કથા-સપ્તાહ: જિ‌નીયસ (5)

12 July, 2019 09:09 AM IST  |  મુંબઈ ડેસ્ક | ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક - કથા સપ્તાહ

કથા-સપ્તાહ: જિ‌નીયસ (5)

જિ‌નીયસ

કથા-સપ્તાહ

પ્રતાપ પહોંચતા સુધીમાં અમનની લાશ સામે જોઈ રહેલા મુંજાલે કંઈકેટકેટલુંય વિચારી લીધું. નામનાની ઘેલછા માણસને કઈ હદ સુધી લઈ જાય છે એનું ઉદાહરણ તેની સામે હતું.

પ્રતાપ આવી પહોંચે ત્યાં સુધીમાં તે બેઝમેન્ટમાં આવેલી અમનની સિસ્ટમ-રૂમમાં ગયો. દીવાલ પર આખાય પોલીસ હેડક્વૉર્ટરનો નકશો હતો અને જુદી-જુદી નાની-નાની માહિતી. બ્યુરો ચીફથી લઈને સેફ ડિપોઝિટ વૉલ્ટના હેડ સુધીના દરેકની રજેરજ માહિતી ત્યાં હતી. અનેકાનેક સિસ્ટમ એકમેક સાથે જોડાયેલી હતી અને એની સાથે કેટલાક મોબાઇલ પણ જોડાયા હતા જેના પરથી એ વાત કરતો ત્યારે કૉલ કપાયા વગર ઑટોમૅટિક અલગ-અલગ નંબર પર ટ્રાન્સફર થતા હતા અને આમ કરીને એનું લોકેશન ટ્રેસ થઈ શકતું નહોતું. મુંજાલને મનમાં થયું કે ખરેખર માણસ તો જિનીયસ જ હતો અને ત્યાં જ મનમાં તુક્કો આવ્યો કે જે માણસ સાથે હીરા છે તેના ફોનનું લોકેશન પણ પોલીસથી ટ્રેસ થતું નહોતું તો શું એ ફોન અહીંથી જ થયા છે? અને આ અમન જૂઠું બોલી રહ્યો હતો.

પ્રતાપસિંહ થોડી વારમાં ત્યાં આવી પહોંચ્યા. તેમણે આવીને પહેલાં જ હીરા વિશે પૂછ્યું અને મુંજાલે ભેદ ખોલ્યો કે હીરા ખરેખર આ તકનો લાભ લઈને કોઈ બીજું જ લઈ ગયું છે, કારણ કે અમન તો ફ્ક્ત એક સાઇકોલૉજિકલ રોગી હતો જેના દિમાગમાં પોતાને જિનીયસ તરીકે પ્રખ્યાત કરવાનૂં ગાંડપણ હતું.

પ્રતાપસિંહ આ વાત માનવા તૈયાર નહોતા. તેમણે કહ્યું, ‘આ માણસ જૂઠો હતો. તેણે મને અને આખી ફોર્સને ઉલ્લુ બનાવી અને પછી તમને પણ...’

તેનો ગુસ્સો જોઈ મુંજાલે ઠંડા કલેજે પ્રશ્ન પૂછ્યો, ‘તો પછી તેને કોણે અને શા માટે માર્યો?’

અને પહેલી વાર પ્રતાપસિંહ પાસે કોઈ જવાબ નહોતો. થોડી વાર વિચાર્યા પછી પહેલી વાર થોડા કડક થઈને મર્યાદા તોડીતેમણે મુંજાલને પૂછ્યું, ‘એમ તો નથીને કે તમે જ?’

મુંજાલે ટેવ મુજબ આંખો ઝીણી કરતાં કહ્યું, ‘તમે ભૂલી ગયા છો બ્યુરો ચીફસાહેબ કે દરેક ખૂન પાછળ એક મોટિવ હોય છે, મારે એને શું કામ...’

હજી તેઓ આગળ કશું બોલે એ પહેલાં પ્રતાપસિંહે ખિસ્સામાંથી સફેદ રૂમાલ કાઢતાં કહ્યું, ‘સૉરી ટુ સે, પણ તમારે આનો જવાબ લખાવવો પડશે અને ત્યાં સુધી તમારી આ ગન પણ મને આપવી પડશે.’

