કથા સપ્તાહ - જીવનજ્યોત (જલ કી ધારા - 5)

03 May, 2019 01:15 PM IST  |  | સમિત પૂર્વેશ શ્રોફ

કથા સપ્તાહ - જીવનજ્યોત (જલ કી ધારા - 5)

જીવનજ્યોત

જલ કી ધારા

‘હું નિર્દોષ છું!’

ઉષાબહેન રડી પડ્યાં. આજે આ શું થવા બેઠું છે! શુક્રની સવારે રોજની જેમ પોતે ચોરગલીમાં ગોઠવાયાં, આવતાં-જતાંને પાણી પીવડાવવાનું શરૂ કર્યું એમાં એકાદ પ્રૌઢે લીલી ઊલટી કરતાં સાથે આવેલા જુવાન દીકરાએ ધાંધલ મચાવી દીધી - મારા પપ્પાને કોઈએ ઝેર આપ્યું કે શું? ઘરેથી નીકળ્યા બાદ પરબના પાણી સિવાય પપ્પાએ કંઈ જ ખાધુંપીધું નથી - તો તો નક્કી આ પાણીમાં જ ગરબડ! આવવા દો પોલીસને.

તેની હોહાએ ચોરગલીમાં ઉત્તેજના વ્યાપી ગઈ. પાણીમાં વિષના આક્ષેપે ઉષાબહેન ખળભળી ગયાં. પોલીસ આવે એ દરમ્યાન જુવાને ફોન કરી તેનાં સગાંવહાલાંને બોલાવી પિતાજીને ટ્રીટમેન્ટ માટે મોકલી આપ્યા. થોડી વારમાં આશ્રિત તેની ટીમ સાથે આવી પહોંચ્યો.

‘આશ્રિત, મેં કંઈ જ કર્યું નથી. તું તારી ફરજમાં ન ચૂકતો.‘

ઉષાબહેનના શબ્દો પૂરતા હતા. તકેદારીરૂપે પરબ સીલ કરાવી, પાણીના સૅમ્પલ લેવાયા. સાંજે એનો રિપોર્ટ આવ્યો. પાણીમાં કાતિલ વિષના અંશ મળી આવતાં આશ્રિત પાસે ઉષાબહેનની ધરપકડ સિવાય આરો ન રહ્યો. શહેરમાં ઝેરથી પીડાતા બીજા દસ કેસીસ મળી આવ્યા. તમામને પરબનું પાણી પીધા પછી જ તકલીફ થઈ હતી. એમાંથી ત્રણેક તો જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતા હતા.

‘તમે આ શું કર્યું માસી?’ આશ્રિતની પૃચ્છામાં ચિત્કાર હતો, ‘જળ જીવનની ઓળખ છે, જીવનજ્યોત છે, તમે એમાં વિષ ઘોળ્યું?’

‘હું નિર્દોષ છું બેટા,’ ઉષાબહેન રડી પડ્યા, ‘મારી પાસે ઝેર હોય પણ ક્યાંથી? હું તો રોજની જેમ પાણી ભરીને આવી-’

કહેતાં તે સ્થિર થયાં, ડોળા ચકળવકળ થયા - ના, રોજની જેમ ક્યાંથી? હવે તો રોજ સવારે રત્ના ઘરે આવી જતી હોય છે, પાણી તે જ ભરી દેતી હોય છે... આજે પણ બૉટલ્સ તો તેણે જ ભરી - આનો અર્થ સ્પષ્ટ છે, પાણીમાં ઝેર હોય તો એ રત્નાએ જ મેળવ્યું હોય!

ઉષાબહેનના તર્કે આશ્રિતનાં જડબાં તંગ થયાં, તોય જોકે ઉષાબહેનની ધરપકડ તો કરવી જ પડી. ગિરફતાર થયેલાં ઉષાબહેન સમાજ માટે ગુનેગાર બની ગયાં. શરૂમાં તેમના સપોર્ટમાં રહેનારા ચોરગલીવાળા થૂ-થૂ કરવા લાગ્યા.

‘આની પાછળ ખરી કલ્પ્રિટ તું છે ને રત્ના?’

ઉષાબહેનની ધરપકડના કલાક પછી આશ્રિત રત્નાને મળી ઝંઝોડે છે, ‘તેં આ શું કર્યું, રત્ના શું કામ? માસીએ તને આટલો સ્નેહ આપ્યો તેમને જ તેં છેતર્યા? જવાબ દે રત્ના, જેને મેં મારા હૈયે સ્થાપી, તે મૂરત પથ્થરની કેમ નીકળી?’

- અને સાચે જ કોઈ પોતાને ઢંઢોળતું હોય એમ રત્ના હળવી ચીસ નાખતી પથારીમાં બેઠી થઈ ગઈ, સ્થળસમયનો ખ્યાલ આવતાં ધડકતી છાતી પર હાથ દાબી દીધો - ઓહ, સપનું!

શ્વાસોશ્વાસ નિયંત્રિત થતાં તેણે બારીમાંથી જોયું તો આભમાં અંધકાર હતો. રાત્રિ વીતી નથી, રત્ના, એટલે સવાર કેવી ઉગાડવી એ હજુય તારા હાથમાં છે! ઉષામા, આશ્રિતને છેહ ઉપરાંત તું ઝેરનો ભોગ બની શકનારા નિર્દોષોના જીવ જોખમમાં નાખી જ કેમ શકે? આવો વિશ્વાસઘાત કરી જ કેમ શકે?

પણ બીજું હું કરી શું શકું! હું પલટી ન મારું એ માટે અશરફે ધમકી પણ કેવી દીધી છે. મારી પાસે બીજો કોઈ જ માર્ગ નથી?

કપાળ ઠોકતી રત્નાની નજર ચટાઈની સામે મૂકેલી લોખંડની પેટી તરફ ગઈ. આમાં જ તેમનાં વસ્ત્રો, બસો-પાંચસો જેટલી મૂડી રહેતી, પણ રત્ના તો એક્સ-રેની જેમ એનું આવરણ વીંધી આજે સાંજે મૂકેલી ઝેરની શીશી જાણે જોઈ રહી.

જઘન્ય પાપ વહોરવા કરતાં શા માટે આ ઝેરનો ઉપયોગ હું જ ન કરી લઉં! થોડું માને પીવડાવી, બાકીનું હું ગટગટાવી જાઉં પછી ન મજબૂરી રહેશે, ન પાપનો અવકાશ! ઓહ, મૃત્યુમાં જ અમારી મુક્તિ છે!

તેણે પલંગ પર સૂતી મા તરફ દૃષ્ટિ કરી. પાંપણ ભીની થઈ - મને ક્ષમા કરજે, મા. તારો ઇલાજ તો કરાવી ન શકી, બલકે ઝેર દેવા જેવી ક્રૂર થાઉં છું. મારો પગ એવા કૂંડાળામાં પડ્યો છે કે બીજો આરો નથી…

રત્નાની આંખો છલકાઈ, પણ એથી નિર્ણય વહ્યો નહીં.

જોકે જતાં પહેલા આશ્રિતને ચિઠ્ઠી લખી અશરફ તરફથી ઉષામા પર રહેલું જોખમ વર્ણવી દઉં. અશરફ ફરી કોઈ રત્નાને મજબૂર ન કરે એટલું કરવાની વિનવણી કહી તેમની ક્ષમા માગી લઉં... વિશ્વાસ જીતવાના ખેલમાં હું સાચે જ તમારાથી, ઉષામાથી જિતાઈ ગઈ, એટલા મારા શબ્દોનો તેઓ વિશ્વાસ કરે એ જ પૂરતું છે…

અંધારામાં જ કાગળ-પેન ફંફોસી રત્ના રસોડામાં ગઈ, લાઇટ પાડી લખવા બેઠી, પણ હાય રે. બૉલપેનની શાહી પણ હમણાં જ પતવાની થઈ? મળસકે ચાર વાગ્યે આડોશપાડોશમાં પેન માગવા ઓછું જવાય! અને સવારમાં ઝેર ભેળવ્યાનો મારો રિપોર્ટ ન ગયો તો અશરફ મારી તસવીરો... ના, ના એ જોવા મારે જીવતાં રહેવું નથી. મૃત્યુને પોસ્ટપોન કરવાનું મને પરવડે એમ નથી, એમ આશ્રિતને જાણ કર્યા વિના તો મરાય પણ કેમ!

અને તેને ઝબકારો થયો - ટેક્સ્ટ મેસેજ!

રત્ના પાસે સ્માર્ટ ફોન તો નહોતો, પણ હજુ વરસેક અગાઉ સાતસો-આઠસોમાં ખરીદેલો સેકન્ડહૅન્ડ ફોનમાં સૌથી સસ્તું રિચાર્જ કરાવતી રહેતી, એમાં મેસેજ ફ્રી હતા. ખાસ તો પોતે બહાર હોય ત્યારે માની હાલત બગડે તો એ સમયે પાડોશીઓ પોતાનો સંપર્ક કરી શકે એ હેતુથી ફોન વસાવવો ફરજિયાત બનેલો.

અત્યારે એ જ ફોનમાં તે ફટાફટ ટાઇપ કરવા બેઠી:

પ્રિય આશ્રિત,

તમને પ્રિય કહેવાનો હક પહેલી અને છેલ્લી વાર બજાવું છું. મા સાથે હું આ દુનિયામાંથી વિદાય લઈ રહી છું. બીજો કોઈ ઉપાય નથી મારી પાસે… માના ઇલાજ માટે પૈસાની જરૂર હતી-થી શરૂ કરી પોતાને બ્લૅકમેઇલ કરાઈ એ આખી ઘટના ટૂંકમાં વર્ણવી એ લખે છે:

ઉષામાનો વિશ્વાસ જીતી મારે તેમની સાથે વિશ્વાસઘાત કરવો એવી ‘મન્નત’ના મલિક અશરફની શરત હતી. ચેઇન ખૂંચવાની ઘટના મને ઉષામાની નજીક આણવાના પ્રયાસરૂપે હતી. જોકે વિશ્વાસ જીતવાની બાજીમાં હું ખરેખર માના વાત્સલયે રંગાઈ, તમારી પ્રીતે. પછી તમને છેહ તો કેમ દઈ શકું!

અને દગો પણ કેવો! મારે ઉષામાના પરબના પાણીમાં ઝેર ભેળવવાનું - ભલે એથી નિર્દોષ માણસો મરી જાય, અશરફને તો ઉષાબહેનની છબી કલંકિત કરવાનું ઝનૂન સવાર છે. જાણે શા માટે, અથવા, કદાચ પેલા ડ્રગકેસને કારણે!

એ જે હોય તે, આવું જઘન્ય કૃત્ય મારાથી થઈ ન શકે. તમારી નજરોમાંથી ગિરવા કરતાં મોત વહોરવું સારું. ઉષામાને કહેજો, મને ક્ષમા કરે. મારી સાથે માને પણ લઈને જાઉં છું. એ જ ઉચિત છે. સવારે ઊઠીને તમે મારા મેસેજ જોશો ત્યારે હું આ દુનિયામાં નહીં હોઉં હોં. અલવિદા!

- તમારી થઈને પણ થઈ ન શકેલી રત્ના!

લાંબા ખત જેવો મેસેજ ટુકડે-ટુકડે મોકલી રત્નાએ માટલામાંથી બે પ્યાલા ભર્યા. કિચનની લાઇટના અજવાસે બહારની રૂમમાં પેટી સુધી ગઈ. માને જગાડવી જ હોય એમ અવાજ સાથે પેટી ખોલી. એટલે માજી જાગ્યાં પણ - શું કરે છે રત્ના?

‘મા, આશ્રિતે તારા માટે નવી દવા મોકલી છે. એ દેવાની રહી ગઈ.’

આશ્રિતના ઉલ્લેખે સાવિત્રીમા કટાણેય મલકી રહ્યાં. ઉષાબહેન સાથે એકાદ વાર ઘરે આવેલો જુવાન રત્નાને પસંદ કરી લે એવી પ્રાર્થના તેઓ રોજ કરતાં. છોકરો હતો જ કેવો રૂડોરૂપાળો, સંસ્કારી! એ મારા માટે દવા લાવ્યો? તો તો જલદી લાવ, રત્ના!

માની અધીરાઈ પર ફિક્કું હસતી રત્નાએ ઝેરની શીશી મુઠ્ઠીમાં જકડી અને -

તેનો મોબાઇલ રણક્યો. જાણે કહેતો હોય તારે મરવાનું નથી, ઘણું જીવવાનું છે હજુ!

ખરેખર એ કુદરતનું કરવું જ ગણાય કે રત્નાએ માનેલું એમ આશ્રિત રાત્રે પોઢવાને બદલે રેઇડના પ્લાનિંગમાં વ્યસ્ત હતો. ત્યાં મોબાઇલ પર ધડાધડ ટપકેલા રત્નાના મેસેજીસે તેને ચમકાવ્યો. વાંચતો ગયો એમ વ્યક્તિત્વમાં તાણ છવાતી ગઈ. તરત જીપ કઢાવી, રત્નાને ફોન જોડ્યો.

મોબાઇલના સ્ક્રીન પર ઝબૂકતું આશ્રિતનું નામ રત્નાને કંપાવી ગયું. આશ્રિતે મેસેજ વાંચી પણ લીધા? હવે!

‘ક્યારનો ફોન વાગે છે, લેતી કેમ નથી?’ માની ટકોરનો ધક્કો લાગતો હોય એમ રિજેક્ટને બદલે એનાથી રિસીવનું બટન દબાવાઈ ગયું અને તેના હલોએ આશ્રિતે ગજબનો હાશકારો અનુભવ્યો.

‘કોઈ ગાંડપણ ન કરતી, રત્ના, જો તને મારામાં, મારી કાબેલિયતમાં એક ટકો પણ શ્રદ્ધા હોય... હું ન તને બદનામ થવા દઉં, ન ઉષામાસીને...’ બધું જાણ્યા પછી પણ એકશ્વાસે કહેવાતા તેના શબ્દોમાં ભારોભાર પ્રણય હતો.

તેના સાક્ષાત્કાર પછી ઝેર પીવાની જરૂર ક્યાં રહી!

***

ઍટ લાસ્ટ!

‘મન્નત’ની કૅબિનમાં બેઠેલા અશરફને ખડખડાટ હસવાની ઇચ્છા થાય છે. અત્યારે સવારના દસ થયા છે. ખરેખર તો સાત વાગ્યે જ રત્નાનો ફોન આવી ગયેલો કે કામ થઈ ગયું છે... તમારા કહેવા પ્રમાણે ઉષામાની પરબના પાણીમાં તમે આપેલું ઝેર ઘોળી દીધું છે.

‘શાબાશ! આજનો દિવસ ઉષા માટે કયામતનો નીવડવાનો. સાંજે તારા ઇનામના છ લાખ લેતી જજે.‘

જોકે રૂપિયા દેતાં પહેલાં રત્નાની કોરી કાયાને ભોગવી જ લેવાની હતી, પણ એની ઉત્તેજનાથી વધુ એક્સાઇમેન્ટ પરબ પર ઉષાની શું હાલત થતી હશે એની કલ્પનાથી જાગતી હતી. હુસૈનને પણ વકીલ દ્વારા કહેવડાવી દીધેલું કે તારા હિયરિંગ પહેલાં આપણું વેર વસૂલાઈ જવાનું! ખુદ ગુનેગાર એવી ઉષાની જુબાનીનું વજૂદ શું રહેવાનું?

અલીને ચોરગલીના નાકે બેસાડ્યો છે - જેવી ઉષા પર તવાઈ આવે કે મને રિંગ કરજે, એનો તમાશો મારે નજરે જોવો છે!

ત્યાં તો ધડામ દઈ કૅબિનનો દરવાજો ખૂલ્યો ને આશ્રિત ઉપરાંતની પોલીસ પલટન સાથે ધસી આવતાં ઉષાબહેનને ભાળી અશરફ બઘવાયો - યા અલ્લાહ. આ બધું શું છે?

‘ઇન્સ્પેક્ટરસાહેબ, આ રહ્યો અચલ. આણે જ મને ડ્રગવાળી બૅગ આપી આપી હતી. આ જ ચહેરો - આ જ વ્યક્તિ! ’

આંગળી ચીંધી હાંફતા શ્વાસે ઉષાબહેને મૂકેલા આરોપે અશરફની બુદ્ધિ બહેર મારી ગઈ.

‘ગિરફતાર કરો, આ જ માણસ ડ્રગનો સપ્લાયર છે. મારી પરબે આવેલા અલીએ જ મને કહ્યું કે અશરફ જ અચલ છે.’

અલી! અશરફ ફાટી આંખે ઉષાબહેનને તાકી રહ્યો.

‘આ ચહેરો હું ભૂલી ન શકું, આશ્રિત...’

‘ચહેરો, ચહેરો!’ અશરફ ગિન્નાયો. સાવ ઊંઘતો ઝડપવાની આશ્રિતની ચાલ કામિયાબ રહી. અશરફ ભાન ભૂલ્યો, ‘બાઈ જૂઠ બોલે છે, ઇન્સ્પેક્ટર. તે મને ઓળખી જ કઈ રીતે શકે? ત્યારે તો હું ગેટ-અપમાં હતો!’

