Friendship Day 2023: ફ્રેન્ડશિપ

06 January, 2023 11:49 AM IST  |  Mumbai | Rashmin Shah

Friendship Day 2023: ‘એકદમ સાચી વાત છે ઢબ્બુ તારી...’ સનીએ ફ્રેન્ડ ઢબ્બુને કહ્યું, ‘મને પણ એવું લાગે છે કે આપણે કંઈક એવું કામ કરવું જોઈએ જેથી આપણી ફી અને ટ્યુશનના પૈસા આપણે આપણી જ મહેનતથી કાઢી લઈએ...’

ફ્રેન્ડશિપ

ઢબ્બુ ઘરમાં આવ્યો અને મમ્મી હેબતાઈ ગઈ.
આખા શરીરે ધૂળ, ધૂળ અને ધૂળ અને તેનું સુપરમૅનવાળું ટી-શર્ટ કૉલર પાસેથી ફાટેલું. મમ્મી ભાગતી ઢબ્બુ પાસે આવી.
‘શું થયું?’ 
ઢબ્બુ એકદમ ચૂપ. તેનો ચહેરો ગુસ્સાથી લાલ હતો.
‘તને પૂછું છું, શું થયું?’ 
મમ્મીએ ઢબ્બુના હાથ-પગ જોયા. કોણી સૂઝેલી હતી અને ઘૂંટણમાંથી પણ લોહી નીકળતું હતું.
‘તું જવાબ આપશે કે અત્યારે પપ્પાને ફોન કરું?’ પપ્પાની બીક દેખાડવા સિવાય મમ્મી પાસે છૂટકો નહોતો, ‘તે ખરેખર ખિજાશે...’
‘કહી દે અત્યારે જ...’ 

છણકો કરીને ઢબ્બુ તેની રૂમમાં ગયો અને રૂમ તેણે અંદરથી બંધ કરી દીધી.
બહારથી મમ્મી ઢબ્બુના નામની બૂમો પાડતી રહી, પણ ઢબ્બુએ કોઈ જવાબ આપ્યો નહીં. પંદર મિનિટ પછી મમ્મીના મોબાઇલ પર પપ્પાનો ફોન આવ્યો.
‘હું તને જ ફોન કરવાની હતી...’ મોબાઇલ રિસીવ કરતાં જ મમ્મીએ બળાપો કાઢ્યો, ‘ઢબ્બુ હમણાં...’
‘મારે વાત થઈ...’ પપ્પાએ મમ્મીને શાંત પાડતાં કહ્યું, ‘ટેન્શન નહીં કર. તેને વધારે વાગ્યું નથી અને બીજી વાત હું ઘરે આવીને કરું છું.’
‘પણ થયું શું?’

‘સની સાથે ઝઘડ્યો. એમાં બન્ને મારામારી પર આવી ગયા...’
‘પણ રાશુ, આ તો...’ મમ્મીને અચાનક યાદ આવ્યું, ‘તને કોણે વાત કરી?’
‘રૂમમાંથી ઢબ્બુએ જ ફોન કર્યો...’ પપ્પાએ કહ્યું, ‘આવીને બધી વાત કરીશ, પણ તું અત્યારે શાંતિ રાખ.’
મમ્મીએ ફોન મૂકી દીધો, પણ ઢબ્બુના બેસ્ટ ફ્રેન્ડ એવા સની સાથે ઢબ્બુને શું થયું કે બન્ને મારામારી પર આવી ગયા એ મમ્મીને જાણવું હતું અને કહે છેને કે આપ દિલ સે ચાહો તો પૂરી કાયનાત ઉસે મિલાને કી ઝુર્રત મેં લગ જાતી હૈ.
ટ્રિન... ટ્રિન...

