કથા-સપ્તાહ : જવાની (આગ કા દરિયા... - 3)

06 March, 2019 12:42 PM IST  |  | સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ : જવાની (આગ કા દરિયા... - 3)

જવાની

આગ કા દરિયા...

આ શું થઈ ગયું!

માથેરાનની હોટેલમાં પપ્પા-મમ્મીની રેઇડમાં રંગેહાથ પકડાયા પછી મુંબઈ આવ્યે ત્રણ દિવસ થયા છતાં જ્હાનવીને કળ નથી વળી.

બાકી માથેરાન માટેના છેલ્લા સ્ટૉપે ઊતરીને ટટ્ટુ પર બેઠાં ત્યારે આભમાં સંધ્યા આથમી ચૂકેલી. હોટેલમાં કશી તકલીફ ન પડી. મિસ્ટર ઍન્ડ મિસિસ આર્ષ આસ્તિક મહેતાના નામે રુઆબભેર અમે અમારા રૂમમાં પહોંચી ગયાં.

‘અહીં નેટવર્ક નથી એટલે શાંતિ છે. નહીંતર મૉમ કૉલ કરી-કરીને પરેશાન કરી મૂકત...’

‘મૅડમ, હવે તમારાં મમ્મીને જરા બાજુએ મૂકો અને...’ આર્ષ તૂટી જેવો પડ્યો. પોતેય મર્યાદાનું બંધન તોડીને એવી જ ઘેલી થઈ. જોકે કસવાળી શરૂઆત એના મધ્યાહ્ને પણ પહોંચે એ પહેલાં દરવાજો ઠોકાયો ને...

સાંભરીને અત્યારે પણ નિ:શ્વાસ નાખ્યો જ્હાનવીએ.

અવનિ-અનિલ માટે પણ એ આઘાતની ઘડી હતી. સાંજે માર્કે‍ટમાં લટાર મારવા નીકળ્યાં. એ દરમ્યાન અવનિની જ્હાનવીને ટ્રેસ કરવાની ટ્રાય ચાલુ જ હતી, પણ કૉલ લાગતો નહોતો. એ તો દૂર ટટ્ટુ પર સવા૨ એક છોકરી પાછળથી જ્હાનવી જેવી લાગતાં અવનિ જીદ કરીને અનિલને તેની દિશામાં દોરી ગઈ હતી એ જ્હાનવીએ તો પછીથી જાણ્યું.

એ ક્ષણે તો ડૂબી મરવા જેવું લાગ્યું હતું. આર્ષની ઉત્તેજના ઠરી ગઈ હતી.

‘હાઉ ડેર યુ...’ અનિલે આર્ષનો કાંઠલો ઝાલીને પાધરકો લાફો ઠોક્યો હતો, ‘મારી દીકરીને ફોસલાવવાની તારી હિંમત!‘

આર્ષ તો બિચારો કંઈ બોલી ન શક્યો, પણ જ્હાનવી તતડી ઊઠેલી, ‘પપ્પા, તેણે મને નથી ફોસલાવી, હું મારી મરજીથી આવી છું.’

દીકરીના નફ્ફટ વેણે અનિલનું કાળજું ચિરાયું. અવનિએ મામલો સંભાળ્યો, ‘અનિલ, અહીં તમાશો કરવાનો અર્થ નથી. જ્હાનવી, બે મિનિટમાં તૈયાર થઈને નીચે આવ અને...’ તેણે આર્ષ તરફ જોયું.

‘આર્ષ મહેતા. થર્ડ યર MBBS, ગાંધી કૉલેજ.’

‘હં, તારી પાસે જ્હાનવીના ફોટો, લેટર્સ, માસેજિસ - કશું છે? ન પણ હોય તો તારો મોબાઇલ આપ. થૅન્ક્સ. જ્હાનવી, તેના ફોનનો પાસવર્ડ તારી પાસે હશે જ. ચેક ઇટ.’

કેટલી ચોકસાઈથી માએ કામ લીધું! પપ્પા-મમ્મી સાથે તેમની હોટેલે પહોંચ્યા બાદ તડફડ પણ થઈ... જ્હાનવી વાગોળી રહી. ‘જ્હાનવી, તારી પાસેથી આવી ઉમ્મીદ નહોતી.’ અનિલનો વિશ્વાસ ઘવાયો હતો. પોતાની લાડલી આટલું બોલ્ડ કદમ ઉઠાવશે એની કદી કલ્પના નહોતી. આ જ અમારા સંસ્કાર? તારી પરવરિશમાં અમે ક્યાં ચૂક્યા!

