અગ્નિદાહ (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 4)

17 June, 2021 11:52 AM IST  |  Mumbai | Rashmin Shah

સમીરને બોલવામાં તકલીફ પડતી હતી. હરિસિંહની થપ્પડને કારણે તેની જીભનો જમણો ભાગ તેના જ દાંત વચ્ચે પિસાઈ ગયો હતો.

અગ્નિદાહ

‘કારણની ચર્ચામાં પડ્યા વિના જ તું તારો આખો પ્લાન કહી દે તો સારું.’ 
સોમચંદની નજર બારીની બહાર હતી. પોલીસ-સ્ટેશનની કસ્ટડીની જે બારી મેદાનમાં ખૂલતી હતી એ બારીના સળિયાના નીચેના ભાગમાં કાટ લાગી ગયો હતો, ‘તારી કબૂલાત હશે તો હજી પણ તારા પ્રત્યે રહેમ રાખવાનું મન થશે, પણ કબૂલાત નહીં કરે તો કોઈ રહેમ નહીં રહે.’
‘અરે પણ સાહેબ, મારે શું કામ માનસીને મરવા માટે ઉશ્કેરવી પડે, જરાક તો વિચારો તમે...’ સમીરે રીતસરની રાડ પાડી, ‘આવો આરોપ લગાવવા માટે તમારી પાસે કોઈ કારણ તો હોવું જોઈએને?’
‘કારણ તો છે તારી પાસે...’ 
સોમચંદે ઊભા થઈને બારીના સળિયા ખેંચી જોયા. જો કોઈ અલમસ્ત બદમાશ ધારે તો એકઝાટકે બારીમાંથી સળિયા ઊખડી જાય. 
‘...અને હું ક્યાંય એવું કહેતો નથી કે તેં માનસીને ઉશ્કેરી છે. હું એમ કહું છું કે તેં માનસીનું મર્ડર કર્યું છે.’
‘ખોટી વાત, સાવ ખોટી વાત.’ સમીર ચૅર પરથી ઊભો થઈ ગયો, ‘તમે મને ફસાવો છો.’
‘શું કામ, ફસાવીએ તને.’
‘પૈસા માટે, તમને પૈસા ખાવા.’
સટાક...
સમીરનું વાક્ય પૂરું થાય એ પહેલાં તેના ગાલ પર થપ્પડ આવી ગઈ.
‘હજી એક ચાન્સ છે, પછી હું આ કોઈને રોકીશ નહીં અને તેને રોકીશ નહીં તો તે શરીરનું એક હાડકું સાજું નહીં રહેવા દે.’ સોમચંદ સમીરની નજીક આવ્યા, ‘તારે તારી મોડસ ઑપરૅન્ડી કહેવી છે કે સાંભળવી છે, તું નક્કી કર...’
‘પણ ગૉડ પ્રૉમિસ, મેં કંઈ કર્યું નથી.’ 
સમીરને બોલવામાં તકલીફ પડતી હતી. હરિસિંહની થપ્પડને કારણે તેની જીભનો જમણો ભાગ તેના જ દાંત વચ્ચે પિસાઈ ગયો હતો.
‘સાચું, તેં એટલે કે સમીર ઉપાધ્યાયે કંઈ કર્યું નહોતું. જેકંઈ કર્યું એ ફિઝિક્સના પ્રોફેસરે કર્યું.’ 
‘પ્લીઝ, તમે...’ 
સમીર રડવા માંડ્યો.
‘સમીર, હવે રડવાથી કંઈ નહીં વળે...’ સોમચંદે સમીરના ખભા પર હાથ મૂક્યો એટલે સમીર ખુરસી પર બેઠો, ‘યૉર ગેમ ઇઝ ફિનિશ બ્રો...’
‘હું સાચું કહું છું...’
‘સમીર, નહીં કરને ભાઈ આવું. તારો આખો પ્રયોગ મેં જોઈ લીધો. અર્થિંગ વિનાના વાયરને ઇસ્ત્રી સાથે જોડ્યા પછી કૅન્ડલથી આગ લગાડવી અને આખા શરીરે આગ કેટલી વારમાં ફેલાય એની ગણતરી પહેલેથી કરી રાખવી.’
સોમચંદે સમીરની હડપચી ઊંચી કરી.
‘બોલ, હજી પણ એ જ કહીશ, મેં કંઈ નથી કર્યું.’
સમીરની ડોક ઊંચી હતી, પણ તેની નજર નીચી હતી.
lll
‘મને હજી સમજાતું નથી.’
‘સમીર બહુ અઘરો ખેલ ખેલ્યો હતો.’
