Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કથા સપ્તાહ - જીવનજ્યોત (જલ કી ધારા - 4)

કથા સપ્તાહ - જીવનજ્યોત (જલ કી ધારા - 4)

03 May, 2019 01:06 PM IST |

કથા સપ્તાહ - જીવનજ્યોત (જલ કી ધારા - 4)

જીવનજ્યોત

જીવનજ્યોત


જલ કી ધારા

બાઇકવાળો ઉષાબહેનની ચેઇન ચોરી ગયાનું જાણી રત્નાએ બુમરાણ મચાવી. અલબત્ત, તે તો કંઈ પકડાયો નહીં, ને પછી ટોળુંય વીખરાયું.



‘ચાલો, હું તમને રિક્ષા સુધી મૂકી જાઉં,’ રત્ના તેમની સાથે રહી. તેમનો થેલો પણ લઈ લીધો.


સામાન્ય, પણ સારા ઘરની જણાતી છોકરી સૂઝવાળી છે. ઉષાબહેનથી કહેવાઈ ગયું, ‘મારે જુહુ ગલી જવાનું છે, તારે એ તરફ જવું હોય તો બેસી જા જોડે.’

‘તો તો હું તમને ઘરે મૂકીને જ જઈશ.’


***

‘યસ રત્ના શું ખબર છે?’ ‘મન્નત’ની સાઉન્ડપ્રૂફ કૅબિનની ખુરશીમાં ઝૂલતા અશરફના પ્રશ્નમાં અધીરાઈ છે.

કાશ, હું મૉડેલ થવા ‘મન્નત’માં ન આવી હોત! જ્યારે પણ એજન્સીના માલિક અશરફ ખાનને મળવાનું થતું, રત્નાથી વિષાદ વાગોળ્યા વિના ન રહેવાતું.

માની સારવાર માટે રૂપિયા જરૂરી હતા અને એ મેળવવા સ્વિમિંગ સૂટ પહેરી ફોટા પડાવવા પડે તોય પડાવવા સુધીનું સમાધાન જાત પૂરતું સ્વીકાર્યા છતાં દિવસો સુધી ‘મન્નત’માં જવા રત્નાના પગ નહોતા ઊપડ્યા.

મને આ ક્ષેત્રનો શું અનુભવ? અરે ‘મન્નત’ સિવાય કોઈ એજન્સીનું નામ સુધ્ધાં મને માલૂમ નથી. એન્જસીવાળા મને ઘડવાનો ચાર્જ નહીં લે!

પણ સામે સમજશક્તિ એમ પણ ટકોરતી કે માનો ઇલાજ નાઇલાજ બની જાય એ પહેલા કંઈક તો કરવું રહ્યું. એક વાર ‘મન્નત‘માં જઈ તો આવું…

છેવટે રત્નાએ ‘મન્નત’માં ડગ મૂક્યા ત્યારે ધરપકડનો ખોફ વળોટી અશરફે ઑફિસમાં બેસવાનું ચાલુ કરી દીધેલું. ઉષાબહેન પ્રત્યેનું ખુન્નસ ઓસર્યું નહોતું. વેર વાળવાની યોજના ગૂંથાતી જતી હતી.

આવામાં રત્નાની એન્ટ્રી થઈ. શરૂ-શરૂમાં તો રત્નાને ‘મન્નત’નો સ્ટાફ બહુ કાઇન્ડ, હેલ્પફુલ લાગ્યો. મૉડેલનો ફોટોશૂટથી અસાઇનમેન્ટ મેળવી આપવા સુધીની સવલત ‘મન્નત’ દ્વારા થતી, અલબત્ત, ચાર્જેબલ બેસિસ પર, પણ પોતાની મજબૂરી જાણી ઑફિસના સેકન્ડ ઇન્ચાર્જ, ૨૬-૨૭ વરસના જુવાન અલીએ ફી અસાઇનમેન્ટ મળ્યા બાદ ચૂકવવાની છૂટ પણ આપી.

‘તમારે રૂપિયાની અર્જન્ટ જરૂર હોય તો હું મારા અશરફશેઠને વાત કરું.’

અલી પાસેથી તેના માલિકની ઘણી તારીફ સાંભળેલી, તેનો ભેટો હજુ થયો નહોતો. અલીના સધિયારામાં ચમત્કારની આશા છવાઈ હતી. અને બીજા મહિને ખરેખર તેનો ફોન આવ્યો - તમારું કામ બને એમ છે, અત્યારે જ આવી જાવ.’

