એસ્કોર્ટ (પ્રકરણ -2)

25 January, 2022 06:57 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘જાણે છે તારિ...’ અજાતના સાદે તેને ઝબકાવેલી, ‘મેં પાર્ટી આપી હોત તો તું મારી સ્પેશ્યલ ગેસ્ટ હોત.’

એસ્કોર્ટ (પ્રકરણ -2)

‘અજાતશત્રુ.’
તારિકાના ચિત્તમાંથી મનગમતો પુરુષ હટતો નથી.
‘વરસેક અગાઉના એ વીક-એન્ડમાં પહેલી વાર તેનો સંગ માણ્યો એ ખુમાર જેવો તેવો નહોતો અને અજાતને કેવળ મારા જિસ્મમાં રસ નહોતો. રેસ્ટોરાંમાં રાષ્ટ્રગીતવાળો પ્રસંગ બનતાં મને જોવાની તેની નજર જ બદલાઈ ગઈ. પહેલી વાર કોઈ કસ્ટમરની કીકીમાં મારા માટે આદરનો ભાવ અનુભવાયો. ગમે એ કહો, શનિની સાંજથી સોમની સવાર સુધીની તેની સહોબતમાં ગ્રાહક સાથે કદી આત્મીય ન બનવાનો પોતાનો જ નિયમ હું પોતે તોડી ચૂકી હતી. માની હાલત, પોતાના સંજોગ અનાયાસ તેની સાથે સર્વ કંઈ વહેંચાતું ગયું. બદલામાં કશું જ અપેક્ષિત નહોતું. આને જ મોહબ્બત કહેતા હશે?’ 
તારિકા વાગોળી રહી. 
‘મારું આટલું માન રાખજો અજાત. આપણે સાથે ગાળેલી પળોના પૈસા ચૂકવીને એનું અપમાન ન કરશો.’ તારિકાએ સ્મિત ઉપજાવેલું - ‘તમે સારા ઘરના છો, અજાત... એસ્કોર્ટ તેડાવવાનું તમને ન શોભે. પરણીને સુખનો સંસાર માણો એવું જ હું ઇચ્છીશ.’ 
જવાબમાં કપાળ ચૂમીને અજાતે કહેલું, ‘તું મને હંમેશાં યાદ રહેવાની, તારિ!’
છૂટાં પડતી વેળાના તેના આ શબ્દો જીવતરની જડીબુટ્ટી જેવા લાગ્યા હતા તારિકાને. અજાતે તેનો કૉન્ટૅક્ટ-નંબર આપ્યો હતો, પણ તારિકા તેનો સંપર્ક સાધવાની લાલચને વશમાં રાખતી : ‘એક સ્ટ્રિપર-કમ-એસ્કોર્ટનો ઓછાયો અજાતના ચારિત્ર પર શું કામ રહેવો જોઈએ?’  
‘ડ્રગ-માફિયાનો પર્દાફાશ! જાણીતા બિઝનેસ ટાયકૂન ધીરજ મલ્હોત્રા વાસ્તવમાં ડ્રગ સિન્ટિકેટના સરદાર નીકળ્યા... ખરેખર તો તેમને ડી-ગૅન્ગનું પીઠબળ છે અને ડ્રગ-બિઝનેસનો પૈસો આતંકવાદીઓના ફન્ડિંગમાં વપરાતો હોવાની પાકી બાતમીના આધારે દેશનું જાસૂસી તંત્ર આખા મામલાની તપાસમાં જોતરાયું હતું જેને ધારી સફળતા 
મળી છે...’
અજાતના મેળાપના દસમા દહાડે અખબારમાં ચમકેલા આ સમાચારે તારિકાને દિગ્મૂઢ કરી દીધેલી. ‘ધીરજના પ્લેબૉય-ટાઇપ સન વેદાંતની પાર્ટીમાં તો હું કેટલીય વાર સ્ટ્રિપર તરીકે ગઈ છું! અજાતે મને પહેલી વાર ત્યાં જ જોયાનું કહ્યું’તુંને...’
‘અજાત! આ ઘટનાની ચર્ચા તો તેમની સાથે થઈ જ શકે...’ 
‘અરે, તેં કંઈ જાણ્યું? પેલો મલ્હોત્રા તો ફ્રૉડ નીકળ્યો!’ તારિકાએ ફોન જોડતાં અજાતે સામેથી એ વિષય છેડ્યો. તારિકાને કહેવું હતું કે ‘આપણા મેળાપમાં તમેય મલ્હોત્રાની રેવ પાર્ટી બાબત ખણખોદ કરતા રહેલા, ક્યાંક આપસાહેબ જ કેસની તપાસ કરનારા જાસૂસ તો નથીને!’
હજી તો મન પોતાને સ્ફુરેલી કલ્પના પંપાળે એ પહેલાં અજાતે ખુલાસો કરવાની ઢબે ઉમેર્યું હતું - ‘તેની પાર્ટીના ઇન્તેજામ વિશે જાણીને ખરેખર તો મારે એનાથી સવાઈ ઉજવણી કરવી હતી, પણ હવે નહીં!’  
‘ધારો કે અજાતે વેદાંતથી ચડિયાતી પાર્ટી ગોઠવી પણ હોત તો મને તો એમાં સ્ટ્રિપર તરીકે જ આમંત્રણ હોતને!’
‘જાણે છે તારિ...’ અજાતના સાદે તેને ઝબકાવેલી, ‘મેં પાર્ટી આપી હોત તો તું મારી સ્પેશ્યલ ગેસ્ટ હોત.’
‘હેં!’ ધારણા બહારનું સાંભળીને તારિકા ગદ્ગદ થઈ, ‘મને તો તમારી જિંદગીમાં કોઈ સ્પેશ્યલ વ્યક્તિ આવે એનો ઇન્તેજાર રહેશે, અજાત... સારું પાત્ર ખોળીને ઠરીઠામ થાઓ, મને એનો જ ઉમળકો!’
‘બસ, પછીના આ વરસદહાડામાં ભાગ્યે જ ત્રણ-ચાર વાર તેમના ફોન આવ્યા હશે...’ 
‘કિધર ખો ગઇ મેરી બુલબુલ!’ 
અલીના સાદે તે ઝબકી. વિચારમેળો સમેટીને પુરુષને પંપાળી લીધો. 
lll
‘આવતી કાલે ૨૫ જાન્યુઆરીએ પ્રધાનમંત્રી પંજાબની મુલાકાતે!’
તારિકા નાહવા ગઈ એટલે ઉઘાડા બદન પર નાઇટરોબ વીંટાળીને અલીએ સ્વીટના બેડરૂમનું ટીવી ચાલુ કરતાં ન્યુઝ ફ્લૅશ થયા.
બેડ પર ગોઠવાઈને અલી એકચિત્તે સમાચાર સાંભળી રહ્યો : ‘ગણતંત્ર પર્વના આગલા દિવસે વડા પ્રધાન વિશ્વનાથ ગાંધી પંજાબના પ્રવાસે આવી રહ્યા છે એને રાજકીય પંડિતો મહત્ત્વનો પૉલિટિકલ મૂવ ગણાવે છે. આપ સૌ જાણો છો કે છેલ્લી બે ટર્મથી ફુલ મૅજોરિટીથી સત્તામાં આવેલા વિશ્વનાથ ગાંધી મક્કમ નિર્ણય માટે જાણીતા છે. વાજપેયીજીની જેમ આજીવન કુંવારા રહેનારા આ વડા પ્રધાન ૭૦ની ઉંમરે પણ સાવજ જેવા છે. પોતાના રાજકીય લાભનું જોખમ ઉઠાવીને પણ દેશહિતના નિર્ણય લેનારા વડા પ્રધાન એટલે તો આપણા દુશ્મન દેશોની આંખમાં કણાની જેમ ખટકે છે.’ 
‘સહી બોલા તૂને...’ અલીના ચિત્તમાં પડઘો ઊઠ્યો : ‘વિશ્વનાથે એક બાજુ આર્મીને છૂટો દોર આપ્યો છે, તો બીજી બાજુ વિદેશોમાં ભારતની આણ સર્જીને પાકિસ્તાનને અટૂલું પાડી દીધું, ત્રીજા મોરચે આતંકવાદીઓને મળતા ફન્ડિંગ પર રોક લગાવવા માંડી એટલે તો તેમના સુશાસન દરમ્યાન ભારતમાં દહેશત ફેલાવવાની અમારા મુલ્કની દાયકાઓ જૂની નીતિ-રીતિ કામ નથી લાગતી.
રાહત હોય તો એટલી કે પોતાના સ્વાર્થ ખાતર વડા પ્રધાનનું અહિત ઇચ્છનારા જયચંદો હજી આ દેશમાં મરી પરવાર્યા નથી... તેમના સહારે વિશ્વનાથના શાસનકાળનાં આ ૮ વર્ષમાં તેમને ઉથલાવવાના કાવતરાને હવા આપી, પણ નસીબના બળિયા વિશ્વનાથ દર વખતે ફાવતા રહ્યા. 
પરંતુ ગમે તેવો બાહોશ માણસ પણ પોતાનું ધાર્યું કરવાની જીદમાં ક્યારેક તો ખતા ખાય જ છે. પંજાબમાં ડ્રગ્સની બદી પુરવાર થયેલી છે. એને નાથવા વડા પ્રધાને એક તરફ બીએસએફની હદમર્યાદા વિસ્તારી જેથી સ્મગલર્સની પોલીસ સાથેની સાઠગાંઠ અસરહીન નીવડે, ઉપરાંત અમુકતમુક ડિક્લેરેશન ફરજિયાત કરતાં વેપારીવર્ગમાં બેહદ નારાજગી વ્યાપી.
અહીં પંજાબમાં સત્તામાં વિપક્ષ હતો એને બહાનું મળી ગયું. બીએસએફના હદ વિસ્તારથી પોલીસવર્ગ નારાજ હતો, એમાં વેપારીઓ ભળતાં કેન્દ્ર સામે રાજ્યવ્યાપી દેખાવો થયા. બસ, અહીં અમારી આઇએસઆઇ (પાકની જાસૂસ સંસ્થા)એ તક જોઈ. વર્ષોથી સુષુપ્ત થયેલા ખાલિસ્તાની ચળવળિયાને અલાઇવ કર્યા, કૅનેડાથી ધોધમાર ફન્ડિંગ મળ્યું અને આઠ-આઠ મહિના સુધી વેપારી સંગઠનો દિલ્હી-પંજાબની બૉર્ડરે ધરણાં ધરી બેઠાં. વિપક્ષી સરકારના અમુકતમુક નેતાઓનું ખાનગી પીઠબળ હતું અમને. લોખંડી મનોબળવાળા વડા પ્રધાન એથી ઝૂક્યા નહીં એટલે પછી ‘પોલીસ’ ધરણાં પર બેઠેલા (કહેવાતા) વેપારી વર્ગ પર બળજબરી આચરે અને ઘડીભરમાં અમે દિલ્હી-પંજાબ સળગાવી દઈએ એવો પ્લાન થયો.  
બની શકે કે દેશના ગુપ્તચર તંત્રને આની ગંધ આવી ગઈ હોય, ખાલિસ્તાનનું ભૂત ફરી ન ધૂણે એથી સચેત થઈને વડા પ્રધાને બે મહિના અગાઉ અચાનક જ ટીવી પર દર્શન દઈ, પંજાબની જનતાની માફી માગી ડિક્લેરેશનનો કાયદો પાછો ખેંચવાની જાહેરાત કરી દીધી!
વિરોધ પક્ષમાં સન્નાટો છવાઈ ગયો. અમારા માટે તો એ લપડાક હતી. આટઆટલો ખર્ચો કર્યો એનું આઉટપુટ શું! નો, માંડ પ્રગટાવેલો અગ્નિ આહુતિ વિના ઠંડો પડવા ન દેવાય!
અને એ આહુતિ દેશના વડા પ્રધાનની જ હોય! હી મસ્ટ બી કિલ્ડ. બહુ ઉચ્ચ સ્તરે અનેક ચર્ચાવિચારણા કર્યા બાદ યોજના ફાઇનલ થઈ. આઇએસઆઇ તરફથી એનો ચાર્જ મને સોંપાયો, ખાલિસ્તાનતરફી પાર્ટીમાંથી સતવંત સિંઘને કમાન સોંપાઈ છે. વડા પ્રધાન આગામી દિવસોમાં પંજાબ આવતા-જતા રહેવાના એની પાકી માહિતીના આધારે પ્લાન ઘડાયો હતો. શિરસ્તા મુજબ વડા પ્રધાનના પ્રવાસની માહિતી અહીંના જે ઉપરીને મળે એને સતવંત સિંઘે ફોડી લીધો હતો, એટલે તો વિશ્વનાથના આવતી કાલના પ્રવાસની બ્લુપ્રિન્ટ અઠ‍વાડિયા અગાઉની અમને મળી ચૂકેલી...
અમે જાણીએ છીએ કે આવતી કાલે દિલ્હીથી તેમના સ્પેશ્યલ હેલિકૉપ્ટરમાં રવાના થનારા વડા પ્રધાન બપોરે સવાબાર વાગ્યે અહીં ઉતરાણ કરશે. પ્રથમ સુવર્ણમંદિરની મુલાકાત લઈ પોતાની પાર્ટીના કાર્યાલય પર જશે. ત્યાંથી સવાચાર વાગ્યે આર્મી ગ્રાઉન્ડ જવા નીકળશે, જ્યાં તેમની જાહેર સભા છે. 
- પણ ના, વડા પ્રધાન સભા સુધી પહોંચવા જ નહીં પામે!’
અલીના ચહેરા પર ખુન્નસ છવાયું. સ્વીટની બાલ્કનીમાં આવી રસ્તા પર નજર દોડાવી.
‘અમે જ્યાં રોકાયાં છીએ એ હોટેલ ગીત ગોવિંદ એકદમ મોકાની જગ્યાએ છે. અહીં સુવર્ણમંદિર ૨૦ મિનિટના અંતરે છે. વડા પ્રધાનની પાર્ટીનું કાર્યાલય ૧૦ મિનિટના અંતરે છે અને ત્યાંથી સભાના મેદાન સુધી જવા માટે તેમણે આ સામે દેખાતા ફ્લાયઓવર પરથી જ જવું પડે એમ છે.
યસ, વડા પ્રધાનનો કાફલો જતો હોય ત્યારે પોલીસે ટ્રાફિક ક્લિયર રાખવાનો હોય છે. સતવંત સિંઘે એટલું તો પાકું ઠેરવ્યું છે કે વડા પ્રધાનના પ્રવાસ બાબત અહીંની પોલીસ સુસ્તીમાં રહેશે. અરે, વડા પ્રધાનના કાફલાને રોકવા ૧૦,૦૦૦ જેટલા ભાડૂતી આદમી પણ તહેનાત રાખ્યા છે. અલબત્ત, પ્રધાનમંત્રીની સવારીના માર્ગમાં તેમના હાજર રહેવા માટે ગળે ઊતરે એવું કારણ હોવું જોઈએ!’
‘આખા પ્લાનનું આ કી ફૅક્ટર છે.’ અલીએ રૂમમાં નજર ફેરવી. નાહીને બહાર આવેલી તારિકા મશીનથી હેર ડ્રાય કરતી હતી.
‘બિચારી જાણતી નથી કે અમારા ખેલમાં તે પ્યાદું બનવાની છે!’
‘સ્ટ્રિપ ડાન્સ...’
ધારો કે એક ખૂબસૂરત યુવતી હોટેલની અગાસીની પાળે ઊભી રહીને  સ્ટ્રિપ ડાન્સ કરે તો એને જોવા પાંચ-દસ હજારનું ટોળું જમા થઈ જાય એ કેટલું સ્વાભાવિક લાગે! વડા પ્રધાનના કાફલાનો રૂટ ક્લિયર રાખવાની જેના શિરે જવાબદારી છે એ પોલીસ-ઉપરી પણ પાછળની તપાસમાં હાથ ખંખેરી શકે - ‘કોઈ પાગલ લડકી આવું કૃત્ય કરશે એવું કોણે ધાર્યું હોય? તમાશાને તેડું નથી હોતું, એમાં આવા રંગીન તમાશાને તો બિલકુલ નહીં!’
‘ધ હોલ સીક્વન્સ વિલ બી લાઇક ધિસ : અહીંથી ૧૦ મિનિટની દૂરીથી, વડા પ્રધાનનો કાફલો આર્મી ગ્રાઉન્ડના ડેસ્ટિનેશને પહોંચવા માર્ચ કરે છે, એની પાંચમી મિનિટે આ હોટેલની ટેરેસ પર તારિકાનો ડાન્સ શરૂ થાય છે. અહીંની ચોકી સંભાળતો પોલીસ ઘટનાની જાણ નહીં કરે એ સતવંતે પાકું કર્યું છે. ઑલ ક્લિયરના વહેમમાં રહીને વડા પ્રધાનનો કાફલો સડસડાટ ફ્લાયઓવર ચડી આવશે ત્યારે ખરેખર તો અહીં અમારા ૧૦,૦૦૦ ઉપરાંત જોણું જોવા ટોળું જમાવનારા અનેક લોકો તેમને ઘેરી વળશે... વડા પ્રધાનની સ્પેશ્યલ સ્ક્વૉડને ટ્રાફિક ક્લિયર કરતાં સહેજેય પંદર-વીસ મિનિટ થવાની.
- એ અંધાધૂંધીનો ગાળો અમારા માટે પૂરતો છે! રાષ્ટ્રના વડાની હત્યામાં પાકિસ્તાન દેખીતી રીતે સંડોવાઈ ન જ શકે એટલે ૬૦ માઇલની રેન્જવાળું અમારું બેલેસ્ટિક મિસાઇલ ભારતની વાઘાની હદમાં લૉન્ચર પર તૈયાર રહેશે. મારા એક જ ઇશારે ગાઇડેડ મિસાઇલ સીધું વડા પ્રધાનની બુલેટ-પ્રૂફ મોટર પર ત્રાટકશે અને...’
નજર સામે ફ્લાયઓવર પર અટવાયેલા વડા પ્રધાનના કાફલા ભેગા હજારો માણસો અને આસપાસનાં મકાનોને ધ્વસ્ત થતાં નિહાળવાનું કાલ્પનિક દૃશ્ય અલી હસનને ખીલવી ગયું!
lll
‘નહીં સતવંત... ઇસ બાર વિશ્વનાથ કી મૌત નિશ્ચિત હૈ.’
અડધી રાતે, કશાક ખખડાટે તારિકાની ઊંઘ ઊડી ગઈ. ‘ઓહ, કદાચ બેડરૂમની બહાર જતા અલીએ દરવાજો ખોલ-બંધ કરતાં જાગી જવાયું! પણ તે આ શું બોલી ગયો!’
‘વિશ્વનાથ કી મૌત.’
‘હે ભગવાન. આજે રેસ્ટોરાંમાં ડિનર લેવા ગયાં ત્યારે જ ન્યુઝમાં જોયું કે આવતી કાલે દેશના વડા પ્રધાન પંજાબ-અમ્રિતસર આવી રહ્યા છે! ક્યાંક એ જ તો આ વિશ્વનાથ નથીને!
‘ના રે ના. એમ કંઈ ભારતના સર્વેસર્વા ગણાતા વડા પ્રધાનને મારવાનું સહેલું છે! પણ આ કોઈ બીજો વિશ્વનાથ હોય તો પણ, એમ કોઈને મરવા ન દેવાય. બીજું કંઈ નહીં તો કાલ ઊઠીને કોઈ મર્ડરકેસમાં તેની કમ્પેન્યન તરીકે હું ન ફસાઈ જાઉં એ માટેય તેનું પેટ પામી લે, તારિ!’ 
અને તારિકા દરવાજે કાન માંડીને ઊભી રહી ગઈ. સ્વીટની આગલી રૂમમાં જોકે અલી પણ ચેતીને કોડવર્ડમાં વાતો કરવા માંડ્યો એથી તારિકાના પલ્લે કંઈ ન પડ્યું. કંટાળીને તે સૂઈ જવાનું વિચારતી હતી ત્યાં...
‘લડકી જરૂર નાચેગી. ઇસિલિયે તો ઉસકો સાથ લાયા હૂં.’
‘લડકી. નાચ. મતલબ, આ તો મારી વાત થતી લાગે છે!’ 
‘નહીં, ઉસકો લાસ્ટ મિનિટ તક બોલના નહીં હૈં... અરે, તૈયાર ક્યોં નહીં હોગી, તેની દુખતી રગ મારી પાસે છે.’
‘દુખતી રગ?’ તારિકાની છાતી હાંફવા માંડી : ‘નો, હું ધારું છું એવું તો ન જ હોય!’ 
પણ એવું જ નીકળ્યું.
‘તેના ઘરે મારો આદમી પહોંચી ચૂક્યો છે. તેની વિધવા મા એ રીતે આપણા કબજામાં છે. છોકરી માને ખાતર કહીશું એ કરવાની!’ 
‘હે ભગવાન. ગઈ કાલે બપોરે અહીં ઊતર્યા પછી માને ફોન કર્યો ત્યાં સુધી તો બધું બરાબર હતું, મતલબ અલીનો આદમી ત્યાર પછી ઘરે પહોંચ્યો હશે... આટલું પ્લાનિંગ કોઈ મામૂલી વિશ્વનાથ માટે તો ન હોય... તો શું અલી દેશના વડા પ્રધાનની હત્યા કરવા માગે છે? એમાં કોઈ સતવંત સિંઘ નામનો આદમી તેનો સાગરીત છે? હવે?’ 
 
આવતી કાલે સમાપ્ત

columnists Sameet Purvesh Shroff