ભાભી (વાર્તા સપ્તાહ- પ્રકરણ 3)

01 December, 2021 07:45 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

પોતે એને નકારતો ગયો એમાં અગાશીમાં રહેતો ખાટલોય પડ્યો, એના ખખડાટે કદાચ નીચે ભાઈ જાગી ગયા. સીડી પરથી અવાજ આવ્યો, ‘કોણ છે ઉપર?’

ભાભી (વાર્તા સપ્તાહ- પ્રકરણ 3)

‘આહ!’
હોટેલરૂમના ડબલ બેડ પર પરિતૃપ્તિના ઘેનમાં સૂતી સ્ત્રી હજીય કણસી લે છે એ જોઈને અક્ષતના ચહેરા પર ગર્વીલું સ્મિત ફરકી ગયું. ‘પોતાના સ્નાયુબદ્ધ દેહના આકર્ષણથી ખેંચાતી માનુનીઓને પોતે કલ્પનાતીત સુખ આપ્યું છે આ ત્રણ વર્ષોમાં!’
ઉઘાડા બદન પર નાઇટ રોબ વીંટાળીને અક્ષત બાલ્કનીમાં જઈને આભમાં જોયેલો અંધકાર નિહાળી રહ્યો.
‘એ રાત  પણ આવી જ અંધારી હતીને...’
હૈયે ટીસ ઊઠી. ‘ઘણું મથ્યો, પણ જિંદગીનો એ વળાંક વીસરાતો નથી...’
ખરેખર તો એ રાતે, વાળુ પછી પોતે રૂમમાં ગયો ત્યાં સ્ટડી-ટેબલની બુક પર ચિઠ્ઠી પડેલી જોઈ :
આજે મધરાતે અગાસી પર આવજે. તારે જે જોવું છે એ આજે દેખાડી જ દેવું છે!
-તારી જ કજરી!
વાંચીને સીટી સરી ગઈ હતી. આખરે મારા પ્યારે તેને મર્યાદાની પાળ તોડવા મજબૂર કરી જ દીધી! પણ ઘેલી! મને શું કેવળ જિસ્મમાં રસ છે? ના હોં પ્યારી, હું મારો હક ભોગવીશ પરણ્યાની પહેલી રાતે! ત્યાં સુધી એકમેકને આમ જ છેડતાં રહીશું, કેવળ એટલું જ. 
‘કજરીને આ સમજવા માટે પણ ટેરેસ પર તો જવાનું જ હોય... ૧૨ના ટકોરા સુધી પોતે માંડ ધીરજ ધરી. પછી અવાજ વિના રૂમમાંથી નીકળ્યો. સામે ભાઈ-ભાભીની રૂમમાં સૂનકારો વર્તાયો. ડાબે વળી સીડીનાં પગથિયાં ચડીને હળવેકથી અગાશીનો દરવાજો ખોલવા ગયો, પણ આ શું? દરવાજો માત્ર ઠેલેલો હતો! સાંજે કજરીને મળ્યા પછી હું કડી મારવાનું ભૂલી ગયો હોઈશ? હશે, પેલી બાજુ કજરી મારી રાહ જોતી હશે!’
‘રાહ તો હું જોઉં છું, મારા હી-મૅન!’
અગાશીમાં પગ મૂકતાં જ પાછળથી કોઈ વળગ્યું.
‘તારા મર્દાનાભર્યા દેહથી મારી પ્યાસ બુઝાવી દે!’
તપ્ત બદન, વાસનાથી ધ્રૂજતો સ્વર... પોતાના શરીર પર ફરતા તેના હાથને પકડતાં અક્ષતને ચૂડીની ઓળખાણે કરન્ટ લાગ્યો, આંચકાભેર પકડ છોડાવી ઊલટો ફર્યો, ‘ભાભી, તમે!’
‘ભાભી નહીં, રક્ષા, કેવળ તારી રક્ષા!’
અક્ષતને હવે ક્લુ મળતી હતી. ‘પોતે કસરત કરતો હોય ત્યારે ભાભીની હાજરી, પસીનો લૂછવાના બહાને મને થતો સ્પર્શ... અરે, કજરી સાથેનો પ્રણય પણ તેમનાથી છૂપો નહોતો. ભાભીની અમારા એ એકાંત પર પણ નજર હતી! કજરીના નામે ચિઠ્ઠી તેમણે મૂકી, હરખમાં મનેય ન સૂઝ્‍યું કે અક્ષર તો કજરીના નથી!’
‘ભાભી, તમારા પગે પડું... આપણા સંબંધની લાજ રાખો.’
 ‘આજે તો લાજ લૂંટાવવી છે જ વહાલા..’
પોતે એને નકારતો ગયો એમાં અગાશીમાં રહેતો ખાટલોય પડ્યો, એના ખખડાટે કદાચ નીચે ભાઈ જાગી ગયા. સીડી પરથી અવાજ આવ્યો, ‘કોણ છે ઉપર?’
રક્ષાએ દાંત ભીંસ્યા, ‘પત્યું! આજે કેટલી હિંમતે લાગ ગોત્યો, એમાંય તું આડો ફાટ્યો! હવે જો એનું ફળ.’
‘અને કાચિંડો બદલે એથીય વધુ ઝડપથી ભાભીના રંગઢંગ બદલાયા, મારા હાથ તેમના બદન પર વીંટાળી - ‘છોડ મને... છોડ મને!’ કરવા લાગ્યાં. એવા જ ભાઈ દરવાજો હડસેલીને અગાસીમાં પ્રવેશ્યા. પછી તો તેમણે જે માન્યું એ આખા મહોલ્લાએ સ્વીકાર્યું - નપાવટ દિયરે ભાભી પર નજર બગાડી!’
ધાર્યું હોત તો પોતે ભાભી પર પ્રતિઆક્ષેપ કરી શક્યો હોત, કજરીના નામે તેમણે લખેલી ચિઠ્ઠી સબૂતરૂપે ધરી શક્યો હોત, પણ એમાં ભાઈનું શું માન રહેત? તેમનું હૈયું ભાંગવાની હિંમત  નહોતી. મૂંગા રહીને પોતે તેમના ફટકા, જાકારો બધું ખમી લીધું.
‘ગામમાંથી નીકળતાં અગાઉ કજરીને મળવા ગયો, પણ તેણેય મોઢું ફેરવી લીધું. કાશ, કજરી મને સમજી હોત... તો જિંદગી કેટલી જુદી હોત!’
‘બાકી ભગ્નહૃદયે પોતે ક્યાં-ક્યાં નથી ભટક્યો! અરે, નદીમાં ડૂબી આત્મહત્યા કરવાની મારે, પણ પાણીમાં પડતા મારા પ્રતિબિંબે વાર્યો - ‘તારા કયા વાંકે તારે જીવન ટૂંકાવવું છે? લોકોએ તને વહેશી, વિલાસી માની જ લીધો છે, તો તું પણ તારા આ અલમસ્ત દેહના ઉપભોગનો આનંદ માણ!’
બસ, પછી તો એ ઘડી ને આજનો દી. પોતે મુંબઈની વાટ પકડી લીધી. ‘પૂછતાં-પૂછતાં લંકા જવાય એમ માર્ગ મળતો ગયો.’  
‘ઇન્ટરનેટને કારણે બધું સરળ થઈ ગયું છે. અમુકતમુક ઍપ છે, તમે એમાં મેમ્બર થઈ જાઓ. તમારો પ્રોફાઇલ ત્યાં જોઈને કસ્ટમર સામેથી તમને કૉન્ટૅક્ટ કરશે...’ 
‘આ ગાઇડન્સ કારગત નીવડ્યું ને જુઓ, આજે મુંબઈમાં એસ્કોર્ટ તરીકે હું જામી ચૂક્યો છું. ડેટિંગ ઍપ પર મારા પેજને અઢળક લાઇક મળે છે, મને આનો આનંદ છે, ગુરૂર છે...’
અને અંદર મોબાઇલમા બેલ વાગી. વિચારમેળો સમેટીને તેણે ભીતર આવી મોબાઇલ જોયો : ‘ઓહ, ન્યુ રિક્વેસ્ટ!’  
અક્ષતે મેસેજ વાંચ્યો : ‘હાય, ધિસ ઇઝ સ્નેહા. મિડલ એજ વિડો. લાઇક્ડ યૉર પેજ. ઇગર ટુ એન્જૉય યૉર રિમાર્કેબલ સ્ટૅટિસ્ટિક્સ. બટ બિફોર ધેટ, નીડ અ ફૉર્મલ મીટિંગ. એ પર્સન ટુ પર્સન ડિસ્કસ કરીએ?’
‘સામાન્યપણે ‘આવી’ જગ્યાએ મોટા ભાગે લોકો ફેક આઇડેન્ટિટી ઊપજાવીને કમ્યુનિકેટ કરતા હોય, એમાં વળી આ સ્નેહા કે જેકોઈ હોય એ પહેલાં મને મળવા માગે છે... વેલ, એની ઇચ્છા ફૉર્મલ મીટિંગની હોય તો યહી સહી. આ અઢી-ત્રણ વર્ષમાં ભાતભાતના ગ્રાહકો સાથે પનારો પડ્યો છે, એક વધુ! 
આ ફણગો કયો અંજામ દાખવશે એની તો અક્ષતને પણ ત્યારે ક્યાં ખબર હતી?
lll
હી ઇઝ ટ્રુલી હૅન્ડસમ! 
બપોરે સવાચાર વાગ્યાના સુમારે જુહુની રેસ્ટોરાંમાં ખૂણાના ટેબલ પર અક્ષતની સામે ગોઠવાયેલી રિયાએ જૂસની સિપ લેવાના બહાને વાગોળી લીધું : 
‘૩૮ વર્ષની વિધવાને કામસુખની ઊણપ નહીં સાલતી હોય?’
ત્રણ રાત અગાઉ સ્ફુરેલા તર્કને પહેલાં તો તેણે મમળાવ્યા કર્યો. ભાભીનો રૂમ-કબાટ ગોઠવવાના બહાને તપાસ કરી, તક મળ્યે મોબાઇલની સર્ચિંગ્સ હિસ્ટરી ચકાસી લેતી, પણ ધરાર જો કાંઈ ‘કામ’નું નીકળે!
‘આને જ સંયમ કહેતા હશે? ભાભીના ચહેરા પર ઝગમગતું તેજ તેમની આંતરિક ઊર્જાને જ ઉજાગર કરે છે. પ્રિય પાત્રની વિદાય સાથે મનમાંથી ‘કામ’ પણ વિદાય લઈ લેતું હશે? ભાભીના કિસ્સામાં તો ચોક્કસ આમ જ બન્યું છે.’
ભાભીના ગુણ પરખાતા ગયા એમ જાત પર ગુસ્સો ચડતો ગયો - ‘બાઈ, તારે ભાભીને મહાન નથી ચીતરવાની, તેની મહાનતા પર કાદવ ઉછાળવાનો છે! અને એ આ જ રસ્તે સ્વાભાવિક પણ લાગશે... આવતા મહિને આદર્શ આવી જવાના, એ પહેલાં ભાભીના ઘરનિકાલનો તખ્તો તૈયાર કરી દે!’
ભેજું કસીને તેણે પ્લાન ઘડી કાઢ્યો. ડેટિંગ ઍપ વિશે ક્યાંક વાંચેલું. સંકોચ કે છોછ રાખ્યા વિના ઍપ ડાઉનલોડ કરી, એના પેજ રિવ્યુ કરતાં અક્ષત પર મન બેઠું.
હવેનું પગલું મહત્ત્વનું એટલું જ જોખમી પણ હતું, પરંતુ પોતે એ કરી શકી. સ્નેહાના જ ફોન પરથી ઍપના પેજ પર મેસેજ મોકલી, એનો પુરાવો રાખી સ્નેહાના ફોનમાંથી એનાં નિશાન મિટાવવાનું ન ચૂકી. ‘અક્ષતને પોતાના પ્લાનમાં સામેલ કરવા પર્સનલ મુલાકાત જરૂરી હતી, સુયાણીને તો પેટ દેખાડવું પડે એમ જ હતું. ઍન્ડ સો વી આર હિયર...’
‘વેલ, ટુ સ્ટાર્ટ વિથ, હું તમને મેસેજ કરનારી સ્નેહા નથી...’ રિયાએ વાત માંડી, ‘સ્નેહા મારી ભાભી છે.’