અનુભવી મુંજાલે કશું જ બોલ્યા વગર એમ કર્યું અને જોયું તો બહાર નીકળતા પ્રતાપસિંહે ફોન કરીને ફોર્સને બોલાવી.

બન્ને જણ ગાડીમાં બેઠા. રસ્તામાં કોઈ કાંઈ પણ ન બોલ્યું. મુંજાલ મનમાં બધા છેડા ગોઠવી રહ્યા હતા.

રસ્તામાં પ્રતાપનો ફોન સતત વાગતો અને પ્રતાપ એ ફોન કાપી નાખતા હતા. તેમનો મૂડ કોઈની પણ સાથે વાત કરવાનો નહોતો.

મુંજાલને પોતાની કૅબિનમાં બેસાડી પ્રતાપસિંહ ઉતાવળમાં ફોન પર કોઈ નંબર ડાયલ કરતા આગળ વધ્યા.

એક સેકન્ડની પણ વાર ન કરતાં મુંજાલ મહેતાએ ઊભા થઈને તેમની કૅબિનમાં રહેલી નાનામાં નાની વસ્તુઓ ચેક કરવા માંડ્યા. ટેબલ પર રહેલાં કાગળોથી લઈ દીવાલ પર લાગેલાં સર્ટિફિકેટ સુદધ્ધાં, પણ ત્યાં કાંઈ જ ન મળ્યું. તેમણે એક ફોન જોડ્યો અને કંઈક વાત કરી. થોડી જ વારમાં કેન્દ્રીય પ્રધાનના સચિવશ્રી ત્યાં હાજર થયા. તેમની સાથે જરૂરી વાતચીત કરીને મુંજાલ બહાર નીકળ્યા. ફરી પાછા સાઇબર ક્રાઇમ રૂમની અંદર સુધીર એટલે કે અમનના ટેબલની આજુબાજુ કશુંક જોઈ આવ્યા.

આ સાથે જ તરત જ ડ્યુટી-ઑફિસમાં ફોન કરીને એક ઍડ્રેસ લીધું અને ગાડી લીધી અનન્યાના ઘર તરફ. તેમની પાછળ પોલીસની કેટલીક ગાડીઓએ પણ પીછો કરવાનું શરૂ કર્યું. અનન્યા શહેરના છેવાડે આવેલા એક ખૂબ વિશાળ ઘરમાં રહેતી હતી. તેના ઘરના થોડે દૂરથી મુંજાલે પોતાની ગાડી બંધ કરી અને દબાતા પગલે તેઓ ઘર પાસે આવ્યા.

ત્યાં ઊભી રહેલી ગાડી જોઈને તેમના મનમાં ચિત્ર સાફ થઈ ગયું. અચાનક બારીમાં કોઈના પછડાવાનો અવાજ આવ્યો. બારીની લગોલગ જઈને તેમણે જોયું તો પ્રતાપસિંહ અનન્યાનું ગળું દબાવી રહ્યા હતા અને તેમનાથી છૂટવા અનન્યા ધમપછાડા કરતી હતી. એક ક્ષણનોય વિલંબ કર્યા વિના મુંજાલે પોતાના ફોનના કૅમેરાને બારી આગળ ધરીને રેકૉર્ડિંગ શરૂ કર્યું.

પ્રતાપસિંહના અવાજમાં ગુસ્સો અને આંખોમાં ખુન્નસ હતું અને વારંવાર તેઓ એક જ પ્રશ્ન પૂછી રહ્યા હતા કે ‘હીરા અને ડિસ્ક ક્યાં છે?’

મુંજાલે બન્નેની વાતનો તાલ મેળવવાનો પ્રયાસ કર્યો. અનન્યાએ તરત જ કહ્યું કે ‘આપણે બન્ને એ હીરાના સરખા માલિક છીએ. જો હું બતાવી દઈશ કે હીરા ક્યાં છે તો તું એક સેકન્ડ નહીં લગાડે મને મારી નાખવા માટે.’

પ્રતાપે તેમની પિસ્તોલ અનન્યાના કપાળ પર મૂકતાં કહ્યું, ‘એ તો આમેય પણ હું તને મારી જ નાખીશ, પેલા મૂરખ અમનની જેમ.’

