કથા સપ્તાહ : ત્રિકમલાલ (5)

05 July, 2019 01:01 PM IST  |  મુંબઈ | ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક - કથા સપ્તાહ

કથા સપ્તાહ : ત્રિકમલાલ (5)

પ્રતીકાત્મક તસવીર

ત્રિકમકાકાની વાતો વિચારતાં ક્યારે તે ફ્રેમવાળાની દુકાનમાં પહોંચી ગયો એની ખબર ન પડી. અૅક્ટિવા બાજુમાં પાર્ક કરી તે દુકાનમાં દાખલ થયો.

‘આમાંથી બેસણામાં મૂકવાનો ફોટો કાળી ફ્રેમ સાથે તૈયાર કરી આપોને.’ પેનડ્રાઇવ આપતાં ખંજને કહ્યું.

ફ્રેમવાળાએ પેનડ્રાઇવ કમ્પ્યુટરમાં ખોલ્યું તો એમાં એક જ સેલ્ફી હતો, જે એક ખૂબ જ ધરડા માણસે ખેંચી હતો, જેમાં એ ઘરડો માણસ અને આ સામે ઊભા રહેલા ભાઈ હતા. અસ્તવ્યસ્ત રીતે ખેંચાયેલો સેલ્ફી એ વાતની ચાડી ખાતી હતી કે એ પેલા વૃદ્ધના ધ્રૂજતા હાથે ખેંચાયો હશે.

સ્ક્રીન પર આવો વિચિત્ર ફોટો જોઈને પેલા દુકાનવાળાએ મોં બગાડીને કહ્યું, ‘આમાંથી તો વડીલનો ફોટો જુદો પડે એવો છે જ નહીં. એક કામ કરો કોઈ સારો ફોટો લઈ આવો. બેસણાના ફોટોમાં આ નહીં ચાલે.

તેણે પેનડ્રાઇવ કાઢીને સામું જોયા વગર જ પાછું આપ્યું.

ખંજનભાઈએ એને લીધા વિના જ બોલવાનું શરૂ કર્યું, ‘બેસણામાં આ જ ફોટો રાખવાનો છે.’

“અલ્યા ભાઈ, આ અણઘડ ખેંચેલા સેલ્ફીમાંથી કાકાનો ફોટો જુદો કેમનો કરું? સમજતા નથી યાર...’

‘કાકાનો ફોટો જુદો કરવાની જરૂર નથી. અમારા બન્નેનો ફોટો બેસણામાં મૂકવાનો છે.’

પેલા ફ્રેમવાળા ભાઈ સ્તબ્ધ થઈ ગયા. ખંજનભાઈને થયું કે તેમને મારી અને આ ત્રિકમકાકાની સ્ટોરી કહી દઉં એટલે સમજી જશે, પછી થયું કે આવું તો કેટલાને સમજાવીશ? એટલે કોઈ ફોડ પાડવો નથી. તેણે ફાટી આંખે જોઈ રહેલા ફ્રેમવાળા સામે ખાલી એક સ્માઇલ આપી, પણ એ સ્માઇલ પાછળ એક સંકોચ તો ખંજનભાઈના મનમાંય હતો.

ફ્રેમવાળાએ ફરી પાછું તુટક અવાજે પૂછ્યું, ‘બેસણામાં... મૂકવાનો... ફો..ટો...’

ખંજનભાઈએ એ જ સંકોચભર્યા સ્મિત સાથે ‘હા’ પાડી.

૧૫ મિનિટમાં તો કલરપ્રિન્ટ થયેલા તેના અને ત્રિકમકાકાના ફોટોને કાળી કોતરકામણીવાળી ફ્રેમમાં ફિક્સ કરીને જૂના ન્યુઝપેપરમાં પૅક કરીને પેલાએ આપી દીધી.

આવડા મોટા ફોટોને એક્ટિવાના આગળના ભાગમાં ગોઠવીને આજુબાજુ પગ રાખી ખંજન ત્રિવેદી નીકળ્યા.

ભાઈબંધીમાં આવી વિચિત્ર માગણી એ ત્રિકમલાલના વધારેપડતા વહાલનુ પરિણામ હતું. ખંજને કાકાના ઘર તરફ જવા અૅક્ટિવા વાળ્યું અને વળી પાછો કાકાની યાદમાં પડી ગયો.

ખંજન ત્રિવેદી ઉંમરમાં તેમનાથી ઘણો નાનો, પણ તેને આ કાકાની લાગણી થતી. ઘણી વાર સમજાવતો કે કાકા સાચું કહું તમને, શું લાગે છે તમે બહુ સારા એક્ટર છો? આ તમને ખબર નથી. આ બધા તમારા પૈસા માટે તમને નાટકમાં રાખે છે.

અને ત્રિકમદાસ હસીને કહે, ‘અલ્યા ખંજનિયા તને શું લાગે છે કે મને ખબર નથી? પણ મોજ કરને ભાઈ... પૈસાની ખોટ ભગવાને કરી નથી અને આ બહાને મનગમતું કામ થાય છે અને લોકોનાં ઘર ચાલે છે. તું તારે જલસા કરને. એક વાર જોજેને એવું નાટક કરીશુંને કે જામી જ જશે.

ખંજનને કાકાની ખેલદિલી ગમતી. એક અનોખો ભાઈબંધીનો સંબધ બન્ને વચ્ચે બન્યો હતો.  કાકાને પણ ખંજન સાથે ખૂબ બનતું. ધીરે-ધીરે ઉંમરે એનો રંગ બતાવવાનું શરૂ કર્યું. કાકાની આંખોની સાથે-સાથે સ્મૃતિઓએ પણ તેમને છોડવાનું શરૂ કર્યું... કાકા લગભગ બધું જ ભૂલી ચૂક્યા હતા, પણ સ્મૃતિપટ પર એક નામ તો ખરું જ ‘ખંજનિયો.’

એક શબ્દ પણ કાને સંભળાય નહીં તોય કાકા દરરોજ ખંજનને ફોન કર્યા વગર રહે નહીં. ઘડપણની જીદ બાળપણની જીદ કરતાં પણ વધુ કાઠી હોય છે, કારણ કે એમાં સમજણનો

સિમેન્ટ લાગીને ખરી ગયો હોય છે એટલે ખંજન માટે તેમને એવી જીદ કે એ દર અઠવાડિયે તે મને મળવા આવે જ. મારી સાથે જમે અને મારી સાથે રહે.

ખંજન નાટ્યજગતમાં પોતાનું એક નાનુંસરખું નામ કરીને બેઠેલો. ફિલ્મોનાં કમિટમેન્ટ અને નાટકોની તારીખો વચ્ચે કાકાને મળવા જવાનું અઘરું પડે અને કાકાનો વહાલ એટલો કે તેમને ના પણ ન પાડી શકાય.

ગયા મહિને જ્યારે ખંજન તેમને મળવા ગયો ત્યારે પોતે આંખે લગભગ કશું ન દેખાતું હોવા છતાં ધ્રૂજતા હાથે આ સેલ્ફી લીધો હતો.

તેમના દીકરાને એ સેલ્ફી બતાવતાં કહ્યું હતું, ‘જો હું મરી જાઉં તો મારા બેસણામાં આ ફોટો મારા ખંજનિયા જોડેનો મૂકજે.’  બોલતી વખતે ‘જો હું મરી જાઉં તો’ શબ્દો પર મૂકેલો ભાર પોતાની જાત પરનો ઓવર કૉન્ફિડન્સ અને ઈશ્વરના જીવન-મરણની સિ‌સ્ટમ પરનો લોઅર કૉન્ફિડન્સ દેખાડતો હતો.

લગભગ જરાય ન સાંભળી શકતા બાપના કાનમાં જઈને દીકરાએ ઘાંટો પાડ્યો, ‘તમને ખબર છે શું બોલો છો?’

આવી વિચિત્ર માગણીથી ડઘાયેલા ખંજને પોતાના વડીલ મિત્રના દીકરાને સંકોચાતાં કહ્યું, ‘કોઈ વાંધો નહીં.’

પણ ત્યાં તો ત્રિકમદાસ બોલ્યા, ‘ખરેખર તો બેસણામાં મરી ગયેલા માણસનો ફોટો મૂકો છો, પણ સાથે-સાથે એક માણસના જવાથી કેટલા સંબંધો પણ મરી જાય છે, તો એનું બેસણું પણ થવું જોઈએ કે નહીં.’

ખંજન અને દીકરો કશું ન સમજ્યા, પણ બાપાએ ચલાવ્યે રાખ્યું કે આ ખંજનિયો મારો જજિગરજાન દોસ્ત છે એટલે મારા બેસણાના ફોટોમાં તેનો ફોટો તો મારી સાથે જ રાખવાનો.’

દીકરાને પોતાની જ ઉંમરના ખંજનભાઈ પર પોતાના બાપનો આટલોબધો પ્રેમ જોઈને ઈર્ષા આવી. ખંજને પણ નાછૂટકે હસતાં-હસતાં તેમના કાનમાં કહ્યું, ‘ચિંતા ન કરશો કાકા, તમારા બેસણામાં આપણા બન્નેનો ફોટો રાખીશું. હું મોટી ફ્રેમ બનાવી લાવીશ બસ.’

અચાનક એક્ટિવાને બ્રેક વાગી અને મનમાં ચાલતા વિચારો તૂટ્યા. એક હાથથી ફોટોને પડતો અટકાવીને ખંજનભાઈ આગળનો ટ્રાફિક ખાલી થવાની રાહ જોવા લાગ્યા.

રસ્તાની એક બાજુના ઘરના ઓટલે થતી એક મા-દીકરાની વાત તેના કાને પડી.

‘મમ્મી શું કરું? કંટાળો આવે છે.’

‘તો રમવા જા.’

‘પણ કોની સાથે રમું? મારે તો કોઈ ભાઈબંધ જ નથી.’

વાત નાનકડી હતી, પણ જીવનના કંટાળાને દૂર કરવા એક ભાઈબંધ હોવો જોઈએ એની અનુભૂતિ પહેલી જ વાર ખંજનને આ વાત સાંભળીને થઈ.

સોસાયટીના નાકે આવેલા પાનના ગલ્લા પાસે અૅક્ટિવાને પાર્ક કરી સીટ પર ફોટો આડો રાખીને કાકાને ગમતું પાન તેમની યાદમાં ખાવા ખંજન ગયો. ગલ્લાની પાછળ સંતાઈને બે મિત્રોને એક જ સિગારેટમાંથી કશ ફૂંકતા જોયા. તેના ચહેરા પર સ્માઇલ આવી ગઈ. બૅકસ્ટેજ પર ચાલુ નાટકે કાકાની સાથે મારેલી બીડીની ફૂંક યાદ આવી ગઈ.

ત્યાં જ એક માણસ બબડતો-બબડતો બાજુના બંગલામાંથી આવીને સ્કૂટર પાસે પાર્ક કરેલી મર્સિડીઝમાં બેસીને આગળ વધ્યો.

પાન બનાવતા પાનવાળાએ ચાલી ગયેલી મર્સિડીઝ તરફ નજર મારતાં કહ્યું, ‘ખંજનભાઈ, આ એક નંબરવાળા પરમારસાહેબ મરશે તો મૂકવા જવા માટે ચાર માણસ ક્યાંથી લાવશે? ના કોઈ સગા કે ના કોઈ ભાઈબંધ. પછી હું કરવાનું આટલા પૈસાનું, જ્યાં જીવનમાં એક ભાઈબંધ પણ ન હોય.’

ખંજનને ખબર નહીં, કેમ પણ આજે પોતાના આ વડીલ ભાઈબંધે કરેલા પોતાના પરના હક પર ગર્વ થયો. તેને થયું કે ત્રિકમકાકા સ્વરૂપે અદ્‍ભુત મિત્ર તેને મળ્યો હતો.

સાંજે સફેદ ચાદરની આસપાસ લીલીનાં ફૂલો વચ્ચે ગોઠવાયેલો ત્રિકમદાસનો ખંજનભાઈ સાથે લીધેલો સેલ્ફીવાળો ફોટો જોઈને બેસણામાં આવેલા દરેકના મોઢા પર એક વિચિત્ર પ્રકારનો પ્રશ્નાર્થ હતો. સૌના મનમાં ત્રિકમલાલના અવસાનની પ્રાર્થનાને બદલે આ ફોટોને જોઈને આશ્ચર્ય હતું.

આ પણ વાંચો : કથા સપ્તાહ : ત્રિકમલાલ (4)

આવેલા દરેકનું ધ્યાન આ વિચિત્ર બેસણાના ફોટોની સાથોસાથ ભીડમાં સૌથી છેલ્લે બેઠેલા અને ફોટોમાં દેખાતા ખંજનભાઇ પર પણ હતું, પરંતુ ખંજનભાઈ કોઈના પર ધ્યાન આપ્યા વગર ટગર-ટગર સામેના ફોટોમાં રહેલા નિઃસ્વાર્થ વહાલનું સરનામું એવા પોતાના વડીલ મિત્રને જોઈ રહ્યો હતો.

જાણે ફોટોમાંથી ત્રિકમલાલ તેને કહી રહ્યા હતા,

‘જોયું ખંજનિયા, મેં નહોતું કહ્યું, એક દિવસ તો જામશે જ... નાટક જામ્યું ને આપણું?’

અને તેણે મનોમન એ ટેરિફિક ત્રિકમલાલને સલામ કરી.

(સમાપ્ત)

columnists