કથા-સપ્તાહ: જિ‌નીયસ (2)

09 July, 2019 11:19 AM IST  |  મુંબઈ ડેસ્ક | ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક - કથા સપ્તાહ

કથા-સપ્તાહ: જિ‌નીયસ (2)

જિ‌નીયસ

કથા-સપ્તાહ

ગાડીના બોનેટ પર પડેલું કાર્ડ અને બુક એ આવનારી કોઈક ચૅલેન્જનું આમંત્રણ હતું એ વાતની જાણ મુંજાલને એ હાથમાં લેતાં જ થઈ ગઈ હતી. આજુબાજુ નજર કરવાનો અર્થ નહોતો, કારણ કે તેને ખબર હતી કે આ પ્રકારની વસ્તુ મૂકનારો માણસ દૂર કોઈ ઝાડ પાછળ ઊભો-ઊભો તેને જોતો હોય એવું શક્ય ન જ હોય.

ગાડીમાં બેસતાં તેણે ચોપડી ખોલી અને તેના ચહેરા પર એક સ્મિત આવી ગયું, કારણ કે ‘નૉટ એવરી પઝલ્સ આર ઇન્ટેન્ડેડ ટુ બી સૉલ્વ્ડત...’ લખેલી ચોપડીમાં એક પણ પાના પર કશું જ લખાયું નહોતું. સંપૂર્ણ ચોપડી કોરી હતી, પણ એના છેલ્લા પેજની છેક છેલ્લી લીટીમાં એટલું લખ્યું હતું કે સૉલ્વ ઇટ ઇફ યુ કૅન...

ઘરેથી નીકળીને પોલીસ હેડક્વૉર્ટરના કમ્પાઉન્ડમાં આવેલી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોની ઑફિસ સુધી પહોંચતા સુધી તેમના મગજમાં એક જ વાત ચાલુ હતી, ‘સૉલ્વ ઇટ ઇફ યુ કૅન...’ બસ વારંવાર બાજુની સીટ પર મૂકેલી કોરી બુક પર તેમની નજર જતી હતી.

જેવા તેઓ પોલીસ હેડક્વૉર્ટરની ગલી તરફ વળ્યા ત્યારે સામાન્ય કરતાં વધારે વાહનોની દોડમદોડ હતી. તેમનું અનુભવી મગજ સમજી ગયું કે કશુંક અજુગતું બન્યું છે. પહેલી વાર જોયું કે હેડક્વૉર્ટરની અંદર જવાનો મેઇન ગેટ બહારથી બંધ કરવામાં આવ્યો હતો. તેમની ગાડી દૂર મૂકી તેઓ ચાલતા બંધ દરવાજા તરફ આવ્યા. તેમને ન ઓળખતા એક નવા હવાલદારે ઘાંટો પાડીને તેમને બાજુમાં ઊભા રહેવા કહ્યું. નવા હવાલદારને કશું જ કહ્યા વગર તેઓ એક તરફ ઊભા રહીને શું થયું છે એ સમજવા લાગ્યા. થોડી ક્ષણો થઈ ત્યાં તો એક ગાડી જોરથી ત્યાં ઊભી રહી અને એમાંથી હાંફળોફાંફળો ઊતરેલો ઇન્સ્પેક્ટર તેમની સામે આવીને ઊભો રહ્યો અને સલામ ઠોકી. આ જોઈને ત્યાં ઊભા રહેલા પેલા હવાલદારના મોતિયા મરી ગયા. તે દોડી આવ્યો અને તેણે પણ સલામ મારીને કહ્યું, ‘માફ કરજો સાહેબ, હું નવો છું. તમને ઓળખ્યા નહીં.’

મુંજાલે સામે સલામી આપતાં કહ્યું, ‘ઇટ્સ ઓકે, તમે તમારી ડ્યુટી કરી રહ્યા છો.’ અને તરત જ સામે ઊભેલા ઇન્સ્પેક્ટરને મુંજાલે પૂછ્યું, ‘શું છે આ બધું?’

