અગ્નિદાહ (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 3)

16 June, 2021 12:29 PM IST  |  Mumbai | Rashmin Shah

‘હંઅઅઅ, એકાદ વર્ષ વધારે.’ સમીરે ચોખવટ પણ કરી, ‘આઇ મીન, નવેક વર્ષથી હું આ જ કૉલેજમાં નોકરી કરું છું.’

અગ્નિદાહ (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 3)

‘વાત માત્ર એટલી છે કે એક સાયન્સ પ્રોફેસર આ પ્રકારની ભૂલ કરે નહીં અને...’
વાત ચાલતી હતી ત્યાં જ હરિસિંહના મોબાઇલની રિંગ વાગી. સોમચંદે લોહી નીકળે એવી ધારદાર નજરે હરિ સામે જોયું.
‘સૉરી...’ હરિએ ફોન કટ કર્યો અને સોમચંદની વાતને કન્ટિન્યુ કરતાં કહ્યું, ‘સાયન્સનો પ્રોફેસર આવી ભૂલ કરે નહીં...’
‘હંઅઅઅ... અને જો આવી ભૂલ કરી હોય તો એ સામાન્ય ભૂલ નથી.’ સોમચંદે વાતનું અનુસંધાન પકડી લીધું. ‘એ માણસ ઇચ્છતો હતો કે બધા સામે એવું પુરવાર થાય કે તેણે માનસીને બચાવવાની કોશિશ કરી છે. હરિ, દેખાવ ત્યારે જ કરવો પડે જ્યારે તમે ખરેખર કોઈ પ્રયત્ન ન કર્યો હોય.’
‘તું શું કહે છે, ઉપાડી લેવો છે સમીરને?’ હરિસિંહનો ક્ષત્રિય સ્વભાવ જાગી ગયો, ‘બે મૂકીશું એટલે બાફી દેશે બધું...’
‘ના, હમણાં નહીં. આ પહેલો પુરાવો છે અને મર્ડરનો હેતુ હજી બહાર આવ્યો નથી. હેતુ વિનાની કોઈ ઘટનાનું મહત્ત્વ નથી.’ સોમચંદ ઊભા થયા. ‘હું એક વાર સમીરને મળી લઉં.’
‘મારી જરૂર ખરી?’
‘ના રે.’ સોમચંદ દરવાજા પાસે ઊભા રહ્યા, ‘તું મારી કાલની ફ્લાઇટની ટિકિટ સ્પૉન્સર કર, તારી જરૂર ત્યાં છે...’
lll
‘સમીર, તું કેટલા ટાઇમથી માનસીને ઓળખતો હતો?’
‘૭ વર્ષ અમારાં મૅરેજને થયાં અને એના એકાદ વર્ષ પહેલાંથ...’ 
સમીરે ગણતરી કરીને જવાબ આપ્યો હતો.
‘અને કેટલાં વર્ષ કૉલેજમાં નોકરી કર્યાને થયા?’
‘હંઅઅઅ, એકાદ વર્ષ વધારે.’ સમીરે ચોખવટ પણ કરી, ‘આઇ મીન, નવેક વર્ષથી હું આ જ કૉલેજમાં નોકરી કરું છું.’
‘તમને ક્યારેય વિચાર નહોતો આવ્યો કે તમે માનસીની જૉબ છોડાવી દો.’
‘મેં તો તેને કેટલીય વાર કહ્યું હતું, પણ તેની ઇચ્છા હતી જૉબ ચાલુ રાખવાની. પહેલાં તે બાળક પછી નોકરી છોડવાનું કહેતી હતી, પણ પછી તો બાળકના ચાન્સિસ...’
‘તમે આઇવીએફ કે સરોગેટ મધર માટે પ્લાન...’
‘મને તો વાંધો નહોતો, પણ માનસીને એ બધામાં પ્રૉબ્લેમ હતો. કહેતી કે એ તો ભગવાનનું નાક દબાવીને આશીર્વાદ લીધા જેવું કહેવાય. એટલે પછી મેં પણ... વિરોધ કર્યો નહીં.’
‘હંઅઅઅ...’ સોમચંદે હમદર્દીથી સમીરના ખભા પર હાથ મૂક્યો, ‘આ બધી વાતો ફરી યાદ કરાવીને હું તમને પેઇન આપવા નથી માગતો, હું પણ ઇચ્છું કે તમે આ બધામાંથી જલદી બહાર આવો...’
‘વેરી કાઇન્ડ ઑફ યુ સર.’ 
સમીરની આંખો સહેજ છલકાઈ.
સોમચંદ ઊભા થયા. 
‘જો તમને વાંધો ન હોય તો મારે તમારું ઘર...’
‘ઓહ શ્યૉર...’
સમીર તરત જ ઊભો થઈ ગયો.
‘ઘરમાં બે બેડરૂમ છે. એક ગેસ્ટરૂમ. બહાર નાનકડું ફળિયું આવે. માનસીને ગાર્ડનિંગનો શોખ એટલે તેણે ફળિયામાં જ ગાર્ડન બનાવી નાખ્યું હતુ.’ સમીર સોમચંદની સાથે ચાલવા લાગ્યો. ‘ઘણી વાર અમારે રકઝક પણ થાય કે ગાર્ડનને લીધે આપણે ગાડી બહાર પાર્ક કરવી પડે છે, પણ તે માનતી નહીં. બાળકોની જેમ જતન કરીને તેણે એકેએક પ્લાન્ટ ઉગાડ્યા. ગાર્ડનિંગના આર્ટિકલ કાપીને ફાઇલ પણ કરી રાખે.’
 ‘ત્રણ રૂમના ઘરમાં એકલી માનસીની માનસિક હાલત કેવી થતી હશે એ હું સમજું છું. બાળકો પણ નહીં...’ 
‘હા, તે સાવ એકલી રઘવાઈ થઈ જતી. હું કૉલેજમાં ફિઝિક્સ ભણાવું છું. અઠવાડિયામાં ચાર દિવસ પ્રૅક્ટિકલ હોય અને પ્રૅક્ટિકલને લીધે ઘરે આવતાં પાંચેક વાગી જાય. બે દિવસ તો વીકમાં એવા પણ હોય કે હું સ્ટુડન્ટ્સને પ્રૅક્ટિકલ પણ પૂરા સમજાવી ન શકું. માનસીના ફોન સતત ચાલુ જ હોય. તું ક્યાં પહોંચ્યો, ક્યારે આવવાનો, કેમ હજી નથી આવ્યો. ફોન બંધ કરી દેવાનું મન થાય એટલી હદે તે રઘવાઈ થઈ જાય.’
‘ઓહ...’ સોમચંદનું નૅચરલ રીઍક્શન આવ્યું, ‘તમારી કૉલેજનું નામ તો બહુ મોટું છે, કેમ?
‘હા, નાયર કૉલેજ ઇન્ડિયાની ટૉપ ફિફ્ટી સાયન્સ કૉલેજમાં એક છે.’
‘આવડી મોટી કૉલેજમાં એક સબ્જેક્ટના એક જ પ્રોફેસર હોય?’
‘ના, રે.’ સમીર કૉલેજનું સ્ટ્રક્ચર સમજાવવા માંડ્યો, ‘દરેક યરના સબ્જેક્ટમાં મિનિમમ ત્રણ પ્રોફેસર હોય. હું ફાઇનલ યર જોઉં છું. અમારે ફિઝિક્સમાં ચાર પ્રોફેસર છે.’
વાત દરમ્યાન સોમચંદ એક રૂમ પાસે ઊભા રહ્યા એટલે સમીર પણ અટક્યો.
‘આ માનસીની 
રૂમ છે, પોલીસે સીલ કરી છે.’
‘અચ્છા.’ સોમચંદે મોબાઇલ કાઢીને એક નંબર ડાયલ કર્યો, ‘હરિ, મારે માનસીની રૂમ જોવી છે.’
સામેથી શું જવાબ આવ્યો એ તો સમીરને સમજાયું નહીં, પણ સોમચંદે હરિસિંહને કરેલા તું’કારાને કારણે તે એટલું સમજી ગયો કે જે માણસ છે એની વગ બહુ ઊંચી છે.
‘હંઅઅઅ... શું કહેતા હતા તમે?’

સોમચંદે ફોન કટ કરીને વાત કન્ટિન્યુ કરી.
‘અરે, ના કાંઈ નહીં.’
‘તમારા ફિઝિક્સના પ્રોફેસરની વાત ચાલતી હતી.’ 
સોમચંદે સમીરને યાદ કરાવ્યું એટલે સમીરે વાત કન્ટિન્યુ કરી.
‘હા, ચાર પ્રોફેસર છે.’ 
સમીરનું ધ્યાન હજીય માનસીની બંધ રૂમ પર હતું.
‘કોણ-કોણ છે એ ચારમાં?’ 
સોમચંદ સહેજ આગળ વધ્યા. માનસીની રૂમની બરાબર સામે બીજી રૂમ હતી. આ રૂમની બાજુમાં બાથરૂમ હતું. પહેલા માળે આવેલું જનરલ બાથરૂમ.
‘ચારમાંથી એક હું. પછી એક મિસિસ ગાયત્રી જોષી, સંગીતા પાડગાવકર અને સુજાતા પાટીલ.’
સોમચંદે બાથરૂમનો દરવાજો ખોલ્યો અને ટચલી આંગળી દેખાડીને બાથરૂમનું બારણું અંદરથી બંધ કર્યું.
સમીર સોમચંદને જોઈ રહ્યો. ક્યારેક એકદમ સ્માર્ટ લાગતો સોમચંદ ક્યારેક સાવ નાના બચ્ચા જેવો લાગતો હતો.
‘જરૂર પડશે તો એ લોકો સ્ટેટમેન્ટ આપશેને?’ 
એકાએક બાથરૂમનું બારણું ખૂલતાં સમીર હેબતાઈ ગયો. આટલી વારમાં આ માણસે સુસુ કરી લીધું. હજી તો માંડ પાંચેક સેકન્ડ થઈ.
‘અરે, બાથરૂમ જવાનું બાકી છે, પણ અંદર જઈને આ વિચાર આવ્યો એટલે પૂછવા બહાર આવ્યો.’ સોમચંદ જાણે સમીરના દિમાગમાં ચાલતી અવઢવ સમજી ગયા હતા, ‘તમે જવાબ વિચારી રાખો ત્યાં હું આવું છું.’
સોમચંદ ફરી બાથરૂમમાં ચાલ્યા ગયા. 
આ માણસ ખરો છે.
પ્રોફેસર સમીર ઉપાધ્યાયના ધબકારા વધી ગયા હતા.
પોલીસ તપાસ કરતી હતી ત્યારે તેની તપાસમાં તોછડાઈ હતી. વાતવાતમાં ગાળો બોલવી અને સામેના માણસના સ્ટાન્ડર્ડનું સહેજ પણ ધ્યાન ન રાખવું, પરંતુ પોલીસની તપાસમાં તોછડાઈ સિવાય કંઈ નહોતું. આ માણસ તોછડાઈ વાપર્યા વિના, માન જાળવતાં-જાળવતાં પણ કપડાં ઉતારી લે છે અને કપડાં ઉતારી લીધા પછી પૂછે પણ છે કે તમારી આ હાલત કોણે કરી.
‘આ તમારી રૂમ છે?’
‘મારી રૂમ એટલે એમ કે આ રૂમનો ઉપયોગ હું અંગત ઉપયોગ માટે કરતો હોઉં છું.’ સમીરના અવાજમાં અજાણતાં જ સખતાઈ આવી ગઈ. ‘જેમ સામેની રૂમ માનસીની છે એમ આ રૂમ મારી. માનસી પોતાની પર્સનલ ચીજવસ્તુ ત્યાં રાખે, હું મારા ફિઝિક્સના પ્રયોગ કે રિપોર્ટ આ રૂમમાં તૈયાર કરું.’
‘અચ્છા, એવું છે.’
સોમચંદની નજર રૂમમાં ફરતી હતી.
દસ બાય દસની રૂમ અસ્તવ્યસ્ત હતી. રૂમની વચ્ચે એક ટેબલ હતું. ટેબલ પર ભાતભાતનાં સાધનો પડ્યાં હતાં. એક મીણબત્તી હતી અને મીણબત્તીની બાજુમાં એક સ્ટૉપ વૉચ હતી. ટેબલ પાસે એક રિવૉલ્વિંગ ચૅર હતી, પણ ચૅર પર ઢગલાબંધ બુક્સ પડી હતી.
‘આ બધું તમે વાંચો?’ સોમચંદે તરત જ સવાલ બદલી નાખ્યો, ‘આઇ મીન ટુ સે, આ બધું તમારે હજીય વાંચવું પડે?’
‘હા, અપડેટ રહેવા માટે વાંચવું પડે.’
‘પ્રયોગ પણ ઘરમાં કરો?’
‘હા, જે સંશોધન ચાલતું હોય એના પ્રયોગ ઘરે કરવા પડે.’
‘છેલ્લે શું સંશોધન તમે કર્યું?’
‘ઇલેક્ટ્રિસિટીની દિશા બદલવી હોય તો શું કરવું જોઈએ?’
‘મને સવાલ કરો છો કે સંશોધનનો વિષય કહો છો?’ સોમચંદ સહેજ હસ્યા. ‘અચ્છા, સમીર મને સમજાવો કે...’
ટણાંગ... ટણાંગ...
ઘરની ડોરબેલ વાગી એટલે સોમચંદનો સવાલ અધૂરો રહી ગયો.
‘દરવાજો ખોલો, પોલીસ-સ્ટેશનથી જ કોઈક આવ્યું હશે.’
સોમચંદને પોતાની રૂમમાં મૂકીને સમીર નીચે ઊતર્યો.
lll
‘બોલ દોસ્ત...’
‘તું પછી પાછો આવ્યો નહીં.’ હરિસિંહની આસપાસથી બહુ અવાજ આવતો હતો. ‘કેમ, મેં ક્યારે તને કીધું હતું કે હું આવું છું?’
‘અરે એમ નહીં, પણ શું થયું એ તો જાણ કરવાની કે નહીં.’
‘હા, એ છે, પણ મારે મારું પૅકિંગ બાકી હતું.’
‘તારી ટિકિટ આવી ગઈ છે.’ હરિસિંહની દીકરીનો અવાજ પણ બાજુમાંથી આવતો હતો. ‘સવારે સાડાસાત વાગ્યાની ફ્લાઇટ છે. સાંજે ૮ વાગ્યે રાજકોટથી રિટર્ન ટિકિટ છે.’
‘આભાર, મારા ભાઈ.’ 
‘આભાર નહીં, જવાબ આપ, શું થયું.’
‘ના, થયું કંઈ નથી.’ સોમચંદની વાત ફોન પર ચાલતી હતી, પણ તેનું ધ્યાન પૅકિંગ પર હતું અને તેના હાથમાં નિકર હતી. આઠ કલાક માટે જતી વખતે નિકર લેવાની કોઈ જરૂર છે કે નહીં એ બાબતે તે અવઢવમાં હતા.
‘હું તને પૅકિંગ કરીને ફોન કરું તો?’
સોમચંદે ફોન મૂકી દીધો અને નિકર પણ. 
કદાચ જરૂર પડે તો.
lll
‘હા, હવે બોલ.’
રાતે પોણાઅગિયારે સોમચંદે ફોન કર્યો.
‘શું થયું?’
‘ના, કંઈ નહીં.’ સોમચંદે એક નાનકડું બગાસું ખાધું. ‘હરિ, તારી શંકા સાચી છે. માનસીએ સુસાઇડ નથી કર્યું, મર્ડર થયું છે તેનું...’
‘કોણે, સમીરે?’ 
હરિસિંહના અવાજમાં અધીરાઈ હતી.
‘હા, સમીરે.’ સોમચંદ મોબાઇલ સાથે પથારીમાં આડા પડ્યા. ‘તું એક કામ કર, સવારે સમીરની અરેસ્ટ કરી લે. આવીને બધી વાત કરીશું.’
‘પણ...’
‘બાય...’
વાત અધૂરી છોડી દેવાના સોમચંદના આ સ્વભાવ પર હરિસિંહને ગુસ્સો આવતો હતો, પણ સામા છેડે ખુશી હતી. 
કોવિડ શરૂ થયાના દોઢેક વર્ષ પછી ડિટેક્ટિવ સોમચંદ પોતાની બહેનને મળવાના હતા.

વધુ આવતી કાલે

columnists Rashmin Shah