બાજી (પ્રકરણ ૪)

29 September, 2022 10:20 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

ડોરબેલ રણકી. દરવાજો ખોલતાં ચોંકી જવાયું. વસુધા-આસ્તિક સાથે પોલીસને જોઈ ઋતુના દિમાગમાં ટિકટિક થવા લાગી, અનુરાગ હેબતાયો

બાજી (પ્રકરણ ૪)

‘લો, આપણને કોઈ માર્ગ સૂઝે એ પહેલાં ઋતુએ ઍક્શન લઈ લીધી.’ ચાલના દરવાજે પહોંચતાં વસુના ફોન પર ઋતુનો મેસેજ ક્લિક થયો. એ વાંચી આસ્તિક પણ વિચારમાં પડ્યો : આનંદસરના ઇશારાનો વસુએ કાઢેલો સાર કોર્ટમાં ચાલે નહીં, પોતાનો ગુનો ખુદ ઋતુ કબૂલે તો જ વાત બને, પણ એ કરવું કેમ એ સૂઝતું નથી, એમાં હવે વસુએ આનંદને ત્યાં જવાનું જ નહીં બને તો આગળ કેમ વધાશે?
‘અરે...’
વસુના ચીસ જેવા સાદે આસ્તિક ઝબક્યો. વસુને અંદર તરફ દોડતી જોઈ બઘવાયો, પછી દૃશ્ય સમજાયું : બાપ રે. કશા કામે બહાર જવા નીકળેલા પપ્પા ચાલના આંગણામાં જ બેસી પડતાં વસુએ દોટ મૂકી એ જોયા પછી આસ્તિક પણ દોડ્યો.
ઘડીમાં ટોળું થઈ ગયું. ઉપલા માળેથી દોડી આવેલાં રમીલાબહેનને પતિની હાલત જોઈ તમ્મર આવ્યાં.
‘આસ્તિક, તમે મમ્મીને સંભાળો. પ્લીઝ, જરા હવા આવવા દો. નિશ્ચલ, તું ઍમ્બ્યુલન્સને કૉલ કર...’
વસુધાએ કટોકટી સાચવી લીધી. સમયસર આવશ્યક ફર્સ્ટ એઇડ મળી રહેતાં હૃદયરોગનું શૂળીનું વિઘ્ન સોયથી ગયું.
નજીકની હૉસ્પિટલના કાર્ડિઍક ડૉક્ટરે સોહનભાઈની સઘન તપાસ પછી આની પુષ્ટિ કરતાં રમીલાબહેનનું હૈયું હાથ ન રહ્યું.
‘મને માફ કરજે, દીકરી!’ વસુની સામે તેમણે હાથ જોડ્યા, ‘તમારી પ્રીત જાણવા છતાં હું આડી ફાટી, મેં તારા સંજોગો જ જોયા, તેને પહોંચી વળવાની તારી લાયકાત નજરમાં બેઠી જ નહીં. ઊલટું તને શામળી કહી દ્વેષ ઘૂંટતી રહી... આજે સોહનને ઉગારી તેં મારી આંખો ખોલી દીધી, દીકરી, હજુય તને ન પોંખું તો નગુણી ગણાઉં! બોલ, મારા જેવી સાસુની વહુ બનવું કબૂલ કરીશ?’
વસુધા શરમાઈને તેમને વળગી પડી. આસ્તિક ખીલી ઊઠ્યો ને આઇસીયુના બેડ પર પોઢેલા સોહનભાઈના હૈયે સંતોષ પ્રસરી ગયો.
lll
‘આખરે પાર ઊતર્યા.’
સોમની સવારે આઇસીયુ વૉર્ડની બહાર લોબીના બાંકડે ગોઠવાઈ આસ્તિકે વસુધા સમક્ષ હરખ જતાવ્યો, ‘જાણે છે, મેં આવું જ કંઈક વિચાર્યું હતું. હું ચાલની સીડી પરથી ગબડી પડું ને તું આમ જ મને ફર્સ્ટ એઇડ આપી માનું દિલ જીતી લે એવું કંઈક ગોઠવવું હતું, પણ કુદરતે મા-બાપને ભોળવવાની નોબત ન આવવા દીધી. પપ્પા સંપૂર્ણ સ્વસ્થ છે ને બે દિવસ ઑબ્ઝર્વેશનમાં રાખી બુધવારે રજા આપી દેશે એટલે નિરાંત.’