મમ્મીએ ઇન્ટરકૉમ ઉઠાવ્યો. સામે સનીની મમ્મી હતી. તેના અવાજમાં પણ ભારોભાર મૂંઝવણ હતી. તે પણ જાણવા માગતી હતી કે ઢબ્બુ અને સની કેમ ઝઘડ્યા. 
‘હું પણ એ જ પૂછવા માટે તમને ફોન કરવાની હતી.’
‘સની તો કંઈ નથી બોલતો...’ સનીનાં મમ્મીએ કહ્યું, ‘મેં પૂછ્યું તો મારા પર અકળાઈને રૂમ બંધ કરીને બેસી ગયો... દરવાજો જ નથી ખોલતો.’
‘સેમ હિયર...’ 
મમ્મીને નવાઈ લાગતી હતી. એકદમ બેસ્ટ ફ્રેન્ડ, સવારે જાગતાંની સાથે બન્નેને એકબીજાની યાદ આવે એ બન્ને, આજે, આમ અચાનક કેવી રીતે ઝઘડ્યા અને ઝઘડ્યા એ તો ઠીક છે; પણ મારામારી પર આવી ગયા?!
‘તમે ઢબ્બુને પૂછજોને...’ સનીનાં મમ્મીએ ચોખવટ પણ કરી, ‘હું પણ સનીને પૂછીશ. જો તે કહે તો તમને ફોન કરું છું...’
‘ઠીક છે...’
મમ્મીએ ફોન મૂક્યો. હવે તેની પાસે પપ્પાની રાહ જોવા સિવાય છૂટકો નહોતો. જોકે પપ્પા પાસેથી પણ ક્યાં તેને તરત વાત સાંભળવા મળવાની હતી. પપ્પા તો આવીને તરત ઢબ્બુ સાથે બિઝી થઈ ગયા હતા.
lll

‘બધી વાત કરતાં પહેલાં આપણે એક સ્ટોરી કરીએ...’ ઢબ્બુની બિહેવિયર પરથી પપ્પા સમજી ગયા હોય એમ તેમણે તરત જ કહી દીધું, ‘મૂડ ન હોય તો પણ સાંભળવી ગમે એવી બે ફ્રેન્ડની (Friendship Day 2023) સ્ટોરી છે અને એવા બે ફ્રેન્ડની છે જે બન્ને એકબીજાના એકદમ બેસ્ટ ફ્રેન્ડ હતા.’
‘હતા, મીન્સ પાસ્ટ ટેન્સ, રાઇટ?’ ઢબ્બુએ પપ્પાની સામે જોયું, ‘તો-તો મને કામ લાગશે, કરો સ્ટોરી...’
‘તમે બેઉ જમી તો લો પહેલાં...’
‘ના, હમણાં નહીં...’ પપ્પાએ મમ્મી સાથે જોયું, ‘પછી અમે ત્રણ સાથે બેસીશું.’
ત્રણ?! અને એ પણ અમે?!
મમ્મીને સમજાયું નહીં, પણ આર્ગ્યુમેન્ટ ટાળીને તે પણ સ્ટોરી સાંભળવા માટે કોચ પર ગોઠવાઈ. તેને ખબર હતી કે આજની આ સ્ટોરીમાં ઢબ્બુ-સનીના ઝઘડાની વાત આવશે જ આવશે અને તેનું એ અનુમાન સાચું હતું.
‘એક નાનકડું ગામ હતું. એ ગામમાં બે ફ્રેન્ડ રહે... એકદમ બેસ્ટ ફ્રેન્ડ...’ પપ્પાએ સ્ટોરી શરૂ કરી, ‘એવા બેસ્ટ ફ્રેન્ડ કે આખું ગામ ફ્રેન્ડશિપની બાબતમાં એ બન્નેનું એક્ઝામ્પલ આપે...’
‘તેમનાં નામ...’

