A-103 યહાં રહના મના હૈ (પ્રકરણ-૨)

06 May, 2025 03:52 PM IST  |  Mumbai | Rashmin Shah

હું ના નથી પાડતી પલક પણ, જસ્ટ વિચાર તો ખરી, શું કામ આ અંકલ આવી રીતે આપણને પ્રૉપર્ટી આપી દે?

ઇલસ્ટ્રેશન

‘તારે દલીલ કરવાની જરૂર નથી. મને બધી ખબર પડે છે.’ મમ્મીએ અકળામણ સાથે કહ્યું, ‘જો એવું હોતને તો પલક ત્યાં આવી જ ન હોત.’

‘એક્સક્યુઝ મી મમ્મી, મુંબઈ મારું નથી કે હું તેને આવતાં રોકી શકું અને સેકન્ડ્લી...’ કથાએ અકળામણ સાથે કહ્યું, ‘આ સિટીમાં મને કોઈ ઓળખીતું મળી જાય તો એમાં ખોટું પણ શું છે? તને છેને પલક માટે મનમાં ગ્રંથિ બંધાઈ ગઈ છે.’

‘હા, બંધાઈ છે ને એ પણ સાચી છે.’ મમ્મીએ ફરમાન સાથે કહ્યું, ‘સો વાતની એક વાત, તારે તેની સાથે નથી રહેવાનું બસ.’

‘એ પૉસિબલ નથી. મેં તેને કહી દીધું છે કે આપણે સાથે રહીશું ને તેણે એક ફ્લૅટ ઑલમોસ્ટ ફાઇનલ પણ કરી લીધો છે.’

‘કથા તું...’ મમ્મીને ગુસ્સો આવવા માંડ્યો હતો, ‘તું જો મારી વાત માનવાની ન હો તો મારે તને કંઈ કહેવું નથી.’

‘નહીં કહે, મને વાંધો નથી. મારે તને કહેવું જોઈએ એટલે મેં તને સામેથી કહી દીધું કે પલક પણ મુંબઈ શિફ્ટ થઈ ગઈ છે. ન કહ્યું હોત તો તને કદાચ ખબર પણ ન પડી હોત. પણ મારે તને અંધારામાં નહોતી રાખવી.’ 

‘આ છેને રાંડ્યા પછીનું ડહાપણ છે. હું તને તેની સાથે બોલવાની ક્યાં ના પાડું છું. બસ, તેની સાથે રહેવાની ને તેની સાથે હળવામળવાની ના પાડું છું.’

મમ્મી આવી પાબંદીઓ શું કામ લગાડતી હતી એ કારણ કથાને ખબર હતું. અગાઉ સુરતમાં પણ મમ્મી આવી જ પાબંદી લગાડતી. એક મા થઈને તે કથાને છોકરાઓ સાથે ફરવાની, તેની સાથે બહાર જવાની પરમિશન તરત આપી દેતી પણ પલક સાથે બહાર જવાની વાત નીકળે કે તરત મમ્મીની કમાન છટકી જતી.

‘મમ્મી, અમારા વચ્ચે એવું કંઈ નથી.’

અત્યારે પણ કથાએ એ જ જવાબ આપ્યો હતો જે જવાબ તે અગાઉ અનેક વાર આપી ચૂકી હતી અને એ પછી પણ મમ્મી એ જવાબ માનવા રાજી નહોતી. માને પણ ક્યાંથી, ટીનેજમાં તેણે જ કથા અને પલકને એવી અવસ્થામાં પકડ્યાં હતાં જે અવસ્થામાં પોતાની દીકરીને કોઈ પણ મા જોઈ ન શકે. અફકોર્સ એ ટીનેજ હતી, અનેક સવાલો, કુતૂહલ અને જિજ્ઞાસા કથા અને પલકના મનમાં ખદબદતી હતી.

‘એક વાર એવું કર્યું એનો અર્થ એવો નથી કે અમે બન્ને લેસ્બિયન...’

ખટ...

સામેથી ઘરના પંખાનો આવતો કર્કશ અવાજ બંધ થઈ ગયો એટલે કથાએ મોબાઇલની સ્ક્રીન પર જોયું. મમ્મીએ ફોન કટ કરી નાખ્યો હતો.

હવે મમ્મી ત્યારે જ માનશે જ્યારે તેની સાથે રૂબરૂ વાત થશે.

કથાએ ફોન સાઇડ પર મૂકીને કામમાં ધ્યાન આપવાનું નક્કી કર્યું અને એ જ સમયે વૉટ્સઍપ મેસેન્જરનું નોટિફિકેશન આવ્યું. કથાએ ફરી ફોન હાથમાં લીધો. મેસેજ પલકનો હતો. પલકે લોકેશન મોકલ્યું હતું અને મેસેજમાં લખ્યું હતું, સાંજે પાંચ વાગ્યે ફ્લૅટ જોવા જવાનું છે.

lll

‘ફ્લૅટ જોવામાં મને વાંધો નથી પણ ટૂ-BHK ફ્લૅટ આટલા સસ્તા રેન્ટ પર મળે છે એ મને નવીન લાગે છે. તેં બધી તપાસ કરી લીધીને?’

ઑફિસથી નીકળતી વખતે કથાએ પલકને ફોન કર્યો હતો. પલક પણ રસ્તામાં જ હતી. પલકે તરત જવાબ આપ્યોઃ ‘કોઈ પારસી અંકલ છે, તેની આ પ્રૉપર્ટી છે. કામ હજી બાકી છે. બિલ્ડર સાથે ઇશ્યુ થયા એટલે પ્રોજેક્ટ અટકી ગયો... પણ કથા, મસ્ત ફ્લૅટ છે. કહે છે કે ફુલી-ફર્નિશ્ડ ફ્લૅટ છે. તમારે ફક્ત કપડાં લઈને જવાનું.’

‘હંમ...’ કથાએ પૂછી લીધું, ‘ફ્લોર પર બીજા કોણ-કોણ રહે છે?’

‘કોઈ નહીં. કહ્યુંને, હજી સુધી સોસાયટીમાં કોઈ આવ્યું જ નથી.’ પલકનો ઉત્સાહ હજી પણ અકબંધ હતો, ‘આખી સોસાયટીનું કામ લાસ્ટ મોમેન્ટે અટકી ગયું. આ એક ફ્લૅટ સૅમ્પલ ફ્લૅટ હતો એટલે એ તૈયાર હતો. જે મેઇન પાર્ટનર છે એ પાર્ટનર પાસે અત્યારે એનું પઝેશન છે ને તે જ આ ફ્લૅટ રેન્ટ પર આપવાનો છે.’

‘તને કેવી રીતે આ ફ્લૅટની ખબર પડી?’

‘સોશ્યલ મીડિયા ઝિન્દાબાદ...’ મનોમન ખુશ થતાં પલકે કહ્યું, ‘મેં પોસ્ટ મૂકી, જેના જવાબમાં પહેલાં બ્રોકરે કૉન્ટૅક્ટ કર્યો અને પછી પારસી ઓનર સાથે વાત થઈ. મેં ક્લિયર કર્યું છે કે અમે બે છોકરીઓ જ અહીં રહેવાની છીએ. અંકલને વાંધો નથી.’

‘અંકલ?’

‘રુસ્તમ અંકલ... ફ્લૅટના ઓનર.’ પલકને અચાનક યાદ આવ્યું, ‘એ સાંભળ, તને કહેતાં ભૂલી ગઈ. મેં કહ્યું છે કે આપણે બન્ને અહીં સ્ટડી માટે આવ્યાં છીએ અને સાથે જૉબ કરીએ છીએ.’

‘કૉલેજનું આઇ-કાર્ડ માગશે તો શું કરીશ?’

‘કમ્પ્યુટર ઝિન્દાબાદ...’ પલક હસી પડી, ‘મારું ડિગ્રી સર્ટિફિકેટ મેં એવી રીતે તો કાઢ્યું છે, તને ખબર તો છે.’

‘આવું ખોટું રિસ્ક નહીં લે, ક્યારેક ખરાબ રીતે ફસાશે.’ કથાએ વાત પૂરી કરતાં કહ્યું, ‘હું પહોંચવામાં છું, તારે કેટલી વાર લાગશે?’

‘પાંચથી સાત મિનિટ...’ પલકે ફટાફટ ઇન્ફર્મેશન આપી, ‘રુસ્તમ અંકલ આવવાના છે. હું પણ તેને મળી નથી પણ વાત કરવામાં જરા વિઅર્ડ લાગે છે. હૅન્ડલ કરી લેશું તો લાંબો ટાઇમ માટે નિરાંત થઈ જશે.’

‘શ્યૉર...’ ફોન કટ કરતાં કથાએ કહ્યું, ‘બાય...’

‘ટેક કૅર તો કહે... સાવ આવું કરવાનું?’

‘એ રાતે કહીશ હં...’

કથાએ ફોન મૂક્યો અને પલકના ફેસ પર સ્માઇલ આવી ગયું. તેની આંખ સામે આગલી રાત આવી ગઈ હતી. અલબત્ત, અત્યારે રાતની એ પળો પર ફોકસ થઈ શકે એમ નહોતું, કારણ કે રિક્ષા-ડ્રાઇવર મિરરમાંથી તેની સામે જોતો હતો.

lll

‘હંમ...’

રુસ્તમ સહેજ આગળ આવ્યો. તેણે ધ્યાનથી કથાને જોઈ અને પછી પલકની સામે નજર કરી.

‘આ પોયરી રહેવાની તારી સાથે ડિકરા?’

‘હા અંકલ... અમે બન્ને સુરતનાં છીએ. તમે પણ સુરતના?’

‘રેન્ટ રહેશે પંદર હજાર, ફિફ્ટીન થાઉઝન્ડ ઓન્લી.’ પોતે ક્યાંના છે એનો જવાબ આપવાનું ટાળીને રુસ્તમે કહ્યું, ‘રેન્ટ પાંચમી તારીખે મારા અકાઉન્ટમાં પડી જવા જોઈએ. નો આર્ગ્યુમેન્ટ ઑર નો ઍની કાઇન્ડ ઑફ ઇમોશનલ બ્લૅકમેઇલ. મંજૂર?’

કથા અને પલક બન્ને એકસાથે બોલી ગયાં,

‘હા... કન્ફર્મ.’

કિચન, હૉલ, બે બેડરૂમ અને એ પણ ફુલી ફર્નિશ્ડ અને એનાથી પણ આગળ બોરીવલી જેવો એરિયા. પંદર હજારના રેન્ટમાં જે ડીલ શક્ય જ નથી એ ડીલ સામે ચાલીને આવી હતી અને એ પણ કોઈ પણ જાતના બાર્ગેન વિના!

‘બીજી વાત, ફ્લૅટ સિવાય કોઈએ ક્યાંય ફરવાનું નથી. આવો, અંદર જાવ ને પછી પાછા નીકળી જાવ. અન્ડરસ્ટૅન્ડ?’ બન્નેએ હા પાડી એટલે રુસ્તમે કહ્યું, ‘જતી વખતે ફ્લૅટમાં જે તોડફોડ થઈ હોય એ કરાવીને આપવાની રહેશે.’

‘અંકલ, અમે બધા પૈસા આપી દેશું.’

પલક આગળ કંઈ બોલે એ પહેલાં જ રુસ્તમે નકારમાં માથું ધુણાવ્યું.

‘કરાવી દેવાનું... આ બુઢ્ઢો ક્યાં જઈને કારીગર શોધવાનો?’

‘રાઇટ અંકલ. અમે કરાવી દેશું... ઇન ફૅક્ટ અમે કોઈ તૂટફૂટ ન થાય એનું ધ્યાન રાખશું.’ કથાએ પલકની સામે જોયું, ‘રાઇટ પલક?’

‘યસ... અંકલ તમે એ બધી ચિંતા છોડી દો. તમારી પ્રૉપર્ટીને કંઈ નહીં થાય.’

‘હંમ.’

સહેજ વિચાર કરી રુસ્તમ આગળ વધ્યો અને તેણે ફ્લૅટનો દરવાજો ખોલ્યો. દરવાજો ખૂલતાં જ કસ્તુરીની મહેક આખા ફ્લોર પર પ્રસરી ગઈ અને રુસ્તમના ચહેરા પર સ્માઇલ આવી ગયું.

‘વેલકમ ઇન ધ હેવન...’

lll

‘મારે શું ડીલ સાથે લેવાદેવા પોયરી, તું મને આધાર કાર્ડ ને પૅન કાર્ડની કૉપી આપી દે એટલે વાત પૂરી.’

‘ઍડ્વાન્સમાં અંકલ થોડું ઓછું કરોને, પ્લીઝ...’ પલકના ફેસ પર લાચારી હતી, ‘ત્રણ રેન્ટ ઍડ્વાન્સ આપવાનું અમારા માટે...’

‘બે રેન્ટ... હવે એનાથી ઓછું કંઈ નહીં.’

‘ઓકે, પાક્કું...’ પલકે કથા સામે જોઈને આંખ મિંચકારી, ‘અંકલ, અહીં કંઈ આવતું નહીં હોય... રાઇટ?’

‘કંઈ એટલે શું?’

‘પેપર, દૂધ...’

રુસ્તમે માથું ધુણાવતાં નકારમાં જવાબ આપ્યો.

‘કોઈ નથી આવતું ને કોઈ આવશે પણ નહીં. તમારે બધી વ્યવસ્થા તમારી જાતે કરવાની...’ રુસ્તમે કહ્યું, ‘આ જે રેન્ટ ઓછું છે એનું કારણ પણ એ જ કે અહીં કોઈ આવશે નહીં ને કોઈને તમે બોલાવતાં પણ નહીં.’

‘મેઇડ... મેઇડ તો મળશેને?’

‘હું શું બોલ્યો? કોઈ મળશે નહીં ને કોઈ આવશે નહીં.’ રુસ્તમના અવાજમાં વજન હતું, ‘ડીલ કરવી હોય તો કરીએ, નહીં તો પછી હું અત્યારે નીકળું... મારે સાત વાગ્યે મેડિટેશન કરવાનું હોય છે.’

‘અરે ના અંકલ... ડીલ તો ફાઇનલ જ છે. આ તો જસ્ટ પૂછ્યું.’ પલકે રૂમ તરફ નજર કરી, ‘રૂમ અમે જોઈ લઈએ?’

રુસ્તમે હાથના ઇશારે જ એ બન્નેને જવાનું કહ્યું. કથા અને પલક રૂમ જોવા માટે અંદર ગઈ અને રુસ્તમ ધીમા પગલે હૉલની દીવાલ પર લટકતી ફોટો-ફ્રેમ પાસે આવ્યો. ફોટો-ફ્રેમને હાથ લગાડતાં પહેલાં તેણે પાછળ ફરીને કથા-પલકને જોઈ લીધાં. બન્ને રૂમમાં હતાં. રુસ્તમે હવે ફરી ફોટો-ફ્રેમ પર નજર કરી અને પછી તેણે એ ફ્રેમ સહેજ હટાવી અને ફ્રેમની પાછળ રહેલા કાણા સામે જોઈને સ્માઇલ કર્યું.

lll

‘કાલથી અમે આવી જઈએ અંકલ?’

‘આવો, તમારી મરજી...’ છૂટા પડતાં રુસ્તમે કહ્યું, ‘ડીલ ફાઇનલ હોય તો સવાર પહેલાં મને તમારાં આધાર-પૅન કાર્ડ મોકલી દેજો.’

‘મોકલી દીધાં અંકલ. ક્યારના વૉટ્સઍપ કરી દીધાં.’ પલકે કહ્યું, ‘ચેક કરો, આમ તો ભૂલ નથી થઈ પણ કદાચ ભૂલ થઈ હોય તો ફરી મોકલી દઉં.’

રુસ્તમે મોબાઇલ હાથમાં લીધો અને વૉટ્સઍપ ખોલ્યું.

અજાણ્યા નંબર પરથી ઇમેજ આવી હતી. રુસ્તમે એ અજાણ્યા નંબરવાળી વિન્ડો ખોલી પલકની સામે જોયું.

‘પલક... તું?’

‘જી અંકલ...’

રુસ્તમે હવે કથા સામે જોયું.

‘તારી ફ્રેન્ડ ફાસ્ટ છે... અત્યારના સમયમાં તેના જેવી છોકરીઓ જ ટકી શકે.’

પલક મનોમન પોરસાઈ, પણ તેને ક્યાં ખબર હતી તેનો ક્વિક ડિસિઝન લેવાનો સ્વભાવ આવતા દિવસોમાં જીવનને નરક બનાવવાનો છે.

lll

‘હું ના નથી પાડતી પલક પણ જસ્ટ વિચાર તો ખરી. શું કામ આટલી સસ્તી ડીલ આપણને મળે? શું કામ આ અંકલ આવી રીતે આપણને પ્રૉપર્ટી આપી દે?’ કથાના મનમાં રહેલો સંશય વાજબી હતો, ‘પલક, મને લાગે છે કે એ પ્રૉપર્ટીમાં કંઈક છે.’

‘કંઈક એટલે શું?’ પલકે પૂછ્યું, ‘ભૂત-બૂત?’

‘અરે ના, એવું નહીં પણ મને લાગે છે પ્રૉપર્ટી ડિસ્પ્યુટમાં છે.’

‘એ તો અંકલ પણ કહે છે. કન્સ્ટ્રક્શન વખતે તેમને પાર્ટનર સાથે પ્રૉબ્લેમ થયો અને ડેવલપમેન્ટ અટકી ગયું.’ પલકે કહ્યું, ‘તું ખોટી દિશામાં વધારે પડતું વિચારે છે... બેટર છે, તું ત્યાં શિફ્ટ થવાની તૈયારી કર. આઇ ઍમ શ્યૉર. આપણને A-103 બહુ બેનિફિટ કરાવશે. તું જોજે...’

(ક્રમશ:)

columnists gujarati mid-day mumbai exclusive Rashmin Shah