તેમને લાગેલો આઘાત જ્હાનવીને પણ એટલો જ ચુભતો હતો. માફી માગીને તે રડી, કરગરી એમ પોતાની પ્રીત સાચી હોવાનો રાગ પણ આલાપ્યો, આર્ષની લાયકાત વર્ણવીને પોતાનો દૃષ્ટિકોણ સમજાવાની મથામણ આદરી.

‘મને તારા લક્ષણે આવું જ કંઈક લાગ્યું હતું. અવનિના ઠપકામાં વ્યથા હતી, ‘તું નાદાન છે જ્હાનવી. જે છોકરો વિના લગ્ને શરીરના ભોગવટા માટે તને ભોળવે તે કદાપિ સાચો જીવનસાથી પુરવાર ન થાય.’

‘નૉટ ફેર મૉમ, સ્પર્શસુખ માટે હું પણ એટલી જ તૈયાર હતી...’ જ્હાનવીની દલીલને અવનિએ અડધેથી કાપેલી.

‘ફરક છે બેટા. એની પહેલ તારી નહોતી.’

જ્હાનવી પાસે આનો જવાબ નહોતો.. માથેરાનથી મુંબઈ આવ્યા પછી પણ કોકડું એવું જ ગૂંચવાયું છે. કામકાજમાં મન લાગતું ન હોય એમ પપ્પા અડધી વેળા ભરીને ઘરે આવતા રહે છે. મમ્મીની રસોઈના સ્વાદમાં ચિંતાની ખારાશ ભળી ગઈ છે. જ્હાનવીનો ફોન જપ્ત છે અને કૉલેજમાં કહી દેવાયું છે કે તેની તબિયત બરાબર નથી. રામ જાણે આ મડાગાંઠનો શું ઉકેલ આવશે!

***

‘મને એક વિકલ્પ સૂઝે છે અનિલ.’ ત્રીજી રાત્રે રૂમના એકાંતમાં હળવેથી અવનિએ ચર્ચા છેડી.

દીકરીની કરતૂતે ભાંગી પડેલો અનિલ અમને ખબર ન પડે એમ રડી લે છે એની અવનિને તો ખબર હતી. એટલું ચાહે છે જ્હાનવીને કે તેને ઠપકારી નથી શકતો, બે તમાચા મારીને તેની કરણીનો ગુસ્સો ઠાલવી નથી શકતો. અવનિ સમજતી હતી કે અનિલને જાળવવા જેટલી જ આવશ્યકતા જ્હાનવીને સંભાળવાની પણ છે. તેને હજી પણ આર્ષના પ્યારમાં દ્વિધા નથી. જ્યાં સુધી તેનો મોહ નહીં તૂટે તેને પોતાની ભૂલ, અમારી પીડા નહીં સમજાય.. આનો એક ઉપાય સૂઝ્યો જે હવે અનિલને કહી દેવા દે.

‘આર્ષ-જ્હાનવીનાં લગ્ન!’

હેં. અનિલ ખળભળી ગયો.

‘અનિલ, આર્ષની લાયકાત આપણા માટે જે હોય એ, જ્હાનવીને એમાં શક નથી. તેની આંખ ખોલવા આપણે લગ્નની વાત મૂકવી પડે.’

એથી શું થશે?

‘એના બે અર્થ સરશે. આપણે કહેણ મૂકીશું એટલે આર્ષના ઘરે તેના પેરન્ટ્સને વાત પહોંચવાની. દીકરાનાં અપલક્ષણો માબાપ સમક્ષ ખુલ્લાં થશે અને બીજું એ કે ફરંદી છોકરો લગ્ન માટે તૈયાર ન થતાં જ્હાનવીનો ભ્રમ આપોઆપ તૂટવાનો.’

અનિલની સમજબારી ખૂલી ગઈ, ‘પણ ધારો કે આર્ષ અને તેના પેરન્ટ્સ લગ્ન માટે માની ગયા તો?’

‘તો પછી આપણે માની લેવું પડે કે આર્ષનો પ્રણય છેતરામણો નથી. કેવળ તે વયસહજ બહેક્યો, એટલું જ. સો બેટર છે કે આ બે-ત્રણ દિવસમાં તેની ફૅમિલીનીયે ભાળ કઢાવી લઈએ આપણે.’

