એસ્કોર્ટ (પ્રકરણ -3)

26 January, 2022 12:21 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

ધિક્કાર જતાવી તારિકા પછી લાચારી દાખવી તૈયાર થઈ : ‘તમે કહેશો એ કરીશ, પણ મારી માને હેમખેમ રાખજો!’

એસ્કોર્ટ (પ્રકરણ -3)

‘અલી હસનનો જેકોઈ મર્ડર-પ્લાન છે એમાં તેને સ્ટ્રિપરની જરૂર છે, આ કામ માટે તેની નજરમાં હું બેઠી એનું એક કારણ મારી એક્સપર્ટાઇઝ, મારું રૂપ-જોબન તો ખરાં જ, પણ મને ફિક્સ કરતાં પહેલાં તેણે મારી ભાળ કઢાવવી જ હોય જેમાં માના ઇલાજનો તાળો મેળવી તારવવું સરળ છે કે માને બેઠી કરવા મેં કાયાની હાટડી માંડી... જે મા ખાતર મેં મારું જિસ્મ વેચ્યું તેની સલામતી ખાતર હું તું કહીશ એ કરવા તૈયાર થઈશ એ ગણતરીએ અલીએ મને સાથે લીધી...’ 
તારિકાની તારવણીમાં તથ્ય હતું.
‘વિશ્વનાથ ગાંધી. ગુજરાતના આ સપૂતની હત્યાના કાવતરામાં એક ગુજરાતી સ્ટ્રિપર ડાન્સરને પ્યાદું બનાવવામાં તું ભીંત ભૂલ્યો! તું ક્યાંથી જાણે અલી, દેશદાઝના પાઠ મને મારાં મા-બાપે ગળથૂથીમાં પાયા છે. અરે, તેં જેને તાબામાં રાખી છે એ મારી મા તેની અગિયારસનું પુણ્ય વિશ્વનાથની સુરક્ષા માટે અર્પણ કરતી હોય છે! દેશની કંઈક મા-દીકરી-બહેનોએ વિશ્વનાથને તેમની પ્રાર્થનામાં રાખ્યા છે. ભલે માનો જીવ જતો, ભલે મારો જીવ જતો, પણ દેશની ધરોહર સમા વિશ્વનાથને ઊની આંચ નહીં આવવી જોઈએ! માની એ જ શીખ હોય, હેંને મા?’ 
આંખો મીંચીને તારિકાએ માનું સ્મરણ કરીને પ્રેરણા મેળવી લીધી     
‘હવે? અલીને તેના પ્લાનમાં નાકામ કરવા મારે શું કરવું જોઈએ? રાજકીય કે આંતરરાષ્ટ્રીય પીઠબળ વિના દેશના સર્વોચ્ચ નેતાની હત્યાનું આયોજન શક્ય નથી. આ સંજોગોમાં કોના પર કેટલો વિશ્વાસ કરવો!’
‘વિશ્વાસ મૂકી શકાય એવી એક જ વ્યક્તિને હું ઓળખું છું - અજાતશત્રુ!’
- એ જ ઘડીએ અલી હસનનાં પગલાં રૂમ તરફ વળતાં હોવાનું કળાતાં તારિકાએ દોડીને પલંગ પર લંબાવી દીધું!
lll
સવારે અલી બાથરૂમમાં ગયો કે તરત તારિકાએ માકો જોયો. ‘ના, ફોન પર વાત કરવી શક્ય નથી.’ તેણે અજાતશત્રુને મેસેજ કરી દીધો : ‘નીડ યૉર હેલ્પ. અવર પીએમ લાઇફ ઇન ટ્રબલ. જેની સાથે હું અમ્રિતસર આવી છું એ અલી હસને કોઈ સતવંત સિંઘ સાથે મળીને તેમના મર્ડરની સાજિસ કરી છે. મારી મા પર તેણે પહેરો બેસાડ્યો છે. સમજાતું નથી, તે મારો શું ઉપયોગ કરવાનો છે... હું તેને નહીં જ ગાંઠું, પણ પ્લીઝ, તમે આપણા વડા પ્રધાનને ઉગારી લેજો!’ 
મેસેજ સૅન્ડ કરતાં તે હાંફી ગઈ. અલીની નજરે ન ચડે એ માટે પોતાના અકાઉન્ટમાંથી લખાણ ડિલીટ પણ કરી નાખ્યું.
બીજી પળે અડધા ઉઘાડા અલીએ દેખા દીધી, ‘હની, નીડ યૉર ફોન. મારા ફોનમાં બૅટરી ડાઉન છે.’
‘આ તો બહાનું. ખરેખર તો બદમાશને યાદ આવતાં મારું સંપર્કનું એકમાત્ર સાધન પોતાના કબજે કરી લીધું. ઓહ, મેસેજ વાંચીને અજાત ફોન કરવાના થયા તો...’
તારિકા ધ્રૂજી ઊઠી.
જોકે અજાતે ફોન કર્યો પણ હોય તો રિંગ વાગવાની નહોતી, કેમ કે બાથરૂમમાં જઈને અલીએ તારિકાનો ફોન સ્વિચ્ડ-ઑફ કરી દીધેલો! નાહીને બહાર આવીને કહી પણ દીધું, ‘તારો ફોન પડતાં તૂટી ગયો. ડોન્ટ વરી, સાંજે તને નવો અપાવી દઈશ!’
આમ કહેતી વેળા અલીને તો ખાતરી હતી જ કે ‘આજની સાંજ તારિકાના નસીબમાં જ નથી. મિસાઇલ-અટૅકમાં ખુવાર થનારા હજારો લોકોમાં તે પણ હોવાની! ચાર માળની હોટેલની ટેરેસની પાળે તારિકાનો શો શરૂ કરાવી, ભીડ ભેગી થવા માંડે, વડા પ્રધાનનો કાફલો આવી જાય એટલે હું તો સલામત સ્થળે સરકી જઈને પછી મિસાઇલ-ટીમને ગ્રીન સિગ્નલ આપી દઈશ...’
‘પછી એક ધડાકો ને વિશ્વનાથનો ધી એન્ડ!’
lll
- અને વડા પ્રધાનનું હેલિકૉપ્ટર અમ્રિતસરની ધરતી પર ઊતર્યું. ટીવીની ન્યુઝ-ચૅનલમાં તેમની સુવર્ણમંદિરની યાત્રાનાં દૃશ્યો પ્રસારિત થવા લાગ્યાં.
અલી આંખ-કાન ટીવી પર માંડીને બેઠો હતો. તારિકાનો જીવ પણ ચૂંથાતો હતો, પરંતુ તે દેખાવા નહોતી દેતી. અલીના નિશાના પર વડા પ્રધાન જ હોવા વિશે શંકા નહોતી. મીડિયા દ્વારા વડા પ્રધાનની યાત્રા બાબત અપડેટ રહેવાની અલીની ચોકસાઈ જ સૂચવે છે કે તેનું નિશાન નીચું નથી! બપોરનું ખાણું રૂમ પર સર્વ કરવા આવેલો વેઇટર બોલી ગયેલો : ‘પીએમના કાફલાને કારણે કેટલીય જગ્યાએ ટ્રાફિકનું ડાયવર્ઝન અપાયું છે. આમ તો સામેના ફ્લાયઓવર પરથી જ કાફલો પસાર થશે, પણ એ સમયે બાલ્કનીમાં ઊભા રહેવાની મનાઈ છે.’
‘હે ભગવાન... અજાતે મારો મેસેજ વાંચ્યો હોય તો તેમના પ્રયાસમાં કચાશ નહીં જ રાખે, એમ તારે પણ કંઈક કરવું રહ્યું, તારિ!’ 
- અને એ ઘડી આવી પહોંચી. વડા પ્રધાન પાર્ટીના મુકામે પહોંચ્યાનું જાણી અલી ટટ્ટાર થયો. ‘બે કલાકમાં તેમની સવારી પાર્ટીના મથકેથી નીકળશે. ટેરેસની ચાવી મેં લઈ રાખી છે. સતવંતના આદમીઓ તૈયાર છે આમ તો તારિકાના કામ માટે જેહાદી ગર્લનો ઉપયોગ થઈ શક્યો હોત, પણ ધંધાદારી એસ્કોર્ટનુ સૂચન મારું જ હતું એટલે પણ તારિકાને મનાવવી રહી!’ 
‘ડાર્લિંગ...’ તે તારિકાની નજીક બેઠો, ‘તું જાણે છે, તારી મા મારા કબજામાં છે!’
lll
‘વૉટ!’ તારિકા ચિલ્લાઈ, ‘તમે ટેરેસની પાળે, જાહેરમાં મને સ્ટ્રિપ ડાન્સ કરવા કહો છો? હું ન કરું તો મારી માને મારી નાખવાની ધમકી આપો છો!’
