બીરબલ

25 November, 2022 10:33 AM IST  |  Mumbai | Rashmin Shah

‘બહુ વર્ષો પહેલાંની વાત છે... અકબર રાજા એ સમયે એવું જ માનતા કે સાચી તાકાત તો હાથમાં હોય, વેપન્સમાં હોય. તેમની પાસે એવું કોઈ હતું નહીં જે દેખાડે કે સાચી તાકાત તો દિમાગમાં હોય...’

બીરબલ

‘બીરબલ નામ કેવું છે હેને?!’ પપ્પાના ખોળામાં માથું ટેકવીને કૉમિક્સનાં પેજ ફેરવતા ઢબ્બુના મનમાં સવાલ થયો અને પછી તરત જ નવી વાત પણ જન્મી, ‘એ પપ્પા, આ આપણો જે બીરબલ છે એનું સાચું નામ બીરબલ જ છેને?’
‘ના...’ પપ્પાએ ઢબ્બુના ગાલ પર ટપલી મારી, ‘એનું સાચું નામ બીરબલ નથી. એ તો અકબરે આપેલું નામ હતું.’
‘કેમ, એવું નામ આપ્યું?’
‘બીરબલનો અર્થ થાય... દિમાગનું બળ ધરાવતો વ્યક્તિ.’ દીકરાને સમજાવવાનું નહોતું એ પછી પણ ઉડાઉ જવાબ આપવાને બદલે પપ્પાએ તેને સમજાવ્યું, ‘બીરબલ એ બે શબ્દમાંથી બનેલું નામ છે. બીર અરબી લૅન્ગ્વેજનો શબ્દ છે, જેનો અર્થ થાય છે દિમાગ અને બલ પણ અરબી જ શબ્દ છે, પણ આપણે ત્યાં એના જેવો જ અર્થ ધરાવતો શબ્દ છે બળ. દિમાગનું બળ ધરાવતો વ્યક્તિ એટલે બીરબલ...’

કૉમિકનો થયો ઘા અને ઢબ્બુ પપ્પાના ખોળા પર ચડી ગયો.
‘એની જ સ્ટોરી કરોને... તેને બીરબલ નામ કેવી રીતે મળ્યું એ...’ બિચારા ઢબ્બુએ પૂછી પણ લીધું, ‘આવડે છેને તમને?’
‘થોડી-થોડી આવડે છે...’
‘એ તો બહુ થઈ ગઈ...’ ઢબ્બુનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો, ‘આજે એ સ્ટોરી...’
‘હંઅઅઅ... પણ ટૉપિક વિના?’
‘ટૉપિક છેને. મને એ જાણવું છે ને મેં એની બહુ ટ્રાય કરી, પણ મને એનો જવાબ મળતો જ નહોતો... એટલે આવીને મેં તમને પૂછ્યું ને તમે મને સ્ટોરી કરી.’ ઢબ્બુ હવે પપ્પા સામે ગોઠવાઈ ગયો હતો, ‘કરી દો સ્ટાર્ટ...’

‘બહુ વર્ષો પહેલાંની વાત છે... અકબર રાજા એ સમયે એવું જ માનતા કે સાચી તાકાત તો હાથમાં હોય, વેપન્સમાં હોય. તેમની પાસે એવું કોઈ હતું નહીં જે દેખાડે કે સાચી તાકાત તો દિમાગમાં હોય...’
‘બીરબલ આપણો દેખાડી દેશે...’ બોલી લીધા પછી પપ્પાને ઇન્ટરપ્ટ થયું એ જોઈને ઢબ્બુએ કહ્યું, ‘સૉરી... પછી આગળ શું થયું?’
‘અકબર તો કોઈને પણ સજા આપવાની હોય તો એવી સજા આપે જેમાં તેની તાકાત દેખાતી હોય.’ પપ્પાએ સ્ટોરી આગળ વધારી, ‘અકબરમાં બુદ્ધિ બહુ પણ ઇન્ટેલિજન્સ એટલી નહીં અને બીરબલમાં બુદ્ધિ અને ઇન્ટેલિજન્સ બન્ને સરખાં એટલે જ અકબરને બીરબલની સાચી વૅલ્યુ સમજાઈ...’
‘હંઅઅઅ... પછી?’
‘અકબરના દરબારમાં એક સૈનિકે ભૂલ કરી...’ 
lll

‘જહાંપનાહ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો...’ સૈનિક બે હાથ જોડીને કરગર્યો, ‘આજ પછી આવી ભૂલ હું ક્યારેય નહીં કરું...’
‘જો તમે કરેલી ભૂલનું પરિણામ ભોગવવાનું આવ્યું હોત તો શહેનશાહ અકબરનો જીવ ગયો હોત...’ અકબરના પ્રધાન એવા મહોબ્બતઅલી ખાને કહ્યું, ‘આવી ભૂલ કોઈ હિસાબે ભૂલી શકાય નહીં. સજા આપવી જ પડે...’
મહોબ્બઅલી ખાને જરા વિચાર કર્યો અને પછી સજા ફરમાવી.
‘આવતી કાલે સવારે તમારે દરબારના તમામ પ્રધાનો સમક્ષ એક શેર કાચો ચૂનો ખાવાનો છે. જો ચૂનો ખાધા પછી તમે બચી ગયા તો તમને જીવતદાન અને તમારી નોકરી પણ ચાલુ, પણ જો... તમારો જીવ બચ્યો નહીં તો તમારા પરિવારે દિલ્હી સલ્તનત છોડી દેવાની રહેશે...’
એક શેર ચૂનો અને એ પણ કાચો, માણસ મરી જ જાય. 
lll

‘એક શેર એટલે?’ પપ્પાને વચ્ચે અટકાવીને ઢબ્બુએ પૂછ્યું.
‘હંઅઅઅ...’ 
શેરને કેવી રીતે ગ્રામના વેઇટમાં સમજાવવું એની ગડમથલમાં પપ્પા પડ્યા, પણ આ વખતે રસ્તો કાઢ્યો મમ્મીએ.
‘લગભગ પાંચસો ગ્રામ...’
‘કન્ફર્મ?’
‘એકદમ કન્ફર્મ...’ મમ્મીએ પપ્પા સામે જોયું અને કહ્યું, ‘ગૂગલ પર પણ નહીં મળે એટલે મને ગૂગલ-મેનિયાક કહેવાની જરૂર નથી.’
જો ઢબ્બુ ન હોત તો પપ્પાએ ચોક્કસ મમ્મીને હગ કરીને સૉરી કહ્યું હોત, પણ અત્યારે ઢબ્બુ હાજર હતો એટલે પપ્પાએ સ્ટોરી પર ફોકસ કર્યું.
‘સૈનિક સમજી ગયો હતો...’
lll

સૈનિક સમજી ગયો કે અકબરે બુદ્ધિપૂર્વકની સજા સંભળાવી છે. એ બહુ કરગર્યો પણ કોઈએ તેની વાત સાંભળી નહીં અને તેને ઘરે રવાના કરી દીધો. રડતો-કકળતો સૈનિક ઘરે ગયો, પણ ઘરે તેને ચેન પડે નહીં.
એક કલાક, બે કલાક, ચાર કલાક.
આંસુ બંધ થાય જ નહીં અને સૈનિક એક જ નહીં, આખું ફૅમિલી રડે. બધાના મનમાં એક જ વિચાર ચાલતો હતો કે ચૂનો ખાઈને તડપી-તડપીને મરવા કરતાં બહેતર છે કે આજે, અત્યારે જ બધાં સુસાઇડ કરી લે.
‘એ જ રસ્તો છે આપણી પાસે...’
વાઇફે આપેલા આત્મહત્યાના વિચાર પર સૈનિક પણ સહમત થઈ ગયો અને તે ઓછામાં ઓછા પેઇન સાથે આત્મહત્યા કેવી રીતે થઈ શકે એને માટેના રસ્તા વિચારવા માંડ્યો, પણ એ વધારે કંઈ વિચારે એ પહેલાં તો દરવાજે ટકોરા પડ્યા.
ઠક... ઠક...

બધાની નજર દરવાજા પર ખોડાઈ ગઈ.
બે સેકન્ડ શાંતિ રહી અને પછી ફરી દરવાજે ટકોરા પડ્યા.
ઠક... ઠક...
‘જો, કોણ આવ્યું છે?’ સૈનિકે વાઇફને કહ્યું, ‘કદાચ શહેનશાહે જ સૈનિકો મોકલ્યા હશે... હું જીવું છે કે નહીં એ જોવા માટે...’
વાઇફે જઈને દરવાજો ખોલ્યો તો સામે વેપારી મહેશદાસ ઊભા હતા.
‘આપે જે અનાજ મગાવ્યું હતું એ...’ સૈનિકની વાઇફની લાલચોળ આંખો જોઈને મહેશદાસના આગળના શબ્દો ગળામાં જ રોકાઈ ગયા, ‘આપ રડો છો?’
‘ના, ના... હું ને મારા પતિ બન્ને હસતાં હતાં.’ વાઇફે અકળાઈને જવાબ આપ્યો, ‘અમારે કોઈ અનાજ નથી જોઈતું, જાઓ અહીંથી.’
‘આપને જો કોઈ તકલીફ ન હોય તો આપ મને વાત કરી શકો છો...’ મહેશદાસે નમ્રતા સાથે કહ્યું, ‘બીજું કંઈ નહીં તો હું એકાદ એવો રસ્તો સૂચવું જે...’
‘મારે એક શેર ચૂનો ખાવાનો છે... છે તમારી પાસે કોઈ રસ્તો?’
‘ઓહ... એટલો બધો?!’ મહેશદાસે સૈનિક સામે જોયું, ‘સજાના ભાગરૂપે?’
‘હા, એ સજાના ભાગરૂપે જે મેં કરી નથી.’
‘સાચું બોલો છો?’

‘શું?’ સૈનિકને આશ્ચર્ય થયું, ‘એક શેર ચૂનો ખાવાનો છે એ કે ભૂલ મેં નથી કરી એ?’
‘બીજી વાત... ભૂલ તમે નથી કરી એ.’
સૈનિકે તરત જ પોતાના બન્ને છોકરાઓને બોલાવ્યા અને તેમના મસ્તક પર હાથ મૂકીને કહ્યું, ‘આ બન્ને બાળકોના સોગંદ ખાઈને કહું છું કે ભૂલ મેં નથી કરી. હા, દરબારમાં ભૂલ મેં સ્વીકારી લીધી, પણ મેં એ નથી કરી. જો મેં એ કરી હોય તો આ બન્ને છોકરાઓ અત્યારે ને અત્યારે નર્કમાં...’
‘એવું નહીં બોલો...’ મહેશદાસે આગળ આવીને છોકરાઓના માથા પરથી સૈનિકનો હાથ હટાવી લીધો, ‘આવી ગયો મને વિશ્વાસ...’
‘તો શું કરું તમારા વિશ્વાસનું?!’ સૈનિકની અકળામણ બહાર આવી ગઈ, ‘જાઓ, તમારું કામ પતી ગયું હોય તો...’
સૈનિકે મહેશદાસના મોઢા પર જ દરવાજો બંધ કર્યો, પણ મહેશદાસે પોતાના હાથમાં રહેલી લાકડી એ દરવાજાની આડશમાં ગોઠવી દીધી.
‘એક મિનિટ...’ મહેશદાસે સૈનિકને કહ્યું, ‘એક રસ્તો છે, પણ જો તમે માનો તો...’
‘હવે કોઈ રસ્તો કામ નહીં કરે...’

‘કરશે... ૧૦૦ ટકા કરશે, પણ જો તમે માનો તો.’
સૈનિક કંઈ બોલે એ પહેલાં વાઇફે મહેશદાસને હાથ જોડ્યા,
‘જો કારગત નીકળવાનો હોય તો બધા રસ્તા અપનાવવા અમે તૈયાર છીએ.’
‘એક કામ કરો...’ આગળ બોલ્યા વિના મહેશદાસે દરવાજાને ધક્કો માર્યો અને અંદર આવી ગયો, ‘ઘરમાં માખણ અને ઘી કેટલું છે?’
‘હેં?!’
‘ઘરમાં માખણ અને ઘી કેટલું છે?’ સવાલનું પુનરાવર્તન કરી મહેશદાસે સૈનિકના મોટા દીકરા સામે જોયું, ‘તાત્કાલિક તું દુકાને જા. ત્યાં મારો માણસ બેઠો છે. તેની પાસેથી એક શેર ઘી લેતો આવ...’
દીકરો એમ જ ઊભો રહ્યો એટલે વાઇફ ગુસ્સે થઈ ગઈ,
‘તને કીધું એમ કરને તું, જા જલદી, શેઠની દુકાને જા...’
દીકરો સીધો દોડ્યો મહેશદાસની દુકાને.
lll

‘જુઓ, સાંભળો મારી વાત...’ મહેશદાસે સૈનિકને કહ્યું, ‘બધું ભૂલીને તમે અત્યારથી જ માખણ અને ઘી ખાવાપીવાનું ચાલુ કરી દો. તમારે કાલ સવાર સુધીમાં એક શેર ઘી પીવાનું અને એક શેર માખણ ખાવાનું છે. બીજું કોઈ અન્ન નહીં ખાવાનું, તમારે આ બે જ ચીજ ખાવાની, માખણ અને ઘી.’
સૈનિક દલીલ કરવા ગયો, પણ મહેશદાસ પર વાઇફને વિશ્વાસ હતો એટલે તેણે વેપારીની વાત સ્વીકારી લીધી અને મહેશદાસે સૈનિકને એ જ ઘડીએ કામે લગાડી દીધો. માખણના લોંદેલોંદા ખાવાના સૈનિકે ચાલુ કરી દીધા. બસ, એ ખાતો જ જાય, ખાતો જ જાય. થોડી વાર થાય એટલે મહેશદાસ તેને ઘી આપે એટલે પેલાએ ઘી પીવાનું. ઘરના માખણ અને ઘી પૂરાં થવાની તૈયારીમાં આવ્યાં ત્યાં તો દીકરો મહેશદાસની દુકાનેથી ઘી લઈને આવી ગયો.
‘હવે રાતે આ બધું ઘી તમારે પી જવાનું છે.’ નીકળતી વખતે મહેશદાસે સૈનિકને કહ્યું, ‘જો એમાં આનાકાની કરી તો મારી કોઈ જવાબદારી નહીં અને...’
‘એ પી ગયા તો?’
‘તો...’ મહેશદાસે ઊંડો શ્વાસ લીધો, ‘તમારા વરને કંઈ નહીં થાય એની જવાબદારી મારી...’
lll

બીજા દિવસે સવારે સૈનિક ભગવાનનું નામ લેતો પહોંચી ગયો દરબારમાં અને તેણે બધાની સામે એક શેર કાચો ચૂનો ખાવાનું શરૂ કરી દીધું. ચૂનો ખાતો જાય અને ભગવાનનું નામ લેતો જાય. હજી તો માંડ પચીસ ટકા ચૂનો ખાધો હશે ત્યાં તો સૈનિકના મોઢે મહેશદાસનું નામ આવી ગયું. મહેશદાસનું નામ ભજતાં-ભજતાં સૈનિકે ચૂનો ખાવાનું ચાલુ રાખ્યું. એકાદ કલાકમાં એ બધો ચૂનો ખાઈ ગયો એટલે અકબરના પ્રધાને તેને ઘરે જવાની પરમિશન આપી દીધી.
પ્રધાનને ખાતરી હતી કે હવે પછીના એક કલાકમાં સૈનિક મરી જવાનો છે. જલદ ચૂનાને કારણે તેનાં આંતરડાં બળી જશે અને સૈનિક તરફડીને મરી જશે.
‘જો તું જીવતો રહે તો કાલે તારે નોકરીએ આવી જવાનું.’ સૈનિકને પ્રધાને કહ્યું, ‘તારી અમે રાહ જોઈશું...’
lll

સૈનિક પહોંચ્યો ઘરે. તેનાથી માંડ ઘરે પહોંચાયું.
ઘરે પહોંચ્યા પછી તે સીધો ટૉઇલેટમાં ભાગ્યો. ઘી અને માખણ ખાવાને લીધે તેનું પેટ ખરાબ થઈ ગયું હતું. તેને ડાયેરિયા થઈ ગયા હતા, તો સતત વૉમિટ થતી હતી. ઘી અને માખણની આ અસર હતી. 
સૈનિકે ખાધેલો ચૂનો માખણ અને ઘીને લીધે થયેલા મળ અને ઊલટી વાટે શરીરમાંથી નીકળી ગયો. હા, એકધારી વૉમિટ અને ડાયેરિયાને લીધે સૈનિકને વીકનેસ આવી ગઈ, પણ ચૂનાની જે જલદતા હતી એની કોઈ અસર થઈ નહીં. 
એક રાતના આરામમાં તો સૈનિકની તબિયત સુધરી ગઈ અને બીજી સવારે તે તૈયાર થઈને દરબારમાં પહોંચી ગયો.
lll

સૈનિકને જીવતો જોઈને આખો દરબાર હેબતાઈ ગયો. શહેનશાહ અકબર પણ મૂંઝાઈ ગયા કે આવું કઈ રીતે બની શકે. તેમણે સૈનિકને એકાંતમાં મળવા બોલાવ્યો,
‘સાચું બોલજે, તું કેવી રીતે બચ્યો...’
‘એક સામાન્ય, જૈન વેપારીને લીધે...’ સૈનિકે બે હાથ જોડ્યા, ‘મહેશદાસ તેમનું નામ. તેઓ કાલે મારા ઘરે માલ આપવા આવ્યા એમાં તેમને ખબર પડી કે તમે મને ચૂનો ખાવાની સજા આપી છે. એ સજા સાંભળીને તેણે મને ઘી-માખણ ખાવાની સલાહ દીધી અને ખાધેલો બધો ચૂનો મળ-ઊલટી દ્વારા શરીરમાંથી નીકળી ગયો.’
‘મારે એ મહેશદાસને મળવું છે.’
lll

‘એ મહેશદાસ એટલે...’
‘બીરબલ...’ પપ્પાએ કહ્યું, ‘અકબરે તેનું સન્માન કર્યું અને મહેશદાસને કાયમ માટે દરબારમાં જ રાખી લીધો. મહેશદાસે બહુ ના પાડી, પણ અકબરે કહ્યું કે મને એવા વ્યક્તિની જરૂર છે જેની પાસે બુદ્ધિ પણ હોય અને ઇન્ટેલિજન્સી પણ હોય... જે આ આખા દિલ્હીમાં તારા એક પાસે છે.’
‘એ જ સાંજે મહેશદાસને નવું નામ આપવાનું કામ શહેનશાહ અકબરે કર્યું અને મહેશદાસ ત્યાર પછી બીરબલ તરીકે જગતઆખામાં પૉપ્યુલર થયા...’ પપ્પાએ ઢબ્બુની સામે જોયું, ‘મૉરલ ઑફ ધ સ્ટોરી...’

‘બુદ્ધિ નહીં...’ ઢબ્બુએ કહ્યું, ‘ઇન્ટેલિજન્સ બહુ જરૂરી છે.’
‘જે માણસને જન્મ સાથે જ મળતી હોય છે...’
‘જેમ તમને અને મને મળી છે...’
મને નથી મળી?
એવું પૂછવાનું મમ્મીને મન થયું, પણ બાપ-દીકરાના આ કન્વર્સેશનમાં તેને વચ્ચે પડવું વાજબી લાગ્યું નહીં એટલે તે ચૂપ રહી.
    
સંપૂર્ણ

columnists Rashmin Shah