ત્યારે રાતના સવાઆઠ થયા હતા, અત્યારે કોઈ સ્ટાફ નહિ હોય. તો શું થયું, અલી તો છે જને. અવઢવ ન રહી. રત્ના ‘મન્નત’ની ઑફિસે પહોંચી. ખપ પૂરતી લાઇટને કારણે કદાચ વાતાવરણ ગેબી લાગ્યું. દિવસભર ચહલપહલ રહેતી હોય એ જગ્યા ભેંકાર લાગી. રત્નાને સરની કૅબિનમાં મૂકી, સરને ઓળખ કરાવી અલી જોકે અદબભેર નીકળી ગયો. (ખરેખર તો ‘મન્નત’માં અશરફનો સેકન્ડ-હૅન્ડ ગણાતો અલી વાસ્તવમાં પણ તેનો સૌથી વિશ્વાસુ આદમી હતો. ડ્રગના ધંધામાં બૉસ દાઝેલા હોવાનું પણ તે જાણતો અને રત્ના કઈ રીતે હલાલ થવાની એની પણ માહિતી હતી તેને. રત્નાની સ્ટોરી જાણી તેણે જ અશરફને પાત્ર ચીંધેલું - તમારા રિવેન્જ પ્લૉટમાં આ છોકરી ફિટ થાય એમ છે...)

ઉષાબહેન સાથે બદલો લેવાના પ્લાનની બ્લૂપ્રિન્ટ તૈયાર હતી, અને હવે સમય પણ આવી ગયો હતો કે બાજી બિછાવી દેવી જોઈએ. અલીના નીકળ્યા બાદ અશરફે દેર ન કરી, ‘રત્ના, આ ફોટા જરા તું પણ જોઈ લે.’

તેણે ધરેલો મોબાઇલ હાથમાં લેતાં રત્ના કાંપી - આ તો પોતાની જ સાવ નગ્ન કહી શકાય એવી તસવીરો હતી! આવું ફોટોશૂટ મેં નથી કરાવ્યું!

‘જાણું છું...’ તેની હાલતની મોજ માણતો અશરફ ખુરશીને અંઢેલ્યો, ‘આ અમારા અલીની કરામત છે. જાણે ક્યાંથી એવું સૉફ્ટવેર ખોળી લાવ્યો છે કે તસવીર મોર્ફ કર્યાનું કોઈ પુરવારે ન કરી શકે.’ એ હવે રત્ના તરફ ઝૂક્યો. ‘ધાર કે આ ફોટો જ નેટ પર ફરતા થઈ ગયા તો?’

રત્ના ધ્રૂજી ઊઠી. તો તો હું ક્યાંયની ન રહું. અમારા ગરીબની એક જ તો મૂડી, ચારિત્ર્ય! આ હું ક્યાં ફસાઈ!

‘આમ તો આવી તસવીરના બદલામાં હું જોબનની જ માગ કરતો હોઉં છું, તને જુદું કામ સોંપું છું. તારે આ વિધવા બાઈનો વિશ્વસ જીતવાનો છે.’ અશરફે મોબાઇલમાં બીજી તસવીર દેખાડી. પરબ માંડી હોય એમ માટલામાંથી પાણીનો પ્યાલો ભરતી સાઠેક વર્ષની સ્ત્રી કેવી ગરવાઈભરી લાગી.

‘આપણે તેનો આ ગર્વ જ તોડવાનો છે.’

પણ શું કામ? આ સ્ત્રીએ એવું તો તમારું શુ બગાડ્યું? હોઠ સુધી આવેલા સવાલો ગળી જવા પડેલા... એમ તો મેંય અશરફનું શું બગાડ્યું, તોય તેના બ્લૅકમેઇલિંગને તાબે થવું પડે છેને!

‘છતાં તું વિચારી જોજે. કાલે બપોરે મળીએ ત્યારે તારો નિર્ણય બરબાદ થવાનો હશે ક્યાં મને ખુશ કરવાનો... અને હા, તું ઉષાનું નિશાન ધાર્યા પ્રમાણે પાડે તો તારી માના ઇલાજનો ખર્ચો મારો.’

એની ઉદારતા વિશ્વાસયોગ્ય નહોતી જ લાગી, આખરે બ્લૅકમેઇલરનો શું ભરોસો, પણ તોય આશાનું એક કિરણ તો રહ્યું. બીજું કંઈ નહીં તો મારી માના ઇલાજ ખાતર સ્વાર્થી બન્યા વિના છૂટકો નથી…

બીજી સવારે ફરી પોતે ‘મન્નત’ પહોંચી. રત્નાએ હકાર જણાવતાં અશરફ ખંધું હસ્યો હતો. તેણે ઉષાબહેનની જિંદગીમાં પ્રવેશ લેવાનો પ્લાન ગોખાવ્યો અને એ સાંજે જ અશરફનો જ આદમી ચેઇન-સ્નૅચર બની ઉષાબહેનના ગળામાંથી સોનાની ચેઇન ખૂંચવી જાય છે ને મદદગાર બની હું તેમની નિકટ જવાની તક ઝડપી લઉં છું.

ઉષાબહેનને ઘરે મૂકવા રત્ના રિક્ષામાં ગોઠવાઈ, ને સફર દરમ્યાન છૂટક સવાલો દ્વારા ઉષાબહેને રત્નાનો પરિચય મેળવી લીધો. ઉષાબહેન ના-ના કરતાં રહ્યાં, પણ રત્ના તેમને ઘરની અંદર સુધી મૂકવા ગઈ - તમારા ગળે છોલાયું છે, હું ડ્રેસિંગ કરી દઉં… તેમને ત્યાં આવરોજાવરો શરૂ કરવા આટલી કાળજી પૂરતી હતી.

ઉષાબહેનને તેની લાગણી સ્પર્શી ગયેલી. થોડો દુ:ખાવો રહેતો હોવા છતાં ઉષાબહેન ધરાર તેમની પરબે જતાં એ જાણી પહેલી વાર તેમણે માંડેલા યજ્ઞની મહત્તા સમજાઈ, પણ ધરાર જો આનું તેમને અભિમાન હોય! તેમના નિ:સ્પૃહપણામાં પાછી બનાવટ નહીં. ક્યારેક વહેલી સવારે શાકપાંદડું લેવાના બહાને રત્ના તેમને ત્યાં જઈ ચડે – માસી, તમારે કશું લાવવાનું છે? સવારની ચા પણ ચૂલે ચડાવી દે, રિક્ષામાં પરબનો સામાન ગોઠવી દે.

આ દરેક ક્રિયામાં આત્મીયતા પડઘાવા માંડી. રત્ના ભૂલી જતી કે મારે વિશ્વાસ જીતવાનો કેવળ પાઠ ભજવવાનો છે. જાણેઅજાણે રત્ના તેમની હેવાઈ બનતી ગયેલી. સામે ઉષાબહેનનું વાત્સલ્ય પણ ભરપૂર મળ્યું. એના સંજોગ જાણતાં તેમણે રત્નાની હાજરીમાં જ આશ્રિતને ભલામણ કરી- રત્નાને ઘર નજીકમાં કોઈ એવી નોકરી મળે કે નહીં જેથી તે માને પણ સંભાળી શકે?

‘કેમ નહીં?’ આશ્રિતે રત્ના સાથે નજર મેળવેલી, ‘મને થોડો ટાઇમ આપો, હું કંઈક ગોઠવું છું.’

એ નજરનો ભાર અત્યારે પણ રત્નાના હૈયે મીઠી ગુદગુદી કરી ગયો.

ચેઇન-સ્નૅચિંગની ઘટનાના બીજે દહાડે ઉષાબહેન સાથેની મુલાકાતમાં આશ્રિતને પણ મળવાનું થયેલું. પોલીસની જેમ તેણે ઊલટતપાસ કરેલી - તમે તે બાઇકવાળાને જોયો? એનો નંબર યાદ છે?

બધું જાણતાં હોવા છતાં પોતે નકાર ફરમાવતાં તે થોડો અકળાયેલો પણ - તો પછી તમે ધ્યાન શું રાખ્યું?

આમાં ઉષાબહેન માટેની તેની કાળજી, તેની દરકાર છતી થઈ ગણાય. આને જોકે આશ્રિતે અચલના હુમલા સાથે સાંકળી નહોતી, તેને મામૂલી ચેઇનમાં શું રસ હોય? જ્યારે ચરસ પકડાયાની ઘટનાએ ઉષાબહેન-આશ્રિત વચ્ચે વાત્સલ્યની ધરી રચી આપ્યાનું પછીથી જાણી રત્નાએ અંદાજ મૂક્યો - તો તો અશરફના વેરમાં પણ આ જ ઘટના કેમ ન હોય? હુસૈન અશરફનો આદમી હશે? અચલ જ અશરફ હોવાનું અનુમાન તો રત્નાને સૂઝ્યું નહીં, પણ અશરફ ડ્રગનો ધંધો પણ કરી જ શકે એમાં મીનમેખ નહોતો. ક્યારેક થતું, મારે આશ્રિતને આ બધું કહી દેવું જોઈએ?

