અગ્નિદાહ (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૨)

15 June, 2021 09:41 AM IST  |  Mumbai | Rashmin Shah

‘ઐસા કહો કી આપકા સ્ટમક બન જાએગા જ્વાલામુખી... ઐસા લગેગા કિ આપકો અંદર સે કોઈ જલા રહા હૈ...’

અગ્નિદાહ

‘અભી હમારે સાથ મૌજૂદ હૈ, હમારે સંવાદદાતા રાજીવ પટેલ. રાજીવ...’

સોમચંદે ચૅનલ બદલી નાખી.

ચૅનલવાળા સાવ કામધંધા વિનાના છે. કંઈ મળતું નથી તો લોકો હવે કોવિડની ત્રીજી લહેર કેવી રીતે આવશે એની ચર્ચામાં લાગ્યા છે.

‘નયા સ્ટ્રેન કિસ તરહ સે કામ કરેગા.’

ડિટેક્ટિવ સોમચંદની ટીવી-સ્ક્રીન પર હવે એબીપી ન્યુઝ ચાલુ હતા.

એબીપી ન્યુઝ પર કોરોનાના ત્રીજા પ્રકારના આ વાઇરસ કેવી રીતે કામગીરી કરશે અને એ કેવી રીતે માણસનો જીવ લેશે એની વાતો ચાલતી હતી. કેટલાક સાયન્ટિસ્ટ બેઠા હતા, તો મેડિકલ ફીલ્ડના એક્સપર્ટ્સ પણ બેઠા હતા. બધાનો સંયુક્ત બફાટ એકધારો ચાલતો હતો. પહેલા સ્ટ્રેન કરતા બીજો સ્ટ્રેન ખતરનાક બન્યો અને બીજા કરતાં આ ત્રીજો સ્ટ્રેન વધારે ખરાબ રીતે વર્તશે. મેડિકલ-એક્સપર્ટ્સનું કહેવું હતું કે ત્રીજા સ્ટ્રેનનો અટૅક માણસના પાચનતંત્ર પર થશે. પેટમાં આગ લાગી હોય એવો અનુભવ આ સ્ટ્રેન કરાવશે.

‘ઐસા કહો કી આપકા સ્ટમક

બન જાએગા જ્વાલામુખી... ઐસા લગેગા કિ આપકો અંદર સે કોઈ જલા રહા હૈ...’

અંદરથી કોઈ સળગાવે છે. હા, એવું જ કર્યું માનસીએ. વિચારોની આગે પહેલાં તેનું મન અને પછી તેનું શરીર બન્ને બાળી નાખ્યાં. કોઈ કારણ વિના. શાંત અને સુખી મૅરેજ લાઇફ હોવા છતાં.

સોમચંદની આંખ સામે સમીર ઉપાધ્યાય ઊપસી ગયો.

પાંત્રીસેક વર્ષ હશે સમીરને. માનસી બત્રીસની હશે. બાળકો નહોતાં પણ માતૃત્વ અને પિતૃત્વની ગેરહાજરી વચ્ચે પણ બન્ને વચ્ચે ક્યારેય કોઈ ઝઘડો નહોતો થયો અને એમ છતાં માનસીએ પોતાના શરીરે આગ

લગાડી દીધી.

શું કામ? શું કામ?

શું કામ, માનસીએ આત્મહત્યા કરી?

કોઈ જવાબ નહોતો મળતો.

ન પોલીસને, ન સોમચંદને.

‘ચા કૅન્સલ કર. સમીર પાસે જવું છે આપણે...’

ગઈ કાલે એકાએક સોમચંદે ઊભા થઈને હરિસિંહને કહ્યું હતું. હરિસિંહને આ ઉતાવળ સમજાઈ નહોતી, પણ તેણે સોમચંદને કોઈ પૂછપરછ પણ નહોતી કરી અને બન્ને સમીરને મળવા માટે નીકળી ગયા હતા.

lll

‘સમીર આ છે મારા મિત્ર, સોમચંદ. સોમચંદ શાહ.’

હરિસિંહે ઓળખાણ કરાવી એટલે સોમચંદે સમીર સામે હાથ લંબાવ્યો અને સમીરે સોમચંદની હથેળીમાં પોતાની કોણી આપીને શેકહૅન્ડની ફૉર્માલિટી નિભાવી.

‘એ સમયે તમે ક્યાં હતા, સમીર?’

સમીરના બન્ને હાથના પંજા પર મોટો પાટો બાંધી દેવામાં આવ્યો હતો.

‘માનસી ઘરે આવી એટલે હું જસ્ટ ફ્રેશ થવા બહાર નીકળ્યો. રસોઈ તો બનાવવાની નહોતી એટલે માનસીએ જ મને ભાજીપાંઉ લાવવાનું કહ્યું હતું. બહાર નીકળીને થોડી વાર હું અહીં જ, આસપાસમાં હતો અને પછી સ્ટેશન પાસે મારા ટેલરને ત્યાં ગયો. માનસીએ મારે માટે જીન્સ ઑનલાઇન ઑર્ડર કર્યા હતા એનું ફિટિંગ કરાવવાનું હતું. લૉકડાઉન હજી હમણાં જ ખૂલ્યું એટલે ટેલરને ત્યાં બીજા પણ લોકો હતા. વીસેક મિનિટ હું ત્યાં ઊભો રહ્યો. એ વખતે મારો એક સ્ટુડન્ટ ત્યાંથી નીકળ્યો એટલે હું તેની સાથે કૉફી પીવા.’

‘શું નામ એ સ્ટુડન્ટનું?’

‘સૂરજ, સૂરજ સંપટ.’

‘હંઅઅઅ...’ સોમચંદની નજર હજી પણ સમીરના હાથના પાટા પર હતી, ‘પછી?’

‘અડધા કલાક જેવું અમે સાથે હતા. પછી એ જ મને ટેલરને ત્યાં મૂકી ગયો. ટેલરે મારા જીન્સનું ફિટિંગ કર્યું નહોતું એટલે તેની સાથે લપ પણ થઈ અને પછી તેણે કામ ચાલુ કર્યું. ફિટિંગનું પતી ગયું એટલે હું જીન્સ લઈને ઘર તરફ આવ્યો. મનમાં એમ કે

જીન્સ મૂકી દઉં અને માનસીને મન હોય તો તેને સાથે લઈને બહાર

જાઉં, પણ જઈને જીન્સ મૂકી દઉં. માનસીને પૂછી પણ લઉં કે ઘરે

પાર્સલ લાવવું ન હોય તો ચાલ સાથે જ બહાર જઈએ, પણ પછી મને

જરા કંટાળો આવ્યો.’ સમીરના અવાજમાં ભીનાશ ભળી, ‘જો મને કંટાળો ન આવ્યો હોત તો સાહેબ, માનસી આજે, અત્યારે‍, આવું કંઈ થયું ન હોત.’

‘વી અન્ડરસ્ટૅન્ડ...’

સોમચંદે ઊભા થઈને ફ્રિજમાંથી પાણીની બૉટલ કાઢી.

‘સમીર, કુદરત સામે આપણે લાચાર છીએ.’

 સોમચંદે પાણીનો ગ્લાસ સમીર સામે ધર્યો, પણ પછી તરત જ સમીરના હાથ સામે ધ્યાન ગયું.

‘ઓહ, સૉરી. તમને

તકલીફ પડશે.’

‘ના ના, સાહેબ. આવી ગયેલી આ તકલીફ કરતાં બીજી કોઈ તકલીફ મોટી નથી.’ સમીરની નજર પોતાના જ બન્ને હાથ પર હતી. ‘આ પીડા તો રુઝાઈ જશે, પણ માનસીની...’

સોમચંદે હોઠ પાસે ધરેલા ગ્લાસના જોઈને સમીરને સોમચંદ માટે અહોભાવ જાગ્યો.  તેણે મોઢું આગળ લાવીને ગ્લાસ

મોઢે માંડ્યો.

‘ઘરમાં સ્ટ્રૉ રાખજો, ઓછી તકલીફ પડશે.’

સોમચંદ ફરી સોફા પર ગોઠવાયા.

‘હા, સાચી વાત.’ સોમચંદની કોઠાસૂઝ માટે સમીરને માન થયું, ‘આમ તો જો ઇન્સ્પેક્ટરસાહેબ પરમિશન આપશે તો હું થોડો સમય જામનગર જવાનો છું.’

‘ત્યાં કોણ છે તમારું?’

‘મારાં બહેન-બનેવી.’

‘હંઅઅઅ...’ સોમચંદે ડ્રૉઇંગરૂમમાં નજર ફેરવી, ‘અરે, હા, પૂછતાં જ ભૂલી ગયો કે તમે કેવી રીતે દાઝ્‍યા...’

‘ઘર પાછો આવ્યો ત્યારે ઘર અંદરથી બંધ હતું. મેં બહુ ખખડાવ્યું પણ અંદરથી કોઈ જવાબ આવ્યો નહીં એટલે મેં બારીમાંથી જોયું તો મને આગની ફ્લૅમ દેખાઈ. હું ગભરાયો. હાથ મારીને મેં બારીનો કાચ તોડી નાખ્યો. અમારા હૉલની બારીમાંથી હાથ નાખીને બારણું ખોલી શકાય છે. મેં બારણું ખોલ્યું તો માનસીના આખા શરીરે આગ હતી. મેં તરત બૂમો પાડી અને આગ ઠારવાની કોશિશ કરી. આજુબાજુના લોકો આવી ગયા. અમે માનસીને હૉસ્પિટલ પહોંચાડી પણ રસ્તામાં જ...’

‘હા, પણ સમીર, દાઝ્‍ યા કેવી રીતે?’

સોમચંદે પોતાનો જ સવાલ ફરી દોહરાવ્યો.

‘કહ્યુંને, માનસીના શરીરે લાગેલી આગને ઠારવા જતાં.’

‘ઓહ, સૉરી. એ વાત પર મારું ધ્યાન નહોતું.’ ટોપિક ચેન્જ કરતાં સોમચંદે પૂછ્યું, ‘તમે અને માનસી એક જ કૉલેજમાં...’

‘ના, એ એચ. બી. પટવર્ધન કૉમર્સ ઍન્ડ આર્ટ્સમાં હતી.’

‘અને તમે?’

‘નાયર સાયન્સ કૉલેજમાં...’

‘થૅન્ક યુ, સમીર...’

ડિટેક્ટિવ સોમચંદ ઊભા થયા એટલે હરિસિંહ પણ ઊભા થયા.

‘જરૂર પડશે તો સાહેબ સાથે

ફરી આવીશ.’

lll

‘કંઈક તો બોલ, યાર.’

હરિસિંહે સાતમી વખત સોમચંદને આ સવાલ પૂછ્યો હતો, પણ સોમચંદ દરેક વખતે કંઈ નહીં કહીને ચૂપ થઈ જતો હતો.

‘તારી શંકા સાથે સહમત થવું પડે એવું કંઈ હજી સુધી મને દેખાતું નથી.’

‘હા, તો એમ કહેને...’

‘...પણ આ ઉપાધ્યાય અટકવાળો સમીર સાવ નિર્દોષ હોય એવું અત્યારથી માનવું પણ મૂર્ખામી છે.’

સોમચંદે એક કલાકમાં કેટલાંય કોરાં કાગળ ચિતરામણ કરીને બગાડી નાખ્યાં હતા. ‘જો હરિ, બધા પુરાવા સમીરની તરફેણમાં છે. રવિવારની સાંજે તે જેકોઈને મળ્યો હશે એ બધા તેની તરફદારીમાં જુબાની આપશે. હવે જોવાનું એ છે કે સમીરે આ બધા પુરાવા જાતે ઊભા કર્યા છે, આપમેળે ઊભા થઈ ગયા છે કે પછી ખરેખર તે બહાર ગયો હતો અને આ બધા તેને મળ્યા છે.’

‘તને શું લાગે છે, સમીર પર નજર

રાખવી જોઈએ?’

‘નજર રાખવાનો કોઈ અર્થ નથી.’

સોમચંદની આંખ સામે આ આખી ઘટના બે દૃષ્ટિકોણથી ગોઠવાઈ હતી. એક, જેમાં સમીરે માનસીની હત્યા કરી હોય અને બીજી જેમાં સમીર સંપૂર્ણ નિર્દોષ હોય. સોમચંદે હરિસિંહ સામે જોયું.

‘સમીરે મર્ડર કર્યું હોય તો પણ કોઈને સુપારી તો આપી નથી અને સુપારી આપી નથી એટલે સ્વાભાવિક છે કે તેણે કોઈને મળવા જવાનું કે

કોઈની સાથે સંપર્ક બનાવી રાખવાની જરૂર નથી.’

‘તો, શું કરવું છે?’

‘કંઈ નહીં. જેમ ચાલે છે એમ ચાલવા દે.’

જવાની તૈયારી કરતા હોય એમ સોમચંદ ઊભા થયા. તેમના હાથમાં પેલા ચિતરામણ કરેલાં કાગળ હતાં.

‘તું મને પ્લેનની ટિકિટ આપવાનો હતો એનું શું થયું?’

‘કરી નાખું ઑનલાઇન બુક?’

‘ના. અત્યારે નહીં, પણ કહું એટલે કરી નાખજે.’

સોમચંદે ચેમ્બરમાંથી એક્ઝિટ લીધી.

lll

સમીરના હાથ દાઝ્‍યા કઈ રીતે?

સોમચંદને આ પ્રશ્નનો જવાબ હજી ગળે ઊતરતો નહોતો.

એક ભણેલોગણેલો માણસ આગ કઈ રીતે ઓલવે?

અંધેરી પોલીસ-સ્ટેશનમાંથી સાથે લીધેલાં કાગળ સોમચંદે હાથમાં લીધાં. કાગળ પર તેના જ અક્ષર હતા. કાગળ પર મોટા અક્ષરે તેણે લખ્યું હતુંઃ સમીરના હાથ દાઝ્‍યા કઈ રીતે?

આ એક સવાલની ત્રણ ધારણા હતી; એક, સામાન્ય બુદ્ધિ ધરાવતો માણસ બળતી વ્યક્તિ પર પાણી નાખે અને તેની આગ ઠારે. ધારણા બીજી, જો માણસ ગમાર કે અક્કલમઠો હોય તો તે હાથથી આગ ઓલવવા મથે. સંભાવના ત્રીજી અને છેલ્લી, જો માણસ વિજ્ઞાન ભણેલી હોય તો બળતી વ્યક્તિના શરીર પર એવું કોઈ કપડું નાખે જેનાથી આગ વધુ પ્રજ્જ્વળે નહીં અને ઓલવાઈ જાય.

સમીર પ્રોફેસર હતો અને છતાં તેણે આગ પોતાના હાથથી ઓલવવાની કોશિશ કરી હતી. આગ હાથના પંજાની હવાથી ત્યારે જ બુઝાવવાની હોય જ્યારે આગનું સ્વરૂપ હાથના પંજાની હવા કરતાં નાનું હોય એટલે કે માચીસની કાંડી ઓલવવી હોય તો હાથથી ઓલવી શકાય. માણસના શરીરે લાગેલી આગ હાથે બુઝાવવાનો પ્રયાસ કરીને સમીર પોલીસને અવળા માર્ગે દોરવવા મથતો હોય એવું બની શકે ખરું.

સોમચંદને હરિસિંહની શંકામાં વજૂદ દેખાયું.

અલબત્ત, આ એક શંકા માત્ર હતી. બની શકે કે તેમની આ શંકાને કોઈ પુરાવો ન પણ મળે અને વધુ પડતા ભાવાવેશમાં સમીરે હાથથી આગ ઓલવવાની કોશિશ કરી હોય.

સોમચંદ ગૅલરીમાંથી ફરી રૂમમાં આવ્યા. તેના દિમાગમાં સમીર અને માનસી જ ઘૂમરાતાં હતાં.

કૉલેજ કી લૅબોરેટરી મેં કૈસે

લગી આગ?

રૂમમાં ટીવી ચાલુ હતું અને એબીપી ન્યુઝની ઍન્કર ન્યુઝ

વાંચતી હતી.

લૉકડાઉનમાં કૉલેજો શરૂ જ નથી થઈ, તો બંધ કૉલેજમાં આગ લાગે કેવી રીતે?

સોમચંદને ન્યુઝમાં રસ પડ્યો. તેણે વૉલ્યુમ વધાર્યું.

‘કૉલેજ કી લૅબોરેટરી મેં રહે

કુછ કેમિકલ મેં અપનેઆપ પ્રક્રિયા

શુરૂ હો જાને કે કારણ કુછ ઐસે ગૅસ પૈદા હુએ...’

સમીર પણ પ્રોફેસર જ છે.

સોમચંદના દિમાગમાંથી સમીર હટતો નહોતો. સમીરની હાથથી આગ ઠારવાની મૂર્ખતાએ સોમચંદને જબરદસ્ત આશ્ચર્ય આપ્યું હતું.

પ્રોફેસર દરજ્જાનો માણસ શું લાગણીશીલ બનીને પણ આવી ભૂલ કરે ખરો? પ્રોફેસર પણ આર્ટ્સ કે કૉમર્સ સબ્જેક્ટનો નહીં, સાયન્સ કૉલેજમાં ભણાવતો અને...

સોમચંદની આંખો મોટી થઈ ગઈ.

યસ...

ટીવીના વૉલ્યુમથી પણ વધુ

મોટો અવાજ સોમચંદના મોઢામાંથી નીકળી ગયો.

સમીર ઉપાધ્યાય સાયન્સ કૉલેજમાં પ્રોફેસર છે. સાયન્સ કૉલેજના પ્રોફેસરને ખબર હોય જ કે કોઈના શરીરે લાગેલી આગ કઈ રીતે ઠારવી. તે આ રીતે ગાંડપણ તો ન જ કરે. આવા ગાંડપણનો કોઈ અર્થ નથી. મરનારો બચવાનો નથી અને બચાવનારો પણ જોખમમાં મુકાવાનો છે.

યસ...

લૉકડાઉન ખૂલ્યા પછી પણ મુંબઈમાં નાઇટ-કરફ્યુ ચાલુ હતો

અને મુંબઈના રસ્તા નાઇટ-કરફ્યુને કારણે શાંત થવા માંડ્યા હતા. જોકે એ શાંતિ વચ્ચે પણ સોમચંદના મનમાં સત્યએ ઘુઘવાટા મારવાનું શરૂ કરી દીધું હતું.

 

વધુ આવતી કાલે

columnists Rashmin Shah