રોષ જતાવતી તારિકાના દિમાગમાં ફટાફટ ગણતરી મંડાતી હતી : ‘અલીનો ઇરાદો હવે સ્પષ્ટ છે... હું ન જ માતું તો એનોય વિકલ્પ રાખ્યો જ હશે અલીએ, નૅચરલી.  ટેરેસ પર મને નચાવી તે ભીડ ભેગી કરીને વડા પ્રધાનના કાફલાને અવરોધવા માગે છે. ટ્રાફિકમાં અટવાયેલા વડા પ્રધાન સાથે ગમે તે થઈ શકે!’
- ‘પણ હું એવું નહીં થવા દઉં. વડા પ્રધાન અહીં આવવા નીકળે ત્યાં સુધીનો સમય છે મારી પાસે. ત્યાં સુધી હું તારી બાજી પલટી નાખવાની અલી! મારી જે સ્કિલને કારણે તેં મને પસંદ કરી એને જ હું હથિયાર તરીકે વાપરવાની!’
ધિક્કાર જતાવી તારિકા પછી લાચારી દાખવી તૈયાર થઈ : ‘તમે કહેશો એ કરીશ, પણ મારી માને હેમખેમ રાખજો!’
અલીએ પાસા પોબાર પડ્યાની રાહત અનુભવી.
‘મને જાહેરમાં નચાવીને તમને શું મળવાનું છે એ હું નથી જાણતી...’ જાણે પોતાને વડા પ્રધાન પરનું સંકટ ધ્યાનમાં જ નથી એ ઢબે બોલી તારિકાએ ગરદન ટટ્ટાર કરી, ‘પણ પબ્લિકમાં થનારા પર્ફોર્મન્સ પર્ફેક્ટ રહે એ માટે મારે રિહર્સલ કરવાં પડે!’
તેણે અલીએ લાવી રાખેલી મ્યુઝિક-સિસ્ટમ ચાલુ કરી. એવો જ આશાનો માદક સ્વર ગુંજી ઊઠ્યો : ‘બાંગો બાંગો બાંગો!’
ફાસ્ટ રિધમમાં અત્યંત અશ્‍લીલ ચેનચાળાથી તારિકાએ અલીમાં રહેલા પુરુષને ધગવી મૂક્યો. તારિકાના આવા ડાન્સ પર વડા પ્રધાનના કમાન્ડો પણ ભાન ભૂલશે એ વિચારે ઉત્તેજના વધી. એ તરાપ મારવા જતો ને તારિકા સરકી જતી, માદક ઇશારાથી તેને વધુ ને વધુ લલચાવતી. અંતિમ વસ્ત્ર સરકાવતી તારિકા તરફ લાલ કપડું જોઈ ભડકતા આખલાની જેમ ઊંધું ઘાલી ધસી ગયો.
- અને એ જ પળની રાહ જોતી તારિકાએ બાજુમાં પડેલું વાઝ ઉઠાવીને તેના માથામાં ફટકાર્યું.
જે બન્યું એનો ખ્યાલ આવે એ પહેલાં અલી ઊંધા માથે ફર્શ પર પછડાયો. માથામાંથી લોહી વહેતું હતું, ફૂલદાનીના કાચની કરચો ઘોંપાઈ હતી. ગાળ બોલતો તે ચત્તો થાય ત્યાં સુધીમાં તો આજુબાજુ વેરાયેલા ફૂલદાનીના કાચ મુઠ્ઠીમાં લઈ તારિકાએ અલીના મોઢામાં દબાવ્યા : ‘તું આજ લાગનો છે, બદમાશ!’
મોઢામાં ગયેલા કાચના ટુકડાએ અલીને અસહ્ય વેદના થઈ. ત્યાં તો બીજો ફટકો મારી તારિકાએ તેને બેહોશ કરી દીધો. ફટાફટ પોતાનાં વસ્ત્રો પહેરી તેણે અલીના હાથપગ ચાદરથી બાંધ્યા. તેનો અને પોતાનો મોબાઇલ લઈને રૂમની બહાર નીકળી. સડસડાટ મૅનેજર પાસે પહોંચી : ‘ઇમર્જન્સીમાં હોટેલ ખાલી કરવાની થાય તો ઉતારુઓને ચેતવવા માટે ઘણી હોટેલવાળા પબ્લિક ઍડ્રેસ સિસ્ટમ રાખતા હોય છે. તમારી પાસે છે? મને બતાવશો? ઇટ્સ અર્જન્ટ!’
આધેડ વયના મૅનેજરને તારિકાની માગણી-અર્જન્સી સમજાઈ નહીં, પણ અમારી હોટેલ વેલ ઇક્વિપ્ડ છે એ બતાવવાની હોંશમાં તેણે માઇક-સ્પીકર મગાવ્યાં. એની ઑપરેટિંગ સિસ્ટમ સમજી લઈ તારિકાએ ‘થૅન્ક્સ’ કહીને ડાબા-જમણા હાથમાં માઇક-સ્પીકર પકડીને બહાર દોટ મૂકી.
‘સાંભળો... સાંભળો! આપણા વડા પ્રધાનની હત્યાનું કાવતરું થયું છે! ફ્લાયઓવર પર તેમના કાફલાને આંતરીને ઉડાડી દેવાનો પ્લાન છે... સૌકોઈ સાબદા રહેજો!’
સડકની વચ્ચોવચ સ્પીકર પર ચિલ્લાતી યુવતીને લોકો અચરજથી જોઈ રહ્યા. તેના સંદેશાએ ચકચાર જગાવી દીધી. પોતે કઈ દિશામાં દોડે છે એનું તારિકાને જ્ઞાન નહોતું, પણ પાર્ટી-મથકેથી નીકળનારા વડા પ્રધાન માટે રસ્તો ક્લિયર રખાયો હતો. એના પર દોડતી યુવતીનો સંદેશ એટલો સ્ફોટક હતો કે માર્ગમાં ઊભેલા પોલીસ-સ્ટાફને તેને રોકવાનું સૂઝે એ પહેલાં તો ઑલિમ્પિકની રેસમાં ગોલ્ડ મેડલ માટે દોડતી હોય એવી દોટ મૂકનારી તારિકા પાર્ટી-મથકના પ્રાંગણમાં વડા પ્રધાનના કાફલા સુધી પહોંચી ગઈ!
- ‘અને આ શું! વડા પ્રધાનની સુરક્ષા માટેની સ્પેશ્યલ સ્ક્વૉડમાં સૌથી આગળ બ્લૅક ગૉગલ્સ, સફારી સૂટમાં સજ્જ જુવાન મને અજાત જેવો કેમ દેખાય છે!’
જોખમની વૈતરણી પાર કરીને આવેલી તારિકાનાં ફેફસાં ફાટતાં હતાં, બોલવાની હોંશ નહોતી, ઊભા રહેવાની શક્તિ નહોતી, ‘સુનિયે... સુનિયે...’ કહેતી તે ઢળી પડી કે તરત બ્લૅક કમાન્ડોના વેશમાં રહેલો અજાત દોડતો આવ્યો અને તેને થામી લીધી, ‘રિલૅક્સ... તારિ. હું જ છું, અજાત. તારા મેસેજે અમને ચેતવી દીધેલા તારિ... સુવર્ણમંદિરથી વડા પ્રધાન ગુપ્ત રીતે દિલ્હીભેગા થઈ ગયા છે તારિ... હી ઇઝ સેફ.’
આટલું સાંભળતાં જ તારિકાએ હોંશ ગુમાવ્યા.
lll
‘હા, હું જાસૂસ છું. આપણી પહેલી મુલાકાતનું પ્રયોજન પણ મલ્હોત્રા વિશેના મારા મિશનની જાણકારી મેળવવાનું હતું. એના આધારે જ બાકીની તપાસ થઈ, મને યશ મળ્યો...’
અમ્રિતસરની ઘટનાને પખવાડિયું વીતી ગયું છે. રજામાં મને મુંબઈના ઘરે મળવા આવેલા અજાતને કેટલું કહેવાનું છે, તેની પાસેથી કેટલું જાણવાનું છે! 
‘ગુપ્તચર ખાતાને એટલા ખબર હતા કે પંજાબમા કશીક નવાજૂની થવાની... તારા મેસેજથી મેં મારા ઉપરીને વાત કરી, અમે પ્રાઇમ મિનિસ્ટર સરને રૂબરૂ મળ્યા. તેમણે શું કહ્યું, ખબર છે? તમને મેસેજ કરનારી છોકરીની માનો જીવ બચતો હોય તો જ મને બચાવજો.’
‘ઓહ.’ તારિકા કૃતાર્થ થઈ. 
‘આખા ઑપરેશનની જાણ અમારી સ્પેશ્યલ વિન્ગના છ-આઠ કમાન્ડો સિવાય કોઈને નહોતી. અમારામાંના એક વિક્રાન્તે તારાં મધરની મુક્તિનો મોરચો સંભાળ્યો.’ 
તારિકાને આની જાણ હતી. દીકરી અમ્રિતસર ગઈ એના થોડા કલાકમાં ‘તારિકાએ તાકીદનો સંદેશો મોકલ્યો છે’ કહીને ઘરમાં આવેલા અજાણ્યા આદમીએ દરવાજો બંધને કરી ગન દેખાડતાં સાવિત્રીમા હેબતાયેલાં, દીકરીનો જીવ જોખમમાં છે જાણી તાબે થયા વિના છૂટકો નહોતો રહ્યો... પણ બીજી બપોરે ભિક્ષુક બનીને દરવાજે આવેલા વિક્રાન્તે અલીના આદમીને ગફલતમાં રાખ્યો. ભિક્ષાપાત્રની કળ દબાવીને બેહોશીની દવાવાળી સોય અલીના આદમીના બાવડે ઘોંચાતાં તેણે હોંશ ગુમાવ્યા અને માએ મુક્તિનો શ્વાસ લીધો!
‘મુંબઈથી વિક્રાન્તનો સંદેશ મળ્યા બાદ જ વિશ્વનાથજી દિલ્હી પાછા જવા રાજી થયા.’ અજાતે ઉમેર્યું, ‘એક ટુકડીએ સતવંત સિંઘને ઘેરીને તેના આદમીઓને રોકી રાખ્યા, બીજી ટુકડી તને ઉગારવા હોટેલની ટેરેસના રસ્તે આવવાની હતી, પણ એ પહેલાં તેં બહાદુરી દાખવી, બેહોશ અલી ગિરફતાર થયો, તેના તરફથી સિગ્નલ ન મળતાં મિસાઇલ છૂટ્યું નહીં, અલબત્ત, અમારી સર્ચ-ટીમે એનો પત્તો મેળવી લીધો ખરો...’
તારિકાએ ઊંડો શ્વાસ લીધો. એક દોટે પોતાને જગમશહૂર કરી દીધી. શબનમ જેવા લોકો ડઘાયા પણ ખરા. અલીના કાવતરાની વિગતો બહાર નહીં પડે, પરંતુ આટલી પબ્લિસિટી પછી પોતે એસ્કોર્ટ છે એ સાવ છાનું રહેવાનું પણ નહોતું. કમસે કમ તારિકાએ માથી તો છાનું રાખવું જ નહોતું. સત્ય જાણી સાવિત્રીમા ડઘાયાં, પણ પછી દીકરીની બહાદુરી યાદ રાખીને બાકીનું વિસારે પાડ્યું - ‘તારું સંસ્કારપોત તેં ખરડાવા નથી દીધું લાડો, મને બીજું શું જોઈએ! આજે અજાતને જોઈ-મળીને મા રાજી પણ થઈ.
જોકે પછી અજાતે દેશના વડા પ્રધાનને બચાવવા જીવનું જોખમ ખેડનાર યુવતીની બહાદુરી જોઈને પીએમઓ તરફથી દેશની જાસૂસી સંસ્થામાં ભરતી થવાનો પ્રસ્તાવ મળ્યાનું કહેતાં તારિકા ડઘાઈ, પણ એનો  સ્વીકાર જ હોયને! અજાતની જેમ તે પણ હવે જાંબાઝ જાસૂસ બનવાની. દેશને સમર્પિત રહેનારી તેમની જિંદગીમાં લગ્ન, બાળકોને સ્થાન નહીં હોય, પણ દેશભક્તિ આ બધાથી ક્યાંય ઉપર હોય છે!
દૂર ક્યાંક લતાના કંઠમાં ‘વંદે માતરમ’ની ગુંજ ઊઠી ને અજાત-તારિકા ઘરના દ્વારે લહેરાતા તિરંગાને સલામી અર્પી રહ્યાં.
 
સમાપ્ત

columnists Sameet Purvesh Shroff