‘યા, આપણા સગપણે મારી સાવિત્રીમા પણ બહુ ખુશ થઈ.’ કહેતી વસુધાને ધ્યાન આવ્યું, ‘આ બધી ધમાલમાં આનંદસર તો વીસરાઈ જ ગયા. તેમને ન્યાય અપાવવા શું કરવું?’
આસ્તિકે વસુનો હાથ હાથમાં લીધો, ‘ન્યાય અપાવનાર આપણે કોણ, વસુ! આપણી પ્રણયગાથાનો સુખાંત કુદરતે આપ્યો, એમ ગુનેગારનો ફેંસલો પણ કુદરત પર છોડીએ... તે સાચને આંચ નહીં આવવા દે અને જૂઠને વારે-વારે જીતવા નહીં દે.’
ક્યાંય સુધી આસ્તિકના શબ્દો પડઘાયા કર્યા.
lll
‘આ તમારી નવી નર્સ સગુણા.’
રવિની રાતે વસુધા આવી નહીં ને સોમની સવારે આધેડ વયની નવી નર્સને નિહાળી આનંદ સમજી ગયો કે વહેમાયેલી ઋતુએ વસુનું પત્તું કાપી નાખ્યું! એક રીતે એ સારું છે. મારી મદદ કરવામાં વસુનો જીવ જોખમમાં મુકાઈ શકે, ઋતુનું ભલું પૂછવું! મને આ પહેલાં કેમ ન સૂઝ્યું! ભલે વસુ દૂર થઈ, તે સુરક્ષિત રહે એ જ ઘણું! 
નવી નર્સ જોકે રુક્ષ લાગી. ચંદુને તો કેવો તતડાવી નાખ્યો. ઋતુએ જાણીને જ એવી નર્સ પસંદ કરી જેની સાથે કોઈ તંતુ સધાઈ જ ન શકે!
હશે. નસીબમાં આય લખ્યું હશે, બીજું શું?
lll
કબૂલાતનામું.
આથી હું ઋતુ આનંદ જોશી મારા પૂરા હોશમાં કોઈ પણ જાતના દબાણ વિના કબૂલ કરું છું કે આજથી બે-સવા બે વરસ અગાઉ ફલાણી તારીખે ખંડાલા હાઇવે પર અમારી ગાડી નંબર ફલાણાને થયેલો અકસ્માત ખરેખર તો મારા પતિ આનંદ જોશીને મારવાનું મારું કાવતરું હતું. પતિની મિલકત પર કબજો જમાવવાનો માસ્ટર સ્ટ્રોક હતો. કમનસીબે આનંદ એમાં ઊગરી ગયા, પણ મરવાના વાંકે જીવે છે એનો મને આનંદ છે એવુંય બેધડક કબૂલી લઉં. આનંદનો અંગૂઠો લઈ તેમની તમામ મિલકત પર મેં કબજો મેળવી લીધો છે એ સહજ મારી આ કબૂલાતને ઈશ્વર સમક્ષ મેં કરેલો એકરાર માનવામાં આવે.
સહી - ઋતુ આનંદ જોશી.
સીઈઓ - જોશી ઍન્ડ કંપની.
ત્રણસો રૂપિયાના સ્ટૅમ્પપેપર પર પોતે જ ટાઇપ કરી પ્રિન્ટ કાઢેલું લખાણ અનુરાગ વધુ એક વાર વાંચી ગયો.
બસ, હવે આના પર ઋતુની સહી થઈ જાય પછી તે મારી હંમેશની ગુલામડીને હું આ એમ્પાયરનો સર્વેસર્વા!
ગઈ સવારે ઋતુના બબડાટે ઊંઘ ઊડી ગયેલી. ના, ઋતુને કાયદાને હવાલે કરવામાં પોતાને રસ નહોતો. મારે તો મારો ફાયદો જોવાનો. 
બહુ વિચારતાં એ માટેનો માર્ગ સૂઝ્યો હતો - ઋતુ પોતે ક્યારેય ગુનો કબૂલવાની નહીં, પણ ધારો કે કબૂલાતનામા પર તેના દસ્તખત લઈ રાખ્યા હોય તો એ ગુનાના પુરાવા સામે તેણે હું નચાવું એમ નાચવું પડે!
અત્યારે પણ આનો રોમાંચ અનુભવતા અનુરાગે સાચવીને એ દસ્તાવેજ ઑફિસનાં અન્ય કાગળિયાં વચ્ચે મૂક્યો. ફાઇનૅન્સ મિનિસ્ટ્રીની ક્વેરીના રિપ્લાયમાં કંપનીએ એક અંડરટેકિંગ આપવાનું હોઈ સ્ટૅમ્પપેપર જોઈ ઋતુએ ચોંકવાનું રહેશે નહીં, બસ, એ પોતાની ધૂનમાં સહી કરી દે કે પત્યું!
lll
આઇ થિંક, ઇટ્સ ડન.
અનુરાગ કાગળિયાં લઈ પ્રવેશ્યો ત્યારે ઋતુ આનંદ-વસુના જ વિચારમાં હતી. વસુધાની એક્ઝિટ અને સગુણાની એન્ટ્રીનો નિર્ણય સલામતીભર્યો લાગતો હતો. હું લકી ગણાઉં કે સગુણા જેવી બાઈ મળી પણ ગઈ. તેને દર્દી પ્રત્યે દયામાયા નહીં હોય એવું તો ઇન્ટરવ્યુ પરથી જ પરખાઈ ગયેલું...
આ જ ફ્લોમાં તે અનુરાગે ધરેલાં કાગળિયાં પર સહી કરતી ગઈ, એ વેળા અનુરાગની કીકીમાં ઝબકી જતો ચમકારો તેણે નિહાળ્યો હોત તો!
lll
ફાઇનલી!
ઑફિસનાં બીજાં કાગળિયાં ભેગો દસ્તાવેજ જાળવીને બ્રીફકેસમાં મૂકી, સાંજે કારમાં ઘરે જવા નીકળતો અનુરાગ જીવતેજીવ સ્વર્ગ મળ્યું હોય એવો ખુશ હતો. અલબત્ત, હજુ ઋતુ સમક્ષ આ ખુશી ઉપાડવામાં વાર હતી. પહેલાં તો આ દસ્તાવેજ સેફ કરી દેવો રહે. બે-ચાર કૉપી અલગ-અલગ ઠેકાણે રાખવી પડશે. એની સ્કૅન કૉપી સેવ કરી રાખવી પડશે... પછી જો ઋતુ, તને કેવી નચાવું છું!
હવામાં અધ્ધર ચાલવાને જમીન પર શું થઈ રહ્યું છે એનું ભાન રહેતું નથી, એવું જ અનુરાગ સાથે થયું. ક્રૉસિંગનું રેડ સિગ્નલ ધ્યાનમાં ન આવ્યું ને બાઇકચાલકને તેણે અડફેટમાં લઈ લીધો.
બીજી જ પળે ટોળું જામ્યું.
lll
‘અરે ભાઈ, બાઇકવાળાની ઇન્જરી સિરિયસ નથી, તેની સારવારનો ખર્ચ ઉઠાવવા હું તૈયાર છુંને.’
હૉસ્પિટલની કૅન્ટીન આગળ ઊભેલાં વસુ-આસ્તિકનું ધ્યાન અવાજની દિશામાં ફંટાયું. રિસેપ્શન પર ભીડ જામી હતી. ઍક્સિડન્ટનો મામલો લાગ્યો. ઘાયલ થનારને ઇમર્જન્સી વૉર્ડમાં લઈ જવાયો, સાથે આવેલા લોકો ખર્ચાનું બોલતા આદમીને શબ્દોથી ઠમઠોરતા જણાયા - એક તો બાપનો રસ્તો હોય એમ ગાડી હાંકે છે ને રૂપિયાનો રુઆબ દેખાડે છે! આવવા દે પોલીસને...
નજીક જતાં આસ્તિક-વસુધા ચોંક્યાં - અરે, આ તો અનુરાગ! તેના હાથે કોઈનો ઍક્સિડન્ટ થયો!
અનુરાગનું વસુધા પર ધ્યાન નહોતું. તે સાચે જ નર્વસ હતો. દહાડા બદલાવાના થયા ત્યારે હું અકસ્માતમાં ક્યાં ભેરવાયો!
