છળ-છલના (પ્રકરણ ૩)

09 November, 2022 11:51 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

હાશ. ના, ખરેખર તો મારે તેને તું મારા ચારિત્રને વગોવવા માગે છે કહી ઉતારી પાડવાની હોય, પણ પ્રેગ્નન્સીવાળો આંચકો એટલો અણધાર્યો હતો કે તેના પગે પડવા જેવું કરી મારી જાંઘ ઉઘાડવા જેવું હું જ કરી બેઠી

છળ-છલના (પ્રકરણ ૩)

અભિનંદન... તમે પ્રેગ્નન્ટ છો!
ચોવીસ કલાક અગાઉના નીમાના શબ્દો હજુય શિખાને કંપાવી જાય છે.
કમાલ છે, સાડી પહેરાવનારી કમરના વર્તુળ પર હાથ ફેરવી વધારાનો વર્તારો પામી લે એ મનાય નહીં એવી હકીકત નીકળી. બાકી ગર્ભાધાનનું કોઈ લક્ષણ મને કળાયું નહોતું. લગ્નની ધમાલમાં માસિકના ચડેલા દિવસોય ધ્યાનમાં નહોતા. અતુલ્ય-અનસૂયામાને કહેવા માગતી નીમા સમક્ષ પોતે કરગરવું પડ્યું : આ ખબર લગ્ન પછી જ સારા લાગે. અનસૂયામાને કેવું લાગે! દીકરા-વહુ માટે માને માન રહે ખરું? અને આ તો તારું અનુમાન છે, મને લૅબનો રિપોર્ટ તો કઢાવા દે...
ત્યારે નીમા માની ગઈ હતી : તમે સાચું કહો છો, મૅમ. આમેય હવે લગ્નના દિવસ કેટલા છે! 
હાશ. ના, ખરેખર તો મારે તેને તું મારા ચારિત્રને વગોવવા માગે છે કહી ઉતારી પાડવાની હોય, પણ પ્રેગ્નન્સીવળો આંચકો એટલો અણધાર્યો હતો કે તેના પગે પડવા જેવું કરી મારી જાંઘ ઉઘાડવા જેવું હું જ કરી બેઠી.
અને આટલું ઓછું હોય એમ અત્યારે આવેલો લૅબ રિપોર્ટ પોકારીને કહે છે : યસ, આઇ ઍમ પ્રેગ્નન્ટ!
શિખા નિ:શ્વાસ જ નાખી શકી.

મા-પિતાનાં અનહદ લાડપ્યારે પોતાનામાં ધાર્યું કરવાની જીદ આકાર લેતી ગઈ ત્યાં સુધી ઠીક, કૉલેજના ભણતર માટે વિદેશ જવાની રઢ લઈ મા-બાપને મનાવ્યાં ત્યારે પશ્ચિમની મુક્ત આબોહવાને માણવાની લાલસા જ વળ ખાતી હતી.
અને લંડનની કૉલેજના બીજા જ મહિને પોતે વર્જિનિટી ગુમાવી એનો અફસોસ નહોતો, ખોટું કર્યાની ગિલ્ટ તો દૂર સુધી નહીં. કદાચ આ જ મારું બંધારણ હતું. મને ગમે છે એ હું કરું છુ, ધૅટ્સ ઇટ! હા, ડ્રગ કે દારૂની લતથી પોતે દૂર રહી, પણ મુંબઈ ખબર ન પહોંચે એની તકેદારી રાખી મનગમતા જુવાનોને માણતી રહેલી. ધેર વૉઝ નો કમિટમેન્ટ ઑન આઇધર સાઇડ. બ્લૅકમેઇલિંગનું ન્યુસન્સ પણ નહીં. બધા મારી જેમ ખમતીધર ઘરના નબીરા હતા અને ફિઝિકલ પ્લેઝર્સ જ ઇન્ટિમસીનો એકમાત્ર ઉદ્દેશ્ય રહેતો.
મુંબઈ આવ્યા પછી કોઈ સાથે સંપર્ક પણ નહોતો, એવી જરૂરત પણ નહોતી વર્તાઈ. હવે મમ્મી-પપ્પાની ડાહી દીકરીની જેમ રહી હૅન્ડસમ છોકરો જોઈ સેટલ થવાનું ફ્યુચર સ્વીકાર્ય હતું. આમાં અતુલ્યને જોઈ હૈયું મહોર્યું એમાં તેનું ફિઝિકલ અટ્રૅક્શન પાયામાં હતું. પછી જેન્યુઇનલી તે ગમવા માંડ્યો, અનસૂયામાને હું પ્રેરણારૂપ કહેતી એમાં બનાવટ નહોતી. અતુલ્ય સાથે પહેલી મુલાકાતમાં ફૅમિલી પ્લાનિંગનો વિષય છેડનારી હું જોકે મારા રંગીન ભૂતકાળ બાબત ફોડ પાડવા જેટલી નાદાન નહોતી. સગાઈ પછી પોતે ભાન ભૂલતી, પણ એ સંયમ જાળવતો. જોમવંતો અત્તુ મને કોઈ સુખની ઊણપ નહીં વર્તાવા દે એની ખાતરી છતાં શા માટે મન વિદેશ જવા ખેંચાયું! શૉપિંગના બહાને લંડન, પૅરિસ જવાનું ગોઠવ્યું એની પાછળ ગણતરી તો ત્યાં વીતેલા દિવસોનું રિકૅપ યોજવાની હતી. લગ્ન પછી હું ખીલે બંધાઈ જવાની, એ પહેલાં આ જીવનમાં છેલ્લી વાર બેમર્યાદ મોજ માણી લેવાની વિષયલાલસાએ પ્રેરી... વિદેશની ફ્લાઇટ પકડતી વેળા હું તો જાણતી જ હતી કે મને ઍરપોર્ટ પર મૂકવા આવેલા અતુલ્યને હું છેતરી રહી છું, પણ એનો ભાર સુધ્ધાં નહોતો. શારીરિક છૂટછાટને હું પાપ નહોતી માનતી એટલે કે પછી પતિથી પણ છાનું પત્નીનું અંગત કેમ ન હોય એવી બોલ્ડ વિચારધારાનો આશરો લઈ ખુદને છેતરવાની એ છલના હતી? ધારો કે આવું અતુલ્યે કર્યું હોત તો હું જતું કરી શકત ખરી? ચોક્કસ ના. બલકે મેં હોબાળો મચાવી નારીમુક્તિવાળાને ભેગા કરી દીધા હોત.

નહીં નહીં. આત્માનો અવાજ પોતાને આરોપીના પીંજરામાં મૂકતો લાગ્યો એટલે આક્રમક થઈ શિખાએ વિચારવહેણ જ પલટી નાખ્યું : 
અત્યારે જે થયું એનું પિષ્ટપેષણ નથી કરવાનું, આવેલી મુસીબતમાંથી માર્ગ કાઢવો મહત્ત્વનો છે! 
લંડનની એ રાત્રિ મેં રોજર-કાસિમની સાથે ગાળી. પિલ લેવાનું ચૂકી જવાયું એમાં ગર્ભ રહી ગયો એ બીજ રોજરનું હશે કે કાસિમનું એય કોણે જાણ્યું!
નો, આ પ્રેગ્નન્સીની બેમાંથી કોઈને જાણ કરવાની ન હોય, અરે, બીજા કોઈને જાણ કરવાની ન હોય, નૉટ ઇવન ટુ નીમા.
અત્યારે ખરેખર તો પેટનો ભાર હળવો કરવા બાબત વિચારવાનું હોય. લગ્ન-હનીમૂન પછી એ સંભવ નહીં બને. આ કામ લગ્ન પહેલાં જ થઈ જવું ઘટે, ઑબ્વિયસ્લી. સાથે અખંડ કૌમાર્યની સર્જરી પણ કરાવી લઈશ, એટલે સુહાગરાતે મારા વર્જિન હોવામાં અતુલ્યને શંકા ન રહે. પછી પેલી નીમા મારી પ્રેગ્નન્સીનો ઢંઢેરો પીટે તોય શું! બલકે એવું કંઈ કરવાની થઈ તોય તેનું કોઈ માને નહીં એનો બંદોબસ્ત કરી રાખીશ હું...
- પણ અબૉર્શન અને કૌમાર્યની સર્જરી માટે સમય જોઈશે... અહીં તો ચોથા દિવસે મેંદીનું શેડ્યુલ છે... અબૉર્શન મને નિસ્તેજ બનાવી દેશે અને મારે કોઈને વહેમનું કારણ નથી આપવું.. કાશ, કોઈ કારણે લગ્ન લંબાઈ શકે એમ હોત તો...
અને શિખાની કીકી ચમકી.
વેલ, વેલ, એવું એક કારણ છે!
રમેશકાકા.
ઊંડો શ્વાસ લેતી શિખાના ચહેરા પર શિકારીનું ઝનૂન છવાઈ ગયું.
lll

હું આ શું કરવા જઈ રહી છું? બીજો કોઈ જ વિકલ્પ નથી? 
નાણાવટી હૉસ્પિટલનાં પગથિયાં ચડતી શિખાના હૈયે દ્વંદ્વ જામ્યો છે.
ગુરુવારની આવતી કાલે મેંદીની રસમ છે. માને તો મારું ઘરેથી નીકળવું જ પસંદ નહોતું. માંડ-માંડ કાકાને એક વાર જોઈ આવું, તેમના આશિષ લઈ આવું કહી તેની રજા મેળવી છે. દીકરીને જેઠજી પર આટલું વહાલ અચાનક કેમ ઊભરાયું એ માને હજુય નહીં સમજાતું હોય!
જોકે મારે શું કરવાનું એ મેં વિચારી લીધું છે. રમેશકાકા ઑક્સિજન પર છે. તેમની સારવારમાં રહેલી સ્પેશ્યલ નર્સને થોડી મિનિટ પૂરતી માટે આઘીપાછી કરી ઑક્સિજનનું માસ્ક હટાવી દેવાનું છે... ઑક્સિજનનો સપ્લાય થંભતા કાકા હાંફશે, ઘડીબેઘડીમાં તેમના રામ રમી જશે ત્યારે હું હો-હા મચાવી દઈશ.. 
સૉરી કાકાજી, પણ તમારા માટે આમ પણ મૃત્યુ મોક્ષ છે એટલે ભત્રીજીને માફ કરશો જ એવી શ્રદ્ધા છે! 
અને દ્વિધા સમેટી શિખા ફટાફટ બીજા માળના સ્પેશ્યલ રૂમમાં પહોંચી ગઈ.

રમેશકાકા દવાના ઘેનમાં હતા. એંશી વરસની તેમની કાયા જોઈ દયા જ જાગે એમ હતું. ભલે તેમના પ્રાણ ખોળિયામાંથી છૂટા થતા!
શિખાએ ઓળખ આપતાં આધેડ વયની નર્સ સાધના સિસોદિયા અદબભેર ઊભી થઈ. શિખાએ ઊડતી નજરે ચકાસી લીધું કે અહીં સીસીટીવી નથી. કાકાની પ્રદક્ષિણા કરી, તેમના ચરણસ્પર્શ કરી શિખાએ કપાળ કૂટવાનો અભિનય કર્યો : અરે, સિસ્ટર, હું કાકા માટે સિદ્ધિવિનાયકનો પ્રસાદ લાવી છું એ તો કારમાં જ રહી ગયો!’ કહી કારની કી ધરી, નંબર જણાવી ઉમેર્યું, ‘એ બહાને તમારો પણ પગ છૂટો થશે... પ્રસાદને ફૂડ સાથે ગ્રાઇન્ડ કરી કાકાને આપવાનું ભૂલતાં નહી.’
અને નર્સના નીકળતાં જ ઊંડો શ્વાસ લઈ શિખાએ કાકાના મોં પરથી ઑક્સિજન માસ્ક હટાવી લીધો! 
થોડી વાર તરફડી કાકાએ ડોક ઢાળી દીધી. કોઈને મારવું આટલું સરળ હોતું હશે? 
શિખાએ હળવેથી તેમની પાંપણ બંધ કરી : ગુડબાય, અંકલ!
પછી માસ્ક ગોઠવી ઇમર્જન્સીની સ્વિચ દબાવી. 
દોડધામ મચી. દસેક મિનિટ પછી પ્રસાદનું પડીકું લઈ રૂમ પર આવતી નર્સ સિસોદિયા ભાગદોડે ચમકી. તેના ઉંબરે આવતાં જ ડૉક્ટરે ડોક ધુણાવી. શિખાએ ઠૂઠવો મૂક્યો : અંકલ જતા રહ્યા! 
સિસ્ટરના હાથમાંથી પડીકું વચકી પડ્યું. 
lll

‘આઇ ઍમ સૉરી!’
અંધેરીના નિવાસસ્થાનેથી રમેશભાઈની અંતિમયાત્રા નીકળી રહી છે. નનામીને વળગીને રડતી શિખાના આક્રંદે ભલભલાની આંખો ભીની કરી મૂકી.
‘હું તો તમને મળવા આવી ને તમે જ રિસાઈ ગયા?’
‘કાકાને તું વહાલી એટલે તારી હાજરીમાં ગયા.’ પિતાએ સધિયારો આપ્યો. અતુલ્યે તેને જાળવી. તેને કે કોઈને ખોટું થયાનું ગંધાય પણ કેમ! 
શિખાએ પાર ઊતરવાની રાહત અનુભવી. હવે ગર્ભપાત કરાવી કૌમાર્ય પાછું મેળવવામાં વાર નથી કરવી!
lll

‘લો, અનસૂયાબહેન તરફથી લગ્નની નવી તારીખ આવી ગઈ...’
રમેશભાઈની વિદાયના સોળ દિવસ પછીની રાત્રે દિવાકરભાઈએ વૉટ્સઍપ પર આવેલું નિમંત્રણ દેખાડ્યું : આજે શુક્રવાર થયો, આવતા મંગળવારથી લગ્નોત્સવ આરંભ થશે. વેન્યુ એ જ છે. સદ્ગત વડીલની ઉંમર જોતાં પ્રસંગ સાદાઈને બદલે ધામધૂમથી જ લેવાનાં હોય એમ લાગે છે...’
નીમા વિચારમાં પડી.
રમેશકાકાના દેહાંતે પ્રસંગ પાછળ ઠેલાયો ત્યારે તેને ચિંતા થયેલી - વડીલો કાકાની વરસી વાળી ઝટ લગ્ન લે તો સારું, નહીંતર શિખાનું ઊપસેલું પેટ જ તેમની છૂટછાટની ચાડી ખાશે! બાકી અતુલ્યનું આમ ઉછાંછળા બનવું મને ખુદને અળવીતરું લાગે છે. ઠરેલ ઠાવકા અતુલ્ય આમ ક્ષણિક આવેગને વશ થાય! મેં તમને આવા માટીપગા નહોતા ધાર્યા અતુલ્ય... પણ હશે, મિયાં બીવી રાજી તો ક્યા કરે નીમાજી! 
‘નીમા.’ માના સાદે તે ઝબકી. વિચારમેળો સમેટી લીધો.
‘તને તો નવી તારીખ ખબર જ હશેને? દુલ્હનનો ફોન આવ્યો હશેને?’
‘ના’ નીમાને એની પણ પઝલ થઈ - નવી તારીખના બુકિંગ માટે શિખાનો ફોન કેમ ન આવ્યો? કદાચ ક્રિયાપાણીની ધમાલમાં ભૂલી જવાયું હશે...
જમીપરવારી તેણે સામેથી ફોન જોડતાં શિખાએ દિલગીરી દાખવી : સૉરી નીમા, હું તને ફોન કરવાની જ હતી... શું છે કે મારી ફ્રેન્ડે બીજી સાડી ડ્રેપર સાથે નક્કી ઠેરવી દીધું છે, સો સૉરી.’
કહી તેણે ફોન કાપીયે નાખ્યો. નૅચરલી, નીમા ફરી પેટ ઘટ્યાનું માપી પંચાત કરે એવું થવા જ શું કામ દેવું! 
હશે. નીમાએ આનો પણ ખટકો ન રાખ્યો : મોટા લોકોની મોટી વાતો! મારે તો અતુલ્ય પોતાની પસંદ સાથે પરણી રહ્યા છે એનો આનંદ.
lll

અતુલ્યનો ફોન!
મંગળની સાંજે અતુલ્યની રિંગ ભાળી નીમા રોમાંચિત થઈ. મેંદી સેરેમનીમાં અતુલ્યે મને સંભારી!
‘હાય નીમા, જલદીથી શિખાના ફોટોઝ મોકલને.’
ઓ...હ. અતુલ્ય હજુય એમ જ માને છે કે શિખાને હું તૈયાર કરી રહી છું!
‘સૉરી, અતુલ્ય, પણ શિખાની ફ્રેન્ડે કોઈ બીજી સાડી ડ્રેપર સાથે નક્કી કર્યું એટલે આઇ ઍ નૉટ ઇવન ઍટ ધ વેન્યૂ. હું મારા બીજા કૉલ પર છું.’
‘ઓ...હ. સૉરી ટુ બોધર યુ ધેન. બટ હેય, મૅરેજમાં તો આવશોને તમે સૌ?’
અતુલ્ય કેટલી લાગણીથી પૂછે છે! 
‘અફકોર્સ, તમારાં લગ્નનો અવસર મારાથી કેમ ચુકાય? એ દિવસ મેં ખાલી જ રાખ્યો છે.’
કૉલ મૂક્યા પછી બાકીનું મનમાં બોલી - તમને વરરાજાના વેશમાં જોવાની અબળખા તો પૂરી કરવી રહી!
lll

‘નીમા?’ શિખાએ હોઠ કરડ્યો. મેંદીની રસમ પછીનું એકાંત માણવાને બદલે અતુલ્ય નીમાને બદલે બીજી બાઈને બોલાવ્યાનું પૂછે છે! પણ ભલે, વાત નીકળી જ છે તો મારો પાસો ફેંકી દેવા દે.
‘નીમાને મેં જાણીને ન બોલાવી, અત્તુ. યુ નો, તેનામાં કશુંક ઍબ્નૉર્મલ હતું... મને તૈયાર કરવાને બહાને અણછજતો સ્પર્શ કરી લેતી.’ 
‘હેં!’ અતુલ્ય માની ન શક્યો: ‘નીમામાં આવી એબ!’ 
‘હશે. એથી આપણને શું!’
શિખાએ ખભા ઉલાળ્યા. અતુલ્યે ડોક ધુણાવી: યા, એથી આપણને તો શું! 
lll

‘રાજા કી આયેગી બારાત...’
ચોપાટીનું સર્કલ વટાવી બૅન્ડવાજાં ને આતશબાજી સાથે વરઘોડો પાર્ટી-પ્લૉટમાં દાખલ થયો.
મમ્મી-પપ્પા સાથે આવેલી નીમાને પહેલાં તો અનસૂયાબહેન વઢ્યાં હતાં - શિખાએ કામ ન આપ્યું એટલે તેં અમારો બૉયકૉટ કર્યો, છોકરી? ચાલ, હવે મારી સાથે રહેજે.’
માના આગ્રહે અતુલ્ય નિ:શ્વાસ જ નાખી શક્યો. નીમાની એબ વિશે માને કહેવાયું નથી, હમણાં એ અવસર પણ નથી... તેણે પણ નીમા સામે આવકારનું સ્મિત ફરકાવી લીધું. 
સોનાના તારવાળી શેરવાનીમાં વરરાજા તરીકે શોભતા અતુલ્યને નિહાળી નીમાની પાંપણે હરખનું બૂંદ જામ્યું. 
અને વરઘોડો માંડવે આવી ઊભો. મલકતી ચાલે પિયુને વધાવવા આવતી શિખાની નજર સાસુના પડખે ઊભી નીમા પર ગઈ. તેની નજર પોતાના ઉદર પર ફરી રહી છે એ પરખાતાં હોઠો પર મુસ્કાન આવી ગઈ - તું જેનો વર્તારો પામેલી એ ભાર તો મેં ક્યારનોય હળવો કરી નાખ્યો, નીમા!
- અને બીજી સવારે સોહાગખંડની સેજ પર લોહી ભાળી શિખાએ રાહતનો શ્વાસ લીધો. અતુલ્યને વર્જિનિટીનો પુરાવો આપી દીધા પછી હવામાં ઊડતી શિખાને હવે શું બનવાનું એની ક્યાં જાણ હતી?

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff