જ્યોત-જ્વાળા (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૨)

11 January, 2022 12:21 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

આ વિચારોમાં ચોથો માળ આવી પણ ગયો... બધા માળે સુનકારો જ જોવા મળેલો. મેઘનાભાભીએ કહેલું હવે સાંભર્યું કે આ બિલ્ડિંગમાં મોટા ભાગનાં વર્કિંગ કપલ્સ છે એટલે ઑફિસ-અવર્સમાં તો સાવ શાંતિ હોય છે

જ્યોત-જ્વાળા

‘નીમા, તું છે!’
નંદિતાબહેનથી છણકો થઈ ગયો, ‘તું તો સાંજે આવવાની હતીને! બપોરે ક્યાં ટપકી!’
વખત-કવખતે ડોરબેલ રણકાવતા સેલ્સ-પર્સન પ્રત્યે અણગમાનો છણકો થઈ જાય એ સ્વાભાવિક છે, પણ નંદિતાબહેનની અત્યારની અકળામણ જુદા જ કારણસર લાગી નીમાને.
એક તો પોતે થેલા ઊંચકીને  પગથિયાં ચડતી હતી ત્યાં બીજા માળે  ફૂડની હોમ ડિલિવરી કરતી જાણીતી કંપનીનો યુનિફૉર્મ  પહેરેલો જુવાન સામો ભટકાણો. ત્રીજા કે ચોથા માળેથી ઊતરતો તે વારે-વારે પાછળ જોઈ લેતો હતો. પોતે તેનું ધ્યાન દોરે ત્યાં તે અથડાયો, એમાં તેના જ હાથમાંથી પીત્ઝાનું પાર્સલ વચક્યું. ફટાફટ પાર્સલ ઉઠાવી, ‘સૉરી’ જેવું બબડી તે વળી નીચે તરત ભાગ્યો.
બિચારો! ફૂડની હોમ ડિલિવરી કરનારા પર ટાઇમલાઇનનું પ્રેશર હોય છે એની નીમાને સમજ હતી. આમાં આ બિચારો તો પાર્સલ સાથે પાછો વળતો હતો... મતલબ કે તે ખોટા ઠેકાણે આવી ચડ્યો હોવો જોઈએ!
શું બન્યું હશે એ નીમાને સમજાઈ પણ ગયું : આ એરિયામાં ગીતા સદન અને ગીતા ભવન એવા મળતા નામની બે સોસાયટી આજુબાજુમાં છે. જૂની સોસાયટીની અંગ્રેજી નેમપ્લેટમાં વચ્ચેના અમુક આલ્ફાબેટ ખરી પડ્યા છે એટલે પહેલી વાર આવનારો અચૂક ગોથાં ખાઈ જાય. આ બિચારાએ જવાનું હશે ગીતા ભવનમાં એને બદલે ગીતા સદનમાં આવી ગયો! પછી તેણે ભાગવું જ પડેને...
આ વિચારોમાં ચોથો માળ આવી પણ ગયો... બધા માળે સુનકારો જ જોવા મળેલો. મેઘનાભાભીએ કહેલું હવે સાંભર્યું કે આ બિલ્ડિંગમાં મોટા ભાગનાં વર્કિંગ કપલ્સ છે એટલે ઑફિસ-અવર્સમાં તો સાવ શાંતિ હોય છે.
વજનદાર થેલો ફર્શ પર મૂકી, દુપટ્ટાથી ચહેરાનો પસીનો લૂછતી નીમાની નજર મેઘનાબહેનની બરાબર સામે પડતા ફ્લૅટ પર પડી.
હિંમત સવાણી. મુખ્ય દરવાજે લાગેલી નેમપ્લેટ જોઈને ૫૫-૫૭ વરસના અંકલ ઝબકી ગયા : વચમાં અહીં ફરસાણ આપવા આવવાનું થયું ત્યારે તેમનું ઘર ખુલ્લું હતું, તેમણે ખાખરાનાં ત્રણ પૅકેટ્સ લીધેલાં. તેમનું શૅરબજારનું કામકાજ છે, બે છોકરા વિદેશ ભણે છે અને પાંચેક વર્ષ અગાઉ, પત્નીના અવસાન પછી એકલા જ છે એવું કહી તેમણે ઉમેરેલું પણ કે પાડોશ સારો છે એટલે કંટાળો નથી આવતો!
