ઈશ્વરોલૉજી - પ્રકરણ - 35

15 December, 2019 05:38 PM IST  |  Mumbai Desk | Dr. Hardik Nikunj Yagnik

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 35

ઈશ્વરોલૉજી

શરત એ પણ છે કે કોઈ પણ પ્રકારની અઘરી જ્ઞાનની વાતો કે પછી સંસ્કૃતનો ઉપયોગ કર્યા વગર પ્રૅક્ટિકલ સમજણ આપવાની. ઈશ્વર તેની ચૅલેન્જ સ્વીકારીને પૃથ્વી પર આવ્યા છે. નવી-નવી પરિસ્થિતિઓમાં પોતે કહેલું ગીતાનું જ્ઞાન એકદમ સરળ રીતે સંજયને સમજાવી રહ્યા છે. સંજય પણ અર્જુન જેવા સમર્પણથી ઈશ્વરની આ ઈશ્વરોલૉજીને સમજી અને જાણી રહ્યો છે. હમણાં જ સ્વર્ગ અને નરકની સિસ્ટમ સમજ્યા પછી સંજયને ઈશ્વર બતાવે છે કે કેવી શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા લોકોને તે મોક્ષ આપે છે.

હવે આગળ...
‘તર્ક અને વિતર્કને બાજુએ મૂકી મારા પર સંપૂર્ણ વિશ્વાસ કરનારને હું મુક્તિ અર્પણ કરું છું...’
સંજયના કાને સંભળાતા ઈશ્વરના આ શબ્દો સંપૂર્ણ ગીતાજીના સાર જેવા હતા. ભગવાનનો ભક્ત અને પ્રતિનિધિ હોય એવો દંભ કરતો ફાઇવસ્ટાર આશ્રમમાં બેઠેલો સાધુ ઈશ્વરની વાતમાં શંકા કરતો જણાયો. લોકોને ઈશ્વરની કૃપા અને અસ્તિત્વ પર વિશ્વાસ કરવાની વાતો પ્રવચનમાં કરતો માણસ ભગવાનની હયાતી પર અને તે શું કરી શકે છે એ વાત પર અવિશ્વાસ કરતો જણાયો.
જ્યારે બીજી તરફ એક ખેડૂત જેવી અભણ વ્યક્તિએ ઈશ્વરની અમાપ શક્તિને કોઈ જ શંકા વગર સ્વીકારી લીધી. સંજયે મનોમન એ ખરા ભક્તને પ્રણામ કર્યા.
ઈશ્વરની સાથે સ્કૂટર પર ત્યાંથી નીકળ્યા પછી પહેલી વાર તેના મનમાં કોઈ પ્રશ્ન નહોતો. કદાચ સમર્પણની આ સૌથી મોટી અવસ્થા હોવી જોઈએ, જ્યાં પહોંચીને સંપૂર્ણપણે પ્રશ્નો સમાપ્ત થઈ જાય.
બન્ને જણ ઘરે પહોંચ્યા. અચાનક સ્કૂટર પાર્ક કરીને ઈશ્વર ત્યાં જ ઊભા રહી ગયા. તેમણે આંખો બંધ કરી. સંજયને થયું કે પાછું અચાનક શું થયું! ઈશ્વરનું મોં મલકી રહ્યું હતું અને પછી અચાનક તેઓ ખડખડાટ હસી પડ્યા.
ઘરના દરવાજા સુધી પહોંચી ગયેલો સંજય તેમની તરફ પાછો આવ્યો અને એ કશુંક પૂછવા જાય એ પહેલાં તો ઈશ્વરે આંખો ખોલી  અને એ જ મલકતા સ્મિતે હવામાં હાથ હલાવ્યો તો એક કાગળ તેમના હાથમાં આવ્યો. સંજયનું આશ્ચર્ય વધ્યું. તે કશું વધારે પૂછે એ પહેલાં તો ઈશ્વરે એ કાગળ તેની સામે ધર્યો.
