દોષ-નિર્દોષ (પ્રકરણ 3)

16 June, 2022 08:16 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

કોણ જાણે નીમામાં ક્યાંથી હિંમત આવી, ‘મારો પડકાર છે. આ બેઠો એ મહાદેવમાં મારો વિશ્વાસ સાચો હોય તો આ જ પંચ, આ જ મંદિરમાં સત્યને નમન કરીને પોતાની ભૂલ સુધારશે!’

દોષ-નિર્દોષ

‘નીમાનો કોઈ પત્ર?’ 
સવારે જેલ હૉસ્પિટલનો રાઉન્ડ લઈ શીતળ કૅબિનમાં બિરાજતા ડૉ. સિતાંશુએ સાથે ચાલતા અતુલ્યને પૂછ્યું. 
નીમાના ઉલ્લેખે અતુલ્ય મહોરી ઊઠ્યો. સાંભરી ગયું ઃ ‘૬ વર્ષની જેલની સજા સામે અપીલમાં જવાયું હોત, પણ પછી મા-પિતાજી-નીમા આશાભેર કોર્ટમાં આવી ચુકાદા સુધી અધ્ધર જીવે રહે એ ચક્ર ફરી ચલાવવું જ શું કામ?’
જોકે જેલના પ્રાંગણમાં પ્રવેશતાં હૈયું અજાણ્યા ભયથી થડકી ગયેલું. ‘નામને બદલે કેદી-નંબર ૨૦૭૪ની ઓળખ વસમી લાગી હતી. શરૂઆતનાં બે અઠવાડિયાં તો કારાગારને બદલે નર્કાગારમાં આવ્યો હોઉં એવાં ગયાં. જેલના ખાણામાં સ્વાદ ન મળે, રીઢા ગુનેગારોની દાદાગીરી અને દિવસેય થઈ જતો કોઈકનો અણછાજતો સ્પર્શ... ૬ વર્ષના મુકામમાં હું પણ આમાંનો જ એક બની જઈશ?’
- પણ ના, નસીબની દેવી રીઝતી હોય એમ એક ઘટના એવી ઘટી જેણે અતુલ્યને કળણમાં પડતો ઉગારી લીધો.
કેદીઓના કામકાજના સમય દરમ્યાન તેમના પર વૉચ રાખતા પ્રૌઢ વયના વૉર્ડનને હૃદયરોગનો હુમલો થયો. ત્યાં મોજૂદ અતુલ્યએ લીડ લઈને મેડિકલ ઇમર્જન્સી સાચવી જાણી અને તેનો જીવ બચ્યો.
હરિસિંહને ઉગારનાર કેદી મેડિકલ સ્ટુડન્ટ છે એ જાણીને જેલ હૉસ્પિટલના પ્રૌઢ વયના ડીન ડૉ. સિતાંશુ નાણાવટી તેને સામેથી આવીને મળ્યા. તેની ડ્યુટી હૉસ્પિટલમાં રાખવાની ભલામણ કરી, જે મંજૂર થઈ. પરિણામે સાફસૂથરી બૅરેક મળી, મનગમતા કામમાં દિવસ વહી જતો. અતુલ્ય સાથે સિતાંશુભાઈને આત્મીયતા બંધાઈ ગયેલી. સિતાંશુભાઈએ તો અતુલ્યની ઇન્ટર્નશિપ પૂરી કરવાનાં કાગળિયાં પણ મૂક્યાં, પણ એની પરમિશન મિનિસ્ટ્રીમાં અટવાઈ છે. અતુલ્યને એનો હરખશોક નથી. વીત્યાં આ વર્ષોમાં એક ડૉક્ટર તરીકે પોતે ઘણો ઘડાયો. અતુલ્યને થતું કે આવું જેલની બહાર થયું હોત તો મારાં-નીમાનાં માતા-પિતાને કેટલો ગર્વ થયો હોત! એને બદલે મારા અપરાધે ગામવાળાએ તેમને ન્યાત બહાર મૂક્યાં. નીમાના પિતાજી તેમના પડખે રહ્યા તો તેમનેય ન્યાત પાર કરાયા!  
નીમાના પત્રો નિયમિત મળતા. તે લખતી : ‘તમે જેલમાં આવવાની ના પાડી છે, પોતે પણ પરોલ લેવાના નથી, ભલે. અહીંની ચિંતા ન કરશો. ન્યાત બહાર થયા પછી અમે વલસાડ આવી ગયાં છીએ. ઉપર-નીચે ભાડાના ઘરમાં રહીએ છીએ. નરોત્તમપપ્પાએ પોસ્ટ-ઑફિસમાં કામચલાઉ નોકરી મેળવી લીધી છે એટલે નિર્વાહનો પ્રશ્ન નથી. વડીલોને ભાવતાં ભોજન જમાડું છું, નાટક-સિનેમા જોવા પણ મોકલું છું. તમે બસ, તમને જાળવજો. ત્યાં તમે ગમતું કામ કરો છો એ જાણી અમે સૌ બહુ રાજી છીએ. નાણાવટીસાહેબને અમારા પ્રણામ કહેજો. જેલરસાહેબને પણ વંદન. જુદાઈના આ દિવસો બહુ જલદી વીતી જશે, જોજોને!
- તમારા ઇન્તેજારમાં નીમા.’
વાંચીને જ હળવા થઈ જવાતું.
‘મારે તમારી વુડ બી વાઇફને મળવું છે.’ અતુલ્ય-નીમાનો પ્રણય સિતાંશુભાઈ કે જેલરસાહેબથી છૂપો નહોતો. નાણાવટીસાહેબને જરાતરા નવાઈ પણ લાગતી, ‘ફૅમિલી અપરાધીના ગુનાને ગુનો નથી માનતી એવું બનતું હોય છે, પણ એ તો કુટુંબીઓને ગુના પાછળનાં કારણ જસ્ટિફાઇડ લાગતાં હોય ત્યારે. અહીં તો અતુલ્યએ જે કર્યું એ શા માટે કર્યું એની પાછળના કારણની કોઈને જાણ જ નથી, છતાં આવી આસ્થા!’
-અત્યારે પણ તેમણે નીમા બાબતે પૂછતાં અતુલ્યએ ડોક ધુણાવી, ‘નીમાનો પત્ર આજ-કાલમાં આવવો તો જોઈએ!’ 
તેને જાણ નહોતી કે હવે પત્ર નહીં, નીમાનું તેડું જ આવવાનું! 
lll
નિનાદ રેડિયોલૉજી સેન્ટર.
નિયોન લાઇટથી ઝગમગતા સાઇનબોર્ડને ડૉ. નિકામ ચૅટરજી ગર્વભેર તાકી રહ્યા.
‘અ ડ્રીમ કમ ટ્રુ!’
તેણે ઇમારત પર નજર ફેંકી. બે દિવસ પછી, રવિવારની શુભ સવારે મારા પ્રથમ સેન્ટરનું ઉદ્ઘાટન છે. એનું ઇન્વિટેશન ડીનસરને આપવા ગયો ત્યારે તેઓ બોલી ગયેલા : ‘આટલી નાની વયમાં આવું અદ્યતન સેન્ટર ખોલીને તેં કૉલેજનું નામ રોશન કર્યું ગણાય. ઉદ્ઘાટનમાં હેલ્થ મિનિસ્ટરને તેડાવીને તેં તો વટ પાડી દીધો!’
એની ખુમારી અત્યારે પણ ડૉ. નિકામે અનુભવી.
મેડિસિનમાં ઍડ્મિશન લીધું ત્યારથી નક્કી હતું કે રેડિયોલૉજીમાં સ્પેશ્યલાઇઝેશન કરી નોટો છાપવી છે! દેશભરમાં ઓપન કૅટેગરીમાં એની ગણીગાંઠી સીટ્સ હોય છે. એમાંય બેસ્ટ ગણાતી વિક્ટોરિયા કૉલેજમાં તો એક જ સીટ છે, જે પાછી કૉલેજના જ વિદ્યાર્થી માટે અનામત, એટલે પણ એમબીએસએસમાં વિક્ટોરિયામાં ઍડ્મિશન મળ્યું ત્યારે જગ જીતવા જેવું લાગેલું : ‘હવે તો મારે અહીંના જ સ્ટુડન્ટ્સ સાથે કૉમ્પિટ કરવાનું, ઍન્ડ આઇ વિલ બીટ ધેમ ઑલ!’
‘બીજાને તો મેં પાછળ રાખી દીધા, પણ એક બંદો હંમેશાં આગળ રહ્યો : અતુલ્ય દવે!’
ડૉ. નિકામનાં જડબાં તંગ બન્યાં.
‘શું થયું નિકામ?’ બાજુમાં ઊભેલી પત્નીએ પૂછ્યું.
‘કંઈ નહીં... તારો માનેલો ભાઈ યાદ આવી ગયો!’ નિકામ હસ્યો. વૃંદા પણ હસી, ‘બિચ્ચારો!’ 
ખરેખર તો નિકામ તેને ગમતો. એમબીબીએસમાં મૅચમેકિંગ માટે નિકામને ઘણા પ્રસ્તાવ મળતા, એમાંની એક વૃંદા પણ ખરી. નિકામ જોકે એ બધું બહુ ધ્યાન પર ન લેતો.
‘કારણ કે તારું ધ્યાન રેડિયોલૉજીની સીટ પર છે અને વચમાં એક જ હર્ડલ અતુલ્યના નામની છે. એ ચિંતામાં તને બીજું કંઈ સૂઝતું નથી.’
‘વેલ... યા!’ નિકામને વૃંદા ચબરાક લાગી.
‘ઇન શૉર્ટ, તારે આ સીટ જોઈતી હોય તો અતુલ્યના નામની હર્ડલ દૂર કરવી પડે.’ ખંધું મલકી વૃંદાએ નિકામના ગાલે આંગળી રમાડી, ‘ધારો કે એ હર્ડલ હું દૂર કરી આપું તો?’
‘તો!’ નિકામે તેની આંગળી પકડીને ચૂમી લીધી, ‘તો તું મારી લાઇફ-પાર્ટનર! ધૅટ ઇઝ, પાર્ટનર ઇન ક્રાઇમ!’
- અને ખરેખર, વૃંદાએ કારસો પાર પાડ્યો. એનો સુસાઇડ અટેમ્પ્ટ, પેનડ્રાઇવની સ્ટોરી - બધું તરકટ હતું એની અતુલ્યને તો આજે કલ્પનાય નહીં હોય! તે જેલમાં જતાં નિકામ માટે રસ્તો ક્લિયર થઈ ગયો... વૃંદાએ રેડિયોલૉજીને લગતો ટેક્નિશ્યનનો કોર્સ કર્યો. ભણીને પરણ્યાં, એના દોઢ વર્ષમાં એક દીકરો ને રવિવારની બીજી ઍનિવર્સરીએ પોતાના પ્રથમ રેડિયોલૉજી સેન્ટરનું ઉદ્ઘાટન! 
બન્ને પોતાનાં અચીવમેન્ટ્સ પર મલકતાં હતાં ત્યારે તેમની પાછળ, તેમના ૬ મહિનાના દીકરા નિનાદને તેડીને ઊભેલી આયા નીમાની છાતીમાંથી હાયકારો નીકળે છે ઃ ‘કેટલું કપટ!’
અતુલ્ય ભણવા માટે મુંબઈ ગયો, પછી ગામમાં તેને ગમતું નહીં. વેકેશનમાં અતુલ્ય આવે ત્યારે જ હૈયે જાણે ધબકાર પાછો ફરે. 
‘એમબીએસએસ તો સીડીનું પગથિયું થયું નીમા, હજી તો આગળ ઘણું ભણવાનું છે... એમાં કેટલી હરીફાઈ છે!’
કહીને અતુલ્ય કોણ કેવી મહેનત કરી રહ્યું છે એનો ચિતાર આપતો એમાં નિકામનો ઉલ્લેખ અચૂક થતો : ‘છોકરો હોશિયાર છે, મહત્ત્વાકાંક્ષી છે, પણ હું કહું છું કે મારે રેડિયોલૉજી નથી ભણવું તોય માનતો નથી, બોલ!’
- એ નિકામ ફરી ઝબક્યો : અતુલ્યની ધરપકડના સમયે!
અતુલ્યએ જ ફોન જોડીને ખબર આપેલા. ફફડતા જીવે મુંબઈ પહોંચ્યાં. અતુલ્ય કોઈના ઘરે ચોરી કરતાં ઝડપાયા એ માની ન શકાય એવી બીના હતી, અને એટલી જ રહસ્યમયી હતી અતુલ્યની ચુપકીદી. એનેય સ્વીકારી. આપણો વિશ્વાસ જ અતુલ્ય માટે ટકવાનો આધાર બનશે એવી નીમાની સમજે મા-બાપનાં હૈયાં પણ દૃઢ બન્યાં. 
અતુલ્યના મુંબઈના કેસની વાતે ગામમાં હોબાળો મચ્યો હતો. ચુકાદા પછી મહાદેવના મંદિરે જ સભા ભરાઈ. 
‘વિઠ્ઠલભાઈ, તમારા ચિરંજીવીએ ગામનું, ન્યાતનું નામ બોળ્યું!’ ગામના મહાજને ફિટકાર વરસાવ્યો, ન્યાતના પંચે તેમને ન્યાત બહાર મૂક્યાં. નરોત્તમભાઈનેય ચેતવણી મળી, ‘તમે તમારા મિત્રને સાથ આપ્યો તો નોકરી પણ ગુમાવશો.’
અને નરોત્તમભાઈ ખેસ ખંખેરતાં ઊભા થઈ ગયેલા, ‘વિપદામાં મિત્રનો સાથ છોડું તો તો મારો મહાદેવ પણ મારી સેવા કબૂલ ન રાખે!’ 
કોણ જાણે નીમામાં ક્યાંથી હિંમત આવી, ‘મારો પડકાર છે. આ બેઠો એ મહાદેવમાં મારો વિશ્વાસ સાચો હોય તો આ જ પંચ, આ જ મંદિરમાં સત્યને નમન કરીને પોતાની ભૂલ સુધારશે!’ 
અને બસ, બીજા દહાડે ગામ છોડ્યું, વલસાડ રહ્યાં. નીમા અતુલ્યને નિયમિત પત્ર લખતી, તેના જવાબે ઘરમાં મંગળ થઈ જતું. જેલમાં અતુલ્યને કષ્ટ નથી, બલકે ડૉક્ટર તરીકે માનપાન મળે છે એ જાણ્યા પછી ચિંતા ત્યજી કૉલેજનો અભ્યાસ પતાવ્યો.
અને છતાં ક્યારેક વિચારે ચડી જતી, ‘અતુલ્યએ આવું કેમ કર્યું? ના, પોલીસે માન્યું, ફરિયાદીએ કહ્યું, કોર્ટે સ્વીકાર્યું એમ રૂપિયા-ઝવેરાતની ચોરીનો જવાબ વાહિયાત છે અને બીજા કોઈ નહીં ને નિકામને ત્યાં જ કેમ!’
આ પ્રશ્ને નીમા ટટ્ટાર થઈ.
‘યા, અતુલ્યએ રૂપિયા જ ચોરવા હોત તો નિકામથી ખમતીધર ઇન્ટર્ન્સ કૉલેજમાં હતા. એ કોઈને ત્યાં નહીં ને નિકામ, જે અતુલ્યને પોતાનો કટ્ટર હરીફ સમજે છે તેને ત્યાં જ અતુલ્ય કેમ ગયા?’ 
‘ઓહ, આ સવાલ મને પહેલાં કેમ ન સૂઝ્‍યો! પણ હજી મોડું નથી થયું...’
- ‘ત્યાં જઈને અતુલ્યએ કબાટ ફંફોસ્યું, મતલબ, કબાટમાં કંઈક તો હતું જેની અતુલ્યને તલાશ હતી! અને સુરતના ફંક્શનમાંથી નિકામ વગેરે ઘરે પહોંચ્યાં ત્યારે અતુલ્ય હજી ચોરખાનું ખોલી શક્યા નહોતા, મતલબ તેમને જે જોઈતું હતું એ તો ચોરખાનામાં જ રહી ગયું - બની શકે, આટલાં વર્ષેય એ ચીજ ચોરખાનામાં જ હોય - રૂપિયા, ઝવેરાત સિવાયનું કંઈક...!’ 
‘અતુલ્યના કહેવાતા અપરાધનો બીજો છેડો નિકામના ઘરમાં હોય તો પછી શા માટે ત્યાં ખણખોદ ન કરવી? ના, અતુલ્યએ જે નથી કહ્યું એ જાણી લેવાની જિજ્ઞાસાને કારણે નહીં, પણ એ છેડો ફરી અતુલ્યની ફસામણીમાં નિમિત્ત ન બને એ માટે પણ જાણવું જરૂરી બને છે કે આખરે નિકામના ઘરના ચોરખાનામાં હતું શું!’ 
‘અને એ એક જ રીતે શક્ય છે...’ નીમાએ વડીલોને વિશ્વાસમાં લીધાં, ‘મારે નિકામના ઘરે કોઈક રીતે ગોઠવાવું પડે...’
અતુલ્યને અલબત્ત આની જાણ કરવાની ન જ હોય. નરોત્તમભાઈએ મુંબઈમાં લિન્ક શોધી, દૂરના સગાના પાડોશમાં નિકામની વાઇફનું પિયર નીકળ્યું : તેમની દીકરીની સુવાવડ થઈ, તેમને ફુલટાઇમ આયાની જરૂર છે! તેમની ભલામણે નીમા આ ઘરમાં ગોઠવાઈ અને બહુ જલદી ભળી પણ ગઈ. ધાર્યા પ્રમાણે, અતુલ્યના કેસ વખતે કોર્ટમાં જોવા મળતી આ યુવતીને આયા સાથે મૅચ કરવા જેટલી સ્મૃતિ યા અગમચેતી કોઈને નહોતી. 
બંગાળી ચૅટરજી પરિવાર ખુશહાલ હતો. ડૉ. નિકામની ધીકતી પ્રૅક્ટિસ હતી, તેની વાઇફ ડૉ. વૃંદા પણ તેની સાથે જ, તેમના શબ્દોમાં ‘નોટ છાપતી’ હતી. નિકામના માવતરને એનું અભિમાન હતું ને પરિવારનો નવો સભ્ય નિનાદ તો સૌનો પ્રાણપ્યારો હતો. તેનું ધ્યાન જોકે નીમા રાખતી. રાતે તેનું ઘોડિયું હૉલમાં જ મુકાતું, નીમાની પથારી પાસે, જેથી તે જાગે-મૂકે તો દિવસભરનાં થાકેલાં મા-બાપની ઊંઘ ન બગડે!
‘શું હતું આ ઘરમાં, કબાટના લૉકરમાં, જે લેવા અતુલ્યએ ચોરની જેમ આવવું પડે?’ 
નીમાને આની અણધારી ક્લુ અહીં આવ્યાના બીજા મહિને, આજથી મહિના અગાઉ મળી. 
‘ફાઇનલી! રેડિયોલૉજી સેન્ટરના ઓપનિંગ માટે મિનિસ્ટરની ડેટ મળી ગઈ...’
વરલીમાં નિકામ-વૃંદા અદ્યતન સેન્ટર ખોલી રહ્યાં હોવાની જાણ હતી, ત્યાં નજીકમાં જ પેન્ટહાઉસ પણ બુક કરાવ્યું હતું. ઘરમાં એની જ વાતો થતી રહેતી. એ સાંજે પણ હૉલમાં ગોઠવાઈને વર-બૈરી હરખ વાગોળવા બેઠાં એની રસોડામાં શાક સુધારતી નીમાને નવાઈ નહોતી લાગી. નિનાદને દાદા-દાદી ફરવા લઈ ગયેલાં, રસોઈનું કામ બાકી હતું એટલે નયનાબહેને જ નીમાને ઘરે રહેવા કહેલું. તેની હાજરી ધ્યાન બહાર રહી હોય એમ વૃંદા બોલી પડેલી,
‘થૅન્ક્સ ટુ અતુલ્ય. તેના આદર્શો, તેના સંસ્કાર, માયમાય!’
પહેલી વાર અતુલ્યના ઉલ્લેખે નીમાના હાથ અટકી ગયા, કાન સરવા થયા, 
‘યુ મૅડ ઇટ...’ નિકામ કહેતો ગયો.
નીમા માટે હવે દરેક સંદર્ભ સ્પષ્ટ હતો. ‘આપઘાતના દૃશ્યથી અતુલ્યને પલોટીને વૃંદાએ એવી ચીજ માટે અતુલ્યને અહીં મોકલ્યો જે વાસ્તવમાં હતી જ નહીં! તેણે જાણીજોઈને રૂમ પણ ખોટી કહી, સુરતનો પ્રોગ્રામ પણ ખોટો કહ્યો! અરે, નિકામનાં મા-બાપ તો હજીય એમ જ માને છે કે સુરતથી વેળાસર પહોંચ્યાં તો ચોર રંગેહાથ ઝડપાયો!’
‘આ કેવા સંસ્કાર? આ કેવું શિક્ષણ?’ 
અને લોરી ગાઈને નિનાદને ઘોડિયામાં હીંચકતી નીમાના ચિત્તમાં સળવળાટ થતો : ‘આને લઈને ભાગી જાઉં તો બાળકને પાછું પામવા નિકામ-વૃંદા હું કહું એ કરવાનાં! તો તો એક દહાડો ઘોડિયામાં બાળક નહીં હોય, ને ઘરમાં નીમા! 
- ‘એ વેળા હવે ઢૂંકડી છે. હવે એ બનવાનું જે તમે ધાર્યું નહીં હોય, ડૉક્ટર્સ!’ 

(વધુ આવતી કાલે)

columnists Sameet Purvesh Shroff