અનન્યાએ ઘાંટો પાડ્યો, ‘એ જ તો મૂર્ખામી કરી. આપણો પ્લાન હતો કે હું અમનનું ઍડ્રેસ આપીને મુંજાલને ત્યાં મોકલીશ અને તેઓ જાય એ પહેલાં તું તેને મારી નાખીશ, પણ તેં તેને મારી નાખ્યો એ પહેલાં તો એ બન્નેની વાત પણ થઈ હતી એટલે હવે મારા અને તારા સિવાય મુંજાલ પણ જાણે છે કે હીરા અમને તો નહીં, પણ કોઈ બીજાએ જ લીધા છે.’

પ્રતાપસિંહ બોલ્યા, ‘એ મારો પ્રશ્ન છે. મારી ગનની ગોળીઓ મેં મુંજાલની ગનમાં ભરી દીધી છે. અમનને વાગેલી ગોળી અને મુંજાલની ગનમાં રહેલી ગોળીઓનો સિરીઝ-નંબર એક જ છે એટલે એ તો સાબિત થઈ જશે કે અમનને જીવતો પકડવાને બદલે હીરાની લાલચમાં ત્યાં હાજર રહેલા મુંજાલે જ તેનું ખુન કર્યું. સો આપણે ક્લિયર જ છીએ. તો પ્લીઝ હવે મને એ હીરા અને ડિસ્ક આપી દે.’

પ્રતાપની વાત અનન્યાના મગજમાં બેસી રહી હતી ત્યાં જ મુંજાલે ઘરની અંદર પ્રવેશીને બંદૂક દેખાડતાં કહ્યું, ‘આપી દે, આપી દે, પણ આપતાં પહેલાં તને તેનો પ્લાન પણ કહી દઉં કે જે ક્ષણે એ હીરા અને ડિસ્ક તેં પ્રતાપસિંહને આપ્યા એટલે તરત જ તું ગઈ, કારણ કે આટલા મોટા હોદ્દા પર રહેલો માણસ પોતાની પાછળ કોઈ જીવતો સાક્ષી છોડે એવો મૂર્ખ ન હોય. સમજી જા છોકરી.’

આમ મુંજાલને ત્યાં અચાનક આવેલા જોઈને બન્ને ચમક્યાં. પોતાનો આખો પ્લાન આમ બગડતો જોઈને પ્રતાપસિંહનો ગુસ્સો આસમાને ચડ્યો. તેમણે અનન્યા સામે ધરેલી બંદૂક મુંજાલ સામે ધરી પણ એ પહેલાં તો મુંજાલે ટ્રિગર દબાવ્યું અને અનુભવી, બાહોશ, નિશાનેબાજની ગોળી પ્રતાપસિંહના હાથને વાગી.

લોહીથી નીતરતા હાથને પકડીને તેઓ બેસી પડ્યા. અનન્યાને શું કરવું એની ખબર ન પડી.

મુંજાલે બન્નેની તરફ બંદૂક ધરીને એક હાથમાં મોબાઇલનું રેકૉર્ડિંગ ચાલુ રાખીને કહ્યું, ‘તો હવે થોડી વાતને રિવાઇન્ડ કરીએ, જેથી અમારા જેવા મૂર્ખાઓને ખબર પડે કે તમારા જેવા જિનીયસોએ શું પ્લાન કર્યો હતો.’

અનન્યાએ પ્રતાપસિંહ સામે જોયું. તેઓ લગભગ બેહોશ હાલતમાં જઈ રહ્યા હતા. મુંજાલે ઠંડા કલેજે કહ્યું, ‘જણાવવું ન હોય તો વાંધો નથી, પણ જ્યાં સુધી જણાવશો નહીં ત્યાં સુધી પ્રતાપને બચાવવા ઍમ્બ્યુલન્સ પણ હું નહીં બોલાવું અને મારી બંદૂકમાં બીજી ગોળીઓ છે. ગોળી ચલાવવામાં કંજૂસાઈ કરવાનું મને નથી ગમતું છોકરી.’

