કથા-સપ્તાહ: જિ‌નીયસ (3)

10 July, 2019 10:17 AM IST  |  મુંબઈ ડેસ્ક | ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક - કથા સપ્તાહ

કથા-સપ્તાહ: જિ‌નીયસ (3)

જિ‌નીયસ

કથા-સપ્તાહ

પોલીસ હેડક્વૉર્ટરમાં હંગામી ધોરણે કામ કરવા આવી. બહારના સાઇબર ક્રાઇમ સૉલ્વ કરવાની સાથે-સાથે ક્યારે તેણે આખી સિસ્ટમ હૅક કરી નાખી એનો ખ્યાલ કોઈને જરાય આવ્યો નહોતો. હાથમાં રહેલા કૉફીના મગને તાકી-તાકીને જોતાં-જોતાં મુંજાલના મગજમાં ગણિત ચાલ્યું કે તેનો આ ક્રાઇમ કરવાનો હેતુ શું હોઈ શકે! તેની ડિમાન્ડ પરથી એ નક્કી હતું કે તેણે આ કામ પૈસા કમાવા નહોતું કર્યું. તેનો સતત આગ્રહ હતો કે પ્રેસને બોલાવીને આ વાત કરવામાં આવે એટલે તેને પ્રસિદ્ધ થવું હતું, પણ કોઈ પોતાની જાતને ક્રિમિનલ તરીકે કેમ પ્રસિદ્ધ કરવા ઇચ્છે!

પ્રતાપ જેવો અંદર આવ્યો એટલે મુંજાલે તેને જણાવ્યું કે આખા હેડક્વૉર્ટરના દરેક ખૂણા પર તે બાજનજર રાખી રહ્યો છે એટલે સીસીટીવી કૅમેરા બંધ કરો અને દરેક જગ્યાએ કૅમેરાના છેડા કાપી નાખો. પ્રતાપને થયું કે મુંજાલ આ કઈ રીતે કહી શકે? મુંજાલે આવેલા ફોન અને તેના દરેકેદરેક શબ્દની પાછળ રહેલા સુધીરના હેતુ વિશે વાત કરી. પ્રતાપનું મગજ ચકરાવે ચડ્યું. તેણે પૂછ્યું, ‘શું તમને લાગે છે કે સુધીર કોઈ ગેમ રમી રહ્યો છે? અને તેને તેની ઓળખ મૂકવાની ચૅલેન્જ આપવાની જરૂર શું હતી? તેની ઓળખ તો છે જ આપણી પાસે.’

એક બ્યુરો ચીફ જેવી કક્ષાની વ્યક્તિને ફસ્ટ્રેશનમાં આવા પ્રશ્નો પૂછતો જોઈને મુંજાલને હસવું આવ્યું. જવાબ આપવાનું ટાળીને તેણે કહ્યું, ‘લેટ્સ સી.’

સુધીરના ડેસ્ક પર પહોંચીને તેણે ડેસ્કને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. ક્યાંય કશું જ એવું નહોતું જેના પરથી કોઈ હિન્ટ મળી શકે. મુંજાલને આ ચૅલેન્જ રસપ્રદ લાગી. લાગ્યું કે બહુ વખતે એક બુદ્ધિશાળી ક્રિમિનલનો સામનો કરવાનો મોકો મળ્યો છે. લગભગ ૨૦ મિનિટ સુધી તેના ડેસ્કની નાનામાં નાની વસ્તુ જોયા પછી અચાનક તેની નજર તેના કમ્પ્યુટરના સ્ક્રીન પર ગઈ, જયાં સ્ક્રીન સેવર પર ૪ નંબર ફરી રહ્યો હતો. બે મિનિટ સુધી તેને જોયા કર્યા પછી મુંજાલે ૪ નંબરની રૂમ તરફ દોટ મૂકી. વૉટર-કૂલર ધરાવતી આ ૪ નંબરની રૂમમાં કોઈ બહુ જતું નહોતું. ઝીણવટપૂર્વક આ રૂમના દરેક ખૂણાને તેણે જોવાનું શરૂ કર્યું, પણ કશું જ ન મળ્યું. તેને લાગ્યું કે ૪ નંબર એ રૂમ નહીં પણ કંઈક બીજું જ દર્શાવે છે અને ત્યાં જ બહાર નીકળવાના દરવાજા પર પાંચ નંબરનો આંકડો લખેલી કીચેઇન સાથે કારની ચાવી લટકી રહી હતી. પોતે સાચા રસ્તા પર છે એ જાણીને મુંજાલનું મોં મલક્યું. ચાવી હાથમાં લઈને તેઓ બહાર કમ્પાઉન્ડની તરફ ભાગ્યા. પાછળ-પાછળ પ્રતાપસિંહ અને બીજા પોલીસવાળા હતા. મોટા ભાગના લોકોની સમજણની બહારનું વર્તન હતું મુંજાલનું.

બહાર આવીને તેમણે ૫ નંબરના અંકવાળા કીચેઇન સાથે લગાવેલી ડિજિટલ કીમાં રહેલા ઓપનની સ્વિચ દબાવવાનું શરૂ કર્યું. ત્યાં રહેલા કોઈ પણ વાહનમાંથી સાઇરન કે ખૂલવાનો અવાજ ન આવ્યો. કશું વિચારીને પાછા ફરવા જતા મુંજાલે પ્રતાપને પૂછ્યું, ‘અહીં સિવાય આપણા કમ્પાઉન્ડમાં બીજે ગાડીઓ હવે ક્યાં રાખો છો?’

અને ત્યાં જ પ્રતાપે જણાવ્યું, ‘પાછળના ખાલી ભાગમાં બિનવારસી મળેલાં વાહનો પડેલાં છે. એક સ્માઇલ સાથે મુંજાલ એ તરફ દોડ્યા અને બાકીના બધા તેની પાછળ-પાછળ દોડ્યા. ત્યાં મૂકેલાં વાહનો સામે કી ધરીને તેમણે સ્વિચ દબાવી. છેક ખૂણામાં પડેલી એક ખૂબ જૂની સ્વિફ્ટ કાર ખૂલવાનો અવાજ આવ્યો. પાસે આવીને તેમણે ગાડીના નાનામાં નાના ભાગને ચેક કર્યો. કશું જ ન મળ્યું, પણ મુંજાલને ખાતરી હતી કે કશુંક તો ત્યાં હશે જ.

ત્યાં અચાનક તેની નજર પાછળના કાચ પર પડી અને ત્યાં ચડેલી ધૂળ પર કોઈકે અંગ્રેજીમાં ૮ બનાવ્યો હતો.

પણ એ સિવાય કોઈ હિન્ટ નહોતી. ૮ નંબરની રૂમમાં જવા સિવાય તેમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. ૮ નંબરની રૂમ પછી તેમને સાઇબર સેલમાં લઈ આવ્યો. આ રૂમ ઑલરેડી તેમણે પહેલાં પણ ચેક કરી હતી. સૌકોઈ થાક્યા પણ મુંજાલને વિશ્વાસ હતો કે અહીં કંઈક તો મળશે. આખરે એક કલાકથી વધારે સમય થયો. અચાનક તેમની નજર ગઈ સામેની દીવાલ પર લટકતા મોટા ખાનાવાળા કૅલેન્ડર પર. પોતાની સીટ પરથી ઊભા થઈને તેમણે કૅલેન્ડરનાં પેજ ઉલટાવીને જોવાનું શરૂ કર્યું. ત્યાં ૧૧મા મહિના પર મોટી માર્કર પેનથી લખેલું હતું, ‘દુનિયાનાં દરેક રહસ્યો તારીખના પાનામાં છુપાયેલાં હોય છે.’

આ વાંચતાંની સાથે જ પ્રતાપે એક ઇન્સ્પેક્ટરને બૂમ પાડીને કહ્યું, ‘આપણે ત્યાં હેડક્વૉર્ટરમાં લગાવેલાં દરેક કૅલેન્ડરને ઉતારીને એમાં જુઓ કશું લખ્યું છે?’

મુંજાલને મનોમન હસવું આવ્યું, પણ કરન્ટ બ્યુરો ચીફની વાતને તેમના જ માણસો સામે નકારવું તેમને યોગ્ય ન લાગ્યું. એ ફરી પાછા પ્રતાપની કૅબિનમાં જઈને બેઠા અને વીતી ગયેલી ક્ષણોમાં મળેલા નંબર્સ અને છેલ્લા સંદેશા પર વિચારવા લાગ્યા.

અચાનક તેમને કશું યાદ આવ્યું અને સામે પડેલા પ્રિન્ટરમાંથી એક કોરો કાગળ કાઢીને એના પર તેમણે લખ્યું ૪, ૫, ૮ અને ૧૧ અને નીચે લખ્યું, ‘દુનિયાનાં દરેક રહસ્યો તારીખનાં પાનાંમાં છુપાયેલાં હોય છે.’

બે મિનિટ સુધી એની સામે જોઈને જાણે તેમણે તાળો મેળવી લીધો.

૪ની સામે લખ્યું એપ્રિલ, ૫ની સામે લખ્યું મે, ૮ની સામે ઑગસ્ટ અને ૧૧ની સામે લખ્યું નવેમ્બર... અને અંગ્રેજીમાં લખેલા મહિનાઓના પ્રથમ શબ્દોને ભેગા કર્યા. એ.એમ.એ.એન. અને તેમને જવાબમાં એક નામ મળ્યું, ‘અમન.’

ફક્ત એક નામ... તો શું ફક્ત એક નામ જાણાવવા તેણે આટલી મહેનત કરાવી? એ શક્ય નહોતું. એનો મતલબ કે આ માણસ કંઈક બીજું જ સાબિત કરવા માગે છે.

આખો દિવસ જુદી-જુદી ધારણાઓમાં વીત્યો. સાંજે અચાનક એક ફોનકૉલ બ્યુરો ચીફની કૅબિનમાં વાગ્યો અને સામે છેડેથી સુધીરે આ હાર્ડ ડિસ્કના બદલામાં હમણાં જ દાણચોરીમાં પકડાયેલા ૪ કરોડના હીરા તેને આપવાનું કહ્યું, અને એ પણ એક કલાકની અંદર... તેની શરત મુજબ બ્યુરો ચીફ પ્રતાપ આ હીરા લઈને તેની બતાવેલી જગ્યાએ પહોંચશે. દરેકને ક્રાઇમના હેતુની ખબર પડી ગઈ કે આખરે સુધીરે આ કામ ૪ કરોડના હીરા મેળવવા કર્યું, પણ મુંજાલે એ કૉલનું રેકૉર્ડિંગ ૧૦ વખત સાંભળ્યું. તેને ખાતરી હતી કે વાત જેટલી સરળ લાગે છે એટલી છે નહીં.

સીએમસાહેબના સચિવથી માંડીને દરેક અધિકારીઓની તાત્કાલિક મીટિંગ ભરવામાં આવી. દરેકનો એક જ સૂર હતો કે કોઈ પણ ભોગે એ હાર્ડ ડિસ્ક પાછી મેળવવી. મુંજાલનો અનુભવ અને મગજ તેને કહી રહ્યા હતા કે આ કામ કરવા જેવું નથી, પણ અધિકારીઓનો મત જુદો હતો. આખરે નક્કી થયું કે પ્રતાપ સિંહ આ હીરા લઈને જશે અને પોલીસ અને ડિટેક્ટિવનો કાફલો વેશ બદલીને ત્યાં આસપાસ રહેશે જેથી સુધીરને એકઝાટકે પકડી શકાય. મુંજાલ મનોમન જાણતો હતો કે આટલી સહેલી રીતે પકડી શકાય એમ ‘અમન’ લાગતો નથી.

