કથા-સપ્તાહ: વૈદેહી- (દિલ ઔર દુનિયા - 1)

21 January, 2019 12:05 PM IST  |  | સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ: વૈદેહી- (દિલ ઔર દુનિયા - 1)

લઘુકથા - વૈદેહી

ધીમા અવાજે ગૂંજતાં લતાનાં ગીતો તેની ડેસ્કની ઓળખ જેવાં હતાં. કરુણા કોચિંગ ક્લાસની લાઉન્જમાં સંગીતની સૂરાવલિ સંભળાય એટલે માની લેવાનું કે સહેજ ખૂણામાં પડતા રિસેપ્શન ટેબલ પર વૈદેહીની હાજરી હોવી જોઈએ!

ખારનો આ કોચિંગ ક્લાસ ખરેખર તો ડમી સ્કૂલ જેવો છે. રેકૉર્ડ પૂરતું સરકારી સ્કૂલમાં નામ રાખવાનું, બાકી આખો દહાડો ભણવાનું અહીં! ખારની ભાટિયા કૉલેજની નજીક આવેલા રુદ્ર શૉપિંગ કૉમ્પ્લેક્સમાં આખો બીજો માળ કરુણાનો છે. મારવાડી ટ્રસ્ટીઓ દ્વારા સંચાલિત કોચિંગ ક્લાસમાં પચાસ-પચાસ વિદ્યાર્થીઓના કુલ દસ બૅચ એકસાથે લઈ શકાય એવડા ખ્ઘ્ રૂમ્સ છે. ફોર્ટથી બોરીવલી વચ્ચે કરુણાની અન્ય શાખાઓ પણ ખરી, પરંતુ મહિમા ખારની આ હેડ બ્રાન્ચનો. ભારતમાં શિક્ષણના વેપારીકરણ પછી કોચિંગ ક્લાસિસનો ધંધો પુરબહાર છે. ખાસ કરીને મેડિકલ, ઇજનેરી પ્રવેશ માટેની કૉãમ્૫ટિટિવ એક્ઝામ્સમાં પાર ઊતરવા પ્રાઇવેટ કોચિંગ અનિવાર્ય બની ગયું છે.

‘આનાં બીજાં ઘણાં જમા-ઉધાર પાસાં હશે જ, પણ હું અંગતપણે માનું છું કે જેમને ફર્ધર સ્ટડીઝમાં પેમેન્ટ-સીટ પરવડવાની ન હોય તેમણે તો ઇલેવન્થ-ટ્વેલ્થમાં થોડો વધુ ખર્ચો કરીને પ્રાઇવેટ ક્લાસ થ્રૂ જ સ્કૂલિંગ કરવું જોઈએ. ખાસ કરીને હું કરુણા બાબત કહી શકું કે અહીં દરેક સ્ટુડન્ટ પર સરખું ધ્યાન અપાય છે. ટૉપિકવાઇઝ ટેસ્ટ્સ લઈએ છીએ. અમારી તમામ ફૅકલ્ટી જ કોટા-બેઝ્ડ છે...’

નવા પ્રવેશ માટે તપાસ અર્થે આવતા પેરન્ટ્સ-સ્ટુડન્ટ્સને કન્વીન્સ કરવાની વૈદેહીની મુખ્ય જવાબદારી હતી.

શરૂ-શરૂમાં વૈદેહીને બહુ અડવું લાગતું. ખાસ કરીને મધ્યમવર્ગીય માબાપ બિચારાં માંડ બે છેડા ભેગા કરીને સંતાનનું ભાવિ ઘડવા મથતાં હોય તેમની લાગણીનો ગેરલાભ લેવા જેવું લાગતું. જોકે કરુણાના કોચિંગથી, પરિણામની ટકાવારીથી તે પોતે જ્ઞાત થતી ગઈ એમ તેના અપ્રોચમાં સ્વભાવગત આત્મવિશ્વાસ ડોકાવા માંડ્યો. સારો ઍકૅડેમિક રેકૉર્ડ ધરાવતા સ્ટુડન્ટ થકી ક્લાસનો પફોર્ર્મન્સ બહેરત બને એનાથી વિશેષ ક્લાસને કારણે એ વિદ્યાર્થીને ફાયદો થાય એવી ભાવના દાખવતી એમાં દંભ નહોતો અને આ પાતળી ભેદરેખા મુલાકાતીઓને સ્પર્શી જતી. આનો ફાયદો ક્લાસ અને સ્ટુડન્ટ્સ બેઉને થવા માંડ્યો.

ક્લાસનું ટ્રસ્ટ સ્વાભાવિકપણે વૈદેહીના પફોર્ર્મન્સથી ખુશ હતું. વૈદેહીની ગુણવત્તા જોઈને તેને વિદ્યાર્થીઓની હાજરીના રેકૉર્ડથી માંડીને પ્રોગ્રેસ-ચાર્ટના ડેટા તૈયાર કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી. વૈદેહીને એમાં પોતાની ફ૨જનું અનુસંધાન વર્તાતું. મારા થકી કન્વીન્સ થઈને ક્લાસમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થી અનિયમિત યા નબળો પડતો જણાય તો કાળજી દાખવવી મારી જવાબદારી બને છે. તે ફૅકલ્ટીનું ધ્યાન દોરતી એમ જે-તે વિદ્યાર્થીના પેરન્ટ્સનો પણ સામેથી કૉન્ટૅક્ટ કરીને માહિતગાર કરતી.

આને કારણે પણ કરુણાના ક્લાસ અને ઑફિસનું એન્ટ્રન્સ અને એન્વાયર્નમેન્ટ અલગ હોવા છતાં સ્ટુડન્ટ સાથે વૈદેહીનો રે૫ો રહેતો. તેમની તે ફેવરિટ દીદી હતી. અહીં ભણીને મનગમતી લાઇનમાં પ્રવેશ મેળવનાર સ્ટુડન્ટ ખાસ યાદ રાખીને વૈદેહીનોય આભાર માની જાય એ ઘટના વૈદેહીને ખરા પુરસ્કાર જેવી ગર્વીલી લાગતી.

ગ્રૅજ્યુએટ થઈને પાછલાં ત્રણ વરસથી કરુણામાં કામ કરતી વૈદેહી પોતે આટ્ર્સ ભણી હતી, પણ અનુભવે વિજ્ઞાનપ્રવાહના સિલેબસથી માંડીને કૉલેજની પ્રવેશપદ્ધતિથી એક્સપર્ટ્સ જેટલી અપડેટ રહેતી. પોતાની સૌંદર્યમૂડીથી જ્ઞાત, છતાં એનો લાભ કે ગેરલાભ લેવાની વૃત્તિ તો સહેજે નહીં. ઊલટું કોઈ ફૅકલ્ટી ફ્લર્ટની છૂટ લેવા માગે તો વૈદેહીની તંગ થતી મુખરેખા જ રેડ સિગ્નલ બનીને સામાને રુક જાઓનો આદેશ પાઠવી દે. પાછી સાદગીપસંદ.

‘તારો ૫ગાર હવે તો સહેજે અઢાર-વીસ હજારનો હશે... આ તારી એકની એક સાડીઓ જોઈને અમે કંટાળી ગયા.’

લેડિઝ સ્ટાફમાંથી કોઈ કહી જતું ને વૈદેહી હસી નાખતી. ઘરના સંજોગો કહીને રોદણાં રડવાનો તેનો સ્વભાવ નહોતો. ક્લાસની દસથી આઠની નોકરીની દુનિયાથી ઘરનું વિશ્વ તેણે છેટું જ રાખ્યું હતું. અંગત વહેંચાય એવાય સખીપણાં પણ કોઈ જોડે ક્યાં હતાં? મારી સગી મા હયાત હોત તો ક્યારના મારા હાથ પીળા કરી દીધા હોત ને હું કદાચ મારા બાળકને ગાઈ સંભળાવતી હોત કે બચ્ચે મન કે સચ્ચે...

અત્યારે સ્પીકરમાં ગૂંજતા ગીતની અસરમાં ઝબકી ગયેલી કલ્પના વૈદેહીમાં મુગ્ધતા છલકાવી ગઈ.

‘લલિતાબહેન, વૈદેહીને ભણી રહ્યે ત્રણેક વર્ષ થયાં એટલે સહેજે ૨૩-૨૪ની થઈ હશે. તેનાં લગ્નનું કંઈ વિચાર્યું?’

હજી ગયા રવિવારે ખાસ ભુલેશ્વરના ઘરે મળવા આવેલા દૂરનાં સુભદ્રાકાકીએ પૂછતાં સાવકી માનો જવાબ પણ વૈદેહીને સાંભરી ગયો...

‘લો, તેનાં લગ્નનું હું નહીં વિચારું તો સ્વર્ગમાં બેઠેલી તેની મા વિચારવાની? ઈશ્વર સાક્ષી છે બહેન, મેં કદી મારી ચેતના અને વૈદેહીમાં સગા-સાવકાનો ભેદ રાખ્યો નથી!’ ગળગળાં થઈને લલિતાબહેને સાડલાનો છેડો સરખો કરતાં ભાવ બદલ્યો, ‘પણ શું કરું, વૈદેહી જરા વરણાગી. મારાં જ લાડે તેને જરા ફટવી મૂકી હશે કે શું, કોઈ છોકરો પસંદ જ નથી કરતી. કોઈ રૂપાળો ન લાગે તો કોઈનો પૈસો ઓછો ૫ડે!’