તેણે તેમને માટે ગાડીનો દરવાજો ખોલતાં કહ્યું, ‘આપ અંદર આવો... તમારી જ જરૂર હતી અત્યારે...’

બન્ને જણ હેડક્વૉર્ટરના ચોગાનમાં ગાડી પાર્ક કરી સીધા જ સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમ તરફ પહોંચ્યા. જ્યાં સામેની તરફથી બ્યુરો ચીફ પ્રતાપસિંહ આવ્યા અને તેમણે મુંજાલને જોઈને સૅલ્યુટ કરી અને આ જોતાં જ ત્યાં રહેલા દરેક જણે તેમને સૅલ્યુટ કરી.

પ્રતાપે જણાવ્યું કે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોની કોર વૉલ્ટમાં રહેલા સેફ ડિપોઝિટ બૉક્સમાં રહેલી હાર્ડ ડિસ્ક ચોરાઈ ગઈ છે. સેન્ટ્રલ બ્યુરોની બધી જ માહિતી, સસ્પેક્ટનાં નામ અને ક્રિમિનલના ડેટાથી લઈને પોલીસ-ડિપાર્ટમેન્ટના દરેક ડિજિટલ આઉટપુટના ડેટા અને પાસવર્ડ એમાં હતાં. કોઈક ખોટા હાથમાં એ ઇન્ફર્મેશન આવી જાય તો રાજ્યને ખૂબ મોટું નુકસાન થઈ શકે એમ છે.

મુંજાલે ઝીણી આંખે પૂછ્યું, ‘કોણ?’

એક છેડેથી ફ્રેમ પકડીને ચશ્માં કાઢતાં પ્રતાપે કહ્યું, ‘સુધીર સોની, લગભગ બે વર્ષથી ઍન્ટિ-હૅકિંગ ડિપાર્ટમેન્ટમાં સાઇબર ક્રાઇમને ડિટેક્ટ કરવા સરકારી પરિપત્ર પર હંગામી ધોરણે હૅકર્સ લેવામાં આવ્યા હતા. જેમાંથી સુધીર નામના હૅકરનું આ કામ છે. લગભગ ઘણા વખતથી અને ખૂબ જ શાંતિથી કોઈને ખબર ન પડે એ રીતે આ કામ કર્યું છે. તેણે ધીમે-ધીમે આખી સિસ્ટમમાં ઘૂસી અલાર્મથી લઇને વૉલ્ટ ખોલવાના પાસવર્ડ સુધી દરેક વસ્તુ હૅક કરી છે. તને તો ખબર છે કે આ વૉલ્ટના ત્રણ ડિજિટલ પાસવર્ડની કી હોય છે જે ઇન્ટેલિજન્સ બ્યુરો ચીફ, પોલીસ અધીક્ષક અને કેન્દ્રમાં રહેલી સરકારના નિયુક્ત કરાયેલા પ્રતિનિધિ એ ત્રણેય પાસે અલગ-અલગ હોય છે. જ્યાં સુધી આ ત્રણેય કી ભેગી ન થાય ત્યાં સુધી શક્ય જ નથી કે આ વૉલ્ટ ખૂલે અને છતાં વૉલ્ટ ખૂલ્યો છે અને હાર્ડ ડિસ્ક ચોરાઈ છે.

મુંજાલના મગજે ગણતરીઓ શરૂ કરી... ‘પણ આ હાર્ડ ડિસ્ક તેને માટે નકામી છે. ડિજિટલી એના પાસવર્ડ સતત બદલાતા રહે છે... આપણે પણ એને ખોલવા માટે સરકાર પાસેથી પરમિશન લઈને એ વખતનો પાસવર્ડ લેવાનો હોય છે જે દુનિયામાં બીજું કોઈ હૅક કરી શકે એમ નથી એટલે આ માણસ માટે આ ડિસ્ક નકામી છે. આટલું હૅક કરી શકનાર માણસને એટલી તો ખબર જ હશે કે આ ડિસ્કનો ડેટા મેળવવો તેને માટે અશક્ય છે, કારણ કે એ હાર્ડ ડિસ્ક ઓપન કરવાના કોઈ પણ પ્રયત્ન કરતાંની સાથે જ એ બ્લાસ્ટ થઈ જશે અને એમાંના દરેક ડેટા જતા રહેશે.’

પ્રતાપસિંહે કહ્યું, ‘ચિંતા એની જ છે. એ કોઈને ડિસ્ક વેચી તો નહીં જ શકે, પણ કદાચ જો એમ કરતાં એ ડેટા ઊડી જશે તો? મુંજાલ યુ નીડ ટુ હેલ્પ મી...’

મુંજાલે કહ્યું, ‘એક કૉફીની લાલચ કેટલું કરાવે છે! ઍની વે ચાલ મને સુધીરનું ડેસ્ક બતાવ.’

બન્ને જણ સાઇબર ક્રાઇમની ઑફિસ તરફ જવા નીકળ્યા. મુંજાલને જોતાં જ અંદર-અંદર સૌ વાત કરવા લાગ્યા કે હવે તો આ કેસ સૉલ્વ થયો જ સમજો.

ઑફિસ સુધી પહોંચતાં સુધીરની ડિટેલ ચેક કરીને આવેલા ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે ‘તેણે આપેલા સરનામા પર તે ભાડેથી રહેતો હતો અને ત્યાં એ એકલો જ હતો. આ સિવાય તેણે આપેલી દરેક પ્રોફાઇલ અને માહિતી ખોટી છે.’

મુંજાલે ફાઇલ સામે જોતાં કહ્યું, ‘સ્વાભાવિક છે.’

સુધીરના ડેસ્કની બાજુમાં બેસતી હૅકર અનન્યાને તેમણે પૂછ્યું, ‘તમે લગભગ દરરોજ સુધીરની બાજુની સીટ પર જ બેસતાં હતાં?’

અનન્યાએ ડોકું હલાવ્યું. મુંજાલે બીજો પ્રશ્ન કર્યો, ‘તો તમને એ માણસ કેવો લાગ્યો?’

અનન્યા ખૂબ જ શોકમાં હતી. તેણે કહ્યું, ‘ઇટ્સ નૉટ પૉસિબલ. સુધીર આમ કરી જ ન શકે. છેલ્લાં બે વર્ષથી અમે સાથે કામ કરી રહ્યાં છીએ. તેમના જેટલો સિન્સિયર માણસ મેં જોયો નથી. જોકે સુધીરભાઈ ખૂબ જ ઓછું બોલતા અને સતત કામમાં રહેતા. તેમણે આ બધું કઈ રીતે અને ક્યારે કર્યું એ મારા તો વિચાર બહારની વાત છે. ઍક્ચ્યુઅલી, તેમણે તો અત્યાર સુધીમાં સૌથી વધારે સાઇબર-કેસ સૉલ્વ કર્યા છે. અમે બધા હૅકર્સને પણ જ્યારે જરૂર પડે ત્યારે એ જ માર્ગદર્શન આપતા હતા. આટલો જિનીયસ માણસ આવું કામ કરી જ ન શકે.’

જિનીયસ જ હંમેશાં અણધાર્યાં કામ કરતા હોય છે.

‘સુધીરના ડેસ્કને કોઈ અડકે પણ નહીં’નો ઑર્ડર આપીને તેઓ વૉલ્ટ તરફ જવા નીકળ્યા. વૉલ્ટ તરફ ફિંગરપ્રિન્ટ ચેક કરતા એક્સપર્ટને જોઈને તેમણે કહ્યું, ‘ગમે એટલી મહેનત કરશો, પણ અહીં કશું જ નહીં મળે. વૉલ્ટ ડિજિટલી ખોલવામાં આવ્યું છે.’