અત્યારે જોકે તેમના દરવાજે તાળું છે. નજર ફેરવી તેણે મેઘનાભાભીના ઘરનો ડોરબેલ રણકાવ્યો.
‘અત્યારે કોણ નવરું થયું!’
દબાયેલો સ્વર કાને પડતાં નીમાનું ધ્યાન બાજુની સ્લાઇડિંગ-વિન્ડો પર ગઈ.  અંદર પડદો ઢળેલો હતો, પણ બારીનું એક અડધિયું ખુલ્લું હતું. એ બંધ હોત તો અંદર ટીવી ચાલુ હોત તોય અવાજ ન સંભળાત. ત્યાંથી ડોકિયું કરી ‘હું નીમા છું’ એવું કહેવા ધાર્યું ત્યાં,
‘તમે રૂમમાં જતાં રહો!’  નંદિતાબહેનનો અવાજ વધુ ધીરો થયો, ‘અરે! તમારાં કપડાં તો લેતા જાઓ.’
‘હે ભગવાન. મેઘનાભાભીનાં સાસુ કોને - શું કહી રહ્યાં છે! તેમની સાથે કોઈ પુરુષ છે, જેનાં વસ્ત્રો...’ નીમા સમસમી ગઈ. 
-‘પાછાં તેમણે દરવાજો ખોલવામાં વાર કરી, મને વઢ્યાં ને પોતે ઊંઘતાં હતાં એ દર્શાવવા ખાલીખોટાં બગાસાં પણ ખાધાં, એથી તો શંકા ખાતરીમાં ફેરવાઈ કે બાઇજીનો કોઈ પુરુષ સાથે આડો સંબંધ છે અને એ પુરુષ અત્યારે તેમના બેડરૂમમાં છુપાયો છે!’
‘હશે. બીજાના સંસારમાં આપણે શીદ ચંચુપાત કરવી? મન વાળતી નીમાએ ધરેલી થેલી લઈ નંદિતાબહેને પણ ઉતાવળ હોય એમ દરવાજો બંધ કરી દીધો. ન પાણીનો વહેવાર, ન આવજો કહેવાનો શિષ્ટાચાર!
નંદિતાબહેનની હરકતે આડા સંબંધની હકીકત પર મહોર મારવા જેવું કર્યું. 
અજાણતાં જ એની સાક્ષી બનેલી  નીમાને આગળ શું થવાનું એની ક્યાં જાણ હતી?
lll
નીમા ગયા બાદ પોતાના માનીતા પુરુષને રવાના કરીને નંદિતા શાવર લેવા બેઠાં. પાણીની ગરમ ધારે અંગો ચચરી ઊઠ્યાં.
‘કેવી આ ચળ! ધીરેન્દ્ર (પતિ) હતા ત્યાં સુધી સર્વ કંઈ લીલુંછમ હતું. ભર્યાંભાદર્યાં અંગોવાળી યૌવન ધરાને દુષ્કાળનો ઓછાયો સુધ્ધાં નહોતો.’
ખરેખર તો ધીરેન્દ્રના સંગાથમાં તનમનધનનું ત્રિવિધ સુખ હતું. શેખર અમારો લાડકવાયો. જાણે કોની નજર લાગી અમારા સુખને. ધીરેન્દ્રને કૅન્સર નીકળ્યું. તેની શુશ્રૂષામાં પોતે કસર નહોતી છોડી, પણ છેવટે તો નિયતિ જીતી. ધીરેન્દ્રએ જીવનલીલા સંકેલી ત્યારે પોતે માંડ સાડત્રીસનાં ને શેખર ૧૪નો. તેને ભણાવવામાં, થાળે પડતો જોવામાં દાયકો સડસડાટ સરી ગયો. માથે છત હતી, આર્થિક મોરચો સુરક્ષિત હતો એટલે સંઘર્ષ ભલે નહોતો, પણ ધીરેન્દ્રની કમી પથારીમાં ડંખવા માંડી, આઠેક વર્ષ અગાઉ સામેના ફ્લૅટમાં નવો પાડોશી આવ્યા પછી!
હિંમતભાઈ-નીરુબહેનનું પ્રસન્ન દામ્પત્ય હતું. બે રૂડારૂપાળા દીકરા. શેખર સાથે તેમને ગોઠી ગયેલું. નીરુબહેન સાથે વાટકી-વહેવાર સ્વાભાવિકપણે બંધાઈ ગયેલો. જૂનો પાડોશ છૂટ્યાની પીડા રહી નહોતી.
‘હિંમત શૅરબજારના ખાં છે. એમાં  એટલું કમાયા કે ભગવાનની કૃપાથી આજે બે પાંદડે છીએ...’
નીરુબહેન હંમેશાં પતિને વખાણતાં હોય.
અને કેમ ન વખાણે! નંદિતા જાતને સમજાવતાં : ધીરેન્દ્રના ગુણ હું નહોતી ગાતી?  હિંમતભાઈ છે જ કેટલા હૅન્ડસમ, કેવા જોમવંતા! ૫૦ની આસપાસના હશે તોય તેમની પડછંદ કાયા કેવી સીમેટ્રિક છે. નીરુબહેનને આજેય જંપવા દેતાં નહીં હોય! 
આ વિચારે ધીરેન્દ્રની કમી તીવ્રપણે મહેસૂસ થતી, પણ શું થાય! આમાં કુદરતનું કરવું કે અહીં મૂવ થયાના ત્રીજા વરસે ટૂંકી માંદગીમાં નીરુબહેને પિછોડી તાણી, વરસેકમાં બન્ને દીકરા કૉલેજના બહાને મુંબઈ બહાર જતાં હિંમતભાઈ એકલા પડ્યા. શેખર જૉબ પર જાય પછી આયાની અવરજવર બાદ કરતાં પોતેય એકલા જને! ક્યારેક બપોરે ચાના સમયે અમે ભેગાં થઈએ. ખબર જ ન રહી, નીરુને યાદ કરીને રોઈ પડતા હિંમતને આશ્વાસ્ત આપવા ક્યારે પોતે તેમને છાતીએ ચાંપ્યા ને ક્યારે સંયમરેખા સ્ખલિત થઈ! જે બન્યું એ આયોજન વિના બન્યું. સ્ત્રીને તરસ હતી, પુરુષ ચોમાસું સંઘરીને બેઠો હતો. બેના એક થવામાં બન્નેને જોઈતું મળી ગયું.
હા, થોડા દિવસ આની ક્ષુબ્ધતા રહી. ધીરેન્દ્ર-નીરુનો દ્રોહ કર્યાની ગિલ્ટ રહી, દીકરાઓ જાણે તો શું થાય એની કમકમાટી પણ રહી....
પછી પહેલ હિંમતે કરી - ‘આપણી કંઈ એવી ઉંમર નથી થઈ, નંદિતા, તારી મરજી હોય તો ઘર માંડી દઈએ... છાનુંછૂપું કરવાની નોબત જ શું કામ રાખવી? ધીરેન્દ્ર-નીરુ આપણા સુખમાં રાજી જ રહેવાનાં.’ આમાં મન પાછું પડ્યું ઃ ‘શેખર હવે ૨૭નો થયો,  દીકરો પરણાવવાની ઉંમરમાં મા ઘર માંડતી હશે! હા, તમારે અન્યત્ર પરણવું હોય તો હું આડી નહીં આવું. બાકી આપણું સુખ આપણે માણી લઈએ એનો ઢંઢેરો શીદને પીટવો!’
‘બસ, આ સમજે ગુપ્ત સંબંધની ધરી રચાઈ ગઈ. સદ્ભાગ્યે શેખરને નોકરી કરતી વહુ મળી, બીજી બાજુ હિંમતના દીકરાઓ અમેરિકા ભણવા ગયા એટલે આમ જુઓ તો અમારા સુખમિલનમાં ખાસ કોઈ રુકાવટ ન આવી... હા, શેખરના ઘરે પારણું બંધાય પછી ચોક્કસ અમારા મિલન પર પાબંદી આવી જવાની, એટલે પણ તો સાસુ તરીકે પોતે મૂડી પરના વ્યાજની ઉઘરાણી નથી કરતાં... અમારી વચ્ચે ‘કંઈક’ હોઈ શકે એની ગંધ કોઈને આવવા નથી દીધી.’
-‘પણ પેલી નીમા કંઈ જોઈ-સાંભળી તો નહીં ગઈ હોયને!’  
નંદિતા સહેમી ગયાં.
હિંમત નીકળ્યા બાદ ધ્યાનમાં આવ્યું કે હૉલની બારી સરખી ઢંકાઈ નહોતી. ‘શું થાય, હિંમતના મોટા દીકરાનું ગ્રૅજ્યુએશન છે, એ નિમિત્તે હિંમત કાલ રાતની ફ્લાઇટમાં મહિનોમાસ માટે અમેરિકા જાય છે. કોરા રહેનારા તે ત્રીસ-પાંત્રીસ દિવસનું ભાથું બાંધવાની અધીરાઈએ મને ઘેલી કરી મૂકેલી, પછી કેમ ધ્યાન પહોંચે!’
‘પણ ના, નીમાએ કંઈ જોયું-જાણ્યું નહીં હોય. મારે નાહક ટેન્શન રાખવાની જરૂર નથી.’
મન મનાવતાં નંદિતાને જાણ નહોતી કે નીમાના આવ્યા અગાઉ બિલ્ડિંગના નામની ગફલતને કારણે પીત્ઝાની ડિલિવરી લઈને ખોટા ઍડ્રેસે તેમના બારણે આવેલો જુવાન હિંમત સાથેની તેમની રતિક્રીડા જોઈ ચૂક્યો છે, એટલું જ નહીં, મોબાઇલમાં એની ક્લિપિંગ પણ ઉતારી ચૂક્યો છે!
lll
‘જૅકપૉટ!’
શનિની રાતે, ખોલીના ખાટલે પડેલો રાજ મોબાઇલમાં ઉતારેલો વિડિયો જોઈને જુદી જ ઉત્તેજના અનુભવે છે : ‘પડદાની ફાટમાં કૅમેરા સેટ કરી ઉતારેલા આધેડ વયનાં સ્ત્રી-પુરુષની કામક્રીડાના વિડિયોમાં બન્નેના ચહેરા બરાબર ઝિલાયા છે, એટલે આ ફિલ્મ ફરતી ન કરવાના બદલામાં હું માગીશ એટલું તેમની પાસેથી મળવાનું!’
‘ઓહ, નસીબ આજે કેવું રીઝ્યું! ગીતા ભવનને બદલે પોતે ગીતા સદનમા ચોથા માળે પહોંચી ગયો! નેમપ્લેટ પર શેખર શાહનું નામ વાંચીને ગફલતનો ખ્યાલ આવ્યો અને ડોરબેલ બજાવતાં પોતે અટકી ગયો. ગ્રાહક પાસે લોકેશન મગાવ્યું ત્યારે જાણ થઈ કે ખરેખર તો પોતે બાજુની સોસાયટીમાં જવાનું છે... પણ ફ્લૅટમાંથી આવતા માદક ચિત્કારે પગ રોકી રાખ્યા... જાણે કોઈ સૂઝે બન્નેનો વિડિયો લેવાનું સૂઝ્યું! બની શકે, બન્ને પતિ-પત્ની જ હોય અને છતાં ન્યુડ ફિલ્મ ફરતી થવાનું તો તેમનેય ન ગમે!’
ત્યાંથી ભાગતી વેળા પોતે પાછળ જોતો રહેતો - ‘ક્યાંક કપલને મારી ગંધ આવી હોય ને પુરુષ મારો મોબાઇલ ખૂંચવવા પાછો પડ્યો હોય! એની લાયમાં પોતે પેલી થેલાવાળી (નીમા) જોડે અથડાઈ પડ્યો, સો વૉટ. મારું સીક્રેટ તો અકબંધ રહ્યુંને! બિહારથી આવેલા મારા પેરન્ટ્સની જિંદગી તો મલાડની આ ખોલીમાં નીકળી ગઈ, નૉટ માઇન...’
શું થવાનું હતું એની રાજને ક્યાં ખબર હતી?
lll
‘અતુલ્ય આવતા મહિને તને ત્રીસમું બેસવાનું.’ શનિની રાતે જમતી વેળા વિદ્યાગૌરીએ વાત છેડી,
‘હવે તારાં લગ્ન લઈ લેવાં છે.’
‘લગ્ન.’ અત્તુના દિમાગમાં નીમા ઝબકી ગઈ. નીમાના હાથમાં સ્વાદનો જાદુ છે. તેને જાણતો ગયો એમ તે રુદિયામાં ઘર કરતી ગઈ. પ્રણયનો ભેદ વિના કહ્યે નીમા તો સમજતી જ હશે... મારાં લગ્નની ચિંતા કરતી માને મારે કહી દેવું જોઈએ કે મેં કન્યા પસંદ કરી લીધી છે.’
મા મારી પસંદમાં રાજી જ થવાની એવી આસ્થાભેર અતુલ્યએ નીમા સાથેનો પ્રણયભેદ ખોલતાં વિદ્યાગૌરી ડઘાયાં. ‘ના, છોકરાનું નીમા સાથેનું ગઠબંધન દેખીતું હતું, પણ મને એમ કે એ કેવળ રસોઈના સ્વાદ પૂરતું હશે... પણ મામલો ઊંડો નીકળ્યો. નીમા અતુલ્યનું હૈયું નહીં જાણતી હોય? હજી બે દહાડા પહેલાં મેં તેને અત્તુના જન્મદિન નિમિત્તે આવનારા મહેમાનો વિશે કહ્યું ત્યારે પણ તે કહેતી નથી કે...’  
‘પહેલાં તારા આશીર્વાદ માગું છુ, મા. હજી મેં નીમાને નથી કીધું.’ 
‘તો કહેતો પણ નહીં.’ વિદ્યાગૌરીએ સહેજ અથરા થઈ કહી દીધું, ‘નીમાની લાયકાતમાં મને સંદેહ નથી, પણ તમારી વચ્ચેના ભેદની અવગણના હું નહી કરું.  તારા ડબલ ગ્રૅજ્યુએશન સામે તે બારમું પાસ છે. તેના માથે માની જવાબદારી છે. નીમા જેવી સ્વમાની છોકરી માને સાસરે લઈ આવે એવું તો બનવાનું નથી અને ગોદાવરીબહેનને એકલાં છોડાય એવી તેમની સ્થિતિ પણ નથી. આવી કન્યાને પરણવું હોય તો ઘરજમાઈ બનવું પડે, જે તારાથી થવાનું નથી.’
અતુલ્ય મૂંઝાયો. ‘ના, આ કોઈ એવી સમસ્યા નથી જેનો ઉકેલ ન નીકળે, પણ આમ કહેવામાં માની નીમા માટે મરજી નથી એટલું તો પરખાય છે! હવે?’
lll
‘મેઘના’ અડધી રાતે ન રહેવાતાં શેખરે મેઘનાને જગાડી : ‘મારું માથું ફાટે છે, ગિવ મી પેઇન કિલર!’
બગાસું ખાતી મેઘના બબડી : ‘બિયર નથી સદતું તો લો છો શું કામ! જુઓ, આપણા મેડિકલ બૉક્સમાં દવા રહી પણ નહીં! મે બી, માના દવાના બૉક્સમાં હશે...’
નંદિતાબહેનને પ્રેશર-શુગર સહિતની કોઈ બીમારી નહોતી છતાં શરદી, તાવ, દુખાવાની દવાનું બૉક્સ તેમની પાસે પણ રહેતું. મેઘના દબાતા પગલે સાસુની રૂમમાં ગઈ. ના, સૂતેલાં માને જગાડવાં નથી. પલંગની પડખેના ડ્રૉઅરમાંથી દવાનો ડબ્બો લઈ તે ચૂપકેથી બહાર આવી ગઈ. પેઇન કિલરનું પત્તું શોધતી મેઘના ટટ્ટાર થઈ ઃ ‘આ શું! કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ!’
માના દવાના બૉક્સમાં ગર્ભનિરોધક ગોળી ભાળીને મેઘના ચકરાવે ચડી. માને ભલે હજી મોનોપૉઝ આવ્યું નથી, પણ પપ્પા વિનાનાં આ વર્ષોમાં, આ અવસ્થામાં તેમને આ દવાની શું જરૂર હોય!’
પેઇન કિલર લઈને શેખર તો પોઢી ગયો, પણ મેઘનાની ઊંઘ ઊડી ગઈ હતી!

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff