કથા-સપ્તાહ: જિ‌નીયસ (1)

08 July, 2019 12:58 PM IST  |  મુંબઈ | ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક - કથા સપ્તાહ

કથા-સપ્તાહ: જિ‌નીયસ (1)

જિ‌નીયસ

‘એ વાત પણ એટલી જ સત્ય છે કે દરેક માણસ જે વાતને સત્ય માને છે એ વાત પણ સત્ય હોઈ શકે નહીં. જીવન ધારણાઓ પર જિવાય છે, સત્ય પર નહીં. આપણે જેને સત્ય માનીએ છીએ એ આપણી ધારણામાં સત્ય હોઈ શકે છે, પણ ક્યાંક કોઈ બીજાની ધારણામાં એ સત્ય ન પણ હોઈ શકે. એટલે સત્યને શોધવા માટે સૌપ્રથમ ધારણાને શોધો. શક્યતાઓ આપણી સામે હોય છે, પણ શક્ય છે કે આપણને એ શક્યતાઓ દેખાય નહીં.’

ત્રણ-ત્રણ બેસ્ટ સેલર સસ્પેન્સ નવલકથા લખી ચૂકેલા નિવૃત્ત સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિંગ બ્યુરો ચીફ મુંજાલ વસાવડા પોતાની ચોથી નૉવેલની શરૂઆતના આ શબ્દો લખીને અટકી ગયા. લાગ્યું કે થોડું અઘરું થઈ ગયું છે. વાંચનારને આટલું કન્ફ્યુઝિંગ ક્વોટ ગમશે નહીં એટલે એને ડિલીટ કરી કશું નવું

લખવા બેઠા.

છેલ્લા ઘણા સમયથી નોકરીમાંથી નિવૃત્ત‌િ લઈને નર્મદાકિનારા પર બનાવેલા પોતાના નાનકડા ફાર્મહાઉસમાં રહીને પ્રકૃતિને માણતાં-માણતાં પોતાના અનુભવોને કલ્પનાના રંગે રંગી નવલકથા લખવાનું તેમને ફાવી ગયું હતું.

મોજ માટે લખેલી પહેલી નવલકથા અનન્ય પ્રકાશનના સંતોષભાઈ પાસે પહોંચી અને પહેલી એડિશન ધોધમાર વેચાઈ. બસ પછી તો બીજી અને ત્રીજી નવલકથા અને બધી જ બેસ્ટ સેલર. નિવૃત્ત થયેલા આ ડિટેક્ટિવને આટલી સરસ ભાષા પરની પકડ અને અસ્ખલિત લેખનશૈલી કદાચ જીન્સમાં મળી હશે. વસાવડાસાહેબને પણ આમાં મજા આવતી. પત્ની સ્વધામ ગયા પછી અનેકાનેક કેસ સૉલ્વ કરવામાં સમય ગાળતા ગયા. જોકે પત્ની હતી તોય સમય તો કેસ સૉલ્વ કરવામાં જ કાઢતા અને પછી અચાનક એક દિવસ નાનકડો વિદાય સમારંભ અને સન્માન સાથે રિટાયરમેન્ટ...

બસ ત્યારથી કૂતરા ક્લ્યુ સાથે મા નર્મદાના ખોળે સરસમજાના નાનકડા ફાર્મહાઉસમાં રહેવા જતા રહ્યા. રોજ સવારે ઊઠીને નદીમાં સ્વિમિંગ અને પછી ઘાટનાં ૪૦ પગથિયાં લગભગ ૧૦ વખત ચડવાં-ઊતરવાં એ તેમને માટે જિમની ગરજ સારતું. ઘરે આવીને એક મગ ભરીને ખાંડ વગરની કૉફી અને જાતે બનાવેલો નાસ્તો લઈને બગીચામાં મૂકેલા હીંચકા પર બેસીને દૂર સુધી વહેતી નર્મદાને નિહાળવાનો આનંદ લે. આ સાથે લૅપટૉપમાં દુનિયાભરના ન્યુઝપેપર વાંચવાનાં અથવા તો અંદર જઈને નાનકડા હોમ-થિયેટરમાં ફિલ્મ જોવાની.

બપોરે થોડી વાર આરામ અને સાંજે એક લાકડી અને કૂતરા ક્લ્યુ સાથે નર્મદાના કાંઠે દૂર-દૂર સુધી ચાલવા જવું. રાતે આવીને સૅલડ કે ફ્રૂટ ખાઈ લૅપટૉપ ખોલીને લખવા બેસવું.

