કથા-સપ્તાહ: જિ‌નીયસ (4)

11 July, 2019 11:09 AM IST  |  મુંબઈ ડેસ્ક | ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક - કથા સપ્તાહ

કથા-સપ્તાહ: જિ‌નીયસ (4)

જિ‌નીયસ

કથા-સપ્તાહ

પહેલાં રેલવે-સ્ટેશન અને ત્યાંથી બસ-સ્ટૅન્ડ અને પછી ગામના મધ્યમાં રહેલા મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને એના મેળામાં આ રીતે દોડાવવાનો અર્થ પોલીસને કન્ફ્યુઝ કરવા માટે હતો એની જાણ સૌને હતી, પણ સૌ તેને પકડવા મક્કમ હતા. જોકે હવે વાત અઘરી હતી. રાતે મેળો પુરજોશમાં જામ્યો હતો. હજારો લોકોની ભીડ, નાનકડી ગલીઓ અને ઠેર-ઠેર લાગેલા સ્ટોર્સ અને રાઇડ્સનો આનંદ સૌકોઈ માણી રહ્યા હતા.

આ ભીડમાં પોલીસ કોઈ પણ પ્રકારનાં સખત પગલાં લઈ શકે એમ નહોતી. અંદર જતાંની સાથે જ પ્રતાપના ફોનમાં મેસેજ આવ્યો કે સાહેબ ચકડોળમાં બેસી જાઓ. પ્રતાપસિંહ ટિકિટ લઈને ચકડોળમાં બેઠા. આ સમયે તેમનું ધ્યાન બેસાડનાર વ્યક્તિ અને આજુબાજુના ડબામાં બેઠેલા લોકો પર હતું. ચકડોળ ચાલ્યું. હાઈ બ્લડ-પ્રેશર અને આંખોનો દુખાવો ધરાવતા પ્રતાપસિંહને તરત જ માથું દુખવાનું શરૂ થયું. હવે શું કરવાનું એ માટે તેઓ તદ્દન અજાણ હતા. નીચે ચારે તરફ સખત ભીડ હતી. એક તરફના ભાગમાં લાંબા રબરના પટ્ટાને જોડીને એક માણસ ચકડોળ ચલાવી રહ્યો હતો. સખત ઘૂમતા ચકડોળમાં પ્રતાપસિંહને બરોબરનાં ચક્કર ચડ્યાં અને ત્યાં જ તેમને ફરી ફોન આવ્યો. જેવો ફોન લીધો કે સામે છેડેથી અવાજ આવ્યો, ‘હીરા તૈયાર રાખો.’

તેમણે હીરા ભરેલી પોટલી ખિસ્સામાંથી બહાર કાઢી અને ફોન કાન પર લગાડીને આગળની સૂચના સાંભળવામાં ધ્યાન આપવા લાગ્યા. આ દરમ્યાન તેમની નજર ભીડ પર હતી, પણ ઝડપથી ફરતા ચકડોળમાંથી કશું જોઈ શકાયું નહીં. અચાનક જ્યારે ભીડ તરફ ચકડોળનો ડબો આવ્યો કે તરત જ ફોનમાંથી તેમને જણાવવામાં આવ્યું કે પોટલી ફેંકો. તેમણે પોટલી ફેંકી અને કોઈ કશું સમજે એ પહેલાં ભીડમાં પોટલી કૅચ કરનાર ખોવાઈ ગયો.

આજુબાજુ ફરતા પોલીસવાળાઓનું ધ્યાન પણ ન ગયું અને હીરા પેલા માણસ પાસે પહોંચી ગયા. લગભગ દરેક જણ સ્તબ્ધ હતા કે આટલા લોકોની આંખ સામે કઈ રીતે આ થયું.

હજી તો ચકડોળમાંથી બીજાને ફોન કરીને પ્રતાપસિંહ કશું જણાવે એ પહેલાં તો એ માણસ ત્યાંથી ગાયબ થઈ ગયો હતો.

