વચ્ચે કૂદી ટૂંકી પૂછપરછથી જાણે પહેલી જ વાર દાતાની શરત વિશે જાણ્યું હોય એ રીતે નેહાલીએ પોતાનો અભિપ્રાય ઉચ્ચાર્યો – ‘દસ લાખ કંઈ નાની રકમ નથી. મિતાલીને ખુરસીનો મોહ ન હોય તો તેણે ખુદ ગામના હિતમાં ઉમેદવારી પાછી ખેંચવી જોઈએ.’
‘કમાલ છે, એક જ મુદ્દે એક જ ઘરમાં રહેતાં નણંદ-ભોજાઈનો મત અલગ પડે છે!’ રેવાના કપાળે કરચલી ઊપસીને અદૃશ્ય થઈ ગઈ. નેહાલીની વર્તણૂકનું મૂળ આશ્રય સાથે તારવ્યા પછી એટલી તો ધરપત હતી કે છોકરી અંશુને સાચા દિલથી ચાહે છે, બીજું બધું આની આગળ ગૌણ છે. જોકે એ બધાની વચ્ચે આડી ફાટશે એવું ધાર્યું નહોતું. 
‘મને ખુરસીનો મોહ નથી...’ મિતાલીને સહેજ ખોટું લાગ્યું. ‘અન્યથા રેવાદીદીએ મને સરપંચપદ માટે લાયક જ ન ગણી હોત.’
‘દીદી, દીદી!’ કંઈક બરાબરનું સંભળાવી દેવા નેહાલીની જીભ સળવળી ત્યાં...
‘સરપંચ તો તું જ બનશે મિતાલી, હવે તો આ મારી પણ જીદ છે.’ રેવાના સ્વરમાં નેહાલીએ પહેલી વાર સત્તાનું વજન ભાળ્યું, ‘અને કોઈને ધનની જ પરવાહ હોય ઠાકોરકાકા, તો જે દાન તમને મળે એનાથી એક લાખ રૂપિયા વધુ હું મિતાલીની તરફેણ માટે આપીશ.’ 
શું તેમનો દમામ! નેહાલીની જીભ ઝિલાઈ ગઈ. ઠાકોરકાકા-મિતાલી વગેરે પણ સમજીને ઊભાં થઈ ગયાં - ‘આ વિષયમાં વધુ ચર્ચાનો અવકાશ નથી રેવાદીદી, અમને તો તમે કહો એ શિરોમાન્ય.’

આટલી દીદીની અદબ! નેહાલીના બહેર મારી ગયેલા મગજને માંડ કળ વળી. ‘એમ હું દીદીની શેહમાં શાની આવું! અરે, મારી પાસે તો તેમના લફરાનો પુરાવો છે, એમ દીદી મને શાનાં ઓવરટેક કરે! ક્યાં છે દીદી, હમણાં તેમની ખબર લઉં...’
નેહાલીએ જોયું તો રેવા વરંડામાં સૂકવેલાં કપડાં સમેટતી જણાઈ. 
‘હાઉ ડેર યુ...’ તે ધમધમ કરતી વરંડામાં ધસી ગઈ, ‘હું મિતાલીનું પત્તું કાપવા મથું છું ને ઘરની વહુને સપોર્ટ કરવાને બદલે તમે બહારની વ્યક્તિને પોંખો છો?’
‘અવાજ નીચે નેહાલી...’ દોરી પરથી સુકાયેલાં કપડાં ઉતારતી રેવા ટાઢકથી બોલી, પણ તેના શબ્દોમાં સૂસવાટ હતો, ‘મારી સામે એલફેલ બોલવાની છૂટ મેં અંશુને નથી આપી, તને પણ નહીં મળે.’

‘મારા ઘરમાં, મારા સંસારમાં છૂટ આપનારાં, નિયમ રચનારાં તમે કોણ! ઠીક છે અંશુને ઉછેર્યો, તો બદલામાં લાખોની માલમિલકત પણ તો મેળવી! મોટા ઉપાડે લાખોના દાનની જાહેરાત કરો છો એ પૈસો મારા વરના છે, એને હું મારા નુકસાન માટે ઉડાડવા નહીં દઉં, સમજ્યાં!’
‘બસ, નેહાલી, આ તું નથી બોલતી, તારી ભીતરનો કાદવ છલકાઈ રહ્યો છે.’
‘મારી ભીતર કાદવ હોય દીદી, તો તમારી ભીતર પાપ છે - ભાઈથી, આખા ગામથી છાનું રાખી એક પુરુષ સાથે લફરું કરવાનું પાપ!’
‘હેં... નેહાલી આશ્રય સાથેની મારી મુલાકાત વિશે જાણી ગઈ?’ 
‘ભાઈના ઉછેર ખાતર સંસાર ન માંડ્યાનો ઢોંગ રચી તમે મહાન ઠર્યાં, ને નદીકાંઠાના ખૂણેખાંચરે વાંઢા પુરુષની સોબત માણી શરીરની આગ ઠારતાં રહ્યાં એ પાપ નહીં તો બીજું શું હતું? ધૅટ આશ્રય પણ એટલો જ બદચલન... ’ 