‘ભાભી.’ અક્ષતે જુદો જ સંચાર અનુભવ્યો.
‘બાઈ વિધવા છે, પણ સંસ્કારની દુહાઈ દેતી ફરે છે. મારે તેને દેખાડી આપવું છે. કાલે શનિની રાતે તમે અમારે ત્યાં આવો એ પહેલાં તેને ઘેનની દવાથી ઊંઘાડી દઈને હું પણ પિયર જવા નીકળી ચૂકી હોઈશ. તમારે તમારું કામ પતાવવાનું અને એના ફોટો-ફિલ્મ મને આપવાનાં. બસ, આટલા આ કામ માટે તમારો ચાર્જ બોલી દો...’
‘વૉટ! બેધડક આખી યોજના કહેતી રિયા અમને એસ્કોર્ટ્સને સમજે છે શું? ધેટ સ્નેહા સાથે પોતાની ડિલ સેટલ કરવા તેને બેહોશ બનાવીને એસ્કોર્ટ પાસે બળાત્કાર કરાવવા માગતી સ્ત્રીને શું કહેવું? તેનું કૃત્ય-કારણ કશું જ જસ્ટિફાય નથી.’ 
-‘ઍન્ડ સ્ટીલ, રિયાને મારે ના નથી પાડવી, મારા નકારથી તે બીજો એસ્કોર્ટ ખોળશે, ને ગરજનો માર્યો કોઈ મળી પણ રહેશે... હકીકત તો એ છે કે આજે ફરી એક ભાભી (રિયા) તેના ઘરના સભ્ય (સ્નેહા)ના ચારિત્રને દાવ પર લગાવી રહી છે... આ વખતે હું ભાભીને ફાવવા નહીં જ દઉં!’
રિયાની જાણ બહાર મોબાઇલમાં રેકૉર્ડિંગનું બટન દબાવી અક્ષતે કહ્યું, ‘આયૅમ સૉરી, રિયા, પણ તમે એક્ઝૅક્ટલી શું - કેમ કરવા માગો છો? આઇ ડોન્ટ ગેટ ઇટ.’
‘કરવાનું એટલું જ છે મિસ્ટર એસ્કોર્ટ કે...’
રિયા કહેતી રહી અને તેનો શબ્દેશબ્દ મોબાઇલમાં ઝિલાતો રહ્યો!
lll
ઑલ સેટ. 
‘આમ તો કોઈ પુરુષ પોતાનો સંગ માણી ગયો એ ભાભીથી અજાણ્યું ન જ રહે, પણ બેહોશીને કારણે બિચારાં ગૂંચવાયેલાં રહેશે, કોઈને કહી-પૂછી નહીં શકે. આવતા મહિને ભાભીનો જન્મદિન છે, એની સરપ્રાઇઝ પાર્ટીમાં હું અક્ષતનું રેકૉર્ડિંગ દેખાડવાનો બંદોબસ્ત કરી દઉં તો ૭૦-૮૦ મહેમાનો, કેટરિંગ સ્ટાફમાંથી કોણે આ કામ કર્યું એ કોઈ જોવા-પૂછવા નથી જવાનું! પણ એ ઘડી ભાભી માટે ધરતીમાં સમાવા જેવી ચોક્કસ નીવડે. આદર્શ માટે ભાભીની છબિ ખંડિત થશે. સંસ્કારની દુહાઈ દઈ હું તેમને ગૃહત્યાગનો ટોણો મારીશ તો ભાભી પોતે જ મોઢું છુપાવતાં ભાગી જશે, ફરી હું તેમને અમારા ઘરમાં પ્રવેશવા નહીં દઉં! યસ.’ 