‘પણ જરા મોઢામાંથી ફાટને...’ હરિસિંહની ઇંતજારી વધતી જતી હતી, ‘ખરેખર તેણે એવું તે શું કર્યું કે આ આખો કેસ આમ ઊભો થયો.’
‘સમીરને છેલ્લા થોડા સમયથી માનસી સાથે બનતું નહોતું. સમીરને શંકા હતી કે માનસીને તેની જ કૉલેજના એક પ્રોફેસર સાથે સંબંધ છે.’ 
‘એવું હતું ખરું?’
‘હંઅઅઅ... માનસીને કોઈ સાથે રિલેશનશિપ હતી કે નહીં એ ગૌણ છે, પણ સમીરના પોતાની જ કૉલેજમાં આડા સંબંધ હતા.’
‘હેં?!’
‘હેં નહીં હા...’ સોમચંદે હરિસિંહ સામેથી નજર હટાવી, ‘પોતાની કૉલેજની પ્રોફેસર સાથે...’
‘એ કોણ?’
‘નામ તારે માટે જરૂરી નથી. એને કેસ સાથે કોઈ નિસબત નથી.’
‘ઓકે...’ હરિસિંહે પ્રોફેસરનું નામ જાણવાની કોઈ જીદ ન કરી, ‘પછી?’
‘માનસી સાથે સંબંધોમાં મીઠાશ નહોતી એટલે સમીરે બાળકના નામે માનસી સાથે ઝઘડવાનું શરૂ કર્યું. આમ જોઈએ તો એ ઝઘડા બહાનું જ હતું. એવી ધારણા સાથેનું કે કદાચ માનસી ઘર છોડીને જાય, પણ એવું થયું નહીં અને નાછૂટકે, કહો કે કમને પણ સમીરે છેલ્લે માનસીને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવવાનું શરૂ કર્યું.’ સોમચંદે પાણીનો ગ્લાસ હાથમાં લઈ એકઝાટકે પૂરો કરી નાખ્યો, ‘માનસીને મારવાના પ્લાન પર સમીર દોઢ-બે મહિનાથી કામ કરતો હતો.’ 
‘હંઅઅઅ...’
સોમચંદે હરિસિંહ 
સામે જોયું.
‘શું હંઅઅઅ... ચાનું તો કહે.’
હરિસિંહે રાડ પાડીને કૉન્સ્ટેબલને ચાનું કહ્યું અને પછી ફરી સોમચંદની સામે જોયું.
‘પછી?’
‘ક્યાં પહોંચ્યા હતા આપણે?
અધૂરી વાત ભૂલી જવાની આદત સોમચંદને વર્ષોથી હતી અને હરિસિંહને એની ખબર હતી. હરિસિંહે વાતની કડી જોડી.
‘માનસીને મારવાના પ્લાન સમીર દોઢ-બે મહિનાથી બનાવતો હતો.’
‘હા, સમીરને માનસીને મારવી હતી, પણ હત્યાનો પ્લાન એવો કરવો હતો કે પોલીસને એ મર્ડર નહીં પણ સુસાઇડ લાગે. લૉકડાઉનને કારણે બધું બંધ થાય એ પહેલાં તેણે કામ ચાલુ કરી દીધું અને પ્રયોગ પણ શરૂ કરી દીધા. માનસીના કમનસીબે લૉકડાઉન શરૂ થયું અને એના પ્રયોગ પૂરા થયા. લૉકડાઉનમાં જે છૂટછાટ હતી એનો લાભ લઈને તેણે રવિવારે સવારે ઇરાદાપૂવર્ક માનસીને બહાર મોકલી દીધી અને માનસી પાછી આવે એ પહેલાં સમીર ઘરમાં બધી ગોઠવણ કરી લીધી હતી.’
‘શાની ગોઠવણ?’
‘યુ નો, સમીર ફિઝિક્સનો પ્રોફેસર છે. તેને ખબર હતી કે જો જમીન સાથે અર્થિંગ આપ્યા વિના કોઈ તારને સ્વિચબોર્ડ સાથે જોડી દેવામાં આવે તો આખા ઘરનો વિદ્યુત પ્રવાહ એ તારમાં આવે. સમીરે એવું જ કર્યું. માનસી ઘરે પાછી આવે એ પહેલાં સમીરે જમીન સાથે અર્થિંગ આપ્યા વિના એક તાર ઇસ્ત્રી સાથે જોડી દીધો. ઇસ્ત્રી માનસીના રૂમમાં હતી અને સમીરને ખાતરી હતી કે માનસી પાછી આવીને તેની રૂમમાં જશે. માનસીની ગેરહાજરીમાં સમીરે ઇસ્ત્રીની સ્વિચ ચાલુ પણ કરી દીધી. માનસી આવી એટલે સમીર પાંચેક મિનિટ ઘરમાં રોકાયો અને પછી બહાર નીકળી ગયો.’
‘હંઅઅઅ... પછી?’
‘ઘટના બની ત્યારે પોતે ઘરમાં નહોતો એના પુરાવા છોડવા સમીર કેટલાક એવા લોકોને મળ્યો જે તેને ઓળખતા હોય. સમીર બહાર ગયો એટલે માનસી ઘરનો મેઇન ડોર બંધ કરીને પોતાની રૂમમાં ગઈ. રૂમમાં ગયા પછી માનસીનું ધ્યાન ગયું કે ઇસ્ત્રી ચાલુ છે એટલે માનસીએ ઇસ્ત્રી બંધ કરી. ઇસ્ત્રી બંધ કરતી વખતે માનસીને ખબર નહોતી કે અત્યારે ઇસ્ત્રીમાં આખા ઘરની ઇલેક્ટ્રિસિટી આવી રહી છે. અર્થિંગ વિનાનો વાયર ઇસ્ત્રી સાથે જોડાયો હોવાથી ઇસ્ત્રી સાઇલન્ટ બૉમ્બનું કામ કરતી હતી. માનસીએ જેવી ઇસ્ત્રી બંધ કરી કે એ પાવર સીધો માનસીની બૉડીમાં દાખલ થયો અને માનસી એક જ સેકન્ડમાં તેનું...’
‘સો યુ મીન કે માનસીની ડેડબૉડીને આગ લાગી હતી?’
‘હા...’
હરિસિંહને અચાનક સ્ટ્રાઇક થઈ.
‘પણ તો એ આગ... આગ કેવી રીતે લાગી’
‘સમીરની રમત... સમીરનો ગેમ-પ્લાન.’ સોમચંદે ઊંડો શ્વાસ લઈને વાત શરૂ કરી, ‘સમીરને ખાતરી હતી કે માનસી ઘરમાં આવીને ઇસ્ત્રી બંધ કરશે. માત્ર સવાલ એ કે માનસી ક્યારે ઇસ્ત્રી બંધ કરે છે. કલાક બહાર ચક્કર લગાવીને સમીર ઘરે પાછો આવ્યો. વરસાદની શરૂઆત થઈ ગઈ છે એટલે પહેલેથી બહાર ક્લાઉડી વાતાવરણમાં અંધારું હતું. થોડી વાર ગાર્ડનમાં ઊભા રહીને સમીરે ઘરના વાતાવરણને પામવાની કોશિશ કરી. ઘરમાંથી કોઈ જાતની અવરજવર કે પછી કોઈ જાતના આઘાત-પ્રત્યાઘાત મળ્યા નહીં એટલે સમીરે ડુપ્લિકેટ ચાવીથી ઘર ખોલ્યું, સાવચેતીથી, પણ ઘરમાં બધું શાંત હતું. ચોરપગલે સમીર ઉપર ગયો. રૂમમાં માનસીની લાશ પડી હતી. સમીર માનસીની લાશ ઊંચકીને નીચે લઈ આવ્યો. લાશને હૉલમાં નીચે સુવડાવી દીધી અને પછી લાશ પર સિલ્ક કે પૉલિએસ્ટરનું કપડું ઓઢાડી સમીરે એના પર મીણબત્તી મૂકી દીધી અને ઘરમાંથી નીકળતાં પહેલાં તેણે મીણબત્તી સળગાવી દીધી હતી.’
‘પણ...’
‘પહેલાં તું વાત તો શાંતિથી સાંભળ.’ ડિટેક્ટિવ સોમચંદની લિન્ક તૂટી એટલે તેઓ સહેજ અકળાયા, ‘સમીર છેલ્લા થોડા દિવસથી સર્વે કરતો હતો કે એક કૅન્ડલ પૂરી થવામાં કેટલી વાર લાગે. સમીરે જે ૬ ઇંચની મીણબત્તી લીધી હતી એ સળગ્યા પછી ૬૦ મિનિટ સુધી ચાલતી. સમીર મીણબત્તી સળગાવીને જાણે કંઈ બન્યું જ નથી એવું કરીને ઘરની બહાર નીકળી ગયો અને સર્વેમાં ખબર પડી હતી એ મુજબ, એક્ઝૅક્ટ એક કલાક પછી પાછો આવ્યો. એ પાછો આવ્યો ત્યારે માનસીની લાશ પર ઓઢાળડેલી શાલ સળગતી હતી અને શાલને કારણે લાશ પણ...’ 
‘યસ.’