આ તરફ અનન્યાએ પોતાની રીતે સુધીરના ચહેરાવાળા અમનની ઓળખાણ ઍડ્રેસ સાથે શોધી અને મુંજાલને પહોંચાડી. મુંજાલ તેના આપેલા ઍડ્રેસ પર પહોંચ્યો. શહેરથી દૂર આવેલા એક ખૂબ જ વિશાળ ફાર્મહાઉસમાં રહેતા અમનને તેણે બારીમાંથી જોયો. તેનો ચહેરો હમણાં જ મોસ્ટ વૉન્ટેન્ડ બની ગયેલા સુધીરના ચહેરાને એકદમ બંધબેસતો હતો. ખાલી દાઢીનો ફરક હતો. અમનના ચહેરા પર ભયંકર ગુસ્સો હતો અને તે આખું ઘર ફેંદી રહ્યો હતો. લગભગ ૨૦ મિનિટ સુધી તેને આમ કરતા મુંજાલે છુપાઈને જોયો અને આખરે તેણે જોયું કે એ થાકીને બન્ને હાથ માથા પર મૂકી મોં નીચું કરીને એક ઊંડા નિઃસાસા સાથે સોફા પર બેઠો.

પોતાની આગવી આવડતથી દરવાજાનું લૉક ખોલી મુંજાલ અંદર પ્રવેશ્યા અને હાથમાં બંદૂક બતાવીને તેમણે પૂછ્યું, ‘શું થયું મિસ્ટર જિનીયસ? કેમ થાકી ગયા?’

મોં પર મૂકેલા બન્ને હાથની આંગળીઓ પાછળથી મુંજાલને જોતાં ધીમે-ધીમે તેણે હાથ હટાવતાં કહ્યું, ‘ઓહ તો તમે પહોંચી ગયા? પેલી હાર્ડ ડિસ્ક તમે જ મારી પાસેથી પાછી ચોરી લીધી છે એમ જને?’

મુંજાલે ઝીણી આંખ કરીને વાતને સમજવાની ટ્રાય કરી. તેને લાગ્યું કે અમન તેને જોઈને ભાગવાની કોશિશ કરશે, પણ અહીં તો વાર્તા સાવ જુદી હતી.

તેમણે પૂછ્યું, ‘એનો મતલબ કે હવે હીરા મળવાની સાથે-સાથે હાર્ડ ડિસ્ક ખોવાવાનું નવું નાટક?’

અમને તરતજ જવાબ આપ્યો, ‘કેવા હીરા? મેં કોઈ હીરા લીધા નથી. મારો પ્લાન જુદો જ છે. આઇ જસ્ટ વૉન્ટ ટુ પ્રૂવ કે હું સૌથી જિનીયસ છું. નાનપણથી જ સાવ ડોબો અને આવડત વગરનો મને ગણવામાં આવતો. મેં એ જ દિવસથી નક્કી કર્યું હતું કે હું એવાં કામ કરીશ જે કોઈ ન કરી શકે અને એટલે જ મેં આખા પોલીસ-ડિપાર્ટમેન્ટને દોડતો કરી દીધો. હું સતત ટીવીની પાસે બેઠો હતો કે હમણાં તમે પ્રેસ-કૉન્ફરસ કરશો અને મારો ફોટો જાહેર કરશો. મેં હાથે કરીને મૂકેલી ચૅલેન્જને સૉલ્વ કરી અહીં મારી પાસે પહોંચશો. હું તમારી હાર્ડ ડિસ્ક તમને પાછી આપીને બદલામાં જેલમાં જઈશ, પણ એની સાથે-સાથે એકઝાટકે આખા જગતમાં હું એક જિનીયસ હૅકર સાબિત થઈ જઈશ.’

વાત કરતી વખતે એ કોઈ સાઇકિક માણસ હોય એની ખાતરી મુંજાલને થઈ ગઈ.

‘તો તેં આ બધું ખાલી તારા નામ માટે કર્યું?’

‘સાહેબ, નામ માટે તો લોકો એકબીજાને મારવા તૈયાર થાય છે, મેં તો ખાલી ચોરી કરી અને એ પણ જેવીતેવી નહીં. યુ મસ્ટ સે કે આઇ ઍમ ધી બેસ્ટ. તો પછી મારી એ જિનીયસનેસ લોકો સુધી પહોંચાડી કેમ નહીં?’

એક ગજબનો ગુસ્સો તેની આંખો અને અવાજમાં હતો.

મુંજાલે કહ્યું, ‘જો નામ જ કમાવવું હતું તો હીરાનો સોદો કેમ?’

તેણે ચીસ પાડી, ‘કયા હીરા અને કોણે લીધા? મેં કોઈ હીરાની માગણી કરી નથી.’

મુંજાલને વાત વધારે બગડી છે એનો ખ્યાલ આવ્યો, ‘તો પછી એ હાર્ડ ડિસ્ક ગઈ ક્યાં?’

‘એ જ તો ખબર નથી. હું થોડી વાર માટે મારા બેઝમેન્ટમાં બનાવેલી સિસ્ટમ-રૂમમાં ગયો અને પાછો આવ્યો તો એ ગાયબ હતી. મારી ૩ વર્ષની મહેનત આમ અચાનક પાણીમાં ગઈ. મને તો લાગે છે કે એક જિનીયસ જ બીજા જિનીયસને માત આપી શકે એટલે એ હાર્ડ ડિસ્ક તમે જ લીધી હોવી જોઈએ.’

મુંજાલે વિચારીને કહ્યું કે ‘જિનીયસોનો તો મેળાવડો લાગે છે. લાગે છે કે મારા અને તારા કરતાં પણ કોઈ વધારે જિનીયસ આપણી આસપાસ છે.’ બોલતી વખતે મુંજાલની નજર રૂમમાં ચારે તરફ ફરતી હતી.

અમને આસપાસ જોયું અને પછી જાણે અચાનક જ કશુંક યાદ આવ્યું હોય એમ તે હસવા લાગ્યો. મુંજાલને વિસ્મય થયું. તેણે પૂછ્યું, ‘હસવાનું કોઈ કારણ?’

અમને હસતાં-હસતાં જ જવાબ આપ્યો, ‘પેલી હાર્ડ ડિસ્કને લઈને હું ખોટી ચિંતા કરતો હતો એટલે હસું છું.’

મુંજાલ વધારે કન્ફ્યુઝ થયો, પણ ચહેરાના ભાવ બદલ્યા વગર તેણે કહ્યું, ‘એટલે તને ખબર છે કે એ ક્યાં છે?’

અમન બોલ્યો, ‘શું ફરક પડે છે? મારું કામ તો થઈ ગયુંને? તમને બધાને ખબર છે કે બે વર્ષ ૮ મહિના અને ૩ દિવસની ચિક્કાર મહેનત પછી આખરે આ જિનીયસે સૌથી વધુ સેફ જગ્યાએથી સૌથી અગત્યની વસ્તુ છૂમંતર કરી દીધી. આજે નહીં તો કાલે તમારે પ્રેસને અને લોકોને મારું નામ આપવું જ પડશે. દુનિયામાં મને પૉપ્યુલર થતાં કોઈ જ રોકી નહીં શકે. પછી પેલી હાર્ડ ડિસ્ક મળે કે નહીં, મારે શું?’

તેને આમ નચિંત થતો જોઈ મુંજાલે તીર છોડ્યું, ‘એનો મતલબ કે એક જિનીયસ પાસેથી વસ્તુ ઉડાડી જાય એવો પણ કોઈ જિનીયસ તો છે જ. સો યુ આર નૉટ ધ કિંગ જિનીયસ ડિયર...’

આ સાંભળતાં જ તેના ચહેરાના હાવભાવ બદલાવા માંડ્યા. એક ગાંડાની જેમ તે ચીસ પાડવા લાગ્યો અને હાથમાં જે આવે તે લઈને તેનો ઘા કરવા માંડ્યો. મુંજાલે હાથમાં પિસ્તોલ રાખી હતી, પણ તને તો કોઈ પણ ભોગે અમનને જીવતો લઈ જવો હતો, પણ ત્યાં જ અચાનક એક ગોળી ચાલી અને અમન ઢળી પડ્યો.

મુંજાલે બારીની દિશામાં દોટ મૂકીને જોયું તો ત્યાં કોઈ જ નહોતું. હમણાં જ ત્યાંથી કોઈક દોડ્યું હતું એટલે પાંદડાં હલી રહ્યાં હતાં. બારણું ખોલીને જોવાની કોશિશ કરી, પણ અંધારામાં કાંઈ દેખાયું નહીં.

આ પણ વાંચો : કથા-સપ્તાહ: જિ‌નીયસ (3)

પાછા રૂમમાં આવીને તેણે જોયું તો અમનની લાશ લોહીલુહાણ હાલતમાં ત્યાં પડી હતી. સૌથી પહેલાં મુંજાલે પ્રતાપસિંહને ફોન લગાડીને અમનના ખૂન વિશે જણાવ્યું અને આ સાથે જ પ્રતાપે જણાવ્યું, ‘હું બને એટલી જલદી ત્યાં પહોંચી રહ્યો છું...’ (ક્રમશઃ)

columnists