આ જાણે તેમનો નિત્યક્રમ. મુંજાલ વસાવડાએ સૉલ્વ કરેલા કેસનું લિસ્ટ આજે પણ પોલીસ  ડિપાર્ટમેન્ટમાં સૌથી અનોખું ગણાતું અને કદાચ એટલે જ રાજ્ય પોલીસ વડા તો ઠીક, રાજ્યના અને કેન્દ્રના પ્રધાનો પણ તેમને પર્સનલી ઓળખે. આ સઘળું માન હોવા છતાં એક સાવ સામાન્ય માણસ તરીકેનું જીવન તેઓ ગાળતા, પણ અંદરના ડિટેક્ટિવને તેમણે મરવા નહોતો દીધો અને એટલે જ સસ્પેન્સ નવલકથામાં તેમના કેસ અને અનુભવો ડોકાતા.

એક વખત અચાનક તેમના મોબાઇલમાં રિંગ વાગી. લખતાં-લખતાં લૅપટૉપમાંથી મોઢું ઊંચું કરી તેમણે સ્ક્રીન પર જોયું તો પ્રાઇવેટ નંબર એમ લખેલું હતું. મોં મલકાયું, ફોન ઊપડ્યો. સામેના છેડેથી એક ઘેઘુર પણ મીઠો અવાજ આવ્યો.

‘મુંજાલ વસાવડા, એક માણસે ચાર માળના બિલ્ડિંગ પરથી છલાંગ મારીને આત્મહત્યા કરી. જે બાજુ લાશ પડી હતી એ તરફ બિલ્ડિંગના દરેક માળ પર એક જ બારી છે. મેં પહેલે માળે જઈને બારી અંદરથી ખોલીને એક કૉઇન ઉછાળ્યો એ સીધો કિંગ ઉપરની તરફ રહે એમ નીચે પડ્યો. એમ જ બાકીના ત્રણ માળ પર જઈને મેં બારી ખોલી અને સિક્કો નાખ્યો અને અગાસીમાં જવાનો રસ્તો બહારથી બંધ હતો. તો મને જણાવો કે એ માણસે આત્મહત્યા કયા માળથી કૂદીને કરી?’

એક ક્ષણનોય વિલંબ કર્યા વગર

મુંજાલ વસાવડા બોલ્યા, ‘એ આત્મહત્યા નથી, ખૂન છે.’

સામે છેડેથી અવાજ આવ્યો, ‘બિંગો, હજી મગજ એવું જ શાતિર છે. તમને કેવી રીતે ખબર પડી કે એ ખૂન છે?’

‘તેં કહ્યું એમ બધી બારીઓ અંદરથી બંધ હતી. જો તેણે આત્મહત્યા કરી હોત તો ગમે તે એક બારી ખુલ્લી હોત.’

‘વાઉવ, તો મિસ્ટર વસાવડા, બીજો એક પ્રશ્ન... એક ટીનેજર છોકરાને પોલીસે તેના ખાસ દોસ્તના ખૂનના ગુનામાં પકડ્યો છે.‍ પોલીસ જ્યારે ઘરમાં આવી ત્યારે લાશ પાસે એ છોકરો બેઠો-બેઠો રડી રહ્યો હતો અને તેનું કહેવું છે કે તે ત્યાં ઘર પાસેથી પસાર થતો હતો. શિયાળાની કડકડતી ઠંડીની રાતે તેને થયું કે દોસ્તના ઘરે જઈને એક ગ્લાસ કૉફી પીઉં એટલે તે ઘર પાસે આવ્યો. કાચની બારીમાં ફૉગ હતો. રૂમનું હીટર ખૂબ વધારે હશે. તેણે ગ્લાસ સાફ કરીને જોયું તો એ વખતે તેના દોસ્તની લાશ જમીન પર પડી હતી અને એટલે તે અંદર ગયો‍ અને ત્યાં...?’

હજી સામેવાળો કશું બોલવા જાય એ પહેલાં તો મુંજાલે એક ઊંડો શ્વાસ લેતાં કહ્યું, ‘જુઠ્ઠું  બોલે છે એ છોકરો... ખૂની એ જ છે.’

‘હાઉ કૅન યુ સો મચ શ્યૉર?’

રૂમમાં હીટર ચાલુ હોય તો ફૉગ એટલે કાચ પર બાઝતો ધુમાડો અંદરથી થાય.

એને ઘરની બહાર ઊભા રહીને ગમેએટલું લૂછીએ એ સાફ ન થાય. એ છોકરો જુઠ્ઠું  બોલે છે પ્રતાપ...’