ભીડથી અળગો થઈ તે બાંકડે ગોઠવાયો, બ્રીફકેસ ઉઘાડી કૅશ કાઢતી વેળા તેના હાથ-પગ ધ્રૂજતા હતા, ઘાયલ થયેલા જુવાનને મનાવી-સમજાવી લેવાના ઇરાદે તે હાથમાં બંડલ લઈ વૉર્ડમાં દોડ્યો. 
અને વસુધાની નજર ખુલ્લી બ્રીફકેસમાંથી સરકી આવેલાં કાગળિયાં પર પડી. વાંકી વળી તે સમેટવા જાય છે ત્યાં દસ્તાવેજનું મથાળું ભોંકાયું : કબૂલાતનામું!
એનું લખાણ વાંચતાં તે સડક થઈ ગઈ - આસ્તિક, આ જુઓ તો!
- વીસ મિનિટ પછી, ઘાયલ બાઇકસવારને મોંમાગ્યા દામ ચૂકવી ટાઢા જીવે અનુરાગ વૉર્ડની બહાર નીકળ્યો, રેઢી પડેલી બ્રીફકેસ જોઈ ચોંક્યો, અંદરના કાગળ ચકાસી હાશ થઈ.
તેને ક્યાં જાણ હતી કે પોતે જે દસ્તાવેજ જોયો એ તો ઓરિજિનલની રંગીન કૉપી હતી!
lll
‘અનુરાગ, તું!’
રાત્રે દસના સુમારે અનુરાગને ઘરે આવેલો જોઈ ઋતુ નવાઈ પામી. મેં તને તેડાવ્યો નથી, પછી કેમ આવવું થયું?
‘તારા તેડાવ્યે હું આવતો એ જમાના ગયા, ડાર્લિંગ!’ તેના ગાલે ટપલી મારી અનુરાગ દીવાનખંડની બેઠકે ગોઠવાયો, પગ ટિપાઈ પર લંબાવ્યા, ‘હવે હું કહું એમ તારે કરવાનું!’
આહા, આ કહેવામાં કેવી લિજ્જત આવી. દસ્તાવેજને સુરક્ષિત કર્યા પછી અનુરાગ ધડાકો કરવા અધીરો બન્યો હતો.
‘ચલ, મારા શૂઝ કાઢ!’
સાંભળીને મિજાજ ગુમાવવાને બદલે ઋતુ નજીક આવી, નાક સૂંઘાવ્યું, ‘પીને આવ્યો છે કે શું!’
‘તને મારી ગુલામડી બનાવવા આવ્યો છું, ઋતુરાણી!’ તેનો હાથ પકડી અનુરાગે દસ્તાવેજનો ભેદ ખોલવો જ હતો કે -
ડોરબેલ રણકી. દરવાજો ખોલતાં ચોંકી જવાયું. વસુધા-આસ્તિક સાથે પોલીસને જોઈ ઋતુના દિમાગમાં ટિકટિક થવા લાગી, અનુરાગ હેબતાયો.
વસુધા આનંદની રૂમમાં દોડી જઈ ખાતરી કરી આવી કે તે સલામત છે, સૂતા છે!
‘આજે સાંજે એક ઍક્સિડન્ટ થયો...’
આસ્તિકે વાત માંડી, અકસ્માતના ઉલ્લેખે અનુરાગના ટાંટિયા ધ્રૂજવા લાગ્યા. પોલીસ તેના મામલે મને પકડવા આવી કે શું!
‘ઘાયલ બાઇકસવારને એ જ હૉસ્પિટલમાં લવાયો જ્યાં મારા પિતાજી સારવાર લઈ રહ્યા છે... અમે જોયું કે અનુરાગભાઈ કેસ રફેદફે કરવા નોટના બંડલ લઈ ઇમર્જન્સી વૉર્ડમાં ઘાયલ દર્દી જોડે સેટલમેન્ટ કરવા દોડી ગયા.’
‘તો? એ કંઈ ગુનો નથી.’ અનુરાગ ધ્રૂજતા અવાજે તાડૂક્યો.
‘પણ કોઈના મર્ડર પ્લાનના દસ્તાવેજ પર સહી લેવી ચોક્કસ ગુનો છે, અનુરાગભાઈ.’
દસ્તાવેજના નામે અનુરાગના પેટમાં શેરડો પડ્યો. ઋતુને હજુ ધડ-માથું સમજાતાં નહોતાં.
‘ઋતુમૅડમ, આ માણસે તમને છેતર્યા. તેની બ્રીફકેસમાંથી સરી પડેલો દસ્તાવેજ અમે નજરે જોયો, જેમાં તમે લખ્યું છે કે હું ઋતુ આનંદ જોશી રાજીખુશીથી મારા જીવનનો અંત આણુ છું ને મારા મર્યા બાદ મારી તમામ સંપત્તિ અનુરાગને મળે એવી વસિયત આ સાથે કરતી જાઉં છું...’
હેં. ઋતુ ભડકી. એનાથી બમણું અનુરાગ ભડક્યો.
‘જૂઠ! મેં આવો કોઈ દસ્તાવેજ સાઇન નથી કરાવ્યો.’ તેણે જીભ કચરી, ‘મેં તો કેવળ ખંડાલાનો અકસ્માત આનંદની હત્યાનું તારું કાવતરું હતું એની કબૂલાત પર સહી કરાવી, જે ભેદ તેં જ મારા ઘરેથી નીકળતી વેળા ઓકેલો-’
બોલ્યા પછી અનુરાગને પોતાના બફાટનું ભાન થયું, પણ તીર નીકળી ચૂકેલું.
ઋતુ ઉપરાઉપરી આંચકા માટે તૈયાર નહોતી. મારો ભેદ અનુરાગ પણ જાણતો હતો! તેણે કબૂલાતનામા પર સહી પણ કરાવી લીધી, એ દસ્તાવેજ પાછો વસુધાના હાથમાં જઈ ચડ્યો, એ પુરાવાના આધારે તે પોલીસને લઈને આવી! 
‘બેશક, આ કબૂલાતનામા પર મારી જાણ બહાર સહી કરાવાઈ છે એવું તમે કોર્ટમાં કહી જ શકશો, પણ હાલ તમારી ધરપકડ માટે આટલો પુરાવો પૂરતો છે અને ગુનેગાર પાસે સચ કેમ ઓકાવવું એ પોલીસને બરાબર આવડે છે.’
પ્રૌઢ વયના ઇન્સ્પેક્ટરના કરડા અવાજે ઋતુને ધ્રુજાવી દીધી.
ઇઝ ઇટ ઑલ ઓવર? જીતેલી બાજી મેં ગુમાવી એ કોના વાંકે? વસુધાના? અનુરાગના? કે પછી...
અને ચીસ નાખતી તે આનંદની રૂમ તરફ દોડી, ‘આનંદ, આઇ વૉન્ટ લીવ યુ...’
ઇન્સ્પેક્ટર - આસ્તિક તેની પાછળ દોડ્યા ન હોત, છેલ્લી ઘડીએ તેને ઝડપી ન હોત તો ગળામાં નાખેલી નળી ખેંચી તેણે આનંદની ગળચી દબાવી દીધી હોત! તેનું આ કૃત્ય જ ગુનાના પુરાવા જેવું રહેવાનું. 
ગુનો કદી બક્ષતો નથી એ દરેક ગુનેગારે યાદ રાખવું ઘટે! 
કથાના ઉપસંહારમાં એટલું જ કે ઋતુની ધરપકડે જીવનકાર્ય પૂરું થયું હોય એમ આનંદે આંખોથી વસુનો આભાર માની હમેશ માટે આંખો મીચી દીધી. આનંદને મારે મારવો હતો ત્યારે એ મર્યો નહીં, ને મરતાં પહેલાં મારી બાજી ઊલટાવી ગયો! ઋતુને આનું એટલું વસમું લાગ્યું કે રોવાને બદલે એ ખડખડાટ હસતી જ રહી! ઋતુ માનસિક સંતુલન ગુમાવી બેઠી,  દસ્તાવેજ પર ખોટી રીતે સહી કરવાના ગુનામાં અનુરાગને પણ સજા થઈ, એના પરથી એ ધડો લે તો સારું! આનંદની તમામ મિલકત ધર્માદામાં વપરાવાની. 
હા, આસ્તિક-વસુધાનો સંસાર મઘમઘે છે એટલું વિશેષ.

સંપૂર્ણ

columnists Sameet Purvesh Shroff