હૈયાનો હાર (પ્રકરણ 2)

28 June, 2022 01:19 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘વારાણસીની પેઢી સાથેના સોદા વિશે આપણી વાત થઈ ત્યારે તેં પ્રૉફિટ માર્જિન એક કરોડનું સૂચવેલું, આકારે અઢી કરોડનો મુનાફો મેળવ્યો! સી ધ ડિફરન્સ’

હૈયાનો હાર (પ્રકરણ 2)

‘આકાર... આકાર!’ 
સોમની સવારે પિતાશ્રીએ વળી આકારને શાબાશી દેતાં અજિંક્યને અણખટ થઈ. 
‘અજિંક્ય...’
પિતાના સાદે અજિંક્યએ મનોભાવ સમેટીને ધ્યાન પરોવ્યું, ‘યસ, પપ્પા.’
‘વારાણસીની પેઢી સાથેના સોદા વિશે આપણી વાત થઈ ત્યારે તેં પ્રૉફિટ માર્જિન એક કરોડનું સૂચવેલું, આકારે અઢી કરોડનો મુનાફો મેળવ્યો! સી ધ ડિફરન્સ.’
પિતા પુત્રને શીખ માટે કહેતા હતા, પુત્રને એ મહેણું લાગ્યું ને મામાસાહેબને અકળામણ થતી હતી ઃ ‘વળી એ જ આકારનો જયજયકાર! નહીં, હવે તો આ આકારનું કંઈ કરવું જ પડશે!’
lll
નવી ડીલની સિદ્ધિ સ્ટાફથી છૂપી ન રહી, તાનિયાનું હૈયું હિલોળે ચડ્યું : ‘જરૂર આ આકાર સરની જ કરણી!’  
‘કૉન્ગ્રેચ્યુલેશન્સ, સર!’ બપોરની વેળા આકારની કૅબિનમાં જઈને તેણે ટહુકો કર્યો.
આકાર મલક્યો. તાનિયાની કંપની તેને ગમતી. તેની નીતિમત્તામાં પોતાનાં જ મૂલ્યોનો પડઘો વર્તાતો. પોતાને જોઈને ખીલી ઊઠે છે એ આકારના ધ્યાન બહાર તો કેમ હોય?
ચાલીમાં રહેતી, મા-બાપની એકની એક દીકરી સ્વમાની હતી, પોતે પરિણીત ન હોત તો અચૂક આ છોકરીના પ્રેમપાશમાં બંધાઈ ગયો હોત. પણ એ શક્ય નથી ત્યારે પોતાના તરફથી તાનિયાની લાગણીને બળ ન મળે એ માટે સાવધ પણ રહેતો.
‘થૅન્ક્સ તાનિયા, પણ ખરેખર તો આ આપણા સૌની સિદ્ધિ છે.’ આકાર ખુરસીને અંઢેલતાં બોલ્યો. ‘જોને આ ખબર રિયાને આપવા છે, પણ મૅડમ પિયર છે અને ફોન લાગતો નથી.’
તાનિયાના મનમાં એનો જુદો જ પડઘો પડ્યો : ‘હું આકારની પત્ની હોઉં તો એક રાતનો વિરહ પામી ન શકું! રિયા કઈ રીતે રહેતી હશે!’
- ત્યારે, પહેલા માળની કૅબિનમાં મામાસાહેબ ખંધું હસી પડ્યા : ‘મારો બેટો!’ 
અજિંક્ય ચમક્યો : ‘શું થયું મામાસાહેબ?’
‘આ જો...’ 
બનેવીલાલ પડખેના રિફ્રેશમેન્ટ-રૂમમાં હતા એનો લાભ લઈ મામાએ પોતાના કમ્પ્યુટરની સ્ક્રીન ભાણિયાત રફ ફેરવી. શોરૂમના સીસીટીવી કૅમેરા તેમના પીસી સાથે કનેક્ટેડ હતા એટલે ઑફિસમાં બેઠાં-બેઠાં મામાશ્રી બહારની તમામ ગતિવિધિથી વાકેફ રહેતા.
‘પેલી અકાઉન્ટ-ગર્લ તાનિયા આકાર સાથે કેવી ગુફતેગૂ કરે છે.’
‘તાનિયા!’ અજિંક્યના ચહેરા પર અચરજ છવાયું. તેને આકારની કૅબિનમાં ભાળી કશું અજુગતું લાગ્યું નહીં, 
‘હોય મામા, આકારનું કામ પડ્યું હશે...’ 
‘ભાણિયા, તું તો બહુ ભોળો!’ મામાસાહેબે મીઠું વઢી, સીસીટીવી કૅમેરાનું અમુકતમુક બૅકઅપ દેખાડ્યું, ‘આ જો, તાનિયા નવરી પડી નથી ને તેની નજર ક્યાં જાય છે - આકારની કૅબિન પર! મેં પણ હમણાં થોડા વખતથી જ ઑબ્ઝર્વ કર્યું...’ 
સીસીટીવીમાં પોતાની ક્રિયા રેકૉર્ડ થઈ કોઈના ધ્યાનમાં પણ આવશે એવું તો તાનિયાએ કેમ ધાર્યું હોય! પણ બે-ચાર દિવસનાં ફુટેજ જોઈને અજિંક્યએ મામાસાહેબનો તર્ક સ્વીકારી લીધો - ‘છોકરીએ આકારને નજરમાં રાખ્યો છે એ ખરું...!’ 
‘પણ એમાં આપણે શું? આકાર છતી પત્નીએ ક્યારેય પરસ્ત્રીનો વિચાર સુધ્ધાં નહીં કરે.’ અજિંક્યથી બોલાઈ ગયું. 
‘મુદ્દો હોય નહીં ભાણા, ત્યાં મુદ્દો ઊભો કરવો પડે... ’મામાસાહેબે વિચારી લીધું, ‘આકારને તારા પિતાશ્રીની નજરમાંથી ઉતારવામાં આ છોકરી આપણું પ્યાદું બની શકે એમ છે, યસ!’ 
-અને બપોરની વેળા વાઉચર પર સહી કરાવવા આવેલી મિતાલીને મામાશ્રીએ બનેવીલાલની ગેરહાજરીમાં અમસ્તું જ ટકોરતા હોય એમ કહ્યું, ‘તમારી કલીગ તાનિયાનું ધ્યાન આકારની કૅબિન પર જ કેમ હોય છે! જોજો જરા.’
આકાર-તાનિયા વચ્ચે ‘કંઈક’ હોવાનો તણખો મૂકવા માટે આટલું પૂરતું હતું! 
lll
‘અરે! તું આવી ગઈ! વેલકમ હોમ, ડાર્લિંગ!’
રાતે શોરૂમથી ઘરે પહોંચેલો આકાર રિયાને ભાળીને ખીલી ઊઠ્યો, ‘યુ ઑલ્વેઝ સરપ્રાઇઝ મી!’ કહી પત્નીને ભીંસી દીધી, તેના અધર ચૂમવા ગયો ત્યાં રિયાએ મોઢું ફેરવી લીધું,
‘ઓહો, આ બધું રૂમમાં. તમે પહેલાં ફ્રેશ તો થઈ જાઓ.’
અને અંદર તરફ જતા પતિની પીઠ પાછળ હળવો નિ:શ્વાસ જ નાખી શકી રિયા!
lll
‘હવે બોલ, ઘરે બધાં કેમ છે?’ ફ્રેશ થઈ ડિનર માટે ગોઠવાતા આકારે ચર્ચા છેડી.
આકાર-રિયાનાં અરેન્જ્ડ મૅરેજ હતાં. પહેલી જ મુલાકાતમાં બન્નેએ એકમેકને પસંદ કરી લીધેલાં.
‘હું ભલે મુંબઈમાં જૉબ કરતો હોઉં, હું થોડો ઓલ્ડ ફૅશન્ડ ખરો.’ આકારે ચોખવટ કરેલી.
‘વાંધો નહીં, હું પ્રમાણમાં મૉડર્ન છું એટલે આપણું બૅલૅન્સ થઈ રહેશે.’
રિયાની નિખાલસતા ગમી ગઈ હતી. બીએ થયેલી રિયા મા-બાપની એકની એક હતી. ફૅમિલી પોતાની જેમ જ ઠીક-ઠીક સંપન્ન ગણાય એવી એટલે લાડકોડમાં ઊછરેલી રિયા સ્માર્ટ અને ફૅશનેબલ તો ખરી જ, મા-પિતાની આમન્યા રાખે એવી કહ્યાગરી પણ લાગી.
અને ત્રણ વર્ષના લગ્નજીવનમાં આકાર સંતુષ્ટ હતો. હા, પોતાને ટૂરિંગ રહેતું એમ રિયા પણ છાશવારે આઠ-દસ દહાડા માટે પિયરનો આંટોફેરો કરે એ નવસારીમાં સંધ્યામાને હવે બહુ રુચતું નથી.
‘ના, મા સંકુચિત નથી. દીકરો મુંબઈ જેવા શહેરમાં એકલો કેમ રહેશે એનુ ટેન્શન હોવા છતાં મને ઉડાન ભરતાં રોક્યો નહોતો અને અહીં શેઠજીના પરિવાર સાથે આત્મીયતા બંધાયા પછી મા નિશ્ચિંત હતી. રિયા પણ તેને વહાલી જ છે, બસ, તેની ગેરહાજરીમાં મને તકલીફ પડે એનું વિચારીને તે બોલી જાય છે હમણાંની, ‘તું બહારગામ હોય ત્યારે રિયા આ બાજુ આવે એ સમજાય, ઊલટું ત્યારે મૅડમ મુંબઈમાં એકલાં રહે ને તારી સાથે રહેવાનું હોય ત્યારે પિયર ધામા નાખે એ મારા ગળે નથી ઊતરતું ભાઈ.’
આકાર હસી નાખતો - ‘મા, અમે બન્ને સાથે બહાર જઈએ તો ઘર બંધ રાખવું પડે, પછી તાળું તૂટતાં કેટલી વાર! એટલે વારાફરતી ગોઠવણમાં રિયાની સૂઝ છે મા, તું એનો ખટકો ન રાખ. એય મા-બાપની એકની એક એટલે પિયરનું ખેંચાણ તો હોય જને.’
‘પિયરની માયા તો સ્ત્રી મસાણમાં જાય ત્યાં સુધી રહેવાની આકુ, પણ લગ્નનાં ત્રણ વર્ષે તો પતિને એકલો મૂકીને ન જવા જેટલી માયા પત્નીને પણ હોવી જોઈએને! હું તો કહું છું એક છોકરું આણી દો એટલે તેના પગ 
બંધાઈ જાય.’
માના ઉકેલે અત્યારે પણ આકાર મલકી પડ્યો. સુરત-નવસારીના ખૈરખબર કહેતી રિયા ચમકી, ‘શું થયું?’
‘એમ જ વિચાર આવી ગયો, રિયા...’ આકારે પત્નીના હાથ પર હાથ મૂક્યો, ‘તને નથી લાગતું, આપણે હવે ફૅમિલી પ્લાન કરી લેવું જોઈએ? નો પિલ્સ ફ્રૉમ ટુડે!’
શરારતી અંદાજમાં બોલાયેલું વાક્ય પત્નીને કેવું ડંખ્યું એની આકારને જાણ હોત તો?
lll
‘કાલે તો મેં પિલ લીધી અશરફ, પણ હવે એ બહુ લાંબું નહીં ચાલે.’ 
બીજી સવારે આકાર ઑફિસે જવા નીકળતાં જ ફ્લૅટ બંધ કરીને રિયાએ તેના પ્રેમીને ફોન જોડ્યો.
સુરતના પિયરના મકાનની ગલીમાં પોતાનું ગૅરેજ ચલાવતા અશરફ સાથે કૉલેજકાળમાં નૈનમિચૌલી થઈ ગયેલી. અશરફ ઠીક-ઠીક દેખાવડો હતો, ગૅરેજ પર સ્કૂટી રિપેર કરાવવા આવતી રિયા સામે આશિકમિજાજ શાયરીઓ ફટકારીને તેણે તેનું હૈયું જીતી લીધેલું. ચડતી જવાનીમાં છોકરીને આવું બધું ગમતું હોય છેને! ડુમસની હોટેલમાં તેની સાથે શરીરસુખ પણ માણી ચૂકેલી તે.
કૉલેજ પતતાં લગ્ન કહો કે નિકાહની વાત આવી ત્યારે ભાન થયું કે પરધર્મી જમાઈને મારાં મા-બાપ કદી સ્વીકારશે નહીં! અશરફનું ગૅરેજ ભાડાનું છે, ઘર ઝૂંપડી જેવું ને આવક પણ એવી તગડી નહીં કે ગુજારો થાય! ના, રિયા તો અશરફ સાથે ‘જહન્નમ મેં ભી રહને કો’ તૈયાર હતી, પણ અશરફે તેને સમજાવી : ‘તુ કિસી પૈસેવાલે સે શાદી કર લે, બાદ મેં કુછ બહાના બના કે ડિવૉર્સ લેગી તો આધી મિલકત તુઝે મિલેગી... એક વાર આર્થિક મજબૂતી મળી જાય પછી આપણને એક થતાં કોઈ રોકી નહીં શકે!’
પ્રણયઘેલું હૈયું પ્રિયતમ કહે એ માનવાનું જ! પરિણામે ડાહી દીકરીની જેમ રિયા મા-બાપે ખોળેલા મુરતિયા તરાશતી એમાં આકાર માવતરને ગમ્યો અને રિયાને ગમવાનું કારણ હતું - મુંબઈના ઘરે મળનારી સ્વતંત્રતા!
બેશક આકાર-અશરફની કોઈ તુલના જ નહોતી. નખશિખ રૂપાળો આકાર શૈયાસુખમાં ચોમાસાની જેમ વરસી ધરતીને પરિતૃપ્ત કરી દેતો, પણ રિયાએ તો ભીંજાવું જ ક્યાં હતું? આકાર તેને માટે અશરફને પામવાના પ્લાનનો એક હિસ્સો માત્ર હતો.
‘અશરફ, તું ખરેખર ઇચ્છે છે કે હું બીજાની દુલ્હન બનું? મારા શરીરને કોઈ પરપુરુષ સ્પર્શે!’
આકાર સાથે સગપણ પાકું થયું ત્યાર પછી પણ પોતે વારી-વારીને પિયુને પૂછેલું, પણ અશરફ સ્પષ્ટ હતો - ‘આપણને આર્થિક સધ્ધરતા ખપતી હોય તો આકારને બલિનો બકરો બનાવ્યા વિના છૂટકો નથી અને તારી કાયા છેવટે તો મારી જ છેને. ભલેને આકાર એની સાથે થોડું રમી લેતો. લક્ષ્ય માટે બલિદાન દેવાં પડે રિયા.’
અશરફ કહે પછી રિયાએ એ કરવાનું જ હોય.
લગ્ન લેવાયાં. રિયાને ફડકો હતો કે સુહાગરાતે આકારને ખબર પડી જવાની કે હું વર્જિન નથી. પણ ના, આકારે એવું કંઈ જ ધ્યાનમાં ન લીધું. ધીરે-ધીરે બોરીવલીના લક્ઝુરિયસ ફ્લૅટમાં જિંદગી થાળે પડી એમ રિયાને અશરફનો દૃષ્ટિકોણ સમજાયો : યુ વેર રાઇટ. જિંદગી આરામથી વીતે એ માટે પૈસો તો જોઈએ. અહીં સઘળાં સુખ છે, મારું પોતાનું બૅન્ક-અકાઉન્ટ છે, ક્રેડિટ કાર્ડ છે, મારી અલગ કાર છે, આકાર મને કદી હિસાબ પૂછતો નથી.’
આનો ગણ માનવાને બદલે રિયા વિચારતી : ‘લગ્ન પછી બીજો તબક્કો ડિવૉર્સનો હતો, પણ તકલીફ એ હતી કે આકારથી છૂટાં પડવાનું કારણ શું આપવું, જે મા-બાપને, સમાજને ગળે ઊતરે, બદલામાં પોતે અડધોઅડધ હિસ્સો માગે એ પણ વાજબી લાગે!
‘આકારનો ફ્લૅટ જ ૭૦ લાખનો છે... એમ સમજને છૂટાછેડામાં સહેજેય ૫૦ લાખ રૂપિયા મળશે...’
એ કાંઈ બહુ મોટી રકમ ન કહેવાય એટલે પણ અશરફ મુદત પાડ્યે જતો : ‘થોડો વધુ ટાઇમ ખેંચી લે રિયા, એકાદ કરોડનો ટાર્ગેટ તો મળવો જોઈએ!’
- ‘પણ હવે બહુ ખેંચાય એવું નથી. આ વખતે નવસારી ગઈ ત્યારે સાસુજી બરાબર બગડ્યાં હતાં - ‘તું આમ આકુને એકલો મૂકીને રખડવા નીકળી પડે એ ઠીક નહીં વહુ!’
અલબત્ત, છાશવારે સુરત જવાનું કારણ મા-બાપ નહીં, અશરફ છે અને તેની સાથેના મિલનની ગુપ્તતા મેં જાળવી જ છે છતાં કોઈકે સાસરીમાં ચાડી ખાધી હોય એટલે મા રખડવા જેવો શબ્દ વાપરી બેઠાં? આની અવઢવ હતી, એમાં અહીં આકારને વળી ફૅમિલી પ્લાન કરવાનો મૂડ થઈ ગયો. ના, મારે તેની સાથે વધુ બંધાવું નથી. આકારથી હવે છેડો ફાડવો જ રહ્યો!’ 
‘નેક્સ્ટ વીક આકાર અઠવાડિયા માટે દિલ્હી-આગરા જાય છે ત્યારે તું આવ, આપણે આનો પ્લાન ફાઇનલ કરી દેવો ઘટે.’ 
lll
‘તમે જવાના!’
શનિવારની બપોરે આકારની સહી કરાવવા ગયેલી તાનિયાથી ઉદાસી જાહેર થઈ ગઈ. તેનો હૈયાભાવ સમજતા આકારે નજર ઊંચક્યા વિના પોતાની ધૂનમાં બોલતો હોય એમ કહ્યું, ‘યા, કાલની ફ્લાઇટ છે, શુક્રવારે પાછો. હૉપ, આ વેળા રિટર્ન થાઉં ત્યાં સુધી ખુશખબર તૈયાર હોય.’
‘ખુશખબર!’
‘તારી સગાઈના...’ તાનિયાને નિહાળી આકારે સ્મિત ફરકાવ્યું, ‘કેમ, તારા પેરન્ટ્સ તારા માટે મુરતિયો જુએ છે કે નહીં!’
તાનિયા શું બોલે! ‘ઘરે મા પણ લગ્નની વાતો ઉખેળી રહી છે, આકાર પણ એ જ ઝંખે છે! પણ હું શું ઇચ્છું છું એ કોને કહું, કેમ કહું?’ 
‘આકાર જોડે બહુ ગપ્પાં માર્યાંને!’
ભારે હૈયે પરત થઈ ત્યાં મિતાલીની લઢણે સહેજ ચમકી જવાયું : ‘તે આમ દાઢમાં કેમ બોલે છે!’
‘લોકો તમે સમજો એટલા બાઘા નથી હોતા તાનિયા, તારા માટે લાગણી છે એટલે કહું છું, પરણેલા પુરુષનો મોહ રાખવાથી કંઈ મળવાનું નથી, બેન!’
તાનિયા પડતી રહી ગઈ. ‘બીજા શબ્દોમાં મિતાલી મારી આકાર માટેની મોહબ્બતને આયનો દેખાડી ગઈ! હાઉ કમ? જેની કોઈને જાણ નથી એ સત્ય મિતાલી સુધી પહોંચ્યું કઈ રીતે?’
‘પ્યાર છૂપે ન ખુશ્બૂ’ મિતાલીના મોઘમે તાનિયાને સમસમાવી દીધી, ‘એવું કંઈ નથી મિતાલી.’ તેણે કહ્યું ખરું, પણ શબ્દોમાં જોર નહોતું. 
‘તો તો સારું...’ મિતાલીએ વાત પતાવી. 
દૂરથી જ આટલું દૃશ્ય નિહાળતા મામાસાહેબ ખંધું મલકીને ત્યાંથી સરકી ગયા. હવે આગળનો પ્લાન પણ ઘડી રાખવો પડશે! 
lll
‘બાય, ડાર્લિંગ.’
રિયાના માથાને ચૂમી આકાર કારમાંથી ઊતર્યો. ઍરપોર્ટની લાઉન્જમાં દાખલ થઈ દેખાતો બંધ થયો એટલે યુટર્ન મારી રિયાએ કાર હાઇવે તરફ ફંટાવી દીધી.
‘અશરફ આવી રહ્યો છે, આકારથી છૂટા પડવાનો પ્લાન લઈને!’  

વધુ આવતી કાલે 

columnists Sameet Purvesh Shroff