‘મુંજાલ... મુંજાલ તને ખબર છે? એટલે જ હું તારો ફૅન છું અને તને આજ સુધી કોઈ બીટ કરી શક્યું નથી અને કરી શકશે પણ નહીં. આજ સુધી એવી કોઈ મિસ્ટરી બની નથી જે તું સૉલ્વ ન કરી શકે. યાર તારી સાથે કેટલું શીખવાનું છે.’

‘પ્રતાપ, મને તો એટલી જ ખબર છે કે જેની શરૂઆત હોય એનો અંત હોય. ઇટ્સ વેરી સિમ્પલ. દરેક મિસ્ટરી એ કંઈ મિસ્ટરી હોતી નથી. કેટલીક મિસ્ટરી આપણી મર્યાદાઓને ચકાસીને ચૅલેન્જ કરે છે અને બાકીનીને હું મિસ્ટરી ગણતો જ નથી. કોઈ પણ મિસ્ટરી નાનકડા ટુકડાઓથી ચિત્ર પૂરું કરવાની પઝલ જેવી જ હોય છે. કેટલાક ટુકડા નાનકડા, ખૂણાવાળા, ધારવાળા કે પછી સાવ નકામા દેખાતા હોય છે, પણ જ્યાં સુધી એને બોર્ડ પર ન મૂકો, તમારું ચિત્ર પૂરુ થતું નથી.’

‘મને લાગે છે કે સરકારે સ્પેશ્યલ ડિટેક્ટિવ ડૉક્ટરેટનો કોર્સ ચલાવતી કૉલેજ શરૂ કરવી જોઈએ અને એનો ડીન તને બનાવવો જોઈએ. આઇ પ્રૉમિસ જો આવું થશે તો હું અને મારો આખો સ્ટાફ તારે ત્યાં ભણવા આવી જઈશું.’

‘સારું સારું, મસકા બહુ માર્યા, પણ

આ પૂછેલી પઝલ સૉલ્વ કરવા બદલ મને

શું મળશે?’

‘તારી મનગમતી સ્ટારબક્સની કૉફી. કમ ટુ ઑફિસ... કાલે મળીએ... આમેય બહુ દિવસ થયા છે તને હેડક્વૉર્ટર આવ્યે.’

‘ડન સર...’ મુંજાલને પાછી પોતાની ઑફિસ જવાનું આમંત્રણ મળ્યું એટલે ખુશ.

‘અરે જે માણસને આખુ તંત્ર સર કહેતું હોય તે મને સર કહે એ સારું ન લાગે...’ પોતાનો એક્સ બૉસ તેને સર કહે એ બ્યુરો ચીફ પ્રતાપને સારું ન લાગ્યું.

‘ગમે તે હોય, પણ આખરે તો અત્યારે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોના ચીફ સાથે હું વાત કરું છું. મારે તારા હોદ્દાને તો માન આપવું પડેને પ્રતાપ. ચાલ ગુડ નાઇટ, કાલે મળીએ.’

પ્રતાપસિંહ મહેન્દ્રસિંહ ધામોલ એટલે એક્સ બ્યુરો ચીફ મુંજાલ વસાવડાનો એક જમાનાનો જુનિયર અને સારો દોસ્ત પણ ખરો.  સામાન્ય રીતે બહુ ક્યાંય ન નીકળતા મુંજાલ પોતાની જૂની ઑફિસ જવાનો એક પણ મોકો છોડે એવા નહોતા. આમેય તેમણે જિંદગીના ખૂબ અગત્યના દિવસો ત્યાં

ગાળ્યા હતા.

ત્યાંની દીવાલોથી લઈને ત્યાંની હવા તેને કંઈક અજીબની સ્ફૂર્તિ આપતી હતી. તેનું ચાલત તો તે કદી નિવૃત્ત‌િ લેત જ નહીં.

બીજા દિવસે સવારે ઊઠીને કસરત પતાવીને તે તૈયાર થઈને જેવો ઘરની બહાર નીકળ્યો ત્યારે તેની ગાડીના બોનેટ પર એક બૉક્સ પડ્યું હતું. લાલ કલરના ગિફ્ટ-બૉક્સ પર એક કાર્ડ હતું જેમાં લખ્યું હતું...

ડિયર જિનીયસ મુંજાલ વસાવડા... વેલકમ બૅક... એ બૉક્સ ખોલ્યું તો એમાં એક અંગ્રેજી નવલકથા પડી હતી, જેનું નામ હતું - નૉટ એવરી પઝલ્સ આર ઇન્ટેન્ડેડ ટુ બી સૉલ્વ્‍ડ...’

(ક્રમશઃ)

columnists