પોણાચાર લાખ કિલોમીટર હેમખેમ અને છેલ્લાં બે ‌કિલોમીટરમાં શ્વાસ છૂટ્યો

08 September, 2019 02:34 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

પોણાચાર લાખ કિલોમીટર હેમખેમ અને છેલ્લાં બે ‌કિલોમીટરમાં શ્વાસ છૂટ્યો

ઈસરો

આમ તો આ વાત આ રીતે નહીં, પણ જરા જુદી રીતે કહેવી જોઈએ અને લખવું જોઈએ કે પોણાચાર લાખ કિલોમીટરની જર્ની ચંદ્રયાને હેમખેમ કરી અને છેલ્લાં બે કિલોમીટરની જર્નીમાં ચંદ્રયાને દેશ જીતી લીધો. હા, આજે મોટા ભાગના સૌકોઈના મોઢે ચંદ્રયાનની વાતો છે. વિક્રમનું લૅન્ડિંગ ન થઈ શક્યું એની વાતો છે અને વિક્રમ સંપર્કવિહોણું બન્યું એની વાતો છે. શુક્રવારની મધરાત સુધી સૌકોઈની નજર ન્યુઝ-ચૅનલની સ્ક્રીન પર હતી અને એ પછી આંખોમાંથી ઊંઘ ઊડી ગઈ હતી. મારા જેવા અઢળક લોકોએ ઉજાગરા કર્યા હશે અને મારા જેવા અનેક લોકોની આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ ગઈ હશે. આ ચંદ્રયાનની અને ઇસરોની કમાલ હતી. ઇસરો એટલે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન. આ સંસ્થાની આવશ્યકતા માટે અનેક લોકો પાસે શંકાસ્પદ તર્ક છે, અનેક લોકો પાસે વગરકારણની કુશંકાઓ છે. વાતમાં તર્ક લાગે જો એ ધ્યાનથી સાંભળો તો પણ સાથોસાથ એ તર્ક સાથે જો વાસ્તવિકતા પણ જોડવાનું કામ કરો તો તમને સમજાઈ આવે કે આ તર્કમાં માત્ર દલીલ જ છે, એના સિવાય કશું નહીં.

સ્પેસ પ્રોગ્રામ માટે આપણે ત્યાં ડાબેરીઓએ હંમેશાં દલીલ કરી છે કે એની કોઈ આવશ્યકતા નથી. એ રૂપિયાનો વેડફાટ છે. લૉજિક સાથે વાત કરીએ તો વાત ખોટી પણ નથી લાગતી. સ્પેસ પ્રોગ્રામ એ આમ જોઈએ તો કૉલર ટાઇટ કરવાની રીત છે. જે દેશો પાસે આર્થિક સંકડામણ નથી, જેના બજેટમાં ક્યાંય રોડ-રસ્તા કે પાણી જેવી પાયાની સુવિધાઓ અગ્રીમ સ્થાન પર નથી, જેણે એ બધાં કામ કરી લીધાં છે એ દેશને સ્પેસ પ્રોગ્રામ પોસાય. તમે સાંભળ્યું છે ક્યારેય કે નેપાલે સ્પેસ પ્રોગ્રામ કર્યો કે દુબઈ, અફઘાનિસ્તાન કે ફ્રાન્સે એ પ્રકારના પ્રોગ્રામો પર ધ્યાન આપ્યું. ના, ક્યારેય નહીં અને એનું કારણ છે કે તેમનાં બજેટ મર્યાદિત છે. ડાબેરીઓએ એવી દલીલો કરી છે કે આપણે પણ આપણી વાસ્તવિકતા સ્વીકારીને પ્લાનિંગ કરવું જોઈએ અને આ દિશામાં થનારા ખોટા ખર્ચા પર કાપ મૂકવો જોઈએ.

અહીં હવે વાત આવે છે આ દલીલો સામેના કાઉન્ટરની. જરા વિચાર તો કરો, ઘરમાં બેસીને તમે જે દલીલ કરો છો એ દલીલ પાસે પાયો છે કે નહીં? ઇસરો જે કાર્યક્રમ કરે છે એ કાર્યક્રમમાં બજેટ એ સ્તર પર પાંગળાં હોય છે કે તમે એની કલ્પના પણ ન કરી શકો. સીધા શબ્દોમાં સમજાવું તો નાસાના સાયન્ટિસ્ટના જે વાર્ષ‌િક પગાર હોય છે એ પગારમાં આપણા વૈજ્ઞાનિકો આખો પ્રોજેક્ટ પૂરો કરે છે. આ તેમનું કૌવત છે, આ તેમની રાષ્ટ્રભક્ત‌િ છે. આ રાષ્ટ્રભક્ત‌િને કારણે જ આજે ભારત સ્પેસ પ્રોગ્રામની બાબતમાં પણ અવ્વલ દરજ્જા પર છે. હવે એ વાત તો જગજાહેર થઈ ગઈ છે કે આપણે ‌રિક્ષાના ભાડાના ખર્ચમાં સ્પેસ પ્રોગ્રામ પાર કરીને મંગળ અને ચંદ્ર પર પહોંચીએ છીએ.

આ પણ વાંચો : રાષ્ટ્રભાવના જાતે પ્રબળ ન બની શકો તો ઇઝરાયલના રસ્તે ચાલી લેવું

શુક્રવાર રાતની વાત કરીએ. એ રાતની જે એકેક ક્ષણ હતી એ અદ્ભુત હતી. જે ઘડીએ વિક્રમ સંપર્કવિહોણું બન્યું ત્યારે એકેકે સાયન્ટિસ્ટના ચહેરા પરથી નૂર ઊડી ગયું હતું. કરુણાની આ ચરમસીમા હતી કે ઇસરોના ચૅરમૅનની આંખોમાં પણ આંસુ આવી જાય અને તેઓ રડી પડે. સાયન્ટિસ્ટ છે ભાઈ, એમ આંસુ તેમની આંખોમાં ન આવે, પણ જે આંસુ આવ્યાં હતાં એ દેશ પ્રત્યેની જવાબદારી હતી. રાષ્ટ્રઆખું જ્યારે તમારા પર આંખો માંડીને બેઠું હોય ત્યારે તમે એ કાર્યમાં નિષ્ફળતા પામો ત્યારે એ વાત નાસૂર બનીને હૈયામાં ખૂંપે ત્યારે આંખમાં આંસુ પ્રગટે.

columnists manoj joshi