સંજયને થયું કે વળી પાછા ભગવાન કશુંક સમજાવી રહ્યા હશે એટલે તેણે ઉતાવળે એ કાગળ લઈને ખોલ્યો. કાગળ કોઈક સ્કૂલની નાની નોટબુકનો હતો અને એમાં પેન્સિલથી ખૂબ ગરબડિયા અક્ષરમાં કશુંક લખ્યું હતું. જોઈને જ લાગતું હતું કે કોઈ નાનકડા બાળકે એ લખ્યું છે. સંજયે ઈશ્વર સામે જોયું. ઈશ્વરે કાગળ વાંચવાનો ઇશારો કર્યો.
સંજયે કાગળ વાંચવાનું શરૂ કર્યું.
વહાલા પ્રભુ,
મજામાં હોઈશ. તારે ક્યાં રોજ-રોજ લેસન કરવું પડે છે કે તકલીફ હોય. તને તો મજા જ મજા છે. ના સ્કૂલ જવાનું, ના હોમવર્ક કરવાનું, ના મમ્મી-પપ્પાની વઢ ખાવાની. ચલ છોડ, હવે સાંભળ એક ખાસ વાત. મારે છેને એક વસ્તુ જોઈએ છે. કાલે મેં ટીવીમાં જોયું કે એક અલ્લાદીનને જાદુઈ ચિરાગ મળ્યો અને એમાંથી જીન નીકળ્યો અને તે જે કહે તે કરી દેતો હતો. ઓ ભગવાન, એક કામ કરને, મને પણ એક જાદુઈ ચિરાગ એવો જ આપને.
જો તું મને અલ્લાદીન જેવો જાદુઈ ચિરાગ આપશે તો તું જે માગીશ એ હું તને આપીશ, પણ ખાલી મારી પૈસા નાખવાની ગુલ્લક, દાદાજીવાળી ટ્રેન અને મારા પેલા સ્પાઇડરમૅનના ડ્રેસ સિવાય માગજે.
અને હા જોજે પપ્પાને આની ખબર ન પડે, નહીં તો માર પડશે. તને અને મને. આપણા બેઉને.
ચલ ત્યારે જય શ્રીકૃષ્ણ.
મોડું ના કરીશ હોં, નહીં તો તને તારી મમ્મીના સમ.
ઝટ કરજે પાછો.
- લિ. તારો લાલુ.
સંજયથી હસવું રોકાયું નહીં. ઈશ્વર પણ હસી રહ્યા હતા. સંજયે હસતાં-હસતાં ઇશારાથી પૂછ્યું કે કોણ છે આ?
ભગવાને કહ્યું કે આજે જ મારા એક મંદિરની દાનપેટીમાં આ કાગળ એક સાવ નાના બાળકે મારા માટે  લખીને નાખ્યો છે.
સંજયે મજાકના સ્વરમાં પૂછ્યું, ‘હવે શું કરશો પ્રભુ?’
ઈશ્વરે તેના હાથમાં રહેલો કાગળ પાછો લઈને માથે અને બન્ને આંખે અડાડીને કહ્યું, ‘આ નાદાનિયત અને હક મારા પર રાખનારને નિરાશ કરવાની તાકાત તો મારામાં પણ નથી. હવે તેને પણ તેનામાં રહેલી જાદુઈ ચિરાગની ઓળખ કરાવવી જ પડશે.’
સંજયે ઘણી વાર સાંભળેલું કે ઈશ્વર ભાવનો ભૂખ્યો છે, પણ આજે જ જાણ્યું.
ઘરમાં જઈ પથારીમાં પડતાં જ તેને થયું કે પેલા બાળક જેવો નિર્દોષ વિશ્વાસ લાવવો કયાંથી? અને તેણે તો ચિઠ્ઠી લખીને મંદિરની દાનપેટીમાં નાખી દીધી, પણ મોટા થઈ ગયેલા લોકો થોડી આવી બાલિશ હરકત કરવાના હતા. અહીં તો મોટા ભાગના લોકોની તો એ જ તકલીફ છે કે ઈશ્વર છે ક્યાં? તેને શોધવાના ક્યાં?