સટાક્. રેવાએ પાધરકો તમાચો વીંઝ્‍યો, ‘તારી જીભને વશમાં રાખ નેહાલી, આશ્રય વિરુદ્ધ આગળ એક પણ શબ્દ બોલી તો મારાથી કોઈ ભૂંડી નહીં.’
નેહાલી ઘા ખાઈ ગઈ. 
‘નેહાલી, અંશુના ઉછેર માટે મેં જેકંઈ કર્યું એ મારી ફરજ હતી, અંશને ભાઈ નહીં, દીકરો માનીને કર્યું એ કેવળ નિ:સ્વાર્થ સ્નેહ હતો, તોય અંશુએ, આખા ગામે મને માથે ચડાવી, જ્યારે આશ્રયનું બલિદાન કોઈની, અંશુ સુધ્ધાંની કદી નજરે ન ચડ્યું.’
‘આશ્રયનું બલિદાન?’ નેહાલી ટટ્ટાર થઈ, ‘દીદી, આ શું નવી સ્ટોરી ઘડવા બેઠાં!’
‘આજે તને કહું છું નેહાલી, એ પણ આશ્રયને નહીં જ ગમે... તું અંશુને પણ ન કહેતી.’

‘અંશુને તો મેં તમારા રોમૅન્સનો પુરાવો મોકલી આપ્યો છે’ એવું કહેવાને બદલે નેહાલી એકચિત્તે રેવાને સાંભળી રહી. બાળપણની પ્રીત, માપિતાનું અકાળે અવસાન, અંશના ઉછેરની જવાબદારી સ્વીકારવા આશ્રયની તૈયારી અને છતાં ભાઈને મેણું ન રહી જાય એ માટે રેવાનો લગ્નનો ઇનકાર, અને એવું જ આશ્રયનું તપ... 
રેવાની વાણીમાંથી વહેતું સત્ય નેહાલીએ રચેલું આવરણ વીંધી રહ્યું હતું, એટલી જ તે છિદ્રો પૂરવા અક્કડ બનતી હતી - ‘ના, ના, આ બધું તો ઉપજાવેલું પણ હોય! કોઈ પણ શરત વિનાનો, જેની કોઈ મુદત નથી એવો ઇન્તેજાર આજના જમાનામાં તો કોણ કરે! હમ્બગ.’ 
‘તમે મને મૂરખ ધારો છો?’ પૂછતી નેહાલીને રેવાએ અચાનક જ હાથમાંનાં કપડાં ફંગોળી બન્ને હાથે જોરથી ધક્કો મારી ઘરમાં ધકેલીને વરંડાનું બારણું વાસી દીધું!
‘દીદીની આ હિંમત!’ ભોંય પર પડેલી નેહાલીનું દિમાગ ધમધમ થયું. હાથપગ ખંખેરતી તે ઊભી થઈ ત્યાં રેવાનો હાકોટો સંભળાયો. સાથે જંગલી જાનવરનો ઘુર્રાટ સંભળાતાં કાળજે ચીરો પડ્યો. દરવાજાની પડખેની સળિયાવાળી બારીમાંથી નજર ફેંકી તો...
સમી સાંજે વરંડાની પાળ કૂદી દીપડો અંદર આવ્યો હતો ને ડાંગ પછાડી દીદી એને પડકારી રહ્યાં હતાં!
તમ્મર ખાઈ નેહાલી ભોંય પર ઢળી પડી.

lll આ પણ વાંચો : જંગ (પ્રકરણ - ૧)

ધીરે-ધીરે નેહાલીની પાંપણ સળવળી. કાને પડતા અવાજ સ્પષ્ટ થતા ગયા.
‘આશ્રય, કંઈ કરોને, નેહાલી હજી હોશમાં કેમ ન આવી! અંશુ તેને આમ જોશે તો મને વઢશે કે દીદી, તારાથી નેહાલીનું ધ્યાન ન રખાયું!’
(‘ધ્યાન ન રખાયું? અરે! દીપડાનો અણસાર વર્તાતાં તમે ખુદ ભાગવાને બદલે મને ઘરમાં ધકેલી સુરક્ષિત કરી... તમે તો પોતાના કરતાં પોતીકાને બચાવવામાં માનનારાં નીકળ્યાં રેવાદી!’
નેહાલીનો નિ:શ્વાસ સરી ગયો, ‘હજી પણ તમારી સારપ ન સ્વીકારું તો નગુણી ગણાઉં. મારા માટે તમારા સ્વરમાં તરવરતી ચિંતા આજે અનુભવી શકું છું. તમારા અંતરમાંથી મારા માટે ટપકતું અમી આજે હું બંધ આંખે પણ નિહાળી શકું છું... તમે તો આવાં જ હતાં, દી, હું જ મૂરખી જાણે શું જીતવા જંગે ચડી!’) 
‘વીફરેલી વાઘણ થઈ ડાંગના ચાર ફટકાએ દીપડાને ઊભી પૂંછડીએ ભગાવનારી આમ કાંપે છે! ચિંતા ન કર રેવા, અંશુને જાળવવા, સમજાવવા હું બેઠો છુંને.’
(અને આશ્રય... આ તે પુરુષ કે દેવ! દીદીની બિરદાવણીમાં તેમનો ચસોચસ પ્રણય છલકાય છે ને અંશુની જાળવણીમાં પિતાસ્થાને હોવાનો પડઘો વર્તાય છે! ઓહ, તેમના વિશે મેં શું ધાર્યું, શું બોલી!)

‘જાણો છો આશ્રય, આજે આ જ હાથે મેં નેહાલીને તમાચો માર્યો, ધક્કો માર્યો!’
(‘દીદીના સ્વરમાં સંતાનને તેના ભલા માટે મારીનેય પસ્તાતી માતાનો રણકો છે... શા માટે હું આજ સુધી તેનાથી અસ્પૃશ્ય રહી!’)
‘સાચું કહું આશ્રય, લગ્ન પછી નેહાલીએ ગામ રહેવાનું ઠેરવ્યું ત્યારે જ હું જિતાઈ ગઈ હતી, પણ પછી તેની અમુકતમુક હરકતો અણખટ ઉપજાવતી ગઈ, એને દૂર કર્યા વિના આપણે પરણાય એમ ક્યાં હતું?’

આ પણ વાંચો :  જંગ (પ્રકરણ - ૨)

(‘વર્ષોથી હસ્તમેળાપની વાટ જોતા યુગલના વિધિવત્ એક થવામાં હું આડી આવી! અરેરે.’)
‘નેહાલીની માનસિકતા નદીકાંઠાની મુલાકાતમાં તમે સમજાવી, આશ્રય. અંશુ પ્રત્યેની હકભાવનાને કારણે તેને હું ખટકતી હોવાના તમારા તારણે એટલી રાહત અવશ્ય પ્રેરી કે નેહાલીની મારા અંશુ માટેની ચાહતમાં દંભ નથી, બનાવટ નથી.’
(‘ઓહ, જે મેળમાં દીદી-આશ્રય મને સમજવાની મથામણ કરતાં હતાં એમાં આશ્રયે દીદીનું કપાળ ચૂમવાની નિર્દોષ ચેષ્ટાને કેવા બીભત્સ શબ્દોમાં મેં વર્ણવી!’) 
‘અને મને એટલું જ ખપે, આશ્રય, અંશુ-નેહાલી ખુશ રહે. આશ્રય મને બીજું કંઈ ન જોઈએ.’
રેવાના શબ્દો સીધા અંતરમાં ઊતરી ગયા. નેહાલીની બંધ પાંપણે બૂંદ ઝબકી ને પછી અશ્રુધારા સરી પડી.
lll

‘મેં નક્કી કરી લીધું છે અંશુ, દીદી હવે આ ઘરમાં નહીં રહે.’
નેહાલીના વાક્યથી મેડીની રૂમમાં સોપો સર્જાયો. 
ઘરે દીપડો દેખાયો ને નેહાલી બેહોશ છે જાણી અંશુમાન દોડી આવ્યો. નેહાલી ત્યારે ભાનમાં આવી ચૂકેલી. અંશને મળી રેવાની બહાદુરી વખાણી આડોશીપાડોશી વિખેરાવા માંડ્યા. છેવટે અમે ચાર - હું, નેહાલી, દીદી ને આશ્રય રહ્યાં. એમાં નેહાલી આ શું બોલી ગઈ? દીદીને ઘરમાં ન રાખવાનું મારી નેહાલી બોલે?
અંશુમાનના બદન પર પથરાતી પીડા નેહાલીને ફિક્કું મલકાવી ગઈ - ‘દીદી વિરુદ્ધ મોરચો માંડી હું અંશુના લાગણીતંત્ર પર કારમો ઘા જ કરત કે બીજું કાંઈ!’
પલંગ પરથી ઊતરી નેહાલી અંશની સામે ઊભી રહી ગઈ, ‘તમે માનો છો તમારાં દીદી સૌથી મહાન. ભૂલો છો અંશુ. તમારાં દીદી કરતાંય મહાન એક વ્યક્તિને હું જાણું છું.’
‘અને એ તું!’ અંશ કડવાશભર્યું હસ્યો.
નેહાલીએ ડોક ધુણાવી, આંખમાં અશ્રુ ડબડબ્યાં.
‘નહીં. તમારા ઉછેર માટે દીદીએ ભેખ લેવાનું તમે જાણો છો, પણ તેમની તપસ્યા તો સૌની નજર બહાર જ રહી ગઈ. આ રહ્યો એ દેવપુરુષ, અંશુ...’ નેહાલીએ આંગળી ચીંધી, ‘આશ્રયકુમાર!’
નેહાલીના ઉદ્બોધને, આશ્રય પાછળ લાગેલા કુમારના સંબોધને આશ્રય-રેવા એકસરખાં ચમક્યાં. અંશ જોકે બ્લૅન્ક જ રહ્યો.
‘હજીય ન સમજ્યા અંશ? તમને ઉછેરી સેટલ કરવાનો યજ્ઞ માંડનાર દીદી ન પરણ્યાં, ને બાળપણની પ્રિયતમાના ઇન્તેજારમાં આશ્રય પણ આજ સુધી અપરિણીત રહ્યા!’
‘હેં!’ અંશુમાને ધક્કો અનુભવ્યો.

આ પણ વાંચો : જંગ (પ્રકરણ - ૩)

‘અને હું પાપણ, તેમના-દીદી વિશે શું માનતી રહી, બકતી રહી!’ નેહાલીએ અંશુના હાથ પકડી ધડાધડ પોતાના ગાલ પર વીંઝવા માંડ્યા, ‘મને મારો, ફિટકારો અંશુ! મેં તો તમને ભડકાવવા ફોટો પણ મોકલ્યો... આજે દીપડો ન આવ્યો હોત તો હજીય મારી આંખો ન ખૂલી હોત.’
પોતાનું દરેક કૃત્ય કબૂલી નેહાલી હળવી થતી ગઈ, તેના પાપથી વજનદાર એનો પસ્તાવો હતો, પછી ગણના એની જ હોયને! રડતી-કરગરતી નેહાલીને રેવાએ બાથમાં લીધી - ‘છાની થઈ જા, જો મારા અંશુને તારા માટે કોઈ ફરિયાદ નથી?’
‘મારો અંશુ!’ નેહાલીએ રેવાને નિહાળી, પછી વળગી પડી, ‘હા, હા, દીદી, તમારો અંશુ, મારો અંશુ, આપણો અંશુ!’
ત્યાં રેવાનું ધ્યાન ગયું, ‘આશ્રય, તમે શું ઊભા છો. જુઓ તો, અંશુ કેવો પૂતળા જેવો બન્યો છે...’
આશ્રયે અંશુના ખભે હાથ મૂક્યો, ‘અંશુ...’
એવું જ ધ્રૂસકું નાખતો અંશુ તેને વળગી પડ્યો, ‘હું જ મૂરખ, તમારી બન્નેની પ્રીત મારી નજર સામે હતી, પણ હું નિહાળી ન શક્યો... આજે વિચારું છું તો બધા સંદર્ભ સમજાય છે. દીદી મારી મા બની એ તો સૌએ જોયું, તમે હંમેશાં મારા પિતાના સ્થાને રહ્યા, ને જતાવ્યું પણ નહીં?’ 

‘બસ, અંશુ, મા-બાપે જે કરવું ઘટે એ જ અમે કર્યું, એનો ગણ ન હોય, ગાંડા!’
‘એટલે જ તો હું કહેતી’તી અંશુ...’ નેહાલીએ અંશુ સાથે નજર મેળવવાની હિંમત કરી, ‘દીદી હવે આ ઘરમાં નહીં રહે... તેમને સાસરે વિદાય કરવાનાં છે આપણે!’
‘ઓહ...’ પસ્તાવાથી નિર્મળ થયેલી પત્ની વધુ આકર્ષક લાગી. રેવાએ નેહાલીનો હાથ અંશુના હાથમાં મૂક્યો, ‘તમે બન્ને સુખ-સંપથી રહો એ જ મારું કન્યાદાન.’
કથાના ઉપસંહારમાં એટલું જ કે નેહાલીએ ખુદ મિતાલીનું નામ સરપંચપદે મૂક્યું, ભેગી રેવા-આશ્રયનાં લગ્નની જાહેરાત કરતાં ગામમાં ઉત્સવ છવાયો. આજે બન્ને યુગલના ઘરે પારણું ઝૂલે છે, ખુશાલી જ ખુશાલી છે, કોઈ જંગ નથી.
 
સમાપ્ત

columnists Sameet Purvesh Shroff