ઉષાબહેનની વાતોમાં વારેવારે ડોકાઈ જતા આશ્રિત વિશે જાણતી ગઈ એમ તેના સિદ્ધાંત-સાહસ સ્પર્શતાં ગયાં. અંધેરી ખાતે ક્વૉર્ટરમાં રહેતો આશ્રિત સવારે દરિયે જૉગિંગ કરવા ગયો હોય ત્યાંથી ક્યારેક સીધો ઉષાબહેનને ત્યાં આવી ચડે, ત્યારે મળવાનું પણ થતું. શૉર્ટસમાં તેની ઘાટીલી કાયા વધુ મારકણી લાગતી. માસી સાથે અલકમલકની વાતો માંડતો આશ્રિત કડક છાપ ધરાવતા ઑફિસરથી સાવ જુદો લાગતો. સહજભાવે તે રત્નાને પણ ગામગપાટામાં સામેલ કરતો ને રત્ના મુગ્ધ બનતી. ઉષાબહેન હળવેથી સરકી જતાં એનો પણ જુવાન હૈયાંને ખ્યાલ ન રહેતો. એક રવિવારે તેમણે ડિનર પ્લાન કર્યું.

કેટલું યાદગાર રહ્યું આશ્રિત સાથેનું પહેલું ડિનર! ઉષાબહેને રસોઈ મદદમાં આવેલી રત્નાને જ કરવા દીધેલી. આશ્રિત આંગળાં ચાટતો થઈ ગયેલો - તમારા હાથમાં જાદુ છે, માસી, થાય છે તમારા આંગળાં ચૂમી લઉં.

‘ભઈ, રસોઈની કમાલ આજે રત્નાની છે.’ આટલું કહી માસી કંઈ કામ યાદ આવ્યું હોય એમ બહાર સરકી ગયેલાં.

‘હવે હું કોનાં આંગળાં ચૂમું!’ અશ્રિત બબડ્યો ને રત્ના શરમથી લાલચોળ થઈ ગયેલી. આશ્રિતનો હૈયાભાવ છાનો ન રહ્યો. હાય હાય તેમણે સાચે જ મારાં આંગળાં ચૂમ્યાં હોત તો! આખી રાત રત્નાનું કાળજું થરથરતું રહેલું. પછી તો એવું બનતું રહ્યું કે પોતે કોઈ બહાને વહેલી સવારે ઉષાબહેનને ત્યાં પહોંચી જાય ને જૉગિંગ પરથી આશ્રિત પણ ત્યાં જ આવે - માસી, તમારા હાથની ચાનું વ્યસન થઈ ગયું છે.

ઉષાબહેનથી ક્યાં કશું છૂપું રહે એમ હતું? તે ઠાવકાઈથી કહેતાં, ‘ચા પણ રત્નાની હોં. છોકરી મને કશું કરવા દેતી નથી. જે ઘરમાં પરણીને જશે, અજવાળું પાથરી દેશે.’

તેમનું મોઘમ આશ્રિતને પરખાતું એમ રત્નાનેય સમજાતું. હૃદયમાં કંઈકેટલાં સ્પંદનો મહોરી ઊઠતાં. આને જ પ્રીત કહેતા હશે?

રત્ના લજાતી. ક્યાંય સુધી આશ્રિતના ખયાલોમાં ખોવાયેલી રહેતી. તેની ધૂનમાં ધૂનમાં ઘરે ક્યારેક દૂધ ઊભરાતું ત્યારે ઠોકર જેવી લાગતી - આ તું ક્યા રસ્તે ચાલી રત્ના? તારે તો કેવળ ઉષામાનો વિશ્વાસ જીતવાનો હતો. તું આશ્રિતના હૈયા સાથે ક્યાં ખેલી બેઠી? ન ભૂલ કે તું કેવળ અશરફનું પ્યાદું છે. ઉષાબહેનને તેં મા જેવાં માની લીધાં, આશ્રિતને પ્રિયતમ. જ્યારે તેમને તારા અસલી રૂપની જાણ થશે ત્યારે...

રત્ના થથરી ઊઠતી. જાણે હવે અશરફ મને આગળ શું કરવા કહેશે? આજે તેનું તેડું આવતાં કટોકટીનો અંદાજ આવી ગયો. અત્યારે, તેના સવાલના જવાબમાં પોતે ઉષાબહેનનો વિશ્વાસ જીતી લીધો હોવાનું કહ્યું એટલે અશરફની આંખો ચમકી. ઉષાબહેન જેવાં આદર્શવાદીનો વિશ્વાસ જીતવા રત્ના જેવી સંસ્કારી યુવતી જ જોઈએ એ ગણતરી ખરી પડતી લાગતી. તેની નબળી નસ મારા હાથમાં છે, હું કહું એમ કર્યા વિના બિચારીનો છૂટકોય ક્યાં છે!

‘બસ, હવે વિશ્વાસઘાતનો સમય છે.’ અશરફે ડ્રૉઅરમાંથી અઢીસો મિલીની શીશી કાઢી. પોલિથિન બૅગમાં આવી જ બીજી ખાલી બાટલીઓ હતી.

‘આમાં ઝેર છે.’ અશરફે ભરેલી શીશી ઉઠાવી,’ કાલે અમારો જુમ્માનો દિન. સવારે વહેલી ઘરે જઈ તારે આ ઝેર ઉષાબહેનને ત્યાં પાણીમાં ભેળવી દેવાનું. તેના બાટલા ભરી ઉષાબહેન પરબે લઈ જશે, અને પછી એ પાણી પીનારા ટપોટપ મરવા પડશે - વિચાર, કેવો હાહાકાર મચી જશે!’

હેં! રત્ના ધ્રૂજી ગઈ. કેવળ ઉષાબહેન પ્રત્યે વેર વાળવા નિદોર્ષના જીવ લેવાના?

‘સો વૉટ! જીવ લેવાનો આરોપ ઉષાના માથે ચડશે. જિંદગીભર તરસ્યાને પાણી પીવડાવનારીની મહાનતા પર લોકો થૂ-થૂ કરતા થઈ જાય, એ જ મારી મકસદ છે.’ અશરફથી કહેવાઈ ગયું. ‘ડોશીએ હુસૈનને ઝડપાવી ચાલીસ લાખનો ચૂનો લગાવ્યો અમને - તેને આવી જ વસમી સજા દેવાની હોય.’

તેણે રત્નાને નિહાળી, ‘ન માનતી કે અમે તારી ખૈરખબર નથી રાખી. ઉષાને ત્યાં આશ્રિતને મળી મારી વિરુદ્ધ લવારો કરવાની થઈ તો યાદ રાખ-.’ અશરફે દમ ભીડ્યો, ‘મારું તો જે થવાનું હશે એ થશે, મારા આદમી આશ્રિતને જીવતો નહીં છોડે અને તને... વેલ, એક સ્ત્રીને એકસાથે કેટલા પુરુષને ચૂંથી શકે એનો વર્લ્ડ રેકૉર્ડ સરજી દેશે!’

રત્નાને ગળે શોષ પડ્યો.

‘આ પોલિથિન બૅગ ઉષાના રસોડામાં છુપાવી દેજે. આમાં ઘેનની, નશાની દવાઓની ખાલી બૉટલ છે. પોલીસતપાસમાં આટલું મળી આવતાં સ્વીકારાઈ જવાનું કે પરબ માંડનારી ઉષા ખરેખર તો નિર્દોષોના પરપીડનમાં માનનારી વિકૃત દિમાગી ઔરત છે!’

રત્ના આંખો મીંચી ગઈ. ચોરગલીના આત્મજનો ઉષાબહેનને ધૂત્કારતા દેખાયા. લોકોના પથ્થરમારાથી બેહાલ બનેલાં ઉષાબહેનને ગિરફ્તાર કરતાં આશ્રિતના ચહેરા પર ધિક્કાર ખદબદે છે - મેં તમને આવાં નહોતાં ધાર્યાં

આ પણ વાંચો : કથા સપ્તાહ - જીવનજ્યોત (જલ કી ધારા - 3)

‘નહીં નહીં હું પાપણ નથી...’ કરગરતાં ઉષાબહેનનો વિલાપ જોયો ન જતો હોય એમ રત્નાની આંખો ખૂલી ગઈ.

‘ટેક ઇટ.’ અશરફના આદેશે તેણે ધરેલો સામાન સમેટતી રત્નાને તો એમ જ લાગ્યું જાણે સાત જન્મોના પ્રાયશ્રિત્તેય ન ઊતરે એવા પાપનું ભાથું પોતે બાંધી રહી છે! (આવતી કાલે સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

03 May, 2019 01:06 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK