કથા સપ્તાહ : આંસુની આરપાર (4)

23 May, 2019 08:05 PM IST  |  | વર્ષા અડાલજા - કથા સપ્તાહ

કથા સપ્તાહ : આંસુની આરપાર (4)

આંસુની આરપાર

કથા સપ્તાહ

અરુંધતી સ્વસ્થતાથી બન્ને પુત્રીઓ સામે જોઈ રહી. ખુલ્લી તલવારની જેમ એકમેકની સામે ઊભી રહેલી દીકરીઓ આ અણધારી વાતથી ચમકી ગઈ હતી એ સ્પષ્ટ હતું. એ બેની વચ્ચેથી ખસી ગઈ અને સોફામાં બેસી પડી. જાણે છાતીને ભીંસતો ઓથાર અચાનક ઊંચકાઈ ગયો હોય એમ તેણે હળવાશ અનુભવી. એણે ધારી એટલી આ ક્ષણ મૂંઝવે એવી નહોતી. વર્ષો પહેલાં કહી દેવું જોઈતું હતું, પણ એક મા તરીકે જે થાય તે કરી છૂટવા માગતી હતી. ખેર. એ શક્ય ન બન્યું.

પતિ પત્ની અને બે પુત્રીઓ.

એ ચતુષ્કોણના છેડાનાં બિંદુઓ તો ભાગ્યવશ મળ્યાં, પણ વચ્ચેનો ખાલીપો કદી ન ભરી શકાયો.

જેસિકા હજી સ્તબ્ધ હતી. વૉટ! તે એટલું જ બોલી શકી. ગીની હજી માની શકતી ન હોય એમ વિસ્ફા‌રિત આંખે માને જોઈ રહી. આ એ જ મા હતી જે જેસિકાને હજી સુધી અછો વાનાં કરતી હતી!

‘હા જેસિકા, મને ઘણા સમયથી થતું હતું કે મારી સાથેના સંબંધથી મારી દીકરીને આટલું દુખ, આટલો ગુસ્સો આવતો હોય તો મારે શા માટે એ જીર્ણશીર્ણ સંબંધને વળગી રહેવું જોઈએ? એટલે આજથી, આ ક્ષણથી આપણા સંબંધમાંથી તું મુક્ત છે અને હું પણ.’

બન્ને દીકરીઓ હજી સ્તબ્ધ હતી એ અરુંધતીએ જોયું,

‘અને પ્લીઝ, મારી છેલ્લી વિનંતી. આને મારું નાટક ન સમજતી. હું ખરા હૃદયથી ઇચ્છતી હતી કે આપણે છટ્ટા પડીએ ત્યારે કોઈ કડવાશનું ટીપું પણ ન રહે, જે આપણી ‌જિંદગીને બેસ્વાદ બનાવી મૂકે એટલે મેં સરસ પ્રોગ્રામ બનાવ્યા હતા, જેથી આપણે નિખાલસતાથી આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી શકીએ, પણ વાત અચાનક એવા વળાંકે આવીને ઊભી રહી કે...’

અરુંધતીનો શ્વાસ ભરાઈ આવ્યો. અટકી. ક્યાંથી આખી વાતની શરૂઆત થઈ હતી! કઈ એ કમભાગી ક્ષણ હતી જ્યારે એ પહેલી વાર રજતને મળી હતી અને તેની યુવાનીની, તેના જાતીય આવેગની ગંધથી તે બેચેન બની ગઈ હતી! અરુંધતી જાણે ઘણે સમયે પોતાની અંદર પાછી ફરી હોય એમ ભૂતકાળને ફંફોસી રહી હતી,

‘કૉલેજકાળમાં જ રજતને મળેલી હું અને થોડા સમયમાં તો તેના પ્રેમમાં ગળાડૂબ હતી. ૨૦ વર્ષની ઉંમરે આકર્ષે તે બધું જ તેનામાં હતું. તે સીએ થતાં મારાં માતા-પિતાની મરજી વિરુદ્ધ અમે પરણી ગયા. કેફ ઊતર્યો ત્યારે મને ભાન આવ્યું કે એ સાવ સાધારણ કુટુંબમાંથી આવતો હતો. તેને કોઈ ‌રિસોર્સ વગર ફાઇનૅન્સ વર્લ્ડમાં નામ કરવું હતું. તેનો સ્વાભાવ ચી‌ડિયો થઈ ગયો હતો. મેં તેનું સપનું સાકાર કરવા નાની-મોટી નોકરીઓ... વેલ, ૭-૮ વર્ષ રીતસર ગધ્ધામજૂરી કરી. ત્યાં તારો જન્મ થયો... એક વખત એવો હતો કે તારા માટે દૂધનાં ફાંફાં... ‘

અરુંધતીનો અવાજ તૂટ્યો. વીખરાયો. તેની નજર સામે એ દૃશ્ય ઊભરી આવ્યું,

‘એ રાત્રે તે દારૂ પીને આવેલો. હું તને લઈ બેડરૂમ માંથી બહાર નીકળી ગઈ. તેણે જંગલી જાનવરની જેમ તને ઝૂંટવી તને પથારીમાં ફેંકી તે મારી પર તૂટી પડ્યો. એક બાજુ તારું રુદન અને તે મારા શરીરને...’

અરુંધતીએ બંને હાથમાં મોં છુંપાવી દીધું. ના, આજે નરમ થયે નહીં ચાલે,

‘તમે પણ સ્ત્રી છો, મારી વાત સમજી શકશો. મારી મહેનત અને પૈસાથી તેની કરીઅરનો ગ્રાફ ઉપર જતો હતો, પણ અમારા અંગત સંબંધની ખાઈ કદી પુરાઈ નહીં. તને ક્યાંથી યાદ હોય જેસિકા! પણ તું ત્યારે માંડ છએક વર્ષની હશે ત્યારે તેં મને પ્રશ્ન પૂછ્યો હતો!’

જેસિકાની સામે એક ધૂંધળું દૃશ્ય ઊપસવા લાગ્યું, હા, તેણે પૂછ્યું હતું, મા, તું પપ્પાને પ્રેમ કેમ નથી કરતી?

‘અને ત્યારે તારી પાછળ લુચ્ચું હસતો રજત ઊભો હતો. રજત આવું બધું શીખવાડતો. તું ‌રિસાઈ હતી... ’

‘અને મેં ટીવીનું ‌‌‌રિમોટ ફેંક્યું હતું.’

‘પણ પછી શું થયું તેની તને ક્યાંથી ખબર હોય? મેં તેને કહ્યું, તેં આ શું માંડ્યું છે રજત? અને તેનો બેશરમ જવાબ, તું બેડરૂમમાં આવે તો કંઈ માંડુંને!’

‘ શટ અપ. તું પિતા થઈ આપણા સંબંધમાં દીકરીને પ્યાદું બનાવે છે? યુ આર યુ‌ઝિંગ યૉર ડૉટર?’

જેસિકા જમીનસરસી નજર રાખી બોલી,

‘અને તેનો જવાબ?’

‘હું માત્ર મારા માટે જીવવા માગું છું. યસ, આઇ ‌વિલ યુઝ એવરી વન સમજી? મેં વળતો ઘા કર્યો, અને નીલોફર? તેનું શું?’

‘નીલોફર?’ ગીનીએ નવાઈથી પૂછ્યું.

‘તેની લેટેસ્ટ ગર્લફ્રેન્ડ. લફરું. અફેર. તેની સાથેના ગંદા ફોટા તે મને ફૉર્વર્ડ કરતો. તે મેસેજીસમાં કદીક તારું નામ પણ લખતો. એ જાણતો કે હું પોલીસ પાસે જવાની નથી...’

‘વાય મમ્મી? શા માટે તેં આ બધું સહન કર્યું?’

‘જેસિકા પર કેવી અસર પડશે એ વિચારથી હું ઢીલી પડી જતી. તે મારા પર બદલો લેવા જેસિકાના મનમાં ઝેર ભરતો ગયો. મેં વિરોધ કર્યો તો...’

અરુંધતીનું ગળુ રૂંધાયું. ઓહ ગૉડ! હજી પણ એ વાત કેટલી પીડાદાયક છે!

‘તો?’

‘તે મારી પર ધસી આવ્યો, હું જેસિકાને બચાવવા ગઈ. તેણે મને એટલા જોરથી થપ્પડ મારી કે મને તમ્મર આવી ગયાં, બુટ્ટી ખેંચાઈ ગઈ અને લોહીની ધાર... પછી સિંહ મારણને ખેંચી જાય એમ મને ઢસડી ગયો, મારાં કપડાં ખેંચી કાઢ્યાં... એ દિવસે મારાં વસ્ત્રો સાથે મારા આત્મસન્માનનાં પણ ચીંથરાં ઊડી ગયાં.’

મન મક્કમ કર્યું હતું છતાં તેની આંખો છલકાઈ ગઈ. ત્યારે ક્યાં ખબર હતી કે વર્ષો પછી યુવાન સંતાનોની સામે ઊભાં રહી એક ગુનેગારની જેમ એના જીવનની એક એક ક્ષણનો હિસાબ આપવો પડશે? શું ભૂતકાળના પિંજરમાંથી ક્યારેય મુક્ત થવું શક્ય નથી!

ગીનીનો સ્વર ભીનો હતો,

‘અને મારો જન્મ?’

‘ એક વખત પંખી માળામાં જરૂર પાછું ફરશે એવી ઠગારી આશાની કહેવતો જીવનમાં ઘણી વખત ઊંધે રસ્તે દોરી જતી હોય છે, ગીનીબેટા.’

‘મતલબ?’

‘રજત ક્યારેક સુધરશે, જેસિકાને તેના પંજામાંથી છોડાવીશ... તને વહાલ કરશે... એવી જૂઠી આશામાંથી તારો જન્મ.

‘મા!’

‘હા, પણ જ્યારે તેણે મને હેરાન કરવા તમને બંને એકમેકની સામે રમાડવાનો ખતરનાક ખેલ શરૂ કર્યો ત્યારે મને થયું બસ. મારાં સંતાનો સાથેની આ ડૅન્જરસ ગેમ મારે જ ખતમ કરવી પડશે. મેં ‌ડિવૉર્સ માગ્યા, એલીમની અને તમારા બન્નેનો કબજો... રજત કોર્ટમાં ગયો, જેસિકાને પોતાની સાથે રાખવા તેણે અપીલ કરી. જેસિકા, હું તારા માટે ચાર વર્ષ લડી છું, આખરે તે મારી નજર સામે તને લઈ ગયો,મ ને અંગૂઠો બતાવીને. એ રાત મારા જીવનની સૌથી ભયંકર રાત હતી.

જીવનની જે અંધારી ગલીઓ પાછળ છોડી આવી હતી ત્યાં ફરી પગ મૂકતાં અરુંધતી ભય પામી હોય એમ કંપી ઊઠી ,

‘એક અઠવા‌ડિયું જાણે એક ભવ. તેણે મને ફોન કરીને શું કહ્યું હશે એની તું કદી કલ્પના પણ નહીં કરી શકે.’

ચૂપચાપ બેસી રહેલી જેસિકા ધીમેથી બોલી,

‘અને શું કહ્યું તેમણે?’

‘તને કેવી હરાવી! જેસિકાને ઘરે તો લઈ આવ્યો, પણ એ તો લાયા‌બિ‌લિટી છે, મારી રંગીન રાતોની પાર્ટીમાં આડી આવે છે, હું તો બોર્ડિંગમાં મૂકી આવીશ. ભણવું હોય એટલું ભણે, આઇ ડોન્ટ કૅર.

‘ઓ નો!’

‘ ના. આજે હું સાચાખોટાની કોઈ સફાઈ નહીં આપું. હવે શો ફેર પડે છે? ઘણી વાર તારી ફીઝ ભરવાની પણ ભૂલી જતો, સુપ‌રિન્ટેન્ડેન્ટ મને ફોન કરતા.... અને તારા માટે મેં જીવનમાં પહેલી વાર નોકરી લીધી, પણ મારી ખાસ સૂચના તને ખબર ન પડવી જોઈએ. તારા બર્થડે પર તને ભાવતી કેક...’

‘તું મોકલતી?’

‘રજત વૉઝ ‌બિગ શૉટ. ધરખમ પ્રૅ‌ક્ટિસ, કૉર્પોરેટ પાર્ટીઝ, ટ્રાવેલિંગ, કૉન્ફરન્સ... એક વખત તમારી ‌ટ્રિપ જવાની હતી થાઇલૅન્ડ. ૫૦ હજાર ભરવાના હતા. તે યુરોપ ગયો હતો.’

‘તો શું તેં...?’

‘મારાં સોનાનાં કડાં વેચ્યાં હતાં, નહીં તો મને ક્યાંથી ખબર કે તારી ‌ટ્રિપ જવાની છે?’

‘ મમ્મી તેં મને કહ્યું હતું કે નોકર ચોરી ગયો છે. તું જાણતી હતી કે એ મને કેટલાં ગમતાં હતાં! નાનીની યાદગીરી હતી.’

ગીનીના સ્વરમાં ભારોભાર પીડા હતી,

‘તું જુઠ્ઠું બોલી!’

‘હા બેટા! પણ એ મારી લાચારી હતી. ‌ડિવૉર્સ પછી પણ... જવા દે એ બધાં ચૂંથણાં ચૂંથવાનો હવે શો અર્થ છે?’

દૂરથી ચાલીને આવી હોય એમ જેસિકાનો સ્વર હાંફતો, ખોડંગાતો હતો,

એટલે પપ્પાને મન હું એક પ્યાદું માત્ર હતી? એક મહોરું? આઇ કાન્ટ ‌બિલીવ ધીસ.’

ત્યાં આંખો ચોળતો અમાન આવીને જેસિકાને વળગી પડ્યો. અરુંધતી એ દૃશ્યને નજરમાં ભરતાં બોલી,

‘હવે તારા હૈયે હાથ મૂકીને મને કહે, તારું સંતાન તારા ખોળામાં છે. તું તેના માટે શું શું ન કરે?’

અમાનને બાથમાં લેતાં જેસિકાની આંખો ભીની થઈ ગઈ.’

‘ બધું જ. યસ. એવરી‌થિંગ. ’

આ પણ વાંચો : કથા સપ્તાહ : આંસુની આરપાર (3)

ઓ હલ્લો, મારી વાત તો કોઈ સાંભળો. અને તારે લીધે મેં મારું શૈશવ ખોયું, મમ્મી તારો પ્રેમ પણ અને બીજું ઘણું. એ બધું મને કોણ ભરપાઈ કરી આપશે?’

અરુંધતી સ્વરમાં થાકનો ભાર હતો,

‘સૉરી ગીની, મારી પાસે કોઈ પ્રશ્નના જવાબ નથી. એ સમયે સાચું-ખોટું જે સૂઝ્યુ તે કર્યું. એ મારો અપરાધ હોય તો બે હાથ જોડી માફી માગવા તમને મેં બોલાવ્યાં હતાં. હવે તારે જવું હોય જેસિકા, તું ખુશીથી જઈ શકે છે. હું નહી રોકું, નહીં ફોન કરું.’

અરુંધતીએ આંસુ લૂછ્યાં. હવે તે મુક્ત હતી, જેની તેને વર્ષોથી ઝંખના હતી.

columnists