છળ-છલના (પ્રકરણ ૪)

10 November, 2022 11:05 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

શિખાનો પર્દાફાશ કરવો રહ્યો.. બને એટલો જલદી! શિખાના વિદેશ રહેતા કમ્પૅન્યન સુધી પહોંચી ન શકાય, પણ તેના કાકા નાણાવટીમાં ભરતી હતા, ત્યાંથી કોઈ ક્લુ મળે ખરી?

છળ-છલના (પ્રકરણ ૪)

‘કેમ છો, આન્ટી?’
વેવાઈ-વેવાણ સાથે હવેલીએ  આવેલાં અનસૂયાબહેન નીમાને ભાળી રાજી થયા, ‘અત્તુનાં લગ્ન પછી તું આજે 
પંદર દહાડે દેખાઈ! જો, અત્તુ-શિખા 
પણ આજે સ્વિટ્ઝરલૅન્ડથી પાછાં ફરે છે. હવે તેમના સંસારમાં બાળગોપાળ પધારે કે ગંગા નાહ્યાં.’ 
અને નીમાથી બોલી જવાયું, ‘માની લો તમારી પ્રાર્થના ઈશ્વરે સાંભળી લીધી.’
‘એટલે!’
‘લો, વીણાઆન્ટી, તમનેય શિખાએ કહ્યું નથી?’ નીમાએ નવાઈ અનુભવી, બૉમ્બ ફોડ્યો, ‘શી ઇઝ પ્રેગ્નન્ટ!’
હેં.

શિખા લગ્ન અગાઉની ગર્ભવતી છે જાણી ધનસુખભાઈ-વીણાબહેન ઓઝપાયાં, અનસૂયાબહેન સમસમી ગયાં - અતુલ્યનું આવું પતન કે વિનાલગ્ને મર્યાદા ઓળંગે?
‘પ્લીઝ, તેમને વઢશો નહીં, છેવટે તમને તો મૂડીનું વ્યાજ જ મળવાનુંને!’
નીમાનો આ તર્ક વડીલોને ખીલવી ગયો, રીસ ઓગળી ગઈ.
‘વેવાણ, હવે તો આપણે તેમને સરપ્રાઇઝ આપીએ!’ અનસૂયાબહેને નીમાનો હાથ પકડ્યો, ‘છોકરી તુંય અમારી મદદમાં રહેજે.’
૦૦૦

‘વેલકમ હોમ!’
અનસૂયાબહેને દીકરા-વહુની 
આરતી ઉતારી. વીણાબહેને બન્નેને ફૂલડાંથી વધાવ્યાં.
અતુલ્ય-શિખા ખુશ હતાં. યુરોપનું હનીમૂન યાદગાર રહ્યું. પૂર્ણત્વને સ્પર્શતા અતુલ્યના પૌરુષથી ચીત થયેલી શિખાએ શયનેષુ રંભા બની પુરુષને રીઝવ્યો હતો. 
ઍરપોર્ટ પર કેવળ પપ્પા લેવા આવ્યા એની બન્નેને નવાઈ લાગેલી. ‘તમારા માટે ઘરે સરપ્રાઇઝ છે’ એટલું જ ધનસુખભાઈએ કહેલું. અત્યારે મમ્મીઓ દ્વારા થયેલું સ્વાગત ખીલવી ગયું.
બન્ને સોફા પર ગોઠવાયાં ત્યાં શિખાએ છાતીમાં ચિરાડ અનુભવી. પાણીની ટ્રે લઈ નીમા કિચનમાંથી આવી રહી હતી! અતુલ્ય પણ ખંચકાયો. 
‘નીમા તો આજે ખુશાલીની સંદેશવાહક બનીને આવી છે.’ અનસૂયાબહેન બોલ્યાં, ‘આમ તો આ વાતે તમારા બન્નેના કાન ખેંચવા જોઈએ, પણ ઠીક છે, તમે જે ખુશી આપો છો એની સામે સઘળું માફ.’

માનાં વાક્યો અતુલ્યની સમજ બહાર હતાં ને શિખાનું કાળજું ચીરતાં હતાં.
‘ચાલો, ઊઠો, તમારા રૂમમાં જઈએ...’
દીકરા-વહુનો હાથ પકડી અનસૂયાબહેન તેમના રૂમ તરફ દોરી ગયાં. ધનસુખભાઈ - વીણાબહેન - નીમા પાછળ દોરાયાં.
દરવાજો ખોલતાં જ અતુલ્ય આભો બન્યો. તેમના બેડની ડાબે-જમણે નાનકડા પલંગ હતા, એકમાં પિન્ક ગાદી - ટેડી હતાં, બીજામાં બ્લુ. અરે, રૂમની દીવાલો પણ પિન્ક, બ્લુ બલૂન્સથી સજાવાઈ હતી. તેમના બેડ પર ફૂલપત્તીથી ‘બેબી ઑન બોર્ડ’ વાંચતાં અતુલ્ય મૂંઝાયો, 
ગૂંચવાયો – ‘મા, દાદી બનવાનો તારો હરખ સમજાય છે, પણ અમારાં લગ્નને આજે પંદર દિવસ થયા...’
‘બસ, હવે કાલો ન થા. અમને બધી ખબર છે. વહુ, હવે તો તારા વરને ફોડ પાડ કે તું તેના બચ્ચાની મા બનવાની છે!’
હેં. અતુલ્ય સ્તબ્ધ બન્યો. શિખાએ ઊંડો શ્વાસ લીધો. નાઉ ઇટ્સ ટાઇમ
 ટુ ફાયર!

‘મા, મમ્મી-પપ્પા, તમે શું માનો છો? વિનાલગ્ને મર્યાદા ઓળંગીએ એવાં ઉછાંછળાં છીએ અમે?’
નીમા ચમકી. શિખા આમ કેમ બોલે છે?
‘અત્તુ, આ નીમાનું તરકટ  છે. અમે સાડીની ટ્રાયલ લેતાં હતાં ત્યારે મારા પેટ પર હાથ ફેરવી તેણે પામી લીધું કે હું પ્રેગ્નન્ટ છું, બોલો! આવું ક્યારેય ક્યાંય સાંભળ્યું છે? અફકોર્સ, હું ત્યારે કે આજે પણ પ્રેગ્નન્ટ નથી.’
બધાની આંખો હવે નીમા પર મંડાઈ.
‘હું સાચું કહું છું...’ શિખાનો પલટો નીમાની સમજ બહાર હતો. તેને બોલવામાં શ્રમ વર્તાયો, ‘બની શકે શિખાની પ્રેગ્નન્સી પારખવામાં મેં થાપ ખાધી હોય, બટ... શિખા તેં લગ્ન અગાઉ અતુલ્ય સાથેની છૂટ તો કબૂલી જ હતી.’
‘ઇનફ નીમા. માવતરની આમન્યા ઓળંગીને કહું છું, સુહાગરાતે હું વર્જિન હતી એનો અતુલ્ય સાક્ષી છે.’
વડીલો આડું જોઈ ગયાં, અતુલ્ય ખંચકાયો,
‘વેલ, શિખા સાચું કહે છે નીમા. લગ્ન અગાઉ અમે કદી મર્યાદા નથી ઓળંગી.’
હેં. નીમાના ચિત્તમાં કડાકો બોલ્યો. મારી આગાહીએ શિખાનું ફિક્કું પડવું, કરગરવું એટલું તો પુરવાર કરે જ છે કે લગ્ન અગાઉ તે મર્યાદા ઓળંગી ચૂકેલી, તો જ પ્રેગ્નન્ટ હોવાનો ધ્રાસકો થાયને! અતુલ્યની કબૂલાતે એ પણ સ્પષ્ટ છે કે શિખાએ જેની સાથે શરીરસુખ માણ્યું એ અતુલ્ય નહોતો! શિખાનો પલટો હવે સાફ સમજાતો હતો. એ લગ્ન અગાઉ ખરે જ પ્રેગ્નન્ટ હોય, પણ તો અતુલ્ય થકી નહીં! 

મતલબ, શિખાના જીવનમાં કોઈ બીજો પુરુષ હતો - છે! અહા, લગ્નના મહિના અગાઉ તે શૉપિંગ માટે લંડન-પૅરિસ ગયેલી, ત્યાં જ મૅડમે છૂટછાટ ભોગવી હશે, મુંબઈમાં તો આંખે ચડવાનું જોખમ! આનો બીજો અર્થ એ કે અતુલ્ય સાથેના વેવિશાળ પછી પણ શિખા પરપુરુષ સાથે... અરેરે. ધારો કે એ ગર્ભવતી હોય, પણ તો કાકાના અવસાને લગ્નમાં પડેલી મુદતે તેને અબૉર્ટ કરાવવાનો મોકો મળી ગયો...
મોકો મળ્યો કે પ્લાન કરાયો?
રમેશભાઈના દેહાંતની ઘટના તાજી કરતી નીમા હાંફી ગઈ : શિખાની હાજરીમાં જ કાકાનો દેહાંત થયો. શું એ કેવળ જોગાનુજોગ હતો? કે પછી હું પ્રેગ્નન્સીનો ભેદ જાણી ગઈ એટલે અબૉર્શનનો અવકાશ મેળવવા ભત્રીજીએ જાણી જોઈને કાકાને હ...ટા...વી દીધા? કાકાને હટાવી અબૉર્ટ કરાવનારીએ સર્જરીથી કૌમાર્ય મેળવ્યું હોય એ પણ સાવ સંભવ છે! શિખાનો પલટો જ તેના ગુનાઓના પુરાવા જેવો છે...
‘હજુય કોઈ નીમાને અહીંથી જવાનું નથી કહેતું, તો ભલે-.’  
શિખાના સાદે ઝબકતી નીમા વિચારમેળો સમેટી એકાગ્ર થઈ.  

‘મારે જે નહોતું કહેવું એ પણ હવે સાંભળી જ લો.’ અતુલ્યને નિહાળી શિખાએ દમ ભીડ્યો, ‘નીમા વિકૃત છે. અતુલ્યને આની જાણ છે. મા, તમારી ઉમરને કારણે તમને કદાચ એવો અનુભવ ન થયો હોય, પણ સાડી-બ્લાઉઝ પહેરાવતી વખતે તે અંગોને અણછાજતો સ્પર્શ કરી લે છે...’
અનસૂયાબહેન-વીણાબહેન હેબતાયાં. ધનસુખભાઈ આડું જોઈ ગયા. અતુલ્યની નજરમાં ઊપસતો અણગમો નીમાને વધુ વસમો લાગ્યો.
‘તેં આજે જૂઠનો પહાડ રચી દીધો, શિખા. હવે તેની સામેનું મારું એક સત્ય સાંભળી લે.’
નીમા માટે હવે હૈયે પાળ બાંધવી અશક્ય હતી.
‘મને યુવતીઓમાં રસ હોત, મારામાં સાચે જ આવી વિકૃતિ હોત શિખા, તો એકવીસની ઉંમરથી મેં અતુલ્યને મારા હૈયે ન બેસાડ્યો હોત!’
કહી ધ્રુસકું દબાવતી તે દોડી ગઈ. અતુલ્ય પોતે સ્તબ્ધ બન્યો.
‘નાટકિયણ!’ શિખા માટે નીમાની અસર ભૂંસવી મહત્ત્વની હતી. મોં 
મચકોડી તે કિચન તરફ જવા ગઈ, એમાં પિલર સાથે ઠોકાતાં કપાળમાં ઘા થયો ને બીજું બધું ભૂલી ઘરનાં તેની સારવારમાં લાગી ગયાં. 
શિખાએ એથી સુનામી ગયાનો હાશકારો અનુભવ્યો!
lll

સાચું શું? ખોટું કોણ?
કપાળના ઘાના ડ્રેસિંગ પછી હળદરવાળું દૂધ પી શિખા પોઢી ગઈ. દીકરીની ઈજાએ ધનસુખભાઈ-વીણાબહેન નીમાને કોસતાં થઈ ગયાં, અનસૂયામાએ પણ જીવનસાથીમાં વિશ્વાસ રાખવાની સલાહ આપી, પણ રૂમના એકાંતમાં અતુલ્યના દિલદિમાગ તર્કવિતર્કના રવાડે ચડી બેઠાં.
‘...તો એકવીસની ઉંમરથી અતુલ્ય મારા હૈયે ન હોત!’
નીમાનું વાક્ય હૈયાસોંસરવું ઊતરી ગયું છે. તેનો નજરભાવ હવે સમજાય છે. અમારી સાથે તેની આત્મીયતાનો તાળો હવે બેસે છે. તેની ચાહત સાચી હોય તો શિખાનો આક્ષેપ ખોટો.
પણ શિખા ખોટું શું કામ બોલે? નીમાનું સત્ય જૂઠ ઠરે માટે જ ને?
તેની નજર શિખાના ઉદર પર અટકી : અહીં સાચે જ કોઈનો અંશ રહ્યો હશે? પહેલી મુલાકાતમાં મને જે નિખાલસતા લાગી એ શિખાની બોલ્ડનેસ હોઈ શકે. અમારા ઐક્યમાં એ ક્યારેક મારા કરતાં અનુભવીની જેમ વર્તતી એ હવે ધ્યાનમાં આવે છે. એ કેવળ આવેગવશ હશે? કૉલેજકાળમાં તેણે છૂટછાટ માણી પણ હોય, પણ શું વિવાહ પછી પણ તે પરપુરુષ જોડે...  ના, ના, મારે આવું વિચારવાનું ન હોય. શિખાની વિર્જિનટીનો હું સાક્ષી છું. નીમા જ કોઈક કારણસર ખોટું બોલે છે. મને ચાહનારી મારો સંસાર ભાંગવાના ઇરાદે ચાલ ચાલી હોય એવું ન બને?
- પણ નીમાએ ભંગાણ પડાવવું જ હોત તો તો લગ્ન થવા જ ન દેતને...
થાકી ગયો, ત્રાસી ગયો અતુલ્ય!
અંહ, શિખા પર પૂર્ણ વિશ્વાસ મૂકીનેય મારે સત્ય તારવવું રહ્યું... બને એટલું જલદી!
lll

અનસૂયાબહેનને ત્યાંથી આવેલી દીકરીની સૂજેલી આંખો જોઈ મા-બાપને ફડકો પડ્યો. તેમની કાળજીભરી પૃચ્છાએ નીમાએ હૈયાબંધ ખોલી નાખ્યો.
દીકરી અતુલ્યને ચાહે છે ને શિખા પતિને છેતરી રહી છે એ બન્ને સત્ય પચાવવાં અઘરાં હતાં.
‘તેં અનસૂયાબહેન - અતુલ્યને પારખવામાં થાપ ખાધી બેટા. તારી 
ચાહત પહેલેથી ખોલી હોત તો તેમણે આર્થિક ભેદ લક્ષમાં લીધા વિના કહેણ સ્વીકાર્યું હોત!’   
‘એ તો જે થયું એ, પપ્પા, પણ અતુલ્યને હું એ કપટી બાઈના ભરોસે તો ન જ છોડું.’
શિખાનો પર્દાફાશ કરવો રહ્યો... બને એટલો જલદી! શિખાના વિદેશ રહેતા કમ્પૅન્યન સુધી પહોંચી ન શકાય, પણ તેના કાકા નાણાવટીમાં ભરતી હતા, ત્યાંથી કોઈ ક્લુ મળે ખરી?
lll

આની ત્રીજી બપોરે -
શિખાનો ફોન રણક્યો. નંબર અજાણ્યો હતો, પણ કૉલર આઇડીની ઍપમાં નામ ઝબૂકતું હતું : સાધના સિસોદિયા. કોણ હશે? હોઠ કરડી શિખાએ કૉલ રિસીવ કરતાં સામેથી સીસું રેડાયું : ક્યું શાણી, ચાચા કો માર કે ફૉરેન ઘૂમ આઈ!
‘વૉટ ધ હેલ. છો કોણ તમે?’ 
‘નાણાવટીની સિસ્ટર સિસોદિયા.’
શિખાને તમ્મર આવ્યાં. કાકાની સેવામાં રહેલી આધેડ વયની નર્સ ઝબકી ગઈ.
‘તું શું માને છે, તારો ભેદ મારાથી છૂપો છે? અરે, તેં મને પ્રસાદના બહાને મોકલી એમાં જ મને દાળમાં કાળું લાગ્યું. રૂમમાંથી નીકળી બારીના પડદા આડેથી મેં બધું જોયું છે...  હું તો મરઘીને તાજીમાજી કરી ડોક કાપવાની ફિરાકમાં હતી. શાદી-હનીમૂન સબ હો ગયાનાં? હવે પતિ-સાસુથી ભેદ છુપાવવો હોય તો માગું ત્યારે ને એટલા રૂપિયા આપતી રહેજે. કે પછી કહી દઉં તારા વરને?’ સામેના સ્વરની ચીમકીએ શિખાની હામ ફસકી ગઈ.
‘નહીં, નહીં, કોઈને કહેશો નહીં, તમે કહેશો એટલા પૈસા આપીશ-’
‘ઠીક હૈ, બાદ મેં ફોન કરતી હૂં.’ 
કહી સામેવાળીએ કૉલ કાપ્યો એ થોડું અજીબ લાગ્યું. નર્સે રકમનો આંકડો તો પાડ્યો જ નહીં! 
તેને શું ખબર કે સિસોદિયા પાસેથી આડકતરી પૂછપરછમાં કાકાવાળી ઘટના જાણી, બૅટરી ડાઉન હોવાના બહાને નીમા નર્સનો ફોન લઈ દૂર સરકી હતી, ત્યાં હાજર દમયંતીમાએ નર્સનું પાત્ર ભજવ્યું હતું, ને તેમની વાતચીતનું લાઇવ અતુલ્ય-ધનસુખભાઈ બન્ને સાંભળતા હતા! 
બ્લૅકમેઇલિંગનો તુક્કો તીરની જેમ લાગ્યો હતો! 
lll

સટાક. 
દીકરીના સાસરે આવતાં જ ધનસુખભાઈએ શિખાને તમાચો માર્યો. વીણાબહેને ઠૂઠવો મૂક્યો. દીકરીનો અપરાધ આઘાતજનક હતો. 
તેમના વહેવારે અનસૂયાબહેન 
ડઘાયાં, પાછળ આવેલા અતુલ્યે ફોડ પાડતાં હેબતાયાં.  
નીમાએ સ્વજનો સમક્ષ મર્ડર 
ખુલ્લું કરી દીધું જાણી શિખા છટપટી, 
પણ શું થાય? 
‘શિખા, પોતાનું પાપ છુપાવવા તેં કોઈનો જીવ લીધો? આટલું છળ!’ અતુલ્યના સ્વરમાં ચિત્કાર હતો. 
રડતાં-કકળતાં ધનસુખભાઈ-વીણાબહેને દીકરીને શબ્દોથી ધીબેડી, ‘બોલ, કોનું પાપ પેટમાં નાખ્યું હતું?’ 
નૅચરલી, કાકાનું મર્ડર કરનારીના બીજા અવગુણ પતિ-પિતાએ સ્વીકારી લીધા હતા. શિખા પાસે કોઈ બચાવ રહ્યો નહીં. સાડીની સજાવટ કરનારી ચારિત્ર્ય ઉઘાડી દેશે એવું કોણે ધાર્યું હોય?
અતુલ્યના હૈયેથી હું ઊતરી જ ચૂકી, એનું એટલું દુખ નથી. મારા માટે અત્તુથી પહેલા હું હતી, કદાચ એટલે, પણ આજ સુધી બિનશરતી વહાલ કરનારાં મા-બાપનું રુદન કાળજું ચીરે છે. જ્યાં હંમેશાં હેત જોયું ત્યાં દુ:ખદર્દ સિવાય કંઈ ન દેખાયું.
આનું પ્રાયશ્ચિત્ત શું?
lll

શિખા લગ્નના બંધનમાંથી 
અતુલ્યને આઝાદ કરી ખુદ કાયદાના હવાલે થઈ ગઈ. 
જેલમાંથી પહેલો પત્ર શિખાએ અતુલ્યને લખ્યો : 
મારાં માવતરની ભલામણ હું તમને જ કરી શકું, અતુલ્ય. જાણું છું, એમનાં હૈયાં તેમની લાડલી માટે ઝૂરતાં જ હોવાનાં. મારે તેમની આંખોમાં ફરી એ જ વહાલ જોવું છે. છળ-છલનાથી સુખનો ભ્રમ પોષાય છે, સુખ નથી મળતું એ શીખી છું. જેલવાસ પછીના જીવનમાં કોઈ છળ-છલના નહીં હોય એટલું વચન જાતને આપું છું. નીમાની ક્ષમા માગું છું, તેને અપનાવી લેજો, વધુ તો શું! 
વાંચીને અતુલ્ય પળ પૂરતો આંખો મીંચી ગયો. એ ખૂલી ત્યારે એમાં શિખાને માફી હતી, તેનાં માવતરને જાળવવાનો સંકલ્પ હતો અને આગળ વધવાની નેમ પણ હતી. 
કથાના ઉપસંહારમાં એટલું કે દીકરાનો ઘા ભરવા અનસૂયાબહેને નીમાને કહેણ મૂક્યું છે. નીમાના સહવાસે અતુલ્યના જખમ રુઝાતા ગયા, હૈયે નવી પ્રીત મહોરી. તેમનો હથેવાળો થયો, પછી સંસારમાં સુખ જ સુખ રહ્યું એ વિશેષ. 

સમાપ્ત

columnists Sameet Purvesh Shroff