મુંજાલને ખબર હતી કે વૉલ્ટમાં આંટો મારવો નકામો છે, છતાં તેમણે ત્યાં આંટો માર્યો.

ત્યાંથી બહાર આવીને તેઓ પ્રતાપની કૅબિનમાં કૉફી પીવા બેઠા. પ્રતાપસિંહ બહાર ચાલતું ઇન્વેસ્ટિગેશન અને રિપોર્ટ બનાવવામાં વ્યસ્ત હતા ત્યાં જ મુંજાલના ફોન પર એક અજાણ્યો કૉલ આવ્યો. ફોન ઉપાડતાંની સાથે જ સામેથી અવાજ આવ્યો, ‘કેવી લાગી ચૅલેન્જ ધ ગ્રેટ ડિટેક્ટિવ મિસ્ટર મુંજાલ?’

મુંજાલની આંખો ચમકી, ‘સુધીર?’

સામે છેડેથી અવાજ આવ્યો, ‘અફકોર્સ, બીજું કોણ? એક જિનીયસને બીજો જિનીયસ જ ઓળખી શકે... સો સરપ્રાઇઝ કેવી લાગી?’

‘એક જિનીયસની સરપ્રાઇઝ છે એટલે જોરદાર જ હોય ને.’

‘થૅન્ક યુ, સો બોલાવો મીડિયાને અને જાહેર કરી દો કે જગતની રક્ષા કરતી પોલીસના ગઢમાંથી એનો ખજાનો લઈને કોઈ છૂમંતર થઈ ગયું છે.’

‘મીડિયામાં જવાની આટલી ઉતાવળ કેમ? મને તો એમ કે તું પહેલાં તારી ડિમાન્ડ કહીશ.’

‘પ્રોવિઝન સ્ટોર ચલાવતો નથી કે ભાવતાલ અને ધંધો કરીશ તમારી જોડે. મારી ડિમાન્ડ જેવું કશું જ નથી. જસ્ટ મારે તો સાબિત કરવું છે કે આઇ ઍમ ધી બેસ્ટ. અને એ પણ ધી બેસ્ટના મોઢે. જોકે મેં બધાં જ ન્યુઝપેપરને જણાવી દીધું છે કે એક ગરમાગરમ ખબર માટે પોલીસ-હેડક્વૉર્ટર પહોંચો. હમણાં બહાર તો પહોંચી જ ગયા હશે એ લોકો. સો કૉલ ધી પ્રેસ. અને તેમને કહો કે દુનિયાના સૌથી જિનીયસ હૅકરે પોલીસને પણ હરાવી દીધી છે અને આઇ હૉપ કે આ ખબર પેલો સિનિયૉરિટીથી બનેલો બ્યુરો ચીફ નહીં પણ તમે જ આપો... થૅન્ક યુ...’

‘એક જિનીયસ થઈને આમ પડદા પાછળથી રમવાની શું મઝા? સામે આવ.’

‘મને ખબર જ હતી કે તમે મને આમ જ કહેશો. સો ડોન્ટ વરી, નજર નાખશો તો મારી ઓળખ ત્યાં જ મૂકી છે. કાશ તમે ઓળખી શકો. ચૅલેન્જ, મને ઓળખી બતાવો. બેસ્ટ ઑફ લક ધી ગ્રેટ ડિટેક્ટિવ. કૉફી તમારા ટેસ્ટ મુજબની હશે...’ આમ કહીને તેણે ફોન કટ કર્યો.

આ પણ વાંચો : કથા-સપ્તાહ: જિ‌નીયસ (1)

અને આ સાથે જ મુંજાલના મગજમાં એક વિચાર આવ્યો અને ત્વરાથી તેણે જમણી બાજુની દીવાલ પર ગોઠવેલા સીસીટીવી કૅમેરા સામે જોઈને પોતાનો કૉફીનો મગ ઉપર કરી બોલ્યા, ‘થૅન્ક યુ સુધીર.’

(ક્રમશઃ)

columnists