આઇ ઍમ બૅકવ (ર્પ્રકરણ-૪)

18 August, 2022 05:02 PM IST  |  Mumbai | Rashmin Shah

‘અરે, જો તું હવે...’ અભિષેકે વિશાલને ગૅલરીની રેલિંગ પર મૂકી, તેના બન્ને પગ પકડી લીધા, ‘હવે જો તું.’ વિશાલ હજુ કંઈ કહે એ પહેલાં જ અભિષેકે તેને નીચેની તરફ ધકેલી દીધો.’

આઇ ઍમ બૅક

‘તારા-સિતારા’ નાટકનો ચોથો સીન પૂરો થઈ ગયો. આ ચોથા સીનમાં ખાસ ઘટના નથી ઘટતી અને એમ છતાં પણ કોઈ ડિરેક્ટર આ ચોથા સીનને ડ્રામામાંથી કાઢી નહીં શકે. ઍક્ચ્યુઅલી, ચોથા સીનમાં એક એવી હિન્ટ મૂકી છે કે ઑડિયન્સને ખબર પડે કે તારા અને સિતારા એક જ વ્યક્તિ છે.’ 
વિશાલે રૂપલ સામે જોયું. રૂપલ આંખ પટપટાવ્યા વિના વિશાલને જોતી હતી. આ નવ વર્ષના છોકરાનો દાવો હતો કે તે તેનો પતિ છે. માત્ર દાવો હતો એવું નહોતું, છોકરો દરેક તબક્કે પુરવાર કરતો હતો કે તે અમર જ છે, 
‘જો હું વાત કરું છું, વાત સાંભળતાં-સાંભળતાં સૂઈ જવાની હો તો મને કહી દેજે. હું ગળું ફાડવાનું બંધ કરી દઉં.’
‘ના, તું વાત કર...’ રૂપલના ચહેરા પર સહેજ સ્માઇલ આવી ગયું, ‘આજે મને ઊંઘ નથી આવતી.’
‘આવું અગાઉ પ૦૦૦ વખત સાંભળી લીધું અને એ પાંચેપાંચ હજાર વખત સાંભળ્યા પછી તને સૂતી પણ મેં જ જોઈ છે.’
‘સૉરી...’
‘નાઉ ફીલિંગ બેટર...’
આ તો અમરનો જવાબ. 
તે હંમેશાં સૉરી સાંભળીને કહેતોઃ 
‘નાઉ ફીલિંગ બેટર.’ 
રૂપલ બેડ પર બેઠી હતી. તેણે પોતાના બન્ને હાથ પહોળા કર્યા. 
‘અહીં આવ...’
વિશાલ ધીમા પગલે આવીને રૂપલના બન્ને હાથ વચ્ચે સમાઈ ગયો.
ત્રીસની ઉંમરે નવ વર્ષના બાળકને ગળા વળગાડતી વખતે માતૃત્વની ભાવના જાગવી જોઈએ પણ, પણ આ નવ વર્ષના બચ્ચાને ગળે લગાડતી વખતે કેમ મનમાં રોમાંચની અને સહવાસની ઇચ્છા જાગે છે?
વિશાલે પોતાના બન્ને પગ રૂપલની કમર ફરતે વીંટાળી દીધા, અમરની જેમ જ.
રૂપલની છાતીમાં ચક્રાવાત શરૂ થઈ ગયો.
- હું... હું... શું કરું? જાતને અટકાવું કે પછી લાગણીના આ બહાવમાં જાતને ખેંચાતી રહેવા દઉં? 
વિશાલનો ચહેરા રૂપલની છાતીમાંથી બહાર નીકળી ડોક 
પર આવ્યો.
હવે વિશાલનો ગરમાગરમ ઉચ્છ્વાસ રૂપલ તેની ડોક પર મહેસૂસ કરી શકતી હતી.
આ એ જ ઉચ્છ્વાસ હતો જે ઉચ્છ્વાસનો ઇન્તજાર રૂપલ નવ વર્ષથી કરતી હતી.
આહ...
વિશાલે રૂપલના વાળ ખેંચી 
ડોક પાછળની તરફ ઢાળી. હવે તેના હાથ રૂપલના નાઇટ ડ્રેસનાં બટન ખોલતા હતા.
lll
‘તું કેમ રૂપલના રૂમમાં હતો?’ રૂપલના રૂમનું ડોર બંધ કરી વિશાલ બહાર આવ્યો કે તરત અભિષેકનો અવાજ તેના કાને પડ્યો, ‘શું કરતો હતો અંદર? ચોરી કે પછી...’
‘અવાજ નીચો રાખ...’ 