‘અને સમીરે માનસીની સળગતી લાશને જોઈને દેકારો બોલાવ્યો.’ સોમચંદે કડી બેસાડી, ‘દેકારો કરતાં પહેલાં તેણે એવી રીતે દેખાવ પણ કર્યા જેથી તેના પર શંકા ન જાય અને એવું કરવા માટે તેણે જાતે બારીનો કાચ તોડી નાખ્યો.’
‘હંઅઅઅ...’ 
‘સો હરિ, યૉર ડાઉટ વૉઝ રાઇટ...’
હરિસિંહે સ્માઇલ કર્યું અને સોમચંદને સામો સવાલ કર્યો, ‘પણ સોમચંદ, તને સમીરની આ સાયન્ટિફિક સ્ટાઇલ પર ડાઉટ ક્યારે ગયો?’ 
‘જ્યારે તેં મને કહ્યું કે સમીર બન્ને હાથે દાઝ્‍યો છે ત્યારે...’
‘કેમ?’
‘અરે ડોબા, ક્યારેય તેં ઘરની આગ હાથની હવાથી ઠારી છે ખરી...’ 
સોમચંદે અંધેરી પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર હરિસિંહ જનકાંતને ડોબા કહેતાં પહેલાં આજુબાજુમાં જોઈ લીધું હતું. દોસ્તી હોવાનો અર્થ એવો નથી કે તમે જાહેરમાં તમારા સંબંધો, તમારી આત્મીયતા દેખાડ્યા કરો. 
‘સમીર તો પ્રોફેસર દરજજાનો માણસ હતો. પ્રોફેસર હોવા છતાં તે આવી મામૂલી ભૂલ કરે એ માની શકાય એમ નહોતું.’
‘બસ આ એક મુદ્દે તને તેના પર શંકા ગઈ?’
‘ના, મને જ્યારે ખબર પડી કે તે ફિઝિક્સનો પ્રોફેસર છે ત્યારે મારી શંકા વધુ દૃઢ બની. ઘરે મેં તેની રૂમ જોઈ. રૂમમાં તેણે કરેલો સર્વે પણ હતો અને પ્રયોગ માટે તેણે કૅન્ડલને નંબર આપીને કૅન્ડલ-વન, કૅન્ડલ-ટૂ, કૅન્ડલ-થ્રી એમ લખીને એનો ટાઇમ પણ લખ્યો હતો. રૂમમાં કૅન્ડલ પણ હતી. માનસીની રૂમમાં ટિપાઈ પર ઇસ્ત્રી હતી. શૉક લાગવાને કારણે ઇલેક્ટ્રિસિટીનો બધો પ્રવાહ ઇસ્ત્રીમાં આવ્યો હતો જેને લીધે ઇસ્ત્રીનું તળિયું બળીને કાળું થઈ ગયું હતું અને એ જ દિવસે સમીરે પોતાના આ છેલ્લા સંશોધનની વાત પણ કરી. પૂછ્યું તો તેણે કહ્યું કે હમણાં જ તેણે ઇલેક્ટ્રિસિટીની દિશા બદલવી હોય તો શું કરવું જોઈએ એના પ્રયોગ પૂરા કર્યા હતા.’
એક કૉન્સ્ટેબલ ચા લઈને ચેમ્બરમાં આવ્યો એટલે હરિસિંહે સોમચંદને જિનીયસ કહેવાનું માંડી વાળ્યું અને વાતને આડા પાટે ચડાવી દીધી, 
‘શું કરે છે બધા રાજકોટમાં?’
‘પેંડા લાવ્યો છું, રાતે ઘરે આવું ત્યારે લેતો આવું.’
એકઝાટકે ચા પૂરી કરી સોમચંદ ઊભો થયો. હરિસિંહે હાથ લંબાવ્યો પણ સોમચંદ હરિસિંહના હાથમાં પોતાનો હાથ મૂકે એ પહેલાં તેના મોબાઇલમાં ગોઠવાયેલી દેશી ટેલિફોનની રિંગ વાગી. સોમચંદે ફોન રિસીવ કર્યો.
‘હંઅઅઅ...’ સોમચંદે વાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વાત પૂરી કરતાં તેણે કહ્યું, ‘ડન, પહોંચું હમણાં...’
ફોન કટ કરીને સોમચંદે હરિસિંહ સામે જોયું.
‘રાતનું કૅન્સલ રાખજે, મોડું થઈ જશે મને.’
ડિટેક્ટિવ સોમચંદ શાહ અંધેરી પોલીસ-સ્ટેશનની બહાર નીકળી ગયા.

સંપૂર્ણ

columnists Rashmin Shah