બધું બરાબર ગોઠવાઈ રહ્યું છે એનો સંતોષ અનુભવતી રિયાને ખરેખર શું થવાનું હતું એની ક્યાં ખબર હતી?
lll
અને શનિની બપોરે ઘરનો ફોન રણક્યો. સ્નેહાબહેને જ રિસીવર ઊંચક્યું, ‘હેલો, હું સ્નેહા’ 
 ‘તમને એક ઇન્ફર્મેશન આપવાની છે. મારું નામ અક્ષત. પ્લીઝ, જરાય રીઍક્ટ ન કરતાં, ચૂપચાપ સાંભળી લેજો. આજે સાંજે તમારી દેરાણી રાતવાસા માટે તેના પિયર જવાની છે. જતાં પહેલાં તમને આગ્રહ કરીને કેસરિયું દૂધ પીવડાવશે, એમાં બેહોશીની દવા હશે. તમારે એ પીવાનું નથી, પણ પીધું હોય એમ બેહોશ થયાનું રિયાને બતાવવાનું જરૂર છે. અત્યારે આટલું જ, બાકીનું હું રાતે આઠ વાગ્યે તમારા ઘરે આવું ત્યારે.’
ફોન કટ થયો. રિસીવર મૂકતાં જ સ્નેહાબહેને રિયાને જોઈ, હળવો નિ:શ્વાસ નાખ્યો.
lll
‘રિયા શું ગજબ કરવાની!’ સ્નેહાબહેનનનું કાળજું કાંપતું હતું. ધેટ અક્ષતની એક-એક વાત સાચી ઠરી હતી. વહુએ અચાનક માને ત્યાં રાતવાસાનો પ્રોગ્રામ ઘડી કાઢ્યો, સાંજે આગ્રહ કરી કેસરિયું દૂધ પણ પીવડાવ્યું! અક્ષતની ચેતવણીએ ચેતેલી મેં રિયાની જાણ બહાર દૂધ બારીમાંથી ઢોળી દીધું અને તેને ખાતરી થાય એ માટે ઊંઘ આવતી હોવાનો ડોળ કરીને બેડરૂમમાં લંબાવી પણ દીધું! 
 ‘આ તો ગયાં!’ પોતે ઘેનમાં હોવાનું માની લવારો કરતી વહુના બોલે સમસમી જવાયું, છતાં પાંપણ ફરકવા ન દીધી. 
ભાભી સૂતાં છે એની ખાતરી કરી રિયાએ ફોન જોડ્યો, ‘અક્ષત, હું નીકળું છું. તમે આવી જજો.’
અને બરાબર આઠના ટકોરે ડોરબેલ રણકી. 
lll
 ‘વહુ, તેં આ શું કર્યું!’ 
અક્ષતે સંભળાવેલા રેકૉર્ડિંગથી સ્નેહાબહેન ડઘાયાં : ‘બપોરે અક્ષતનો ફોન ન આવ્યો હોત, અરે, અક્ષતને બદલે વહુએ કોઈ બીજા આદમીને કામ સોંપ્યું હોત તો કેવો અનર્થ થઈ જાત!’ 
 ‘ટ્રસ્ટ મી, આમાં મારો એટલો જ સ્વાર્થ છે કે ફરી કોઈ ભાભીના હાથે કોઈ નિર્દોષ ન દંડાય...’
એની વીતક જાણી અફસોસ પણ થયો કે એક સ્ત્રીની વાસનાએ હોનહાર જુવાનનો જીવનપ્રવાહ પલટાવી નાખ્યો! 
રેકૉર્ડિંગનો પુરાવો આપી અક્ષત નીકળ્યો. ‘હવે?’
 ‘મારી ચરિત્રહીનતાનું સબૂત ઊભું કરી રિયા મને ઘરની બહાર કરવા માગે છે એવું તો એ ખુદ કબૂલી ચૂકી. મન મનાવવા ખાતર પણ પુરાવામાં સંદેહ ઊભા કરી રિયાનો બચાવ થઈ શકે નહીં. તારાબાઈવાળા કિસ્સામાં જતું કરી હું ચૂકી, તો જ તેની આ હિંમત થઈને!’  
‘ખેર, મારા જવામાં આદર્શ-રિયાનું સુખ હોય તો મારે ચૂપચાપ સરકી જવું જોઈએ... પણ એમ તો આદર્શને હું રિયા જેવીના ભરોસે ન છોડી શકું! અને રિયા સાથે છેડો ફાડું એમાં પણ આદર્શ દુખી જ થવાનો, એ પણ હું સહી ન શકું!’  
‘મારે શું કરવું? ઉત્કર્ષ હોત તો શું કરત?’ સ્નેહાબહેન આંખો મીંચી ગયાં. ખૂલી ત્યારે દ્વિધા નહોતી.

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff