મૂર્ખ

12 August, 2022 05:50 PM IST  |  Mumbai | Rashmin Shah

‘ના.’ પ્રૉમ્પ્ટ્લી જવાબ તો આપી દીધો પણ પછી તરત જ ઢબ્બુએ સુધારી લીધું, ‘હા, પણ તું જવાબ આપ પછી... મને જગાડ્યો કેમ નહીં? મારી સ્ટોરી અધૂરી રહી ગઈ’

મૂર્ખ

‘પણ તો મને જગાડાયને...’ ઢબ્બુએ જમીન પર પગ પછાડ્યા, ‘મેં ક્યાં ના પાડી’તી તને...’
‘હા પણ પપ્પાએ મને ના પાડી. તેણે કીધું કે સૂઈ ગયો છે તો હવે તેને જગાડવો નથી. તો મારે શું કરવું...’
‘કંઈ નહીં, હું કહું એમ કરવાનું.’ ઢબ્બુએ ફરી પગ પછાડ્યા, ‘કાલની મારી સ્ટોરી અધૂરી રહી ગઈને...’
રાતે પપ્પા પાસે સ્ટોરી સાંભળતાં-સાંભળતાં જ ઊંઘી ગયેલા ઢબ્બુએ સવારે તો એ બાબતની લપ ચાલુ કરી જ પણ બપોરે ફરી એ જ જીદ પકડી કે રાતે મમ્મીએ મને જગાડ્યો કેમ નહીં. મમ્મી તેને સમજાવતી રહી પણ ઢબ્બુ માન્યો નહીં અને તેનાં ત્રાગાં ચાલુ રહ્યાં. જમવાનું પણ તેણે અડધા રિસામણા સાથે જ પૂરું કર્યું અને હોમવર્કમાં પણ તેનું મન લાગ્યું નહીં. બે વખત પપ્પાને ફોન પણ કરી લીધો. પપ્પાએ આવીને સ્ટોરી કરવાનું પ્રૉમિસ પણ કર્યું અને એ પછી પણ ઢબ્બુનાં નાટકો અકબંધ રહ્યાં.
‘તેં મને જગાડ્યો કેમ નહીં?’
‘પપ્પાને પૂછજે.’
‘તેને પૂછી લઈશ, તું તારું કહે.’ ઢબ્બુએ સોફા પર પડેલા તકિયાનો સામેના સોફા પર ઘા કર્યો, ‘તેં મને જગાડ્યો કેમ નહીં?’
‘અરે નહોતું યાદ રહ્યું ભાઈ.’
‘યાદ કેમ નહોતું રહ્યું.’ વાતને નવો ટ્વિસ્ટ ઢબ્બુએ આપ્યો, ‘મારી વાત તારા માટે ઇમ્પોર્ટન્ટ નથી એવું છેને હવે?’
‘એય સ્ટુપિડ જેવી વાત નહીં કર.’ મમ્મીએ સહેજ આંખ લાલ કરી, ‘નીચે રમવા નથી જવાનું તારે?’
‘ના.’ પ્રૉમ્પ્ટ્લી જવાબ તો આપી દીધો પણ પછી તરત જ ઢબ્બુએ સુધારી લીધું, ‘હા પણ તું જવાબ આપ પછી... મને જગાડ્યો કેમ નહીં? મારી સ્ટોરી અધૂરી રહી ગઈ.’
‘અકરાંતિયો છો સાવ...’
‘એટલે...’
‘શું એટલે... બધી વાતમાં એટલે-એટલે નહીં કરવાનું.’ 
‘કહેને, અંકલરાતિયા એટલે...’
મમ્મીને હસવું આવી ગયું.
‘અંકલરાતિયા નહીં, અકરાંતિયા મૂર્ખ...’
‘એટલે?’
ઢબ્બુને બીજો નવો શબ્દ મળી ગયો.
‘મૂર્ખ એટલે?’
‘પપ્પા...’ 
‘મૂર્ખ એટલે પપ્પા...’
‘ના હવે. પપ્પા આવે ત્યારે તેને પૂછજે એમ કહું છું.’ મમ્મીએ પીછો છોડાવવાનો છેલ્લો રસ્તો વાપર્યો, ‘રમવા જવું હોય તો જલદી જઈ આવ, પપ્પા આવે પછી નહીં જવા દઉં.’
વાક્ય હજી તો પૂરું નહોતું થયું ત્યાં તો ઢબ્બુ દોડતો બહાર નીકળી ગયો. જોકે બહાર જતી વખતે પણ તેના મનમાં એક શબ્દ સ્ટોર થઈ ગયો હતો,
મૂર્ખ...
lll
‘ફુલ... જેનામાં બુદ્ધિ નથી કે જે પોતાનું બ્રેઇન વાપરતો નથી એને મૂર્ખ કહેવાય.’ ઑફિસથી પપ્પા આવ્યા અને હજી તો ગાડીમાંથી બહાર નીકળ્યા ત્યાં જ ઢબ્બુએ પપ્પાને ‘મૂર્ખ’ શબ્દનો અર્થ પૂછી લીધો હતો અને પપ્પાએ સમજાવીને જવાબ પણ આપ્યો, ‘લાંબું વિચારે નહીં એને મૂર્ખ કહેવાય. કોઈ પણ કામ કરતાં પહેલાં વિચારવું જોઈએ. ભગવાને બધાને બુદ્ધિ આપી છે, એ વાપરવી જોઈએ. જે વાપરે નહીં એને મૂર્ખ કહેવાય.’
‘હું મૂર્ખ છું?’
પપ્પાને હસવું આવ્યું.
‘કેમ, કોણે કીધું?’
‘મમ્મી, આવું બધું મમ્મી જ કહે મને...’
‘તેં કર્યું હશે એવું... શું કર્યું હતું તેં આજે ઘરમાં?’
‘અરે કંઈ નહીં...’ પપ્પા સામે જોતા રહ્યા એટલે ઢબ્બુએ ફરીથી કહ્યું, ‘સાચું કહું છું, કંઈ નથી કર્યું.’
લિફ્ટ આવી ગઈ એટલે પપ્પા લિફ્ટમાં એન્ટર થયા. ઢબ્બુ પણ તેમની પાછળ-પાછળ દાખલ થયો.
‘મૂર્ખની સ્ટોરી કહેશોને આજે.’
‘તને તારી સ્ટોરી સાંભળવી છે?’
પત્યું...
અદબ વાળીને ઢબ્બુએ તોબરો ચડાવી લીધો. આ તોબરો ત્યાં સુધી ચડેલો રહ્યો જ્યાં સુધી પપ્પાએ ડિનર પતાવ્યું નહીં અને આવીને સોફા પર બેઠક લીધી નહીં.
‘ચાલો, સ્ટોરી ટાઇમ...’
સોફા પર બેસીને કૉમિક્સ વાંચતા ઢબ્બુએ મોઢું મચકોડ્યું. એવી જ રીતે જાણે પોતાને રસ ન હોય. પપ્પાએ જોયું અને મમ્મીએ પણ એ જોયું.
‘સ્ટોરી કોણ સાંભળશે?’
પપ્પાએ ફરી એક વાર કહ્યું. ઢબ્બુએ ફરી એ જ વાતનું પુનરાવર્તન કર્યુ. મોઢું ફરીથી મચકોડ્યું. આ વખતે મોઢું મચકોડતી વખતે તેને પોતાને હસવું આવતું હતું. ખબર પડી ગઈ કે જો હવે પપ્પાની સાથે આંખો મળશે તો તે ચોક્કસ હસી પડશે એટલે ઢબ્બુએ કૉમિક્સ ઊંચું કરીને પોતાનું મોઢું સંતાડી દીધું.
‘કોઈને નથી સાંભળવી તો પછી આજે મને કહે...’
મમ્મી રૂમમાં જવાને બદલે પપ્પાની સામે આવીને બેઠી એટલે ઢબ્બુનો ઈગો હર્ટ થયો,
‘ના, તને નહીં કહે સ્ટોરી, મારા પપ્પા છે...’ ઢબ્બુ લગભગ ઊછળીને પપ્પાની બાજુમાં આવી ગયો, ‘સ્ટાર્ટ...’
ઢબ્બુએ પપ્પાની સામે જોયું.
‘પેલી હોં, મૂર્ખવાળી...’
‘હંમ. મૂર્ખવાળી સ્ટોરી... ક્યાંથી કાઢવી મૂર્ખની સ્ટોરી...’
‘કાઢવાની ક્યાં જરૂર છે. જુઓ તમારી લેફ્ટમાં... દેખાશે.’ 
મમ્મીને મજા આવતી હતી ઢબ્બુને ચીડવવાની અને એવું બનતું પણ હતું. ઢબ્બુને ગુસ્સો પણ આવતો હતો અને તેને લાડ પણ સૂઝતાં હતાં. તેણે પગ હવામાં ઉછાળ્યા કે તરત જ પપ્પાએ પગ પકડી લીધા.
‘બસ, સ્ટોરી સાંભળવાની છે.’
‘હા ને હું જ સાંભળીશ, મમ્મી નહીં.’
‘હા, એ નહીં સાંભળે...’ પપ્પાએ મમ્મીને કહ્યું, ‘તું કૉમિક્સ વાંચ...’
હવે મમ્મીએ ઢબ્બુ સામે મોં મચકોડ્યું અને કૉમિક્સ હાથમાં લઈ પોતાનું મોઢું સંતાડી લીધું.
‘મૂર્ખની સ્ટોરી...’
‘હા, તારી જ કહેશે.’ મમ્મી બોલી અને ઢબ્બુ કોઈ રીઍક્શન આપે એ પહેલાં સીધી ઊભી થઈને રૂમમાં ચાલી ગઈ. ઢબ્બુએ પગ પછાડ્યા પણ એ જોવાની મમ્મીની હિંમત નહોતી અને ઢબ્બુને હવે રસ મમ્મીમાં રહ્યો પણ નહોતો, તેને સ્ટોરી સાંભળવી હતી. ઢબ્બુએ પપ્પાની સામે જોયું, એ કંઈ બોલે એ પહેલાં જ પપ્પાએ સ્ટોરી શરૂ કરી દીધી.
‘એક નાનું ગામ હતું. ગામમાં એક બ્રાહ્મણ રહે. નામ એનું સર્વાનંદ.’
‘મારા ફ્રેન્ડના દાદાનું નામ છે.’
સર્વાનંદ બહુ ડાહ્યો પણ ક્યારેક-ક્યારેક એ બુદ્ધિ વાપરે નહીં.’ પપ્પાએ ઢબ્બુની સામે જોયું, ‘કોની જેમ...’
ઢબ્બુ સમજી ગયો, ઇશારો તેની તરફ હતો પણ આ વખતે તેણે કોઈ રીઍકશન આપ્યું નહીં એટલે વાર્તાનો ફ્લો આગળ વધ્યો.
lll
સર્વાનંદ સીધોસાદો અને સરળ હતો. સ્વભાવે ભોળો પણ લાંબું વિચારે નહીં અને લાંબી બુદ્ધિ દોડાવે નહીં. ભગવાનમાં ભારોભાર માને અને માતાજીમાં પણ અખૂટ શ્રદ્ધા. સર્વાનંદને કામ કરવું ગમે નહીં એટલે સર્વાનંદના મનમાં આખો દિવસ પૈસા કમાવવાના શૉર્ટકટ ચાલ્યા કરે. એવામાં એક દિવસ સર્વાનંદને ખબર પડી કે ગામના રાજાને બીમારી છે અને રાજા હવે લાંબું નથી જીવવાના. 
રાજાની કુંવરીએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે જે કોઈ રાજાની જિંદગી બચાવી દેશે તેને અડધું રાજ આપવામાં આવશે અને પોતે પણ તેની સાથે મૅરેજ કરશે.
‘કાશ, મારામાં આ શક્તિ હોત. કાશ, હું રાજાને બચાવી શકતો હોત...’
સર્વાનંદને પારાવાર અફસોસ થયો પણ એ અફસોસ વચ્ચે તેને વિચાર આવ્યો, આ શક્તિ અત્યારે મારી પાસે નથી પણ હું એને મેળવી તો શકું જ છું, હું એ પામી તો શકું જ છું. મારે એ માટે વિચારવું જોઈએ.
સર્વાનંદે તો વિચારો શરૂ કર્યા કે શું કરે તો તેને એવી શક્તિ મળે કે જેનાથી એ મરેલાને પણ ફરીથી બેઠો કરી દે. બિચારાએ શાસ્ત્રોનાં થોથાં ઊથલાવી નાખ્યાં. બધું જોઈ લીધું અને બધું વાંચી લીધું. બધી જગ્યાએથી એક જ વાત તેને જાણવા મળતી.
સંજીવની જડીબુટ્ટી.
lll
‘જડીબુટ્ટી એટલે?’
પ્રશ્નકુમારનો પ્રશ્ન આવ્યો. સામાન્ય રીતે બાળક કોઈ બાબતમાં પૂછે તો પેરન્ટ્સને ગુસ્સો આવતો હોય કે પછી એ અકળાઈ જાય પણ પપ્પાને એવું થતું નહોતું. એ તો ઢબ્બુના સવાલથી રાજી થતા. પપ્પા કહેતા, ‘મનમાં પ્રશ્ન જન્મે તો જ જવાબ મેળવવાની ભાવના જાગે પણ જો કોઈ પ્રશ્ન તમને જન્મે જ નહીં તો તમે નૉલેજને પામી ન શકો.’
‘જડીબુટ્ટી એટલે એક પ્રકારનું આયુર્વેદનું ઝાડ કે પછી એનાં પાન...’
‘મમ્મી પેલાં જે ઉકાળામાં નાખે છે એવાં...’
‘હા એવાં.’
‘યાક...’ ઉકાળાનો ટેસ્ટ યાદ આવ્યો એટલે ઢબ્બુનું મોઢું કટાણું થયું. જોકે તેણે એ સ્વાદને ખૂણામાં મૂકીને તરત જ સવાલ કર્યો, ‘સંજીવની, પછી શું થયું?’
‘પછી તો સર્વાનંદે નક્કી કર્યું કે ગમે એમ કરીને આ સંજીવની લઈ આવવી. સર્વાનંદ તો ગયો જંગલમાં.’
‘પાન લેવા?’
‘ના, ભગવાનને મનાવવા.’
lll
સર્વાનંદને ખબર હતી કે સંજીવની આજના ટાઇમમાં કોઈ ઓળખી શકે નહીં એટલે એ તો જંગલમાં જઈને એક પગે ઊભો રહી ગયો અને લેવા માંડ્યો મહાદેવનું નામ.
ભૂખ્યો-તરસ્યો. નહીં બેસવાનું, એકધારું ભગવાનનું નામ લેવાનું અને તપ કરવાનું. ભગવાનનું નામ લેવાનું અને તપ કરવાનું. કલાકો અને પછી દિવસો અને પછી અઠવાડિયાંઓ પસાર થયાં પણ સર્વાનંદ થાક્યા વિના, હાર્યા વિના મહાદેવનું નામ લેતો ઊભો રહ્યો. મોઢામાં એક જ રટણઃ ‘ઓમ નમઃ શિવાય...’
ભગવાન પણ હવે સર્વાનંદની પૂજા જોઈને ખુશ થઈ ગયા. એણે નક્કી કર્યું કે આને તો મળવા જવું જ પડે. એ તો પ્રગટ થયા જંગલમાં સર્વાનંદની સામે.
‘સર્વાનંદ...’
‘ઓમ નમઃ શિવાય... ઓમ નમઃ શિવાય...’ 
સર્વાનંદ તો હજી તપમાં જ વ્યસ્ત હતો.
‘એ સર્વાનંદ, આંખો ખોલ. જો હું આવ્યો છું.’
સર્વાનંદે આંખો ખોલી તો સામે સાક્ષાત મહાદેવ...
lll
‘પેલા ટાઇગરના કપડાંમાં હોય એ?’ પપ્પાએ હા પાડી એટલે ઢબ્બુએ પૂછ્યું, ‘એના વાળમાં મૂન હતો, પેલો હાફ મૂન...’
‘હંમ હતો અને ગંગા પણ હતી એના વાળમાં... ધીમે-ધીમે પાણી આવતું હતું એમાંથી.’
‘હમં, પછી...’
‘સર્વાનંદ તો ખુશ-ખુશ થઈ ગયો. એણે ભગવાનને હાથ જોડ્યા...’
lll
‘માગ વત્સ માગ, શું જોઈએ તને...’
‘સંજીવની પ્રભુ... જેનાથી હું મરેલા માણસને જીવતો કરી દઉં...’
‘તથાસ્તુ...’ 
ભગવાને હવામાં હાથ કર્યો અને થોડાં પાન તેમના હાથમાં આવી ગયાં.
‘આ પાનનો રસ તું જેના પર પણ છાંટીશ એ માણસ જીવતો થઈ જશે.’
સર્વાનંદ રાજી-રાજી. એ તો પાન લઈને સીધો ભાગ્યો ગામ તરફ. મનમાં એક જ વાત કે હવે હું આનાથી રાજાને સાજો કરી દઈશ એટલે રાજા મને અડધું નગર આપશે અને તેની દીકરી સાથે મારાં મૅરેજ કરશે.
ભાગતાં-ભાગતાં અચાનક સર્વાનંદને વિચાર આવ્યો કે મહાદેવે જે પાન આપ્યાં છે એ સાચી સંજીવનીના તો આપ્યાં છેને, મજાક તો નથી કરીને તેમણે?
‘અરે બાપરે, જો મજાક કરી હોય તો-તો આવી બને મારું. મારે કંઈક કરવું પડશે, પહેલાં ખાતરી કરવી પડશે કે મારી પાસે જે સંજીવની છે એ સાચી છેને. શું કરું હું, શું કરું?’
સર્વાનંદના પગ થંભી ગયા. એ ઊભો રહી ગયો. ગામમાં પાછા જતાં પહેલાં સંજીવનીની તપાસ થવી જરૂરી હતી, તો જ એ કામનું હતું. જો સંજીવની કામ ન કરતી હોય તો-તો કોઈ અર્થ નહોતો.
‘મારે આ અહીં જ ટ્રાય કરવી પડશે. કોઈ મરેલું મળે તો હું આ...’
સર્વાનંદે આજુબાજુમાં નજર દોડાવી અને ત્યાં તેનું ધ્યાન દૂર પડેલી સિંહની લાશ પર ગયું. એ તો દોડતો ગયો સિંહ પાસે અને તેણે સંજીવનીનાં પાનને હાથથી ઘસવાનું ચાલુ કર્યું. 
બે, ચાર અને છ ટીપાં પડ્યાં સિંહ પર અને સિંહ ઊભો થયો.
સિંહ ઘણા દિવસથી ભૂખ્યો હતો અને ભૂખને લીધે જ એ મરી ગયો હતો. સિંહ ઊભો થયો અને તેણે ત્રાડ પાડી ત્યાં સર્વાનંદને પોતાની ભૂલ સમજાઈ ગઈ, પણ એ કંઈ કરે એ પહેલાં તો...
lll
‘સિંહ સર્વાનંદને ખાઈ ગયો...’
‘એક્ઝૅક્ટ્લી. મૉરલ ઑફ ધ સ્ટોરી, કોઈ પણ જાતના રિઝલ્ટ વિશે વધારે વિચાર્યા વિના ક્યારેય કોઈ સ્ટેપ લેવું નહીં.’
‘અને જે લે એ મૂર્ખ.’
‘એક્ઝૅક્ટ્લી...’
‘હું એવો નથી એ મમ્મીને તમે કહી દો.’
ઢબ્બુ હજી મમ્મીના ‘મૂર્ખ’ શબ્દ પર જ અટકેલો હતો એ જાણીને પપ્પાએ સ્માઇલ કર્યું તો અંદર રૂમમાં મમ્મીને સંભળાયું એટલે એ ખડખડાટ હસી પડી.

‘હા, તારી જ કહેશે.’ મમ્મી બોલી અને ઢબ્બુ કોઈ રીઍક્શન આપે એ પહેલાં સીધી ઊભી થઈને રૂમમાં ચાલી ગઈ. ઢબ્બુએ પગ પછાડ્યા, પણ એ જોવાની મમ્મીની હિંમત નહોતી અને ઢબ્બુને હવે રસ મમ્મીમાં રહ્યો પણ નહોતો, તેને સ્ટોરી સાંભળવી હતી. ઢબ્બુએ પપ્પાની સામે જોયું, એ કંઈ બોલે એ પહેલાં જ પપ્પાએ સ્ટોરી શરૂ કરી દીધી

સંપૂર્ણ

 

columnists Rashmin Shah