‘હં...’ પપ્પાએ ઑન ધ સ્પૉટ એ બન્ને ફ્રેન્ડનું નામકરણ કર્યું, ‘એકનું નામ ઢબ્બુ અને બીજાનું નામ સની...’
‘સની નહીં, બીજું કોઈ નામ રાખો.’ ઢબ્બુએ તોબરો ચડાવીને કહ્યું, ‘સારું નામ...’
‘અરે, તું સાંભળ તો ખરો. તને મજા આવશે...’
‘હા, પણ સ્ટોરીના ઢબ્બુને કંઈ થવું ન જોઈએ...’
પપ્પાએ ત્રાંસી આંખે મમ્મી સામે જોઈ લીધું અને પછી સ્ટોરી આગળ વધારી.
‘એવા ફ્રેન્ડ કે આખો દિવસ બન્ને સાથે જ હોય... એકબીજા વિના તે બન્ને રહે નહીં, ક્યાંય જાય નહીં. બધાને એ બન્નેને ફ્રેન્ડશિપની ઈર્ષા આવે.’
lll

એક દિવસ એવું બન્યું કે આખું ગામ હેબતાઈ ગયું. 
સગા ભાઈઓથી પણ વધારે એકબીજા માટે પ્રેમ રાખનારા આ બન્ને ફ્રેન્ડ ગામની મેઇન માર્કેટમાં એવા તે ઝઘડ્યા કે આખું ગામ તેમને જોવા ઊભું રહી ગયું. બન્ને રીતસર મારામારી પર ઊતરી આવ્યા હતા અને મારામારી પણ કેવી? એકબીજાને જમીન પર પછાડી, બધા પ્રકારના સંબંધો ભૂલીને ઈજા પહોંચાડે એવી.
બન્ને ફ્રેન્ડ (Friendship Day 2023) લોહીલુહાણ થઈ ગયા. લોકો છૂટા પાડવાની કોશિશ કરે તો પણ બન્નેમાંથી કોઈ એકબીજાને મૂકે નહીં. વાળ ખેંચે, કપડાં ખેંચે, એકબીજાને નહોર ભરાવે. બન્ને કઈ બાબતમાં ઝઘડે છે એની કોઈને સમજ પડે નહીં. દેકારો મચી ગયો. એકબીજાને છૂટા પાડીને લોકોએ રીતસર તેમને પકડી રાખવા પડ્યા ત્યારે છેક બન્ને કાબૂમાં આવ્યા.
બન્નેને સમજાવી-પટાવીને ઘરે મોકલવામાં આવ્યા, પણ ત્યાં સુધીમાં વાત પહોંચી છેક પંચાયતમાં. પંચાયત પણ મૂંઝવણમાં મુકાઈ. ઢબ્બુ અને સનીની ભાઈબંધીના દાખલાઓ તો આખા ગામમાં ચર્ચાતા હતા. બધા એકબીજાને કહેતા કે દોસ્તી રાખવી તો ઢબ્બુ અને સનીની જેમ અને આજે એ બન્નેએ જ ગામ આખાને ખોટું પુરવાર કર્યું હતું.
‘પંચ મહોદય, અમને લાગે છે કે તમારે આ દિશામાં કામ કરવું જોઈએ...’ એક વડીલે કહ્યું, ‘તે બન્નેના ઝઘડાનું કારણ જાણવું જોઈએ.’
પંચને પણ વાત સાચી લાગી એટલે એણે આદેશ કર્યો કે આવતી કાલે સવારે દસ વાગ્યે ઢબ્બુ અને સનીને પંચમાં હાજર કરવામાં આવે.