આમ વિચારતાં-વિચારતાં તેને ઊંઘ આવી ગઈ અને તેણે સપનું જોવાનું શરૂ કર્યું. પહાડી પ્રદેશમાં એક માણસ તેને દેખાયો. જે તે ડિસ્ટ્રિક્ટનો કલેક્ટર હતો. આમ તો એ જ પ્રદેશના એક ખૂબ મોટા જમીનદારનો તે દીકરો એટલે પહેલેથી જ સુખ અને સાહ્યબીમાં એક મોટી હવેલીમાં તે રહેતો. હમણાં થોડા દિવસથી તે કેટલાંક કામના અને સરકારી ટેન્શનમાં રહેતો. એની અસર તેના શરીર પર પણ દેખાતી હતી.
અચાનક એક દિવસ ઘરના ભંડકિયામાં પડેલો ખૂબ જૂનો સામાન ખસેડતાં તેના નોકરોને છેક પાછળની  દીવાલ પર એક બાળસાધુનો પ્રતિભાવંત ફોટો દેખાયો. સાવ નાની ઉંમરના એ સાધુની આંખોમાં અજબનું તેજ હતું. એક મોટા વાઘચર્મ પર એ બાળસાધુ વિરાજમાન હતા. હાથમાં અને ગળામાં રુદ્રાક્ષની માળા હતી. કપાળઆખું ચંદનથી ભરાયેલું હતું. માથે પાઘડી હતી. તેમનો હાથ આશીર્વાદની મુદ્રામાં સામેની તરફ હતો અને હથેળી પર સ્વસ્તિકનું ચિહ્‍ન હતું. ફોટોની પાછળ પીળા પડી ગયેલા ભાગ પર ઝીણા અક્ષરે લખ્યું હતું ‘બાળવિશ્વેશ્વર સાધુ’ અને બાજુમાં આજથી ૫૦ વર્ષ પહેલાંની એક તારીખ હતી.
આ કોઈ કુળના સાધુનો ફોટો હશે એમ માની નોકરો બીજા સામાનથી એને જુદો કાઢીને ઉપર લઈ ગયા. એ ફોટો જોતાં જ કલેક્ટરસાહેબને ગજબનુ આકર્ષણ થયું. એ બાળસાધુની ભવ્ય મુખમુદ્રા અને આંખોમાં જોતાં જ તેમને ખૂબ શાંતિ મળી. સાહેબને થયું કે આ કોઈ સિદ્ધ મહાત્મા બાળસંત હોવા જોઈએ. તેમણે ફોટોને પ્રણામ કર્યા. મનમાં ચાલતી અશાંતિ અને ઑફિસની ખટપટ અને ચિંતાઓમાંથી મુક્તિ મળે એવી પ્રાર્થના કરી અને ફોટોને ઘરની પૂજામાં મૂકવાનો આદેશ આપ્યો.
એક અઠવાડિયું વીત્યું ત્યાં તો કલેક્ટરના દરેક પ્રૉબ્લેમમાંથી છુટકારો જાણે મળવા લાગ્યો. સતત આંખ સામે પેલા બાળસંતનો ફોટો જ આવ્યા કરતો. તેમને થયું કે ચોક્કસ માનો કે ન માનો, આ બાળસંતની કૃપાથી જ આ સઘળું શક્ય બન્યું છે.
તેમણે આખા ડિસ્ટ્રિક્ટમાં બાળવિશ્વેશ્વર નામના સાધુની તપાસ કરવાનો આદેશ આપ્યો. લગભગ છ મહિના સુધી જિલ્લાની પોલીસથી લઈને અધિકારીઓ તથા કલેક્ટરના પોતાના માણસોથી લઈને કલેક્ટરસાહેબ પોતે પણ વિવિધ આશ્રમો અને જગ્યાઓ પર ફરી-ફરીને આ સાધુને શોધવા લાગ્યા, પણ ક્યાંય બાળવિશ્વેશ્વર નામનો કોઈ સાધુ હોવાની જાણ ન થઈ.
આખરે હારી-થાકીને તેમણે વિચાર્યું કે મારા જેવા પાપી માણસને તેમનો ફોટો જ નસીબ થાય, તેમનાં દર્શન તો નહીં જ. કદાચ તેમની જ ઇચ્છા નહીં હોય. તેણે મન મનાવ્યું, પણ ઊંડે-ઊંડે હૃદયમાં એ સંતની શોધ ચાલુ જ હતી. અંતરમાં એક દુ:ખ રહેતું કે એ સંતનાં દર્શન ન થયાં.
એક દિવસ અચાનક કલેક્ટરસાહેબ નીચે ભંડકિયામાં ગયા. એક જૂની પેટી પર બેસીને સામેની દીવાલ પર જ્યાં પેલો ફોટો ટાંગેલો મળ્યો હતો એ દીવાલ તરફ એકીટસે જોવા લાગ્યા. ઘણા વિચાર આવ્યા કે આ સંત વિશે મને મારા પિતાજીએ કેમ કશું નહીં કહ્યું હોય? આ મારા કુલગુરુ હશે કે કોઈ અન્ય? તેમનો ફોટો અહીં નીચે કેમ હતો? આટલાં વર્ષો સુધી એ મને કેમ ન મળ્યો? એ મળ્યો એ પછી મારા જીવનમાં કેટલો સરસ બદલાવ આવ્યો.
આમ વિચારીને અંતે તેઓ નિસાસો નાખી ઊભા થયા ત્યાં જ તેઓ જેના પર બેઠેલા એ પેટી પર નજર પડી. ખૂબ જૂની પેટી હતી. સાહેબે એ પેટી ખોલીને જોયું તો અંદર ખૂબ જૂનાં કપડાં, કાગળો અને એક આલબમ હતું. આલબમનાં પેજ એકબીજા સાથે ચોંટી ગયાં હતાં. મહામહેનત અને કાળજીથી પીળાં પડી ગયેલાં એ કાગળોને તેમણે ખોલ્યા જેમાં બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો હતા.
પોતાના બાળપણના ફોટો એમાં હતા. કલેક્ટરસાહેબ પાસે પોતાના બાળપણની આ પહેલાં એક પણ તસવીર નહોતી. એટલે તેઓ ખુશ થઈ ગયા. પપ્પા અને મમ્મી સાથેના પોતાના ફોટો જોતાં તેઓ ત્યાં જ બેસી ગયા. જેમ-જેમ ફોટો જોતા ગયા એમ બાળપણની ધૂંધળી યાદો આવતી ગઈ.
અચાનક પેજ ફર્યું અને એક ફોટોમાં મમ્મી તેને સાધુનાં કપડાં પહેરાવતી દેખાઈ. બીજા ફોટોમાં પપ્પા તેના નાનકડા કપાળ પર ચંદનનુ તિલક કરી રહ્યા હતા. સાહેબની આંખો ફાટી રહી ગઈ.
ત્રીજા ફોટોમાં એક મોટા વાઘર્ચમ પર સાધુ બનેલા પોતે બેઠા હતા અને બાજુમાં મમ્મી અને પપ્પા હતાં. ઉપર મંદિરમાં બાળસાધુ તરીકે મૂકેલા પોતાના જ મોટા ફોટોની મૂળ કૉપી તેમણે એ પછીના પાને જોઈ જેમાં નીચે ઝીણા અક્ષરે
લખ્યું હતું, ‘નવરાત્રિ બાળ વેશભૂષા હરિફાઈ. બાળસંત બાળવિશ્વેશ્વર સાધુ તરીકે...
ફર્સ્ટ પ્રાઇઝ.’
કલેક્ટરસાહેબની આંખો પહોળી થઈ ગઈ. જે વ્યક્તિને તેઓ શોધતા હતા એ વ્યક્તિ પોતે જ છે એ જાણીને તેમને એક જબરદસ્ત ઝાટકો લાગ્યો અને આની સાથોસાથ સંજય પણ એવા જ એક ઝાટકા સાથે ઊંઘમાંથી જાગી ગયો.
અજીબ સપનું હતું એમ વિચારીને તે રૂમની બહાર આવ્યો. ત્યાં જ સામે સોફા પર બેઠેલા ઈશ્વરલાલ ગગનવાસી બોલ્યા, ‘મારું પણ આવું જ છે. હું એ જ છું જે તમે છો, પણ તમારી અંદર મને શોધવાનું છોડીને બહાર શોધો છો.’
ઈશ્વરની એ સાવ સહજ કહેલી વાતમાં મહાવાક્ય હતુ, ‘ત્વં બ્રહ્માસ્મિ.’
(વધુ આવતા અંકે)

columnists weekend guide