જૂઠ! વૈદેહીના હૈયે અત્યારે પણ ચિત્કાર ઊઠ્યો. માણસ આટલી હદે બનાવટ આચરી શકે? એ પણ એક સ્ત્રી? મા?

ના, મારી સુલક્ષણામા તો આવી નહોતી... વૈદેહી સાંભરી રહી:

સરકારી બૅન્કમાં જુનિયર ક્લર્કની નોકરી કરતા રાજીવભાઈનો પગાર મધ્યમ, પણ સૂઝભર્યાં સુલક્ષણાબહેન ક્યાંય કસર વર્તાવા ન દે. એકની એક દીકરી માબાપની લાડલી. ગુણવંતી નારનો ખપ ઈશ્વરના દરબારમાંય રહેતો હશે એટલે એક રાતે સુલક્ષણાબહેન સૂતાં એ સવારે ઊઠuાં જ નહીં. વૈદેહી ત્યારે હજી તો સાત વરસની માંડ. એટલું હૈયાફાટ રડી હતી, પણ એથી જનારા ક્યાં પાછા આવ્યા જ છે?

છતાં તેમણે રોપેલા સંસ્કારનાં મૂળિયાં એટલાં મજબૂત હતાં કે એના જ આધારે વૈદેહીના વ્યક્તિત્વનો ઘાટ ઘડાયો.

સગાં-સ્નેહીઓએ રાજીવભાઈને ફરી લગ્ન માટે સમજાવ્યા, મનાવ્યા અને વરસમાં જ લલિતાનો ગૃહપ્રવેશ થયો.

‘લલિતા, મારું જે કંઈ છે આ દીકરી છે. તેને માની ઓથ મળી રહે એ માટે ફરી પરણ્યો છું.’ પિતાએ કહેતાં માએ ખાતરી ઉચ્ચારી હતી : વિશ્વાસ રાખજો, હું વૈદેહીને સુલક્ષણાબહેનની કમી વર્તાવા નહીં દઉં!

શરૂ-શરૂમાં તો વૈદેહીને પણ સારું લાગ્યું. માના સ્થાને આવનારી સ્ત્રી માટે સ્વાભાવિક હોય એવાં ડર, આશંકા, ભીતિ ઓગળતાં ગયાં; પણ પછી...

‘અરે, અરે, આ તે ઘર છે કે હટવાડો!’ એક સાંજે રમી-પરવારીને વૈદેહીની પાછળ પ્રવેશતાં છોકરાંવને લલિતાબહેને એવાં ધુત્કાર્યા કે બિચારાં ઘરનો રસ્તો જ ભૂલી ગયાં! સુલક્ષણામા આવું ન કરતાં. તે તો હોંશથી દીકરીના ભેરુઓને સાદી ભેળ બનાવીને ખવડાવતાં.

‘મા, એ લોકોને નાસ્તો...’ માના તેવરે હેબતાયેલી વૈદેહી હજી તો આટલું કહે ત્યાં લલિતાબહેન તાડૂકે, ‘તારો બાપ કંઈ રાજાધિરાજ નથી કે અન્નક્ષેત્ર ખોલવું મને પરવડે. તારી માએ એવા વેવલાવેડા આદર્યા, એવો ધર્માદો હું ન કરું!’

‘મારી માને કંઈ ન કહેશો...’ રડતી વૈદેહી સામે થઈ તો લલિતાબહેને બે-ચાર અડબોથ ઠોકી દીધી : મારી સામે મોં ખોલે છે! ધ્યાનથી સાંભળ છોકરી, તારા બા૫ને ક્યારેય મારી ફરિયાદ કરવાની થઈ તો હું તો નહીં મરું, પણ તારા બા૫ને જરૂર ઝેર આપી દઈશ. તારી મા તો છે નહીં, બાપ પણ નહીં રહે!’

તેમના તેવરમાં બોલ્યું પાળી બતાવવાનો રણકો હતો. એની આઠ વરસની બાળા પર એવી અસર થઈ કે આજેય પોતે માની અસલી છબિ કોઈને દર્શાવી નથી શકી!

વૈદેહીએ નિ:શ્વાસ નાખ્યો.

વરસેકમાં ચેતનાના જન્મ પછી પપ્પા પણ ધીરે-ધીરે નવી પત્ની-નવી દીકરીમાં રમમાણ થતા ગયા. દીકરીને ઘડવાના નામે તેની પાસે વૈતરાં કરાવતી લલિતાનું સાવકાપણું તેમનાથી તો સાવ છૂપું નહીં જ હોય, પણ દીકરીની વહારે થઈને પોતાના નવા સંસારમાં ભૂકંપ આણવાની તૈયારી નહોતી. માના પ્રભુત્વમાં તેમનું ચાલે પણ શું? તેમનું ઉપેક્ષિતપણું વૈદેહીએ સ્વીકારી લીધું. ચાલીમાં, ન્યાતમાં વૈદેહી માટે જે લલિતાબહેન હતાં એનાથી હકીકતમાં સાવ જુદાં જ હોવાની વાસ્તવિકતા વૈદેહીને પીંજતી, પણ કહેવાતી નહીં; નાનપણમાં માની ધમકીથી, મોટપણમાં એની નિરર્થકતાથી.

આ સંસારમાં મારું કોઈ નથી... વૈદેહી એકાકી થતી ગઈ. રાધર પોતાના અંગતને આવરણમાં વીંટાળી રાખવાનું તેને ફાવી ગયું. કોઈને એ દર્શાવીને પણ શું ફાયદો? બહારની દુનિયામાં વૈદેહીનું દુ:ખ કોઈને દેખાતું-કળાતું નહીં, અંદરના વિશ્વમાં સુખ વૈદેહીને જડતું નહીં. મા જેવો જ દંભ આચરતાં ચેતનાને પણ ફાવી ગયેલું. બીજા સમક્ષ ‘દીદી’... ‘દીદી’ કરનારી ચેતના એકલા ૫ડતાં તોછડાઈભર્યો તુંકાર કરે ને વૈદેહી એ પણ ચલવી લેતી. બીજો ઉપાય પણ શો? બે બહેનો વચ્ચે હેતની ધરી રચાઈ જ નહીં. લલિતાબહેન રચવા જ શું કામ દે? દીકરીને એ રીતે કેળવવામાં લલિતાબહેન ઊણાં ઊતરે એમ નહોતાં.

એક જ ઉમ્મીદ હતી - અહીં મારે કેટલું રહેવુંં? લોકલાજેય માએ મારાં લગ્ન લેવાં પડશે, મારા એ સંસારમાં હું મારા પિયરનું સાટું વાળી લઈશ! મારા પતિ મારું સર્વસ્વ હશે, તેમની મા પાસેથી હું માનું સાચું હેત પામીશ...

જોકે લલિતાબહેનના પ્લાન્સ જુદા નીકળ્યા. ભણી રહેલી વૈદેહીને પહેલાં તો તેમણે નોકરીમાં જોતરાવા કહ્યું: આજના જમાનામાં છોકરી કમાતી હોય તો પરણવામાં જલદી ઠેકાણે પડી જતી હોય છે!

વૈદેહીએે ઇનકાર, વિરોધનાં શસ્ત્રો રાખ્યાં જ નહોતાં. કરુણામાં જોડાયા પછી પણ માને દીકરીને પરણાવવાની ઉતાવળ નહોતી. ઊલટો પગાર તેમને ધરી દેવો પડતો. પતિને તો આટલાં વરસે સફાઈ દેવાની જરૂર ન હોય, પણ પાડોશ કે સમાજમાં તો લલિતાબહેન એમ જ કહેતાં : વૈદેહીના પપ્પા રિટાયર્ડ થઈ ગયા, પણ પેન્શન આવે છે એટલે વૈદેહીની આવકને અમે અડતા નથી. બળ્યું દીકરીના પૈસા લઈને નર્કમાં જવું છે! જે છે એ વૈદેહી તેના સાસરે લઈ જશે...

- જે કદી બનવાનું નથી! વૈદેહીએ વળી નિ:શ્વાસ નાખ્યો.

રાજીવભાઈની પેન્શન આવક પૂરતી જ હતી, વૈદેહીની કમાણી તો લલિતાબહેને ચેતના માટે બાજુએ મૂકવા માંડી : તારાં લગ્ન તો મારે ધામધૂમથી કરવાં છે! વૈદેહીને પરણાવવામાં લલિતાબહેનને રસ નહોતો. તે પોતે કહેણ ખોળતાં નથી ને જે માગાં આવે એમાં મારા નામે કોઈ ને કોઈ ખોટ કાઢીને ફગાવતાં રહે. નખરાળી, પૈસો જોનારી. માએ મારી ઇમેજ કેવી ક૨ી નાખી છે!

‘ખબરદાર, ઑફિસમાં પણ કોઈ જોડે લવલફરાં કરીને આ ઘર છોડવાનું વિચાર્યું તો નાનપણવાળું ઝેર મેં આજેય સાચવીને રાખ્યું છે એ તારા માટે વાપરીશ એ યાદ રાખજે!’ લલિતાબહેન વૈદેહીને ડારવાનું ચૂકતાં નહીં. તેમની ધમકી ડરાવતી તો નહીં, પણ અરુચિ થતી. સાવકી દીકરીને પોતે કદી અપનાવી નહોતી શકવાની એ જાણવા છતાં આ સ્ત્રી બીજવ૨ને પરણી શું કામ? ચાલો, પિયરની ગરીબીને કારણે એ કર્યું, પણ ચેતનામાંય એવા જ ગુણ ભરીને દીકરીનું અહિત કરી રહ્યાં છે એની તેમને સૂધ નહીં હોય?

આવું કંઈ પણ કહેવું નિરર્થક હતું. ચેતના પણ હવે તો ૧૫ની થઈ. અંગે યૌવન મહોર્યા પછી તે કંઈ નાદાન ન ગણાય. રિટાયર્ડ પિતાને તેણેય હાંસિયામાં ધકેલી દીધા છે. પિતાને તેમની લાચારી છે, પગભર થયા પછી મને કયું તkવ રોકે છે બળવો પોકારતાં?

વૈદેહી પાસે આનો ચોક્કસ જવાબ નહોતો. કદાચ જવાબની એષણા પણ નહોતી.

એને બદલે કરુણાની દુનિયામાં ખોવાઈ જવું મને ગમે છે. અહીં મારું અંગત ભલે અકબંધ હોય, હું મોકળાશ અનુભવી શકું છું. કદાચ એથી વધુ ખુશી ઈશ્વરે મારા નસીબમાં લખી પણ ન હોય!

હળવો નિ:શ્વાસ નાખીને વૈદેહી બીજા માળની ઑફિસની ગ્લાસ-વિન્ડો આગળ ઊભી રસ્તા પરની ચહલપહલ નિહાળી રહી. ક્લાસનો સમય થયો હતો... સ્ટુડન્ટ્સનું આગમન શરૂ થઈ ચૂકેલું. ટ્રાફિકનો કોલાહલ બંધ બારી છતાં વર્તાયો અને એકાએક તે ટટ્ટાર થઈ.

€ € €

‘આવી ગયો!’

દૂરથી અક્ષતને આવતો ભાળીને બિરજુ ખીલી ઊઠ્યો. વડાપાંઉની લારીએથી હટી, તેનો હાથ પકડી સહેજ ખૂણામાં લઈ ગયો, ‘પૈસા લાવ્યો છે?’

‘હા...’ અક્ષતે કોચિંગ ક્લાસના યુનિફૉર્મમાં હાથ નાખ્યો, પાંચસોની બે નોટ કાઢી, ‘હજાર જ મળ્યા...’ તેની લાચારી ટપકી, ‘આરવભાઈ ઘરમાં ઝાઝી કૅશ રાખતા નથી.’ તેણે ખાતરી ઉચ્ચારી, ‘આવતા મહિને વધારાના પાંચસો આપી દઈશ.’ પછી બિરજુને વિશ્વાસ પડે એ માટે પોતાના ગળે ચપટી ભરી, ‘ગૉડ પ્રૉમિસ!’

પળવાર તેને તાણીને બિરજુએ દિલેરી દાખવી, ‘ઠીક હૈ, ઠીક હૈ... તૂ ભી ક્યા યાદ કરેગા!’ કહી આજુબાજુ જોઈને મોબાઇલ કાઢ્યો, ‘યે લે. ત્રણ કલાક સુધી તારે જેટલી ગેમ રમવી હોય એટલી રમ, પણ આ જગ્યાએ મને મોબાઇલ આપી દેવાનો.’

કાયમની શરત અક્ષતને યાદ હોય જ.

‘જી...’ ગંજેરીને ચરસની પડીકી મળી હોય એવો આનંદ તેના ચહેરા પર રેલાઈ ગયો. મોબાઇલને પૅન્ટના ગજવામાં ઊંડો સરકાવીને તેણે ચાલવા માંડ્યું... કોચિંગ ક્લાસની વિરુદ્ધ દિશા તરફ!

ઑફિસની ગ્લાસ-વિન્ડોમાંથી સામા રસ્તા પરનું આ દૃશ્ય જોઈને ટટ્ટાર થતી વૈદેહીએ હોઠ કરડ્યો.

columnists