સમગ્ર પોલીસ દળ તૈયાર થઈને સુધીર એટલે કે અમનના ફોનની રાહ જોઈ રહ્યું હતું. સૌને એક સ્પષ્ટ સૂચના હતી કે આ વાત અત્યારે બહાર મીડિયામાં લીક થવી જોઈએ નહીં. નાનકડા હવાલદારથી લઈને મોટા ઇન્સ્પેક્ટર સુધી સૌના મનમાં એક જ વાત હતી કે આજે તો તેને દબોચી જ લેવો છે અને એવી હાલત કરવી છે કે પોલીસવાળાની તાકાત શું છે એની તેને ખબર પડે.

આ દરમ્યાન મુંજાલે પેલી હૅકર અનન્યાને બાજુમાં બોલાવીને તેની પાસેથી મદદ માગી. સોશ્યલ મીડિયા પર સુધીર જેવા દેખાતા અમન નામના માણસ વિશે શોધવાનું કામ આપ્યું. પોતાને આટલા મોટા ડિટેક્ટિવે કામ સોંપ્યું એની ખુશીમાં તેણે ઘરે જઈને પોતાના પર્સનલ પીસીમાં આ કામ કરવાનું નક્કી કર્યું.

બધું જ ગોઠવાયું અને પ્રતાપસિંહના ફોનમાં મેસેજ આવ્યો કે બહાર નીકળી રિક્ષા પકડીને રેલવે-સ્ટેશન તરફ જાય. એક ખિસ્સામાં હીરા અને બીજા ખિસ્સામાં લોડેડ પિસ્તોલ લઈને પ્રતાપસિંહ નીકળ્યા. તેની પાછળ તીડના ટોળાની માફક પોલીસની ગાડીઓ નીકળી અને આ જોતાં જ મુંજાલને મનમાં હસવું આવ્યું.

થોડી જ વારમાં પ્રતાપસિંહનો ફોન રણક્યો અને સામે છેડેથી અવાજ આવ્યો કે શહેરના બધા જ સીસીટીવી કૅમેરાનું નિયંત્રણ ટ્રાફિક કન્ટ્રોલ રૂમમાં છે, પણ એ કન્ટ્રોલ રૂમનો કન્ટ્રોલ મારા હાથમાં છે એટલે તમારી પાછળ આવતા વરઘોડાને ત્યાં જ ઊભા રહેવાનું કહો, પછી હું ફરી ફોન કરું છું. પ્રતાપસિંહને પોતાની ભૂલનું ભાન થયું. તેમણે તરત જ સૌને જ્યાં હો ત્યાં ઊભા રહી જવાનો આદેશ આપ્યો.

થોડી વારમાં સ્ટેશન આવ્યું અને તે રિક્ષામાંથી ઊતર્યો અને તેને ફોન આવ્યો અને સામા છેડેથી મેસેજ મળ્યો કે બસ-સ્ટૅન્ડ સુધી ચાલતાં પાંચ મિનિટમાં પહોંચો. શારીરિક રીતે તંદુરસ્ત પ્રતાપસિંહ ત્યાં સુધી દોડ્યા. બસ-સ્ટૅન્ડ પાસે પહોંચીને હાંફતાં-હાંફતાં તેમણે આસપાસ નજર દોડાવી તો તેમના ઇશારા પ્રમાણે વર્દી વગરના સમાન્ય ડ્રેસમાં અનેકાનેક પોલીસ ત્યાં હતા. થોડી વાર થઈ અને તેમનો ફોન રણક્યો. સામે છેડેથી અવાજ આવ્યો કે ‘સામેની દીવાલ પર શું દેખાય છે?’

આ પણ વાંચો : કથા-સપ્તાહ: જિ‌નીયસ (2)

લગભગ સંધ્યાકાળનો સમય થયો હતો એટલે પ્રતાપસિહને કશું ખાસ દેખાયું નહીં. રસ્તો ક્રૉસ કરીને તેઓ પહોંચ્યા તો ત્યાં કોઈ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા અને એના ઉત્સવમાં લગાવેલ મેળાના આમંત્રણનું પોસ્ટર હતું.

એ હજી કશું બોલવા જાય ત્યાં તો સામે ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. હસનાર માણસે પૂછ્યું, ‘સાહેબ ચકડોળમાં બેઠા છો કદી?’ (ક્રમશઃ)

columnists