lll આ પણ વાંચો :  મંદિર | માણસ

બીજા દિવસે સવારે બન્ને પંચાયતમાં આવી ગયા, પણ બન્નેની આંખો નીચી હતી. બન્નેને ખબર હતી કે એ લોકોએ જે કર્યું છે એનાથી અત્યારે આખા ગામમાં એ બન્નેની જ વાતો થાય છે.
પંચાયત સમક્ષ હાજર થઈને બન્ને નીચી નજર કરીને ઊભા રહ્યા.
પંચના પાંચ મુખ્ય સભ્યો જે હતા તેઓ આવ્યા. આવીને તેમણે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું અને પછી ધીમેકથી ઢબ્બુ અને સની સામે જોઈને સંબોધન વિના જ પૂછ્યું...
‘શું થયું હતું તમારા બેઉ વચ્ચે?’
ચૂપ.
ઢબ્બુ અને સની એક શબ્દ બોલ્યા વિના જમીન તરફ જોઈને એમ જ ઊભા રહ્યા.
પંચને નવાઈ લાગી. ચોવીસ કલાક પહેલાં જે બન્ને એકબીજા સાથે બેફામ ઝઘડતા હતા, જે બન્ને એકબીજાની સાથેની દોસ્તીની પણ ફિકર કર્યા વિના મારામારી કરતા હતા તે બન્ને અત્યારે સાવ જ ચૂપ હતા.
આવું તે કેમ બને?
‘અમે તમને પૂછીએ છીએ...’ પંચના મુખ્ય સભ્યએ ફરી પૂછ્યું, ‘શું થયું હતું તમારા બેઉ વચ્ચે?’
કોઈ જવાબ નહીં. 
સની ઢબ્બુ સામે અને ઢબ્બુ સની સામે જોઈને ફરી નીચું જોઈ ગયા.
lll

‘ક્રિકેટના કારણે જ થયું હશે...’ ઢબ્બુ પહેલી વાર બોલ્યો, ‘ગૅરન્ટી. એ સિવાય કોઈ બીજી વાત જ ન હોય.’
‘પહેલાં વાત તો સાંભળ...’ પપ્પાએ ઢબ્બુના માથા પર હાથ ફેરવ્યો, ‘વાત સાંભળીશ તો ખબર પડશે કે બન્ને વચ્ચે શું થયું હતું...’
‘ઓકે...’ ઢબ્બુ ફરી પપ્પાના ખોળામાં માથું રાખીને સૂતો, ‘કૅરી ઑન...’
ઢબ્બુના આ ‘કૅરી ઑન’ પર પપ્પાને હસવું આવ્યું, પણ તેમણે કન્ટ્રોલ કર્યો. વાત પણ એવી જ હતી કે કન્ટ્રોલ કરવો પડે.
lll

‘વાતાવરણ અને વ્યવહારને જોઈને વર્તન હોવું જોઈએ...’ એક વખત ચાલુ સ્ટોરીએ મમ્મી હસી હતી ત્યારે પપ્પાએ કહ્યું હતું, ‘બનેલું વાતાવરણ તોડવું હોત તો હું પણ હસી શક્યો હોત, પણ હું ઇચ્છતો હતો કે ઢબ્બુ એ પ્રવાહમાં અકબંધ રહે અને એ સિચુએશન, એ ઍટમૉસ્ફિયર સમજે અને એના આધારે જીવનનું લેસન લે અને એટલે જ મેં તેના એ ફની સવાલ પછી પણ કન્ટ્રોલ રાખ્યો, જ્યારે તું...’
‘સૉરી...’ સ્પોર્ટ્સમૅન સ્પિરિટ સાથે મમ્મીએ પોતાની ભૂલ કબૂલી હતી, ‘નેક્સ્ટ ટાઇમ ધ્યાન રાખીશ અને એ પણ તું કહે છે એટલે નહીં, તારી વાત સાચી છે એટલે... સમજી અને એને સ્વીકારીને ધ્યાન રાખીશ.’

lll આ પણ વાંચો :  ધ ગૉડ

‘અમે તમને પૂછીએ છીએ...’ પંચના મુખ્ય સભ્યએ ફરી પૂછ્યું, ‘શું થયું હતું તમારા બેઉ વચ્ચે?’
કોઈ જવાબ નહીં. 
સનીએ ઢબ્બુ સામે, ઢબ્બુએ સની સામે જોયું અને એ પછી ફરીથી બન્ને નજર ફેરવીને નીચું જોઈ ગયા.
બન્નેમાંથી કોઈ કશું બોલ્યું નહીં એટલે પંચ અને ત્યાં હાજર રહેલા સૌકોઈને નવાઈ લાગી. જેઓ સગા ભાઈથી વિશેષ કહેવાય એવી ભાઈબંધી ધરાવતા હોવા છતાં બન્ને એકબીજા સામે પૂરેપૂરા ખુન્નસ સાથે લડતા હતા એ બન્ને અત્યારે ચૂપ હતાં. 
‘જાહેરમાં લડવામાં તો શરમ નહોતી આવતી અને હવે અમે પૂછીએ છીએ તો જવાબ આપવામાં શરમ આવે છે?!’ પંચે ઢબ્બુ-સનીની સામે જોયું, ‘તમે બેઉએ જે વર્તન કર્યું છે એ વાજબી નથી જ નથી. તમારી ફ્રેન્ડશિપની વાતો કરતાં આખું ગામ ખુશ થતું હતું અને એ પછી પણ તમે તમામ પ્રકારની શેહશરમ છોડીને આ રીતે જાહેરમાં ઝઘડો...’
પંચના અન્ય એક સભ્યએ તરત જ સુધારો કર્યો.
‘ઝઘડો નહીં, મારામારી...’

‘રાઇટ...’ પહેલા સભ્યએ પણ તરત જ કરેક્શન કર્યું, ‘અત્યારે બોલવામાં શરમ આવે છે, પણ જાહેરમાં મારામારી કરતાં શરમ ન આવી...’
‘જલદી કહો...’ કડક અવાજ સાથે પંચના પાંચેપાંચ સભ્યોએ એકઅવાજે વાત દોહરાવી, ‘શું થયું હતું તમારા બન્ને વચ્ચે...’
ફરી એક વાર ઢબ્બુએ સની સામે અને સનીએ ઢબ્બુ સામે જોયું. 
બીજા કોઈને તો સમજાયું નહીં, પણ તે બન્નેએ એકબીજાને ઇશારાથી જ કહી દીધું હતું કે વાત કોણ શરૂ કરે.
‘અમે બન્ને એ દિવસ એમ જ નિરાંતે બેઠા હતા...’ ઢબ્બુએ વાત શરૂ કરી, ‘મેં સનીને કહ્યું કે મારી ફૅમિલીની હાલત જોતાં મને એવું લાગે છે કે એ લોકો મારા એજ્યુકેશન અને એને લગતા ખર્ચ માટે ખરેખર બહુ ખેંચાઈ જાય છે. તો મને લાગે છે કે મારે એવું કંઈક કામ શરૂ કરવું જોઈએ જેથી મારી ફૅમિલીને સપોર્ટ મળે...’
‘વાત એકદમ બરાબર છે...’ પંચમાંથી એક સભ્ય બોલ્યો, ‘આમાં ઝઘડાની વાત ક્યાં આવી?’
‘એ જ તો કહું છું સાહેબ તમને...’ ઢબ્બુએ વાત આગળ વધારી, ‘મારી વાત સાંભળીને સની પણ ઍગ્રી થયો.’
lll

‘એકદમ સાચી વાત છે ઢબ્બુ તારી...’ સનીએ ફ્રેન્ડ ઢબ્બુને કહ્યું, ‘મને પણ એવું લાગે છે કે આપણે કંઈક એવું કામ કરવું જોઈએ જેથી આપણી ફી અને ટ્યુશનના પૈસા આપણે આપણી જ મહેનતથી કાઢી લઈએ...’
‘હા યાર...’ ઢબ્બુએ સની સામે જોયું, ‘ખરેખર આપણી ફૅમિલી બહુ હેરાન થાય છે એ બાબતમાં...’
lll

પંચના પાંચેપાંચ મેમ્બરોએ ફરી એક વાર એકબીજાની સામે જોયું. તેમને નવાઈ એ વાતની લાગતી હતી કે બન્ને ફ્રેન્ડ એકબીજાની વાત સાથે સહમત થયા તો પછી ઝઘડો કઈ વાતનો થયો અને શું કામ થયો?
મનમાં જન્મેલો પ્રશ્ન ખોટો પણ નહોતો અને એમ છતાં બન્ને ભાઈબંધો વચ્ચે શું ખોટું કે અયોગ્ય થયું હતું એ જાણવું પણ જરૂરી હતું.

વધુ આવતા શુક્રવારે

columnists Rashmin Shah friends friendship day friendship day 2023