અવનિને જોકે ક્યાં જાણ હતી કે દીકરી માટેનું કહેણ પોતાના ભૂતકાળની કડી સાંધી દેશે!

***

‘વૉટ!’ આર્ષ ડઘાયો.

ગયા અઠવાડિયે માથેરાનની હોટેલમાંથી છૂટા પડ્યા પછી પોતે સવારની બસ પકડી લીધેલી. ઘરને બદલે કૉલેજ પહોંચેલો. કેવાં અરમાન હતાં ને આ શું થઈ ગયું! જ્હાનવીનો સંપર્ક થતો નથી. મંગળવારે કૉલેજ આવેલી તેની રૂમમેટ્સ પાસેથી જાણ્યું કે તે બીમાર હોવાથી હમણાં નહીં આવે.. એમાં આજની સવારે જ્હાનવીનો કૉલ જોઈને પ્રસરેલી રાહત તેનો પ્રસ્તાવ સાંભળીને વરાળ થઈ ગઈ : જ્હાનવીનાં માબાપ અમારાં લગ્ન માટે મારા પેરન્ટ્સને મળવા માગે છે?

‘આઇ નો, થોડું ઉતાવળિયું લાગશે.’

‘થોડું એટલે ઘણું ઉતાવળિયું જ્હાનવી, મૅરેજનો મારો કોઈ જ ઇરાદો નથી અત્યારે.’

‘અત્યારે કે પછી ક્યારેય?’ સામા છેડે જ્હાનવી તંગ થઈ, ‘આર્ષ, મૉમ માને છે એમ ક્યાંક તને કેવળ મારા શરીરમાં જ રસ નથીને?

‘એવું નથી જ્હાનવી.’ આર્ષના સ્વરમાં જોકે મક્કમતાનો રણકો ન ઊપસ્યો, ‘પણ હમણાં લગ્નની પ્રપોઝલ મુકાતાં મારા પેરેન્ટ્સને કેવું લાગશે - આઇ મીન, આપણે માથેરાન ગયેલા એવું તેમણે જાણ્યું તો..’

આર્ષ ઘ્રૂજી ઊઠ્યો. પપ્પા-મમ્મી કંઈ મારશે-ફટકારશે નહીં, પણ પછી લગ્નનો પ્રસ્તાવ ટાળશેય નહીં. તમને જવાની આટલું તડપાવતી હોય તો કરોને કંકુના! જ્હાનવીને નકારવાનું કોઈ કારણ નહીં હોય. મારે જ્હાનવીને ધોકો નથી દેવો એમ આટલા જલદી તો લગ્નબંધનમાં નથી જ બંધાવું. એક વારની અધૂરી રહેલી છૂટની આ કિંમત વધુપડતી ગણાય! ઓહ, આ તો બધું ગૂંચવાઈ રહ્યું છે!

‘આપણે સંબંધ બાંધવો જ હોય તો ગૂંચવણ શાની?’ જ્હાનવીએ ફિલસૂફી ડહોળી, ‘મારા પેરન્ટ્સ મારી ખુશીનું વિચારી પહેલ કરે છે એને તારાં માબાપ વેડફી ન નાખે એ હવે તારે જોવાનું આર્ષ.’

આર્ષને સમજાયું નહીં કે પોતે શું કરવું.

***

‘કરવા જેવું તે કંઈ રાખ્યું જ ક્યાં છે?’

આસ્તિકનું દિમાગ ધમધમતું હતું. વંદનાની નારાજગી દેખીતી હતી : તેં આવું કર્યું? કુંવારી કન્યાને લઈને માથેરાન પડી ગયો? તને અમારા સંસ્કારનો, ખાનદાનની આબરૂનો વિચાર ન થયો?

આર્ષ બચાવની સ્થિતિમાં નહોતો. શનિની ગઈ કાલે જ્હાનવીના ફોન પછી ઘરે આવી જવું પડ્યું. તેના ફાધર મુલાકાત માગે એ પહેલાં પપ્પા-મમ્મીને બ્રીફ કર્યા વિના છૂટકો નહોતો.

દીકરાના આગમને ખુશ થયેલાં આસ્તિક-વંદના તેના ધડાકાએ હેબતાયા : છોકરો આટલો આઝાદ થઈ ગયો?