બોલ્યા પછી તેણે જીભ કચરી, પણ તીર છૂટી ચૂક્યું. તેને હાથકડી પહેરાવતા આશ્રિતે એના વાળ ખેંચ્યા, ‘તારે ઉષામાને ફસાવવાં હતાં, કેમ! પણ તેં પ્યાદું ખોટું પસંદ કર્યું. રત્નાથી અમારી જોડે બેવફાઈ થઈ નહીં. ત્યાં તારા અલીને ઝડપી અમે તને ગિરફતાર કરવા આવ્યા, સવારના રત્નાના ફોનના રેકોર્ડિંગનો પુરાવો તો છે જ, હવે ‘મન્નત’ની સર્ચમાં કાળા ધંધાના જે પુરાવા મળે એ.’

અશરફ કાંપી ગયો. અલીને ઝડપી આશ્રિતે એવી કુનેહથી કામ લીધું કે રત્નાની તસવીરો ફરતું કરનારું પણ કોઈ ન રહ્યું! અહીંની સેફમાં રહેલા બ્લૅકમેઇલિંગના પુરાવા જેવી વિવિધ ‘ક્લાયન્ટ’ની સીડી મને જેલમાંથી જલદી છૂટવા નહીં દે!

ડૅમ ઇટ, ઇટ્સ ઑલ ઓવર નાઓ!

***

‘સૌ સારું જેનું છેવટ સારું.’

અશરફ-હુસૈનને ઘટતી સજા થઈ, છૂટ્યા પછી તેઓ કંઈ કરી શકવાના નહીં; આશ્રિતે એવો ધાક જમાવી દીધો હતો.

દરમ્યાન રત્ના-આશ્રિતની મહોબત પુરબહાર પાંગરી હતી. એ દહાડે, રત્ના પાસેથી વિગતો લઈ આશ્રિતે ઉષાબહેનને જાણ કરતાં પહેલા તો તેઓ બઘવાયાં, પણ રત્ના ઊણી ન ઊતરી એનો સંતોષ પણ હતો. આશ્રિતના પ્લાન મુજબ રત્નાએ અશરફને ભુલાવામાં રાખ્યો. ઉષાબહેનનો તમાશો જોવા એ આવવાનો જ, એ ધારણાને આધારે રત્નાને મનસૂરચાચાની દુકાને ગોઠવી દીધેલી. ત્યાં તેણે અલીને ટ્રેસ કરતાં આશ્રિતે તેને ઝડપી લીધો, પછી ઉષાબહેનને લઈ સરઘસ ‘મન્નત’માં પહોંચ્યું, જેનો ધાર્યો જ અંજામ આવ્યો!

આ પણ વાંચો : કથા સપ્તાહ - જીવનજ્યોત (જલ કી ધારા - 4)

આ બધાથી અલિપ્ત એવાં સાવિત્રીમા એટલું જાણે છે કે પોતાની સારવારનો ખર્ચો હવે આશ્રિતે ઉપાડી લીધો છે ને બહુ જલદી રત્નાનાં તેની જોડે લગ્ન થવાનાં! જમાઈની મદદ લેવાનો સંકોચ નડ્યો તો આશ્રિતે કહી દીધું - મને જમાઈને બદલે તમારો દીકરો ન ગણી શકો મા? સાંભળીને રત્નાની આંખો પણ છલકાઈ ગયેલી.

અત્યારે, કોર્ટના ચુકાદા પછી પરિસરની બહાર નીકળતાં ઉષાબહેને ડાબે-જમણે આશ્રિત-રત્નાનો હાથ પકડ્યો - હવે ચાલો, શુભ લગ્નસ્થળે. ચોરગલીમાં સાવિત્રીમા સહિત સૌ આપણી રાહ જુએ છે. આખા ઘટનાચક્રનો આજ નિષ્કર્ષ.

ખરેખર પરબ સામે સજાવેલા મંડપમાં આશ્રિત-રત્નાનાં લગ્ન લેવાયાં ત્યારે ઉષાબહેને પાર ઊતરવાની ખુશી અનુભવી.

કથાના ઉપસંહારમાં એટલું જ કે આશ્રિત-રત્નાનો સંસાર સદા મઘમઘતો રહ્યો. સાવિત્રીબહેન પહેલાં જેવા સ્વસ્થ બન્યાં અને હા, ઉષાબહેનની પરબ આજે પણ ચાલુ છે. (સમાપ્ત)

Sameet Purvesh Shroff columnists