વિશાલનો સૂર ધીમો હતો, 
પણ અવાજમાં મક્કમતા ઠાંસોઠાંસ 
ભરી હતી.
રૂપલ સૂઈ ગઈ એટલે એકાદ કલાક પછી વિશાલ રૂમમાંથી બહાર આવ્યો હતો. તેણે મનોમન ‘તારા-સિતારા’ પૂરી કરવાનું વિચાર્યું હતું. છેક નવ વર્ષ પછી લખવાની તક મળી હતી. હવે તે વધુ વખત રાહ જોવા નહોતો માગતો.
‘એય બટેટી, મારી સામે અવાજ નહીં કરતો.’ અભિષેક સોફા પરથી ઊભો થઈ વિશાલ પાસે આવ્યો, 
‘ચાલો બૅગ પૅક કરો. મારે વાત થઈ ગઈ છે, ઘરે. તારે અત્યારે જ અહીંથી નીકળવાનું છે...’
‘સીઈઈઈશ...’ વિશાલે સિસકારો કર્યો, ‘રૂપલ ઊંઘમાંથી જાગે એ મને પસંદ નથી.’
‘તું અહીંથી...’
‘કેમ ડર છે, તારો પ્લાન ખુલ્લો પાડી દઈશ... ’ 
‘મ... મારો કોઈ પ્લાન નથી.’ અભિષેક સહેજ થોથવાયો હતો.
‘અરે હા, પ્લાન તો તારા પરમ પૂજ્ય પિતાશ્રીનો છે. બરાબરને?’ વિશાલે ફ્રિજ ખોલ્યું, ‘પાણી...’
‘મારે નથી પીવું...’
‘અરે, પીવાનું નથી પૂછતો...’ વિશાલનો જમણો હોઠ સહેજ તણાયો, ‘તારા પ્લાન પર પાણી ફેરવી નાખીશ એમ કહું છું...’
‘મારો કોઈ પ્લાન નથી અને, અને હું રૂપલને ચાહું છું.’
‘ઓહ...’ 
વિશાલનાં બન્ને નેણ ઉપર 
તરફ ખેંચાયાં.
‘શું ઓહ...’
‘ખોટાબોલા સાથે હું વધુ વાતો કરું તો મને છાતીમાં દુખાવો થાય છે...’ 
અભિષેક વિશાલને જોઈ રહ્યો.
નવ વર્ષની બટેટી, માંડ ચાર ફુટ હાઇટ. ડરવું પડે એવું દળ પણ નહીં. આ છોકરાને ખતમ કર્યા વિના 
છૂટકો નથી.
હજુ થોડી વાર પહેલાં જ સુધીર દેસાઈએ અભિષેકને આ જ સલાહ આપી હતી.
lll
‘જો બેટા, એવું લાગતું હોય તો રાતે એ સૂઈ જાય એટલે નીચે મૂકી દેજે. સાતમા માળથી પડ્યા પછી 
બચશે નહીં...’
‘પછી કોઈ પ્રૉબ્લેમ....’
‘બેટા, હિંમત તો કરવી પડશેને...’
‘ધારો કે પોલીસ પકડે તો...’
‘તો તારો બાપ તને છોડાવશે.’ સુધીર દેસાઈ નહોતા ઇચ્છતા કે કોઈ કાળે તેમનો પ્લાન ફેલ થાય, ‘જો અભિ, એ ગધેડાને સાઇકિક સાબિત કરવો સહેલો છે. સાઇકિક પુરવાર કરીને આપણે આરામથી સાબિત કરી દઈશું કે વિશાલે આત્મહત્યા કરી. દેખાડી દઈશું કે બે જન્મ વચ્ચેની ગડમથલમાં એ ફસાયો અને પરિણામે તેણે સુસાઇડ કરી લીધું.’
‘પપ્પા, એક વાત પૂછું...’ 
અભિષેકે રૂમના દરવાજે 
આવીને ધીમેથી બહાર જોઈ લીધું હતું. વિશાલ હજુય રૂપલની રૂમમાં હતો. રૂપલ અને વિશાલ વચ્ચે શારીરિક સંબંધો બંધાશે એવી તો તેણે કલ્પના સુધ્ધાં નહોતી કરી. 
ક્યાં નવ વર્ષનો છોકરો અને ક્યાં ત્રીસ વર્ષની છોકરી.
‘ખરેખર પુનર્જન્મ થતો હશે?’
‘જો સાચો જવાબ જાણવો હોય તો જવાબ છે, હા.’ સુધીર દેસાઈએ અભિષેકને હિંમત પણ આપી, ‘જોકે હજુ સુધી સાયન્ટિફિકલી રી-બર્થ પુરવાર નથી થયો...’ 
‘ધારો કે આ અમર હોય તો...’
‘ધાર કે આ અમર હોય તો તારા અને તારા બાપના નસીબમાંથી ત્રણસો કરોડની પ્રૉપર્ટી ગઈ...’ હવે સુધીર દેસાઈ સુધાને ટોણો માર્યા વિના ન રહી શક્યા, ‘સુધા, આ છોકરામાં ખરેખર મારો કંઈ ફાળો છે કે નહીં?’
‘શું તમેય પણ...’
‘શું તમેય પણ...’ સુધીર દેસાઈએ છણકો કર્યો, ‘આ નીચને એટલું નથી સમજાતું કે તેનો બાપ આટલું રિસ્ક લે છે તો એકાદ ટકાનું જોખમ તો તેણે લેવું જોઈએને...’
‘સુધા ઊભી થઈને રૂમની બહાર નીકળી ગઈ અને ફોન પર અભિષેકનો અવાજ આવતો રહ્યો.
‘પપ્પા, પપ્પા...’
‘અરે, ચૂલામાં પડ્યો તારો પપ્પો...’ હૈયાનો પરિતાપ સુધીર દેસાઈની જીભ પર આવી ગયો, ‘એક વાત ધ્યાનથી સાંભળી લે. હું તને રાયચંદ મહેતાના કાડિર્યાક તરીકે કહું છું, એ માણસ 
બે વર્ષથી વધારે ટકવાનો નથી. કાર્ડિયાકને ભૂલી જા, રાયચંદ મહેતાના દોસ્ત તરીકે કહું છું કે એણે વિલમાં જે ત્રણસો કરોડ રૂપલને આપ્યા છે એ તારી રાહ જુએ છે...’
‘સમજી ગયો, પપ્પા. આજે ગમે એમ કામ પતાવી નાખીશ.’ 
‘ધૅટ્સ લાઇક અ સુધીર 
દેસાઈ’સ સન.’
lll
મેં કીધું કે ખોટાબોલા સાથે હું વધુ વાતો કરું તો મને છાતીમાં દુખાવો થાય છે.’ 
વિશાલે અભિષેકના કાનની સાવ લગોલગ આવીને રાડ પાડી, અભિષેક ધ્રૂજી ગયો.
‘સાલ્લા, (ગાળ)...’
‘હેય...’ 
વિશાલની રાડ પછી રૂમમાં એક જોરદાર ચપટી વાગી.
‘અવાજ નહીં...’ 
અભિષેક પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલાં તેના પેટમાં કોઈ વસ્તુ જોરથી અથડાઈ. વિશાલે અભિષેકને પાણીની બૉટલ ફટકારી હતી. 
‘આહ...’ અભિષેક કમરેથી વાંકો વળી ગયો, ‘નીચ...’
‘હજુ ગાળ બોલે છે...’ પેટથી 
વળી ગયેલા અભિષેકની પીઠ પર વિશાલે જમણા હાથની કોણી જોરથી ફટકારી, ‘ગાળ નહીં, આ ઘરમાં અપશબ્દ નહીં...’
નવ વર્ષનો છોકરો, ઉંદરડું ત્રીસ વર્ષના હટ્ટાકટ્ટાને ફટકારે?
અભિષેકનો ઈગો જાગી ગયો. તેણે વાંકા વળેલી અવસ્થામાં જ વિશાલના બન્ને પગ ખેંચ્યા. 
ધડામ...
વિશાલ અવળા માથે જમીન પર પછડાયો.
જમીન પર પડેલો વિશાલ હજુ કંઈ વિચારે એ પહેલાં જ અભિષેકે તેને બન્ને પગેથી ખેંચ્યો. વિશાલને કંઈ સમજ નહોતી પડતી. તે પોતાની જાતને ઢસડતી અટકાવવા માટે હાથથી કંઈ પકડવા માગતો હતો પણ તેના હાથમાં કંઈ આવતું નહોતું.
અભિષેક વિશાલને ઢસડીને ગૅલરીમાં લઈ ગયો.
‘બોલ સાલ્લા કૂતરા...’ 
અભિષેકમાં રહેલો રાક્ષસ જાગી ગયો હતો. તેણે હવે પોતાના બીજા હાથથી વિશાલના બન્ને હાથ પણ પકડી લીધા હતા. 
‘અહીંથી જાશ કે નહીં...’
વિશાલે જવાબ આપ્યો નહીં એટલે અભિષેકે વિશાલને કોથળાની જેમ ઊંચકીને જમીન પર પટકાવ્યો. 
‘ઓહ...’ 
આ મારથી વિશાલની પીઠમાં જબરદસ્ત દુખાવો થવા લાગ્યો હતો. તેણે છૂટવા માટે હવામાં જોરથી ફૂંફાડો માર્યો. જોકે તેનો આ પ્રયાસ વ્યર્થ રહ્યો.
‘હજુ... હજુ ઠેકડા મારે છે...’ 
અભિષેકે ફરી વાર વિશાલને હવામાં લઈ જમીન પર ઘા કર્યો. 
ધડામ...
‘છોડ મને...’ 
વિશાલે ફરી એક વાર એ જ અવસ્થામાં છૂટવા માટે પ્રયત્ન કર્યો. આ પ્રયત્નથી તેનો એક પગ અભિષેકના હાથમાંથી છૂટીને સીધો અભિષેકના ચહેરા પર લાગ્યો.
‘તું આમ નહીં માને, (ગાળ)...’ અભિષેક વિશાલના ગાલ પર 
બે તમાચા ચોડી દીધા, ‘તને નીચે જ 
ફેંકવો પડશે...’
‘નહીં...’
‘અરે, જો તું હવે...’ અભિષેકે વિશાલને ગૅલરીની રેલિંગ પર મૂકી, તેના બન્ને પગ પકડી લીધા, 
‘હવે જો તું.’ વિશાલ હજુ કંઈ કહે એ પહેલાં જ અભિષેકે તેને નીચેની તરફ ધકેલી દીધો.’
હવે વિશાલ સાતમા માળની ગૅલરીમાં ઊંધા માથે લટકતો હતો. વિશાલના પગ અભિષેકના હાથમાં હતા. જો આ પગ છૂટી જાય તો...
‘બોલ...’ અભિષેકે જોરથી રાડ પાડી, ‘બોલ, જાય છે કે નહીં.’
વિશાલ તરફથી કોઈ પ્રત્યુતર 
ન આવ્યો એટલે અભિષેકે ફરીથી 
રાડ પાડી,
‘મોઢામાંથી જવાબ આપ... નહીં તો મારી નાખીશ તને...’
‘મૂકી દે, મને નીચે પણ...’ વિશાલે સામી રાડ પાડી, ‘એટલું યાદ રાખજે. હું પાછો આવીશ. જેમ અત્યારે પાછો આવ્યો છું એમ જ પાછો...’
‘એય અભિષેક...’ એકાએક પાછળથી આવેલા રૂપલના અવાજે અભિષેકને મૂંઝવણમાં મૂકી દીધો, ‘શું કરે છે આ તું...’
‘અરે રૂપલ, હું તો કંઈ... આ જો... મને વિશાલ...’
રૂપલનો અવાજ વિશાલે પણ સાંભળ્યો હતો. અભિષેકનું ધ્યાન 
રૂપલ તરફ ગયું એ વાતનો પૂરો લાભ લઈને વિશાલે પોતાના આખા શરીરની તાકાત એકઠી કરીને ઉપરની તરફ છલાંગ લગાવી. અભિષેક માટે વિશાલનું આ પ્રકારે ઉપરની તરફ આવવું અકલ્પનીય હતું. તે કંઈ સમજે એ પહેલાં તો વિશાલ તેની ગરદને વીંટળાઈ ગયો.
‘યાદ રાખજે... હું પાછો 
આવીશ, આમ જ, આમ જ એક દિવસ પાછો આવીશ...’
રૂપલ કંઈ સમજે, કંઈ કહે એ પહેલાં જ વિશાલે પોતાના શરીરને ગૅલરીની બહાર ઢાળી દીધું. વિશાલની સાથે અભિષેક પણ બહારની તરફ ખેંચાયો. રૂપલનું રૂમની બહાર આવી જવું અને રૂપલના આવવાની સાથે વિશાલનું ઉપરની તરફ ખેંચાઈ આવવું આ 
બન્ને ઘટના અભિષેક માટે ધારણા બહારની હતી.
‘ઓહ...’ 
વિશાલે જેવું પોતાનું શરીર ગૅલરીની બહાર ઢાળ્યું કે તરત જ અભિષેક પણ ગૅલરીની બહાર ફંગોળાયો.
‘આહ, બચાવો...’ 
જમીન પર અભિષેક સૌથી પહેલાં પટકાયો. અભિષેકની પાછળ વિશાલ પણ જમીન પર ઝીંકાયો.
ફરી એક વખત પાછા આવવાના વાયદાની સાથે. 

સંપૂર્ણ

columnists Rashmin Shah