ગમોં કી ધૂપ મેં ભી મુસ્કુરાના પડતા હૈ યે દુનિયા હૈ, યહાં ચેહરા સજાના પડતા હૈ!

14 September, 2022 02:09 PM IST  |  Mumbai | Pravin Solanki

ધરતીનો છેડો ભલે ઘર હોય, પણ તૃપ્તિનો કોઈ છેડો નથી

ગમોં કી ધૂપ મેં ભી મુસ્કુરાના પડતા હૈ યે દુનિયા હૈ, યહાં ચેહરા સજાના પડતા હૈ!

‘ગણપતિબાપ્પા મોરયા...’ છેલ્લા કેટલાક દિવસથી આ નાદ અત્ર-ત્તત્ર સર્વત્ર ગુંજ્યા કર્યા. કોરોનાકાળના બે વર્ષના વિરહ બાદ ગણપતિબાપ્પાનું મિલન અનોખા અંદાજમાં દેખાયું. લોકોની આસ્થાનું આસમાન ખૂલી ગયું. શ્રદ્ધાળુઓ ઠેર-ઠેર, જુદી-જુદી જગ્યાએ બાપ્પાનાં દર્શન કરવા ઊમટી પડ્યા. ‘લાલબાગચા રાજા’નાં દર્શન થવાં એ જીવનનો એક લહાવો ગણાય છે. એ માટે આકરી તપસ્યા કરવી પડે છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે, કોઈ વગદારની ચિઠ્ઠી મેળવવી પડે કે ક્યારેક નગદ નારાયણના ઉપયોગથી પણ કામ બની જાય. પ્રેમ આંધળો છે એ સત્ય છે, પણ શ્રદ્ધાને આંધળી તો ન જ કહી શકાય. હા, શ્રદ્ધા સંમોહિત છે એવું જરૂર કહી શકાય. 

શ્રદ્ધાળુઓ કોઈ એક દર્શનથી તૃપ્ત નથી થતા. ધરતીનો છેડો ભલે ઘર હોય, પણ તૃપ્તિનો કોઈ છેડો નથી. લાલબાગના રાજા સાથે અંધેરીના રાજા, પરેલના રાજા (નરેપાડે), ખેતવાડી પહેલી અને બીજી ગલીના બાપ્પા, કુંભારવાડાના સુખકર્તાનાં દર્શન, મુંબઈના કૃપાળુ (કફ પરેડ), ચીરાબજારના ઇચ્છાપૂર્તિ, ડોંગરીના રાજા, અખિલ સ્વપ્નમૂર્તિ વાગળેના રાજા (થાણે), ઍન્ટૉપ હિલના મહારાજા, વરલી બીડીડી ચાલના રાજા, અભ્યુદયનગરના રાજા, લોઅર પરેલના બાપ્પા, માટુંગાના રાજા વગેરેમાંથી જેટલાં દર્શન થાય એટલાં કરી લેવાની તાલાવેલી શ્રદ્ધાળુઓમાં જોવા મળી હતી. 

ગણપતિ એક, દર્શન અનેક. આપણા ઘરમાં પણ ગણપતિની મૂર્તિ કે છબિ હોય છે તો ઘરના ગણપતિ અને બહારના ગણપતિમાં ફરક શો? એવું જ લાલબાગના ગણપતિ અને અંધેરીના ગણપતિનું. શણગારનો ફરક? નાની-મોટી મૂર્તિનો ફરક? ગણપતિનાં જુદાં-જુદાં સ્વરૂપનો ફરક? દર્શનનું આકર્ષણ છે કે શણગારનું, જુદાં-જુદાં સ્વરૂપનું? આમ પણ આપણે આપણા ઘરમાં ભગવાન હોવા છતાં દ્વારકા, નાથદ્વારા કે ડાકોર શું કામ જઈએ છીએ?

માનસશાસ્ત્રી પાસે આનો બહુ સરસ જવાબ છે. ઈશ્વરની વાત તો જવા દો, માણસનો ચહેરો પણ હર પળે, હર પ્રસંગે, હર સ્થાને બદલાતો હોય છે. તે કહે છે કે માણસ દિવસે દસથી વધુ સ્વરૂપ બદલતો હોય છે. નદીનું પાણી જેમ એકનું એક નથી રહેતું એવું માણસનું પણ છે. નદીનો પ્રવાહ જેમ વહેતો રહે છે એમ માણસનું જીવન પણ હર પળ વહેતું રહે છે. તમે હસતા હો એ સ્વરૂપ અને ક્રોધમાં હો ત્યારનું સ્વરૂપ કેટલું અલગ-અલગ હોય છે એ કદી જોયું છે તમે? 

તમે સવારે ઊઠો છો ત્યારે કેટલી તાજગી હોય છે અને સાંજે કામ કરીને આવ્યા પછી થાકેલી મુદ્રા કદી જોઈ છે? મંદિરમાં દર્શન કરતા હો ત્યારે અને સ્મશાનમાં ગયા હો ત્યારના તમારા સ્વરૂપનો કદી વિચાર કરી જોજો. અરે, તમે મનમાં કોઈ સારા વિચાર કરતા હો અને ખરાબ વિચાર કરતા હો ત્યારે અવશ્ય તમને બે જુદાં-જુદાં સ્વરૂપ દેખાવાનાં. તમારો મૂળ ચહેરો અને અરીસામાં દેખાતા ચહેરાનો ફરક ક્યારેય ધ્યાનમાં લીધો છે? 

સ્વરૂપ, શણગાર, સ્થાન અને મહિમા; આ ચાર આકર્ષણ આપણને જુદી-જુદી જગ્યાએ દર્શન કરવા પ્રેરે છે. બાકી તો નરસિંહ મેહતાએ યથાર્થ રીતે કહ્યું છે, ‘નામ રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.’ અહીં સ્વરૂપ, ચહેરાની વાત કરતાં ઑસ્કર વાઇલ્ડની એક મશહૂર છતાં વિવાદાસ્પદ, બહુચર્ચિત છતાં ફિલોસૉફિકલ નવલકથાની વાત યાદ કરતાં રોકી શકતો નથી. નવલકથાનું નામ છે, ‘પિક્ચર ઑફ ધ ડોરિયન ગ્રે’. વાત અટપટી, અઘરી છે, પણ રૂપાળા ચહેરા અને ખરાબ વિચાર-વર્તન વચ્ચેના સંઘર્ષની આ મનોવૈજ્ઞાનિક વાત છે. 

વાર્તાનો હીરો છે ડોરિયન ગ્રે - યુવાન, અતિ આકર્ષક ચહેરો, છટાદાર વ્યક્તિત્વ એવું કે જોતાંની સાથે જ લોકો સંમોહિત થઈ જતા. એક દિવસ મિત્રે ગોઠવેલી પાર્ટીમાં તે હેઝલ નામની વ્યક્તિના સંપર્કમાં આવે છે. હેઝલ ચિત્રકાર છે, નોખો-અનોખો ચિત્રકાર. તે પીંછીથી નહીં, દિલથી ચિત્ર અંકિત કરતો.

ડોરિયન અને હેઝલની મિત્રતા ગાઢ બન્યા પછી હેઝલ તેનું પોર્ટ્રેટ દોરવાની ઇચ્છા ડોરિયન પાસે કરે છે. અસલ વાત એ હતી કે ડોરિયનને પહેલી વખત જોતાં જ તે તેની આંખમાં વસી ગયો હતો. મનમાં એ વખતે જ ભાવ જાગ્યો હતો કે જો ડોરિયનનું પોર્ટ્રેટ બનાવવાની તક મળે તો મારી તમામ કરામત એમાં લગાડીને ડોરિયનને જગપ્રસિદ્ધ બનાવી દઉં. 
પોર્ટ્રેટ માટેની બેઠકો શરૂ થઈ. ડોરિયને પરવાનગી આપી એનાથી હેઝલ અભિભૂત થયો. દરેક બેઠકમાં રેખાંકન કરતાં-કરતાં તે ડોરિયનના રૂપનાં, તેની સુંદરતાનાં વખાણ કરતાં થાકતો નહોતો. 

એક દિવસ બેઠક ચાલુ હતી એ દરમ્યાન હેઝલનો મિત્ર લૉર્ડ હેનરી ત્યાં આવી ચડે છે. હેઝલનો તે મિત્ર હતો, પણ મનથી તેને તે ગમતો નહોતો. તેનો સ્વભાવ કોઈ પણ માણસને આડે રસ્તે ચડાવી દેવાનો હતો. થયું પણ એવું જ. હેનરીએ ડોરિયનને કહ્યું, ‘તારું પોર્ટ્રેટ તો અતિ સુંદર, અનુપમ છે, અસ્સલ તારા જેવું જ અને એ સદાકાળ તારા જેવું જ રહેશે, પણ તારું શું? તું સદાકાળ યુવાન રહેવાનો નથી, સમયનો માર લાગતાં તારા ચહેરા પર કરચલીઓ પડશે, વાળ ઓછા થશે, દાંત પીળા પડી જશે, ત્યારે આ પોર્ટ્રેટ જોઈને તું દુખી-દુખી થઈ જઈશ. તને તારી યુવાનીના દિવસો યાદ આવશે, તારો બદલાયેલો ચહેરો તને અણગમતો લાગશે’ વગેરે કહીને ડોરિયનનું મગજ ફેરવી નાખ્યું અને પોર્ટ્રેટને એક ઓરડામાં મૂકીને તાળું લગાવી દીધું. 
પછી તો ઘણુંબધું બને છે. આખી વાત કહેવી અહીં શક્ય નથી. મહત્ત્વની વાત એ છે કે વૃદ્ધત્વ આવે એ પહેલાં ડોરિયન જિંદગીના તમામ રંગરાગ માણતો થઈ જાય છે. પ્રેમમાં પડે છે, પ્રેમભંગ પણ થાય છે, ગુનાઓનો દેવતા બની જાય છે, ખૂન-ખરાબા કરે છે. આ બધા હાદસામાં તેનો ચહેરો વિકૃત થઈ જાય છે. એક દિવસ તેને પોર્ટ્રેટ યાદ આવે છે. રૂમનું તાળું ઉઘાડે છે ને ત્યાં શું જુએ છે? 

 રૂમ ઉઘાડતાં જ તે ચીસ પાડી ઊઠે છે. તેનો ચહેરો જેટલો વિકૃત હતો એનાથી પણ બિહામણો ચહેરો પોર્ટ્રેટનો બની ગયો હતો. ન પોતાનો ચહેરો સુંદર રહ્યો, ન પોર્ટ્રેટનો. ડોરિયન ધ્રૂજવા માંડ્યો, જાત પર કાબૂ ન રાખી શક્યો, એક ધારદાર છરી લઈને તેણે પોર્ટ્રેટના લીરેલીરા કરી નાખ્યા.

અવાજ સાંભળીને નોકર રૂમમાં ધસી આવે છે તો કોઈ જુદું જ દૃશ્ય સામે આવે છે. પોર્ટ્રેટ તો પહેલાં જેવું જ મોહક-સુંદર છે, પણ ડોરિયન ઢળી પડ્યો છે, તેના શરીર પર છરીના અનેક જખમ છે. 
મિત્રો, આ રહસ્યમય રૂપક સમજવા મૂળ કૃતિ જરૂર વાંચજો. એની ફિલ્મ પણ આવી ગઈ છે.

સમાપન
ચહેરા અજાણ્યા થઈ જાય તો વાંધો નહીં, પણ જાણીતાનું વર્તન બદલાઈ જાય ત્યારે બહુ પીડા થાય છે.

 મંદિરમાં દર્શન કરતા હો ત્યારે અને સ્મશાનમાં ગયા હો ત્યારના તમારા સ્વરૂપનો કદી વિચાર કરી જોજો. અરે, તમે મનમાં કોઈ સારા વિચાર કરતા હો અને ખરાબ વિચાર કરતા હો ત્યારે અવશ્ય તમને બે જુદાં-જુદાં સ્વરૂપ દેખાવાનાં. તમારો મૂળ ચહેરો અને અરીસામાં દેખાતા ચહેરાનો ફરક ક્યારેય ધ્યાનમાં લીધો છે? 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Pravin Solanki