ડરી ગયેલી અનન્યાએ બોલવાનું શરૂ કર્યું,

‘સુધીર એટલે કે અમન, હું અને બીજા ત્રણ જણ એકસાથે સાઇબર ક્રાઇમ ડિટેક્શન યુનિટમાં જોડાયાં. લગભગ થોડા જ દિવસમાં મને શંકા ગઈ કે સુધીર બરોબર માણસ નથી અને તે કશું પ્લાન કરી રહ્યો છે. તે એમ માનતો હતો કે તે બહુ મોટો જિનીયસ છે, પણ તેને ખબર નહોતી કે જિનીયસનેસ સાબિત કરવાની વાત છે, કહેવાની નહીં. મેં તેના કમ્પ્યુટરને હૅક કર્યું અને રોજેરોજ તે જેકાંઈ સર્ચ કરતો અને હૅક કરતો એના પરથી મને તેના પ્લાનનો ખ્યાલ આવવા લાગ્યો. મેં આખી વાતનો રિપોર્ટ બનાવી પ્રતાપસરને જણાવવાનું નક્કી કર્યું. પ્રતાપસરે મને જણાવ્યું કે જ્યાં સુધી તે કશું કરતો નથી ત્યાં સુધી આપણે કંઈ જ ન કરી શકીએ. તેમણે મારા કામનાં વખાણ કર્યાં. ધીરે-ધીરે હું તેમની નજીક આવતી ગઈ. હું જેટલી હૅકિંગમાં જિનીયસ હતી એટલા જ પ્રતાપસર શબ્દો અને લાગણીઓ રમાડવામાં... હું ક્યારે તેમના લોભની જાળમાં ફસાઈ એની પણ મને ખબર ન પડી. અને અમે ચોરના ઘેર ચોરી કરીને પોલીસના ઘરે પણ ચોરી કરવાનો ડબલ-પ્લાન બનાવ્યો, પણ દુર્ભાગ્યે જે દિવસે તમે કૉફી પીવા આવ્યા એ જ દિવસે પેલા મૂરખાએ ચોરી કરી અને તમારી હાજરીએ અમારા પ્લાન પર પાણી ફેરવી દીધું.

પોતાને જોઈતી કબૂલાતનું વિડિયો-રેકૉર્ડિંગ કરીને મુંજાલે હવામાં એક ગોળીબાર કર્યો અને એની સાથે જ પોલીસ-ફોર્સ અંદર દાખલ થઈ. પોતાના હાથમાં રહેલું રેકૉર્ડિંગ એને આપતાં તેઓ બોલ્યા...

આ પણ વાંચો : કથા-સપ્તાહ: જિ‌નીયસ (4)

‘જિનીયસ બનવા માટે આવડતની સાથે-સાથે હેતુ પણ એટલા જ ઊંચા હોવા જોઈએ... ઍનીવે પ્રતાપસિંહ, મને શંકા ત્યારે જ ગઈ હતી જ્યારે મેં તમને અમનના ખૂન વિશે જણાવ્યું, પણ આ ઘટના ક્યાં થઈ છે એ ઍડ્રેસ મેં તમને નહોતું આપ્યું છતાં તમે ત્યાં પહોંચી ગયા અને અનન્યા તમારી સાથે જોડાયેલી છે એની મને ખબર ત્યારે પડી જ્યારે ત્યાંથી પાછા ફરતાં તમને તે સતત ફોન કરી રહી હતી અને તમે ફોન કાપતા હતા. રિંગ વાગતાં ફોનના સક્રીન પર મેં તેનું નામ જોયું. એક ટેન્સ સિચુએશનમાં સતત વાગતા ફોનને નહીં ઉપાડવાનું વર્તન જ મારા માટે તમારા બન્નેના આ પ્લાન માટેનું ઇન્વૉલ્વમેન્ટ સાબિત કરવા પૂરતા હતા. તો હવે ડિસ્ક અને હીરા બન્ને આપી દો.’

ઍની વે... થૅન્ક યુ. તારા કારણે હું મારી નવી નૉવેલનો એક સરસ પ્લૉટ લઈને જઈ રહ્યો છું. શું લાગે છે નૉવેલનું નામ જિનીયસ રાખીશું? (સમાપ્ત)

columnists