‘મને તારા પર ગર્વ હતો આર્ષ. આપબળે મેં વ્યાપાર જમાવ્યો. મલાડના સામાન્ય ફ્લૅટમાંથી જુહુના દરિયાકિનારે આલીશાન ફ્લૅટ લેવાની જાહોજલાલી મેળવી એનાથી ક્યાંય વધુ અભિમાન મને તારા પિતા હોવાનું હતું... આજે એ ચકનાચૂર થયું. આટલી ઓછી હરકત મારું લોહી કરી જ કેમ શકે?’

‘વિચારું છું કે તે છોકરી પણ કેવી! લગ્ન પહેલાં છૂટછાટ માણનારી વહુ બનીને આવે એના પ્રત્યે શું માન રહે?’

વંદનાના ઉદ્ગારે આસ્તિકને ભૂતકાળની એક છબિ સાંભરી ગઈ. પછી ડોક ધુણાવી, ‘છોકરીના જેવા સંસ્કાર હોય એ, આપણો કુળદીપક પણ ક્યાં ઓછો ઊતર્યો! એ લોકો તો એમ જ કહેવાના કે તમારા સપૂતે અમારી દીકરીને ભોળવી. તેમના પ્રસ્તાવને માન્યા વિના આપણો છૂટકો નથી.‘

‘પણ ડૅડ, મારે હમણાં પરણવું નથી.’

‘ચૂપ...’ આસ્તિકે લાફો ઠોક્યો, ‘પરણવું ન હોયને તો જુવાનીના ચટકાને જરા કાબૂમાં રાખીએ. હું છોકરીના ઘરબારની તપાસ કરું છું. ફૅમિલી યોગ્ય જણાય તો તમારાં ઘડિયા લગ્ન લઉં છું, જોઈ લે!’

આર્ષે‍ નિ:સહાયતા અનુભવી, પણ હવે શું થઈ શકે?

***

છેવટે એ ઘડી પણ આવી પહોંચી. ડોરબેલ રણક્યો. વરલીથી જ્હાનવી તેના પેરન્ટ્સ સાથે ઘરમાં પ્રવેશી.

મામલે પેચીદો હતો છતાં સંબંધ બંધાવાના ઇરાદે જ આવ્યા હોય એમ ત્રણે સરખા તૈયાર થયા હતા. અવનિએ સ્વીટ પણ ધરી.

વંદનાએ પણ ઘર ચોખ્ખું રાખ્યું હતું. હેવી નાસ્તો તૈયાર હતો. પાણીના પ્યાલા ધરતાં તેણે જ્હાનવીને ઝીણવટથી નિહાળી. છોકરી છે તો સુંદર! આસ્તિકે સવારે જ કહ્યું કે છોકરીના પિતા, કુટુંબનો રિપોર્ટ તો સારો મળ્યો છે...

ત્યાં આસ્તિક પોતે તૈયાર થઈને બહાર આવ્યો અને...

તેને જોતાં જ અવનિને અંતરાશ ચડી. આસ્તિકનું ધ્યાન ગયું. નજર ઝીણી થઈ, હોઠ પર હળવું સ્મિત પ્રસરી ગયું. પછી ઠાવકાઈથી આર્ષ-વંદનાની વચ્ચે ગોઠવાયો.

‘તમારા ફોન પહેલાં મને આર્ષે જે બન્યું એની જાણ કરી...’

ત્યારે આર્ષ-જ્હાનવીની નજર સાચે જ ઝૂકી ગઈ.

‘સાંભળીને આઘાત લાગ્યો. આર્ષને ઘણી ખરીખોટી સંભળાવી, તેનો દોષ જોયો.’ આસ્તિક સોફાને અઢેલ્યો, ‘વંદનાએ છોકરીનો વાંક નિહાળ્યો ત્યારેય મેં કહ્યું કે છેવટે તો આર્ષ જ દોષી ગણાય - પણ હવે ચિત્ર સ્પષ્ટ છે.’

આસ્તિકનું કથન તેનાં પત્ની-પુત્રને પણ સમજાયું નહીં.

‘ઑેનેસ્ટલી અનિલભાઈ, અત્યારે મળતાં અગાઉ મેં આપના વિશે, ફૅમિલી વિશે તપાસ કરાવી એમાં જોકે મધરની અલગથી ભાળ ન કઢાવાઈ.’

અવનિએ ઘરનો ગુંબજ ડોલતો અનુભવ્યો. આર્ષના પિતાનું નામ આસ્તિક હોવાની જાણ થયેલી, પણ એ આ જ આસ્તિક હોવાનું તો ધાર્યું પણ કેમ હોય!

‘જ્હાનવીની મધર અવનિ એટલે અંધેરીના નોકરિયાત સુંદરદાસ મહેતાની દીકરી એમ જાણ્યું હોત તો-તો મારા દીકરાને ઠપકારવાને બદલે હું જ કહી દેત કે જેવી મા એવી દીકરી.’

સૌ કોઈ ડઘાયા. અનિલની મુખરેખા તંગ થઈ. ભલે જે સંજોગોમાં દીકરીનું કહેણ લઈને આવ્યા, એનો અર્થ એ નહીં કે અવનિ વિશે બેહૂદું સાંભળવું!

‘અરે, લગ્ન પહેલાં યાર સાથે ભાગી જવું, શરીરસંબંધ બાંધવો જ્હાનવીના લોહીમાં છે. તેની માનો વારસો છે.’

હેં! આર્ષ-વંદના સુધ્ધાં બઘવાયાં.

‘ઇનફ મિસ્ટર આસ્તિક મહેતા...’ અનિલ ઊભો થઈ ગયો, ‘તમારા સંસ્કાર તમારા દીકરામાં બોલે છે ને તમે મારી પત્નીને વગોવો છો? તપાસમાં રિપોર્ટ તો તમારા પણ સારા મળ્યા મને, થયું કે દીકરી આર્ષને ચાહતી હોય તો ભલે તેની પસંદના રિશ્તાથી ખુશ રહેતી; પણ એને અમારી ગરજ સમજીને તમે મારી પત્ની પર જ આળ મૂકવાના હોય તો ક્ષમા કરજો, આ કિંમતે પ્રણય અને સુખ ખરીદવા મારી દીકરી તૈયાર નહીં થાય.’

‘જી...’ જ્હાનવી પિતાના પડખે ઊભી રહી. આર્ષને આંખોથી ઠપકાર્યો‍ પણ : તારા પિતાને કહે જીભ સખણી રાખે!

‘તમને તો ખોટું લાગી ગયું અનિલભાઈ...’ આસ્તિક છટાથી ઊભો થયો, ‘આનો અર્થ એ કે તમે સચ્ચાઈ નથી જાણતા.’

કેવી સચ્ચાઈ? અવનિ સિવાય દરેકની આંખોમાં પ્રશ્ન ડોકાયો. અવનિ આંખો મીંચી ગઈ.

‘પૂછો તમારાં ધર્મપત્નીને... લગ્ન પહેલાં તેમને કોઈ રાજ નામના છોકરા જોડે લફરું નહોતું? મા-બાપ સંમતિ નહીં આપે એટલે ઘરથી ભાગીને ઠેઠ આબુ નહોતાં પહોંચ્યાં? વિના લગ્ને હોટેલની રૂમમાં રાજ સાથે રાત નહોતી ગાળી?’

આ પણ વાંચો : કથા-સપ્તાહ : જવાની (આગ કા દરિયા... - 2)

શબ્દે-શબ્દે આસ્તિકનો અવાજ ઊંચો થતો ગયો, ચહેરો તપતપી ગયો. પગ પાસે ધડાધડ બૉમ્બ વીંઝાતા હોય એમ સૌ સ્તબ્ધ હતા. દરેક ધડાકો અસ્તિત્વ પર વીંઝાતો હોય એમ અવનિ ચીખી ઊઠી, ‘સ્ટૉપ ઇટ!’ કાને હાથ દઈને તેણે દોટ મૂકી, ‘બસ કરો, બસ કરો!’

સડસડાટ ઘરની બહાર દોડતી અવનિએ ભાગી છૂટવું હતું. દીકરીની કરણી પોતાનો ભૂતકાળ, પોતાની ભૂલ ખુલ્લી પાડી દેશે એવું ધાર્યું નહોતું! દોડતી અવનિને તો એમ જ લાગતું હતું જાણે આસ્તિકના આરોપો હજીયે પોતાનો પીછો કરે છે અને પોતાનું સંસારસુખ એની ગિરફ્તમાં આવી ગયું છે! (ક્રમશ:)

Sameet Purvesh Shroff columnists